રક્તદાન – મહાદાન

રક્તદાન મહાદાન કહેવાય છે પણ આજ સુધી આ મહાદાનનો લાભ મને કદી મળ્યો નહોતો. ઇચ્છા તો ઘણી હતી પણ મેળ નહોતો પડતો તે આજે વળી આ મહાદાનનો મેળ પડી ગયો. આજે ઓફિસમાં જ રક્તદાન શિબીરનું આયોજન કરાયું હતું એટલે આ મહાદાનની ઓફર ઝડપી લીધી.

અમુક લોકોને ઇન્જેક્શન સિરીંજ કે લોહીનો ફોબિયા હોય છે એવો કોઇ ભય મને નથી એટલે મને ખાત્રી હતી કે બધું શાંતિથી પતી જશે. રક્તદાન કરતા પહેલા ફોર્મ ભરાવ્યું જેમાં મારી સેક્સ લાઇફ વિશે અને મારી તંદુરસ્તી વિશેની માહિતીઓ પૂછવામાં આવી હતી. પછી હિમોગ્લોબીન લેવલ એમણે તપાસ્યું જે બરાબર હતું. ત્યાર પછી રક્ત લેવાનું શરૂ કર્યું. લગભગ 10 મિનીટમાં 450 મિલીની રક્ત બેગ મારા લોહીથી ભરાઇ ગઇ અને મહાદાન પૂરું.

20120502_111111સિંગાપોરમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યપ્રણાલીઓ ખૂબ સુવ્યવસ્થિત છે. હું પહેલી જ વાર રક્તદાન કરી રહ્યો હતો એટલે એમણે મારા શર્ટ ઉપર નીચેનું લેબલ એમણે લગાવ્યું જેથી રક્ત લેનાર વ્યક્તિ થોડી વધારે કાળજી રાખે. આ ઉપરાંત રક્તદાન પછી મારા શરીરમાં જે લોહીની કમી થઇ એની ઝડપથી પૂર્તિ કરવા માટે એક અઠવાડિયા માટેની આર્યનની ગોળીઓ પણ આપી.

રક્તદાન પછી એનર્જી ડ્રીંકથી માંડીને બિસ્કીટ, રેઝીન, કેક વગેરે હાજર જ હતું જેનો થોડો લાભ લીધો.

હવે આપેલું આ રક્ત ત્રણ મહિના માટે બ્લડ બેંકમાં રહેશે કારણ કે અમુક HIV વાયરસ સુષુપ્ત અવસ્થામાં હોય છે અને એને સક્રિય થતા થોડો સમય લાગતો હોય છે એટલે ત્રણ મહિનાનો વચ્ચે cooling period રાખવો જરૂરી છે.

ત્રણ મહિના પછી જેને પણ મારુ રક્ત ચઢાવવામાં આવે એને મારુ ગુજ્જુ લોહી તકલીફ વગર પચી જાય એવી શુભેચ્છાઓ 🙂

%d bloggers like this: