अजब प्रेम की गजब कहानी
આજે મૂવી अजब प्रेम की गजब कहानी જોયું. આ વખતે ડીવીડી/વીસીડી/ઓનલાઇન કે ડાઉનલોડ કરીને નહીં પરંતુ બાકાયદા ડોલર ખર્ચીને જોયું. હમણાં 2-3 દિવસથી સારા મૂડે મારો સાથ છોડી દીધો છે એટલે મને થયું કે ચલો મૂડને સારો કરવા કોઇ મૂવી જોઇએ. વળી ઘરની નજીક જ ટેમ્પીનીસ મોલમાં મૂવી લાગેલું હતું એટલે સિનેમાઘર સુધી જવાની પણ અનૂકુળતા હતી. હવે થોડી મૂવી વિશે વાત.
મને આ મૂવી સારુ લાગ્યું (આમ પણ વર્ષ બાદ કોઇ પણ મૂવી જુઓ સિનેમાઘરમાં એટલે સારુ જ લાગે
) . મૂવીની વાર્તામાં કંઇ નવીનતા નથી પણ કોમેડીમાં દમ છે. મધ્યાંતર પહેલાનો ભાગ કોમેડી સાથે સાથે રસપ્રદ છે પણ મધ્યાંતર પછીના ભાગમાં એ જ બધી ચિલાચાલુ 50 વખત જોવાઇ ગયેલી, ચવાઇ ગયેલી સ્ટોરી છે. સંગીત અને ગીતો પણ સારા છે મૂવીના. "प्रेम की नैया… " ગીતનું પિક્ચરાઇઝેશન મને ગમ્યું. રણબીર કપૂરનો અભિનય અને કોમેડી એ મૂવીના સૌથી મજબૂત પાસા મને લાગ્યા. રણબીર કપૂર આજ કાલ બોક્સ ઓફિસ પર રાજ કરે છે. મને પણ આ chho sweet ચોકલેટી બોય ગમે છે (ખાલી થોડું નાક વ્યવસ્થિત કરાવવાની જરૂર છે) . ફિલ્મમાં સૌથી નબળું પાસુ છે ઉપેન પટેલ અને એનો અભિનય. ખબર નહીં એ અંગ્રેજને કેમ લીધો આ મૂવીમાં? દુ:ખ સાથે લખવું પડે છે કે કેટરીના કૈફ એકદમ સામાન્ય લાગે છે મૂવીમાં. જે ગ્લેમર કેટ સાથે જોડાયેલું છે એ ખબર નહીં આ મૂવીમાં ક્યાંક ગાયબ હોય એવું મને લાગ્યું. કેટલાક દ્રશ્યોમાં તો મને એકદમ બકવાસ લાગી (Sorry Kat, but trying to be honest with myself.). કદાચ આ વાંચીને કેટલાક કેટના ચાહકો રાજ ઠાકરેના ગુંડા જેમ અબુ આઝમી પર વરસી પડયા હતા એમ વરસી પડે પણ વાત સાચી છે.
છેલ્લે, મારા મતે આ મૂવી પૈસા વસૂલ મૂવી છે. જો જોવાઇ જાય તો આનંદ થાય અને ના જોવાય તો અફસોસ ના કરવો.
(Image : from wiki)
Visit to Asian Civilization Museum
મને ઇતિહાસ અને જૂના જમાનાની સભ્યતાઓ વિશે જાણવું બહુ ગમે. અહીં સિંગાપોરમાં કેટલાક બહુ જ સારા મ્યુઝિયમ છે અને એમાંનું એક છે Asian Civilization Museum. મેં આ મ્યુઝિયમ અત્યાર સુધી જોયું નહોતું કારણ કે રુહીને લઇને આવી જગ્યાએ જવામાં મઝા ન આવે. Asian Civilization Museum સિંગાપોર રીવરના કિનારે જ આવેલું છે અને આજુબાજુનો એરિયા એકદમ અફલાતૂન છે. અત્યારે સિંગાપોરમાં એકલો છું, નવરો છું એટલે વિચાર્યું કે મ્યુઝિયમ જોતા આવીએ અને આજુબાજુ થોડુ ફરતા આવીશું.
મ્યુઝિયમમાં જવાની ટિકીટનો દર ખાલી 5 સિંગાપોર ડોલર જ છે પણ આજે વળી મારુ નસીબ જોર કરતું હશે તો મ્યુઝિયમમાં મફતમાં એન્ટ્રી હતી. ચલો 5 ડોલર બચ્યા. સાથે સાથે મ્યુઝિયમમાં આજે ફિલીપાઇન્સ દેશના કલ્ચરની ઉજવણી કરી રહ્યા હતા. એટલે આજે ફિલિપાઇન્સ દેશના લોક નૃત્યો, ગીત સંગીત અને ખાવા પીવાના પ્રોગ્રામ હતા. મે પહેલા અંદર જઇને મ્યુઝિયમની જુદી જુદી ગેલેરીઓ જોઇ. વર્ષો જૂની મૂર્તિઓ અને કલા કૃતિઓને ખરેખર બહુ સારી રીતે સાચવણી કરીને મ્યુઝિયમમાં મૂકાઇ છે. જૂના વખતમાં એશિયામાં બુધ્ધ ધર્મનું વધારે ચલણ હતું. ઘણી બધી બુધ્ધ ભગવાનની મૂર્તિ, સ્તૂપ, અનુયાયીઓ વગેરેની મૂર્તિઓ મ્યુઝિયમમાં છે. થોડાક ફોટા લીધા અને ત્યાં કેમેરાની બેટરીએ દગો દીધો. મને એટલો ગુસ્સો આવ્યો કે કેમેરાનો છૂટ્ટો ઘા કરુ બારીમાંથી. (આજ પછી કોઇ દિવસ A4 બેટરી ઓપરેટેડ કેમેરા હવે હું નહીં લઉં કારણ કે એ ક્યારે દગો આપી દે એ કહેવાય નહીં. લિથિયમ બેટરીની લાઇફ વધારે હોય છે એટલે લિથીયમ બેટરીવાળો જ કેમેરા લેવો.)
કેમેરો બંધ થઇ ગયો એટલે મૂડ થોડો આઉટ થઇ ગયો એટલે થોડું આમતેમ જોઇને હું મેઇન હોલમાં ગયો જ્યાં ફિલીપાઇન્સ દેશના સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા. હું ગયો ત્યારે એક મ્યુઝિક બેન્ડનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. એ પછી ત્યાંના લોકગીતોનો કાર્યક્રમ ચાલુ થયો. આપણને એમની ભાષામાં ખબર ના પડે પણ સંગીત કર્ણપ્રિય હતું એટલે સાંભળવીની મઝા આવી. પછી કાર્યક્રમની વચ્ચે બહાર એક રાઉન્ડ મારી આવ્યો. પાછો અંદર આવ્યો ત્યારે ડાન્સ પ્રોગ્રામ શરૂ થવાના હતા. મને એ ખબર નહોતી કે ફિલિપાઇન્સ પર પહેલા સ્પેનીશ લોકોનું રાજ હતું એટલે ત્યાંની સભ્યતા પર સ્પેનીશ સભ્યતાનો પણ પ્રભાવ છે. ડાન્સ પ્રોગ્રામમાં પહેલો જ સ્પેનીશ ડાન્સ હતો. Dance was just AMAZING. લાંબા ગાઉન પહેરી ત્રણ છોકરીઓએ ખરેખર એક્દમ અદભૂત ડાન્સ કર્યો. ત્યાર બાદ cow boy ના પોષાકમાં આવીને એક છોકરાએ અફલાતૂન ડાન્સ કર્યો. હું તો જ્યાં હતો ત્યાં જામી જ ગયો. ત્યાર બાદ તો એક પછી એક ડાન્સ કાર્યક્રમો ચાલુ થયા. મને એ લોકો ક્યા પ્રકારનો સ્પેનીશ ડાન્સ કરી રહ્યા હતા એ ખબર નહોતી પણ એમના ડાન્સ જોઇને મારી તો લાઇફ બની ગઇ. એ લોકો પોતાના પગના અંગૂઠા પર ઉભા રહીને પોતાને બેલેન્સ કરીને જે ડાન્સ મૂવ કરતા હતા એના વિશે તો શું કહેવું? આજે સ્પેનીશ ડાન્સને નજર સમક્ષ જોયા બાદ હું એનો દિવાનો થઇ ગયો. ખાલી એક જ અફસોસ રહ્યો કે હું એ ડાન્સને કેમેરામાં કેદ ના કરી શક્યો.
ઇન્ડિયા ડાયરી – 7 : Positive about Narendra Modi in English Media
રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો. મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા. આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી. સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી.
આમ જોવા જઇએ તો સાચી જ વાત છે ને?
ઇન્ડિયા ડાયરી – 6 : Ahmedabad’s Science City ઉઘાડી લૂંટ
મેં ગુજરાતી છાપાઓમાં વાંચ્યં હતું કે અમદાવાદમાં Science City બન્યું છે એટલે મેં નક્કી કર્યું હતું કે ઇન્ડિયા જઇશું ત્યારે જોઇશું. અહીં સિંગાપોરનું Science Centre બહુ સરસ છે. હું 2-3 વખત ત્યાં ગયો છું અને મને મઝા પણ આવે આવી જગ્યાઓએ જવાની એટલે મને અમદાવાદમાં Science City કેવું બન્યું છે એ જોવાની તાલાવેલી હતી.
અમદાવાદમાં Science City એ શહેરથી દૂર છે. મારા ઘરથી તો લગભગ 15-20 કિમી જેટલું થાય તોય અરમાનો લઇને અમે ઉપડ્યા જોવા. જોયા પછી મને બહુ જ નિરાશા થઇ. ચોખ્ખા શબ્દોમાં કહું તો હજી ત્યાં ધૂળ અને પથરા સિવાય ખાસ કશું નથી. જો કે મને સૌથી વધૂ મનદુ:ખ એ જોઇને થયું કે કંઇ ના હોવા છતાં ત્યાં લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો અત્યારથી જ ચાલુ થઇ ગયો છે.
દરવાજેથી અંદર જવા માટે પહેલા પ્રવેશ ફી 10 રૂપિયા. પાર્કિંગ ફી 5-10 રૂપિયા. અંદર ગયા પછી દરેકના પૈસા અલગથી અને ભાવ પણ સામાન્ય માણસને ના પરવડી શકે એવા.
ઉપર ભાવપત્રકનો ફોટો છે. આમાંથી જે પણ ફ્રી છે એ જેવી તેવી હાલતમાં છે અથવા બની રહ્યું છે. IMax મૂવી શો ના 125 રૂપિયા અને 12 વર્ષથી નીચેના બચ્ચાઓ માટે 100 રૂપિયા. બોલો હવે સામાન્ય લોકોને પરવડી શકે. ખાલી મૂવી શો જોઇને આવે તો પણ 150 રૂપિયા ઘૂસી જાય એક વ્યક્તિ દીઠ. એનર્જી પાર્કના કોઇ ઠેકાણા નહોતા. Science City બનાવવાનો મતલબ એ હોવો જોઇએ કે વધૂમાં વધૂ લોકો આવે અને વિજ્ઞાનમાં લોકોની રૂચિ કેળવાય. એ માટે લોકોને પોષાય એ રીતના ભાવ રાખવા જોઇએ. સિંગાપોરમાં એકદમ સરસ Science Centre છે છતા એના ભાવ એકદમ ઓછા છે. 6 ડોલર પ્રવેશ ફી છે. 6 ડોલર એટલે કશું ના કહેવાય આમ જોવા જઇએ તો અને અંદર પછી બધું મફત જોવાનું. અલગથી કોઇ ટિકીટ નહીં લેવાની. ખાલી 10ડોલરમાં જ IMax મૂવી. સ્કૂલના બાળકો માટે તો લગભગ ફ્રી જેવું જ છે.
નીચે મૂકેલા ફોટા Science City ના ટોઇલેટના છે. હજી નવું નવું બન્યું છે તેમ છતાંય હાલત જુઓ બારી બારણાંની. આ જોઇને તો એમ જ લાગે કે આ પૈસા ખાવા માટે જ પ્રોજેકટ ચાલે છે.
ફરી ફરીને અમને કંઇ મળ્યું નહીં એટલે કંટાળીને મ્યુઝીક ફાઉન્ટેનમાં અમે ગયા તો એમાં પણ કંઇ બહુ મઝા ના આવી. ગીતો વાગતા હોય અને ફૂવારા છૂટયા કરે એનો શું મતલબ? ગીત જે વાગતું હોય એની સાથે ફૂવારાની કોઇ રીધમ જ નહીં. ગીત વાગે અને લાઇટો સાથે ફૂવારા ઉછળ્યા કરે જેમ તેમ એમાં અમારા જેવા NRI માણસોને તો ના જ મઝા આવે.
જોઇએ હું આવતા વર્ષે ઇન્ડિયા જઇશ ત્યાં સુધીમાં કંઇ સુધારો થાય છે કે નહીં? સૌથી પહેલા તો Science City ની મૂલાકાતને સામાન્ય માણસ માટે affordable બનાવવાની જરૂર છે. વિધ્યાર્થીઓ માટે તો મારા મતે મફત જ હોવું જોઇએ જેથી એ લોકોનો વિજ્ઞાનમાં રસ જાગૃત થાય.
ઇન્ડિયા ડાયરી – 5 : સરકારી બેંકોથી ભગવાન બચાવે
આપણા દેશમાં કદાચ બધું સૂધરશે પણ સરકારી કામકાજ તો નહીં જ સુધરે. આ વખતે મકાનના કામકાજના લીધે અને પૈસાના મોટા વહીવટના લીધે આ સરકારી બેંકોમાં બેઠેલા સરકારી જમાઇઓ સાથે મારો પનારો પડ્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી બેંક છે પણ કામકાજના મામલામાં એટલી જ ખોટી છે. મને ખબર નથી પડતી કે કંઇ રીતે એ દેશની સૌથી વધૂ નફો રળતી બેંક છે.
આ વખતે ઘર પાસેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચના કેટલાક અનૂભવો જોરદાર રહ્યા. એક તો બેંક અંદરથી એક્દમ ગંદી ગોબરી હતી (આટલા હલકા શબ્દો પણ બહુ સારા છે બેંકના અંદરની સ્વચ્છતા વિશે). મારા ઘર પાસેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં પણ હવે ICICI બેંકની જેમ પૈસા ઉપાડવા/મૂકવા માટે ટોકન આપવાની પ્રથા હવે ચાલુ કરી છે. કોઇને લાગે કે સારુ છે ને ટોકન આપવાથી કોઇ વચ્ચે ઘૂસ ના મારે. પણ ટોકન લેવા માટે કોઇ મશીન નહોતું પણ એક ભાંગ્યા ટૂટ્યા ટેબલ પર એક ચોથી કક્ષાના બેંકના કર્મચારીને બેસાડ્યો હતો. હવે ખબર નહીં એ ટોકન આપવાવાળા ભાઇના મગજમાં શું હશે પણ એ તો પોતાની જાતને બેંકના મેનેજરથી પણ ઉપર ગણતા હતા. લોકો પર પરમ ઉપકાર કરતા હોય અને પોતાના ગજવામાંથી દાનરૂપે બધાંને પૈસા અપાવતા હોય એ રીતે બધા સાથે વર્તન કરતા હતા. આપણા જેવા ભણેલા લોકો સામે તો ટે ટુ શું કરે એ પણ જો કોઇ ચાલી વાળો, કારીગર કે નાનો માણસ હાથ આવી ગયો તો થયું એને ખખડાવી જ નાંખે. સરખી માહિતી પણ નહીં આપવની કે શું કરવાનું? કોઇ યાર તમને કંઇ પૂછે તો ખબર હોય એ પ્રમાણે શાંતિથી જવાબ આપવામાં ખબર નહીં શું જતું હશે લોકોને? ટોકન નંબરના announcement અને display માટે સુવિધા હતી તો પછી ટોકન આપવા માટે પણ એક મશીન મૂકવાનો ખર્ચો કરી દીધો હોત બેંકે તો કેટલું સારુ હોત? કમ સે કમ ટોકન આપવાવાળા પેલા હલકટ માણસના ગોદા ખાવામાંથી અભણ, મજૂર પ્રજા તો બચી જાત.
બેંકમાં કેશ કાઉન્ટર ત્રણ હતા પણ માણસ તો કાયમ કોઇ પણ બે કાઉન્ટર પર જ હોય કારણ કે કોઇ ને કોઇ કાઉન્ટરવાળા ભાઇ તો ચા પાણી કરવા ગયા જ હોય. માણસોને પૈસા આપવામાં પણ યાર કેટલી વાર કરવાની? બધાને કામ કરવાના બદલે બસ આંટાફેરા કરવા જ ગમે. એક કામ કરવા માટે પાછા ત્રણ જણ ભેગા થાય અને પાછા ત્રણ જણા ભેગા થઇને કામ તો ના જ પતાવે. એક ગોખલામાં “Customer Relationship Officer”નું સુવાળું નામ આપીને એક ભાઇને બેસાડવામાં આવ્યા હતા. એ ભાઇ જાણે ઘરમાં બેઠા હોય એમ મસ્ત શર્ટના ઉપરના બે બટન ખોલીને મોંના ગલોફામાં ગુટકા ચબાવતા હોય. કોઇ કસ્ટમર આવે તો પણ મોંમાં ભરેલા ગુટકાને લીધે વાત પણ ના થઇ શકે. હું વાત કરવા ગયો તો મારી સામે જ એમણે એમની બાજુમાં મૂકેલી પિકદાનીમાં થૂંકીને મારી સાથે વાત કરી. મને એવો ગુસ્સો આવ્યો કે સાલાને બેંકની બહાર ઢસડીને લઇ જઉ અને બે લગાવું. એક વખત એક ભાઇએ વાંધો લીધો કે કેશ આપવામાં વાર કેમ થાય છે તો કેશ કાઉન્ટરવાળા ભાઇએ કહી દીધું કે સિસ્ટમ સ્લો છે. કાઉન્ટરવાળા ભાઇએ બૂમ પાડીને મેનેજરને કીધું કે સિસ્ટમ સ્લો ચાલે છે. પત્તમ. મેનેજર સાહેબ દોડયા સર્વર restart કરવા. અડધા કલાકે સર્વર ફરી પાછું કામ કરતું થયું અને અડધા કલાક સુધી સરકારી જમાઇઓને મઝા પડી ગઇ પણ એમાં પૈસા માટે રાહ જોતી પબ્લિકની તો લેવાઇ ગઇને.
હવે સવાલ એમ થાય કે આજકાલ એટીએમની સુવિધા છે તો પછી શું કરવા બેંકમા જવાનું પૈસા ઉપાડવા. જવાબ છે મારા ઘરની આસપાસના 5 કિમીના વિસ્તારમાં બે એટીએમ છે સ્ટેટ બેંકના પણ એમાંથી એક એટીએમ તો ધનતેરસ પરથી જ રજા પર ઉતરી ગયું હતું. ત્યાં ધનતેરસથી લઇને મેં એક જ પાટિયું લટકતું જોયું હતું કે "એટીએમ બંધ છે માત્ર સ્ટેટમેન્ટ નીકળશે". (મને એમ થાય કે આ સ્ટેટમેન્ટો કાઢવા માટે એટીએમ મૂક્યા છે? પબ્લિકે ખાલી પોતાના પૈસા કાગળિયામાં લખેલા જોઇને ખુશ થવાનું?) દિવાળીના સમયે જ્યારે પબ્લિકને પૈસાની જરૂર હોય ત્યારે જ જો એટીએમ ના ચાલે તો શું કરવાનું? દિવાળી સમયે બધાંને સમયની મારામારી અને કામની દોડાદોડી રહેતી હોય ત્યારે બેકંમાંથી પોતાના પૈસા લેવા જેવા કામ માટે પણ કલાક બગાડવો પડે એ કેટલી હદે યોગ્ય છે? બીજા એટીએમમાં તો વારે ઘડીએ પૈસા જ ખાલી થઇ જાય અને હદ તો ત્યાં થાય કે બ્રાંચની બાજુનું જ એટીએમ ખટારાની જેમ બંધ પડ્યું હોય.
મને સૌથી વધૂ ગુસ્સો એ વાતનો આવે કે કોઇના મનમાં કામ કરવાની ભાવના જ ના હોય. એમ નહીં કે કોઇનું કામ હાથમાં લીધું તો ખતમ કરીએ અને એ માણસને છૂટો કરીએ. કોઇ કંઇ પૂછે તો કંઇ જવાબ સરખો નહીં આપવાનો અને પૂછનારને બેસવા માટે કહેવાનું. એ બિચારો 15-20 મિનીટ બેસે પછી એને બોલાવીને 1 મિનીટમાં રવાના કરી દેવાનો. એના કરતા પૂછે એ વખતે જ નાના કામો માટે સાચુ માર્ગદર્શન આપો તો શું વાંધો? એની 15-20 મિનીટ ના બચે? મારા PPF માં પડેલા પૈસા આપવામાં પણ એટલા જ નાટક થયા. હું પહેલા પૂછવા ગયો તો મને એક ફોર્મ આપ્યું અને કહે કે ભરીને આપો. મેં ભરીને આપ્યું તો કહે કે પાન કાર્ડની કોપી જોઇશે. એટલે મારે ઘરે ભાગવું પડ્યું પાન કાર્ડ માટે. પછી કોપી કરીને આપી તો મને કહે કે રેવન્યુ સ્ટેમ્પ જોઇશે અને એના પર સહી કરીને આપવી પડશે. એટલે મારે ભાગવું પડ્યું પોસ્ટ ઓફિસ રેવન્યુ સ્ટેમ્પ લેવા. હવે જોવા જેવી વાત એ હતી કે પોસ્ટ ઓફિસમાં પણ એક પણ રેવન્યુ સ્ટેમ્પ નહીં. બોલો કેટલી લાચારી મારી? હવે મારે ક્યાં જવાનું? મેં પછી ત્યાં પોસ્ટ ઓફિસમાં કાઉન્ટર પર બેસેલા બેનને વિનંતીના સૂરમાં કીધું કે એક જ જોઇએ છે તો જરા જુઓ હોય તો. અને પછી મારા પર ભગવાનની કૃપા થઇ અને એ બેનના હ્રદયમાં રામ વસ્યા અને મને એમણે ક્યાંકથી રેવન્યુ સ્ટેમ્પ લાવી આપી. બોલો હવે આને શું કહેવાય બેનની પરગજુતા કે એમણે મને એક રેવન્યુ સ્ટેમ્પ આપી કે પછી એ બેનનું આળસુ પણું કહેવું કે જોયા વગર જ નથી કહીને બધાંને રવાના કરી દેવાના કે પછી નાલાયકી કહેવી કે લોકોને ખાલી ખાલી હેરાન કરવાના અને પછી તમારા આગળ રોવે એટલે કામ કરવાનુ? મને મારા પૈસા ઉપાડવા માટે લોકો 2 કલાક સુધી આમ તેમ ફંગોળે રાખે એ કેટલી હદ સુધી યોગ્ય છે? જો બેંકવાળા મને ફોર્મ આપતી વખતે જ કહી દે કે ફોર્મ ભરીને પાન કાર્ડની કોપી સાથે રેવન્યુ સ્ટેમ્પ પર સહી જોઇશે તો કેટલો ટાઇમ બચે મારો? આ તો પહેલા ફોર્મ લેવા અને ત્યારબાદ ફોર્મ ભરીને આપવા માટે સાહેબના ટેબલ આગળ 15-20 મિનીટ રાહ જોવાની પછી પાન કાર્ડ લઇ આવો એટલે ફરીથી રાહ જોવાની અને પછી રેવન્યુ સ્ટેમ્પ લઇને આવું એટલે ફરી પાછી 15-20 મિનીટ રાહ જોવાની. જાણે મારે દિવસમાં એ એક જ કામ હોય.
મારે હોમ લોન લેવાની હતી ત્યારે સ્ટેટ બેંકમાંથી લેવાનો પણ વિકલ્પ હતો કારણ કે સૌથી ઓછો વ્યાજનો દર 8% સ્ટેટ બે6કનો જ છે. મમ્મીએ ફોન કરીને માણસને આવવા કહ્યું પણ એમ કંઇ માણસ આવે મળવા. છેવટે મમ્મી પોતે બેંકમાં જઇને માહિતી લાવ્યા. પણ પછી એમાં માથાકૂટ વધારે લાગી એટલે માંડી વાળ્યું. છેવટે 8.75% લેખે ICICI બેંકમાંથી લોન લીધી. ભલે 0.75% વ્યાજ વધારે જાય પણ માથાકૂટ તો નહીં. હાશ બચી ગયા.
કદાચ બધી સ્ટેટ બેંકની બ્રાંચમાં આ રીતે કામ ના પણ થતું હોય. ક્દાચ મારા નસીબમાં આવા લોકો જોડે માથા ફોડવાના લખાયા હશે. જે પણ હોય પણ એક વાત છે કે સરકારી કર્મચારી ક્યારેય કામ નહીં કરે. દેશ ચાલે છે એ તો ઉપરવાળાની કૃપાથી
. મને એમ થાય કે ઇન્ડિયામાં સરકારી કર્મચારીઓના રેઢિયાળપણાના લીધે રોજ કેટલા Manhour ફાલતુ જતા હશે. જો આ સમયનો લોકો યોગ્ય ઉપયોગ કરે તો ઇન્ડિયા વિકાસશીલ દેશ ના રહે. ખાલી 5 વર્ષમાં વિકસીત દેશ થઇ જાય.
ઇન્ડિયા ડાયરી – 4 : ધનતેરસ અને દિવાળીની પૂજા
દિવાળીમાં ઘરના બધાં ભેગા થઇએ એટલે દેખીતુ છે કે સારુ તો લાગે જ. (મમ્મી તો કાયમ એમ જ કહે છે કે દિવાળી હોય કે ના હોય પણ મારો છોકરો મારી સાથે હોય એટલે મારે દિવાળી
). દિવાળી દરમ્યાન મને સૌથી વધારે ઇંતેઝાર હોય છે ધનતેરસ અને દિવાળીની પૂજાનો. ધર્મના નામે વર્ષ દરમ્યાન રોજ સવારે ઘરેથી નીકળતા પહેલા ખાલી ભગવાનને નમન કરીને અગરબત્તી કરુ છું એટલું જ. આખા વર્ષ દરમ્યાન હું આનાથી વિશેષ ભગવાન માટે સમય નથી નિકાળતો. એટલે મને બધા સાથે મળીને authentic અને શાસ્ત્રોક્ત વિધિ મુજબની પૂજા કરવાની મઝા આવે છે. મઝા એટલે અંદરથી સારુ લાગે છે. ભગવાનની સાથે હ્રદયપૂર્વક વાત કરવાની તક મળે છે. જે પણ ભગવાને સમૃધ્ધિ અને સુખ બક્ષ્યા છે એના માટે દિલથી આભાર માનવાની તક મળે છે. સાથે સાથે ભગવાનને થોડા મસ્કા પણ મારી લેવાય કે બસ થોડું વધારે
.
આ વખતે ધનતેરસના દિવસે મારા અમદાવાદના બીજા ઘરનો દસ્તાવેજ કર્યો. આમ તો જે પ્રમાણે પ્લાનિંગ કર્યુ હતુ એ પ્રમાણે તો દસ્તાવેજ ધનતેરસ પહેલા જ થઇ જવો જોઇતો હતો પણ નસીબમાં સપરમા દિવસે જ આ શુભ કામ થવાનું લખ્યું હશે. શરૂઆતની હા… ના… લેવુ… ના લેવુ…ના વિચારો, લોન કરવાના અને બીજી નાની મોટી સમસ્યાઓ બાદ છેવટે કામ પાર પડી ગયું. દસ્તાવેજનું કામ પતાવીને બિલ્ડરને બાકીના પૈસા આપીને જેવો ઘરે આવ્યો તરત સ્નાન કરીને તૈયાર થઇને બધા સાથે હું પૂજા કરવા બેઠો. પૂજામાં ઘરમાં રહેલ ધનને પ્રતિકરૂપે મૂકવાનો શિરસ્તો છે પણ મેં મારી પાસે રહેલી લક્ષ્મીથી બિલ્ડરની તિજોરી ભરી આપી હતી આ વખતે (બિલ્ડરને ધનતેરસના દિવસે રૂપિયા મળ્યા એ વખતે એના ચહેરા પર ખુશી જોવા જેવી હતી) એટલે એના બદલામાં મળેલ દસ્તાવેજને મૂકીને પૂજા કરી. આમ પણ દર વખતે મને કંઇક નવીનતા સાથે પૂજા કરવામાં મઝા આવે (ગયા વર્ષે મારા NRE ખાતાના ડેબિટ કાર્ડની પૂજા કરી હતી) એટલે આ વખતે દસ્તાવેજ મૂકીને લક્ષ્મીમાતાને પ્રાર્થના કરી કે કરેલા રોકાણમાં સમૃધ્ધિ બક્ષજો.
છેવટે પૂજા બાદ નાના છોકરાઓને ફટાકડા ફોડાવ્યા. હું તો ફટાકડા ફોડતો નથી પણ રુહી નાની છે ત્યાં સુધી એ ફટાકડા ફોડે એનો વાંધો નથી મને. ત્યારબાદ સમૂહ ભોજન અને બધાએ સાથે બેસીને ગપસપ કરી. રાત્રે પથારીમાં હુ જ્યારે સૂતો હતો ત્યારે કંઇક achieve કર્યાનો સંતોષ હું અનૂભવી રહ્યો હતો. સાથે સાથે એમ પણ થતું હતું કે હજી ઘણું બધું બાકી છે અને એને મેળવવા માટે સમય ઓછો છે. હજી એ દિવસ જોવો છે મારે કે જે દિવસે મારા વોલેટમાંથી હજારની નોટ પણ વિચાર્યા વગર વાપરી શકીશ. સાથે અત્યારે આ ઘર માટે જે દેવું (લોન એટલે દેવું જ કહેવાય મારા માટે) કર્યુ છે એમાંથી કઇ રીતે જલ્દી બહાર આવી શકાય એ વિચારતો હતો. જો કે સૌથી વધારે સંતોષ મને એ વાતનો હતો કે બધા સાથે હતા અને દરેકના ચહેરા પર આનંદ હતો.
દિવાળીના દિવસે પણ ચોપડા પૂજન કર્યું હતું. આમ તો મારે કોઇ ચોપડા નથી રાખવાના હોતા તો પણ પ્રતિકરૂપે હિસાબની બુકનું ચોપડા પૂજન કર્યું. રુહીએ પણ બન્ને પૂજામાં ભાગ લીધો અને આરતી પણ ઉતારી.
રુહી પણ અત્યારથી લક્ષ્મીમાતાને અત્યારથી જ રિઝવવા લાગી છે. કદાચ એ પ્રાર્થના કરતી હશે કે ભગવાન હું મોટી થઉ એટલે મારી પોકેટ મનીનું બરાબર સેટિંગ કરી આપજે
. સાથે સાથે હવે દરરોજ રુહી સવારે સ્નાન કરીને બા જોડે મંદિરે જાય છે. મંદિરમાં ભોળેનાથ પર કાયમ પાણીથી અભિષેક કરીને ભોળેનાથને રિઝવવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. ભોળેનાથને પ્રાર્થના કે નાની રુહીની પ્રાર્થનાનો સ્વિકાર કરજો અને એના સારા જીવનના આશીર્વાદ આપજો. નીચે રુહીના સૂર્યનારાયણ અને પીપળાને પાણી ચઢાવતા ફોટા છે.
આ વખતે ધરમાં સિંગાપોરથી લઇ ગયેલા લાલટેન (ફાનસ) પણ લગાવ્યા હતા રોશની માટે. નીચે એનો ફોટો છે. એનાથી સરસ રોશની થઇ હતી. લોકોને ગમ્યો આ નવો પ્રયોગ.
ઇન્ડિયા ડાયરી – 3 : Ahmedabad has changed
ગયા વર્ષે જ્યારે હું ઇન્ડિયા આવેલો ત્યારે આખું અમદાવાદ ખોદાયેલું અને ધૂળિયું હતું. એ વખતે ખરેખર ખૂબ તકલીફ જેવું લાગતુ હતું. મને એમ થતું હતુ કે આ લોકો શું કરે છે? મુંબઇની જેમ અમદાવાદની પણ ખોદમખોદ કરીને વાટ તો નથી લગાવી રહ્યા ને? પણ આ વખતે આવ્યો ત્યારે મોટા ભાગના ખોદાયેલા રસ્તા પર ફ્લાય ઓવર બની ગયા છે અથવા વ્યવસ્થિત રોડ બની ગયા છે. રોડની વચ્ચે BRTS માટેનો રસ્તો અને એના સ્ટેશનો પણ તૈયાર થઇ ગયા છે. રોડ હવે પહેલા કરતા મોટા થઇ ગયા છે અને રોડની ગુણવત્તા પણ સારી છે (મુંબઇની જેમ ખાડાઓમાં રોડ નથી). ફ્લાય ઓવરના લીધે હવે ટ્રાફિકમાં અટવાયા વગર જ્યાં જવુ હોય ત્યા ફટાફટ જઇ શકાય છે. મને સર્વિસ રોડ, બે સિંગલ લેન ફ્લાય ઓવર અને વચ્ચે BRTS નો રોડ આ પ્રકારનું પ્લાનિંગ પણ ગમ્યું. આનાથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઇ જશે અને BRTS દ્વારા લોકોને એક ફાસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા પણ આપી શકાશે. (જો કે ભાડું વધારે પડતું હોવાથી BRTS હજુ એટલી લોકપ્રિય નથી થઇ) આમ થવાથી સર્વિસ રોડની આજુબાજુ રહેતા લોકોને થોડી સમસ્યા થશે કારણ કે એમને દર વખતે ફ્લાય ઓવર આગળ કે પાછળથી મેઇન રોડ પર આવવુ પડશે પણ એ કોઇ મોટી સમસ્યા ના કહેવાય મારા ખ્યાલથી.
અહીં આવીને ત્રીજા દિવસે (લગભગ ધનતેરસના દિવસે) હું સુભાષબ્રિજ થી જીવરાજ પાર્ક ગયો હતો. પહેલા તો ટ્રાફિકના લીધે આટલી મુસાફરી કરવામાં એક કલાકથી વધૂ જેટલો સમય થઇ જતો હતો પણ હવે નવા બનેલા ફ્લાય ઓવરોના લીધે હું લગભગ અડધા સમયમાં જ પહોંચી ગયો. વળી ટ્રાફિક અને પ્રદૂષણ જેવું પણ ક્યાંય લાગ્યું નહીં. એકંદરે સારો અનૂભવ રહ્યો. હજી પણ દરેક જગ્યાએ રોડ એટલા સરખા નથી થયા પણ મને લાગે છે દરેક મુખ્ય રસ્તાઓ બરાબર છે.
I think job well done, though it took much longer than my expectation.
હજી પણ મારા ઘરની સામેના ફ્લાયઓવરનું કામ કાજ 2 વર્ષ થઇ ગયા તો પણ પત્યું નથી. પૂલ આમ જોઇએ તો અમારી બાજુથી રેડી જેવો લાગે છે પણ રેલ્વે ટ્રેક પરથી હજી પૂલને ક્યારે જોડાશે એ ખબર નહીં. થોડી કામની ઝડપ વધે તો સારુ. મોદી સાહેબ કહે છે કે ખાતો નથી અને ખાવા દેતો નથી પણ જે રીતે કામ થઇ રહ્યું છે એ જોતા મોદી સાહેબ જે કહે છે એ માનવુ અઘરુ છે.
મારી નજર રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ અને ગીફ્ટેક સિટીની યોજના પર પણ છે. રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટના ભાગ રૂપે સાબરમતી નદીના પટમાં અમુક જગ્યાએ અમુક કામ થયેલું દેખાય છે પણ આ લોકો શું કરવા માંગે છે એ હજી મને સમજાતુ નથી. મને લાગે છે આ મોદી સાહેબની પંચવર્ષીય યોજનાઓ છે:). એ જ રીતે ગીફ્ટેક સિટીના પણ શું હાલ છે ખબર નહીં? મેં થોડા સમય પહેલા ઇકોનોમિક ટાઇમ્સમાં વાંચ્યું હતુ કે આ યોજના પર હજી સુધી નક્કર કામ ચાલુ થયું નથી. લાગે છે મોદી સાહેબની માયા છે બધી……
બીજું મેં એ પણ જોયું કે હવે અમદાવાદમાં મોલ કલ્ચર વધતું જાય છે. ઘણાં બધા મોલ બની ગયા છે. એમાંથી કેટલા મોલમાં લોકો કમાય છે એ તો મને ખબર નહીં પણ પબ્લિકને ફરવાની મઝા આવે છે આ બધાં મોલમાં. હું એક દિવસ ઇસ્કોન મોલ ગયો હતો ત્યારે મોટા ભાગની પબ્લિક ખાલી ફરવા માટે જ આવેલી હતી. લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે ઇસ્કોન મોલ એવું લાગે. મારી નજર સામે જ અમુક 40-50 છોકરીઓ કોઇ ગામડેથી ફરવા આવેલી હતી. escalator પર ઉભેલા એ લોકોના ચહેરા પર એક દિવ્ય આનંદ જોઇ શકાતો હતો. કંઇક એક્દમ જ નવું કરી નાંખ્યું હોય એમ એમને લાગતું હતું. ગામડાના લોકોની વાત તો જવા શહેરના લોકોને પણ હજી escalator પર જવામાં થ્રીલ લાગે છે. જે પણ હોય પબ્લિકને સારો અનૂભવ થાય છે એ વધૂ અગત્યનું છે. મને પણ ઇસ્કોન મોલ ગમ્યો. હજી પણ લોકોનું જીવનધોરણ ઉંચું આવે એવા પ્રયત્નો કરવાની જરૂર છે.
અમદાવાદની સાથે સાથે હું જ્યાં રહું છું એ સોસાયટીમાં પણ જબરદસ્ત સુધારો થઇ ગયો છે. આખી સોસાયટી જ્યાં પહેલા ધૂળ દેખાતી હતી ત્યાં હવે દરેક જગ્યાએ પથ્થર નંખાઇ ગયા છે. એટલે ચોમાસામાં કાદવકીચડ અને ગંદકીનો કોઇ પ્રશ્ન જ ના રહે. સોસાયટીની અંદર લોકોએ જેમ તેમ બાંધકામ કરીને રસ્તાઓને ગોખલા જેવા બનાવી દીધા હતા એ હવે દબાણો હટાવીને સોસાયટીની અંદર રસ્તાઓ મોટા થઇ ગયા હતા. જે રસ્તેથી પહેલા બે સ્કુટર પણ માંડ નીકળી શકે એમ હતા ત્યાંથી હવે રીક્ષા પણ જઇ શકે એટલી જગ્યા છે. સોસાયટી પહેલા કરતા બહુ ચોખ્ખી દેખાય છે. પાર્કિંગ પણ હવે એક્દમ વ્યવસ્થિત રીતે કરાય એવી જગ્યા છે. હવે દરેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ નંખાવાની છે. લાગે છે સોસાયટીની નવી વર્કિંગ કમિટી સારી અને જાગરૂક છે. મમ્મી પણ હવે સોસાયટીની કમિટીમાં કારોબારી સભ્ય છે. મને આ વાત ખૂબ જ ગમી. ખાલી વાતો કરવામાં અને બીજાની ખોદણી કરવાના બદલે આપણે જ કામ હાથમાં લઇને કરવું રહ્યું. હું અહીં RCમાં અને મમ્મી ત્યાં સોસાયટીમાં કારોબારી સભ્ય તરીકે કંઇક સારુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. વખત જતા આ દિશામાં વધારે કામ કરવું છે.
ટૂંકમાં મને આ વખતે અમદાવાદમાં ગઇ વખત કરતા ખરેખર બહુ સારુ લાગ્યું. આશા રાખું કે આવતા વર્ષે હું જઇશ ત્યારે આનાથી પણ વધારે અમદાવાદ સારુ થઇ જશે.
ઇન્ડિયા ડાયરી – 2 : FM Stations
અમદાવાદ આવીને હું જે પણ શોપિંગ મોલમાં કે દુકાનોમાં ગયો ત્યાં બધે જ રેડિયો પર જુદા જુદા FM station વાગતા હતા. આવા સંગીતમય વાતાવરણમાં મને ખરેખર શોપિંગ કરવાની મઝા આવતી હતી. મને આમ પણ રેડિયો સાંભળવો બહુ ગમે (કોલેજના જમાનામાં ફાઇલો લખતી વખતે રેડિયો વાગતો જ હોય બાજુમા. જો કે એ જમાનામાં FM station નહોતા અને ખાલી વિવિધ ભારતીથી કામ ચલાવવું પડતુ) . પછી મેં રોજ મોબાઇલ પર રાત્રે રેડિયો સાંભળવાનું શરૂ કર્યું. અમદાવાદમાં 5-6 FM station ચાલે છે એમાં રેડિયો મિર્ચી, રેડિયો સિટી, MY FM, Red FM, Radio One વગેરે મુખ્ય છે. જેમાં હું મોટા ભાગે રેડિયો સિટી, MY FM અને Red FM જ સાંભળતો હતો. પિયરનું કૂતરું પણ વ્હાલુ લાગે એ ન્યાયે ગીતો વચ્ચે RJની બકબક પણ મને તો ગમતી હતી. વળી રેડિયો પર ગીતો તો સારા સાંભળવા મળે જ સાથે સાથે interactive program પણ હતા એટલે લોકોને સાંભળવાની પણ મઝા આવતી હતી.
સિંગાપોરમાં પણ બીગ FM 96.3 રેડિયો સ્ટેશન થોડા વખતથી શરૂ થયું છે. પણ અહીંના FM station સાંભળવા જેટલી મઝા નથી આવતી. અહીંના રેડિયો સ્ટેશન પર આવતા પ્રોગ્રામની સરખામણીમાં ત્યાંના રેડિયો સ્ટેશનના પ્રોગ્રામ બહુ પછાત લાગે. વળી બીગ FM આવે સાંજે 5થી 8 વાગ્યા સુધી એટલે સાંભળવાનો પણ એટલો મેળ ના પડે. કાશ સિંગાપોરમાં પણ કોઇ સારુ FM station હોય જે 24 કલાક ચાલે તો મારી રાતો સુધરી જાય. હાલમાં તો સિંગાપોરમાં રાત્રે હું અમુક બીજા દેશોના FM station સાંભળું છું ઓનલાઇન પણ અમદાવાદના FM station ના પ્રોગ્રામ સાંભળીને જે મઝા આવે એવી મઝા નથી આવતી.
રાત્રે સૂતી વખતે આવતા લવગુરૂભાઇ, પૂરાની જીન્સ કે naughty nights જેવા પ્રોગ્રામો સાંભળીને એક્દમ relax થઇ જવાય સૂતી વખતે.
ઇન્ડિયા ડાયરી – 1 : ચાંગીથી SVP A’Port
આ વખતે પણ દિવાળી દરમ્યાન ઇન્ડિયા જઇ રહ્યો છું. ગઇ વખતે ઇન્ડિયામાં વિતાવેલા દિવસો વિશે, સારા નરસા અનૂભવો વિશે, નિરીક્ષણો, વગેરેની ઇન્ડિયા ડાયરીમાં નોંધ કરી હતી અને આ વખતે પણ એજ સિરસ્તો આગળ વધારુ છું. દરેક વખતે ઇન્ડિયા ડાયરીમાં શરૂઆત તો પ્રસ્થાનથી જ થાય. આ વખતે પણ શરૂઆત ચાંગીથી સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધીની યાત્રાની વાત જ છે.
મારા જૂના અમુક પોસ્ટમાં ચાંગી એરપોર્ટના ખૂબ વખાણ કર્યા છે અને ચાંગી એરપોર્ટ એ વખાણોને ખરેખર લાયક જ છે. મેં ચાંગીમાં departure lounge હજી પણ વ્યવસ્થિત રીતે નહોતી જોઇ એટલે આ વખતે વહેલા એરપોર્ટ પર પહોંચીને departure lounge ફરવાનુ નક્કી કર્યું અમે. અમારી ફ્લાઇટનો ટાઇમ હતો 7 વાગ્યાનો તો પણ અમે 4:30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા. મારે ફટાફટ check in કરીને departure lounge માં જવું હતુ પણ એર ઇન્ડિયાની ટિકીટ હોય અને કહાનીમાં ટવીસ્ટ ના આવે એ વિચારવુ જ મૂર્ખામીભર્યું કહેવાય. રુહીની ઇન્ફન્ટમાંથી ચાઇલ્ડ કેટેગરીમાં અપડેટ કરાવેલી ટિકીટની માહિતી સિંગાપોર એરલાઇન્સની સિસ્ટમમાં અપડેટ નહોતી થઇ. એટલે ચેક ઇન કરવામાં (જે પ્રક્રિયામાં સામાન્યત: 5-10 મિનીટ થાય) 30-40 મિનીટ થઇ ગઇ. વળી દુકાળમાં અધિક માસની જેમ ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી ચાઇનીઝ એક્ઝીક્યુટીવ પણ વધારે પડતી efficient હતી
. આખો મામલો માંડ થાળે પડ્યો ત્યાં પાછો કહાનીમાં નવો ટવીસ્ટ કે ફ્લાઇટ આખી ફૂલ થઇ ગઇ છે અને અમને ત્રણને જોડે સીટ મળી શકે એમ નથી. મે સમજાવ્યું કે રુહી અમારા વગર એકલા ના બેસી શકે માટે અમને જોડે જ સીટ મળવી જોઇએ. ત્યારબાદ આશ્વાસન મળ્યું કે અમે પ્રયત્ન કરીશું કે તમારી સીટ જોડે થઇ જાય. ત્રણેની સીટ અલગ હોય તો મુસાફરી કરવી શક્ય જ કઇ રીતે બને? આ બાબતમાં તો ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી કામગરી (કાર્યદક્ષ) ચાઇનીઝ એક્ઝીક્યુટીવે ખરેખર મારી ધીરજની પરીક્ષા લઇ નાંખી. મારા બીજા અડધા કલાકનો ભોગ લેવાઇ ગયો. કાઉન્ટર પરથી એ એક્ઝીક્યુટીવ ચેક કરીને આવુ છું એમ કહીને ગઇ પછી અડધા કલાક સુધી દેખાઇ જ નહીં. મારે છેવટે સિંગાપોર એરલાઇન્સના ચેક ઇન વિભાગના ઉપરી અધિકારીનું આ વિશે ધ્યાન દોરવું પડયું પણ એના હાથમાં પણ કઇ હતુ નહીં. છેવટે અમને ત્રણેને જોડે સીટ કરી આપી અને લગભગ 6 વાગ્યે ઇમીગ્રેશન પતાવીને હું departure lounge માં દાખલ થયો.
departure lounge એ એક અલગ જ દુનિયા લાગે. એકદમ વિશાળ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત દુનિયા. આ વખતે loungeમાં લોકોના ટાઇમપાસ માટે એક મોટા ટેબલ પર અમુક ડાઇ ગોઠવેલી હતી જેના પર કાગળ મૂકીને ચાક કલર ઘસો એટલે એ ડાઇની છાપ કાગળ પર બની જાય. પોતાની ફ્લાઇટની રાહ જોતા લોકો માટે ટાઇમપાસ કરવાનો આ સારો રસ્તો હતો. નીચે મેં બનાવેલા એક ડાઇની પ્રતિકૃતિ છે ખબર નહીં શેની પ્રતિકૃતિ છે.
જો કે એ વાત નોંધવી રહી કે આ ટાઇમપાસ કરવામાં (નીચે ફોટામાં દેખાય છે એમ) માત્ર અને માત્ર ભારતીયો જ લાગેલા હતા.
ત્યારબાદ મેં ત્યાંના ડ્યુટ્રી ફ્રી શોપની મૂલાકાત લીધી. ત્યાં liquor ની બાટલીઓ એટલી સરસ અને ધ્યાનાકર્ષક રીતે મૂકવામાં આવી હતી કે એમ જ થાય કે 4-5 બાટલી નાંખીને લઇ જઇએ ટેસડો થઇ જાય પણ આપણાથી અમદાવાદમાં આવુ લઇને ના અવાય? (જવાબ : ના અવાય. કારણ : બા ખીજાય
બુધવારની બપોરવાળા અશોકભાઇની ભાષા
) જો કે મોટા ભાગના લોકોએ 2 લિટરની (જેની છૂટ છે) બાટલીઓ લઇ જ લીધી હતી. આટલા સસ્તા ભાવમાં મસ્ત અને ઓરિજીનલ માલ મળતો હોય તો પીવાવાળા શું કરવા ના લે? હું મારી પસંદગીનો માલ અહીંથી જ્યારે સિંગાપોર પાછો ફરીશ ત્યારે લઇશ.
ત્યારબાદ અમુક ચોકલેટ શોપમાં ફરવા ગયા. સરસ મજાની ચોકલેટો હતી પણ મેં ચોકલેટો પહેલેથી જ ખરીદી લીધી હતી એટલે બીજી ચોકલેટો ખરીદવાની નહોતી. ત્યારબાદ બીજી અમુક શોપની પણ મૂલાકાત લીધી પણ ખાલી window shopping. એરપોર્ટ પરની દુકાનોમાં બધી વસ્તુઓ મોંઘી હોય એટલે આપણને ના પોષાય.
ત્યારબાદ અમારા departure gate પાસે પહોંચ્યા. હેન્ડ બેગ ચેક કરાવીને અંદર વિમાનની એકદમ નજીક પહોંચી ગયા. રુહીએ પહેલી વખત વાસ્તવિક્તામાં વિમાનને આટલી નજીકથી જોયું. એને બહુ મજા આવી. નીચે એનો બેકગ્રાઉન્ડમાં વિમાન સાથે લીધેલો ફોટો છે.
ત્યાં ઇન્ટરનેટ કીઓસ્કની પણ સુવિધા હતી જે મને ખૂબ ગમી. તમને વિમાનના દરવાજા સુધી જો બધી સવલતો મળતી હોય તો પછી શું કહેવુ? આમ એકંદરે ચાંગી એરપોર્ટ પર જે પણ થોડી રખડપટ્ટી કરી એમાં મઝા આવી.
ત્યારબાદ અમે વિમાનમાં ગોઠવાયા. આખી ફ્લાઇટમાં એક પણ સીટ ખાલી નહોતી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર અને અમેરિકાના NRI લોકોથી આખી ફ્લાઇટ ફૂલ હતી. બિચારી એર હોસ્ટેસોનો લોકોની સેવા કરી કરીને દમ નીકળી ગયો. મને પહેલી વાર એવો અહેસાસ થયો કે એર હોસ્ટેસની જોબ કેટલી thankless job છે. NRI લોકો પરદેશમાં જઇને વસે તો પણ અમુક manners તો નથી જ શીખી શકતા. એર હોસ્ટેસની ગ્લેમરસ લાગતી ઇમેજની ફ્લાઇટમાં લોકોની સેવા કરતા કેવી લેવાઇ જાય છે એ હું બરાબર સમજી ગયો.
રુહીન ફ્લાઇટમાં 5:30 કલાક શાંતિમય રીતે એક સીટ પર બેસાડી રાખવી એ ભગીરથ પ્રયત્ન હતો. જેવી In flight entertainment service ચાલુ થઇ તરત જ એના ટીવી સેટ પર કાર્ટૂન ચેનલ ચાલુ કરી આપી એટલે થોડો સમય નીકળી ગયો. ત્યારબાદ જ્યુસ પીવડાવ્યો અને થોડો નાસ્તો કરાવ્યો. થોડી એની સાથે ધમાલ કરી અને જમાડી. પછી એને શાલ ઓઢાડીને હા…લા… કરાવી. એને પણ એકંદરે મઝા આવી.
મેં ફ્લાઇટમાં "કમ્બખ્ત ઇશ્ક"મૂવી જોયું. 2 કલાકનો વ્લગર અત્યાચાર. કોઇ પણ સેન્સ વગરનું મૂવી. બોલીવૂડમાં 90% મૂવી અત્યાચાર જેવા જ બને છે. (જતી વખતે "વેક અપ સીડ" જો જોવા મળે તો કામ થઇ જાય
) છેવટે નિયત સમય કરતા 15 મિનીટ પહેલા અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આખી ફ્લાઇટ ફૂલ હતી એટલે માનસિક રીતે તૈયારી તો હતી જ કે બહાર નિકળવામાં ટાઇમ તો લાગશે જ. રન વે પરથી બસ અમને ઇમીગ્રેશન કાઉન્ટર સુધી તો મૂકી ગઇ પણ વધૂ લોકોની સંખ્યાને લીધે મોટા ભાગના લોકોને ઓફિસ બહાર રોડ પર ચાંદનીમાં ઉભું રહેવુ પડ્યું. નાના છોકરાઓ હોય કે ઘરડા માણસો દરેકને રોડ પર લાઇનમાં ઉભા રહેવાનું (થોડું વધારે પડતુ ના કહેવાય?). વળી રોડ પર જે લોકોની લાઇન થઇ હતી એની બાજુમાંથી જ ખુલ્લી ગટર લાઇનો પોતાની દિવ્ય સુગંધ પ્રસરાવતા હતા. સ્વાભાવિક છે અમારા ચોખ્ખા NRI નાકોને આવી ગંદી સુગંધોની સૂગ ચઢે અને એટલે NRI લોકોએ ટાઇમપાસ કરવા “India Bashing” ચાલુ કરી દીધું. જો કે મને લાગે છે કે આ બાબતમાં “India Bashing” યોગ્ય હતું. મોદી સાહેબ જાપાન, કોરિયા અને સિંગાપોરથી ઇન્વેસ્ટરોને બોલાવે અને પછી એમને રોડ પર ઉભા રખાવી ખુલ્લી ગટર લાઇનોનો અનૂભવ કરાવે એ યોગ્ય તો નથી જ. યાદ રાખવું રહ્યું કે first impression is last impression. રોડ પરથી અંદર ગયા બાદ અમારા શરીરનું તાપમાન લેવાયુ. કમ્પાઉન્ડર કમ ડોક્ટર જેવા 2-3 લોકો સામાન્ય સવાલ કરીને લોકોને જવા દેતા હતા. આ રીતે થયેલું સ્વાઇન ફ્લૂનું ચેકીંગ કેટલી હદે કાર્યદક્ષ છે એ કહેવું મૂશ્કેલ છે પણ સાવધાની વર્તાય છે એ પણ ઘણું છે. 4-5 ઇમીગ્રેશન કાઉન્ટર પરથી આખી ફ્લાઇટના પેસેન્જરોને કલીઅર કરવાના હતા. ઇમીગ્રેશન કાઉન્ટરો પર કામ થાય એકદમ બાપૂશાહીથી અને તુમાખી સાથે. સ્માઇલ સાથે ખાલી ગ્રીટ કરી પોતાનું કામ કરવામાં ખબર નહીં એ ઇમીગ્રેશન કાઉન્ટર પર બેઠેલા લોકોનું શું લૂટાઇ જતુ હશે? પણ આ બધું ક્લિયર કરીને જ્યારે સામાન લેવા પહોંચ્યા ત્યારે ખરી ધમાલ મચી હતી. એક તો કન્વેયર બેલ્ટ એકદમ નાનો અને એકનો એક સામાન જ ફરતો રહેતો હતો. લોકો હેરાન પરેશાન અને બૂમાબૂમ. મારે તો ખાલી 5.5 કલાકની જર્ની હતી એટલે હું બહુ થાક્યો નહોતો પણ જે લોકો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકાથી આવતા હોય એમની થાકના લીધે કેવી હાલત થાય? મને સામાન મેળવતા મેળવતા લગભગ અડધો કલાક જેટલો સમય થઇ ગયો. બહારથી આવનારા કોઇ પણ માણસ એરપોર્ટ પરથી એક ઇમ્પ્રેશન લઇને જાય છે એટલે મોદી સાહેબે ખરેખર હવે એરપોર્ટને આધુનિક કરવા વિશે વિચારવું જ રહ્યું.
એરપોર્ટની બહાર તો વળી વધારે બૂમરાણ. એટલી પબ્લિક હતી કે બિચારી સિક્યુરીટી અને પોલીસના માણસોની પણ વાટ લાગેલી હતી. એક એક માણસને લેવા માટે મારા ખ્યાલથી ઓછામાં ઓછા 4-5 માણસો આવ્યા હશે (મને લેવા 6 જણ આવેલા
) અંદર સામાન લેવામાં અને ઇમીગ્રેશન ક્લિયર કરવામાં એટલી વાર થઇ ગઇ કે બહાર ઉભેલી પબ્લિકની ધીરજ પણ ના રહે. મારી સામાનની ટ્રોલી લઇને આગળ વધવાની પણ બહાર જગ્યા નહોતી. એમાં જો પોતાનું કોઇ દેખાઇ ગયું તો બૂમાબૂમ "એ ભઇલા અહીંયા… અહીંયા…" કે પછી "એ મામા આયા…….." વગેરે વગેરે. હું માંડ માંડ બહાર નીકળતો હતો તો પણ વચ્ચે 2-3 જણા હાથ પકડીને મને રોકી લીધો પૂછવા કે સિંગાપોરની ફ્લાઇટમાં જ હું આવ્યો કે કેમ? હવે એ લોકોને શું કહેવું કે ભાઇ અમદાવદના કહેવાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગણીને 4-5 ફ્લાઇટ ડાયરેક્ટ ઇન્ડિયા બહારથી આવે છે અને એ ટાઇમે બીજી કોઇ ફ્લાઇટ નથી હોતી.
જો કે આ બધી અગવડો એક તરફ પણ સ્વજનોને મળવાનું સુખ અને ઇન્ડિયામાં આવવાનું સુખ એક તરફ. લાઇનમાં ઉભેલા દરેક NRIની વાતોમાં એક પ્રકારનો આનંદ હતો ઇન્ડિયા આવવાનો. દરેકના પ્લાનિંગ હતા. કોઇના નાના છોકરાઓ કે ટાબરિયાઓ પહેલી વાર ઇન્ડિયા આવી રહ્યા હતા એટલે માતા પિતા બધુ સમજાવી રહ્યા હતા કે બધુ બતાવી રહ્યા હતા. દરેકના ખાવા-પીવાના, હરવા ફરવાના અને શોપિંગના પ્લાનિંગ હતા. NRI થઇ ગયા પછી ઇન્ડિયામાં આવીને રૂપિયા વાપરવા થોડા ઓછા આકરા લાગે. વળી અમુક વસ્તુઓની ખરીદીનું પ્લાનિંગ કે ખાવા પીવાના કાર્યક્રમો ઇન્ડિયા બહાર થઇ જ ના શકે. એટલે બધાને મજા કરવી હતી.
બસ આ બધા નિરીક્ષણો કરીને એરપોર્ટ પરથી બધા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું.
Paa
છેલ્લા કેટલાક સમયથી હું બીગ બી બચ્ચન સાહેબનો બ્લોગ વાંચુ છું. વાંચવાની મઝા આવે છે અને બીગ બી પણ બ્લોગના વાચકો તરફ સારો એવો સમય અને પ્રેમ દાખવે છે. એટલા માટે જ બીગ બી એ Paa ફિલ્મનો પ્રિવ્યુ પોતાના બ્લોગ પર મિડીયાની સાથે જ પોતાના FmXt માટે મૂક્યો હતો. પ્રિવ્યુ જોયા પછી થોડા સમય માટે તો મને ખબર જ ના પડી કે મેં આ શું જોયું. બીગ બી મારી સામે હોત તો હું ચરણોમાં જ પડી ગયો હોત. Auro ના પાત્રમાં બીગ બી છે એ પહેલા ખબર જ ના પડી.
મિડીયા તો Paa નો પ્રિવ્યુ જોઇને એકદમ અભિભૂત થઇ ગઇ છે. બીગ બી એ મિડીયાના અમુક પ્રતિભાવો મૂક્યા છે બ્લોગ પર જે ખરેખર વાંચવા જેવા છે. સિંગાપોરમાં આ મૂવીને થિયેટરમાં જઇને જોવાનું અત્યારે તો નક્કી કરી લીધું છે.


લોકોના અભિપ્રાયો