Time to recharge

NRI માણસ માટે Recharge થવા માટે સૌથી ઉત્તમ સ્થાન ક્યુ હોય? મારો જવાબ છે ઇન્ડિયા. વર્ષ દરમ્યાન ગમે તેટલા મનગમતા અને સારા સ્થળોમાં વેકેશન કરો પણ માદરેવતન જેવું કશું ના હોય. ઇન્ડિયામાં સગા સંબંધીઓને અને મિત્રોને મળવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, મોજ મઝા કરવાની અને ડોલરના ત્રાસથી છૂટીને ડોલરમાં કરેલી કમાણીને રૂપિયામાં વાપરવાની મજા અનેરી છે. આ મારા માનવુ છે.

છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે હું દિવાળીમાં અમદાવાદ વેકેશન કરવા ગયો છું પણ આ વખતે પહેલી વાર NRI season એટલે કે ડિસેમ્બરમાં ઇન્ડિયા જઇ રહ્યો છું. દર વખતે લગભગ 3-4 અઠવાડિયા માટે ઇન્ડિયા આવુ છું પણ આ વખતે માત્ર 10 દિવસના સમય માટે ઇન્ડિયા આવવાનું સુખ સાંપડ્યું છે. પણ 10 દિવસ તો 10 દિવસ આ મજાને છોડી શકાય એમ નથી. 17મી ડિસેમ્બરે 8:45 વાગ્યે મુંબઇ પહોંચીશ અને 27મી તારીખે લગભગ આ જ સમયે વિમાનમાં પૂરાઇને ઉડતો ઉડતો સિંગાપોર ચાંગી એરપોર્ટ પર મારા પગ ઘસડતો ઘસડતો પાછો આવી જઇશ. ચાંગી એરપોર્ટ પર જે રીતે પગ ઘસડતો હું પાછો આવુ છું દર વખતે એ જોઇ ખરેખર મને મારી દયા આવતી હોય છે. પણ ડોલર આગળ રૂપિયા કાયમ હારી જાય છે. એ વખતે કાયમ એમ લાગ્યા કરતુ હોય છે કે પાછલી જીંદગી સારી બનાવવાની લ્હાયમાં હું મારા આજને કુરબાન કરતો રહુ છું. જે પણ હોય પણ ધીરે ધીરે આ વિચાર વમળ અને ઇમોશનલ અત્યાચાર ઠંડો પડતો જાય છે અને ફરીથી જીવનની ઘરેડમાં આવી જતો હોઉ છું. કદાચ આનું જ નામ જીંદગી છે. જે છે એની કદર નથી હોતી અને જે નથી એની પાછળ દુ:ખી થતા હોઇએ છીએ.

આ વખતે પાછા આવીને એક નવી ચેલેન્જ લેવાની છે અને એ છે મારા અન્નદાતા બદલવાની 🙂 (એટલે કે નોકરી બદલવાની). યોકોગાવા કે જેણે મને 4.5 વર્ષ સહન કર્યો (જો કે હકીકત જે લખ્યું એનાથી વિરુધ્ધ છે :)) એને બાય બાય કરવાનું ફરમાન આપી દીધું છે અને નવા વર્ષથી નવા અન્નદાતા સાથે શ્રી ગણેશ કરવાના છે. એટલે આ વખતે ઇન્ડિયામાં બરાબર બેટરી ચાર્જ કરવાની છે એટલે આવીને તરત નવી ચેલેન્જને ન્યાય આપી શકાય. નોકરીમાં બદલાવ સાથે જીંદગીમાં પણ થોડો બદલાવ આવશે જે જરૂરી હતો.

તો પછી પાછા આવીને ઇન્ડિયામાં થયેલા અનૂભવો વિશે રોજનીશીમાં “ઇન્ડિયા ડાયરી” વિભાગમાં બીજા પાના ઉમેરીશ.

NRIs can vote soon….

આજના ટાઇમ્સમાં મેં સમાચાર વાંચ્યા કે મનમોહન સરકાર ભારતમાં યોજાનારી હવે પછીની સામાન્ય ચૂંટણીઓમાં NRI લોકો માટે પણ મતદાનની સુવિધા આપવાનું વિચારે છે.

NRIs can vote soon

આ ખરેખર ખૂબ આવકારવાલાયક પગલું છે. કરોડો NRI લોકો જે ભારત બહાર રહીને પણ ભારતીય દિલને પોતાના હ્રદયમાં ધબકતું રાખે છે એમના માટે આ આનંદની વાત છે. મારા જેવા લોકો જે હજી સુધી ક્યારેય મત નથી આપી શક્યા એ કદાચ હવે મત આપી શકશે.

Thanks MMS.

ઇન્ડિયા ડાયરી – 1 : ચાંગીથી SVP A’Port

આ વખતે પણ દિવાળી દરમ્યાન ઇન્ડિયા જઇ રહ્યો છું. ગઇ વખતે ઇન્ડિયામાં વિતાવેલા દિવસો વિશે, સારા નરસા અનૂભવો વિશે, નિરીક્ષણો, વગેરેની ઇન્ડિયા ડાયરીમાં નોંધ કરી હતી અને આ વખતે પણ એજ સિરસ્તો આગળ વધારુ છું. દરેક વખતે ઇન્ડિયા ડાયરીમાં શરૂઆત તો પ્રસ્થાનથી જ થાય. આ વખતે પણ શરૂઆત ચાંગીથી સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધીની યાત્રાની વાત જ છે.

મારા જૂના અમુક પોસ્ટમાં ચાંગી એરપોર્ટના ખૂબ વખાણ કર્યા છે અને ચાંગી એરપોર્ટ એ વખાણોને ખરેખર લાયક જ છે. મેં ચાંગીમાં departure lounge હજી પણ વ્યવસ્થિત રીતે નહોતી જોઇ એટલે આ વખતે વહેલા એરપોર્ટ પર પહોંચીને departure lounge ફરવાનુ નક્કી કર્યું અમે. અમારી ફ્લાઇટનો ટાઇમ હતો 7 વાગ્યાનો તો પણ અમે 4:30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા. મારે ફટાફટ check in કરીને departure lounge માં જવું હતુ પણ એર ઇન્ડિયાની ટિકીટ હોય અને કહાનીમાં ટવીસ્ટ ના આવે એ વિચારવુ જ મૂર્ખામીભર્યું કહેવાય. રુહીની ઇન્ફન્ટમાંથી ચાઇલ્ડ કેટેગરીમાં અપડેટ કરાવેલી ટિકીટની માહિતી સિંગાપોર એરલાઇન્સની સિસ્ટમમાં અપડેટ નહોતી થઇ. એટલે ચેક ઇન કરવામાં (જે પ્રક્રિયામાં સામાન્યત: 5-10 મિનીટ થાય) 30-40 મિનીટ થઇ ગઇ. વળી દુકાળમાં અધિક માસની જેમ ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી ચાઇનીઝ એક્ઝીક્યુટીવ પણ વધારે પડતી efficient હતી :). આખો મામલો માંડ થાળે પડ્યો ત્યાં પાછો કહાનીમાં નવો ટવીસ્ટ કે ફ્લાઇટ આખી ફૂલ થઇ ગઇ છે અને અમને ત્રણને જોડે સીટ મળી શકે એમ નથી. મે સમજાવ્યું કે રુહી અમારા વગર એકલા ના બેસી શકે માટે અમને જોડે જ સીટ મળવી જોઇએ. ત્યારબાદ આશ્વાસન મળ્યું કે અમે પ્રયત્ન કરીશું કે તમારી સીટ જોડે થઇ જાય. ત્રણેની સીટ અલગ હોય તો મુસાફરી કરવી શક્ય જ કઇ રીતે બને? આ બાબતમાં તો ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી કામગરી (કાર્યદક્ષ) ચાઇનીઝ એક્ઝીક્યુટીવે ખરેખર મારી ધીરજની પરીક્ષા લઇ નાંખી. મારા બીજા અડધા કલાકનો ભોગ લેવાઇ ગયો. કાઉન્ટર પરથી એ એક્ઝીક્યુટીવ ચેક કરીને આવુ છું એમ કહીને ગઇ પછી અડધા કલાક સુધી દેખાઇ જ નહીં. મારે છેવટે સિંગાપોર એરલાઇન્સના ચેક ઇન વિભાગના ઉપરી અધિકારીનું આ વિશે ધ્યાન દોરવું પડયું પણ એના હાથમાં પણ કઇ હતુ નહીં. છેવટે અમને ત્રણેને જોડે સીટ કરી આપી અને લગભગ 6 વાગ્યે ઇમીગ્રેશન પતાવીને હું departure lounge માં દાખલ થયો.

departure lounge એ એક અલગ જ દુનિયા લાગે. એકદમ વિશાળ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત દુનિયા. આ વખતે loungeમાં લોકોના ટાઇમપાસ માટે એક મોટા ટેબલ પર અમુક ડાઇ ગોઠવેલી હતી જેના પર કાગળ મૂકીને ચાક કલર ઘસો એટલે એ ડાઇની છાપ કાગળ પર બની જાય. પોતાની ફ્લાઇટની રાહ જોતા લોકો માટે ટાઇમપાસ કરવાનો આ સારો રસ્તો હતો. નીચે મેં બનાવેલા એક ડાઇની પ્રતિકૃતિ છે ખબર નહીં શેની પ્રતિકૃતિ છે.

IMAG0201

 

 

 

 

 

 

 

જો કે એ વાત નોંધવી રહી કે આ ટાઇમપાસ કરવામાં (નીચે ફોટામાં દેખાય છે એમ) માત્ર અને માત્ર ભારતીયો જ લાગેલા હતા. 🙂

                                                                        IMAG0199

ત્યારબાદ મેં ત્યાંના ડ્યુટ્રી ફ્રી શોપની મૂલાકાત લીધી. ત્યાં liquor ની બાટલીઓ એટલી સરસ અને ધ્યાનાકર્ષક રીતે મૂકવામાં આવી હતી કે એમ જ થાય કે 4-5 બાટલી નાંખીને લઇ જઇએ ટેસડો થઇ જાય પણ આપણાથી અમદાવાદમાં આવુ લઇને ના અવાય? (જવાબ : ના અવાય. કારણ : બા ખીજાય 🙂 બુધવારની બપોરવાળા અશોકભાઇની ભાષા :)) જો કે મોટા ભાગના લોકોએ 2 લિટરની (જેની છૂટ છે) બાટલીઓ લઇ જ લીધી હતી. આટલા સસ્તા ભાવમાં મસ્ત અને ઓરિજીનલ માલ મળતો હોય તો પીવાવાળા શું કરવા ના લે? હું મારી પસંદગીનો માલ અહીંથી જ્યારે સિંગાપોર પાછો ફરીશ ત્યારે લઇશ. 🙂

ત્યારબાદ અમુક ચોકલેટ શોપમાં ફરવા ગયા. સરસ મજાની ચોકલેટો હતી પણ મેં ચોકલેટો પહેલેથી જ ખરીદી લીધી હતી એટલે બીજી ચોકલેટો ખરીદવાની નહોતી. ત્યારબાદ બીજી અમુક શોપની પણ મૂલાકાત લીધી પણ ખાલી window shopping. એરપોર્ટ પરની દુકાનોમાં બધી વસ્તુઓ મોંઘી હોય એટલે આપણને ના પોષાય.

IMAG0202

ત્યારબાદ અમારા departure gate પાસે પહોંચ્યા. હેન્ડ બેગ ચેક કરાવીને અંદર વિમાનની એકદમ નજીક પહોંચી ગયા. રુહીએ પહેલી વખત વાસ્તવિક્તામાં વિમાનને આટલી નજીકથી જોયું. એને બહુ મજા આવી. નીચે એનો બેકગ્રાઉન્ડમાં વિમાન સાથે લીધેલો ફોટો છે.

ત્યાં ઇન્ટરનેટ કીઓસ્કની પણ સુવિધા હતી જે મને ખૂબ ગમી. તમને વિમાનના દરવાજા સુધી જો બધી સવલતો મળતી હોય તો પછી શું કહેવુ? આમ એકંદરે ચાંગી એરપોર્ટ પર જે પણ થોડી  રખડપટ્ટી કરી એમાં મઝા આવી.

IMAG0205                       IMAG0204  

ત્યારબાદ અમે વિમાનમાં ગોઠવાયા. આખી ફ્લાઇટમાં એક પણ સીટ ખાલી નહોતી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર અને અમેરિકાના NRI લોકોથી આખી ફ્લાઇટ ફૂલ હતી. બિચારી એર હોસ્ટેસોનો લોકોની સેવા કરી કરીને દમ નીકળી ગયો. મને પહેલી વાર એવો અહેસાસ થયો કે એર હોસ્ટેસની જોબ કેટલી thankless job છે. NRI લોકો પરદેશમાં જઇને વસે તો પણ અમુક manners તો નથી જ શીખી શકતા. એર હોસ્ટેસની ગ્લેમરસ લાગતી ઇમેજની ફ્લાઇટમાં લોકોની સેવા કરતા કેવી લેવાઇ જાય છે એ હું બરાબર સમજી ગયો.

રુહીન ફ્લાઇટમાં 5:30 કલાક શાંતિમય રીતે એક સીટ પર બેસાડી રાખવી એ ભગીરથ પ્રયત્ન હતો. જેવી In flight entertainment service ચાલુ થઇ તરત જ એના ટીવી સેટ પર કાર્ટૂન ચેનલ ચાલુ કરી આપી એટલે થોડો સમય નીકળી ગયો. ત્યારબાદ જ્યુસ પીવડાવ્યો અને થોડો નાસ્તો કરાવ્યો. થોડી એની સાથે ધમાલ કરી અને જમાડી. પછી એને શાલ ઓઢાડીને હા…લા… કરાવી. એને પણ એકંદરે મઝા આવી.

મેં ફ્લાઇટમાં "કમ્બખ્ત ઇશ્ક"મૂવી જોયું. 2 કલાકનો વ્લગર અત્યાચાર. કોઇ પણ સેન્સ વગરનું મૂવી. બોલીવૂડમાં 90% મૂવી અત્યાચાર જેવા જ બને છે. (જતી વખતે "વેક અપ સીડ" જો જોવા મળે તો કામ થઇ જાય :)) છેવટે નિયત સમય કરતા 15 મિનીટ પહેલા અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આખી ફ્લાઇટ ફૂલ હતી એટલે માનસિક રીતે તૈયારી તો હતી જ કે બહાર નિકળવામાં ટાઇમ તો લાગશે જ. રન વે પરથી બસ અમને ઇમીગ્રેશન કાઉન્ટર સુધી તો મૂકી ગઇ પણ વધૂ લોકોની સંખ્યાને લીધે મોટા ભાગના લોકોને ઓફિસ બહાર રોડ પર ચાંદનીમાં ઉભું રહેવુ પડ્યું. નાના છોકરાઓ હોય કે ઘરડા માણસો દરેકને રોડ પર લાઇનમાં ઉભા રહેવાનું (થોડું વધારે પડતુ ના કહેવાય?). વળી રોડ પર જે લોકોની લાઇન થઇ હતી એની બાજુમાંથી જ ખુલ્લી ગટર લાઇનો પોતાની દિવ્ય સુગંધ પ્રસરાવતા હતા. સ્વાભાવિક છે અમારા ચોખ્ખા NRI નાકોને આવી ગંદી સુગંધોની સૂગ ચઢે અને એટલે NRI લોકોએ ટાઇમપાસ કરવા “India Bashing” ચાલુ કરી દીધું. જો કે મને લાગે છે કે આ બાબતમાં “India Bashing” યોગ્ય હતું. મોદી સાહેબ જાપાન, કોરિયા અને સિંગાપોરથી ઇન્વેસ્ટરોને બોલાવે અને પછી એમને રોડ પર ઉભા રખાવી ખુલ્લી ગટર લાઇનોનો અનૂભવ કરાવે એ યોગ્ય તો નથી જ. યાદ રાખવું રહ્યું કે first impression is last impression. રોડ પરથી અંદર ગયા બાદ અમારા શરીરનું તાપમાન લેવાયુ. કમ્પાઉન્ડર કમ ડોક્ટર જેવા 2-3 લોકો સામાન્ય સવાલ કરીને લોકોને જવા દેતા હતા. આ રીતે થયેલું સ્વાઇન ફ્લૂનું ચેકીંગ કેટલી હદે કાર્યદક્ષ છે એ કહેવું મૂશ્કેલ છે પણ સાવધાની વર્તાય છે એ પણ ઘણું છે. 4-5 ઇમીગ્રેશન કાઉન્ટર પરથી આખી ફ્લાઇટના પેસેન્જરોને કલીઅર કરવાના હતા. ઇમીગ્રેશન કાઉન્ટરો પર કામ થાય એકદમ બાપૂશાહીથી અને તુમાખી સાથે. સ્માઇલ સાથે ખાલી ગ્રીટ કરી પોતાનું કામ કરવામાં ખબર નહીં એ ઇમીગ્રેશન કાઉન્ટર પર બેઠેલા લોકોનું શું લૂટાઇ જતુ હશે? પણ આ બધું ક્લિયર કરીને જ્યારે સામાન લેવા પહોંચ્યા ત્યારે ખરી ધમાલ મચી હતી. એક તો કન્વેયર બેલ્ટ એકદમ નાનો અને એકનો એક સામાન જ ફરતો રહેતો હતો. લોકો હેરાન પરેશાન અને બૂમાબૂમ. મારે તો ખાલી 5.5 કલાકની જર્ની હતી એટલે હું બહુ થાક્યો નહોતો પણ જે લોકો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકાથી આવતા હોય એમની થાકના લીધે કેવી હાલત થાય? મને સામાન મેળવતા મેળવતા લગભગ અડધો કલાક જેટલો સમય થઇ ગયો. બહારથી આવનારા કોઇ પણ માણસ એરપોર્ટ પરથી એક ઇમ્પ્રેશન લઇને જાય છે એટલે મોદી સાહેબે ખરેખર હવે એરપોર્ટને આધુનિક કરવા વિશે વિચારવું જ રહ્યું.

એરપોર્ટની બહાર તો વળી વધારે બૂમરાણ. એટલી પબ્લિક હતી કે બિચારી સિક્યુરીટી અને પોલીસના માણસોની પણ વાટ લાગેલી હતી. એક એક માણસને લેવા માટે મારા ખ્યાલથી ઓછામાં ઓછા 4-5 માણસો આવ્યા હશે (મને લેવા 6 જણ આવેલા :)) અંદર સામાન લેવામાં અને ઇમીગ્રેશન ક્લિયર કરવામાં એટલી વાર થઇ ગઇ કે બહાર ઉભેલી પબ્લિકની ધીરજ પણ ના રહે. મારી સામાનની ટ્રોલી લઇને આગળ વધવાની પણ બહાર જગ્યા નહોતી. એમાં જો પોતાનું કોઇ દેખાઇ ગયું તો બૂમાબૂમ "એ ભઇલા અહીંયા… અહીંયા…" કે પછી "એ મામા આયા…….." વગેરે વગેરે. હું માંડ માંડ બહાર નીકળતો હતો તો પણ વચ્ચે 2-3 જણા હાથ પકડીને મને રોકી લીધો પૂછવા કે સિંગાપોરની ફ્લાઇટમાં જ હું આવ્યો કે કેમ? હવે એ લોકોને શું કહેવું કે ભાઇ અમદાવદના કહેવાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગણીને 4-5 ફ્લાઇટ ડાયરેક્ટ ઇન્ડિયા બહારથી આવે છે અને એ ટાઇમે બીજી કોઇ ફ્લાઇટ નથી હોતી.

જો કે આ બધી અગવડો એક તરફ પણ સ્વજનોને મળવાનું સુખ અને ઇન્ડિયામાં આવવાનું સુખ એક તરફ. લાઇનમાં ઉભેલા દરેક NRIની વાતોમાં એક પ્રકારનો આનંદ હતો ઇન્ડિયા આવવાનો. દરેકના પ્લાનિંગ હતા. કોઇના નાના છોકરાઓ કે ટાબરિયાઓ પહેલી વાર ઇન્ડિયા આવી રહ્યા હતા એટલે માતા પિતા બધુ સમજાવી રહ્યા હતા કે બધુ બતાવી રહ્યા હતા.  દરેકના ખાવા-પીવાના, હરવા ફરવાના અને શોપિંગના પ્લાનિંગ હતા. NRI થઇ ગયા પછી ઇન્ડિયામાં આવીને રૂપિયા વાપરવા થોડા ઓછા આકરા લાગે. વળી અમુક વસ્તુઓની ખરીદીનું પ્લાનિંગ કે ખાવા પીવાના કાર્યક્રમો ઇન્ડિયા બહાર થઇ જ ના શકે. એટલે બધાને મજા કરવી હતી.

બસ આ બધા નિરીક્ષણો કરીને એરપોર્ટ પરથી બધા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું.

Back in debt

આવતા મહિને ઇન્ડિયાની ટ્રીપ વખતે અમદાવાદમાં ઘર લેવાનું નક્કી કર્યું છે.  આજ કાલ અમદાવાદમાં પણ મકાનના ભાવ એટલા વધી ગયા છે કે મારા જેવા NRI ને પણ લોન લીધા સિવાય છૂટકો નથી. આ માટે ઇન્ડિયામાં બધી બેંકો સાથે માથાકૂટ કર્યા પછી ICICI bank પાસેથી 8.75% ના દરે હોમ લોન લેવાનું નક્કી કર્યું છે. ઇન્ડિયામાં હોમ લોનના વ્યાજના દર બહુ વધારે છે અને Personal loanના વ્યાજ દર વિશે તો કહેવા જેવું જ નથી. જો કે સિંગાપોરમાં વ્યાજના દર બહુ ઓછા છે. પહેલા મેં સિંગાપોરમાં 0% કે interest free લોનની જાહેરાતો જોઇ હતી. એટલે થયું કે ચાલો તપાસ કરી જોઇએ આવું કઇ છે ખરેખર કે પછી સરસ જાહેરાતો માત્ર છે. એટલે આજ સવારથી જ હું અલગ અલગ બેંકોમાં આ વિશે તપાસ કરવા ભમવા લાગ્યો. DBS, CITI, Stan Chart, OCBC વગેરે બેંકોમાં હું  ફર્યો પણ બધે પર્સનલ લોન માટે વ્યાજનો દર હતો 6.5 – 7.5%ની આસપાસ અને એ પણ reducing balance પર નહીં એટલે પછી એમ લાગ્યું કે આના કરતા તો 8.75% એ ઇન્ડિયામાં લોન લેવી સારી પડે. છેવટે મને balance transfer યોજના વિશે માહિતી મળી. એમાં lપૈસા આપનાર બેંક તમને તમારા ખાતામાં તમને જોઇતી રકમ જમા કરી આપે જે તમારે 3 – 6 – 9 – 12 મહિનાના સમયમાં બેંકને પાછી ભરપાઇ કરી આપવાની. કોઇ પણ વ્યાજ નહીં આપવાનું ખાલી જુદા જુદા સમયગાળા પ્રમાણે અમુક processing fee ચૂકવવાની. જો 3 મહિનાનો સમય લો તો ખાલી 1.5% ફી, 6 મહિનાનો સમય લો તો 2.0% અને 12 મહિનાનો સમય લો તો 4% ફી ચૂકવવાની. બસ આનાથી રૂડું બીજું શું હોઇ શકે? મેં 6000 ડોલર (લગભગ 2 લાખ રૂપિયા) 6 મહિનાના સમયગાળા માટે લીધા. મારે processing fee  (અથવા વ્યાજ જે ગણો તે) તરીકે ચૂકવવાના ફક્ત 2% એટલે કે 120 ડોલર (લગભગ 4000 રૂપિયા). બે લાખ રૂપિયા 6 મહિના માટે ફક્ત 2% વ્યાજ ભરી મળી શકતા હોય તો મારે ઇન્ડિયાથી 8.75% એ શું કરવા પૈસા લેવા? ટૂંકમાં સવારના 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કરેલી મારી મહેનત આજે ફળી અને આખરે 2 લાખ રૂપિયા પર 6.75% વ્યાજ બચાવી લીધું. જો કે આ પ્રકારની લોનમાં થોડું રિસ્ક પણ છે જો લોન 6 મહિનામાં ભરપાઇ ના કરી શક્યા તો દર મહિને 2% વ્યાજ ભરવું પડે અને બચાવેલું બધું જતું રહે. 🙂 6 મહિનામાં 6000 ડોલર ભરવા એ મારા માટે ચેલેન્જ તો છે જ પણ લાગે છે પહોંચી વળાશે.

આ સાથે જ હું ફરીથી બેંકનો દેવાદાર થઇ ગયો. વળી આ વખતે હું ઇન્ડિયા અને સિંગાપોર બન્ને જગ્યાએ બેંકનો દેવાદાર થઇશ. (આ મ તો આ સિધ્ધિ કહેવાય નહીં?) મુંબઇમાં મકાન લેતી વખતે જ્યારે (જીવનમાં પહેલી વખતે) 10 લાખની લોન લીધી હતી ત્યારે મને બહુ ચિંતા થતી કે આ દેવું કઇ રીતે પૂરું થશે પણ આ વખતે દેવાદાર થવાની મને એટલી ચિંતા નથી થતી. (કદાચ હવે હું રીઢો દેવાદાર થઇ ગયો છું :)) અત્યારે એમ લાગે છે કે ભરાઇ જશે લોન બસ ખાલી નોકરી સલામત રહેવી જોઇએ. 🙂

to be or not to be….

One of my friend cum colleague here read my last post on YSR. My this friend just gave up his blue passport and opted for the red one i.e. He gave up his Indian citizenship and took Singapore citizenship. (According to data of  Indian embassy in Singapore , this year so far 1100+  Indian citizens have opted to give up their citizenship in favor of Singapore’s citizenship.) While discussing that post with my friend, I was just telling him that how insecure the common man is in India. Reacting on that my friend said, “Yeah… that’s problem with your country”. Though he tried to tone down his words under humor but whatever he said is correct. I was wondering how secure he must be feeling being a citizen of Singapore.

My friend was born and brought up in India and he very well knows the situation back home. He obviously has an attachment towards India but he also has concerns for his family and life as well. Many NRIs ask this question to themselves everyday like is it good to get emotional (and return to India)  and give up a good lifestyle they are currently having? It is a personal call and depends on person. Sometimes emotions wins sometimes looses. The same fight also starts in my mind as well sometimes but as of now emotions keep winning.  🙂

P. S. :

Those who read this don’t see this as NRI bashing India. I still have high regards for my motherland and just trying to put what’s going on in NRI’s mind.

મારે મત આપવો છે….

આજે આ કબૂલાત કરતા હું શરમ અનુભવું છું કે મારી 31 વર્ષની જીંદગીમાં મેં હજી સુધી ક્યારેય ભારતના નાગરિક તરીકે મતદાન નથી કર્યું. મતાધિકાર મેળવ્યા બાદ કેટલીક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ ગઇ પણ આજ સુધી ક્યારેય મતદાન નથી કરી શક્યો. મતદાન ન કરી શકવા પાછળ મારે બેદરકારી કે આળસ નહીં પણ સંજોગો જવાબદાર છે. મારા પગે તો મેં જ્યારથી નોકરી ચાલુ કરી ત્યારથી પૈડા જ લાગેલા છે એટલે ફરતો જ રહ્યો છું. એવું ક્યારેય નથી બન્યું કે હું ચૂંટણી દરમ્યાન અમદાવાદમાં હોઉ અને મારી આળસ કે કામની વ્યસ્તતાને લીધે મેં મતદાન ના કર્યું હોય. મોટા ભાગનો સમય હું બહાર જ રહેતો હતો અને અમુક વખત પ્રમાણિક પ્રયત્નો કરવા છતાં પણ હું મત આપવા માટેની મારી પ્રાથમિક ફરજ પૂરી નથી કરી શક્યો. હવે તો હું ઇન્ડિયામાં છું નહીં એટલે ક્દાચ આ સપનું પૂરું થશે કે નહીં ખબર નહીં.

મારા જેવા જો કે ઘણાં લોકો હશે જે એક યા બીજા કારણોસર અને સંજોગોના લીધે મતદાન નહીં કરી શક્યા હોય. આવા જ એક વ્યક્તિ છે શશી થરૂર. શશી થરૂર વર્ષોથી ભારતનું પ્રતિનિધિત્વ સંયુક્ત રાષ્ટ્રસંધમાં કરતા આવ્યા છે. હાલમાં તેઓ કેરાલામાં તિરૂવનન્તપુરમ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.તેઓએ ગઇકાલે યોજાયેલા પહેલા તબક્કાના મતદાનમાં પહેલી વાર ભારતના નાગરિક તરીક મતદાન કર્યું હતું. આ માહિતી શશી થરૂરે ખૂદ પત્રકારોને મતદાન કર્યા બાદ આપી હતી. એમના કહ્યા મુજબ તેઓ 21 વર્ષના હતા ત્યારથી જ ભારતની બહાર હતા એટલે ક્યારેય ચૂંટણીમાં મત નહોતા આપી શક્યા. ( આ નિવેદન મેં આજે સવારે ઝી ન્યુઝ પર જોયું હતું એટલે સાચું ખોટું તો શશી થરૂર અથવા તો ઝી ન્યુઝ જ જાણે).

શશી થરૂરે તો ભારતીય નાગરિક તરીકેની પોતાની મૂળભૂત ફરજ પૂરી કરી દીધી પણ મારા જેવા કેટલાય લોકો કે જે વિદેશમાં છે અને હજી વાદળી પાસપોર્ટ જ રાખે છે એ લોકો ક્યારેય મત આપી શકશે કે નહીં એ ખબર નથી. હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન. આર. આઇ પ્રજા માટે પણ ઓનલાઇન મતદાનની સુવિધા આપે.અમેરિકાની સરકાર દુનિયા ભરમાં વસેલા પોતાના નાગરિકોને આ દેશની બહાર રહીને પણ મતદાનની સુવિધા આપે છે તો ભારત સરકાર શા માટે નહીં. જો એન. આર. આઇને પણ મતદાનનો અધિકાર મળે તો મારા ખ્યાલથી ચૂંટણીના પરિણામ અને પરિમાણ બન્ને બદલાઇ જાય. એન. આર. આઇ. ભારતીયો જાતિવાદને બાજુમાં મૂકીને વિકાસશીલ ઉમેદવારને જ મત આપે અને આમ થાય તો લાલુ, મુલ્લા અમરસિંહ, પાસવાન, પવાર, રાજ ઠાકરે જેવા ઘણાં તકસાધુઓની દુકાન બંધ થઇ જાય.

ગઇકાલના ચૂંટણીના પ્રથમ તબક્કામાં એવરેજ 60% જેવું મતદાન થયું. ખૂબ જ સારું કહેવાય મારા મતે. હિંસા અને ગુંડાગીરી તો થઇ જ પણ લોકોએ આળસ ખંખેરી દેશ અને પોતાના ભવિષ્ય ઘડવા માટે પોતાનો સમય આપ્યો એ જોઇ આનંદ થયો.

ઇન્ડિયા ડાયરી – પ્રસ્થાન

આ વખતે પણ દિવાળી કરવા માટે સહકુટુંબ ઇન્ડિયા જઇ રહ્યા છે. આ સિઝન ભારતમાં દિવાળી સાથે સાથે NRI સિઝન પણ હોય છે. દિવાળીના દિવસોમાં દુનિયાભરના દેશોમાં વસતા ભારતીયો જલસા કરવા માટે ઇન્ડિયામાં આવી જાય છે. સિંગાપોરથી આવતી વખતે અમારી ફ્લાઇટમાં એક પણ સીટ ખાલી નહોતી એનું કારણ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના બધાં ભારતીય મૂળના રહેવાસીઓ પોતાની લાંબી મુસાફરીને સિંગાપોરમાં બ્રેક કરીને ઇન્ડિયાની પહોંચે છે.

આપણા ગુજરાતી ભાઇઓ આમ પણ પહેલેથી ડાહ્યા હોય છે અને વળી NRI થઇ ગયા પછી તો પૂછવું જ શું? ડહાપણની દાઢ જ ફૂટી નીકળે. દરેકને સાચી સલાહ દિલથી વગર માંગ્યે મફતમાં જ આપતા ફરે. વળી ઇન્ડિયાના વિશે ઘસાતું બોલવું એ NRI માટે તો એક ફેશન ગણાય. અમારે ત્યાં આમ અને ઇન્ડિયામાં તો આવું એ વાત તો લગભગ દર બે પાંચ વાક્યોમાં એક તો હોય જ. આવા જ કેટલાક અનુભવો જણાવું છું.

અમે જ્યારે સિંગાપોરથી ફ્લાઇટનું બોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે કોઇ કારણસર એકસાથે બે ફ્લાઇટોનું એક સાથે બોર્ડિંગ થઇ રહ્યું હતું. આથી થોડી ભીડ વધી ગઇ અને બોર્ડિંગમાં ટાઇમ લાગવા લાગ્યો. તરત એક અનૂભવી સજ્જને નિવેદન આપી દીધું કે આ લોકોમાં કોઇ બુધ્ધિ જેવું છે જ નહીં. આ તો બકવાસ સિસ્ટમ છે અમારે ત્યાં તો આવું ના હોય. ફટાફટ બધું કામ પતી જાય. હવે એ ભાઇને કોણ સમઝાવે કે સિંગાપોરના ચાંગી એરપોર્ટને દુનિયાના સૌથી સારા એરપોર્ટમાં ગણવામાં આવે છે અને એરપોર્ટને પેસેન્જર હેન્ડલિંગ અને કાર્યદક્ષતા માટે ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. જે માણસ સિંગાપોરના ચાંગી એરપોર્ટ વિશે આવું વિચારતા હોય તો ખબર નહીં અમદાવાદ એરપોર્ટના ઇમીગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સ વિશે શું કીધું હશે?

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ધૂળ જોઇને લોકો અમદાવાદ અને ઇન્ડિયા વિશે ઘસાતું બોલવાનું ચાલુ… કેટલી ધૂળ છે….. કેટલી લાઇનો છે… કોઇ વ્યવસ્થા જેવું નામ જ નથી. ઇન્ડિયા કોઇ દિવસ આગળ નહીં વધી શકે. વગેરે વગેરે….

એક વાત એ પણ છે કે NRI જે ઇન્ડિયાની બહાર જાહેર જીવનમાં discipline સાથે જીવતો હોય અને Sorry, thank you વાતવાતમાં બોલતો હોય છે એ ઇન્ડિયા આવીને એક્દમ બદલાઇ જાય છે. જો કદાચ એ discipline સાથે જીવવા પણ માંગતો હોય તો પણ કદાચ સંજોગો અને લોકો એને એમ નથી કરવા દેતા. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ એટલી ભીડ હતી કે સામાન લઇને બહાર આવેલા લોકો માંડ માંડ ભીડમાંથી બહાર નીકળી શકતા હતા. એમાં કોઇક વળી પોતાના સ્વજનને મળવા વળી ખૂબ આતુર હતું તો એમણે ભીડમાં પોતાના સ્વજનને લાઇનમાં બહાર આવતા જોઇને સલાહ પણ આપી દીધી કે “હવે ઘૂસ મારો લાઇનમાં તુ તો હવે ઇન્ડિયામાં છે… અહીં તો આવું બધું જ ચાલે….” બસ આ મેન્ટાલિટી જ આપણા ઇન્ડિયાને ડૂબાડે છે…..

%d bloggers like this: