ગુજરાતી બ્લોગ જગત

કારકિર્દીની શરૂઆત થઇ ત્યારથી જ આમ તો હું નેટ પર કામ કરતો હતો. પણ કોઇ દિવસ બ્લોગ બનાવવાનો વિચાર નહોતો આવ્યો. કદાચ આજથી 5-7 વર્ષ પહેલાં લોકો બ્લોગીંગ કરતા પણ નહોતાં. હું પણ ખાલી મેઇલ જોઇ અને થોડી સાઇટો જોઇને ધરાઇ જતો હતો. અને એમાં પણ કોઇ દિવસ ગુજરાતી સાહિત્ય વિશે કે ગુજરાતી સાઇટો તો કદી જોતો જ નહોતો. પણ આજથી લગભગ 1.5 વર્ષ પહેલા અનાયાસે જ મારાથી રીડગુજરાતી સાઇટની (ગૂગલના સર્ચ એન્જીન દ્વારા હું રીડ ગુજરાતી સુધી પહોંચી ગયો) વિઝીટ કરી. એ દિવસે પહેલી વાર ગુજરાતી ભાષામાં કંઇક વાંચ્યું. પહેલા તો કોમ્પ્યુટર પર કાયમ અંગ્રેજી ભાષા જ વાંચવા ટેવાયેલી આંખોને કંઇક અજૂગતું પણ લાગ્યું. પણ એ દિવસે જે થોડું ઘણું વાંચ્યું એમાં મઝા આવી. થોડા દિવસો બાદ ફરી રીડ ગુજરાતી ખોલીને વાંચી તો વધારે મઝા આવી. બસ પછી મને ગુજરાતી વાંચવાનું ગમવા લાગ્યું. ત્યાર બાદ રીડ ગુજરાતીમાં બધાં મહાનુભાવોના બ્લોગની લિંક જોઇ. દરેક બ્લોગની સમયની અનૂકુળતા મુજબ વિઝીટ કરી. ત્યારબાદ થયું કે એક બ્લોગ હું પણ ચાલું કરું. બસ 2જી ઓક્ટોબર (ગાંધી જ્યંતિ) 2006 ના દિવસે મારો પોતાનો બ્લોગ બનાવ્યો.

આમ તો મારા બ્લોગ પર હું કંઇ નવીન કે સાહિત્ય વિષયક લખતો નથી. બ્લોગ બનાવતી વખતે મેં વિચાર્યું હતું કે બ્લોગ દ્રારા હું મારા જીવના વિતેલા દિવસોને શબ્દોના રૂપમાં સાચવી રાખું. મારા મનના વિચારોને અને લાગણીઓને હું નોંધી રાખું. આજે ગુજરાતી બ્લોગ જગત ઘણું સમૃધ્ધ છે. ઘણાં ઉત્કૃષ્ટ બ્લોગ આજે લોકો દ્રારા લખવામાં આવી રહ્યાં છે. આજે ગુજરાતી જગતમાં કેટલાક બ્લોગ એવા છે જેની હું નિયમિત રીતે મુલાકાત લઉં છું અને તેમના થકી પ્રેરિત પણ થાઉં છું. એવા કેટલાક બ્લોગની યાદી અહીં મૂકું છું અને દરેક બ્લોગને લખનાર વ્યક્તિનો દિલથી આભાર માનું છું કે જેમણે મને ગુજરાતી ભાષા પ્રત્યે આકર્ષ્યો.

 1> http://www.readgujarati.com

સૌ પ્રથમ તો મૃગેશભાઇનો ખૂબ ખૂબ આભાર કે તેઓ એક એવું કાર્ય કરી રહ્યા છે કે જેના થકી લોકો ગુજરાતી એટલે કે પોતાની માતૃભાષા તરફ આકર્ષાઇ રહ્યાં છે. તેમના દ્રારા બનેલી સાઇટની પહેલી મૂલાકાતથી જ મારામાં ગુજરાતી ભાષા અને સાહિત્ય વાંચવા માટેની તલપ પેદા થઇ. તેઓ આજની પેઢીને ગુજરાતી સાહિત્ય તરફ વાળવા જે પ્રયત્નો કરે છે એ ખૂબ જ અભિનંદનીય છે. મૃગેશભાઇ તેમના અભિયાનમાં અને અંગત જીવનમાં પણ ખૂબ સફળ થાય એવી દિલથી શુભેચ્છાઓ.

2> http://paramujas.wordpress.com

“પરમ સમીપે”. કલકત્તાથી નીલમબેન દોશી આ બ્લોગ લખે છે. તેમનો આ બ્લોગ તેમણે સમસ્ત વિશ્વની દિકરીઓને સમર્પિત કર્યો છે. ભગવાને એમને ખૂબ લાગણી ભીનું હ્રદય આપ્યું છે અને એ લાગણીઓને પોતાની કલમ થકી ખૂબ જ સુંદર રૂપે લોકો સમક્ષ મૂકી શકે છે.  એમના બ્લોગ પર રજૂ કરેલી “ભાવવિશ્વવ” સિરીઝ કદાચ દરેક દિકરીના મા બાપે વાંચવા જેવી છે. જ્યારે ભાવવિશ્વના લખાણો વાંચતો હતો ત્યારે જ મારા ત્યાં મારી દિકરીનો જન્મ થયો હતો અને એ વખતે આ લખાણો વાંચીને મારી આંખો પણ ભરાઇ આવતી હતી અને વિચાર આવતો હતો કે મારે પણ આ રીતે જ મારી વ્હાલસોયી દિકરીથી આ રીતે જ જુદા થવું પડશે. અત્યારે તેઓ “એક સાસુની ડાયરી…” લખી રહ્યાં છે. દરેક સાસુ વહુએ કદાચ સાથે બેસી એ વાંચવા જેવું છે. નીલમબેન તમે આમ જ લખતા રહો અને દુનિયાભરની દિકરીઓ પર તમારો પ્રેમ આ રીતે જ વરસતો રહે એવી શુભેચ્છા.

3> http://shivshiva.wordpress.com

આ બ્લોગ થોડો હટ કે છે. આમ તો આ બ્લોગ બહુ ગુજરાતી સાહિત્ય વિષયક નથી પણ થોડો ધાર્મિક રંગે રંગાયેલો છે. ખાસ કરીને કૈલાશ માનસરોવરની યાત્રાના વર્ણનો જે લખાયા છે તે ખૂબ જ રસપ્રદ છે. એ વાંચીને મને પણ મન થાય છે કે મારે પણ આ જીંદગીમાં એક વખત તો કૈલાશ માનસરોવરની યાત્રા કરવી જ જોઇએ. સાથે સાથે આજના સુવિચાર, આજનો દિવસ, હેલ્થ ટીપ્સ, વિવિધ યાત્રાના વર્ણનો અને એમના પરિવારની અંતરંગ વાતો વગેરે ખૂબ જ સુંદર છે. નીલાબેન આવી જ રસપ્રદ માહિતી સાથે બ્લોગનું સંચાલન કરતા રહે એવી શુભેચ્છાઓ.

4> http://kartikm.wordpress.com

જ્યારે મેં પોતાનો બ્લોગ લખવાનું નક્કી કર્યું ત્યારે એ સ્વાભાવિક વિચાર આવે કે શું લખવું? હું સાહિત્યિક માણસ તો છું જ નહીં. એટલે કવિતા કે વાર્તાઓ લખવું એ તો મારા ગજા બહારની જ વાત હતી. ત્યારે મેં કાર્તિકભાઇનો બ્લોગ જોયો. એ બ્લોગ પર મેં કશું પણ સાહિત્યિક ના જોયું. ફકત પોતાના અનુભવો અને કામની અંતરંગ વાતો તેમના બ્લોગ પર જોઇ. મને પણ આ જોઇને પ્રેરણા થઇ કે ચલો હું પણ મને જે યોગ્ય લાગે એ મારા અનુભવો અને જીવનની અંતરંગ વાતો લખું. કાર્તિકભાઇ એમના વ્યવસાય થકી ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા છે તે ખૂબ જ સરસ વાત છે. સાથે સાથે માઇક્રોસોફ્ટના કટ્ટર વિરોધી છે.

આ તો થઇ ફક્ત 4 બ્લોગની જ વાત. પણ બીજા ઘણાં બધાં બ્લોગ છે જેની હું મૂલાકાત હું લેતો રહું છું અને વાંચવાની ભૂખ સંતોષતો રહું છું.

ગુજ્રરાતી ભાષાની આમ જ પ્રગતિ થતી રહે અને વધૂ ને વધૂ લોકો ગુજરાતી ભાષાને અપનાવે એ જ અભ્યર્થના.

Merry Christmas

આજે 25મી ડિસેમ્બર એટલે કે નાતાલ છે. ખ્રિસ્તી ભાઇ બહેનોનો સૌથી મોટો તહેવાર. ભારત કરતા પશ્ચિમના દેશોમાં આ તહેવારનું ખૂબ મહત્વ છે. પરંતુ અહીં દક્ષિણ પૂર્વ એશિયામાં પણ લોકો ધામધૂમથી આ તહેવાર મનાવે છે. અહીં સિંગાપોરમાં પણ નાતાલ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને મોલની ખૂબ સરસ સજાવટ કરવામાં આવે છે. ઠેર ઠેર ક્રિસ્મસ ટ્રી જોવા મળે છે.

સિંગાપોરમાં કોઇ પણ તહેવાર હોય એની સૌથી વધારે રોનક ઓર્ચડ રોડ પર જોવા મળે છે. (દિવાળીને બાદ કરતા. દિવાળીની સૌથી વધારે રોનક લીટલ ઇન્ડીયામાં હોય છે) આથી જ હું 24મી તારીખના રાત્રે નાતાલની ઉજવણી જોવા ઓર્ચડ રોડ પર ગયો હતો. સૌ પ્રથમ તો ત્યાં એક વિશાળ ક્રિસ્મસ ટ્રી ને ખૂબ સરસ રીતે સજાવેલું હતું. જેના ફોટા નીચે છે.

xmas-tree.jpg                 me-with-xmas-tree.jpg     tree.jpg  

ઓર્ચડ રોડ પર કાલે ખૂબ જ પબ્લિક હતી. જાણે સિંગાપોરની બધી પબ્લિક ઓર્ચડ રોડ પર જ હોય એમ લાગતું હતું. ચાલવાની પણ જગ્યા માંડ મળે એવું હતું. પણ અહીં ટ્રાફિક પોલિસનો બંદોબસ્ત સારો હતો. પણ ભીડ જેમ જેમ રાત વધતી ગઇ એમ બેકાબૂ થતી ગઇ. પશ્ચિમી દેશોમાં આજકાલ “Free Hug” નું ચલણ વધતું જાય છે. અહીં પણ લોકો “Free Hug”ના બોર્ડ લઇને લોકોને ભેટીને નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામના આપતા હતા.

free-hugs.jpg

જો કે કાલે બધાં એક બીજા પર ફોમ નાંખીને પબ્લિકને હેરાન કરતા હતા. વખત જતા પબ્લિક અને ચારે બાજુ ફોમ ફોમની ગંધના લીધે ત્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ થાય એવું લાગવા લાગ્યું. ઓર્ચડ રોડ લોકોએ એટલો ગંદો કરી નાંખ્યો કે એને પાછો સાફ કરતા 2 દિવસ લાગશે. આમ તો સિંગાપોરની પબ્લિક કાયમ અહીંની સરકારના ડરથી શિસ્તમાં જ રહેતી હોય છે પણ જે દિવસે સરકાર ઢીલું મૂકે એ દિવસે પબ્લિક પૂરેપૂરું સાટું વાળી દે છે.

સિંગાપોરનો વરસાદ

સિંગાપોરનું હવામાન એકંદરે મુંબઇ જેવું છે. બપોરે નીકળો તો એટલો જ તાપ અને બાફ હોય અને વરસાદ પણ મુંબઇ જેવો જ પડે છે. આમ તો સિંગાપોરમાં ચોમાસાની ઋતુ સપ્ટેમ્બર – ઓક્ટોબરથી માંડીને ડીસેમ્બર મહીના સુધી હોય છે પણ અહીં લગભગ બારેમાસ વરસાદ તો પડતો જ રહે છે. અહીં લગભગ દરરોજ બપોરે વરસાદ પડે અને તે પણ એવો ધોધમાર પડે કે આપણને એમ જ લાગે કે આ વરસાદ હવે ચાલુ જ રહેશે. પણ એકાદ કલાકમાં વરસીને પાછો બંધ થઇ જાય. અહીં સારું છે કે ઇન્ડીયાની જેમ કાદવ કીચડ કે મચ્છરો અને રોગચાળા નથી થતા. એનું કારણ એ પણ છે કે અહીં કોઇ જગ્યાએ ખૂલ્લી જમીન કે રેતી માટી હોતી નથી. જો કોઇ ખૂલ્લી જગ્યા હોય તો ત્યા હરિયાળી (લોન) કરી નાંખે છે એટલે કાદવ કીચડનો પ્રશ્ન જ ના રહે. કલાક પહેલા ધોધમાર વરસાદ પડ્યો હોય તો પણ કલાક બાદ બધે કોરું જ દેખાય લાગે નહીં કે વરસાદ પડ્યો હશે.

હું ઇન્ડીયાથી રજાઓ ગાળી અહીં આવ્યો ત્યારબાદ લગભગ એક અઠવાડિયા સુધી વરસાદ વરસતો જ રહેતો હતો. એ અઠવાડિયામાં સુરજદાદા એ દર્શન જ નહોતા દીધા. આ રીતે વરસાદ વરસતો જ રહે તો મઝા ના આવે. ક્યાંય અવાય જવાય નહીં, કોઇ કામ પણ ના થાય અને કંટાળો આવી જાય. શું કરીએ પણ કુદરત આગળ માનવી લાચાર છે.

જીતી ગયું ગુજરાત

23મી તારીખે જ્યારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના સીલ ખૂલ્યા અને એક ઇતિહાસ રચાઇ ગયો. નરેન્દ્ર મોદી અને ભાજપાએ લગભગ 2/3 બહુમતીથી સતત ત્રીજી વખત ગુજરાતની ગાદી પર કબ્જો કરી લીધો. ગુજરાતની પ્રજાના નિર્ણય દ્રારા નરેન્દ્ર મોદીએ પોતાના આલોચકોને, વિરોધીઓને અને ખાસ કરીને અંગ્રેજી ભાષી મિડીયાને જબરદસ્ત જવાબ આપી દીધો. મોદીત્વ લાગે છે બહુ દ્રઢ રીતે લોકોના દિમાગમાં ઘર કરી ગયું લાગે છે.

નરેન્દ્ર મોદીને અભિનંદન અને આશા રાખું છું કે તેઓ અને તેમનું મંત્રીમંડળ ગુજરાતના વિકાસના કાર્યોમાં ફરીથી લાગી જાય અને ગુજરાતને દેશનું નંબર 1 રાજ્ય બનાવે. હજી ઘણું બધું આગળ કરવાનુ છે. આશા રાખું કે આ વખતે નરેન્દ્રભાઇ સોફટવેર માંધાતાઓ જેવા કે અઝીમ પ્રેમજી, નારાયણ મૂર્તિ, રતન ટાટા વગેરેને ગુજરાતમાં પોતાની સોફ્ટવેર ફેક્ટરી ખોલવા માટે સમજાવે જેથી આઇટી ક્ષેત્રના ઇજનેરોને રોજી રોટી રળવા ગુજરાત બહાર ના જવું પડે.

 TOI એ નરેન્દ્ર મોદીના વિજય ઉપર કરેલી કેટલી કમેન્ટ :

Landslide victory may make Gujarat CM the biggest political export out of India after Mahatma  

Common man to be happy with Moditva taking Gujarati pride and business to prosperity

Gali Gali mein naara hai, aaj Gujarat kal Delhi hamara hai.

One country, one people, one leader is Narendra Modi.

અંતે મોદીના વિજય પર એક સરસ વ્યંગચિત્ર TOI ના મુખપૃષ્ડ પર જોવા મળ્યું.

getimage.jpg

जितेगा गुजरात

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 11 અને 16મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી જો કોઇ માટે સૌથી વધારે મહત્વની હોય તો એ છે નરેન્દ્ર મોદી માટે. નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણી પ્રતિષ્ડાનો જંગ છે. 

જો ભાજપ જીતશે તો નરેન્દ્ર મોદીને ભાજપમાં તો સોટ્ટા પડી જ જશે સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ સિક્કો જામી જશે. મોદી કદાચ આજની તારીખમાં સૌથી વિવાદાસ્પદ મુખ્યમંત્રીઓમાંના એક છે.

મોદી સાહેબની કાર્યપધ્ધતિ એકદમ અલગ છે. લોકો કહે છે કે મોદી સરમુખ્ત્યારની જેમ રાજ કરે છે. પણ અત્યારે મારા ખ્યાલથી સરમુખ્ત્યારની જ જરૂર છે. કેશુભાઇના રાજમાં કોઇ ધારાસભ્ય પણ કેશુભાઇને ગણતા નહોતા અને હજૂરિયા – ખજૂરિયાના ઝઘડા ચાલતા રહેતા હતા અને ગુજરાતમાં બહુ પ્રગતિ નહોતી. આજે મોદીના રાજમાં કોઇ મંત્રી કે ધારાસભ્ય ચૂ ચા નથી કરી શકતો. વિકાસના અમુક કામો જે ગુજરાતમાં થયા છે એ ખૂબ સરાહનીય છે.

સૌથી અગત્યની વાત મને જે લાગે છે એ છે સુરક્ષાની. આજે ગોધરાકાંડ અને એના પછીના તોફાનો બાદ પણ ગુજરાતમાં એક પણ આતંકવાદી હુમલા નથી થયા. જ્યારે કોંગ્રેસના શાસનવાળા રાજ્યોમાં એટલે કે મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, આસામ વગેરેમાં છાશવારે બોંબધડાકામાં લોકો મરતા હોય છે. જે અમદાવાદમાં વર્ષમાં 2-3 વખત કોમવાદી તોફાનો થતા અને કર્ફયુ લાગતા હતા એ 5 વર્ષમાં એક વખત પણ તોફાનો નથી થયા અને કર્ફ્યુ નથી લાગ્યો. જે એક વખત આંખ લાલ કરવાની હતી એ મોદીએ ગોધરા પછીના તોફાનોમાં કરી દીધી છે. કોંગ્રેસની સરકારની લઘુમતીઓને છાવરવાની નિતીના દિવસો ગયા એટલે જ કદાચ બધું શાંતિમય ચાલી રહ્યું છે આજની તારીખમાં.

વ્યક્તિગત રીતે હું એવું ઇચ્છું છું કે મોદીને બીજી વખત તક મળે અને ગુજરાત જે વિકાસની રાહે પા પા પગલી કરી રહ્યું છે એ પોતાના મજબૂત પગ પર દોડવા માંડે.

આ વખતે પણ મારાથી મત નહીં આપી શકાય. 30 વર્ષ થઇ ગયા હજી સુધી કોઇ દિવસ મત આપવાનો અવસર જ નથી મળ્યો પછી એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય. દરેક વખતે અમદાવાદની બહાર જ રખડતો હોઉ છું. ખબર નહીં ભારતીય નાગરિક તરીકે મત આપવાનો હક ક્યારેય હું વાપરી શકીશ કે નહીં?

જીતેગા ગુજરાતની એક એડ નીચે છે… 

મોદી અને ભાજપ જીતે એવી શુભેચ્છા….

%d bloggers like this: