નવજાત બાળકો પર થતી ક્રુરતા

જ્યારે કઇક ખરાબ દુનિયામાં કે સમાજમાં ખરાબ થાય છે ત્યારે ઘરડા લોકો કાયમ કહેતા રહેતા હોય છે કે કળિયુગ આવ્યો છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે કળિયુગ આવશે, દુનિયામાં પાપ વધશે અને માનવજાતિનો વિનાશ થશે.  આજકાલ જ્યાં જુઓ ત્યા એવા બનાવો વિશે જાણવા મળે છે કે એમ થાય કે માણસ પોતાની માણસાઇ ભૂલી રહ્યો છે. માણસ માણસ મટીને જાનવર બની રહ્યો છે અને આ અમાનુષતાનો સૌથી વધારે ભોગ જો કોઇ બનતું હોય તો એ છે નિર્દોષ બાળકો છે. બાળકોને જન્મ આપીને કચરાપેટીમાં ફેકી દેવું એ તો જાણે સામાન્ય બની ગયું છે. સગી મા પોતાના નવજાત શિશુ સાથે આવું અમાનવીય વર્તન કરે એ કેટલું ક્રુર છે. જો માતા પોતાના બાળકનું જતન ના કરી શકતી હોય તો બાળકને જન્મ આપીને બાળકને શા માટે જીંદગીભર દોઝખભરી જીંદગી જીવવા મજબૂર કરતા હોય છે. નાદાનિયતમાં મા બાપે કરેલી ભૂલોની સજા આખી જીંદગી બાળક શા માટે ભોગવ?.

ગયા અઠવાડિયે એક એવો બનાવ જાણ્યો કે જાણીને મન ખૂબ દ્રવી ઉઠ્યું. કદાચ આ બનાવે જ આ લખવા માટે મને મજબૂર કર્યો છે. મુંબઇમાં ગયા અઠવાડિયે કચરાપેટીમાંથી એક નવજાત બાળક મળ્યું જેને માબાપ દ્રારા ત્યજી દેવામાં આવ્યું હતું અને ખૂબ જ ધારદાર હથિયાર વડે તેના શરીર અને માથાના ભાગ પર 26 ધા કરવામાં આવ્યા હતા. જે બાળક દુનિયામાં આવ્યે હજી થોડા કલાકો થયા છે એવા નાજુક અને માસૂમ બાળક પર આવો ક્રુર અત્યાચાર કરતા માણસનો જીવ કઇ રીતે ચાલે. શું દુનિયામાં આટલી જ માણસાઇ રહી છે. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? એ બાળકને સવારે કોઇ દૂધવાળા ભૈયાએ જોયુ અને એ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું. દાખલ કરતા સમયે એ બાળકની હાલત ખૂબ જ નાજુક હતી. એના શરીરનું મોટાભાગનું લોહી વહી ગયું હતું અને જીવવાની આશાઓ નહીંવત હતી. પણ મુંબઇની હોસ્પિટલના તબીબોએ બાળકને બચાવવા માટે કમર કસી અને કદાચ ભગવાન પણ એને આ જાલીમ દુનિયામાં સંઘર્ષ કરીને જીવાડવા માંગતો હશે અને બાળક જીવી ગયું. અત્યારે આ બાળક મુંબઇની હોસ્પિટલમાં આઇસીયુમાં છે અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે. ટીવી પર સમાચારમાં અને ન્યુઝ પેપરમાં બાળકનો ફોટો જોઇને એમ લાગે કે આટલા માસૂમ બાળક પર આવું ઘાતકી કૃત્ય કોઇ કઇ રીતે કરી શકે. હવે આ બાળકનું ભવિષ્ય શું છે કોને ખબર?

બીજો આવો એક કિસ્સો આજે ગુજરાત સમાચારમાં વાંચ્યો. જેમાં પિતાએ પોતાની માત્ર 4 મહીનાની દીકરીને પંખાથી ઉંધી લટકાવી અને બાળકીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. એ નાની બાળકીનો ગુનો એટલો જ હતો કે એ બાળકી છોકરી હતી અને પિતાને છોકરો જોઇતો હતો. થોડા દિવસ પહેલા સમાચારમાં પણ સાંભળ્યું હતું કે 70 વર્ષના દાદીમાએ પોતાના છોકરાની નવજાત બાળકીને ગળું દબાવીને મારી નાંખી હતી. જો છોકરી ના જ જોઇતી હોય તો અત્યારે વ્યવસ્થાઓ છે જેનાથી ગર્ભ પરીક્ષણ કરીને બાળકનું લિંગ જન્મ પહેલા જાણી શકાય છે. મારા મતે જન્મ આપીને જીવને મારવાનું હિચકારું કૃત્ય કરવું એના કરતા જન્મ પહેલા જ નિકાલ કરવો મારા મતે વધારે યોગ્ય કહેવાય.

સ્માજમાં આવા ઘણાં હિચકારા કૃત્યો થતા હોય છે અને નવજાત બાળકો મોટાભાગે આવા જુલ્મોના શિકાર થાય છે. આજની તારીખમાં ઘણાં દંપત્તિઓ એવા છે કે જેમના નસીબમાં કોઇ કારણસર સંતાનસુખ નથી લખાયેલું હોતું. જો આવા દંપત્તિઓ આવા તરછોડાયેલા બાળકોને અપનાવે તો કદાચ સમાજમાં આવા હિચકારા કૃત્યો ઓછા થાય અને બાળક અને દંપત્તિઓની જીંદગી ખૂશહાલ બને.  પણ  સમાજ હજી પણ આવો માઇન્ડસેટ નથી કેળવી શક્યો.

આવા બનાવો વાંચીને કે જાણીને રુહી પર વધુ ને વધુ પ્રેમ વરસાવવા પ્રયત્ન કરુ છું. દિલના ઉંડાણમાં એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કે સમાજના આવા less previleged બાળકો માટે કઇ કરવું છે પણ અત્યારે અમુક કારણોસર આ વિચારો ઠોસ આકાર લઇ નથી શકતા. તેમ છતાં આ મહીને CRYમાં બે બાળકોને એક વર્ષ માટે ભણાવવા માટે આર્થિક સહાય આપી છે. જો મારા કરેલા આ કર્મથી બે બાળકોની જીંદગી બની શકતી હોય તો કદાચ જીંદગી જીવ્યાનો સંતોષ થાય.  

રુહીના ખબર

હવે રુહીને 6 મહીના થઇ ગયા છે. અત્યાર સુધી રુહીનો વિકાસ ખૂબ જ સારો રહ્યો છે. (Touch Wood) હજી પણ ખૂબ અગત્યનો સમય છે રુહીના વિકાસ માટે. હવે આરામથી બેસી શકે છે. વોકર લઇને હવે રુહી આખા ઘરમાં ફરતી થઇ ગઇ છે. ભાખોડીયા ભરવાનો પ્રયત્ન તો કરે છે પણ હજી થોડો સમય લાગશે એવું લાગે છે. અત્યાર સુધીમાં 5 દાંત તો ઉગી ગયા છે. હવે એને ખીચડી અને ભાત પણ ખવડાવીએ છે. સેરેલેક પણ આપવાનું ચાલું કર્યું છે.  પાણી પણ પીએ છે.

ગયા અઠવાડીયે, યોકોગાવામાં ‘ફેમિલી ડે’ હતો. વિભા અને નાનું નાનું રુહી બચ્ચું પણ પપ્પાની ઓફિસ જોવા માટે આવ્યા હતા. મઝા આવી બધાંને.

in-canteen.jpg

બદલાતુ જતુ સિંગાપોર

સિંગાપોર જ્યારે એક વર્ષ પહેલા આવ્યો હતો ત્યારથી આજ સુધીમાં ઘણું બદલાઇ ગયું છે. સિંગાપોરની વસ્તી આમ તો 40 લાખની આસપાસ છે. પણ સિંગાપોર સરકાર હવે પ્રયત્નશીલ છે કે સિંગાપોરની વસ્તી (સિટીઝનશીપ ધરાવતા લોકો)ને 60 લાખની આસપાસ પહોંચાડવી. આ માટે સિંગાપોર સરકારે ઇમીગ્રન્ટ લોકો માટે દરવાજા ખૂલ્લા મૂકી દીધાં છે. મેં આજ સુધી એવું નથી સાંભળ્યું કે સિગાપોર સરકારે કોઇનો એમપ્લોયમેન્ટ પાસ કે વર્ક પરમીટ રીજેક્ટ કરી હોય.  યેન કેન પ્રકારેણ વસ્તી વધારવાનું ધ્યેય છે. આવેલા લોકોને ત્યાર બાદ પરમેનન્ટ રેસિડેન્ટશીપ લેવા માટે પ્રોત્સાહિત કરવા અને જેમની પાસે પરમેનન્ટ રેસિડેન્ટશીપ છે એમને લાલ પાસપોર્ટ લેવા માટે પ્રોત્સાહિત કરવા.

સિંગાપોરનો આર્થિક વિકાસ સારો રહ્યો છે તાજેતરમા જેથી કરીને લોકો પણ અહીં આવવા માટે આકર્ષાય છે. અહીં સિંગાપોર સરકાર દ્વારા લોકોની સારી કાળજી પણ લેવાય છે. એટલે આમ જોવા જઇએ તો લોકો અહીં આવવા પડાપડી ના કરે એવું કશું નથી. પણ જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ ધીરે ધીરે પ્રશ્નો આગળ આવતા જાય છે. પ્રોપર્ટી માર્કેટમાં તો બરાબર આગ લાગી છે. સારું મકાન 1000 ડોલરમાં મળવું એ એક સ્વપ્ન થઇ ગયું છે. પાછલા વર્ષ કરતા દરેક વ્યક્તિ 25-30% વધારે મકાનના ભાડા પેટે આપી રહ્યો છે. 5% થી વધી GST હવે 7% થઇ ગયો છે એટલે દરેક વસ્તુ 2% વધુ મોંધી થઇ જશે. વધતી વસ્તીનો લોડ અહીંની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ વર્તાઇ રહ્યો છે. અહીં પણ હવે લોકો મુંબઇ જેવું કરતા થઇ ગયા છે. ટ્રેનમાં બેસવાની જગ્યા મળે એટલે પીક અવર્સ દરમિયાન જેમ મુંબઇમં લોકો પહેલા વિરાર જાય અને ત્યાંથી બેસીને ચર્ચગેટ જાય છે એમ અહીં પણ લોકો ટેમ્પીનીસથી પાસીર રીસ જાય છે અને પાસીર રીસથી ટ્રેનમાં બેસીને સીટી એરિયામાં જોબ કરવા માટે જાય છે. સાંજના ટાઇમે બુગીસ કે રેફલ્સથી ટ્રેનમાં બેસવું એ એક મોટો પ્રોજેકટ છે. મુંબઇના લોકલ ટ્રેન જેવી જ હાલત હવે ધીરેધીરે સિંગાપોરના લોકલ ટ્રેનની પણ થઇ રહ્યી છે. જો બસમાં પણ સાંજે મુસાફરી કરો તો ટ્રાફીકની સમસ્યા છે. 3-4 કિમીની મજલ કાપવામં પણ અડધો કલાક થઇ જાય છે.

વધતી જતી વસ્તીના લીધે સમસ્યાઓ સર્જાવાની જ છે અને સિંગાપોરની જાગૃત સરકાર આના વિશે જરૂર કંઇ વિચારતી જ હશે.

રુહી બેસતા શીખે છે….

હવે રુહીને લગભગ 5.5 મહીના થઇ ગયા છે એટલે હવે એને બેસાડવા માટેની કસરત કરતા રહીએ છીએ.  આ કસરતના ભાગ રૂપે જ ગયા અઠવાડીયે રુહી માટે વોકર લઇ આવ્યો. પહેલા મમ્મી અમદાવાદથી વોકર મોકલાવવાના હતા પણ મોકલવાનો કોઇ મેળ ના પડ્યો એટલે પછી અહીંથી જ લઇ લીધું.  37$ માં અહીંથી વોકર લીધું અહીંથી. જો રૂપિયામાં ગણો તો ઘણું મોઘું કહેવાય પણ અહીં 37$ ની એટલી વેલ્યુ ના કહેવાય. નીચે રુહીને જ્યારે પ્રથમ વખત વોકરમાં બેસાડી ત્યારે લીધેલો ફોટો છે.

first-time-in-walker.jpg

એને વોકરમાં બેસવું આમ તો ગમે છે પણ થોડીક વાર બેઠા પછી કંટાળી જાય છે.  ખાલી અઠવાડીયાથી જ અમે એને વોકરમાં બેસાડીએ છીએ તો પણ હવે એ બેસતા શીખી ગઇ છે. હવે કોઇના પણ ટેકા વગર સૂતા સૂતા જાતે જ બેસી જાય છે. કોઇ પણ જાતના ટેકા વગર થોડી વાર બેસી શકે છે. કાલે જ્યારે પહેલી વાર કોઇ પણ જાતના ટેકા વગર લગભગ પહેલી વાર બેઠી ત્યારે એનો આ ફોટો પાડ્યો હતો.

sitting-without-support-i.jpg

હવે એના માથાના વાળ બહુ વધી ગયા છે. કપાવવાનો વિચાર આવે છે પણ પછી એમ થાય છે કે જ્યારે ઇન્ડીયા જઇશું ત્યારે કપાવશું.

રાત્રે એને પલંગમાં ધમાલ કરવી બહુ ગમે છે. પલંગ પર ગાદલામાં ગમે એટલી ધમાલ કરે પણ વાગવાનો ડર ના રહે એટલે એને વધારે મઝા આવે છે. પલંગમાં રાત્રે સૂવા મૂકો એટલે આખા પલંગમાં ફરે રાખે છે.

masti-i.jpg       masti-ii.jpg

%d bloggers like this: