શિવરાત્રી

આજે મહાશિવરાત્રી છે પણ દેશવટો પામેલા મારા જેવા લોકો માટે તો એક સામાન્ય દિવસ જ. આજના દિવસમાં ફરક ખાલી એટલો આવ્યો કે આજ મંદિરે ગયો હતો. (નવા ઘરની નજીક એક મંદિર છે એટલે આ વખતે મંદિર જવાનો મેળ પડ્યો બાકી તો રામનવમી હોય કે શિવરાત્રી હોય કે બીજા તહેવારો, ભગવાન હ્રદયસ્થ જ છે એમ માનીને સંતોષ માની લેવાનો.) સિંગાપોરમાં દક્ષિણ ભારતીયોની સંખ્યા મોટા પ્રમાણમાં છે(ખાસ કરીને તમિલ લોકોની) એટલે અહીં મોટા ભાગના મંદિરો દક્ષિણ ભારતીય ઢબના છે. એટલે રાધા કૃષ્ણ અને રામ સીતાની જગ્યાએ દક્ષિણ ભારતીય ભગવાનો જેમ કે મુરુગન, નટરાજ કે બીજા દક્ષિણ ભારતીય ભગવાનો મુખ્ય મૂર્તિ તરીકે મંદિરોમા સ્થાપિત હોય છે. હનુમાનજી અને ગણપતિ લગભગ દરેક મંદિરમાં હોય છે કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ બે ભગવાનની મંદિરમાં પ્રવેશ પહેલા જમણી અને ડાબી બાજુ પ્રતિષ્ઠા હોવી જરૂરી છે. બાકી બીજા બધાં ભગવાનોની મૂર્તિ જેવી જે ભગવાનની માંગ એ પ્રમાણે નાના નાના ખૂણામાં ગોઠવેલી હોય.

આજે મંદિરમાં ગયો ત્યારે બરાબર ભીડ જામેલી હતી. મારા જેવા ફક્ત તહેવારના દિવસે ધાર્મિક હોવાનો સંતોષ માનવા આવેલા લોકોનો જમાવડો હતો ત્યાં. લોકો મંદિરમાંથી દૂધ ખરીદવા માટે લાંબી લાઇનો લગાવીને ઉભા હતા. મંદિર માટે કમાણી કરવાનો દિવસ હતો આજે. મંદિરની એક વાત મને ના ગમી કે તમે શિવલીંગ પર જાતે અભિષેક ના કરી શકો. તમારે પૂજારીના સહાયકને દૂધનું પેકેટ આપી દેવાનુ અને પૂજારી તમારા વતી એની નવરાશ પ્રમાણે ભગવાન પર અભિષેક કરે. આવી વ્યવસ્થાના લીધે સ્વ હસ્તે અભિષેક કરીને પૂણ્ય કમાવવાના જે ધખારા આપણા મનમાં ઉપડ્યા હોય એના પર ઠંડુ પાણી ફરી વળે. છેવટે મનમાં શુધ્ધભાવ રાખીને પરિસ્થિતિ સ્વિકારી લીધી. ઘણા દિવસો બાદ શનિ દેવ અને નવ ગ્રહોના પણ દર્શન કર્યા. નીચે શિવલીંગ પર અભિષેક કરતા પૂજારીનો ફોટો છે.

કહેવાની જરૂર નથી કે મંદિરની મૂલાકાત બહુ ઔપચારિક રહી. મજા ના આવી. કોઇને એમ થાય કે મંદિર કંઇ મજા કરવા થોડુ જવાનું હોય પણ મજા અહીં કોઇ પર્યટન સ્થળની મજા લેવાની હોય એ નથી પણ મંદિરની મૂલાકાત લીધા બાદ જે આધ્યાત્મિક જરૂરિયાત સંતોષાવી જોઇએ એમાં મજા ના આવી. ચલતે ચલતે સર્વેને શિવરાત્રીની શુભેચ્છાઓ

%d bloggers like this: