जो होता है वो अच्छे के लिये ही होता है….

સ્ટાર પ્લસ પર એક કાર્યક્રમ આવે છે “સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા”. એમાં એક સ્પર્ધક છે ઝાકીર. ઝાકીરભાઇ આમ તો સારુ ગાય છે અને ખાસ કરીને મોહમ્મદ રફીના ગીતો ખૂબ જ સરસ ગાય છે. ભગવાને ઝાકીરભાઇ પર થોડી ઓછી મહેરબાની કરી છે. એમને પગે પોલિયો છે જેના લીધે એ ઘોડીના સહારા વિના ચાલી શકતા નથી. ઝાકીરભાઇ છત્તીસગઢના સામાન્ય પરિવારમાંથી આવે છે. એક વખત શોમાં એવું પણ બતાવવામાં આવેલું કે એમની પાસે એમના છોકરા માટે સાયકલ લાવી આપવાના પણ પૈસા નથી. ઝાકીરભાઇ પોતાની ગાયકીના જોરે અને થોડી ઘણી સહાનુભૂતિના જોરે આખરી છ સ્પર્ધકોમાં તો પહોંચી ગયા પણ છેલ્લા પાંચ સ્પર્ધકોમાં પોતાની જગ્યા ના બનાવી શક્યા. જો ઝાકીરભાઇ છેલ્લા પાંચમાં પહોંચી ગયા હોત તો એમના માટે ઘણું સારુ હતું કારણ કે એક તો છેલ્લા પાંચ સ્પર્ધકોને 1 લાખ રૂપિયા મળવાના હતા અને સ્પર્ધામાં બની રહે તો પણ એમને પૈસા અને ગાયકીના ક્ષેત્રે નામના તો મળતી જ રહે. આજે સામાન્ય માણસ માટે 1 લાખ રૂપિયા કેટલા મહત્વના હોય છે એ કહેવાની જરૂર નથી. કોઇ પણ માણસ જ્યારે આવી રીતે કિનારે આવી ગયેલી હોડી ડૂબી જાય તો ખૂબ હતાશ થઇ જાય અને મનોમન ભગવાનને કોસવા લાગે. પણ જ્યારે ઝાકીરભાઇને પૂછ્યું કે તમે કંઇ કહેવા માંગો છો ત્યારે એમણે ખાલી એક જ વાત કહી ….. जो होता है वो अच्छे के लिये ही होता है…. હું એમનો આ જવાબ સાંભળીને બે ઘડી વિચારમાં પડી ગયો કે આ માણસને ભગવાન અને વિધિના લખેલા લેખમાં કેટલો વિશ્વાસ છે. ભગવાને એની સાથે અન્યાય કર્યો છે. એની જીંદગીમાં હાલના સંજોગોમાં કંઇ એવું નથી કે જેના પરથી એ આવું બોલી શકે છતાં પણ એને ભગવાન અને પોતાની તકદીર પર કેટલો ભરોસો છે. આજે દરેક રિયાલીટી શોમાં હું સ્પર્ધકોને રોતા રોતા બહાર જતા જોઉ છું. જાણે સ્પર્ધામાંથી બહાર થઇ ગયા એટલે એમની જીંદગી પૂરી થઇ ગઇ હોય એ રીતે રોકકળ કરીને ભગવાનને કોસતા હોય છે. મને પણ નાની નાની નિષ્ફળતાઓ હલાવી મૂકે છે. મારો ભગવાનમાં વિશ્વાસ ડગાવી મૂકે છે અને ભગવાને મારી સાથે આવું કર્યું એનો રંજ મનમાં થયે રાખે છે. વળી ઘણીવાર મારી સાથે એવું બન્યું પણ છે કે પહેલી નજરે કોઇ ના પાર પડેલી બાબત પાછળથી મારા માટે સારી સાબિત થાય છે.  પણ જ્યારે એ બાબત પાર ના પડી હોય ત્યારે મારું મન વ્યાકુળ થઇ જાય છે. મને લાગે છે મારે ઝાકીરભાઇ પાસેથી આ શીખવાની જરૂર છે કે जो होता है वो अच्छे के लिये ही होता है….  અને ભગવાનમાં આસ્થા થોડી દ્રઢ કરવાની જરૂર છે.

બોમ્બ વિસ્ફોટો અને નિર્માલ્ય સરકાર

ગઇકાલે દિલ્હીમાં 5 બોમ્બ વિસ્ફોટ અલગ અલગ જગ્યાએ થયા જેમાં આ લખું છું ત્યાં સુધીમાં 22 લોકો મૃત્યુ પામ્યા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં બોમ્બ ફૂટવા એ તો સામાન્ય બાબત છે. આમ આદમી મરતા રહે, કોને પડી છે આમ આદમીની? જ્યારે પણ વિસ્ફોટો થાય ત્યારે સરકાર તરફથી ફાલતુ નિવેદનો આવે છે અને પછી બધું ભૂલી જવાનું. કાલે પણ આપણા ગૃહપ્રધાને બોમ્બ વિસ્ફોટો બાદ નીચે મુજબ નિવેદન આપ્યું.

It is a cowardly act by those who don’t want us to live in peace. The people behind this act will be given stringent punishment according to the law.”

“We have just overcome the difficulties (of the previous blasts) and these cowardly people have hit us again. But I would appeal to people to stay together and not create panic.”

કેવું સાહસિક નિવેદન? “વિસ્ફોટો કરનારને કાયદા મુજબ સખ્ત સજા કરવામાં આવશે.” પણ પહેલાં પકડો તો ખરી પછી સજા કરવાની વાત કરો. કેવો ભવ્ય ભૂતકાળ છે આપણો. અત્યાર સુધી જેટલા પણ વિસ્ફોટો થયા છે અલગ અલગ શહેરોમાં એમાં અમદાવાદ વિસ્ફોટો સિવાય કોઇ પણ કેસ સરકાર સોલ્વ કરી શકી નથી અને આ સરકાર શું જોઇને આવા નિવેદનો આપતી હશે.

લોકોને ના ડરવાની સલાહ આપવી સહેલી છે. આમ આદમીને ના ડરવાની સલાહ આપવાની અને પોતે ઝેડ કેટેગરીની સિક્યુરીટી સાથે ફરવાનું. જો તમને ડર ના લાગતો હોય તો તમે પણ ફરો આમ આદમીની માફક અને કોઇ ઉડાવી દે તો પણ વાંધો નથી, દેશનું જ ભલું થશે એમાં.

A Wednesday

આ વીકએન્ડમાં બે ખૂબ જ સરસ મૂવી જોયાં. ઘણાં વખત પછી મૂવી જોવાની મઝા આવી. મને પ્રેમલા પ્રેમલી અને કોલેજના મૂવી જોવા હવે બહુ નથી ગમતા પણ ‘Page 3’ જેવાં હાર્ડ હિટીંગ કે હંગામા જેવા કોમેડી જોવા વધારે ગમે છે. આ વીકએન્ડમાં “A Wednesday” અને “મુંબઇ મેરી જાન” એ બે મૂવી જોયા.

“A Wednesday” એ આમ આદમીની ત્રાસવાદ વિરુધ્ધની લડાઇને દર્શાવતી મૂવી છે. આજકાલ આમ આદમી બિચારો કીડા મકોડાની જેમ જીવી રહ્યો છે અને મોંઘવારી, ત્રાસવાદ, બેકારી અને સામાન્ય જીવન જીવવા માટેનો સંઘર્ષ કરતો રહે છે. સરકાર નિર્માલ્ય થઇને આતંકવાદીઓને શરણે થઇ ગઇ છે. અવારનવાર ભારતના જુદા જુદા શહેરોમાં બોમ્બ ફૂટતા રહે છે અને સરકાર નિર્માલ્ય થઇને લોકોને શાંત રહેવાનો અપીલો કર્યા કરે છે અને નિવેદનો આપે છે કે અમે આતંકવાદીઓના મનસૂબાઓને કામયાબ નહીં થવા દઇએ. હજી આ પોસ્ટ લખું છું ત્યારે પણ દિલ્હીમાં અત્યારે 4 બોમ્બ વિસ્ફોટની ખબર આવી છે. આતંકવાદીઓ મન ફાવે એમ આમ આદમીની જીંદગી સાથે રમત રમી રહ્યા છે. આમ આદમી સવારે ઘરેથી બહાર નીકળે છે અને સાંજે જો ઘરે સલામત પાછો પહોંચે તો ભગવાનનો આભાર માને છે. સરદારજી બુશ સાહેબને ખુશ કરવામાં વ્યસ્ત છે અને આપણા માનનીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલથી શેક્યો પાપડ પણ ભંગાતો નથી. મારા મતે તો શિવરાજ પાટીલની જગ્યાએ કોઇ વ્યંઢળને પણ ગૃહપ્રધાન તરીકે નિયુક્ત કર્યો હોય તો પણ એ વધુ સારી રીતે કામ કરી શકે.

“A Wednesday” મૂવી છે એક આમ આદમીની જે સરકારની નિષ્ફળતાથી નિરાશ થઇને પોતેજ પોતાની રીતે આતંકવાદીઓને સજા આપે છે. આમ આદમી પોલીસને ફોન કરીને કહે છે કે એણે શહેરમાં જુદી જુદી જગ્યાએ બોમ્બ મૂક્યા છે અને જો અમુક આતંકવાદીને નહીં છોડવામાં આવે તો આ બોમ્બ ફોડવામાં આવશે. જ્યારે આ ચાર આતંકવાદીઓને છોડવામાં આવે છે ત્યારે આ ચાર આતંકવાદીઓને આ આમ આદમી જ યુક્તિથી ઉડાવી નાંખે છે.  આ મૂવીનો એક સંવાદ મને ખૂબ ગમ્યો જે આમ આદમી વિશે કહેવાયો છે… we are resilient not by choice but by force. જ્યારે પણ મુંબઇમાં બોમ્બ ધડાકા થાય છે ત્યારે આપણી સરકાર મુંબઇગરાઓની હિંમતની દાદ દેતા નિવેદનો કરે છે અને અભિનંદન આપે છે કે બોમ્બ વિસ્ફોટો થયા પછી પણ જીવન ફરી તરત સામાન્ય થઇ જાય છે અને શહેર ફરી દોડતું થઇ જાય છે. પણ શું સરકાર એટલું નથી સમજી શકતી કે આમ આદમીની પાસે પેટનો ખાડો પૂરવા માટે જીવ જોખમે મૂકીને પણ બહાર નીકળવા સિવાય કોઇ રસ્તો છે જ નહીં. નસીરૂદ્દીનનો આમ આદમી તરીકેનો અભિનય કાબિલે દાદ છે. આ મૂવીનો વિશેષ શો આપણા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ રાખવામાં આવ્યો હતો અને એમણે પણ આ મૂવીને વખાણી હતી.

“મુંબઇ મેરી જાન” એ મુંબઇની લોકલ ટ્રેનોમાં 7/11ના દિવસે થયેલા બોમ્બધડાકા પર છે. બોમ્બવિસ્ફોટો બાદ આમ આદમીની જીંદગી પર કેવી વિપરીત અસરો થાય છે આ આ મૂવીમાં ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અને રાજકારણને પણ દર્શાવવામાં આવ્યું છે. પરેશ રાવલ, કે કે મેનન, માધવન, સોહા અલી ખાન, ઇરફાન ખાનનો અભિનય સારો છે મૂવીમાં.

ગણેશોત્સવ

ગણેશોત્સવમાં આજ કાલ દરેક જગ્યાએ પંડાલમાં ભગવાન ગણેશની કાંઇક અલગ પ્રકારની મૂર્તિ મૂકવામાં આવે છે અને મૂર્તિ સાથે કોઇ તાજેતરની બનેલી ઘટના કે કોઇ સામાજીક સંદેશ પણ વણી લેવામાં આવે છે. દેશ ગુજરાત વેબ સાઇટ પર અમદાવાદના ગણેશ પંડાલમાં મૂકવામાં આવેલી કેટલીક અલગ જાતની મૂર્તિ સ્થાપના વિશે લખવામાં આવ્યું છે. આ લેખને નીચેની કડી પર જોઇ શકાય છે.

અમદાવાદના ગણેશ પંડાલ વિશે માહિતી

નરેન્દ્ર મોદીના ખભા પર ગજાનનની મૂર્તિ જોઇને થોડું વિચિત્ર લાગે છે મને.

हजारों ख्वाहीशे ऐसी…

એક બહુ ફેમસ ગઝલ છે જગજીત સિંગની…

हजारों ख्वाहिशें ऐसी, की हर ख्वाहिश पे दम नीकले..

बहुत निकले मेरे अरमान, मगर फिर भी कम नीकले…

એનું એક રૂપાંતરિત વર્ઝન મારા માટે નીચે મુજબ છે….

हजारों ख्वाहिशें ऐसी, की हर ख्वाहिश पे दम नीकले..

जब पूरी करने हम नीकले तो पैसे जेबमें कम नीकले… 

 

ઘણી બધી ઇચ્છાઓ છે પણ એને પૂરી કરવા માટે હજી ઘણાં ફદિયાં કમાવા પડશે…

%d bloggers like this: