ધરતીકંપ

આજે સાંજે લગભગ 6 – 6:30 વાગ્યાની આસપાસ હું મારી સીટ પર બેસીને કામ કરી રહ્યો હતો ત્યારે એકદમ જ મને જાણે ચક્કર આવતા હોય એમ લાગવા લાગ્યું. મને એમ લાગતું હતુ કે હું આગળ પાછળ થઇ રહ્યો છું. મારા પ્રયત્નો છતાં પણ હું મારી જાતને હલતા ના રોકી શક્યો. પહેલા મને ક્યારેય આ પ્રકારનું ચક્કર આવવા જેવું નથી થયું એટલે મને થયું કે આ ક્યાંક રુધિરના રક્તચાપની બિમારીની શરૂઆત તો નથી ને. પછી મેં આજુબાજુ જોયુ તો મારી બેઠકની સામેના મિટીંગ રૂમમાંથી લોકો બહાર આવી ગયા અને એમણે પ્રોજેક્ટર દ્વારા દિવાલ પર પ્રોજેક્ટ કરેલી લેપ્ટોપની સ્ક્રીન પણ ઉપર નીચે થઇ રહી હતી. પછી બધાંને ખ્યાલ આવી ગયો કે આ ધરતીકંપ છે. બધાં મશીનોની સ્વીચ પાડીને ભાગ્યા નીચે. અમારી ઓફિસનું બિલ્ડીંગ 13-14 માળનું છે (અને હું 9મા માળે કામ કરુ છું) એટલે ડર લાગે એ સ્વાભાવિક છે. આની પહેલા પણ સિંગાપોરમાં ધરતીકંપના આંચકા આવેલા છે અને એ આંચકાઓ બાદ અમારા ઓફિસનું બિલ્ડીંગ ભૂકંપ સુરક્ષિત છે એ કંપનીએ પ્રમાણિત કરાવ્યુ હતું. તેમ છતા પણ કુદરતને કોઇ પ્રમાણપત્રની ખબર થોડી પડે છે? સાવધાની તો રાખવી જ રહી.

સિંગાપોર આમ પણ સુનામી અને ભૂકંપની પ્રબળ સંભાવના ધરાવતા વિસ્તારોમાં છે. એટલે નાના મોટા આંચકા તો આવતા જ રહે પણ આ વખતે લગભગ એકાદ મિનીટ સુધી આ હિલ્લે ડૂલ્લે ચાલતું રહ્યું. પછી જ્યારે અહીં વાંચ્યું ત્યારે ખબર પડી કે ધરતીકંપની તીવ્રતા ખરેખર ખૂબ વધારે હતી. સિંગાપોરમાં વર્ષમાં બે-ત્રણ વખત આવા આંચકા તો આવતા રહે છે પણ મારા બોસ પાસેથી જાણવા મળ્યું કે જાપાનમાં તો લગભગ દર અઠવાડિયે નાના નાના આંચકા આવતા રહેતા હોય છે. છે ને કુદરતની કમાલ. ખરેખર એ માનવું જ રહ્યું કે કુદરત જ જીવાડે છે અને કુદરત જ મારે છે. માણસ લાખ પ્રયત્નો કરે પણ કુદરત આગળ લાચાર જ રહેવાનો.