જલસા કરો જ્યંતિલાલ

અમદાવાદમાં બહુ જ જૂજ વખત એવું બનતું કે ગુજરાતી નાટક જોવાનો લ્હાવો મળે. એક તો આમ પણ અમદાવાદમાં ગુજરાતી નાટક બહુ આવે નહી અને આવે તો પણ ટિકીટ એટલી મોંઘી હોય કે જોવા જઇ ના શકાય. એટલે જ્યારે કદી મદી કોઇના વતી નાટક જોવાના પાસ આવે તો નાટક જોવા જવાનો મેળ પડે.

પણ મુંબઇ ગયા પછી તો ગુજરાતી નાટક જોવાની વધારે અનુકૂળતા રહેતી. એક તો બોરિવલી વેસ્ટમાં જ પ્રબોધન ઠાકરે હોલમાં દર અઠવાડિયે નવા નવા નાટકો આવતા. 100 રૂપિયા આપીને મૂવી જોવા કરતા નાટક જોવાની વધારે મઝા આવતી હતી. રાકેશભાઇ જ્યારે જોડે હતા ત્યારે મુંબઇમાં બહુ નાટકો જોયા. કોમેડી નાટકો જોવાની ખરેખર ખૂબ મઝા આવતી.

સિંગાપોરમાં તો ગુજ્રરાતી નાટક જોવાનું વિચારી જ ના શકાય. પણ ગઇકાલે ઓનલાઇન ગુજરાતી નાટક જોયું. “જલસા કરો જ્યંતિલાલ”. નાટક ઠીક ઠાક હતું. મુંબઇમાં જેવા નાટકો જોયા હતા એની સરખામણીમાં નાટક ઠીક ઠાક હતું. તો પણ નાટક જોવાની મઝા આવે. એક ગુજરા જમાનાની યાદો તાજી થઇ ગઇ. “બસ કર બકુલા”, “પ્રેમનો પબ્લિક ઇસ્યુ” જેવા નાટકો કાયમ યાદ રહેશે.

શેરબજારની ઉઠાપટક

છેલ્લા બે અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં સારી એવી ઉઠાપટક જોવા મળી. સેન્સેક્સ એક સમયે 19000 ઉપર કૂદી ગયો હતો. વળી 18000 થી 19000 સેન્સેક્સ માત્ર 4 દિવસમાં પહોંચી ગયો હતો. 16000 – 17000 ના લેવલથી જ માર્કેટમાં એક અંદેશો હતો કે હવે કદાચ માર્કેટ ડાઉન જશે પણ માર્કેટ રોજ નવી નવી સપાટી સર કરતું હતું. એક સમયે નાણામંત્રી ચિદમ્બરમે પણ કહેવું પડ્યું કે માર્કેટ થોડું ઠંડું પડવું જોઇએ. માર્કેટના ખેલાડીઓએ આ તેજીનો ખૂબ લાભ લીધો. કેટલાક લોકો રોજના લગભગ 10 – 15 હજાર રૂપિયા માર્કેટમાંથી કમાતા હતા. ત્રણ દિવસ પહેલા જે વાતનો ડર હતો એ જ થયું. સેબીએ પાર્ટીશીપેશન નોટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી અને બીજા દિવસે સવારે માર્કેટ ખૂલતા જ સેન્સેક્સમાં 1700 પોઇંટનો કડાકો બોલાઇ ગયો અને ટ્રેડીંગ શરૂ કર્યાની બે મિનીટમાં જ માર્કેટને લોઅર સર્કીટ પર ટ્રેડીંગ બંધ કરવું પડ્યું. પહેલા 1700 પોઇન્ટ માર્કેટ ડાઉન જોઇ મને લાગ્યું કદાચ વેબસાઇટનો પ્રોબ્લેમ હશે. પણ પછી બધી માયાની ખબર પડી.

તેજીમાં રિલાયન્સની ગ્રુપ કમ્પનીઓના શેરના ભાવ એટલા બધા વધ્યા કે બંને અંબાણી ભાઇઓ ફોર્બસની દુનિયાના સૌથી વધૂ ધનવાન લોકોની યાદીમાં ટોપ 20 માં આવી ગયા. જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ જો હજી બીજા 400-500 રૂપિયા વધી ગયો હોત તો મૂકેશભાઇ બીલ ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી વધૂ ધનિક માણસ બની ગયા હોત. અનિલભાઇની રિલાયન્સ એનર્જીના શેરનો ભાવ તો ગાંડાની જેમ રોજ 10-15% વધતો હતો. ફક્ત 1-2 અઠવાડિયામાં રિલાયન્સ એનર્જીના ભાવ 700-800 રૂપિયાથી 1900 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જો કે એ વાત પણ છે કે 2-3 દિવસની મંદીમાં જ રિલાયન્સ એનર્જીનો ભાવ 1950 થી 1300ની આસપાસ થઇ ગયો છે.

જો કે આ તેજી મંદીના ખેલમાં મારા જેવા કેટલાય નાના ઇન્વેસ્ટરોની લેવાઇ ગઇ હશે. જો કે મારે કોઇ નુકસાની નથી થઇ. મેં પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા અને 8600 રૂપિયા કમાઇ લીધા. કદાચ ધાર્યું હોત તો વધારે કમાઇ શક્યો હતો પણ માર્કેટની આવી ગાંડી ચાલમાં જોખમ લેવું યોગ્ય ના લાગ્યું. શેરબજારના નવા નિશાળીયાઓ માટે આટલા રૂપિયાનો ફાયદો થઇ ગયો એ બહુ થઇ ગયું. બાકી કેટલાય નવા નવા માર્કેટમાં ઘૂસેલા લોકો રોતા હશે અત્યારે.

અત્યારે હાલમાં તો શેરબજારમાં કંઇ રોકાણ નથી. ઇન્ડીયા જવાનું હોવાથી અત્યારે હાથ પર થોડા પૈસા રાખવા જરૂરી છે. જે પણ રોકાણ છે એ બધું હાલમાં મ્યુચ્યલ ફંડમાં જ છે એટલે બહુ વાંધો નથી. ઇન્ડીયાથી આવી ફરીથી રોકાણ ચાલુ કરીશું અને ત્યાં સુધી માર્કેટ પણ સ્થિર થઇ ગયું હશે.

ચાંગી બીચની મૂલાકાત

આજે શનિવારની રજામાં ચાંગી બીચ પર ફરવા જવાનો વિચાર હતો અને સારી વાત એ રહી કે આ વિચારને અમલમાં પણ મૂક્યો 🙂 આમ તો ચાંગી બીચ ઘરથી બહુ દૂર નથી પણ ક્યારેય જવાનો પ્રોગ્રામ નહોતો બની શકતો.

ચાંગી બીચ મને ઇસ્ટ કોસ્ટ પાર્ક (ECP)ના બીચ કરતા ઘણો સ્વચ્છ અને રળિયામણો લાગ્યો. ઇસ્ટ કોસ્ટ પાર્ક બીચ પર પબ્લિક વધારે હોય છે. ચાંગી બીચ પર શાંતિ થી બેસવાની અને સુંદર વાતાવરણ માણવાની મઝા જ કંઇક અલગ છે. ઇન્ડીયામાં મોટાભાગે બીચ પર ગંદકી જોવા મળતી હોય છે પણ અહીં સિંગાપોરના બીચ પર ગંદકી શોધવા જાઓ તો પણ ના મળે. સિંગાપોર સરકાર ખરેખર કાર્યદક્ષ છે સ્વચ્છતાની બાબતમાં. વળી દરેક બીચ પર કેમ્પિંગ માટે પૂરે પૂરી વ્યવસ્થા હોય છે. ચાંગી બીચની એક વિશેષતા એ પણ છે કે બીચ એરપોર્ટથી એકદમ નજીક છે એટલે તમને ઉતરાણ કરતા વિમાનો એકદમ નજીકથી જોવા મળે. ચાંગી એરપોર્ટ એ દુનિયાના સૌથી વધૂ વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. હું જોઇ શકતો હતો કે દર મિનીટે એક ફ્લાઇટ લેન્ડ થતી હતી. તોતીંગ વિમાન તમારા માથા પરથી પ્રચંડ અવાજ કરતું નીકળે એ જોવાની મઝા આવી જાય. ટાઉ બિચારું આવડા તોતીંગ વિમાનોને પહેલી વાર જોતું હતું. વિમાનના અવાજોથી ટાઉ ડરી ગયું હતું એટલે થોડું જલ્દી નિકળી જવું પડ્યું બીચ પરથી. પણ એકંદરે મઝા આવી.

નવરાત્રી

હાલમાં નવરાત્રી ચાલી રહી છે પરંતુ અહીં સિંગાપોરમાં તો નવરાત્રિ હોય, દિવાળી હોય કે હોળી હોય બધું સરખું જ છે બસ वो ही रफतार जिंदगी की….

તેમ છતાં ગયા અઠવાડિયે અહીં સિંગાપોરના સ્વાધ્યાય પરિવાર દ્વારા કરેલા ગરબાના આયોજનમાં ગયા હતાં. ઘરથી થોડું દૂર હતું તો પણ રુહીને લઇને ગયા હતાં. રુહીની આ પહેલી જ નવરાત્રી છે. રુહીને આમ તો બહુ અવાજ ગમતો નથી તો પણ કઇ વાંધો ના આવ્યો. મેં અને વિભાએ 2-3 રાઉન્ડ ગરબા અને રાસ કરી લીધા.

ગઇ વખતે શરદપૂનમના દિવસે ટેમ્પીનીસમાં જ બહુ સરસ આયોજન કર્યું હતું ગરબાનું . ખરેખર એમાં ઘણાં વર્ષો પછી ગરબા કરવાની અને માણવાની મઝા આવી હતી. આ વખતે હજુ સુધી ટેમ્પિનીસમાં ગરબાનો આવો કોઇ પ્રોગ્રામ છે કે નહીં એ ખબર નથી.

1લું વર્ષ

આજે મારો આ બ્લોગ શરૂ કરે એક વર્ષ પૂરું થયું. પહેલા બીજા લોકોના ગુજ્રરાતીમાં બ્લોગ જોઇ મને પણ થતું કે પોતાનો એક બ્લોગ ચાલુ કરવો જોઇએ. એ વખતે ખબર નહોતી કે બ્લોગમાં શું લખવું એટલે બસ રોજીંદા જીવનની અલપઝલપ અને સાંપ્રત વિષયો પર લખતો ગયો. જ્યારે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે આ બ્લોગ લખવાનો નશો બહુ લાંબો નહીં ટકે પણ ખુશી છે કે હજી સુધી સમય કાઢીને કંઇક લખતો રહુ છું.

કંઇક નવીન હવે બ્લોગ માટે કરવું જોઇએ એવું લાગે છે. પણ ખબર નહીં શું?

%d bloggers like this: