હોંગકોંગ ડાયરી – પ્રસ્થાન

ગયા અઠવાડિયે 21 ઓક્ટોબરથી – 25 ઓક્ટોબર દરમ્યાન અમે ચાર દિવસ હોંગકોંગ અને મકાઉ ફરવા ગયા હતા. હોંગકોંગ અને મકાઉ બન્ને સ્થળો બરાબર ફરવા માટે ચાર દિવસ પૂરતા નહોતા પણ  મારી પાસે વધૂ રજાઓ ના હોવાના લીધે ચાર દિવસમાં જેટલું જોવાયું એટલું જોઇને પતાવવા સિવાય કોઇ છૂટકો નહોતો. 21મી તારીખે બપોરના 1:30 વાગ્યે ફ્લાઇટ હતી. ટિકીટ બુક કરાવી હતી Tiger Airwaysની કે જે સિંગાપોર અને એશિયા પેસિફિકની જાણીતે બજેટ એરલાઇન્સ છે. મને બજેટ એરલાઇન્સમાં ફરવું નથી ગમતું પણ શું થાય હજી સુધી એટલું જ કમાઇ શક્યો છું કે બજેટ એરલાઇન્સમાં મુસાફરી કરી શકું. Beggars can’t be choosers એના જેવો ઘાટ છે.

જ્યારે પણ મેં બજેટ એરલાઇન્સમાં ટિકીટ બુક કરાવી છે ત્યારે કાયમ મારી સાથે કોઇક તો લોચા થયા જ છે. આ વખતે તો હજી વિમાન સુધી પહોંચુ એ પહેલા જ ડખા ચાલુ થઇ ગયા. મેં જ્યારે ટિકીટ બુક કરાવી હતી ત્યારે 4:30 વાગ્યાની બપોરની ફ્લાઇટની ટિકીટ બુક કરાવી હતી. પણ ફ્લાઇટના ત્રણ દિવસ પહેલા મેઇલ આવ્યો એમાં ચૂપચાપ ફ્લાઇટનો સમય 4:30 થી 1 વાગ્યાનો થઇ ગયો. મેં reminder મેઇલ સમજીને જો એ મેઇલ ના જોયો હોત તો ખબર નહીં શું થાત? હવે 3 કલાક ફ્લાઇટ વહેલી થઇ ગઇ એટલે મારી જોડે 0.5 દિવસની રજા વધારે લેવા સિવાય કોઇ બીજો રસ્તો નહોતો.  જો 4:30 વાગ્યાની ફ્લાઇટ હોત તો હું કદાચ ટાઇમ ઓફ લઇને ચલાવી શક્યો હોત પણ બજેટ એરલાઇન્સમાં આપણે જઇએ એટલે આવા નાના નાના ભોગ આપવા પડે. કદાચ આવા સરપ્રાઇઝોના લીધે જ બજેટ એરલાઇન્સમાં મુસાફરી કરવાની મજા છે. 🙂

 DSCF2201

અમે લોકો એરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા. ચાંગી એરપોર્ટના બજેટ ટર્મિનલ પર પણ સારી સુવિધાઓ છે. છોકરાઓને રમવા માટેની પણ સુવિધા છે. રુહી ત્યાં રમવા લાગી અને બીજા અમુક નાના છોકરાઓ પણ ત્યાં રમતા હતા એટલે એને તો ત્યાં એમની સાથે રમવાની બહુ મઝા આવી. વળી આગલા દિવસે એના માટે ડોરાના લાઇટીંગવાળા શુઝ પણ લાવ્યા હતા એટલે બહુ ફોર્મમાં હતી. એરપોર્ટ પર થોડા ફોટા પણ લીધા બધાંના.

 

 

DSCF2203

 

 

 

 

એક બંદર એરપોર્ટ કે અંદરDSCF2196 

 

 

 

 

 

 

 

ડોરાના લાઇટવાળા જૂતા

 

થોડા સમય બાદ અમે લોકો ઇમીગ્રેશન પતાવી બોર્ડિંગ ગેટ તરફ રવાના થયા. ત્યાં થોડી મગજમારી થઇ ગઇ. જ્યારે હેન્ડબેગ ચેક કરાવી તો એમાં ફ્રુટ જ્યુસ, રુહી માટે દૂધ, પાણી વગેરે હતું. અમને કહેવામાં આવ્યું કે કોઇ પણ પ્રકારનું પ્રવાહી હેન્ડબેગમાં લઇ નહીં જવા દેવામાં આવે અને એમાં પાણીનો પણ સમાવેશ થતો હતો. અમને કહે જે પણ લાવ્યા છો એ ક્યાં તો બધું પતાવી દો અથવા કચરાપેટીમાં ફેંકી દો. હવે એક સાથે આટલું બધું અને જાતજાતનું કંઇ રીતે પિવાય? પણ પછી થોડી રકઝક કરી અને રુહીના નામે અમે જ્યુસ અને દૂધની બોટલ અંદર લઇ જવામાં સફળ રહ્યા. પાણી કેમ ના લઇ જવાય એ મને ખબર ના પડી. દૂધની બોટલમાં પણ મારી પાસે બોટલનું સીલ તોડાવીને કહે કે રુહીને થોડું પીવડાવો પછી જ અંદર લઇ જઇ શકશો. પછી સત્તા આગળ શાણપણ નકામું અને ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે એમ માની જે રહ્યું એ રહ્યું ગણીને અંદર પહોંચ્યા. છે ને આતંકવાદીઓનો ત્રાસ…..

જ્યારે બોર્ડિંગ ગેટ પર આવ્યા ત્યારે બીજી નાની માથાકૂટ થઇ. જ્યારે મેં બોર્ડિંગ પાસ ચેક કરનાર લેડીને ખાલી મારો બોર્ડિંગ પાસ જ આપ્યો ત્યારે મારા પર એણે ઘૂરકિયા કરવા માંડયા. થોડા Hi decibleમાં એણે મારો પાસપોર્ટ માંગ્યો. એણે મારો પાસપોર્ટ લઇને પછી એણે વિધિ તો પતાવી પણ પછી પાસપોર્ટ અને મારો બોર્ડિંગ પાસ બરાબર મારા ચહેરાની સામે રાખીને બરાડી કે "from next time give both passport n boarding pass together". હું તો આવું વર્તન જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. મારા ખ્યાલથી એ ચેક કરનાર લેડી માટે અમે બજેટ એરલાઇન્સમાં ટ્રાવેલ કરવાવાળા એકદમ હલકા લોકો હોઇશું.  એમાં ય વળી મારો ચામડીનો કલર પણ સફેદ નહીં એટલે એના મતે તો હું કારીગર વર્ગના લોકોમાં આવતો હોઇશ. ખબર નહીં એ લેડીની એના બોયફ્રેંડ સાથે મારામારી થઇ હશે કે એને ભૂખ લાગી હશે કે ગમે એ હોય પણ એનું વર્તન જરા પણ વ્યાજબી નહોતું. જો કે મેં એ વખતે કોઇ મગજમારી ના કરી પણ પાછા આવીને અહીંથી કરેલી Tiger Airways પરની ચાર્જશીટમાં પણ આ મૂદ્દાને સરસ રીતે વણી લીધો છે. જોઇએ હવે શું થાય છે? એરલાઇન્સવાળા મને ખબર છે કે કોઇ પગલા નહીં ભરે પણ મારી સાથે થયેલા ખરાબ વર્તનની મારે ફરિયાદ તો કરવી જ રહી.

છેવટે ફ્લાઇટમાં અમે ગોઠવાયા. સદ્દ્ભાગ્યે ફ્લાઇટમાં કોઇ ઘટના ના ઘટી અને અમે લોકો નિયત સમય મુજબ હોંગકોંગ પહોંચી ગયા. હોંગકોંગ અમે લોકો લગભગ 5:30 વાગ્યાની આસપાસ પહોંચ્યા. મને એમ હતું કે આટલા જલ્દી પહોંચીશું તો જલ્દી જલ્દી હોટલ પહોંચીને ક્યાંક ફરવા જઇશું. પણ અમને એરપોર્ટમાંથી ઈમીગ્રેશન વિધિ પતાવીને બહાર આવતા જ લગભગ 6:15 જેવું થઇ ગયું. હોંગકોંગ એરપોર્ટ મને એમ હતું કે ભલે ચાંગી એરપોર્ટ જેવું અફલાતૂન નહીં હોય પણ એકંદરે સારુ હશે. પણ મને એરપોર્ટમાં કશું ખાસ સારુ ના લાગ્યું. મારા ખ્યાલથી કદાચ અમદાવાદ અને હોંગકોંગના એરપોર્ટ વચ્ચે બહુ ફરક નહીં હોય. મેં અમદાવાદનું નવું બનેલું એરપોર્ટ જોયું નથી પણ કદાચ એવું પણ બને કે અમદાવાદનું નવું એરપોર્ટ હોંગકોંગના એરપોર્ટ કરતા પણ વધારે સારુ હોય. હોંગકોંગમાં ઇમીગ્રેશન કાઉન્ટર પર બરાબર ભીડ હતી અને માત્ર 4-5 કાઉન્ટર ચાલુ હતા. અમારે પણ લગભગ 20-25 મિનીટ ઉભા રહેવું પડ્યું. (આની સરખામણી સિંગાપોર એરપોર્ટ સાથે કરીએ તો સિંગાપોર પાછા આવ્યા ત્યારે ઇમીગ્રેશનમાં 5 મિનીટ પણ ના લાગી.) એરપોર્ટ પરથી નિકળ્યા બાદ સિટી બસ સુધી પહોંચવામાં અમને બહુ સમય ના લાગ્યો. અમે બહાર નિકળ્યા ત્યારે અંધારા જેવું થઇ ગયું હતું. હોંગકોંગમાં પણ ઇન્ડિયાની જેમ ચાર ઋતુઓ છે અને અત્યારે હાલમાં કદાચ શિયાળાની ઋતુ ચાલી રહી છે. એટલે જ લગભગ 6:30 વાગ્યાની આસપાસ અંધારુ થઇ ગયુ હતું. અમે સિટી બસ દ્વારા હોટલમાં જવાના હતા. એરપોર્ટથી અમારી હોટેલ થોડે દૂર હતી. બસમાં મને સુખદ આંચકો ત્યારે લાગ્યો જ્યારે મેં જોયું કે બસમાં મફત wi-fiની સુવિધા છે. મેં આ પ્રકારની સુવિધા પબ્લિક ટ્રાંસપોર્ટમાં પ્રથમ વખત જોઇ. બસમાં wi-fiની સુવિધા એકદમ સરસ ચાલતી હતી. સ્પીડનો કે કનેક્શન વારેવારે બ્રેક થવાનો પણ કોઇ પ્રોબ્લેમ નહોતો. હોંગકોગમાં મે એ જોયું કે ઘણી બધી જગ્યાએ મફતમાં wi-fiની સુવિધા પ્રાપ્ય છે. અમે જ્યાં રોકાયા હતા એ મોટી હોટલ ના હોવા છતાં પણ ત્યાં એકદમ સરસ wi-fiની સુવિધા પ્રાપ્ય હતી.

જ્યારે અમારી બસ એરપોર્ટથી નીકળી ત્યારે થોડા સમય સુધી તો હાઇવે પર જ ચાલતી રહી. મને થોડી નવાઇ લાગી  કે હોંગકોંગમાં આવું જહાઇવે જેવું જ છે કે પછી કોઇ residential / business district જેવું પણ છે. જો કે થોડા સમય પછી અમે જ્યારે શહેરમાં પ્રવેશ્યા ત્યારે તો દ્રશ્ય એકદમ બદલાઇ ગયું હતું. રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડભાડ હતી. રસ્તાની બન્ને બાજુએ દુકાનો હતી. ફૂટપાથ પર પણ ગલ્લા જેવું અને નાના સ્ટોલ દેખાતા હતા. મને રસ્તા પર લોકોની આટલી ભીડ જોઇને એકદમ સુખદ આશ્ચર્ય થયું. સિંગાપોરમાં સામાન્યત: આટલી ભીડ રોડ પર ક્યારેય મેં જોઇ નહોતી. વળી સિંગાપોરમાં રસ્તાની આજુબાજુ દુકાનો નથી હોતી. અહીં કોઇ પણ નાની વસ્તુ ખરીદવી હોય તો પણ બજારમાં કે મોલમાં જવું પડે છે. હોંગકોંગને પહેલી નજરે જોઇને એમ જ લાગ્યું કે હું મુંબઇ પહોંચી ગયો છું અને કોઇ ટ્રેન સ્ટેશનની બહાર જોઇ રહ્યો છું. મને ખરેખર હોંગકોંગની આ વાત બહુ ગમી. જેમ મુંબઇમાં દરેક વસ્તુ રોડ પર મળી રહે એવું જ કદાચ હોંગકોંગનું પણ છે. જેમ જેમ અમે લોકો સિટીની અંદર જતા ગયા એમ માનવ મહેરામણ વધતો ગયો. મને મુંબઇની બધી યાદગીરીઓ તાજી થવા લાગી.

છેવટે હોટલ પર પહોંચ્યા. હોટલ પર પહોંચતા અમને 8 વાગી ગયા હતા. બહાર અંધારુ થઇ ગયું હતુ એટલે ક્યાંય જવાનું માંડી વાળ્યું અને ઘરેથી લાવેલો નાસ્તો થોડો કરીને અમે લોકો સૂઇ ગયા. વહેલું સૂઇ જવું પણ જરૂરી હતું કારણ કે બીજા દિવસે ડિઝનીલેન્ડ જવાનું હતું. હોંગકોંગમાં પહેલો દિવસ આમ જ પૂરો થઇ ગયો.

હોંગકોંગના બીજા દિવસોની યાદગીરીઓ હવે પછીના હોંગકોંગ ડાયરીના પાનાઓમાં….

Time to pause n enjoy…..

આજથી 4-5 દિવસ માટે રોજીંદા જીવનથી મુક્તિ. આજથી 4.5 દિવસ માટે સિંગાપોરથી દૂર હોંગકોંગ અને મકાઉ જઇ રહ્યા છીએ. વેકેશન માટે હોંગકોંગ અને મકાઉ પસંદ કરવાના અમુક કારણો હતા. મુખ્ય કારણ હતું કે રુહીને ડિઝનીલેન્ડ બતાવવું હતું. રુહીને ડિઝનીના કાર્ટૂન જોવા બહુ ગમે છે. મિકી, મિની, ડોનાલ્ડ, ગુફી એ બધાં રુહીના buddy જેવા છે. એને હવે બધાં કાર્ટૂન કેરેક્ટરોમાં ખબર પણ પડે છે એટલે થયું કે આજ યોગ્ય સમય છે રુહીને બાળકો માટેની આ અજબની દુનિયા બતાવવાનો. સાથે સાથે અમે લોકો પણ દરિયા કિનારે જઇ જઇને કંટાળ્યા હતા. એટલે થયું કે હવે બીચ પર રખડપટી કરવા નથી જવું. એટલે કેસીનો , થીમ પાર્ક વગેરેનો આનંદ માણવા માટે હોંગકોંગ અને મકાઉ પસંદ કર્યું.

હોંગકોંગમાં ડિઝનીલેન્ડ, Ocean Park, મેડમ ટ્યુસાદ મ્યુઝિયમ, હાર્બર ફ્રન્ટ આ જગ્યાઓએ જવાનું પ્લાનિંગ છે અને પછી જેવી સમયની અનૂકુળતા એ પ્રમાણે શોંપિંગ અને બીજા સ્થળો. મકાઉમાં કેસીનોમાં જવું છે. સાથે સાથે Venetian રિસોર્ટ પણ જવાનું છે. (Google Images : Venetian રિસોર્ટ). રિસોર્ટ મને ભવ્ય લાગે છે જોઇએ ત્યાં જઇને કેવું લાગે છે. Taipa ટાપૂ પર માત્ર અને માત્ર 5 સિતારા હોટેલો, રિસોર્ટ અને શોપીંગ મોલ વગેરે જ છે. ટૂંકમાં અમીરોની દુનિયામાં જઇને ડોકિયું કરવાનું છે.

હોંગકોંગ અને મકાઉ બન્ને સ્થળો માટે 4 દિવસ ઓછા છે. મારા ખ્યાલથી હોંગકોંગ અને મકાઉ બન્ને વ્યવસ્થિત રીતે ફરવા માટે 7 દિવસ જોઇએ પણ મારી જોડે રજાઓ ઓછી છે એટલે 4 દિવસમાં જ આખો પ્રોગ્રામ બનાવ્યો છે. (જો કે મારી ફ્લાઇટ re schedule થઇ છે એટલે હવે 4 ના બદલે  4.5 દિવસ મળશે.)

મલેશિયા, ઇન્ડોનેશિયા અને આજુબાજુની નાની ટ્રીપોને બાદ કરુ તો પહેલી વખત હું મારા ખર્ચે સિંગાપોર અને ઇન્ડિયાથી દૂર વેકેશન માટે જઇ રહ્યો છું. પહેલી વખત મારા પોતાના પૈસે (કંપની ખર્ચે નહીં) હું 5 * હોટલમાં રહીશ. અમીરોની દુનિયામાં રહી ના શકીએ પણ ડોકાચિયા કરી શકીએ એટલી ઔકાત હવે થઇ ગઇ છે. 🙂

બસ હવે 4-5 દિવસ ટ્વીટર, ફેસબુક, બ્લોગ અને નોકરીની જંજાળોથી મુક્ત થઇને બસ मौजा ही मौजा….

500 HKD

500 હોંગકોંગ ડોલર (લગભગ 2900 રૂપિયા). HSBC બેંક હોંગકોંગ ડોલર છાપે છે એનો મતલબ એ કે HSBC બેંક એ હોંગકોંગની રિઝર્વ બેંક સમાન છે. હું તો અત્યાર સુધી એને ફાલતુ બેંક સમજતો હતો.

 Front

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Back

જેલ અને ન્યાયતંત્ર

થોડા દિવસ પહેલા મધુર ભંડારકર દ્વારા નિર્મિત મૂવી "જેલ" જોયું. મધુર ભંડારકર મોટાભાગે વાસ્તવિક અને સાંપ્રત વિષયો પર મૂવી બનાવવા માટે જાણીતા છે અને આ મૂવી પણ વાસ્તવિકતાની ઘણી નજીક છે. આ મૂવી જેલમાં રહેતા કેદીઓની જીંદગી વિશે છે. આ મૂવી જોયા પછી આપણા પાંગળા જેલતંત્ર અને ન્યાયતંત્ર વિશેના મારા વિચારો અહીં મૂકુ છું.

જેલમાં આપણે ગયા ના હોઇએ પણ છાપાઓમાં કાયમ આપણી જેલો, તેમાં પ્રવર્તતી અંધાધૂંધી અને કેદીઓની બિસ્માર હાલત વિશે વાંચતા હોઇએ છીએ. જેલ અને એમાં રહેતા કેદીઓની બિસ્માર હાલત માટે આપણી નબળી ન્યાયિક પ્રક્રિયા જ જવાબદાર છે. કેદીઓના કોર્ટ કેસ વર્ષો સુધી ચાલતા રહે છે અને જેલ કેદીઓથી ઉભરાતી રહે છે. સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો એક દીવા સ્વપ્ન જેવું જ છે. આપણું ન્યાયતંત્ર પણ એવું છે કે માણસ જેલમાં જાય પછી નિર્દોષ હોય તો પણ જેલની બહાર ના નિકળી શકે. આમ આદમી  ન્યાય મેળવવાની લડત આજીવન ચાલુ રાખે તથા આર્થિક અને માનસિક હાલાકી ભોગવે તો પણ જીવતે જીવ તો ન્યાય ના પણ મળે. માણસ એક વાર જેલમાં જાય એટલે ખંધા વકીલો અને ધીમી ન્યાય પ્રક્રિયાનો ભોગ બની જાય. (આ બાબતે અહીં અમીત શાહનું ઉદાહરણ એકદમ બંધબેસતું છે. અમીત શાહ દોષી છે કે નિર્દોષ છે વાત એ નથી પણ એમના જેવા હાઇ પ્રોફાઇલ વ્યક્તિ કે જે પૈસા પાણીની જેમ વાપરી શકે છે, રામ જેઠમલાણી જેવા દેશના ટોચના ધારાશાસ્ત્રીને જામીન માટે લગાવ્યા છે અને પૂરતું રાજકીય પીઠબળ છે છતાં છેલ્લા ત્રણ મહિનાથી જામીન માટે રાહ જોઇ રહ્યા છે. જો હાઇ પ્રોફાઇલ લોકોના પણ આવા હાલ હોય તો આમ આદમીની તો શું હાલત થાય?) જેલમાં જનારા બધાં આરોપી નથી હોતા કે બધાં નિર્દોષ નથી હોતા પણ લીલા જોડે સૂકું પણ બળે એ ન્યાયે નિર્દોષો પણ આ અમાનવીય પ્રક્રિયાનો શિકાર બની જાય છે.

જેલની અમાનવીય પરિસ્થિતિઓ વચ્ચેનું જીવન અને બીજા આરોપીઓની સંગતમાં સારો માણસ પોતાની જાતને સારો રાખી શકે એ વાત લગભગ અશક્ય જેવું છે. માણસની ધીરજ ક્યારેક તો ખૂટી જ જવાની છે ને? આ બાબતે જેલ મૂવીમાં એક સરસ સંવાદ પણ છે કે જેમાં મનોજ બાજપેયી નીલ નીતિન મૂકેશને કહે છે કે "हो सके तो जैसे आये थे वैसे ही बहार जाना" એટલે કે તુ નિર્દોષ છે અને નિર્દોષતાને જાળવી રાખજે.

મને કાયમથી પીળી વર્દીવાળા, કાળા કોટવાળા અને સફેદ કોટવાળાનો ડર રહે છે. પોલીસ સ્ટેશન, કોર્ટ કે હોસ્પિટલના પગથિયા ચઢો એટલે આર્થિક અને માનસિક હાલાકી સિવાય કશું નથી મળવાનું. પાસપોર્ટ માટે પોલીસ ઇન્ક્વાયરીનું કામ પણ પૈસા આપ્યા વગર નથી થતું. આપણું નામ પોલીસ ચોપડે ચઢ્યું હોય કે ના ચઢ્યું હોય 50-100 રૂપિયાનો તોડ કર્યા વગર કામ ના થાય. મેં જ્યારે પહેલી વખત પાસપોર્ટ બનાવેલો અને પોલીસ સ્ટેશન ઇન્કવાયરી માટે ગયો હતો ત્યારે મારા કાગળિયામાં સહી કરીને મને કહી દીધું કે સામે પાનવાળી દુકાનથી 1.5 લિટરની બે કોકની બાટલીઓ લઇ આવો. મારાથી ના કહી શકાય એવી કોઇ સંભાવના જ નહોતી કારણ કે વિનંતી કરવામાં આવે તો હા-ના થાય પણ આ તો હકથી માંગવામાં આવે બધું. ઇન્ડિયામાં આપણને ટ્રાફિક પોલીસ પકડે એટલે આપણું લાઇસન્સ લઇ લે અને પછી કહે કે કોર્ટમાં આવીને દંડ ભરીને લાઇસન્સ પાછું લઇ જજો. આમ કહે એટલે આપણે તરત જ નાણાં કોથળી ઢીલી કરી દઇએ અને જેટલા માંગે એટલા આપણે એ પોલીસને આપી દઇએ. એનું કારણ એ છે કે આપણને કોર્ટ પર ભરોસો નથી અથવા તો ત્યાં વેઠવી પડતી હાલાકીઓનો અને સમયની બરબાદીનો ડર છે. હું ઇન્ડિયામાં કોર્ટમાં સોગંધનામું બનાવવા જેવા નાના કામ માટે પણ જવાનું ટાળું છું. કાયદાની જાણકારીના અભાવે જનતાની લૂંટાલૂંટ કરતી સંસ્થા જેવું મને ત્યાં લાગે છે. જે કામના માત્ર 100 રૂપિયા થવા જોઇએ એ કામના વકીલોની મિલીભગત અને ભરપૂર ભ્રષ્ટાચારના લીધે 500 રૂપિયા થઇ જાય છે. ડોકટરોનું પણ આજ કાલ આવું જ છે. ભગવાન મને કાયમ આ ત્રણ પ્રકારના લોકોથી બચાવીને રાખજે…

ભ્રષ્ટાચારની વાત બાજુએ મૂકીને ખાલી ન્યાયતંત્રની વાતા કરીએ તો મને ઘણી વખત એમ વિચાર આવે કે આપણે શા માટે આપણી ન્યાય પ્રક્રિયાને ઝડપી ના બનાવી શકીએ? અમેરિકાએ ટાઇમ્સ સ્કેવરમાં બોમ્બ મૂકવાના આરોપી ફૈઝલ શહેઝાદને પકડ્યો અને 4-5 મહિનાની અંદર એનો કેસ પતી પણ ગયો અને એને જન્મટીપની સજા પણ થઇ ગઇ. જ્યારે આપણે ત્યાં કસાબભાઇ આટલા લોકોને છડે ચોક મારીને પણ આપણા પૈસે મોજમજા કરી રહ્યા છે. એમને તો ખબર નહીં ભારત સરકાર સજા કરશે કે કેમ? એ જ રીતે અફઝલ ગુરૂનો કેસ પણ ખાલી એક ચૂંટણી મૂદ્દો બની રહી ગયો છે. ભારતની દરેક અદાલત એ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી ચૂકી છે છતાં સરકાર ગંદી રાજનીતિ કરી રહી છે. સજાનો અમલ નથી થતો એટલે જેલમાં એક માણસને જીવાડવા માટે ખોટો ખર્ચો કરવો પડે છે. જેલમાં કેદીઓની સંખ્યા વધતી રહેવાનું કારણ અકાર્યદક્ષ ન્યાય પ્રક્રિયા જ જવાબદાર છે. રામ જન્મભૂમિ, મુંબઇ બ્લાસ્ટ કેસ, ભોપાલ ગેસ કાંડ વગેરે જેવા અનેક કેસોના ચૂકાદા આપવામાં નીચલી અદાલતોએ 20-25 વર્ષ કાઢી નાંખ્યા અને હજી આવા કેસો લટકતા રહ્યા છે. નથી કોઇ ગુનેગારોને નોંધપાત્ર સજા થતી કે નથી બધા પક્ષકારોને મંજૂર હોય એવો ચૂકાદો આવતો. આવી ન્યાય પ્રક્રિયાનો શું મતલબ છે.

છેવટે જેલ મૂવી વિશે વાત કરીએ તો મૂવી મને આમ સારુ લાગ્યું. એક વખત જોઇ શકાય એવું તો ખરું. મધુર ભંડારકરના "ટ્રાફિક સિગ્નલ" સિવાયના બધાં મૂવી મને ગમ્યા છે અને મારા ખ્યાલથી બધા એક વખત જોઇ શકાય એવા મૂવી તો છે જ.

ધર્મ, સંસ્કૃતિ અને મોજમજાની ભેલપૂરી

શનિવારે અહીં ગરબાના એક કાર્યક્રમમાં જવાનું હતું. કાર્યક્રમનું સ્થળ ઘરથી થોડું દૂર હતું એટલે અમે વહેલા ઘરેથી નીકળ્યા. મેં વિભાને કહ્યું કે આજે ઘરે આરતી નહીં કરી શકાય. તો વિભાએ જવાબ આપ્યો કે જ્યાં ગરબાના કાર્યક્રમમાં જઇએ છીએ ત્યાં આરતી કરી લઇશું. (આને આત્મવિશ્વાસ નહીં પણ over confidence કહેવાય. :)) જો ઇન્ડિયામાં પણ આજ કાલ ગરબા શરૂ કરતા પહેલા માતાજીની આરતી કરવાની પ્રથા આઉટ ઓફ ફેશન થઇ ગઇ હોય તો સિંગાપોરમાં એવી આશા રાખવી વધૂ પડતી ના કહેવાય?

છેવટે હું ઘટના સ્થળે (એટલે કે ગરબાના કાર્યક્રમના સ્થળે :)) પહોંચ્યો અને જોયું તો મારી ધારણા મુજબ જ માતાજીનો ફોટો નહોતો. મને રાહતની લાગણી થઇ. આમ પણ એ કોઇ ભક્તિ સંગીતનો કાર્યક્ર્મ હતો નહીં અને જ્યાં ફક્ત मोजा ही मोजा થવાનું હોય ત્યાં ભગવાનની હાજરી ના હોય એ જ વધૂ સારુ. પણ ગરબાનો કાર્યક્રમ બરાબર જામ્યો હતો ત્યાં જ એક ભાવિક ભક્તિભાવથી પ્રેરિત થઇને એક મોટી છબી માતાજીની લઇ આવ્યા અને સ્પીકરની બાજુમાં ગોઠવી દીધી. મને ખ્યાલ ના આવ્યો કે એમણે આમ કેમ કર્યું? પણ પછી માતાજીને જરૂર તકલીફ થઇ હશે. DJ જોર શોરથી મૂન્નીને બદનામ કરવામાં લાગ્યો હતો અને સ્પીકર એકદમ માતાજીની બાજુમાં. વળી પબ્લિક્ને માતાજીનો ફોટો છે કે નહીં એનાથી કોઇ મતલબ જ નહોતો પણ એ ફોટો મૂકનાર ભાઇને કદાચ ધર્મ અને સંસ્કૃતિ સાચવ્યાનો સંતોષ જરૂર થયો હશે.

મારા મતે આ મોજ મજાનો કાર્યક્ર્મ હતો અને એમાં માતાજીને વચ્ચે રાખ્યા વગર જ જો કાર્યક્ર્મ કર્યો હોત તો સારુ હોત. મોજ મજા કરવા લોકો આવે છે તો ભલે કરે એમાં કંઇ ખોટું નથી. માત્ર ફોટો મૂકી દેવાથી કંઇ ધર્મ અને સંસ્કૃતિ સચવાઇ તો નથી જવાની? મને લાગે છે આપણે દરેક વખતે સંસ્કૃતિ બચાવવાના પાંગળા પ્રયત્નો મૂકી દેવા જોઇએ.

નવરાત્રી

આજથી નવરાત્રી શરૂ થઇ રહી છે. નવરાત્રીના દિવસો દરમ્યાન દરરોજ સાંજે સહ પરિવાર (જો કે સહ પરિવારમાં ઇન મીન તીન સિવાય છે કોણ ? :)) માતાજીની આરતી અને સ્તુતિ કરીશું અને પછી જ રાત્રિ ભોજન કરીશું. આ ક્રમને સિંગાપોર આવ્યા બાદ હજી સુધી તો દરેક નવરાત્રીમાં જાળવી રાખ્યો છે અને ભવિષ્યમાં પણ જાળવી રાખીશું. નવરાત્રી એક અવસર છે ભગવાનની આરાધના કરવાનો અને ભગવાનની સમીપ જવાનો. મને આમ કરવામાં સારુ લાગે છે પણ રુહીને આમ કરવામાં મજા નથી આવતી. આજે  રુહીને સાથે લઇને આરતી કરી રહ્યા હતા તો રુહીને તરત જ કંટાળો આવવા લાગ્યો અને ચહેરો એકદમ ઉદાસ થઇ ગયો એટલે એને દબાણ કરીને બેસાડી ના રાખતા જવા દીધી. હવે આવતી કાલે આ આરતીનો કાર્યક્રમ રુહી માટે રસપ્રદ બને એવું કંઇક વિચારવું પડશે. 🙂

નવરાત્રીના તહેવારની સાથે યાદોનો ખજાનો જોડાયેલો છે. નાના હતા ત્યારે સોસાયટીમાં ચાર બ્લોક વચ્ચે દરેક ઘરમાંથી ફાળો ઉઘરાવીને એક મલ્લામાતાની સ્થાપના કરતા. રાત્રે બધા લોકો સાથે મળી રોજ આરતી અને સ્તુતિ કરતા.  આરતી બાદ પ્રસાદની વહેંચણી, લોકો સાથે વાતચીતો અને ચર્ચાનો દોર. ત્યારબાદ સોસાયટીમાં જ થતા શેરી ગરબામાં અમે બધાં મિત્રો ખેલૈયા બનીને મન મૂકીને સવારના 3-4 વાગ્યા સુધી રાસ ગરબા રમવાનો આનંદ માણતા. નવરાત્રીના એ નવ દિવસો દરમ્યાન મારી આખી જીવન પધ્ધતિ બદલાઇ જતી. એ જમાનામાં દિવાળી કરતા પણ નવરાત્રી મારા માટે મોટો તહેવાર હતો. અમારી સોસાયટીમાં મોટા ભાગની પ્રજા ગરબા પ્રેમી હતી. નવરાત્રી હોય કે ઉત્તરાયણ હોય, સત્યનારાયણની કથા હોય કે પછી કોઇને ત્યાં લગ્ન પ્રસંગ હોય ગરબા અચૂક થતા. વગાડનારા થાકી જતા પણ અમે નાચનારા થાકતા નહીં એવી હાલત હતી. યાદોના આ પાનાઓમાં ઘણી બધી સુવાળી યાદો પણ કોતરાયેલી હોય જ છે. પણ….

પણ સમય બદલાતો રહે છે. ધીરે ધીરે પાર્ટી પ્લોટોના દૂષણના લીધે શેરી ગરબા નષ્ટ થતા ગયા એટલે સોસાયટીમાં થતા ગરબાની ગરિમા થોડી ઓછી થતી ગઇ. જેમ જેમ અમે મિત્રો મોટા થતા ગયા એમ એમ ભણતર કે નોકરીના બહાને અમે સોસાયટીનો માળો છોડીને બહાર નિકળતા ગયા. જે લોકો પાસે રૂપિયા વધી ગયા એ લોકો બીજે સ્થળાંતર કરી ગયા. કળિયુગના પ્રભાવે લોકોના મન પણ નાના થવા લાગ્યા. લોકોની જોડે હવે સામે બારણે રહેતા પાડોસી સાથે પણ વાત કરવાનો સમય નથી. બીજા પણ અમુક કારણો છે કે જેના કારણે જે એક નિર્દોષ આનંદ અને મોજ મજા જીંદગીની હતી એ લુપ્ત થતી ગઇ. હાલમાં અમારી સોસાયટીમાં રાસ ગરબાનું આયોજન થાય છે કે નહીં એ પણ મને નથી ખબર. આજે પહેલાના સોસાયટીના મિત્રોમાં ફક્ત એક જ મિત્ર છે કે જે હજી પણ સોસાયટીમાં રહે છે. આજે પહેલા જેવું કશું બચ્યું જ નથી એમ જ કહી શકાય. એ અદ્દ્ભૂત સમય હવે ફક્ત યાદોમાં જ ફરીથી જીવી શકાય એમ છે. આ લખતા લખતા પણ ઘણી બધી યાદોને યાદ કરીને હું જાણે ફરીથી એ યાદોને જીવી ગયો હોઉ એમ લાગે છે. એમ થાય છે કે ફરીથી એ સમય જીવવા મળે તો કેવી મજા આવે? ઘણી વખત મને એમ લાગે છે કે આપણે પ્રગતિના નામ પર સામાજીક સ્તરે તો અધોગતિ તરફ જ ધકેલાઇ રહ્યા છે.

છેલ્લા 3 વર્ષથી અહીં સિંગાપોરમાં માત્ર એક કે બે દિવસ ગરબા રમીને નવરાત્રીનો આનંદ માણી લઇએ છીએ જો કે એની પણ મજા છે. આવતી કાલે પણ રાસ ગરબાના કાર્યક્રમમાં જવાનું છે. હવે પહેલાની જેમ ખેલૈયા તો નથી રહ્યા  એટલે ગરબા રમીને નહીં પણ એ માહોલને માણવાનો આનંદ લઇએ છીએ.

ગાંધીબાપૂ, મોદી સાહેબ અને ToDo list

આજે આપણા રાષ્ટ્રપિતા એટલે કે ગાંધી બાપૂની જન્મજ્યંતિ છે અને આજે ટ્વીટર, ફેસબુક કે બીજે વેબ પર જ્યાં પણ નજર નાંખો ત્યાં ગાંધીબાપૂના જ દર્શન થતા હતા. આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના બ્લોગ પર પણ ગાંધી બાપૂના નામે આજે એક પોસ્ટ મૂકાઇ છે.

Let’s follow Bapu’s ideology for better tomorrow

 

બ્લોગા પરની પોસ્ટમાં મોદી સાહેબે પરાણે ગાંધી બાપુને અને અયોધ્યાના વિવાદને રામરાજ્યના નામે સાંકળી લીધા છે. આમ જોવા જઇએ તો આ બે મૂદ્દાને કંઇ લેવા દેવા નથી પણ આ બન્ને મૂદ્દાઓને સાંકળીને મોદી સાહેબે સમજાવી દીધું કે રાજનીતિ કોને કહેવાય? 🙂

જો કે આ એક મૂદ્દા સિવાય મોદી સાહેબે લખેલી સ્વચ્છતા જાળવવાની, ખાદી વાપરવાની અને અક્ષરજ્ઞાન આપવા વિશેની વાતમાં ખરેખર દમ છે. 

ચલતે ચલતે બાપૂ પર લખાયેલ આ સરસ ગીત એમને જન્મદિવસની ભેટરૂપે

 

बापू बोले तो आप को Happy Birthday.

P.S. :

મને ગાંધી બાપૂ પ્રત્યે બહુ અહોભાવ કે પ્રેમ નથી પણ મારી "સત્યના પ્રયોગો" વાંચવાની અદમ્ય ઇચ્છા છે. અહીં સિંગાપોરમાં આ પુસ્તક મળી શકે એમ નથી (સિંગાપોરમાં અહીંના ગાંધી Lee Kuan Yewના જોઇએ એટલા પુસ્તકો મળે :)). એટલે આ વખતે ઇન્ડિયા આવીશ ત્યારે આ પુસ્તક ખરીદી લઇશ અને સિંગાપોર લાવી શાંતિથી વાંચીશ.

આ વખતે ઇન્ડિયાની ટ્રીપ દરમ્યાન ગાંધી આશ્રમની મૂલાકાત પણ લેવી છે. અમદાવાદમાં મોટા થયા અને ઘરની નજીક હોવા છતાં આજ સુધી ક્યારેય ગાંધી આશ્રમમાં (એ રીતે જોવા જઇએ તો કોઇ પણ આશ્રમમાં) આજ સુધી પગ નથી મૂક્યો. વળી હવે તો બીગ બી પણ બોલાવે છે એટલે હવે તો જવું જ પડશે નહીં તો એમને માઠું લાગી જશે :).

હવે ત્રણ મહિના સુધી ઇન્ડિયા ટ્રીપમાં શું કરવું એનું પ્લાનિંગ જ કરવાનું છે.

%d bloggers like this: