Tryst with Android – week 2

ફેબ્લેટ વપરાશનું બીજું અઠવાડિયું. અમુક સારા અને અમુક ખરાબ પાસાઓનો અનૂભવ થયો.

1. “Widget” એ એન્ડ્રોઇડનું સૌથી સબળ પાસું છે. બહાર વરસાદ વરસતો હોય અને ફોનની સ્ક્રીન પર રીમઝીમ વરસાદ દેખાય અને દરિયો હિલોળા લેતો હોય તો જોવાની કેવી મજા આવે. (Real time weather simulation). જો કે હજી સુધી જોઇએ એવા સારા "Widget" મળ્યા નથી. ટ્વીટર, ફેસબુક અને email માટેના એકદમ બકવાસ Widget છે. જો કોઇ સારા Widget કોઇના ધ્યાનમાં હોય તો જણાવવા વિનંતી. ખાસ તો ઇ મેઇલ માટે કોઇ સારી app અથવા Widgetની જરૂરિયાત છે. iPhoneમાં જે રીતે યાહુ, જીમેઇલ, હોટમેઇલ બધાં ખાતાના મેઇલ એક જ appમાંથી જોઇ શકાય એવી કોઇ સારી વ્યવસ્થા એન્ડ્રોઇડમાં મળે તો મઝા આવે.

2. સેમસંગ નોટ્સની મોટી સ્ક્રીન પર વેબ બ્રાઉઝીંગની અને વાંચવાની મજા આવે છે. મને ઇ-બુક કે ઇ-મેગેઝીન વાંચવા નથી ગમતા પણ ફોનની મોટી સ્ક્રીન પર આ વખતનું “India Today” બે દિવસમાં વાંચી નાંખ્યું. બીજા અમુક મેગેઝીન પણ ડાઉનલોડ કર્યા છે જે સમયની અનૂકુળતા પ્રમાણે વાંચતો રહીશ.

3. સેમસંગ નોટ્સની સૌથી ખરાબ વાત છે બેટરી લાઇફ. જો કે અમુક sync દૂર કર્યા પછી બેટરી લાઇફમાં થોડો સુધારો થયો છે. જો કે બેટરી લાઇફ કરતા પણ ખરાબ છે બેટરી ચાર્જ કરવા માટે લાગતો સમય. AC ચાર્જમાં પણ ફોનને ચાર્જ કરતા 2-3 કલાક લાગી જાય છે અને જો USB ચાર્જ કરો તો પૂરો ફોન ચાર્જ કરતા 6-7 કલાકથી પણ વધૂ લાગી જાય. ટૂંકમાં P A T H E T I C… આ બાબતે iPhone એકદમ ચઢિયાતો છે.

4. ICS4.0 અપડેટ સેમસંગ નોટ્સ માટે શરૂ થઇ ગઇ છે. એ વિશે વધૂ માહિતી અહીં છે. બહુ જલ્દી આ અપડેટ સિંગાપોરમાં મળી જવી જોઇએ. જો કે આ અપડેટથી બહુ વધૂ ફરક પડે એમ લાગતું નથી. આજે જ સેમસંગની ફર્મવેર અપડેટ આવી હતી એને ઇન્સટોલ કરી પણ એ અપડેટમાં શું ફેરફાર છે એની કોઇ રિલીઝ નોટ નથી. ઘણું શોધવા છતાં વેબ પર પણ રિલીઝ નોટ નથી મળી.

 

અત્યાર સુધીના વપરાશ પછી એવું લાગે છે કે iPhone જેવી Reliability અને User Friendlyness હજુ એન્ડ્રોઇડમાં નથી.

Advertisements

Tryst with Andorid

આખરે 2-3 મહિનાના મનોમંથન બાદ આજે Phablet (i.e. Phone cum Tablet Smile ) સેમસંગ નોટસ ફોન ખરીદી લીધો. આમ જોવા જઇએ તો બીજો પણ મારા અંગત વપરાશ માટે આ પહેલો એન્ડ્રોઇડ ફોન છે. આઇ ફોન પર iOS વાપર્યા બાદ એન્ડ્રોઇડ સાથે સેટ થતા થોડો સમય લાગશે એમ લાગે છે. સૌથી ખરાબ વાત જો એન્ડ્રોઇડની કોઇ હોય તો એ છે એમાં ગુજરાતી (અને બીજી ભારતીય ભાષાઓ) વાંચી નથી શકાતી. નીચે મારા બ્લોગનો ફોન પર દેખાતો સ્ક્રીન શોટ છે.

SC20120319-233227એક અક્ષર વંચાય એમ નથી ગુજરાતીનો. જો કે આ સમસ્યાની ફોન લેતા પહેલા ખબર હતી તેમ છતાં પણ એન્ડ્રોઇડનો શોખ પૂરો કરવા માટે આ જોખમી પગલું ભર્યું છે. અમુક લોકોનું કહેવું છે કે ફોનને ROOT કરીને અમુક ચેડા કરવાથી ગુજરાતી વાંચી શકાય છે. જો કે હું મારા HTC Wildfire S ને છેલ્લા બે અઠવાડિયાથી ROOT કરવા મથી રહ્યો છું પણ BootLoader Unlock કરવાથી આગળ હજુ નથી વધી શક્યો. S-On ફોનને પહેલા મારે S-Off કરવો પડશે અને એ કંઇ રીતે થાય એ દુનિયામાં હજુ સુધી કોઇને ખબર નથી લાગતી 🙂 જો કોઇ આ બાબતે મદદ કરી શકે એમ હોય તો જણાવવા વિનંતી.

લોકોના કહેવા મુજબ સેમસંગના ફોનને ROOT કરવામાં બહુ વાંધો નહીં આવે પણ હજુ સુધી ફોનને મચેડવાનું શરૂ નથી કર્યું.

 

 

 

સેમસંગ નોટસ ફોનની છેલ્લા બે કલાકમાં નોંધેલી સારી ખરાબ બાબતો :

1. ફોનની સ્ક્રીન સાઇઝ 5.3" છે એટલે કે આમ જોવા જઇએ તો મીની ટેબ્લેટ જેટલી સાઇઝ જ કહેવાય. Display એકદમ ચકચકાટ લાગે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મઝા આવશે.

2. iPhoneમાં ખાટલે મોટી ખોટ flash playerની હતી પણ હવે એન્ડ્રોઇડમાં એ સમસ્યા નહીં રહે.

3. કેમેરા પણ સારો છે. કેટલા મેગા પિક્સલ છે એ ખબર નહીં પણ ફોટા સારા આવે છે. વળી front કેમેરા પણ છે એટલે વધૂ એક સુવિધા રહેશે.

4. ફોનમાં "S Pen”ની સુવિધા છે એટલે કે એક stylus આપેલું છે જેનાથી તમે સ્ક્રીન પર જે કરવું હોય એ કરી શકો છો. જો કે મને આ stylusની હજી સુધી કોઇ જરૂર નથી લાગી.  આજથી 3-4 વર્ષ પહેલા વિન્ડોઝ મોબાઇલ માટે હું stylus વાપરતો હતો કારણ કે એ વખતે ટચ સ્ક્રીન બહુ પ્રચલિત નહોતી. આજના SIRIના જમાનામાં stylusની મને બહુ જરૂર લાગતી નથી. જો કે આ ફોન પણ voice command થકી ગુગલ સર્ચ કરી આપે છે.

5. USBથી ફોનનું ચાર્જીંગ બહુ ધીમું છે. કલાકથી ફોન ચાર્જ થઇ રહ્યો છે છતાં 10% બેટરી પણ હજુ સુધી ચાર્જ નથી થઇ.

6. ફોનમાં સેમસંગની ઘણી બધી એપ્લિકેશનો મફતમાં પધરાવી દેવામાં આવી છે. ધીરે ધીરે સાફ સફાઇ ફોનની કરવી પડશે.

અને છેલ્લે To DO :

1. એન્ડ્રોઇડ interface સાથે સેટ થવું.

2. ફોનની સાફ સફાઇ કરીને ફોનનો મહત્તમ efficiency સાથે ઉપયોગ કરી શકાય એ રીતે ફોનને સેટ કરવો.

3. ફોન પર ગુજરાતી વાંચવા માટે શું કરી શકાય એ વિશે શોધખોળ શરૂ કરવી. હવે થોડા સમય માટે કદાચ આ કામ મારી જીંદગીનું મકસદ બની જશે. જો કોઇ ભલા જીવને આ વિશે જાણકારી હોય તો જણાવવા વિનંતી.

નવી ખરીદી : Thinkpad E420

ગયા અઠવાડિયે સિંગાપોરમાં ચાર દિવસ માટે PC Show નં આયોજન થયું હતું. (આ જ વિષય પર પહેલા પણ અહીં લખ્યું હતું.) PC Showમાં એક જ છત નીચે બધી ઇલેક્ટ્રોનીક વસ્તુઓ મળી રહે છે. આ શો દરમ્યાન ભાવમાં થોડી છૂટછાટ હોય છે. ભાવમાં છૂટછાટ તો ઠીક છે પણ સાથે સાથે ઘણી બધી મફતની વસ્તુઓ i.e. Freebies ખરીદી સાથે મળતી હોય છે જેમ કે સામાન્યત: વસ્તુ સાથે એક વર્ષની વોરંટી મળતી હોય છે પણ અહીંથી ખરીદી કરો તો ઘણી વખત 3 વર્ષ સુધીની વોરંટી મળે અથવા તમે નોટબુક ખરીદો તો એની સાથે 2-4 જીબી મેમરી અથવા 200-300 જીબી વધારાની હાર્ડ ડીસ્કનું અપગ્રેડ મફતમાં મળી જાય, કેમેરા ખરીદો તો લેન્સની ક્લિનીંગ કીટથી માંડીને વધારાના મેમરી કાર્ડ વગેરે મફતમાં મળે,વગેરે વગેરે… આ Freebies જ મારા મતે આ શોનું મુખ્ય જમા પાસુ છે.

સિંગાપોરમાં ટેકનોલોજી બહુ ઝડપથી આવી જાય છે અને બહુ ઝડપથી ગાયબ પણ થઇ જાય છે. એનું કારણ છે કે અહીંના લોકો ગાંડા છે ગેઝેટો અને ટેકનોલોજી પાછળ. અહીંના બચ્ચા બચ્ચા પાસે હાથમાં iPhone4 (iPhone 3G કે iPhone 3G S નહીં) હોય છે. iPad હોવું એ અહીં બહુ મોટી વાત નથી. CRT ટીવી કે પ્લાઝમા ટીવી તો અહીં શોધે પણ જડે એમ નથી. LCD ટીવીના પણ હવે અહીં વળતા પાણી છે. ડિજીટલ કેમેરા કરતા લોકો DSLR વધૂ વાપરે છે. જ્યારે પણ આવા શો થાય ત્યારે પબ્લિક અહીં ભરી ભરીને બદલાતી ટેકનોલોજી પ્રમાણે વસ્તુઓ ખરીદતા હોય છે. આ વખતે લોકોએ ઢગલાબંધ LED TV ખરીદ્યા છે. (ફક્ત 700 સિંગાપોર ડોલરમાં 32" LED TV) આજ કાલ સિંગાપોરનો ડોલર પણ મજબૂત છે એટલે વસ્તુ પહેલા કરતા સસ્તા ભાવમાં પડે છે.

હવે જ્યારે આવા લોભામણા શો થતા હોય તો આપણને પણ ટેકનોલોજી પ્રમાણે અપગ્રેડ થતા રહેવાનું મન થાય. છેલ્લા કેટલાક વખતથી મારુ નોટબુક સાજુ માંદુ રહેતું હતું. એની બેટરી તો ચાલતી જ નહોતી અને હમણાં હમણાં એના કી બોર્ડમાં પણ લોચા થયા હતા. મારા નોટબુકની ત્રણ વર્ષની વોરંટી પતી ગઇ છે એટલે હવે નોટબુકની બિમારી પાછળ મારે મારા ડોલર ખર્ચીને એની દવા કરાવવી પડતી હતી અને અહીં સિંગાપોરમાં કોઇ વસ્તુને રીપેર કરાવવી એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે એવી હાલત છે. એટલે પછી વિચાર્યું કે નવું નોટબુક જ લઇ લઇએ. ટેકનોલોજી પ્રમાણે અપગ્રેડ થઇ જાય નોટબુક અને વોરંટીની પણ માથાકૂટ નહીં. નોટબુક કયું લેવું એ વિશે કશું નક્કી નહોતું. એટલે પછી ગયા શનિવારે શોમાં જઇને સર્વે કરી આવ્યો અને રવિવારે જઇને ખરીદી લીધું નવું નોટબુક.

મેં મારુ હાલનું નોટબુક 2900 સિંગાપોર ડોલરમાં લીધું હતું એ જ પ્રકારનું ThinkPad નોટબુક શોમાં 1600 સિંગાપોર ડોલરમાં હતું. 700 ડોલરથી માંડીને 2000-3000 સિંગાપોર ડોલર સુધીના નોટબુક હતા. મારુ હાલનું નોટબુક એ Thinkpadનું બિઝનેસ મોડેલ છે અને મને બિઝનેસ મોડલનો જ ચસ્કો છે એટલે પછી નક્કી કર્યું કે નવું નોટબુક પણ બિઝનેસ નોટબુક કેટેગરીનું જ લેવું. છેવટે મેં પસંદગી ઉતારી Thinkpad E420 પર. આ નોટબુક એ Thinkpadનું entry levelનું બિઝનેસ મોડેલ છે. વળી એનો દેખાવ પણ મને ગમે એવો છે. i5 પ્રોસેસર – 6 GB RAM, 500 GB હાર્ડ ડીસ્ક, Windows 7 Professional – 64 bit,બીજી મફતિયા ગીફ્ટો અને 50 સિંગાપોર ડોલરના વાઉચર. Total Damage – 1200 સિંગાપોર ડોલર.

e420-earth-friendly-business

હવે નવા નોટબુકને વાપરવા માટે તૈયાર કરી રહ્યો છું. આ વખતે Lenovoનું નોટબુક મારો સારો સાથ આપશે એવી આશા રાખું.

TIME – A Scarce Resource

આજ કાલ સમયની બહુ મારામારી છે. ફ્રેંચ શીખવાનું ચાલુ કર્યું છે એટલે ઘણો બધો સમય એમાં ચાલ્યો જાય છે. સાથે સાથે ઓફિસમાં પણ હવે પહેલા જેવો નવરાશનો સમય મળતો નથી. દિવસના અંતે થાકીને અધૂરા રહી ગયેલા કામો અને અરમાનોનો ખરખરો કરીને સૂઇ જવાનું. જે કામો હું છેલ્લા કેટલાય સમયથી નથી કરી શક્યો એની યાદી નીચે છે :

 • પહેલા લગભગ રોજ રાત્રે ઓનલાઇન રેડિયો અથવા પસંદગીના ગીતો સાંભળતો હતો હવે આ પ્રવૃત્તિ સદંતર બંધ થઇ ગઇ છે કારણ કે ફ્રેંચ શીખવાનું અને સંગીત સાંભળવાનું બન્ને કામ સાથે ના થઇ શકે.
 • છેલ્લા એક મહિનાથી આઇ ફોન વાપરું છું પણ હજી સુધી એની બધી સવલતોનો ઉપયોગ નથી કરી શક્યો. હજી પણ ઇયરપીસ ફોનના ખોખામાં જ પડ્યા છે. iTunesમાં હજી પણ ખાંખાખોળા કરવાના બાકી છે. ગયા અઠવાડિયે iPhone OS4.0 વિશેનો લાઇવ પ્રોગ્રામ પણ ના જોઇ શક્યો. (સોરી હો સ્ટીવ ભાઇ, માઠું ના લગાડતા 🙂 )
 • ઘરે ઘણાં બધાં મૂવી અને કાર્યક્રમો સેટ ટોપ બોક્ષમાં રેકોર્ડ કરીને રાખેલા છે પણ એ જોવાનો સમય નથી મળતો. નવા મૂવી ઓનલાઇન જોવાનું તો વિચારી શકાય એમ જ નથી.
 • ફ્રેંચ ક્લાસીસના લીધે હવે RC મિટીંગમાં પણ નથી જઇ શકાતું કારણ કે RC મિટીંગ ગુરૂવારે હોય છે અને ગુરૂવારે ક્લાસ પણ હોય છે. આ ગુરૂવારે પણ Indian resident activity groupની મિટીંગ છે પણ ક્લાસના લીધે નહીં જઇ શકાય. જાહેર જીવનમાં પ્રવેશ કરવાના મારા અરમાનોનું બાળ મરણ થઇ રહ્યું હોય એમ લાગે છે.
 • ટેકનીકલ વાંચવાનું અને નવું શીખવાનું તો 2 મહિનાથી સદંતર બંધ જ થઇ ગયું છે. ઘણી બધી વસ્તુઓ નવી આવતી રહે છે પણ ઘરે શાંતિથી બેસીને એને સમજવાનો કે શીખવાનો સમય નથી કારણ કે ઘરે નિરાંતના સમયમાં હવે ફ્રેંચ શીખવાનું કામ ચાલે છે.
 • ઇત્તર વાંચન એટલે કે સામાયિકો, નોવેલ, ઇતિહાસ, બાયોગ્રાફી જેવું વાંચવાનું સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. લાયબ્રેરીમાંથી ઘણા સમયથી કોઇ પુસ્તક/સામાયિક જ નથી લીધું.
 • બ્લોગ લખવા માટે પણ સમય નથી મળતો. જેના લીધે પ્રબુધ્ધ વાંચકગણ મારી વિચારધારા જાણવાથી વંચિત રહી જાય છે.:) (જો કે Twitter/Facebook થકી microblogging ચાલુ છે.)
 • છેલ્લા કેટલાય વખતથી મીની વેકેશન માટે પ્લાનિંગ કરું છું પણ એ પ્લાનિંગ પૂરું થતું જ નથી. હવે લાગે છે જૂન કે જુલાઇમાં વેકેશનનો મેળ પડશે.

મને કોઇક વખત એવો પણ અહેસાસ થાય છે કે હું સમયને સારી રીતે વાપરતો નથી. Time Managementના મોર્ચે મારે થોડું શીખવાની જરૂર છે એમ લાગે છે પણ Time Management કર્યા બાદ પણ ઉપરની પરિસ્થિતિમાં બહુ ફરક પડે એમ લાગતું નથી.

સિંગાપોર આજ કાલ

  • સિંગાપોરમાં હવે ભીડભાડ વધતી જાય છે. સવારે તમે ઘરેથી નીકળો એટલે પબ્લિક ટ્રાંસપોર્ટમાં ભીડનો બરાબર અનૂભવ થઇ જાય. ગયા અઠવાડિયે મારે સિટી હોલથી પીક અવર્સમાં પાછા આવવા માટે ટ્રેન પકડવાનું થયું. પહેલા પ્રયત્ને હું અસફળ રહ્યો અને બીજા પ્રયત્ને પણ હું માંડ માંડ સફળ થયો. થોડા વખત પહેલા જ્યુરોંગથી આવવાનું થયું હતું ત્યારે જ્યુરોંગ સ્ટેશન પર ચાર લેયરમાં લોકોની ભીડ હતી ટ્રેનમાં ચડવા માટે. મુંબઇ જેવી જ સ્થિતિ હવે અહીં પણ થઇ રહી છે. અહીં ફક્ત એક વાત સારી છે કે ટ્રેનના દરવાજા બંધ હોય છે એટલે કે લોકો મુંબઇની ટ્રેનોની જેમ લટકીને નથી જઇ શકતા એટલે અકસ્માત થવાનો ભય નથી રહેતો. બસ સર્વિસની પણ આમ જ હાલત છે. હું થોડા વખત પહેલા સવારના 6:30 વાગ્યે બસમાં જવા નીકળ્યો હતો તો પણ સવારના પણ આખી બસ ભરેલી હતી અને બસ કેપ્ટનને બૂમો પાડીને લોકોને અંદર ધકેલવા પડ્યા હતા.
  • સિંગાપોરની સરકાર હવે અહીંના નાગરિકોને વ્હાલા કરવામાં લાગી છે. સિંગાપોર સરકાર હવે રેસિડન્ટ લોકોને અપાતી સવલતો પર કાપ મૂકીને એ ફાયદો સિટીઝન લોકોને આપવાની કવાયત કરી રહી છે. રેસિડન્ટ લોકો માટે હવે મેડીકલ સારવાર મોંધી થઇ રહી છે. શાળાની ફીમાં પણ 2011થી વધારો થઇ રહ્યો છે. આમ જોવા જઇએ તો આ પ્રકારનો ભેદભાવ અમુક હદથી વધારે યોગ્ય નથી. જો આમ જ ચાલુ રહેશે તો સિંગાપોરમાં કોઇ આવીને રહેવાનું પસંદ નહીં કરે. સિંગાપોર પશ્ચિમી દેશોની જેમ સારી લાઇફ સ્ટાઇલ અને કમાણી આપી શકવા સક્ષમ નથી અને એમાં પણ જો સરકારની આવી નીતિઓના લીધે કમાણી કરતા ખર્ચા વધી જશે તો કોણ સિંગાપોર આવવાનું પસંદ કરશે? જો કે અહીંની સરકારનું આમ કરવા પાછળ કારણ છે અને એ કારણ છે કે નજીકના ભવિષયમાં અહીં ચૂંટણીઓ યોજાવાની છે એટલે સિટીઝન લોકો કે જેમના મત લેવાના છે એમને વ્હાલા કર્યા સિવાય છૂટકો નથી. (કાગડા બધે કાળા જ છે નહીં? 🙂 )
  • સિંગાપોરનો સૌ પ્રથમ કેસિનો આ રવિવારથી ખૂલી રહ્યો છે. સિંગાપોરમાં નજીકના ભવિષ્યમાં 2 integrated resorts ચાલુ થઇ રહ્યા છે. સેન્ટોસા રિસોર્ટ મહદ અંશે ખૂલી ગયો છે. કેસિનો સાથે સાથે થીમ પાર્ક અને યુનિવર્સલ સ્ટુડિઓ પણ ચાલુ થઇ રહ્યા છે. મને લાગે છે સિંગાપોર વિશ્વ કક્ષાએ Tourist City તરીકે નંબર 1 બનવા તરફ આગળ વધી રહ્યું છે. પર્યટનની દર્ષ્ટિએ જોઇએ તો અહીં બધું જ છે. કેસિનો છે, શોપિંગ experience છે, F1 race છે, થીમ પાર્ક છે, મ્યુઝિયમો છે, થોડા ઘણા અંશે નાઇટ લાઇફ પણ છે. મને લાગે છે કે perfect tourist destination. મારે હજી રિસોર્ટની મૂલાકાત લેવાની બાકી છે. હું હજી રાહ જોઇ રહ્યો છું કે એક વાર બધું ખૂલી જાય એટલે મૂલાકાત લઉં.
  • આજ કાલ સિંગાપોરમાં हर ऐरा गैरा नथ्थु खेरा પાસે iPhone આવી ગયો છે. 500 ડોલરમાં લગભગ અનલિમિટેડ ડેટા પેકજના પ્લાન સાથે iPhone મળતો હોય તો એકદમ મસ્ત deal કહેવાય. અહીંની ટેલ્કો કંપનીઓના ગજવા iPhone ના લીધે ભરાઇ ગયા છે. હું જે ટેલ્કો કંપનીની સર્વિસ હું વાપરું છું એણે 2009માં 320 મિલીયન ડોલરનો નફો કર્યો છે. iPhoneએ ખરેખર બધાંના ગજવા ભરી આપ્યા.

Craze for iPhone

ગયા અઠવાડિયા સુધી સિંગાપોરમાં ફક્ત SingTel પાસે જ iPhone વેચી શકવાનો એકાધિકાર હતો. પણ હવે બાકીના બે સર્વિસ પ્રોવાઇડર Starhub અને M1 પણ iPhone વેચી શકે છે. એટલે ત્રણે કંપનીઓ વચ્ચે હવે ગ્રાહકોને ખેંચવા માટે તીવ્ર હરિફાઇ શરૂ થઇ છે. આ તીવ્ર હરિફાઇના કારણે ગ્રાહકોને થોડો ફાયદો તો થવાનો જ છે. વળી આ વખતે લોકોમાં પણ iPhone ખરીદવાનો જબરદસ્ત ક્રેઝ છે.

iPhone rush as plans are matched

હવે ત્રણ કંપનીઓ સ્પર્ધામાં છે એટલે ડેટા પેકેજ બહુ સસ્તા થઇ ગયા છે. ફક્તા 38 સિંગાપોર ડોલરના ડેટા પેકેજમાં

  અઠવાડિયા પહેલા આજ પેકેજમાં ફક્તા 500 MB ડેટા પેકેજ SingTel આપતું હતું. 38 ડોલરમાં ખાલી પહેલા 500 MB ડેટા કેટલું મોંધું પડે અને હવે કેટલું સસ્તું. જો કે હજુ પણ iPhone ખરીદવા માટે આપવાની રકમ મને થોડી વધારે લાગે છે.

3G – 8 GB         – 388 S$

3Gs- 16 GB       – 538 S$

3Gs – 32 GB     – 668 S$

હું પણ વિચારું છું કે iPhone લઇ લઉં. આમ પણ અહીં iPhone જેવા સ્માર્ટ ફોનનો પૂરેપૂરો ઉપયોગ થઇ શકે એમ છે અને મને પણ થોડો ક્રેઝ લાગ્યો છે iPhone નો. લગભગ આવતા મહિને ખરીદવાનું વિચારુ છું. હું 3Gs- 16 GB લેવાનું વિચારું છું.

[ઇમેજ – એપલની વેબસાઇટના gallery વિભાગમાંથી]

Update :

હું આજે સાંજે ટેમ્પીનીસ મોલ આંટો મારવા ગયો હતો ત્યારે લોકો iPhone માટે SingTel અને Starhub ના કાઉન્ટર પાસે લાઇનો લગાવીને ઉભા હતા. જ્યારે M1 નો iPhone નો બધો માલ ઉપડી ગયો હતો. લોકોમાં iPhone નો ક્રેઝ જોતા લાગે છે 6 મહિનાની અંદર સિંગાપોરમાં બધાંના હાથમાં iPhone જ હશે.

%d bloggers like this: