Big 96.3 FM

આજકાલ સિંગાપોરમાં હિન્દી FM રેડિયોની શરૂઆત થઇ છે. અનિલભાઇની બીગ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આ રેડિયોની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં તો આ રેડિયોનું પ્રસારણ ફક્ત 3 કલાક માટે જ એટલે કે સાંજના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ થાય છે. આશા રાખું કે આ FM ચેનલ અહીંની ભારતીય પ્રજામાં પોપ્યુલર થાય અને આ ચેનલ પરથી પ્રોગ્રામના પ્રસારણનો સમય થોડો વધે. અનિલભાઇને આ સારુ કામ કરવા બદલ દિલથી અભિનંદન…

મારા HTC ફોનમાં આ FM ચેનલનું reception બરાબર નથી થતું પણ બીજા નોકિઆના ફોનમાં મારા ફોન કરતા વધારે સારું reception મળે છે. લાગે છે HTC ફોનમાં કંઇક લોચો છે…

Big 96.3 FM.... सूनो सुनाओ, लाइफ बनाओ…. J

જન્નત

ગયા વીકએન્ડમાં મૂવી “જન્નત” જોયું જેમાં સિરીયલ કીસર “ઇમરાન હાશમી” મુખ્ય ભૂમિકામાં છે. આમ તો ઇમરાનભાઇનું “મર્ડર” સિવાય કોઇ પણ મૂવી જોયું નથી મેં પણ “જન્નત” નો રિવ્યુ સારો હતો એટલે થયું કે ચલો ટાઇમપાસ કરવા મૂવી જોઇએ. આ મૂવી જોયા પછી મને પણ આ મૂવી ઠીક લાગ્યું. એક વખત જોઇ શકાય એવું મૂવી તો છે જન્નત. વાર્તા ક્રિકેટની રમતમાં ચાલતી બેટીંગ અને મેચ ફિક્સિંગની આસપાસ છે. ગયા વિશ્વકપ દરમ્યાન બોબ વુલ્મરની હત્યાને પણ સાંકળવાનો આ મૂવીમાં પ્રયત્ન થયો છે. મહેશ ભટ્ટનું પ્રોડક્શન હાઉસ કોઇ ને કોઇ હોટ ઇસ્યુ પોતાની ફિલ્મોમાં વણી લેવાનું ચૂકતા નથી.

આ મૂવી જોઇને મને 1996 ના ક્રિકેટના વિશ્વ કપના દિવસો યાદ આવી ગયા. એ દિવસોમાં અમારા મિત્રવર્તુળોમાં જ સટ્ટાબજાર ખૂબ ગરમ હતું. 50 થી માંડીને 500 રૂપિયા સુધીનો સટ્ટો બધાં રમતા હતા. ડે નાઇટ મેચો હોવાથી બધાં ઇનિંગ્સ બ્રેક વચ્ચે કોઇ ખાસ જગ્યાએ ભેગા થાય અને નવા સોદા પાડે અને ભાવ બહાર પાડે. મેં આ બધું પહેલી વાર જોયું પણ એ નાના સટ્ટાબજારનું માહોલ પણ કાંઇ ઓછું ગરમ નહોતું. આ મૂવી બાદ એ બધું નજર સમક્ષ આવી ગયું ફરીથી.

દુનિયામાં સૌથી ખરાબ નશો પૈસાનો છે અને જો પૈસા વગર મહેનતે મળતા હોય તો પછી બીજું શું જોઇએ માણસને. બસ આ જ વસ્તુ આ ચલચિત્રમાં બતાવાઇ છે. લોકો ક્રિકેટના સટ્ટામાં લાખો રૂપિયા બનાવે છે અને ગુમાવે પણ છે. પણ મહેનત વગરના પૈસા હંમેશા માણસને પતન તરફ દોરી જાય છે. સટ્ટામાં કેટલાય લોકોએ પોતાના ઘરબહાર અને જીંદગી ગુમાવ્યા છે તો પણ હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે માણસ વધુ ને વધુ આ દલ દલમાં ખૂંપાતો જાય છે.

શેરબજારનો સટ્ટો આજે લગભગ દરેક ઘરમાં ઘર કરી ગયો છે. દરેક ઘરમાં કોઇક ને કોઇક શેરબજારમાં રમવાવાળું હોય જ છે. આનાથી હું કે મારુ ઘર પણ બાકાત નથી. આજથી 6 મહીના પહેલા તેજીમાં જમાનામાં લોકો ખૂબ કમાયા. એ વખતે પબ્લિક ઇસ્યુમાં લોકો (એમાં હું પણ ખરો) ખૂબ કમાયા. ઘણા ઇસ્યુમાં તો લિસ્ટીંગના દિવસે જ લોકોએ પૈસા ડબલ કરી લીધા. આમ ખાલી 25 દિવસમાં પૈસા ડબલ થતા જોઇને જે માણસ બજારનો સટ્ટો ના રમતો હોય એ પણ રમવા માંડે. જે ખરા ટાઇમે ઘૂસ્યા હતા બજારમાં એમણે તો પૈસા બનાવી લીધા પણ નવા સવા ઘૂસેલા લોકોની તો રિલાયન્સ પાવરના ઇસ્યુમાં બરાબરની લેવાઇ ગઇ.

છેલ્લે એક જ વસ્તુ કહી શકાય કે સટ્ટો રમવો હોય તો રમો પણ ધ્યાનથી. 🙂