આયકર

Income Tax આ એક એવો શબ્દ છે જેનાથી દુનિયાનો દરેક નોકરિયાત માણસ પરેશાન છે. આખું વર્ષ માણસ મહેનત કરે અને વર્ષના અંતે સરકાર આવીને તમારા ગજવામાં મોટું કાણું પાડી રૂપિયા કાઢીને લઇ જાય. આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કારણ કે ગઇ કાલે  જ સિંગાપોરમાં ઇન્કમ ટેક્ષ ભર્યો. પણ અહીં ઇન્ડીયા કરતા બહુ ઓછો ટેક્ષ રેટ છે. અહીં ફક્ત 3.5% લેખે મારે ટેક્ષ ભરવો પડ્યો. જો તમારી વાર્ષિક આવક 80000 સિંગાપોર ડોલરથી ઓછી હોય તો તમારે 10% થી પણ ઓછો ટેક્ષ ભરવો પડે. મારા ખ્યાલથી વિકસિત દેશોમાં સિંગાપોર એક જ એવો દેશ છે જેમાં આટલો ઓછો ટેક્ષ રેટ છે. બાકી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ કે બીજા વિકસીત દેશોમાં ટેક્ષ રેટ લગભગ 30% ની આસપાસ જ છે. અહીં ટેક્ષ ભરવાની આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે ઓનલાઇન જ રીટર્ન ભરો અને ઓનલાઇન જ ટેક્ષની રકમ ભરો. કોઇ જાતનું દિમાગ પર ટેન્શન નહીં.

ઇન્ડીયામાં હતાં ત્યારે જાન્યુઆરીથી માર્ચ મહીના હંમેશા ટેન્શનમાં જ જતા. ટેક્ષ બચાવવા માટે પીએફ, પીપીએફ, બોન્ડ, ઇન્સ્યુરન્સ પોલીસીઓ, મેડીક્લેમ પોલીસી વગેરેમાં રોકાણ કરતાં કરતાં દમ નીકળી જાય.  અને રોકાણો કર્યા પછી પણ ઇન્ડીયામાં સરકાર ને તો 30% આપવા જ પડે. વળી ઇન્ડીયામાં તો ટેક્ષ પર પણ સર્વિસ ટેક્ષ 12% લાગે અને 12% સર્વિસ ટેક્ષ પર 3% Education Cess લાગે. માણસ રૂપિયા તો ભરે જ સાથે સાથે કેટલી માથાકૂટો કરવી પડે. રીટર્ન ભરવા માટેનું સરલ ફોર્મ એટલું સરલ હોય કે સામાન્ય માણસને ફોર્મ ભરવામાં જ દમ નીકળી જાય. વળી જમા કરવા માટે લાઇનોમાં ઉભા રહેવાનું અને સરકારી જમાઇઓ તમને અલગ અલગ કાઉન્ટરો પર ફેરવે એ અલગ. E Governance ની વાતો થાય છે પણ ઝડપથી અમલ થતો નથી.

ચિદમ્બરમ સાહેબ દર વખતે માયાવી બજેટ રજૂ કરે છે અને લોકોની જાણ બહાર લોકોના ગજવામાંથી રૂપિયા કાઢી લે છે. ચિદમ્બરમ એવો માણસ છે કે એના મગજમાં એક જ ચીજ હોય છે કે કઇ રીતે લોકોના ગજવા વધુમાં વધુ ખાલી કરી શકાય. ટેક્ષ રીફોર્મની વાતો કરે છે પણ કઇ કરતો નથી. 25000 રૂપિયાથી વધારે રકમના બેંકમાંથી ઉપાડ પર ટેક્ષ નાંખીને તો એણે હદ જ કરી નાંખી છે. લાલુભાઇને એ બાબતમાં સલામ કરવી પડે કે છેલ્લા બે બજેટથી ગાડી ભાડા વધાર્યા વગર કામ ચલાવ્યું છે અને ઓન પેપર રેલ્વેને ફાયદામાં લાવી દીધી છે.

અહીં સિંગાપોરમાં સરકારનું વલણ પ્રજાલક્ષી હોય છે. આ વર્ષે સિંગાપોરમાં 2% GST વધ્યો તો એને ઓફસેટ કરવા માટે લોકોને ઉંમરના હિસાબે નકદ સહાય સિંગાપોર સરકારે આપી છે. જ્યારે ઇન્ડીયામાં પણ આ વર્ષે 10% થી સર્વિસ ટેક્ષ 12% થયો પણ પ્રજા માટે કશી રાહત નહીં. વધુમાં જે સેવાઓ સર્વિસ ટેક્ષમાં નહોતી એને પણ સર્વિસ ટેક્ષના દાયરામાં ઉમેરી દીધી. એજ્યુકેશન સેશ જે પહેલાં 2% હતો એને પણ 3% કરી નાખ્યો.

એજ્યુકેશન સેશ બિગ બોસ ની ભાષામાં કહીએ તો “हर टेक्ष का बाप” એમ કહેવાય કારણ કે કોઇ પણ ટેક્ષ આપો એના ઉપર આ ટેક્ષ તો આપવો જ પડે. આ ટેક્ષ સૌ પ્રથમ વાર જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે ગુજરાત earth quake relief માટે ફંડ ઉભું કરવા નાંખવામાં આવ્યો હતો. ગુજરાતનો ભૂકંપના નામે સરકારે લોકોના ગજવા ખાલી કર્યા અને હજી પણ આ ટેક્ષને નવા નવા નામ (એજ્યુકેશન સેશ) આપી દર વધારીને લોકો પાસેથી પૈસા નીકાળવાનું કામ ચાલુ જ છે.

1 વર્ષ વીતી ગયું

આજ ઘણા દીવસ બાદ બ્લોગ પર કંઇક લખી રહ્યો છું. પહેલાં તો ઓફિસથી જ બ્લોગ પર જે મનમાં આવતું એ લખી નાંખતો હતો પણ પછી વિચાર આવ્યો કે હવે ઘરેથી જ જ્યારે સમય મળે ત્યારે લખતા રહેવું. પણ ઘરે લેપ્ટોપ તો હતું નહીં એટલે જ્યાં સુધી લેપ્ટોપ લુઉ ત્યાં સુધી રાહ જોવી રહી. હવે લેપ્ટોપની અનુકૂળતા છે એટલે નિયમિત રીતે બ્લોગ પર લખવાનો વિચાર છે. જીંદગીની નાની મોટી ઘટનાઓને શબ્દોમાં ઢાળતા રહેવું છે જેથી સમય જતા એક યાદોનો ખજાનો થઇ જાય છે અને વાંચતા જ વિતેલો સારો ખોટો સમય આંખ સામે આવી જાય.

31મી મે 2006 નો દિવસ એક યાદગાર દીવસ છે જીંદગીનો. આ દીવસ પહેલા ભારત ભ્રમણ તો ખૂબ કર્યું હતું પણ આ દીવસે પહેલી વખત પરદેશની વાટ પકડી હતી. આજે એ વાતને 1 વર્ષ થઇ ગયું. આમ જોવા જઇએ તો એવું લાગે કે કઇ ખબર નાપડી કે ક્યા આ સમય વીતી ગયો. પણ સિંગાપોર આવતા પહેલા ઘણાં બધાં ટેન્સનો હતાં. છેક મે મહીનાના બીજા અઠવાડીયા સુધી વિઝા નહોતો આવ્યો એટલે માસ્ટેકમાંથી રાજીનામું આપ્યું નહોતું. અને જ્યારે વિઝા આવ્યો એટલે તરત 15 દીવસમાં માસ્ટેક છોડવી પડી એટલે લફડા થયા ત્યાં. 29મી તારીખ સુધી માસ્ટેકમાં જવું પડ્યું હતું અને સિંગાપોર આવવાની તૈયારી કરવાનો કોઇ સમય ના મળ્યો. પૈસાના પણ પ્રોબ્લેમ. નવા નવા મુંબઇના ચાલુ કરેલા ઘરને પાછું સમેટીને તાળું મારવાની ચિંતા. 

સિંગાપોર આવ્યા પછી તો સૌથી મોટી ચિંતા અઠવાડીયામાં ઘર ગોતવાની હતી. દરરોજ રાત પડે હોટલમાં આવું એટલે  ટેન્શન થાય કે ઘરનો હજી કંઇ મેળ નથી પડ્યો.  હોટલમાં બુકીંગ ખાલી 7 જૂન સુધીનું હતું અને એના પછી કમ્પની કોઇ ખર્ચો આપવાની હતી નહીં. વળી ઇન્ડીયાથી ખાલી 1000 ડોલર લઇને આવેલો એટલે હોટલમાં રહેવાનું તો પોષાય એમ હતું જ નહીં. છેવટે ઘર તો ગોતી લીધું પણ એ મને 15મી જૂન પહેલાં મળે એમ હતું નહી એટલે વળી પાછો અઠવાડીયું ક્યાં કાઢવું એ પ્રશ્ન. એમાં બોબી સાથે સેટીંગ થઇ ગયું અને ભગવાનની દયાથી એ અઠવાડીયું પણ નીકળી ગયું.

17મી જૂને અહીંના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો. યોગાનુયોગ 17મી જૂન મારો જન્મદીન પણ છે. પણ એ દીવસે બરાબર ઘરની સફાઇ કરવી પડી. જે ઘર લીધું હતું એમાં પહેલાં કોઇ ચાઇનીઝ લેડી રહેતી હતી અને એ એવી ગંદકીપ્રિય હતી કે ફ્રીજમાં ડીપ ફ્રીજરમાં પણ જીવડાં ફરતાં હતાં. જે કબાટ ખોલો એમાં વંદા દોડપકડ રમતાં હોય. ઘરમાં પ્રવેશ કર્યા પછી એમ થઇ ગયું કે આ ક્યાં આવી ગયો. ક્યાંથી સફાઇ શરૂ કરવી એ એક પ્રશ્ન હતો. આખરે 5 વાગ્યે આ ભગીરથ કાર્ય શરૂ કર્યું અને રાતના 12 વાગ્યા સુધી મંડ્યો રહ્યો. ભૂખ લાગે તો પણ કશું થઇ શકે એમ હતું નહીં. એક તો સિંગાપોરમાં શાકાહારી બનીને જીવવું એ બહુ અઘરું કામ છે. એટલે રાત્રે 12 વાગ્યે થાકીને સુવાનો વિચાર કર્યો. જ્યાં પલંગ પર લંબાવું તો ત્યાં તો પલંગ જ જમીનદોસ્ત થઇ ગયો. ગાદલું તો હતું નહીં આખરે જમીન પર જ રૂમાલ પાથરીને લંબાવી દીધું.

જે ઘર હતું એને હવે રહેવાલાયક બનાવવા સિવાય છૂટકો નહોતો. ધીરે ધીરે રોજ બોબી સાથે બેડોકના માર્કેટમાં જઇ સસ્તામાં બધી જરૂરિયાતની વસ્તુઓ લઇ આવતો. પૈસાની તંગી તો હતી જ આ સમય દરમ્યાન પણ ગમે તેમ કરીને 25 તારીખ સુધી ચલાવી લેતો હતો. ધીરે ધીરે ઘરમાં મોટાભાગની વસ્તુઓ આવી ગઇ અને 2 મહીનામાં તો ઘર મારે જેવું જોઇતું હતું એવું સેટ કરી દીધું. જ્યારે વિભા આવી ત્યારે એ પણ ઘરનાં રંગ રૂપ જોઇને ખૂશ થઇ ગઇ.

આમ કરતા કરતા એક વર્ષ વીતી ગયું. ઘણી બધી વસ્તુઓ બદલાઇ ગઇ જીવનમાં આ દરમ્યાન. લગ્ન અને મુંબઇમાં ઘર લીધા પછી આર્થિક મોરચે જે કટોકટી હતી એ હવે થોડી હળવી થઇ ગઇ છે. રુહીના આગમનથી ઘર સંસાર આબાદ થયો છે. મમ્મીને પણ પરદેશ યાત્રા કરાવી દીધી. સંઘર્ષમાંથી બહાર નીકળી થોડું ભવિષ્ય વિશે હવે વિચારી શકાય એમ છે.

સંઘર્ષ તો રહ્યો આ એક વર્ષમાં પણ એમાં સફળ થયો એ વાતની ખુશી છે. યોગાનુયોગ 31મી મે 2007 ના દિવસે જ લેપ્ટોપ પણ લઇ લીધું. ક્દાચ સિંગાપોરમાં એક વર્ષ પૂરું કર્યાની એ એનિવર્સરી ગિફ્ટ કહી શકાય.  જોઇએ હવે ભાવિના ગર્ભમાં શું લખાયું છે.  

%d bloggers like this: