જેલ અને ન્યાયતંત્ર

થોડા દિવસ પહેલા મધુર ભંડારકર દ્વારા નિર્મિત મૂવી "જેલ" જોયું. મધુર ભંડારકર મોટાભાગે વાસ્તવિક અને સાંપ્રત વિષયો પર મૂવી બનાવવા માટે જાણીતા છે અને આ મૂવી પણ વાસ્તવિકતાની ઘણી નજીક છે. આ મૂવી જેલમાં રહેતા કેદીઓની જીંદગી વિશે છે. આ મૂવી જોયા પછી આપણા પાંગળા જેલતંત્ર અને ન્યાયતંત્ર વિશેના મારા વિચારો અહીં મૂકુ છું.

જેલમાં આપણે ગયા ના હોઇએ પણ છાપાઓમાં કાયમ આપણી જેલો, તેમાં પ્રવર્તતી અંધાધૂંધી અને કેદીઓની બિસ્માર હાલત વિશે વાંચતા હોઇએ છીએ. જેલ અને એમાં રહેતા કેદીઓની બિસ્માર હાલત માટે આપણી નબળી ન્યાયિક પ્રક્રિયા જ જવાબદાર છે. કેદીઓના કોર્ટ કેસ વર્ષો સુધી ચાલતા રહે છે અને જેલ કેદીઓથી ઉભરાતી રહે છે. સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો એક દીવા સ્વપ્ન જેવું જ છે. આપણું ન્યાયતંત્ર પણ એવું છે કે માણસ જેલમાં જાય પછી નિર્દોષ હોય તો પણ જેલની બહાર ના નિકળી શકે. આમ આદમી  ન્યાય મેળવવાની લડત આજીવન ચાલુ રાખે તથા આર્થિક અને માનસિક હાલાકી ભોગવે તો પણ જીવતે જીવ તો ન્યાય ના પણ મળે. માણસ એક વાર જેલમાં જાય એટલે ખંધા વકીલો અને ધીમી ન્યાય પ્રક્રિયાનો ભોગ બની જાય. (આ બાબતે અહીં અમીત શાહનું ઉદાહરણ એકદમ બંધબેસતું છે. અમીત શાહ દોષી છે કે નિર્દોષ છે વાત એ નથી પણ એમના જેવા હાઇ પ્રોફાઇલ વ્યક્તિ કે જે પૈસા પાણીની જેમ વાપરી શકે છે, રામ જેઠમલાણી જેવા દેશના ટોચના ધારાશાસ્ત્રીને જામીન માટે લગાવ્યા છે અને પૂરતું રાજકીય પીઠબળ છે છતાં છેલ્લા ત્રણ મહિનાથી જામીન માટે રાહ જોઇ રહ્યા છે. જો હાઇ પ્રોફાઇલ લોકોના પણ આવા હાલ હોય તો આમ આદમીની તો શું હાલત થાય?) જેલમાં જનારા બધાં આરોપી નથી હોતા કે બધાં નિર્દોષ નથી હોતા પણ લીલા જોડે સૂકું પણ બળે એ ન્યાયે નિર્દોષો પણ આ અમાનવીય પ્રક્રિયાનો શિકાર બની જાય છે.

જેલની અમાનવીય પરિસ્થિતિઓ વચ્ચેનું જીવન અને બીજા આરોપીઓની સંગતમાં સારો માણસ પોતાની જાતને સારો રાખી શકે એ વાત લગભગ અશક્ય જેવું છે. માણસની ધીરજ ક્યારેક તો ખૂટી જ જવાની છે ને? આ બાબતે જેલ મૂવીમાં એક સરસ સંવાદ પણ છે કે જેમાં મનોજ બાજપેયી નીલ નીતિન મૂકેશને કહે છે કે "हो सके तो जैसे आये थे वैसे ही बहार जाना" એટલે કે તુ નિર્દોષ છે અને નિર્દોષતાને જાળવી રાખજે.

મને કાયમથી પીળી વર્દીવાળા, કાળા કોટવાળા અને સફેદ કોટવાળાનો ડર રહે છે. પોલીસ સ્ટેશન, કોર્ટ કે હોસ્પિટલના પગથિયા ચઢો એટલે આર્થિક અને માનસિક હાલાકી સિવાય કશું નથી મળવાનું. પાસપોર્ટ માટે પોલીસ ઇન્ક્વાયરીનું કામ પણ પૈસા આપ્યા વગર નથી થતું. આપણું નામ પોલીસ ચોપડે ચઢ્યું હોય કે ના ચઢ્યું હોય 50-100 રૂપિયાનો તોડ કર્યા વગર કામ ના થાય. મેં જ્યારે પહેલી વખત પાસપોર્ટ બનાવેલો અને પોલીસ સ્ટેશન ઇન્કવાયરી માટે ગયો હતો ત્યારે મારા કાગળિયામાં સહી કરીને મને કહી દીધું કે સામે પાનવાળી દુકાનથી 1.5 લિટરની બે કોકની બાટલીઓ લઇ આવો. મારાથી ના કહી શકાય એવી કોઇ સંભાવના જ નહોતી કારણ કે વિનંતી કરવામાં આવે તો હા-ના થાય પણ આ તો હકથી માંગવામાં આવે બધું. ઇન્ડિયામાં આપણને ટ્રાફિક પોલીસ પકડે એટલે આપણું લાઇસન્સ લઇ લે અને પછી કહે કે કોર્ટમાં આવીને દંડ ભરીને લાઇસન્સ પાછું લઇ જજો. આમ કહે એટલે આપણે તરત જ નાણાં કોથળી ઢીલી કરી દઇએ અને જેટલા માંગે એટલા આપણે એ પોલીસને આપી દઇએ. એનું કારણ એ છે કે આપણને કોર્ટ પર ભરોસો નથી અથવા તો ત્યાં વેઠવી પડતી હાલાકીઓનો અને સમયની બરબાદીનો ડર છે. હું ઇન્ડિયામાં કોર્ટમાં સોગંધનામું બનાવવા જેવા નાના કામ માટે પણ જવાનું ટાળું છું. કાયદાની જાણકારીના અભાવે જનતાની લૂંટાલૂંટ કરતી સંસ્થા જેવું મને ત્યાં લાગે છે. જે કામના માત્ર 100 રૂપિયા થવા જોઇએ એ કામના વકીલોની મિલીભગત અને ભરપૂર ભ્રષ્ટાચારના લીધે 500 રૂપિયા થઇ જાય છે. ડોકટરોનું પણ આજ કાલ આવું જ છે. ભગવાન મને કાયમ આ ત્રણ પ્રકારના લોકોથી બચાવીને રાખજે…

ભ્રષ્ટાચારની વાત બાજુએ મૂકીને ખાલી ન્યાયતંત્રની વાતા કરીએ તો મને ઘણી વખત એમ વિચાર આવે કે આપણે શા માટે આપણી ન્યાય પ્રક્રિયાને ઝડપી ના બનાવી શકીએ? અમેરિકાએ ટાઇમ્સ સ્કેવરમાં બોમ્બ મૂકવાના આરોપી ફૈઝલ શહેઝાદને પકડ્યો અને 4-5 મહિનાની અંદર એનો કેસ પતી પણ ગયો અને એને જન્મટીપની સજા પણ થઇ ગઇ. જ્યારે આપણે ત્યાં કસાબભાઇ આટલા લોકોને છડે ચોક મારીને પણ આપણા પૈસે મોજમજા કરી રહ્યા છે. એમને તો ખબર નહીં ભારત સરકાર સજા કરશે કે કેમ? એ જ રીતે અફઝલ ગુરૂનો કેસ પણ ખાલી એક ચૂંટણી મૂદ્દો બની રહી ગયો છે. ભારતની દરેક અદાલત એ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી ચૂકી છે છતાં સરકાર ગંદી રાજનીતિ કરી રહી છે. સજાનો અમલ નથી થતો એટલે જેલમાં એક માણસને જીવાડવા માટે ખોટો ખર્ચો કરવો પડે છે. જેલમાં કેદીઓની સંખ્યા વધતી રહેવાનું કારણ અકાર્યદક્ષ ન્યાય પ્રક્રિયા જ જવાબદાર છે. રામ જન્મભૂમિ, મુંબઇ બ્લાસ્ટ કેસ, ભોપાલ ગેસ કાંડ વગેરે જેવા અનેક કેસોના ચૂકાદા આપવામાં નીચલી અદાલતોએ 20-25 વર્ષ કાઢી નાંખ્યા અને હજી આવા કેસો લટકતા રહ્યા છે. નથી કોઇ ગુનેગારોને નોંધપાત્ર સજા થતી કે નથી બધા પક્ષકારોને મંજૂર હોય એવો ચૂકાદો આવતો. આવી ન્યાય પ્રક્રિયાનો શું મતલબ છે.

છેવટે જેલ મૂવી વિશે વાત કરીએ તો મૂવી મને આમ સારુ લાગ્યું. એક વખત જોઇ શકાય એવું તો ખરું. મધુર ભંડારકરના "ટ્રાફિક સિગ્નલ" સિવાયના બધાં મૂવી મને ગમ્યા છે અને મારા ખ્યાલથી બધા એક વખત જોઇ શકાય એવા મૂવી તો છે જ.

4 Responses

  1. મને પણ એ movie ગમ્યું હતું. મોટા કેસ નું ભલે ગમે તે થાય પણ નાના કેસ માં નિર્દોષ માણસો વરસો થી અંદર છે અને એમના પરિવાર વાળા મુશ્કેલી ઓ વેઠે છે.

    સૌરભ શાહ નો જેલ અનુભવ વાંચવા જેવો છે.

  2. You are absolutely right. I have a very recent experience of lawyer. I can’t write here but once you come to India I will share it with you. Same thing for doctor. After reading ketan desai’s scandal, whenever I see board of Gold medalist doctor I doubt whether he/she will be a real gold medalist or just relative of Ketan Desai. And ploicewala is as usual. No need to write about them.

  3. ગુનેગાર, કેસ નિકાલ અને ન્યાયતંત્ર મુળ કાયદાઓના થોથાના આધારે ચાલે છે. આપણે ત્યાં કાયદા એટલાં ગુંચવી નાંખવામાં આવ્યા છે કે ઘણી વખત તો એક કલમને પાળવા માટે બીજી કલમનું ઉલ્લંઘન થઇ જતું હોય છે અને કયારેક ગુનેગારને કોઇ ગુના માટે સજા આપવામાં અન્ય પેટા કલમો નડતી રહે છે.

    આપણાં ન્યાયતંત્રની એક હાસ્યાસ્પદ પરંતુ કરૂણ વાત – એક આતંકવાદી કસાબ કે જેણે કેટલાયે સામાન્ય લોકોની જાહેરમાં કતલ કરી છે તેને ગુન્હા સ્થળથી રંગે હાથ પકડવામાં આવે છે ઉપરાંત બંદુક સાથેના તેના ફોટો જગજાહેર મીડીયામાં છપાય છે છતાં તે મહાશયને આપણી કોર્ટમાં પહેલા ગુનેગાર સાબિત કરવો પડે છે તે માટે વકિલની વ્યવસ્થા પણ સરકારે કરી આપવી પડે છે અને તે સરકારી ખર્ચે કેસ લડતો વકિલ પેલા જાહેર ગુનેગારને બચાવવા દલિલો પણ કરી શકે છે, કેસને લાંબો ખેંચી શકે છે, આરોપીનો બચાવ કરી શકે છે અને આ બધુ પાર પડે ત્યાર પછી જ તેને સજા આપી શકાય છે !!!!! અને નિર્દોષોની કૃર રીતે હત્યા કરનાર પરદેશી આતંકવાદીને આપણી કોર્ટે સજા ફરમાવ્યા પછી પણ તે મહાન ગુનેગાર તેના દ્વારા થયેલ ગુના માટે દયાની અરજી પણ કરી શકે છે અને આખા દેશમાં કોઇની તાકાત પણ નથી કે તે મહાન વ્યક્તિને હાથ પણ અડાડી શકે. તેને ખાવા-પીવા-રહેવાનું અને સુરક્ષા આપવી દરેક ભારતીયની ફરજ બની જાય છે !! (આ બધી સત્તા આપણાં બંધારણે ગુનેગારને આપી છે, જો ગુનેગાર પહેલા જ ગુનો કબુલતો હોય તો પણ તેની માટે કોર્ટમાં કેસ ચલાવવો અને તેને ગુનેગાર સાબિત કરવો ફરજીયાત છે !!)

Leave a comment