વિન્ડોઝ 8 અને ટેબ્લેટ કોમ્પ્યુટર

માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 8 રિલીઝ કરશે. જે લોકોએ આ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રિવ્યુ જોયો હશે એમને ખ્યાલ હશે કે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ હટ કે છે અને હવે કોમ્પ્યુટીંગ ડેસ્કટોપ કોમ્પ્યુટરથી ટેબ્લેટ કોમ્પ્યુટર તરફ આગળ વધી રહ્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ સામાન્ય ડેસ્કટોપ પર ચાલશે તો ખરી પણ એની બધી સુવિધાઓનો ખરા અર્થમાં ઉપયોગ કરવા માટે ટેબ્લેટ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જ રહ્યો. વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમને અનુરૂપ નોટબુક બનાવવાની હવે હોડ લાગી છે. આ વિશેનો એક લેખ ઇન્ફોસીસના બ્લોગ પર અહીં વાંચ્યો. એમાં અલગ અલગ કંપનીઓ કઇ રીતે વિન્ડોઝ 8 ના અનુરૂપ નોટબુક બનાવી રહ્યા છે એનો ઉલ્લેખ છે. એમાં મને લીનોવોનું IdeaPad Yoga ગમ્યું. નીચે અમુક ફોટા મૂક્યા છે.

010203

વધૂ સારા ફોટા અહીં છે.

લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં આ પ્રકારનું કોઇ ટેબ્લેટ રમકડું લઇ લેવું પડશે. લીનોવોનું આ રમકડું 1200 યુએસ ડોલરનું (એટલે કે લગભગ 60000 ભારતીય રૂપિયા)  છે અને જુન 2012 સુધીમાં માર્કેટમાં આવવાની શક્યતા છે. લીનોવોના કોમ્પ્યુટર Lookwise જોવા જઇએ તો કાયમ સેક્સી જ હોય છે અને આ નોટબુક પણ એમાં અપવાદ નથી. લીનોવો કોમ્પ્યુટરની ગુણવત્તાથી મને 100% સંતોષ નથી અને મોંઘા પણ છે તેમ છતાં એના સારા લુકના કારણે કાયમ લીનોવોના જ કોમ્પ્યુટર ઘરમાં આવ્યા છે.

જો આ રમકડું થોડું હલકું હોય તો iPadની જેમ પણ ઉપયોગ કરી શકાય. ખાલી ફરક iTunes અને windows marketplace વચ્ચેનો રહે અને આ ફરકના લીધે જ iPad જંગ જીતી જાય. ઘણી વખત એવો વિચાર આવ્યો છે કે iPad લઇ લઉં પણ પછી એમ થાય કે શું જરૂર છે? થોડો આંગળીઓ અને આંખોને પણ આરામ આપવો જરૂરી છે. 🙂

જોઇએ વિન્ડોઝ 8 રિલીઝ થતા સુધીમાં બીજા ક્યા વિકલ્પો બજારમાં આવે છે.

Image Courtesy :

http://www.gizmag.com/lenovo-ideapad-yoga-13/21073/pictures

London Dreams

આજકાલ ચાઇનીઝ ન્યુ યરના લીધે મીની વેકશન ચાલી રહ્યું છે અને ઘરે આરામ તથા થોડું હરવા ફરવાનું ચાલી રહ્યું છે. આ બાબતે મારો અને રુહીનો એક સંવાદ :

હું (રુહીને) : આજે સાંજે ક્યાં બહાર જવું છે?

રુહી           : લંડન 🙂

ખબર નહીં કંઇ રીતે પણ આજ કાલ રુહીને લંડનનો ચસ્કો બહુ લાગ્યો છે. એણે મને અત્યારથી જ કહી રાખ્યું છે કે એ 15 વર્ષની થશે એટલે લંડન જતી રહેશે અને અત્યારથી મને ટિકીટ અને વિઝા માટે કહી રાખ્યું છે. 🙂 હું વિચારતો હતો કે બાપ 30 વર્ષે અથડાતો કૂટાતો માંડ માંડ સિંગાપોર પહોંચ્યો અને ત્યાં જ અટકી ગયો જ્યારે આજકાલની પેઢીના 5 વર્ષના દેઢ ફૂટિયાઓ પણ લંડના સપના જોવા લાગ્યા છે અને ફોરવર્ડ પ્લાનિંગ કરવા લાગ્યા છે. હશે બેટા આશા રાખું કે તું 2022માં 15 વર્ષની થાય ત્યાં સુધીમાં લંડનના હાલ સુધરી જાય 🙂

Ang Pow

સોમવારે ચાઇનીઝ લોકોનું નવું વર્ષ છે. સિંગાપોરમાં ચાઇનીઝ જાતિના લોકો બહુમતીમાં છે (લગભગ 75%) એટલે સિંગાપોરનો આ સૌથી મોટો તહેવાર છે. સિંગાપોર આમ તો આખું વર્ષ ધબકતું રહેતું હોય છે પણ નવા વર્ષના તહેવારના આ બે દિવસો દરમ્યાન સિંગાપોર જડબેસલાક બંધ રહે છે. દરેક નવા ચાઇનીઝ વર્ષ સાથે એક પ્રાણીની સંજ્ઞા જોડાયેલી હોય છે. આ વર્ષે ડ્રેગનની સંજ્ઞા નવા વર્ષ સાથે જોડાયેલી છે એટલે આ  નવું વર્ષ “Year of Dragon” તરીકે ઓળખાશે. આના પછીનું નવું વર્ષ "Year of Snake” તરીકે ઓળખાશે.

જેમ આપણે ત્યાં નવા વર્ષે વડીલોને પગે લાગો એટલે તમને નગદ નારાયણ મળે એ જ રીતે ચાઇનીઝ લોકોમાં પણ છોકરાઓ જ્યારે એમના વડીલોને ત્યાં નવા વર્ષમાં જાય ત્યારે વડીલો નાના છોકરાઓને લાલ કવરમાં ડોલર બીડીને આપતા હોય છે. આ કવરને ચાઇનીઝ ભાષામાં "Ang Pow" કહેવાય છે. આજથી 5-7 વર્ષ પહેલા Ang Powમાં 2-5 ડોલર અપાતા હતા પણ હવે ડોલર પણ ઘસાતો જાય છે એટલે Ang Powની રકમ વધીને 5-10 ડોલર થઇ ગઇ છે. ચાઇનીઝ લોકોના નવા વર્ષની ઉજવણી આવતી કાલે રુહીની સ્કુલમાં પણ થવાની છે. રુહીને કાલે લાલ રંગના કપડા પહેરીને જવાનું છે.રુહી કાલે સ્કૂલમાં પાર્ટી કરશે અને મજા કરશે. મને આ વખતે એક નવો તુક્કો મગજમાં આવ્યો કે જો રુહીની સ્કુલમાં નવા વર્ષની ઉજવણી થવાની જ છે તો શા માટે છોકરાઓને ખુશ કરવા માટે "Ang Pow"નું કવર ના આપવું? એટલે આજે 10 Ang Powના કવર બનાવ્યા અને દરેક કવરમાં 2 ડોલર મૂક્યા. રુહીના વર્ગના બધા છોકરાઓને ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીના ભાગરૂપે મારા તરફથી એક ખૂબ જ નાનકડી ભેટ.

Ang Pow

અંતે, સર્વેને "Gong Xi Fa Cai” i.e. “Happy Lunar New Year”. કાલથી ચાર દિવસનું મિની વેકેશન અને આરામ.

athleticism at it’s best

Chinese New Year just around the corner. It’s biggest festival of Singapore. So all the malls have been decorated and can see performances organised at various malls highlighting the chinese culture.

Last week just went to the mall near by home and there saw some really good athletic performances by Chinese children. I shoot following performances using my iPhone. Just enjoy the athleticism of the children.

CNY01
CNY02
CNY03
CNY04
CNY05
CNY06
CNY07

Silly, Stupid Fellow…

આજકાલ અમારી કંપનીના ચેરમેન સાહેબ અમેરિકાથી સિંગાપોર ઓફિસની મૂલાકાતે આવેલા છે. 6 બિલીયન યુએસ ડોલરનું ટર્ન ઓવર કરનારી કંપનીના ચેરમેનનો ઠાઠ તો હોય જ સાથે સાથે ઘણા ગોરાઓની ફોજ પણ આવેલી છે. આજે ચેરમેન સાહેબ સાથે કંપનીના બધા કર્મચારીઓની મિટીંગ રાખવામાં આવી હતી. સાથે સાથે કોન્ફરન્સ કોલ દ્રારા મલેશિયા, તાઇવાન, થાઇલેન્ડ, વિયેટનામ, હોંગકોંગ અને બીજા દક્ષિણ એશિયાના દેશોના કર્મચારીઓએ પણ આ મિટીંગમાં ભાગ લીધો હતો. મિટીંગ શરૂ થતા પહેલા હું બીજી હરોળમાં કોર્નરમાં બેઠો હતો અને મારી બાજુની સીટ પર એક કાળી બેગ પડી હતી. એ કોર્નરમાં જ અમુક ગોરાઓ એક સમૂહમાં વાતો કરી રહ્યા હતા. એવામાં મારો એક મિત્ર આવ્યો અને મારી બાજુની સીટ પર મૂકેલી બેગને પહેલી હરોળમાં મૂકી અને મારી બાજુમાં બેસવા જતો હતો. એટલામાં બાજુમાં ઉભેલા એક ગોરાએ મારા મિત્રના ખભા પર ટપલી મારીને કહ્યું Excuse me gentleman, would you mind keeping this bag to it’s original place? બસ આ વાક્યમાં સમજી જવાનું હતું કે એ બેગ એ ગોરાની હતી અને એને પોતાની બેગ કોઇએ બીજી જગ્યાએ મૂકી એ ગોરાને ના ગમ્યું. મારો મિત્ર જ્યારે બેગ પાછી જગ્યા પર મૂકીને બીજે બેસવા જઇ રહ્યો હતો ત્યારે પેલો ગોરો સહેજ દબાતા અવાજે બોલ્યો "Silly, Stupid Fellow….”. હવે જોવા જેવી વાત એ થઇ કે જ્યારે મિટીંગ ચાલુ થઇ ત્યારે એ ગોરા ભાઇ પોતાની બેગ લઇને આગળી હરોળમાં ગોઠવાઇ ગયો. આ આખા ઘટનાક્રમ મારા વિચારો :

  • મારો મિત્ર કે જેણે બેગ ઉઠાવીને કોઇને પૂછ્યા વગર આગળ મૂકી દીધી એનો વાંક તો હતો જ પણ જ્યારે બેગ પાછી મૂકી દીધી અને સોરી કહી દીધું પછી વાત ત્યાં પતી જવી જોઇએ પણ ગોરાને જરા વધારે પડતું મન દુ:ખ થઇ ગયું. આનું કારણ એ છે કે ગોરાઓની પોતાની જાતને બદામી ચામડીવાળા માણસો કરતા ચઢિયાતા માનવાની માનસિકતા. બહુ ઓછા ગોરા લોકો આ માનસિકતાથી પર હોય છે.
  • ઇન્ડિયાની બહાર તમે  કોઇ પણ જગ્યાએ જશો તો તમને જાતિવાદનો (Racism) અનૂભવ વહેલા મોડા થવાનો જ છે. આ અફર સત્ય છે. (આમ જોવા જઇએ તો ભારતમાં પણ જાતિવાદનો અનૂભવ થતો જ હોય છે છે – Our Great North Indian, South Indian Divide Smile)
  • જ્યારે પણ તમે બીજા કોઇ દેશમાં જાઓ (ખાસ કરીને ગોરાઓના દેશમાં) અને જો તમે ત્યાના કલ્ચર વિરૂધ્ધ કંઇક કરશો તો લોકો બહુ છંછેડાઇ જશે. જો આ જ વસ્તુ મારા મિત્રએ કદાચ ઇન્ડિયામાં કરી હોત અથવા એ બેગ કોઇ ઇન્ડિયનની હોત તો કોઇ સમસ્યા ના થઇ હોત કારણ કે આપણા ભારતીયો માટે આ બધી વાતો નગણ્ય કે સામાન્ય છે. (થોડા સમય પહેલા અહીંના પુસ્તકાલયમાં એક ચોપડી જોઇ હતી જે ખાસ ગોરા લોકોના વાંચવા માટે હતી. આ ચોપડી ગોરાઓને ઇન્ડિયામાં કેવા પ્રકારના કલ્ચર શોક લાગી શકે છે એ વિષય પર હતીSmile )
  • તમે જે જગ્યાએ નોકરી કરતા હો ત્યાંના કલ્ચરના હિસાબે ત્યાંના પ્રસંગો અનુરૂપ વેશભૂષા કરવી જ રહી. જો મારો મિત્ર ઇસ્ત્રી ટાઇટ સફેદ શર્ટ અને ફીટેડ ટ્રાઉઝર અને પોલીશ કરેલા બૂટ્માં હોત તો કદાચ પેલો ગોરો "Silly, Stupid Fellow….” ના બોલ્યો હોત. એટલા માટે જ હું ઓફિસ માટેના ફોર્મલ કપડા બહુ વ્યવસ્થિત રીતે પસંદ કરુ છું અને પૈસા કરતા એના લુક અને ફિટીંગને વધૂ મહત્ત્વ આપુ છું.

અમુક વસ્તુઓ જીંદગી આપણને અઘરી રીતે શિખવાડે છે. Smile

વિચારવાયુ

ઇન્ડિયામાં વેકેશન પછી જ્યારે સિંગાપોર પાછો આવું એના પછીના 2-3 અઠવાડિયા બહુ ભારે રહેતા હોય છે. સિંગાપોરની જીંદગીને મગજમાં સેટ કરતા કરતા આ 2-3 અઠવાડિયા એકદમ ફિલોસોફીકલ થઇ જવાય છે :)  તો આ ફીલસૂફીને રોજનીશીના પાનામાં આજે ઉમેરી રહ્યો છું.

  • સુખ શાશ્વત નથી. દરેક સુખ કે સફળતા એની સાથે વેલિડીટી લઇને આવે છે અને વેલિડીટી પૂરી થતા એ સુખ કે સફળતાનો નશો આપોઆપ ઉતરી જાય છે.
  • મંઝીલ પર પહોંચવાની મજા ત્યારે જ છે જ્યારે મંઝીલ સુધી પહોંચવા માટેની ભૂખ જીવીત હોય. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે મંઝીલ ના મળે ત્યારે એ નિરાશા એ ભૂખને ખાઇ જતી હોય છે. 1998માં મેં એક સપનું જોયું હતું અને એ વખતે એને પૂરું કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા પણ એ પ્રયત્નોમાં સફળતા ના મળી અને પછી એ સપના પાછળ ભાગવાનું બંધ કરી દીધું હતું. અનાયાસે જ એ સપનું 2011ની શરૂઆતમાં જ્યારે પૂરુ થયું ત્યારે ખુશી જરૂર થઇ પણ એ ખુશીમાં દુનિયા જીતી લીધી હોય એવો રોમાંચ જરા પણ નહોતો. માટે જ્યાં સુધી તમારી ભૂખ છે ત્યાં સુધી તમારા સપનાને જીવી લેવાનો પ્રયત્ન જરૂર કરતા રહેવું. (પ્રભુદેવાએ ગીત उर्वशी…उर्वशी…ગીતમાં એકદમ સાચુ કહ્યું છે કે 20 की उमर का है जो खेल, 60 में खेल के होगा क्या??? 🙂 )
  • ગુજરાતીમાં કહેવત છે કે અતિની ગતિ નથી હોતી. કોઇ પણ વસ્તુ મર્યાદામાં સારી. જે વસ્તુ વધૂ થવા લાગશે એનો મોહ આપોઆપ ઓછો થતો જશે. મારો પોતાનો અનૂભવ પણ આમ જ કહે છે.  આ વખતે ઇન્ડિયા ટ્રીપ દરમ્યાન એક મિત્ર સાથે વાત થઇ હતી. એ ભાઇ હજી 20-22 વર્ષના જ છે. એમણે અત્યાર સુધી જીવનમાં ખૂબ જલસા કર્યા છે,  બધી રીતે બધા પ્રકારના જલ્સા કર્યા છે અને કોઇની રોક ટોક વગર જલ્સા કર્યા છે જીંદગીમાં. આ વખતે એ મને કહે કે હવે એને જીંદગીથી કંટાળો આવે છે. મને કહે કે ક્યાં સુધી જીવનમાં હું જલ્સા કરે રાખીશ? એ મને કહે કે મારે જીંદગીમાં હવે દુ:ખ જોવું છે. જીંદગીનો અસલી ચહેરો જોવો છે. મહેનત મજૂરી કરીને હવે એને પોતાની રીતે જીંદગી બનાવવાની તાલાવેલી લાગી છે. મને ખરેખર ખુશી થઇ આવા વિચારો જાણીને.
  • Life is all about choices we make. આજ કાલ મને મારા એન્જીનિયર બનવાની અને સિંગાપોર આવવાની કરેલી પસંદગી યોગ્ય હતી કે નહીં એ વિશે શંકા થવા લાગી છે. આરામ અને શાંતિની જીંદગીની જે આદત અત્યારે પડતી જાય છે એ મારા ભવિષ્ય માટે ખતરનાક છે.
  • બહુ ઓછા લોકો એવા છે આ દુનિયામાં કે જે પોતાની મરજીના માલિક હોય છે અને જીંદગી પોતાની મરજી મુજબ જીવે છે. 2002-2003ના સમય ગાળાને બાદ કરતા આજ સુધી મને ક્યારેય એવું જીંદગીમાં નથી લાગ્યું કે હું મારી મરજી મુજબ જીંદગી જીવી રહ્યો છું. મારા નજીકના લોકો આ અફસોસ માટે મારી અમર્યાદ ઇચ્છાઓને દોષ દે છે પણ મને એમ નથી લાગતું. અમુક નિર્ણયો લેવા છે જીંદગીમાં પણ લઇ નથી શકાતા. અત્યારે તો ખાલી એટલો આશાવાદ રાખી શકું કે ક્યારેક જીંદગીમાં એ નિર્ણયો લઇ શકીશ અને એના સારા કે ખોટા પરિણામો ભોગવવા માટે મારી જાતને તૈયાર કરી શકીશ.
  • આજે યુટ્યુબ પર અમુક ગુજરાતી ગીતો સાંભળી રહ્યો હતો. जो सुख पायो नाम भजनमें, सो सुख ना है अमीरीमें…. સાંભળીને થોડો વધૂ વિચારવાયુ થઇ ગયો કે પહેલા જીવનમાં કેટલી નિર્મળતા હતી? આજે કેમ હું Rat Race માં મારી જીંદગી વેડફી નાંખવા માટે મજબૂર થઇ રહ્યો છું? બીજું પણ એક ગીત સાંભળ્યું : पिंजरे के पंछी रे….. तेरा दर्द ना जाने कोइ…. तेरा दर्द ना जाने कोइ… અત્યારે તો આ ગીત મારા માટે જ લખાયું હોય એમ લાગે છે. 🙂 અત્યારે સિંગાપોર નામના સોનાના પિંજરાએ મને કેદ કરી રાખ્યો છે પણ હવે આ કેદમાંથી આઝાદ થવાનો સમય પાકી ગયો છે.

અત્યારે આટલી ફિલોસોફી ઝાડીને અટકું છું. બીજું ફરી ક્યારેક 🙂

%d bloggers like this: