ઘણાં દીવસો બાદ…..

ઘણાં વખત પછી આજે લખવાનો સમય મળ્યો છે.  હવે કામનો ભાર થોડો વધતો જાય છે. ઘણી બધી ઘટનાઓ ઘટી ગયી છે નજીકનાં ભવિષ્યમાં.

શેરબજારમાંથી આ અઠવાડિયે 400 રૂપિયા કમાયો. કદાચ થોડી રાહ જોઇ હોત તો થોડા વધારે કમાયો હોત. પણ લોભ ન રાખતા મનમાં રાખેલ ટાર્ગેટ સાથે રૂપિયા ઘરે કરી લીધાં. માત્ર 16 દીવસમાં 8133 રૂપિયા પર 400 રૂપિયા કમાયા તે ખરાબ તો ના જ કહી શકાય. જો રીટુર્ન ઓન ઇન્વેસ્ટ્મેંટ ગણો તો તે 118% જેટલું થાય. માર્કેટ વિશે ઘણું શીખવા મળ્યું પણ હજું ઘણું શીખવાનું છે.

મમ્મીના વિઝા માટે કાલે કાગળ ફાઇલ કરવાના છે. 600 $ ડીપોઝીટના આપવા પડશે. રૂપિયા ખબર નહીં ભેગા થતા જ નથી. આર્થિક મોરચા પર સિંગાપોર આવ્યા પછી પણ કાંઇ રાહત નથી થઇ. ખર્ચા વધતાં જ જાય છે. જેટલું કમાઓ એટલું ઓછું પડે છે. સાથે રોજબરોજ નવા ટેન્શનો ઉમેરાતાં જાય છે. જેમ જેમ કમાણી વધે છે તેમ તેમ બેન્ક બેલેન્સ ઘટતું જાય છે. ઘણી વખત થાય છે કે અમદાવાદ નહોતું છોડવા જેવું ભલે પગાર ઓછો હતો પણ જીવન ત્યાં શાંતિવાળું હતું. જો હીસાબ માંડીએ તો કદાચ અમદાવાદ છોડ્યા પછી કાંઇ ખાસ મેળવ્યું નથી. થોડી પ્રગતિ કહી શકાય પણ તેની ભારે કીંમત પણ ચૂકવી રહ્યો છું.

જૈન સ્તવન

થોડા સમય પહેલાં વેબ પર શોધતાં એક ખૂબ જ સુંદર સ્તવન મળી ગયું. મને યાદ છે કે બાજુવાળા પ્રભામાસીના ઘરેથી જ્યારે મૃત્યુ પામ્યા હતા તે દીવસોમાં પ્રભામાસી આ સ્તવનને ખૂબ સાંભળતા હતાં. એજ અરસા દરમ્યાન પપ્પાનું પણ અવસાન થયું હતું. ત્યારે આ સ્તવન સાંભળીને મારા મનને પણ થોડી શાંતિ મળતી હતી. ખરેખર ખૂબ સુંદર સ્તવન છે. મૃત્યુ એ દરેકના જીવનનું કડવું સ્ત્ય છે તે જાણવા છતાં મોહ છૂટી શકતો નથી. જીંદગીભર માણસ ભાગતો રહે પણ આખરે તો બધું માટીમાં જ મળવાનું છે.

—————————————————————-

ચાર દીવસના ચાંદરણા પર જુઠી મમતા શા માટે?

જે ના આવે સંગાથે એની ચિંતા શા માટે.. 

આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી પણ ના આવે.

તુ ખૂબ મથ્યો જે જાળવવા, એ જોબન સાથે ના આવે, (2) અહીંનું છે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે?

જે ના આવે સંગાથે એની ચિંતા શા માટે.. 

તે બાંધેલી મહેલાતોને, દોલતનું કાલે શું થાશે?

જાવું પડશે જો અણધાર્યું, પરિવારનું ત્યારે શું થાશે,(2) સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે, 

જે ના આવે સંગાથે એની ચિંતા શા માટે.. 

સુવાળી દોરીના બંધન આજ સહુ પ્રેમ થકી બાંધે,

 પણ તૂટે તંતુ આયુષ્યનું, ત્યારે કોઇ એને ના સાંધે,(2) ભીડ પડે ત્યા તડ તડ તૂટે, એવા બંધન શા માટે,

 જે ના આવે સંગાથે એની ચિંતા શા માટે..

દર્દે જીગર

દિલનાં દર્દોને પીનારો શું જાણે,
પ્રેમ ના રિવાજોને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં,
તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!
 
જ્યોત સમજે છે કે માત્ર એ જ બળે છે,
એના દર્દની સમજ કોને પડે છે,
પણ કદી પતંગીયા નો વિચાર કર્યો?
જે આ જ્યોત ન પ્રેમમાં, બળી મરે છે….

આર્થિક સમીક્ષા

આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ ઠીક ઠીક રહ્યો. મુંબઇના ઘરનું ભાડું બેંકમાં જમા થઇ ગયું. પણ આજે સ્ટોક માર્કેટમાં મંદીનો દોર હતો. પોર્ટ્ફોલિયોમા પડેલા શેરના ભાવોને પણ તેના લીધે અસર થઇ છે. નજીકના ભવિષ્યમાં શેરબજારમાંથી કાંઇ કમાણી થાય એવું લાગતું નથી.

બીજા એક ચિંતાજનક સમાચાર છે કે ભારતીય રૂપિયો રોજ મજબૂત બનતો જાય છે. 1 સિંગાપોર ડોલર = 28.61 રૂપિયા રેટ આજે છે. અમેરિકાન ડોલર સામે પણ રૂપિયો મજબૂત બની ગયો છે. જો આજ હાલત રહેશે તો વિદેશમાં રહેવાનો કોઇ ફાયદો નહીં રહે.

સિંગાપોર પણ દિવસે દિવસે મોંઘું બનતું જાય છે. આર્થિક હાલતને દુરસ્ત કરવાના જે ઇરાદા સાથે સિંગાપોરની ફ્લાઇટ પકડી હતી તે હેતુ પૂરો થતો લાગતો નથી. નજીકના ભવિષ્યમાં ખર્ચા ઘણા છે અને તેને પૂરા કરવાના રસ્તા ખૂબ મર્યાદિત છે.

%d bloggers like this: