Singapore library

ગયા અઠવાડિયે મેં સિંગાપોર નેશનલ લાયબ્રેરીમાં મેમ્બરશીપ લીધી. લાયબ્રેરી હું જ્યાં રહુ છું ત્યાંથી બહુ દૂર નથી એટલે સારુ છું. લાયબ્રેરી ખૂબ જ સારી છે અહીંની અને દરેક વિષય ઉપર ઢગલો પુસ્તકો છે. મેગેઝીનો વિશે હજી એટલી તપાસ નથી કરી એટલે ખબર નથી પણ આશા રાખું કે કદાચ ઇન્ડિયાના અમુક મેગેઝીનો અહીં મળી રહે.

અહીં લાયબ્રેરીનો ઉપયોગ કાયમી રહેવાસીઓ અને નાગરિકો માટે લગભગ મફત જ છે. મેં ખાલી 10.5 સિંગાપોર ડોલર આપ્યા જેમાં મને આજીવન લાયબ્રેરીનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. બીજો કોઇ જાતનો ચાર્જ લાયબ્રેરીનો ઉપયોગ કરવા માટે આપવો પડતો નથી. દરેક મેમ્બર લાયબ્રેરીમાંથી કુલ 4 પુસ્તક અથવા મેગેઝિન લઇ શકે છે. અહીં લાયબ્રેરીમાં ઢગલો પુસ્તકો છે અને આટલા મેમ્બરો હોવા છતાં દરેક વિષય પર પૂરતા પુસ્તકો ગમે ત્યારે લગભગ મળી રહેતા હોય છે. અહીં સીડી, વ્હીસીડી અને ડીવીડી પણ મળે છે પણ એના ઉપયોગ માટે પ્રિમીયમ મેમ્બરશીપ લેવી પડે છે જેના 21 ડોલર વધૂ ચૂકવવા પડે છે. છતાં પણ મને લાગે છે કે 21 ડોલર ખર્ચી શકાય કારણ કે દરેક વિષય પર ઓડિયો/વિઝ્યુઅલ મટીરિયલ અહીં મળી રહે છે. સેલ્ફ ડેવલેપમેન્ટ હોય કે છોકરાને એ,બી,સી, ડી શિખવાડવી હોય દરેક વિષય પર ઓડિયો/વિઝ્યુઅલ મટીરિયલ લાયબ્રેરીમાં હાજર છે.

અહીંની લાયબ્રેરીની સિસ્ટમ પણ ખૂબ સરસ છે. અહીં બુક ઇસ્યુ કરાવવા માટે બુક લઇને લાયબ્રેરીના સ્ટાફ પાસે નથી જવાનું હોતુ. દરેક જગ્યાએ સેલ્ફ સર્વિસ કીઓસ્ક હોય છે જેનાથી તમારે તમારા પુસ્તકો ઇસ્યુ તમે જાતે જ કરી શકો છો. મશીનમાં આપેલા પેડ પર બુક મૂકો અને તમારું NRIC કાર્ડ  મશીનમાં નાંખો એટલે તમારી બુક ઇસ્યુ થઇ જાય. વળી તમે જે લાયબ્રેરીમાંથી બુક લીધી હોય એ જ લાયબ્રેરીમાં બુક પાછી આપવી એ જરૂરી નથી. જેમ કે મેં ટેમ્પિનીસ લાયબ્રેરીમાંથી બુક લીધી હોય તો હું બેડોક લાયબ્રેરીમાં પણ બુક પાછી આપી શકું છું. વળી બુક પાછી આપવા માટે દરેક લાયબ્રેરીમાં 24 કલાક માટે એક બારી ખૂલ્લી હોય છે જેમાં બુક મૂકી દેવાની એટલે એ તમારું કામ પતી જાય. કેટલી સુવિધા કહેવાય આ.

અત્યારે મેં SQL ની બુક લઇને વાંચવાનું ચાલુ કર્યું છે. ભવિષ્યમાં આશા રાખું કે હું આ સુવિધાનો વધૂ અને વધૂ ઉપયોગ કરી શકું.

ડર

ગયા અઠવાડિયે મેં મૂવી "वो लम्हे" જોયું. આ મૂવી મહેશ ભટ્ટની ફિલ્મ ફેકટરીમાં નિર્માણ પામેલી છે. મહેશ ભટ્ટને પોતાની દરેક મૂવી સાથે કોઇક કહાની કે કોઇ વિવાદ જોડવાની આદત છે. આ વખતે ભટ્ટ સાહેબે આ મૂવી દ્વારા પોતાના અને પરવીન બાબી સાથેના સંબંધોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે મને મહેશ ભટ્ટે ભૂતકાળમાં  કોની સાથે રાસ લીલાઓ રમી એમાં કોઇ રસ નથી પણ આ મૂવીએ મને એક ખૂબ જ સંવેદનશીલ અને ભયંકર માનસિક બિમારી વિશે ફરીથી વિચાર કરતો કરી દીધો.

આ મૂવીમાં પરવીન બાબીનું પાત્ર ભજવતી અભિનેત્રીને એવો ભય હોય છે કે રાની નામની તેની કોઇ સ્ત્રી મિત્ર એની પાછળ પડી ગઇ છે અને રાની એને મારી નાંખશે. જ્યારે સત્ય એ હતું કે રાની નામની કોઇ વ્યક્તિ વાસ્તવિકતામાં હતી જ નહી.  આ ભયમાં ને ભયમાં એ અભિનેત્રી પોતાની કારકિર્દી અને જીંદગી બગાડી નાંખે છે અને આખરે મોત વ્હાલું કરી લે છે. આ બિમારી માત્ર મૂવીની વાર્તા પૂરતી સિમીત નથી. વાસ્તવિકતામાં અસંખ્ય લોકો આ પ્રકારના mental disorder થી પિડાતા હોય છે અને દોઝખભરી જીંદગી જીવતા હોય છે. કરૂણાંતિકા તો એ છે કે હજી આપણે ત્યાં આવી બિમારીઓની સાચી સમજ નથી. બિમાર માણસ પોતે કે એના ઘરવાળા કદી એ વાત નથી સમજી શકતા નથી કે આ એક બિમારી છે અને જ્યારે આ બાબત સમજાય ત્યાં સુધી ઘણું મોડું થઇ જતું હોય છે.

એ વાત સાચી છે કે ભય માણસને જીવતે જીવ મારી નાંખે છે. જો કોઇ નનામા ફોન આપણા પર આવે અને મારવાની ધમકી આપે તો જ્યાં સુધી એ ફોન કરવાવાળો પકડાય નહીં ત્યાં સુધી આપણી કેવી હાલત થાય એ સમજી શકાય એમ છે.  પણ આ બિમારીમાં તો માણસ 24 કલાક આવા કોઇ ને કોઇ ભયમાં જીવતો હોય છે તો એ માણસની કેવી હાલત થતી હશે એની કલ્પના કરવી અઘરી નથી. મેં આવા અમુક કેસ ભૂતકાળમાં જોયા છે. એક કેસ એક યુવાનનો હતો. કદાચ 12માં ધોરણમાં એ યુવાન હતો. પણ એના મગજમાં એવું ભરાઇ ગયું હતું કે એના પેટમાં ઘડિયાળ છે અને ટીક..ટીક..ટીક કરે છે. કાયમ ડોક્ટરને પેટ પર હાથ મૂકીને એ બતાવતો કે જુઓ ઘડિયાળ અહીં છે પેટમાં. આ બિમારી એવી છે કે આમાં કોઇ પણ સમજાવટ કામ નથી લાગતી. ડોક્ટરોએ કેટલો આ યુવાનને સમજાવ્યો કે આવું કંઇ નથી. ડોક્ટરોએ પેટના x-ray અને બીજા ટેસ્ટ કરીને સમજાવનાનો પ્રયત્ન કર્યો કે ઘડિયાળ ક્યાંય નથી. એક વખત ડોક્ટરો એ યુવાન પર ખાલી ઓપરેશન કરવાનું નાટક પણ કર્યું અને ઘડિયાળ ઓપરેશન કરીને કાઢી લીધી છે એમ પણ કહ્યું. તેમ છતાં પણ યુવકનો આ બિમારીથી છૂટકો ના થયો. આખરે એને પણ ઇલેક્ટ્રીક શોકની થેરેપી આપવી પડી અને શોક થેરેપી બાદ પણ ધાર્યું પરિણામ તો ના જ મળ્યું. બીજા એક કેસમાં એક યુવાનને એવું જ લાગ્યા કરતું હતું કે એનો વાન બહુ કાળો છે. જો કે એ યુવાનનો વાન એટલો પણ કાળો નહોતો. કાયમ એ પોતાના વાન વિશે દુ:ખી થતો રહેતો. ડોક્ટરોએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બધું નાકામ. ડોક્ટરોએ એને ચામડીના સર્જન પાસે મોકલી અને નકલી સર્જરી કરીને એને સમજાવ્યો કે હવે એનો ચહેરો બદલાઇ ગયો છે. તેમ છતાં પણ કોઇ ફરક ના પડ્યો. એક ભાઇને એમ લાગતું હતું કે એના ભાગીદારે એની પાછળ ગુંડા મોકલ્યા છે જે એને મારી નાંખશે. આ ભયમાં ને ભયમાં એ ભાઇએ પોતાના ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. એ ભાઇનો આખો ધંધો બરબાદ થઇ ગયો અને ફેમિલી આર્થિક રીતે ખૂબ મૂશ્કેલીમાં આવી ગયું હતું. અનેક સમજાવટો છતાં કંઇ સારુ ના થયું. અનેક દવાઓ, શોક થેરેપી બાદ પણ આ ભાઇના દિમાગમાથી દૂર ના થઇ શક્યો. અંતે એ ભાઇએ આત્મહત્યા કરીને પોતાની જીંદગી ટૂંકાવી નાંખી. આ અમુક ઉદાહરણો છે પણ વાસ્તવિકતામાં કેટલીય જીંદગીઓ આ બિમારીનો ભોગ બનતી રહેતી હશે અને જીંદગીઓ બરબાદ થતી હશે.

આ બિમારીને સૌથી ખરાબ વાત મને એ લાગે છે કે દર્દીનું દર્દ કોઇ છે જ નહીં તો દવા શું કરવી એ પ્રશ્ન છે. જો કોઇ શારિરીક તકલીફ હોય તો એની દવા થાય. કોઇ એમ કહે કે તાવ આવે છે અને શરીર દુખે છે તો એને દવા અપાય પણ ડરની દવા ક્યાંથી લાવવી? માણસના મગજને સમજવું બહુ અઘરું છે. મને તો એ અશક્ય જ લાગે છે. દવાઓ છે પણ તેનો સફળતાનો દર ખૂબ જ ઓછો છે. દવાઓથી બિમારને હેંમેશા સાજો કરી નથી શકાતો પણ દવાઓ માણસને જીવાડે રાખેછે. દવાઓની ગેરહાજરીમાં બિમારનો ભય વધતો જાય છે અને anxiety અને hopelessness વધતી જાય છે અને આખરે એ suicidal tendency ધરાવતો થઇ જાય છે. આ બિમારી ઘરનાં માણસોની ધીરજ ખૂબ જરૂરી છે પણ આ ધીરજ રાખવી ખૂબ ખૂબ અઘરી છે. બિમાર જ્યારે suicidal tendency ધરાવતો થઇ જાય પછી એને જીવતો રાખવા કેટલો સંઘર્ષ કરવો પડે છે એ શબ્દોમાં વર્ણવવો મૂશ્કેલ છે. ઇલેક્ટ્રીક શોક થેરેપી માણસને ખરેખર હતો ના હતો જેવો કરી નાંખે છે અને શોક થેરેપીની ઘણી આડઅસરો છે. હું તો એક જ વસ્તુ કહીશ કે બસ ભગવાન બચાવે આ બિમારીથી.

પરવીન બાબીને અસલ જીંદગીમાં Schizophrenia ની બિમારી હતી. એણે પણ એવો જ ડર હતો કે લોકો એને મારી નાંખશે. એણે પોતાની જાતને આખી દુનિયાથી અલગ કરી નાંખી હતી અને ઘરની અંદર જ પોતાની જાતને સિમીત રાખી હતી. જ્યારે એ પોતાના ઘરમાં મરી ગઇ ત્યારે કોઇને એ વાતની ખબર નહોતી. બે દિવસ સુધી એના ઘરની બહાર દૂધ પડી રહેલું જોઇને સોસાયટીના કોઇ માણસે પોલીસને ખબર આપી ત્યારે પોલિસે ઘરનો દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. લાગે છે ઘણાં બધા આ બિમારીનો ભોગ બનેલા માણસોનો આ જ અંજામ થતો હશે.

મેડીકલ સાયન્સ આ બિમારીનો કોઇ ઇલાજ શોધી કાઢે એ જ આશા.

વેલેન્ટાઇન્સ ડે

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે છે.

Heart

આ દિવસ પ્રેમીઓનો દિવસ છે અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં આ દિવસનો ઉપયોગ લોકો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે કરે છે. આજે સિંગાપોરમાં pink  & red was a color of the day. લોકોના હાથમાં ગુલાબના ફૂલો કે ગુલદસ્તા જોવા મળતા હતાં. અહીં ફૂલોનો ભાવ આજના દિવસે બહુ વધી જાય છે. 5 સિંગાપોર ડોલરમાં એક નાનું ગુલાબનું ફૂલ અહીં મળે અને જો થોડું શણગારેલું ફૂલ જોઇએ તો પતી ગયું ગજવામાં મોટો ખાડો પડી જાય. સારી હોટલો ડીનર માટે આ દિવસે ખાસ સેટ મીલ રાખતા હોય છે અને કપલના ડીનર માટે 100 – 200 ડોલર પડાવી લેતા હોય છે. પણ અહીંના લોકોને તો આ બધુ પોષાય પણ આપણને તો ના જ પોષાય ને. અહીંના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનૂકરણ કરવામાં ગર્વ લેતા હોય છે આથી વેલેન્ટાઇન ડે ને ઉજવવામાં શા માટે પાછળ રહે? આપણે તો આવા ખાસ દિવસોએ ખાલી શણગારાયેલા મોલ અને લોકોને જોવાના, કોઇ ખાસ ઓફરોનો લાભ લેવાનો, હરવા ફરવાનું અને ખુશ થવાનું. 🙂

ભારતમાં તો આ દિવસ હવે પ્રેમીઓ કરતા ગંદા રાજકારણ માટે વધારે સમાચારમાં હોય છે. જાતજાતની સેનાઓ આ દિવસનો ઉપયોગ રાજકીય રીતે પોતાનું નામ કમાવવા કરે છે. શિવસેના હોય કે રામસેના બધાં સરખાં જ છે. મને એ સમજાતું નથી કે સેનાઓને આ દિવસ સાથે શું વિરોધ છે? સ્વતંત્ર રાષ્ટ્રમાં હાથોમાં ફૂલ, ટેડી બિયર કે ફૂગ્ગા લઇને ફરવું એ શું ગુનો છે? ભારતમાં હજી પણ જાહેર જીવનમાં લોકોનો વ્યવ્હાર શિષ્ટ જ હોય છે અને લોકો પશ્ચિમી દેશોની જેમ જાહેરમાં પોતાનો પ્રેમ અભિવ્યક્ત નથી કરતા હોતા. પછી આ કહેવાતી સેનાઓને શું સમસ્યા છે એ મને નથી સમજાતું. હું જ્યારે 1994માં પહેલી વાર મુંબઇ ગયો હતો ત્યારે એ દિવસે વેલેન્ટાઇન ડે જ હતો અને મુંબઇમાં એ મારો પહેલો દિવસ મને કાયમ યાદ રહેશે. એ દિવસોમાં શિવસેનાને આ દિવસનો વાંધો નહોતો અને લોકો મુક્તમને આ દિવસની ઉજવણી કરતા હતા. મને ખરેખર એ દિવસે મુંબઇમાં લાગ્યું હતું કે Love is in the air. અને એ દિવસનો વેલેન્ટાઇન ડે નો માહોલ મારા દિલ દિમાગ પર મુંબઇ વિશે એક અમીટ છાપ છોડી ગયો. હવેના દિવસોમાં આ પ્રકારનો માહોલ મુંબઇમાં જોવા જ નથી મળતો અને મને ખરેખર એ વાતનું દુ:ખ છે. ભારત દેશમાં સમસ્યાઓની કોઇ કમી નથી અને કહેવાતી સેનાઓ વેલેન્ટાઇન ડે ના વિરોધ કરવા સિવાય આ સમસ્યાઓ પર ધ્યાન આપે તો વધારે સારુ. ભારત એક લોકશાહી દેશ છે અને કહેવાતી આ સેનાઓ આ સત્યને સમજે તો સારું.
વેલેન્ટાઇન ડેના સંદર્ભમાં Glen Medeirosનું  મારી પસંદગીનું એક અંગ્રેજી ગીત નીચે છે. આજના દિવસ માટે આ ગીત એકદમ યોગ્ય છે. આ ગીત મારું ખૂબ જ પસંદગીનું રોમાન્ટિક ગીત છે.

સર્વને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ……

Rose

%d bloggers like this: