સિંગાપોર અંદાજપત્ર 2011

શુક્રવારે સિંગાપોરનું વર્ષ 2011 માટેનું અંદાજપત્ર અહીંની સંસદમાં રજૂ કરવામાં આવ્યું. આશા મુજબ સિંગાપોરના નાગરિકોને લ્હાણી કરાઇ છે કારણ કે ચૂંટણી નજીકના ભવિષ્યમાં જ યોજાનાર છે. જો કે મને શું ફાયદો થયો એ મારે જોવાનું. તો મને નીચેના ફાયદા થયા :

1. ટીવી લાયસન્સ ફી નાબૂદ થઇ એનાથી મારા વર્ષના 110 ડોલર બચશે. (અહીં સાલુ ઘરમાં ટીવી ખાલી રાખો જુઓ નહીં તો પણ સરકારને 110 ડોલર આપવા પડે એવો કાયદો છે. મેં જ્યારે પહેલી વખતે આ ફી વિશે સાંભળ્યું ત્યારે તો મને બહુ તઘલખી કાયદો લાગ્યો હતો. પહેલાના જમાનાના સંદર્ભમાં આ કાયદો કદાચ ચાલે પણ આજના જમાનામાં ટીવી એ જરૂરિયાત થઇ ગઇ છે ત્યારે આ પ્રકારના કાયદા અપ્રસ્તૂત લાગે છે. કારમાં તમે ડીવીડી પ્લેયર રાખો તો પણ દર વર્ષે 27 ડોલર આપવા પડે. અહીં ઘરમાં જેટલા વોશ બેસિન રાખો એનો પણ દરેક વોશ બેસિન દીઠ ફિક્સ ચાર્જ પાણીના બિલમાં આવે છે આ બધા કાયદા મને બહુ તઘલખી લાગે છે. )
2. વર્ષ 2011માં દરેક કરદાતાઓને ભરવાલાયક કરની રકમ પર 20% રીબેટ મળશે (2000 ડોલર રીબેટની મહત્ત્મ મર્યાદા રાખવામાં આવી છે) એટલે વાર્ષિક કરમાં 20% નો ફાયદો થશે.
3. 2012 માટે વ્યક્તિગત કરના માળખામાં સૂધારાઓ સોચવાયા છે જેથી આયકર લગભગ 25% જેટલો ઓછો ભરવો પડશે.
4. વીજળી પાણીના બિલમાં કદાચ રાહત મળશે. હું જે ઘરમાં રહુ છું એ પ્રમાણે આખા વર્ષ દરમ્યાન 340 ડોલર રાહત મળવી જોઇએ પણ એ મને મળશે કે કેમ એ અત્યારે ખબર નથી.
5. એમ્પલોયર તરફથી અપાતા CPFના દરને 15.5%થી વધારીને 16% (એટલે કે 0.5% વધારે) કરવામાં આવ્યો છે એટલે મારો પગાર 0.5% વધી ગયો ( 🙂 Hiya!!) જો કે એમાં હરખાવા જેવું બહુ નથી કારણ કે જે રૂપિયા મારા CPFમાં જમા થાય છે એનાથી મને વર્તમાનમાં કોઇ ફાયદો થવાનો નથી. બીજી એક બજેટની દરખાસ્ત એ પણ છે કે મહત્ત્મ CPFની કપાત માટેની મર્યાદા 4500 ડોલરથી વધારીને 5000 ડોલર કરવામાં આવશે અને એની આડઅસર એ થશે કે મારા પગારમાંથી દર મહીને વધૂ 100 ડોલર કપાઇને મારા CPF ખાતામાં જશે. (મારા પગારમાંથી બચતના નામે પણ કશું કપાય તો એ મને નથી ગમતું 😦 ) હવે મારા પગારના 36% રકમ CPFના ખાતામાં જશે. એમાંથી 20% મારા પગારમાંથી કપાઇને જમા થશે જ્યારે 16% મારા અન્ન્ન્દાતા આપશે.

સિંગાપોરના નાગરિકોને તો મન મૂકીને લ્હાણી કરાઇ છે કારણ કે એમની જોડેથી મત લેવાનો સમય આવી ગયો છે. લગભગ દરેક પરિવાર દીઠ (પરિવારની વ્યાખ્યા – પતિ પત્ની અને એમના બે છોકરાઓ)કે જે મધ્યમવર્ગમાં ગણાય એમને સરકાર તરફથી રોકડા કે બીજી રાહતો સ્વરૂપે 3000-5000 ડોલર મળશે. જેટલી આવક ઓછી એટલું દાન સરકાર તરફથી વધૂ. Low Income Group અહીં બહુ ચવાયેલો શબ્દ થઇ ગયો છે. અહીંની સરકાર માનવતા દાખવીને ઓછું કમાતા પરિવારોને મદદ તો કરે છે પણ મને એમ લાગે છે કે આમ કરવાથી એ લોકો કાયમ માટે સરકારના આશ્રિત થઇ જાય છે. ખાલી મદદ આપે રાખવા કરતા જો એમના ઉત્ત્થાન માટે પ્રયત્ન કરે સરકાર તો એ વધૂ યોગ્ય ગણાય. લોકોની આવક કેમ ઓછી છે અને એ આવક કેમ વધારી શકાય એ માટે જો સરકાર ભાર મૂકે તો ગરીબીનો કાયમનો પ્રશ્ન થોડો હલ થઇ શકે. (હવે હું જે વિસ્તારમાં રહુ છું એ વિસ્તારના સંસદ સભ્ય જ અહીંના નાણા મંત્રી છે એટલે યોગ્ય સમયે મારો આ વિચાર એમના સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી જોઇશ અને પછી શું જવાબ મળે છે એ જોઇએ. હું કોઇ અર્થશાસ્ત્રી તો નથી કે સરકારની નિતીઓને ચેલેંજ કરી શકુ પણ એમના વિચારો જાણવાથી આપણુ જ્ઞાન તો જરૂર વધે.) સિંગાપોરના કામકાજી લોકોમાંથી (એટલે workforce માંથી) 56% લોકો આયકર ભરતા નથી કારણ કે એમની કમાણી આયકર માટેની જે લઘુત્ત્મ 20000 ડોલરની મર્યાદા છે એટલી પણ નથી. જે મને લાગે છે કે સિંગાપોર જેવા વિકસીત રાષ્ટ્ર માટે યોગ્ય ના કહેવાય.

જ્યારે ભારતમાં અંદાજપત્ર રજૂ થતુ હોય ત્યારે કાયમ અંદાજપત્રની ખોટ વિશે અર્થશાસ્ત્રીઓ ચિંતા કરતા હોય છે. જયારે સિંગાપોરના અંદાજપત્રમાં 6.6 બિલીયન ડોલરની લ્હાણી કર્યા બાદ પણ 0.1 બિલીયન ડોલર surplus છે. એનું એક કારણ કદાચ ગયા વર્ષે સરકારે ખોલેલા જુગારના અડ્ડાઓ થકી થયેલી લગભગ 2-3 બિલીયન ડોલરની માતબર કમાણી પણ હોઇ શકે છે.

બીજી પણ દરખાસ્તો છે પણ એ બધી આપણને બહુ લાગ એ ના વળગે એટલે એ વિશે લખવાનો મતલબ નથી. જોઇએ સરકારે જે રાહતો આપી છે એનાથી એ પ્રજાના મતોને ખરીદી શકે છે કે નહીં?

Gandhi My Father

આજે અનિલ કપૂર દ્વારા નિર્મિત ચલચિત્ર Gandhi My Father જોયું. આ એક ઓફબીટ મૂવી છે (મને હવે આવા પ્રકારના મૂવી જોવા વધારે ગમે છે.) અને ચલચિત્ર મને સારુ લાગ્યું. આ ચલચિત્ર ગાંધીજી અને એમના પુત્ર હરિલાલ વચ્ચેના મતભેદો અને વિચારભેદો પર આધારિત છે.

મને ગાંધીજી અને એમના પુત્ર હરિલાલ વચ્ચેના અણબનાવ વિશે આછો ખ્યાલ હતો. આ ચલચિત્ર મુજબ ગાંધીજીએ સત્યાગ્રહના ઝનૂનમાં હરિલાલની જુવાનીનો અમૂલ્ય સમય છીનવી લીધો હતો. હરિલાલ આ માટે એના પિતા ગાંધીજીને માફ ન કરી શક્યો. મતભેદો વધતા એણે ગાંધીજીથી પોતાને અલગ કરીને પોતાની રીતે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ પોતાના પ્રયત્નોમાં સફળ ના થઇ શક્યો. હરિલાલ ભણી પણ ના શક્યો કે ના નોકરી ધંધામાં પણ સફળ ના થઇ શક્યો અને પોતાની આ નિષ્ફળતા માટે પોતાના પિતા ગાંધીજીને દોષ દેવા લાગ્યો. છેવટે એ પોતાના માતા પિતાથી દૂર થઇ ગયો અને self destructionના રસ્તે પોતાની જીંદગી બરબાદ કરી નાંખી.

ચલચિત્ર જોતા શરૂઆતમાં એમ લાગે કે ગાંધીજીએ પોતાના સિધ્ધાંતો અને એમની મહાન બનવાની લ્હાયમાં હરિલાલનું જીવન બલિએ ચડાવી દીધું પણ પાછળથી હરિલાલના કરતૂતો જોયા પછી લાગ્યું કે હરિલાલની જીંદગીની બરબાદી પાછળ ગાંધીજી કરતા પણ એનો ખૂદનો વધારે દોષ હતો. ગાંધીજીના વ્યક્તિત્વના થોડા નકારાત્મક પાસાને આ ચલચિત્રમાં સારી રીતે ઉજાગર કરવામાં આવ્યા છે. ગાંધીજીના પાત્રમાં દર્શન જરીવાલા, કસ્તૂર બાના પાત્રમાં શેફાલી શાહ અને હરિલાલની પત્ની તરીકે ભૂમિકા ચાવલાનો અભિનય સારો છે. ટૂંકમાં મારા મતે આ મૂવી એક વખત જોઇ શકાય.

(ઇમેજ : વિકી પરથી)

જૂનું ઘર ખાલી કરતા – ભાગ 2

લગભગ 13 મહિના પહેલા મેં જૂનું ઘર ખાલી કરતા પોસ્ટ લખી હતી. ફરીથી એ જ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. આવતા વીકએંડમાં ફરીથી ઘર બદલવાનું છે. એ જ ઢગલાબંધ સામાન પેક કરવાનો, એ જ સામાન ઉતારવાનો અને ચઢાવવાનો અને એજ મોટા મોટા ખર્ચા. કંટાળો આવે છે આ બધાનો પણ છૂટકો નથી.

આશા રાખું કે હવે આ પોસ્ટની સિરીઝ અહીં જ થંભી જાય અને આગળ ના વધે 🙂

%d bloggers like this: