મગજની કસરત

આ અઠવાડિયું ઓફિસમાં "એન્જીનીયર વીક" તરીકે ઉજવાઇ રહ્યું છે. આ ઉજવણી પાછળનો હેતુ એન્જીનીયર તરીકે તમને નવું નવું કરતા રહેવાનું, નવું નવું જાણતા રહેવાનું અને મગજ કસતા રહેવાની પ્રેરણા આપવાનું છે. આવતી કાલે આ ઉજવણીનો સમાપન સમારોહ છે એટલે આવતીકાલ આખો દિવસ ટાઇમપાસમાં જશે. સવારે સેમિનાર છે અને ત્યારબાદ કંપની તરફથી ભોજન અને ત્યાર બાદ મગજ કસે એવી રમતો.

ગયા વર્ષે આ ઉજવણીના ભાગરૂપે ખરેખર સરસ ચેલેન્જ આપવામાં આવી હતી. ભાગ લેનાર ટીમોને એક ઇંડુ, થોડા છાપાના કાગળ, સ્ટ્રો, અને દોરી આપવામાં આવી હતી અને ચેલેન્જ એ હતી કે આપેલી સામગ્રીનો એ રીતે ઉપયોગ કરવાનો કે આપેલ ઇંડાને 10મા માળેથી ફેંકો કે 10 ફૂટથી ફેંકો ઇંડુ તૂટવું ના જોઇએ. લોકોએ મગજ દોડાવીને સરસ protection design ઇંડા માટે તૈયાર કરી હતી. પછી એકથી વધૂ ડિઝાઇન આપેલ ચેલેન્જ પર ખરી ઉતરતા એમ નક્કી કરાયું કે જેણે આપેલ સામગ્રીમાંથી સૌથી ઓછી સામગ્રી વાપરી હશે એ વિજેતા રહેશે. છેવટે વિજેતા ડિઝાઇન હતી પેરાશૂટની. આ ડિઝાઇનમાં છાપાના આપેલા કાગળમાંથી પહેલા એક વાટકા જેવું બનાવ્યું હતું જે થોડું મજબૂત બનાવેલુ હતું અને એ વાટકાને ચાર બાજુએથી દોરી બાંધીને સ્ટ્રોમાંથી પસાર કરીને ઉપર એક મોટા છાપાના કાગળ સાથે બાંધવામાં આવ્યું હતું કે જેથી પેરાસૂટ જેવો આકાર બને. આ પ્રકારની ડિઝાઇન થકી જ્યારે ઇંડાને ઉપરથી ફેંકો તો પણ પેરાશૂટની રચનાના કારણે હવામાં ઉડતું ઉડતું ઇંડું નીચે પહોંચે અને જમીન પર પછડાતી વખતે હળવો ઝટકો લાગે. જો કે આ ડિઝાઇન એકદમ ફૂલપ્રૂફ નહોતી તો પણ ટૂંકા સમયમાં આ પ્રકારે વિચારવું અને આવી ડિઝાઇન સાથે તૈયાર કરવું એ સરાહનીય તો કહેવાય જ. નીચે બે અલગ અલગ ડિઝાઇનોના ફોટા છે.

IMG_0066[1]IMG_0068[1]

 

 

 

 

 

 

 

 

 

જોઇએ હવે કાલે શું ચેલેન્જ મળે છે?

આ અઠવાડિયામાં રોજ એક Quiz Question પણ મેઇલ દ્વારા પૂછાતો હતો. નીચે આ સવાલોમાંથી પૂછાયેલા બે સવાલો મૂક્યા છે. જોઇએ કોણ મગજ કસીને આના સાચા જવાબો આપી શકે છે.

1. During Chinese New Year there was a family reunion dinner, with the following people: 2 daughters 1 daughter in law, 3 grandchildren 1 grandma, 2 fathers, 1 mother in law, 1 brother, 2 sisters, 4 children, 2 sons, 1 grandpa, 1 father in law, 2 mothers.
But there’s isn’t really as many people as it sounds. How many people were actually present? Find the least no. of people which satisfy the above condition as answer.

2. The clock at Buddhist temple in Clementi took 5 seconds to strike 5. By the time prayers were done, it was almost 9. How long will it take to strike 9 ?

જોઇએ કોઇ આ સવાલોના ખરા જવાબ આપી શકે છે કે નહીં? જવાબ 2-3 દિવસ પછી કમેન્ટમાં મૂકીશ.

IMG_0521[1]નીચે આ વખતે કંપનીમાંથી મળેલ ટી શર્ટનો ફોટો છે.

વૈચારિક અસહિષ્ણુતા

ગુજરાતી બ્લોગ વિશ્વ પ્રગતિના પંથે છે અને રોજે રોજ નવા ગુજરાતી બ્લોગરો ઉમેરાતા જાય છે. એ સારી વાત છે કે લોકો ગુજરાતીમાં વિચારોની અભિવ્યક્તિ કરવાનું યોગ્ય માને છે. જો કે આ વિકાસ સાથે લખનારાઓમાં થોડી વિચારોની સહિષ્ણુતા અને પરિપક્વતા આવે એ જરૂરી છે.  આજ કાલ લોકો ચોખ્ખી ને ચટ વાત કરવામાં માને છે અને મારા બ્લોગ પર મનફાવે એમ લખું, વાંચવું હોય તો વાંચો અને વાહ વાહ કરો નહીં તો GTH વાળી મનોવૃત્તિ વધારે જોવા મળે છે. એ વાત સાથે સહમત કે બ્લોગમાં શું લખવું એ બ્લોગના માલિકનો એકાધિકાર છે પણ જાહેર માધ્યમમાં તમે તમારા વિચારો મૂકો છો તો પછી એટલી પરિપક્વતા તો રાખો કે બધાં અભિપ્રાયો તમારા વિચારોને અનુમોદન કરનારા ના પણ આવે.

વળી બુધ્ધિનું દેવાળું ત્યાં ફૂંકાય કે એક પોસ્ટ લખી હોય એના ઉપર આવેલા અભિપ્રાય માટે (કે જે અભિપ્રાયની બાદબાકી કરી દીધી હોય કારણ કે ખાલી વાહ વાહી વાળા અભિપ્રાયોને જ રખાય) વળી નવી પોસ્ટ લખાય અને એમાં અસભ્ય તો નહીં પણ "ઝાડા થઇ જવા કે અપચો થઇ જવા" જેવી અરુચિકર ભાષાનો પ્રયોગ થાય. પોતે જ મહાન અને પોતાનું લખાણ જ મહાન અને બીજા બધાં લલ્લુ પંજુ છે એવા ભ્રમમાં ના રહેવું. વાણી સ્વાતંત્ર્યનો હક્ક જેટલો તમારી પાસે છે એટલો જ બીજા પાસે છે. જો વૈચારિક મતભેદ ના પચતા હોય તો પાચન શક્તિ સુધારવા પર કામ કરવું અથવા તો પોતાના વિચારોની આપ લે પોતાના સિમીત વર્ગ સુધી મર્યાદિત રાખવી.

उम्मीदोवाली धूप, सनशाईनवाली आशा

કહેવાય છે “Hope is a way of life” એટલે કે આશાવાદ જીવન છે (સાચી વાત) પણ જીવનમાં આશાવાદ ટકાવી રાખવો બહુ અઘરું છે (બીજાના માટે ખબર નહીં પણ મારા માટે તો છે જ). ઘણી વખત હું અમુક લોકોને જોતો હોઉ છું એમના જીવનમાં કશું નથી હોતું (મારા મૂલ્યાંકન મુજબ) છતાં પણ તેઓ ભરપૂર આશાવાદ સાથે સસ્મિત મસ્ત થઇને લાઇફ જીવતા હોય છે. મારું આ બાબતમાં ઉંધું છે. બીજાના મહેલ જોઇને મારું ઝૂંપડું હું ઘણી વાર બાળતો હોઉં છું  (જો કે આને હું ઇર્ષાનું નામ નહીં આપું). જીવનમાં ગમે તેટલો આશાવાદ રાખું પણ પનો થોડો ટૂંકો જ પડતો હોય એવું લાગે છે Smile. ઘણી વખત થાય છે કે જીવનધ્યેય ખોટું રાખ્યું છે અથવા તો ઇચ્છાઓ અધધ…. છે પણ એ બાબતો વિશે કોઇ બાંધછોડને અવકાશ નથી. હું મારા ધ્યેય વિશે ખોટો કે ખરો છું એ તો સમય બતાવશે પણ આ આશાવાદ અને નિરાશાવાદના સાઇન વેવમાં જીંદગી ઝૂલતી રહેશે એ પાક્કું છે.

હમણાં કોકની એક નવી એડ જોઇ. સરસ લાગી અને આશાવાદથી ભરપૂર છે. Let me get inspired with this Smile

 

સિંગાપોર અંદાજપત્ર 2012

વર્ષની શરૂઆત અંદાજપત્રની સિઝન હોય છે. ગઇ કાલે સિંગાપોરનું વાર્ષિક અંદાજપત્ર અહીંની સંસદમાં અહીંના નાણામંત્રીએ રજૂ કર્યું. નીચે અંદાજપત્રની અમુક મુખ્યુ રજૂઆતો નીચે મૂકી છે :

  • સિંગાપોરમાં man power ની કમી છે અને સિંગાપોરના અર્થતંત્રને ચલાવવા માટે (અથવા દોડાવવા માટે) વધૂ ને વધૂ માણસોની જરૂર છે. દરેક નાની મોટી નોકરી માટે સરકાર બહારથી માણસોને બોલાવી ના શકાય એટલે અહીંની સરકાર વધૂ ને વધૂ ઘરડા લોકોને કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ વખતના અંદાજપત્રમાં સરકારે એવી દરખાસ્તો મૂકી છે કે જેથી ઘરડા લોકો 60 વર્ષની ઉંમર પછી પણ કામ કરવા પ્રેરાય. જેમ કે 50 વર્ષંથી વધૂ ઉંમરવાળા કર્મચારીઓને 2-3 % વધૂ રકમ CPF (Central Provident Fund)માં મળશે. જો કે આ 2% નો ભાવવધારો કંપનીના માથે નાંખવામાં આવ્યો છે. (આ ભાવવધારાને સરભર કરવા માટે સરકાર કંપનીઓને અમુક રોકડ સહાયતા આપશે. આમ કરવાથી વધૂ ને વધૂ કંપનીઓ ઘરડા લોકોને કંપનીઓ નોકરી આપવા માટે પ્રેરાય). આ ઉપરાંત 55 વર્ષથી વધૂ ઉંમરના કર્મચારીઓ માટે કરમર્યાદા રાહતને 3000 ડોલરથી વધારીને 6000 ડોલર કરી છે. આ રજૂઆતો થકી સરકારે પ્રયત્ન કર્યો છે કે ઘરડા લોકો પાસે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રહે અને એમની પાસે હાથમાં થોડા પૈસા પણ રહે આથી તેઓ સ્વસ્થ અને સ્વાવલંબી જીવન જીવી શકે.
  • જે લોકો ઘરડા છે, જેઓ કામ કરી શકે એમ નથી અથવા જેમને elderly careની જરૂર છે એમના માટે પણ અંદાજપત્રમાં દરખાસ્તો રજૂ કરાઇ છે. અહીંના સરકારી મકાનોમાં ઘરડા લોકો માટે વધૂ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે લોકો ઘરમાં elderly care માટે સુવિધાઓ મૂકાવશે એમને સરકાર સહાયતા કરશે. આ ઉપરાંત સરકાર લોકોના Medisave ખાતામાં પણ અમુક રકમ જમા કરાવશે. જો કે આ રકમ વાર્ષિક 50 – 400 ડોલર જેવી નાની છે પણ સરકાર તરફથી જે પણ મળે એ આવકાર્ય છે. જે લોકો ઘરડા લોકોની સારવાર માટે maid રાખવા માંગે છે એમને સરકાર તરફથી દર મહીને 120 ડોલરની સહાયતા મળશે. (અહીંના maid craze અને culture વિશે ફરી કોઇ વખત વાત કરીશ).
  • આ ઉપરાંત જે કંપની અમુક શારીરિક ખોડખાંપણવાળા વ્યક્તિઓને રોજગારી આપશે એમને સરકાર પ્રોત્સાહન આપશે અને તે વ્યક્તિના પગારના 16% સરકાર તરફથી કંપનીને આપવામાં આવશે. આ ઉપરાંત આયકરમાં પણ આવી વ્યક્તિઓ માટે છૂટછાટો આપવામાં આવી છે.  આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે તકલીફવાળા બાળકો માટે પણ અમુક રાહતો જાહેર કરવામાં આવી છે.
  • અહીં ભણતા છોકરાઓ માટે સરકાર તરફથી ઘણી રાહતો પહેલેથી જ છે. અહીં ભણતા છોકરાઓ જે ખરેખર આગળ વધવા માંગે છે અને યોગ્યતા છે પણ પૈસાના અભાવે એમનો વિકાસ રૂંધાતો હોય એમના માટે સરકાર તરફથી પૂરતી સહાયતાઓ છે. Pre School Subsidies, Edusave fund, Scholarships, Bursaries, આ બધી યોજનાઓ થકી વાલીઓને પૂરતી આર્થિક સહાયતા મળી રહે છે. આ ઉપરાંત પણ અહીંની શાળાઓ અને કોલેજોમાં exchange program થકી યોગ્ય વિધ્યાર્થીઓને બહારના દેશોમાં જવાની તક પણ આપવામાં આવે છે (જો કે અહીં “conditions apply” :)) આ વખતના અંદાજપત્રમાં આ સહાયતાઓને વધારવામાં આવી છે. આમ જોવા જઇએ તો આ સારી વાત છે કારણ કે સરકાર દેશના ભવિષ્યમાં રોકાણ કરી રહી છે. (વધૂ જાણવા માટે વેબકાસ્ટ લિંક પર 1:35 મિનીટના માર્કથી આગળ જુઓ)
  • આ વખતના અંદાજપત્રની સૌથી મુખ્ય જાહેરાત છે “GST Voucher”. સિંગાપોરમાં તમે કોઇ પણ સેવાનો ઉપયોગ કરો કે કોઇ પણ વસ્તુ ખરીદો દરેક પર 7% GST(Goods and Service Tax) તમારે સરકારને આપવો પડે. તમે એક સફરજન ખરીદો કે મોટી કાર ખરીદો સરકારને 7% મળવાના જ છે અને આ 7%થી ક્યારેય બચી ના શકો તમે. સિંગાપોર સરકારની એક નીતિ છે કે કર પ્રણાલી હંમેશા progressive હોવી જોઇએ એટલે કે જે લોકો ગરીબ છે એમની પાસેથી ઓછો કર લેવો જોઇએ અને જે લોકો અમીર છે એમની પાસેથી વધારે કર લેવો જોઇએ. અહીંની આયકર પ્રણાલીમાં આ progressive પ્રણાલી છે પણ GST અમીર કે ગરીબ બધાં પાસેથી 7% લેવામાં આવે છે. આ વાતને સુધારવા માટે સરકારે આ વર્ષે "GST Voucher"ની યોજના જાહેર કરી છે. આ યોજના મુજબ સરકાર ત્રણ રીતે નાગરિકોને સહાયતા આપશે. રોકડ સહાયતા આપશે, Medisave ખાતામાં સરકાર અમુક રકમ જમા કરશે અને લોકોના યુટીલીટી બિલની રકમમાં સરકાર રાહત આપશે. કોને કેટલી સહાયતા મળશે એ વાત કોણ કેટલું કમાય છે, કોને કેટલી સહાયની જરૂર છે, કોણ કેટલા મોટા કે નાના ઘરમાં રહે છે આ બધી વાતો પરથી નક્કી થશે. જો કે આ યોજના થકી લગભગ દરેક સિંગાપોરને નાગરિકને એટલી રકમ તો મળશે જ કે જેથી તેઓ GST થકી સરકારને આપેલા કરને પાછો મેળવી શકે.
  • સિંગાપોરના ઉદ્યોગ જગતને પ્રોત્સાહન માટે પણ સરકારે અમુક દરખાસ્તો રજૂ કરી છે. જેમ કે નાની કંપનીઓ જે આજના મંદીના જમાનામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહી છે એમને સરકાર તરફથી તેમના છેલ્લા વર્ષના ટર્ન ઓવરના 5% રકમ (મહત્તમ 5000 ડોલર) ની રોકડ સહાયતા મળશે. આ ઉપરાંત અહીંની કંપનીઓ Productivity વધારવા માટે જે ખર્ચો કરતી હોય છે એમાં સરકાર સહાય કરતી હોય છે અને આ સહાયતાઓમાં અપાતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ પોતાના કાર્યકરોની training પાછળ જે ખર્ચો કરે છે એમાં પણ ઘણી રાહતો સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત જો ઓફિસ કે કામકાજની જગ્યાને renovate કે refurbishment કરો તો 3 લાખ ડોલર સુધીની રકમ પર આયકરમાં રાહત મળશે. આ મર્યાદા પહેલા કદાચ 1.5 લાખ ડોલર હતી. 
  • અહીંની કંપનીઓ કેટલા foreign worker કંપનીમાં રાખી શકે એ માટે સરકારે અમુક મર્યાદાઓ રાખી છે જેમ કે ઉદાહરણ તરીકે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાંથી ફક્ત 60% જ foreign worker હોઇ શકે. હવે આ મર્યાદા દરેક પ્રકારના કર્મચારી વર્ગ માટે 5% ઘટાડી નાંખવામાં આવી છે. એટલે હવે અહીંની કંપનીઓને સ્થાનિક લોકોને વધૂ કામ પર રાખવા પડશે.
  • અહીંના public transportને સુધારવા માટે હવે સરકાર રહી રહીને જાગી હોય એવું લાગે છે. આ વખતે સરકારે 1 બિલીયન ડોલરથી પણ વધૂ રકમની જોગવાઇ નવી 550 બસ ખરીદવા માટે કરી છે. આ ઉપરાંત 250 બસ અહીંની જે ખાનગી transport કંપનીઓ છે તે સેવામાં ઉમેરશે. જોઇએ આ જોગવાઇઓ પરિસ્થિતિ કેટલી સુધારી શકે છે.
  • આયકરના માળખામાં આ વખતે કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો (મારા માટે નિરાશાજનક વાત). આ ઉપરાંત દર વર્ષે અમને આયકર પર 20%ની છૂટ મળતી હતી એ છૂટ પણ હવે નહીં મળે (મારા માટે વધૂ નિરાશા :)) ટૂંકમાં મારે 20% આયકર વધી જશે આ વખતે.
  • છેવટે આ વર્ષના અંદાજપત્રમાં 2.3 બિલીયન સિંગાપોર ડોલરની પૂરાંત બોલે છે. ટૂંકમાં સરકાર નફામાં ચાલી રહી છે.

આ છે આ વખતના અંદાજપત્રની મુખ્ય રજૂઆતો. વાંચનાર ભારતીયોને નવાઇ લાગતી હશે ને કે સાલુ આ કેવું અંદાજપત્ર છે એમાં ખાલી ફાયદો જ ફાયદો છે અને કોઇ ભાવવધારો નથી અને સરકાર બસ લોકોના ગજવા ભરવાની જ વાતો કરે છે. જો કે અહીં આવુ જ છે કારણ કે અહીંની સરકારને 50 લાખની જનતા પાસેથી કર ઉઘરાવવાનો હોય છે અને એ કરની રકમને ફક્ત 30 લાખ સિંગાપોરના નાગરિકોમાં વહેંચવાના છે. વળી આ 30 લાખ નાગરિકોમાં પણ કોને કેટલા મળે એ કોને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે રકમ નક્કી થાય. સરકારની કોઇ પણ સહાયતા અહીં માત્ર અને માત્ર સિંગાપોરના નાગરિકો (અહીંના રહેવાસીઓ માટે પણ નહીં)  માટે છે નાગરિકો સિવાય બીજા બધાં કદાચ માણસોમાં નથી ગણાતા અહીં. જો કે અહીંની સરકારે માનવીય ચહેરો રાખ્યો છે, જરૂરિયાતોને આપવાની વાત કરે છે એ ખરેખર સરાહનીય વાત છે. આપણા દેશમાં જેમ ચાલે છે કે માણસ મરતો હોય તો મરે એમાં સરકારને કંઇ લેવા દેવા નહીં એવી વાત અહીં નથી. ખાલી સરકાર તરફથી સહાયની એક જ શરત છે કે તમે સિંગાપોરના નાગરિક હોવા જોઇએ બસ 🙂

જે લોકોને સિંગાપોરના અંદાજપત્ર વિશે વધૂ માહિતી જોઇતી હોય તેઓ અહીં વેબકાસ્ટ જોઇ શકે છે. સિંગાપોરના સંસદમાં કેટલી શાંતિ છે અને લોકો કેવા ધ્યાનથી સાંભળે છે બજેટને એ જોવા જેવું છે. અહીં નાણામંત્રીએ કોઇ નવી દરખાસ્ત મૂકી એટલે લોકો બૂમાબૂમ કરવા નથી મંડી પડતા આપણા સાંસદોની જેમ. અહીંના સંસદમાં જે રીતે ઓડિયો/વિડીયો presentation સાથે અંદાજપત્ર રજૂ થાય છે એમાંથી ખરેખર આપણા નાણામંત્રીએ કંઇક શીખવા જેવું છે. (સાલુ ખાલી લખેલું વાંચી જવું એમાં કંઇ મજા ના આવે)

આ વખતના સિંગાપોર અંદાજપત્રની થીમ હતી "An Inclusive Society, A Strong Singapore". હવે આ શું વાત છે એ જેને જાણવું હોય એ ઉપર જે વેબકાસ્ટની લિંક છે એમાં છેલ્લી 5 મિનીટનો વિડીયો જોઇ લે  (જેને લિંક જોવાની તસ્દી ના લેવી હોય એ આ વિડીયો નીચે જોઇ શકે છે )

 

આ વિડીયો જોઇને તમને અહેસાસ થઇ જશે કે Inclusive Society કોને કહેવાય. સમાજના દરેક વ્યક્તિનું મહત્ત્વ છે અને જો આ વાત સમજાય તો જ એક મજબૂત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે.

છેલ્લે અહીંના નાણાંમંત્રી વિશે થોડું. અહીંના નાણામંત્રી છે (જે અહીંના નાયબ પ્રધાનમંત્રી પણ છે) Tharman Shanmugaratnam જે તમિલ છે પણ એમના પૂર્વજો શ્રીલંકાના છે. મને એમનું વ્યક્તિત્વ ખરેખર ગમે છે. એ એકદમ મૃદુભાષી છે અને લગભગ 10 વર્ષમાં જ તેઓ સિંગાપોરના રાજકારણમાં ઘણા આગળ વધી ગયા છે. હું જે વિસ્તારમાં રહું છું સિંગાપોરમાં એ GRCમાંથી જ તેઓ ચૂંટાઇને સંસદમાં છે. તેઓ અહીંના ભારતીય જાતિના લોકોના કાર્યક્રમો અને એમના વિકાસમાં આગવો રસ લે છે. છેલ્લે એમને અહીંના આર્ય સમાજના કાર્યક્રમમાં સાંભળવાનો અવસર મળ્યો હતો.

આવતી કાલે વેલેન્ટાઇન્સ ડે છે. પ્રેમની અભિવ્યક્તિનું પર્વ.

અમુક ગુજરાતી બ્લોગ પર આ દિવસ વિશે એવી અભિવ્યક્તિ થઇ છે કે આ દિવસ ઉજવનારા લોકો મૂર્ખાની જમાતમાં ખપે છે. આ લોકો “અમે રહી ગયા” અથવા તો “દ્રાક્ષ ખાટી છે” વાળા વર્ગમાં આવતા હોય છે જ્યારે જે લોકો ખરેખર “લઇ ગયા” / “લઇ જવાની તૈયારીમાં હોય” એ વર્ગના લોકો તો આ દિવસને કંઇ રીતે ધૂમધામથી ઉજવવો એની તૈયારીમાં પડ્યા હોય છે.

મારા મતે તો આ દિવસ ઉજવવો કે ના ઉજવવો એ વ્યક્તિગત પસંદગીનો છે. આવતી કાલે જે પણ વ્યક્તિઓ પ્રથમ વખત પ્રેમની અભિવ્યક્તિ કરવાના છે એ બધાંને શુભેચ્છાઓ. જે વ્યક્તિઓ હજી પણ કિંકર્તવ્યમૂઢ બની વિચારી રહ્યા છે કે આગળ વધવું કે ના વધવું એમને મારા તરફથી એક ધક્કો.

સર્વેને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ.

મારી રોજનીશી

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે છે.

Heart

આ દિવસ પ્રેમીઓનો દિવસ છે અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં આ દિવસનો ઉપયોગ લોકો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે કરે છે. આજે સિંગાપોરમાં pink  & red was a color of the day. લોકોના હાથમાં ગુલાબના ફૂલો કે ગુલદસ્તા જોવા મળતા હતાં. અહીં ફૂલોનો ભાવ આજના દિવસે બહુ વધી જાય છે. 5 સિંગાપોર ડોલરમાં એક નાનું ગુલાબનું ફૂલ અહીં મળે અને જો થોડું શણગારેલું ફૂલ જોઇએ તો પતી ગયું ગજવામાં મોટો ખાડો પડી જાય. સારી હોટલો ડીનર માટે આ દિવસે ખાસ સેટ મીલ રાખતા હોય છે અને કપલના ડીનર માટે 100 – 200 ડોલર પડાવી લેતા હોય છે. પણ અહીંના લોકોને તો આ બધુ પોષાય પણ આપણને તો ના જ પોષાય ને. અહીંના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનૂકરણ કરવામાં ગર્વ લેતા હોય છે આથી વેલેન્ટાઇન ડે ને ઉજવવામાં શા માટે પાછળ રહે? આપણે તો આવા ખાસ દિવસોએ ખાલી શણગારાયેલા મોલ અને લોકોને જોવાના…

View original post 263 more words

इस थप्पड की गूंज सुनाई देगी…..

સુપ્રિમ કોર્ટનો એક ઐતિહાસિક ચૂકાદો અને 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ. લોકો ખુશ થયા કે ચાલો રાજાએ જે ચૂનો લગાવ્યો હતો એમાંથી દેશ કદાચ બચી ગયો. મને પણ થોડી ખુશી થઇ આમ તો આ ચૂકાદાથી પણ પછી વિચારતા લાગ્યું કે આ ચૂકાદો એવો છે કે જેના વિશે કહી શકાય કે "इस थप्पड की गुंज तुम्हे सुनाई देगी…" હવે મને એવું કેમ એમ લાગે છે એ માટે નીચેના કારણો છે.

કુલ 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ થયા. આ ટેલીકોમ લાઇસન્સો ધરાવતી કંપનીઓ પાસે આશરે 11.5 કરોડ ગ્રાહકો છે. હવે જો આ ટેલીકોમ ઓપરેટરોની દુકાન બંધ થઇ જાય તો આ બધાં ગ્રાહકોને નવા ઓપરેટર પાસે જવું પડે અને નવા ઓપરેટર પાસેથી સર્વિસ લેવી પડે. આમ જોવા જઇએ તો આ કોઇ મોટી સમસ્યા નથી પણ ગ્રાહકોને થોડી તકલીફ તો વગર જોઇતી પડવાની જ.

જે ટેલીકોમ કંપનીઓના લાઇસન્સ રદ્દ થયા છે એ કંપનીઓ પર નભતા લોકોનું શું? જેમ કે આ ટેલીકોમ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું શું? એમના ડીસ્ટ્રીબ્યુટરો અને એમની સેલ્સ ચેનલમાં કામ કરતા લોકોનું શું? દરેક ટેલીકોમ કંપની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હજારો લોકોને રોજી રોટી આપતી હોય છે એ લોકોની રોજી રોટીનું શું?

સૌથી મહત્ત્વની વાત એ છે કે જે કંપનીઓ એ લાઇસન્સની ખરીદી માટે 1600 કરોડ રૂપિયાથી પણ વધૂ સરકારને આપ્યા હતા એ રૂપિયાનું શું?  સરકાર આ રૂપિયા આ કંપનીઓને પાછા આપશે? આનો જવાબ છે ના વાંચો અહીં. હવે એમ વિચાર આવે કે આ કંપનીઓએ સરકારને પરોક્ષ રીતે ચૂનો લગાવીને જ આ લાઇસન્સો ખરીદ્યા હતા ને તો ભલે પછી એ ભોગવે એમના કુકર્મોની સજા. જો કે આમ વિચારવું ભૂલ ભરેલું છે કારણ કે બધી ભારતીય કંપનીઓએ ઓછી રકમમાં લાઇસન્સો ખરીદ્યા હતા અને ત્યાર બાદ આ બધી ભારતીય કંપનીઓએ વિદેશી કંપનીઓને બાટલામાં ઉતારી. જેમ કે ટાટા એ જાપાનની ડોકોમોને, યુનિટેકે નોર્વેની ટેલીનોરને, શ્યામે રશિયાની સિસ્ટીમાને વગેરે વગેરે. આ બધી વિદેશી કંપનીઓ પાસેથી આપણી ભારતીય કંપનીઓએ પોતાનો હિસ્સો વેચીને તગડી રકમ વસૂલી છે. એટલે આમ જોવા જઇએ તો ભોગવવાનું છેવટે તો આ વિદેશી કંપનીઓને આવ્યું છે. સુપ્રિમ કોર્ટે ટાટા અને બીજી અમુક ભારતીય કંપનીઓને પોતાના કુકર્મો માટે કંઇક પાંચ કરોડનો દંડ કર્યો છે પણ એમણે વિદેશી કંપનીઓ પાસેથી વસૂલેલી રકમ આગળ આ પાંચ કરોડ તો કંઇ નથી.

હવે સવાલ એ છે કે આ આખો કેસ વિદેશી કંપનીઓ સાથે થયેલી છેતરપિંડીનો ના કહેવાય?

આ આખા ગોટાળામાં ભારત દેશની એક Investor Friendly Nationની શાખને કેટલું નુકશાન થયું એનું તો મૂલ્યાંકન કરવું અઘરું છે. સરકાર પોતાના ભ્રષ્ટ મંત્રીઓ થકી એક વખત લાઇસન્સ આપે અને પછી સુપ્રિમ કોર્ટ એને ગેરકાયદે ઠેરવે અને કંપનીઓએ રોકેલા રૂપિયા સરકાર ચાઉં કરી જાય આવા વાતાવરણમાં બહારથી કોઇ ભારતમાં શા માટે પોતાના નાંણાનું રોકાણ કરવા આવે? જો સરકારે આપેલા લાઇસન્સની જ કોઇ વિશ્વસનીયતા ના હોય તો પછી કંપનીઓએ કોના ભરોસે રોકાણ કરવું?  યુનિનોરે તો પોતાના 721 મિલીયન ડોલરના નામનું સત્તાવાર રીતે નાહી નાંખ્યું છે. વાંચો અહીં. આ આખો ધંધો કંઇ 5-25 કરોડનો નથી પણ કરોડો ડોલરનો છે અને જો આવી જ ધોખાધડી ચાલતી હોય તો કોઇ શા માટે ભારતમાં મૂડી રોકાણ કરવા આવે? આ એક બહુ ગંભીર બાબત છે.

સૌથી વધારે બેશરમીની વાત તો સરકાર દ્રારા અપાતા વિવેકહીન નિવેદન છે. કપિલ સિબ્બ્લ જે મન ફાવે બફાટ કરે રાખે છે એ જોતા તો એને જૂતા મારવાનું મન થાય છે. સિબ્બ્લ ગાણાં ગાય છે કે તેઓ ફક્ત આગળની સરકારની નીતિને જ અનુસર્યા છે તો પછી કોર્ટે આગળની સરકારો દ્વારા અપાયેલા લાઇસન્સો શા માટે રદ્દ ના કર્યા? વળી સરકારને જો એમ લાગતું હોય કે આ બધી વિપક્ષની ચાલબાજી છે તો ચઢો કોર્ટે અને મેળવો ન્યાય કોણ ના પાડે છે? વળી કપિલ સિબ્બલ (વાઘરી) તો જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે આમાં ઝીરો લોસની વાત કરી રહ્યો હતો. હવે જોઇએ ફરી વાર લાઇસન્સોની હરાજી થશે ત્યારે એની ઝીરો લોસની વાત કેટલી સાચી રહે છે. હાલની સરકાર એટલી ભ્રષ્ટ છે કે એમના ગજવાં ભરવામાં દેશ વેચાઇ જાય તો પણ એમને કોઇ ફરક નથી પડતો. સરકાર ચિદમ્બરમને બચાવવા મથી છે એની પાછળનું કારણ પણ સાફ છે કારણ કે ચિદમ્બરમ એક એવું હુકમનું પત્તું છે કે જો તે ખરે તો આખો મહેલ ધરાશાયી થઇ જાય. બધાં કોંગ્રેસીઓના કાળા નાણાંને વિદેશોમાં સગે વગે કરી આપવામાં ચિદમ્બરમનો સિંહ ફાળો છે. ટ્રાયલ કોર્ટે તો ચિદમ્બરમને બચાવી લીધા છે જોઇએ હવે સ્વામીજી આગળ શું કરે છે?

2જી નો આ કકળાટ જલ્દી શમે એમ નથી. સુબ્રમ્ણ્યમ સ્વામી અને અન્નાજી જેવા લોકોથી અને સુપ્રિમ કોર્ટ જેવી સંસ્થાઓ થકી દેશ ટકી રહ્યો છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ના કહેવાય નહીં તો આ ઇટાલીઅન મેડમ અને એના ચમચાઓએ દેશને ક્યારનો વેચી ખાધો હોત.

Update :
જેમને હજી ના સમજાયું હોય એમણે આ TOIનો આર્ટિકલ વાંચવા વિનંતી.

जय हिंद

ગઇ કાલે સાંજે રુહીએ મને સલામ મારીને કહ્યું "जय हिंद". હું વિચારમાં પડી ગયો કે આને વળી "जय हिंद" ક્યાંથી આવડી ગયું. મેં એને પૂછ્યું  કે કોણે શીખવાડ્યું "जय हिंद" કરતા તો મને કહે કે એની સ્કૂલમાં એના ટીચરે શીખવાડ્યું. એણે એમ પણ કહ્યું કે એણે ઇન્ડિયાનું રાષ્ટ્રીય ગીત પણ ગાયું હતું. મેં એને પૂછ્યું કે ક્યું ગીત ગાયું તો કહે जय हे… जय हे…. એમ ગાવાનું 🙂 (પહેલી વાર કદાચ એણે ઇન્ડિયાનું રાષ્ટ્રગીત ગાયું કે સાંભળ્યું હશે) . અત્યાર સુધી રુહીને Majulah Singapura (i.e. “Onward Singapore”) જે સિંગાપોરનું રાષ્ટ્રીય ગીત છે એ જ ગાતા સાંભળી છે એટલે મને તો રુહીને जय हे… जय हे….  ગાતા જોઇને આનંદ થયો :).

26મી જાન્યુઆરીએ રુહીએ સ્કૂલમાં રાષ્ટ્રધ્વજમાં કલર પણ કર્યો હતો. નીચે એની તસ્વીર છે.

IMG_0455

આ વખતે રુહીને સિંગાપોરની લોકલ સ્કૂલના બદલે ઇન્ડિયન મોન્ટેસરી સ્કૂલમાં મૂકી છે. ઇન્ડિયા પાછું જો આવવું હોય તો ઇન્ડિયાના સ્તર પ્રમાણે રુહીને તૈયાર કરવી જરૂરી હતી. સ્કૂલ થોડી મોંઘી પડે છે પણ એ વાતનો સંતોષ છે કે સ્કૂલમાં સારુ એ શીખી રહી છે. વળી ઇન્ડિયાનો માહોલ મળી રહે છે એ પણ પ્લસ પોઇંટ જ કહેવાય.  સિંગાપોરની લોકલ સ્કૂલ કરતા ભણવાનો બોજ થોડો વધારે છે પણ મને લાગે છે કે એની ઉંમર પ્રમાણે હવે થોડો બોજ આપવો જરૂરી પણ છે.  હવે હિંદી પણ લખવાનું એ શીખી રહી છે. લાગે છે એકાદ વર્ષમાં એ અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ત્રણે ભાષાઓ પર પ્રભૂત્વ મેળવી લેશે.

%d bloggers like this: