પુરસ્કાર

આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મ કરો ફળની આશા ના રાખો. વાત છે સાચી પણ અંગત જીવનમાં એટલી નિસ્પૃહતા લાવવી સહેલી નથી. કરેલા કર્મનું વાંચિત ફળ ના પણ મળે તો પણ કરેલા પ્રયત્નોની કદર થાય એ માનવસહજ અપેક્ષા તો રહેવાની જ. જો એમ સવાલ પૂછાય કે નોકરીમાં તમારી કંપનીએ તમારા પ્રયત્નોની કદર કરી કે નહીં એ કંઇ રીતે જાણવું તો મોટા ભાગના લોકોનો એક જ જવાબ હોય કે તમને કેટલો ભાવવધારો કે બોનસ મળ્યું એના પરથી કેટલી કદર થઇ એ ખબર પડે. જો કે આ સિવાય પણ સવાલનો બીજો એક જવાબ  પણ છે જેની મને કાલે જ ખબર પડી.

ગઇ કાલે રાત્રે અમારી કંપની તરફથી એશિયા પેસિફિક ક્ષેત્રની ઓફિસો માટે Awards’ Nightનું આયોજન કરાયું હતું. પુરસ્કાર સમારંભનો મુખ્ય હેતુ તકનિકી કાર્યક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવાનો અને કર્મચારીઓને વધૂ ને વધૂ innovative કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. (કોઇ કંપની પોતાના કર્મચારીઓ માટે આવા પુરસ્કાર સમારંભો કરે એ મારા માટે નવી વાત હતી) પુરસ્કાર સમારંભમાં નીચેની પુરસ્કાર શ્રેણીઓ હતી :

1. Individual innovation award

2. Team innovation award

3. Outstanding Engineer award

4. Patents award

હવે મુખ્ય વાત. આ પુરસ્કાર સમારંભમાં મારી પણ લોટરી લાગી અને મને પણ પુરસ્કાર મળ્યો. જીવનમાં પહેલી વખત પુરસ્કાર જેવું કંઇ મળ્યું એટલે આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે. (છેવટે શિષ્યવૃત્તિથી પુરસ્કાર સુધી પ્રગતિ થઇ) મને આવો કોઇ પુરસ્કાર મળશે એવી ખબર જ નહોતી એટલે જ્યારે  મંચ પરથી મારું નામ જાહેર થયું ત્યારે મને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. કોઇ award acceptance speech આપવાની નહોતી એ સારુ હતું નહીં તો ખબર નહીં હું શું બોલ્યો હોત.

20130116_121430

મળેલા પુરસ્કારની તસ્વીર

એમ થાય છે કે ઘરે હવે પુરસ્કારો મૂકવા માટે એક અલગ કબાટ લઇ જ લઉં 🙂

 

 

 

20130115_212444

લગભગ 10 વર્ષ પછી ગળે પટ્ટો બાંધવા મળ્યો એટલે એ સભ્ય પહેરવેશમાં એક ફોટો તો લેવો જ રહ્યો.

 

 

 

 

 

 

 

DSC_2196

 

પૂરી નમ્રતાપૂર્વક પુરસ્કારની સ્વિકૃતિ

 

 

 

 

 

 

 

જ્યારે પુરસ્કાર થકી તમારી સરાહના થતી હોય ત્યારે એક વાત નમ્રતાપૂર્વક માનવી રહી કે તમારી સફળતામાં તમારી ટીમના સભ્યોનો પણ મોટો હાથ હોય છે એટલે મારી સફળતામાં પણ મારી ટીમના સભ્યોનો સિંહફાળો છે જ અને એ બદલ સૌ ટીમના સભ્યોનો આભાર.

દરેક મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓના મનોબળને ઉંચું રાખવા અને તેમને સતત નવું કરવા માટે પ્રેરિત કરવા આવા પુરસ્કાર સમારોહ કરવાનું વિચારવું જોઇએ. આખરે પૈસા જ માણસને કાયમ ખુશ નથી રાખી શકતા.

પાંચ મહિના પછી…

લગભગ પાંચ મહિના પછી આજે બ્લોગ પર કંઇક લખી રહ્યો છું. પળે પળે બદલાતા રહેતા આજના જમાનામાં પાંચ મહિનાનો સમય બહુ લાંબો કહેવાય. પાંચ મહિનામાં સિંગાપોર રિવરમાં ઘણા પાણી વહી ગયા :). દેશ અને દુનિયા બદલાતી ચાલી અને અંગત રીતે પણ જીવનમાં પણ ચડ ઉતર થતી રહી. આ પાંચ મહિનાઓનું સરવૈયું મારા મતે નીચેના મૂદ્દાઓમાં આવી જાય :

1. “દામિની”ના આખા ઘટના ક્રમે દેશની મહિલાઓમાં નિરાશા અને ભયને સ્થાપી દીધો તો બીજી તરફ 12 પાસ મહિલા સનમીત કૌરે 5 કરોડ રૂપિયા જીતીને દેશની મહિલાઓ સમક્ષ એક ઉદાહરણ આપીને આશાનો સંચાર કર્યો.

2. એક વાત હવે પાકી થતી જાય છે કે ભારતમાં લોકશાહીના બદલે MOBશાહી (એટલે કે ટોળાશાહી) આવી ગઇ છે. જ્યાં સુધી સરકાર પર ટોળાશાહી કરી દબાવ ના લાવો ત્યાં સુધી સરકારના પેટનું પાણી નથી હાલતું.

3. મહારાષ્ટ્રના સિંહ બાળા સાહેબ ઠાકરેએ વિદાય લીધી તો નરેન્દ્ર મોદીએ પોતાની વિજયી હેટ્રીક થકી ગુજરાતના સિંહ તરીકેની ઇમેજને વધૂ મજબૂત બનાવી દીધી. મોદી સાહેબની ગાડી દિલ્હી સુધી પહોંચે છે કે નહીં એ આવનારો સમય બતાવશે પણ બદલાવનો એક આશાવાદ એમના થકી જરૂર ઉભો થયો છે. પરંપરાગત જાતિવાદથી ઉપર ઉઠીને ગુજરાતની પ્રજાએ જે રીતે મતદાન કર્યું એ માટે ગુજરાતની પ્રજા ખરેખર અભિનંદનને પાત્ર છે.

4. પાકિસ્તન જેવા હરામી દેશ પાસેથી શાંતિ અને ભાઇચારાની આશા રાખવી એ પોતાની જાતને ઉલ્લુ બનાવવા જેવી અને પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી વાત છે.

5. પાંચ મહિનામાં અંગત રીતે ચડ ઉતર થતી રહી. અમુક ઘટનાઓ એવી બની કે જે દિલોદિમાગ પર હંમેશ માટે એના ઉઝરડા છોડી ગઇ પણ જીંદગીનું ચક્ર ચાલતુ રહે છે અને સમય દરેક ઘાને રુઝવવાનો પ્રયત્ન કરતો રહે છે.

6. ત્રણ મહિનાની ખંતપૂર્વકની મહેનત બાદ PMPની પરીક્ષા પાસ કરી લીધી એટલે હવે Krunal Chavda PMP,CSM એ રીતે નામ લખી શકાશે. આ પરીક્ષા પાસ કર્યા બાદ લાગે છે કે વધૂને વધૂ પરીક્ષાઓ આપવી જોઇએ અને વધૂને વધૂ જ્ઞાન મેળવતા રહેવું જોઇએ.

7. 2012નું વર્ષ એકંદરે સામાન્ય અને કંઇક અંશે પીડાદાયક રહ્યું. અમુક ઘટનાક્રમોને નજરમાં રાખતા 2013નું વર્ષ જીંદગીનું સૌથી મહત્ત્વનું વર્ષ હોય એવું લાગી રહ્યું છે. અંગત રીતે આ વર્ષ પાસેથી ઘણી આશાઓ છે અને વંઠેલી જીંદગીને કાબૂમાં રાખવાનો ભરસક પ્રયત્ન કરવો છે.

પાંચ મહિનાના બ્લોગજગતના વનવાસ દરમ્યાન અમુક મિત્રોએ વનવાસની નોંધ લીધી અને અંગત રીતે ખબરઅંતર પૂછ્યા એ બદલ એમનો આભાર. ઘણા બધાં ગુજરાતી અને અંગ્રેજી બ્લોગ કે જે હું નિયમિત રીતે વાંચુ છું એ ફરીથી વાંચવાની શરૂઆત કરવાની છે અને મારી રોજનીશીમાં વધૂ પાના ઉમેરવા છે.

અંતમા સર્વેને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ….

%d bloggers like this: