ઇન્ડિયા ડાયરી–પ્રસ્થાન (સિંગાપોર – કુઆલાલમ્પુર – મુંબઇ – અમદાવાદ)

દર વખતે દિવાળી દરમ્યાન વેકેશન માટે ઇન્ડિયા જઉ છું પણ આ વખતે અમુક કારણોસર ઇન્ડિયા જવું કે નહીં એ નક્કી નહોતું. છેવટે 10 દિવસનો સમયગાળો મળે એમ હતું તો ઇન્ડિયા જવાનો કાર્યક્રમ બનાવી નાંખ્યો. મારે એકલા એ જ જવાનું હોવાથી સૌથી વધૂ cost effective માર્ગે જવાનું નક્કી કર્યું. નેટ પર જોતા જોતા અમદાવાદ જવા માટેનો સૌથી વધૂ કિફાયતી માર્ગ કુઆલાલમ્પુર (મલેશિયાની રાજધાની) થઇને જડ્યો. સિંગાપોર અને મલેશિયાથી અમુક બજેટ એરલાઇન્સો ઇન્ડિયાના અમુક શહેરો માટે ઉડાન ભરે છે. જો કે સિંગાપોરથી મોટા ભાગની એરલાઇન્સો દક્ષિણ ભારતના શહેરો માટે ઉડાન ભરે છે જ્યારે કુઆલાલમ્પુરથી મુંબઇ અને દિલ્હી માટે પણ વિકલ્પો છે અને સિંગાપોર કરતા સસ્તુ પણ છે. સિંગાપોરથી કુઆલાલમ્પુર જવું એ કોઇ મોટી વાત નથી વળી મોટા ભાગે મલેશિયા માટેનો વિઝા પાસપોર્ટમાં લાગેલો જ હોય છે એટલે સિંગાપોરથી મલેશિયા જવામાં કોઇ તકલીફ નથી થતી. સિંગાપોરથી કુઆલાલમ્પુર જવા માટે જમીન અને હવાઇ માર્ગે અનેક વિકલ્પો ઉપલ્બધ છે. જો બસમાં જાઓ તો 25-50 ડોલર જેટલો ખર્ચો થાય જ્યારે હવાઇ માર્ગે જાઓ તો 75-100 ડોલર જેટલો ખર્ચો થાય.

હું એકલો જ હતો એટલે બસમાં જવાનું નક્કી કર્યું અને જે દિવસે ફ્લાઇટ હતી એના આગલા દિવસે બસમાં કુઆલાલમ્પુર જવા બેસી ગયો. અહીંની ખાનગી બસ સેવા ખૂબ સારી અને આરામદાયક હોય છે. 25 ડોલરમાં પણ તમને push back 2×1 કોચની આરામદાયક સુવિધા મળી રહે છે. હું સિંગાપોરથી રાત્રે 12 વાગ્યે બસમાં બેઠો અને મુસાફરી એકદમ આરામદાયક અને સૂતા સૂતા પતી ગઇ. હું કુઆલાલમ્પુર પહોંચ્યો સવારે 5 વાગ્યે અને સવાલ હતો કે શું કરવું સાંજના 6 વાગ્યા સુધી (કારણ કે મારી ફ્લાઇટ હતી સાંજના 6 વાગ્યે)?

બસે મને કુઆલાલમ્પુરમાં જાલાન બુકીત બિંતાંગમ એરિયામાં ફેડરલ હોટલ પાસે ઉતાર્યો. આ વિસ્તાર સિટી સેન્ટરની નજીક જ છે અને સારો એરિયા છે. હું જ્યારે સવારના 5 વાગ્યે પહોંચ્યો ત્યારે રાત હજી પણ જવાન હતી. પબ્લિક સારા એવા પ્રમાણમાં રસ્તા પર દેખાતી હતી અને જુવાનિયાઓની મહેફિલ હજી પણ ચાલી રહી હોય એમ લાગતુ હતું. ઘણા બધાં ટેક્ષીવાળા મને ઉતરતા જ ઘેરી વળ્યા પણ મારે તો ક્યાં જવું એ મને ખૂદને પણ ખબર નહોતી એટલે એમની સાથે જવાનો કોઇ સવાલ નહોતો. વળી અહીંના ટેક્ષીવાળાઓ આપણા ઇન્ડિયાના રિક્ષાવાળાઓને પણ સારા કહેવડાવે એવા હોય છે. 5-10 મિનીટ આજુ બાજુનો રંગીન નઝારો માણ્યો અને પછી ચાલતી પકડી કારણ કે બહુ નઝારા માણવામાં પણ જોખમ છે. કુઆલાલમ્પુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભરોસાજનક નથી. વળી એમાં પણ પર્યટકોને લૂંટવાની વાતોની કોઇ નવાઇ નથી. પ્રથમ મેં સિટી સેન્ટર જવાનું નક્કી કર્યું. સિંગાપોરથી નિકળતી વખતે મોનો રેલ દ્રારા સિટી સેન્ટર જવાનું નક્કી કર્યું હતું પણ સવારના 5:30 વાગ્યે મોનો રેલની સેવા ચાલુ નહોતી થઇ એટલે પછી જેટલો ખ્યાલ હતો મેપ પરથી એ પ્રમાણે ચાલવાનું ચાલુ કર્યું. ફ્રેશ થવા માટે 7/11 પરથી યોગર્ટની એક બોટલ પણ લીધી. જે લોકોને પૂછ્યું એમાના મોટા ભાગના લોકોને રસ્તાની ખબર નહોતી. જેને ખબર હતી એમણે રસ્તો તો બતાવ્યો પણ સાથે સાથે ચેતવણી પણ આપી કે સંભાળીને જજો કોઇ લૂંટી ના લે. આજુબાજુ કરાયેલી ક્રિસમસની સ્રજાવટને જોતા જોતા લગભગ કલાકની રખડપટ્ટી પછી મને પેટ્રોનાસ ટાવરના દર્શન થયા. પેટ્રોનાસ ટાવરની આજુબાજુનો એરિયા સરસ છે અને સૂર્યા KLCC મોલ પણ સારો છે. પેટ્રોનાસની આ મારી ત્રીજી મૂલાકાત હતી. ટાવર પર ટોચ સુધી જવા માટે અહીં પાસ લેવાના હોય છે જે મફતમાં મળે છે પણ રોજ મર્યાદિત પાસ જ મળતા હોવાથી લોકો સવારના 6 વાગ્યાથી લાઇનમાં ઉભા રહી જતા હોય છે. મારે બીજું કોઇ કામ હતુ નહીં અને સવારના પહોરમાં બીજુ કંઇ થઇ શકે એમ હતુ નહીં એટલે હું જઇને પાસ માટે લાઇનમાં લાગ્યો. લાઇનમાં બેઠા બેઠા થોડી ઉંઘ પણ ખેંચી લીધી. જ્યારે શોપિંગ મોલમાં દુકાનો ખૂલવાની શરૂ થઇ એટલે સામેની દુકાનમાંથી બન વગેરે ખરીદી નાસ્તો કર્યો. 9:30 વાગ્યે હું પહોંચ્યો પેટ્રોનાસ ટાવરના સ્કાય બ્રીજ પર. મારી સાથે આવેલા લોકો તો ઉંચાઇ પરથી સરસ વ્યુ જોઇને માંડ્યા ફોટા ખેંચ્યા. મારા માટે નવું નહોતું છતાં પણ મેં અમુક ફોટા ખેંચ્યા. પછી કંટાળો આવવા લાગ્યો એટલા આજુ બાજુના ખુશ થતા લોકોને જોયા અને વિઝીટ પતાવી હું પાછો ધરતી પર આવ્યો. 🙂 નીચે આવીને બહાર આવેલા ફૂવારા અને બીજા દ્રશ્યોના અમુક ફોટા લીધા. પેટ્રોનાસ ટાવરની નીચે લોકો ચોરીનો માલ બહુ વેચતા હોય છે. તમે પર્યટક જેવા લાગો એટલે આવીને તરત મોબાઇલ ફોન કે મોંઘી ઘડિયાળો વગેરે સસ્તામાં તમને પધરાવવા માટે મહેનત કરવા લાગે. જો કે આ બધામાં પડવા જેવું નથી હોતું. બધો ચોરીનો માલ હોય છે અને નો ગેરંટી વોરંટી.

બહાર ફરીને કંટાળ્યો એટલે મોલમાં ગયો અને ખાંખાખોળા ચાલુ કર્યા. જો કે મોલમાં બધુ મોંઘું જ હતું. મેં અમુક પરચૂરણ વસ્તુઓ ખરીદી અને અમુક ફોટા લીધા અને ત્યાંથી પછી બહાર નિકળ્યો અને થોડો તડકો ખાધો. 12 વાગ્યા એટલે જમવા માટે સંગીતા રેસ્ટોરન્ટ પહોંચ્યો. સંગીતા એ અહીંની પ્રસિધ્ધ શાકાહારી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાંની એક છે અને ભાવ પણ એકદમ વ્યાજબી છે. ત્યાં જૈન થાળી પણ મળે છે અને મેં જૈન થાળી જ મંગાવી. સંગીતા રેસ્ટોરન્ટ મસ્જીદ એરિયામાં છે અને અહીં બહુ મોટી અને પ્રખ્યાત મસ્જીદ છે. શુક્રવારનો દિવસ હતો અને બપોરના સમયે મેં જોયું તો આખી મસ્જીદ ઉપરાંત આજુબાજુના રોડ પર અને મોનો રેલના સ્ટેશન પર પણ મુસ્લિમ ભાઇઓ નમાજ પઢવા બેઠા હતા. આ દ્રશ્ય જોઇને એમ જ લાગતુ હતું કે જાણે આખું શહેર થંભી ગયું હોય નમાજ માટે. મુંબઇમાં પણ મેં આવા દ્રશ્યો જોયા છે કે સ્ટેશનની બહાર રસ્તાઓ પર લોકો નમાજ પઢવા બેસી ગયા હોય. નમાજના સમયે ટ્રાફિક એકદમ જામ થઇ ગયો હતો. અહીંના લોકોની ટ્રાફિક સેન્સ બહુ ભયાનક છે. લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં વાહન ધૂસાડી દે. ફૂટપાથ પર પણ લોકો વાહનો ચલાવતા હતા જે મારા માટે નવું હતુ. 🙂 લોકોની ચાલવાની જગ્યાએ પણ લોકો મનફાવે એમ વાહનો ફેરવતા હતા. જો તમે ચાલતા હો અને વાહનોથી બચી ગયા તો બચી ગયા :). જો કે આ બધું મેં મારી પહેલાની પણ મૂલાકાતોમાં નોંધ્યું હતું.

આ વખતે કુઆલાલમ્પુરની રેલની પહેલી વખત મઝા માણી. મોનો રેલ અને એલઆરટી નેટવર્ક અહીં છે. જે લિમિટેડ અનૂભવ કર્યો રેલમાં ફરવાનો અહીં એ સારો રહ્યો. છેવટે સમય થઇ ગયો મારો એરપોર્ટ પર જવાનો. કુઆલાલમ્પુરમાં બે એરપોર્ટ છે (એક બજેટ એરલાઇન્સ અને ઘરેલુ ઉડાનો માટે અને બીજુ આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે) અને બન્ને એરર્પોર્ટ શહેરથી દૂર છે. KL Sentral(not Central Smile) સ્ટેશનથી એરપોર્ટ પર જવા માટે ખાસ બસની વ્યવસ્થા છે. બસ લગભગ 80-90ની ઝડપે ચાલી હોવા છતાં મને એરપોર્ટ પહોંચતા લગભગ 75 મિનીટ જેવો સમય લાગ્યો. મુખ્ય શહેરથી એરપોર્ટ દૂર હોય એ સમજી શકાય પણ આટલું દૂર હોય એ મારા ખ્યાલથી સારુ ના કહેવાય. હું એરપોર્ટ પર થોડો વહેલો પહોંચ્યો એવી આશા સાથે કે એરપોર્ટ સારુ હશે અને ત્યાં થોડું હરીશુ ફરીશું. પણ અહીંનું એરપોર્ટ મારી આશાથી વિપરીત એકદમ ફાલતૂ હતું. મને એરપોર્ટ જોઇને ઇન્ડિયા એસ ટી સ્ટેન્ડ યાદ આવી ગયા. કોઇ પ્રકારનું crowd management જેવું હતું જ નહીં. જ્યાં પણ જુઓ ત્યાં ભીડભાડ જેવું લાગતુ હતું અને વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ જોઇ શકાતો હતો. એક ચીજ મને જરા પણ ના ગમી અને એ હતી કે એરપોર્ટ આખુ લગભગ ધૂમ્રપાનના ધૂમાડાથી ભરેલું હતુ. દર 5-10 મીટરના અંતરે No Smokingના પાટિયા મૂકાયેલા હતા પણ જાણે બધા આંધળા હોય એ રીતે ધૂમાડો કાઢે રાખતા હતા. દરેક No Smokingના પાટિયા નીચે 5 જણા મળીને ધૂમ્રપાનની મઝા માણી રહ્યા હતા. બોર્ડિંગ ગેટ પહેલા એક સ્મોકિંગ રૂમ હતો જેમાં બધાં ધૂમ્રપાન કરી રહ્યા હતા પણ એની અંદર એટલો ધૂમાડો હતો કે કોઇ Non smoker ઘૂસી જાય તો તરત જ કેન્સર ગ્રસ્ત થઇને ટપકી જાય. 🙂 બાથરૂમમાં પણ લોકો મસ્ત થઇને ધૂમ્રપાન કરતા હતા. આવી ગંભીર પરિસ્થિતિ તો મેં ઇન્ડિયામાં પણ ક્યારેય નથી જોઇ. મને સુરક્ષાની દ્રષ્ટિએ પણ એરપોર્ટ પર અભાવ જણાયો. (જ્યારે હું કુઆલાલમ્પુર જઇ રહ્યો હતો ત્યારે જોહર બારૂ ચેક પોઇન્ટ પર તો મારો સામન ચેક કર્યા વગર જ મને નીકળી જવા દીધો. આપણે જ્યારે ચેકીંગને બાયપાસ કરી નાંખીએ ત્યારે VIP જેવી ફિલીંગ આવે અને આપણને સારુ પણ લાગે 🙂 પણ સુરક્ષાની દ્ર્ષ્ટિએ આ કેટલું યોગ્ય કહેવાય?) જો કે આ ફાલતૂ એરપોર્ટની એક સારી વાત એ હતી કે અહીં મફત wifiની સુવિધા ઉપલબ્ધ હતી એટલે એરપોર્ટ પર થોડો ટાઇમપાસ થઇ ગયો. જો કે હું LCCT(Low Cost Carrier Terminal એટલે કે બજેટ ટર્મિનલ) પર હતો એટલે કદાચ મને આવો ફાલતૂ અનૂભવ થયો હશે બાકી મેં જે સાંભળ્યું છે એ મુજબ કુઆલાલમ્પુરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલું ખરાબ નથી.

કુઆલાલમ્પુરથી મુંબઇ સુધીની વિમાનયાત્રા સામાન્ય રહી. બજેટ એરલાઇન્સ હતી એટલે ખાવા પીવાથી માંડીને ઓઢવા માટેના ધાબળા સુધી બધુ સ્વ ખર્ચે હતું પણ એટલું મોંઘુ નહોતુ અથવા તો હું સિંગાપોર ડોલરમાં સરખામણી કરતો હતો એટલે ઓછું મોંઘું લાગ્યુ હતું. ફલાઇટમાં ઘણા બધાં ગુજરાતીઓ હતા જે મારા માટે આશ્ચર્ય સમાન હતું કારણ કે સિંગાપોરની સ્રખામણીમાં કુઆલાલમ્પુર સારુ બિઝનેસ કે ટુરીસ્ટ સ્થળ નથી. સિંગાપોરથી ટિકીટ મોંધી પડતી હોવાથી લોકો કુઆલાલમ્પુરથી જતા હશે એવું કદાચ હોઇ શકે. જો કે એક મજાની વાત બની વિમાનયાત્રા દરમ્યાન. મારી પાછળ વિમાનમાં મુંબઇથી સિંગાપોર અને કુઆલાલામ્પુર ફરવા આવેલા અમુક છોકરા છોકરીઓ બેઠા હતા. એ લોકો સમય પસાર કરવા રમત રમી રહ્યા હતા જેમાં એક ગ્રુપે કોઇ વ્યક્તિને ધારવાની અને બીજા ગ્રુપે 20 સવાલો પહેલા ગ્રુપને પૂછવાના અને એ વ્યક્તિ કોણ છે એ શોધી કાઢવાનું. એમાં એક છોકરીએ બહુ મોટી નોંધાવી. એણે જે વ્યક્તિને ધાર્યો હતો એ હતા ઇન્ફોસીસના ભૂતપૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિ હતા. એને જ્યારે સવાલ પૂછ્યો કે ધારેલી વ્યક્તિ ભારતમાં રહે છે કે ભારત બહાર તો એણે જવાબ આપ્યો કે ભારત બહાર અમેરિકામાં રહે છે. આમ જવાબ આપી બધાને આડે પાટે ચઢાવી દીધા. એણે જ્યારે સવાલો પૂછાતા હતા ત્યારે બહુ નાટકો કર્યા કે આ માણસને ના ઓળખો તો તમને શરમ આવવી જોઇએ, ભારતની સૌથી મોટી આઇટી કંપનીના માલિકને નથી ઓળખતા, તમે ભારતીય કહેવડાવવાને લાયક નથી, વગેરે વગેરે. પણ એનો જવાબ કે એ વ્યક્તિ ભારતની બહાર રહે છે એ પછી કોઇના પણ દિમાગમાં નારાયણ મૂર્તિનું નામ કંઇ રીતે આવે? જ્યારે કોઇ એ વ્યક્તિને ના ઓળખી શક્યું ત્યારે એ છોકરીએ જવાબ આપ્યો કે એણે ધારેલ વ્યક્તિ નારાયણ મૂર્તિ છે ત્યારે ગ્રુપમાં આ રમત રમતા બધાં વ્યક્તિઓએ કીધું કે નારાયણ મૂર્તિ તો બેંગ્લોરમાં રહે છે પણ એ છોકરી જરા બહાદૂર હતી. એણે કહ્યું કે એ હવે સાન ફાંસિસ્કોમાં રહે છે અને એણે આ વાત બહુ પ્રસિધ્ધ મેગેઝીનમાં વાંચી છે. (ગપ્પા મારો તો પણ એટલા આત્મવિશ્વાસ સાથે કે બધાં માની જવા જોઇએ 🙂 ) બધાં આ જવાબ સાંભળીને એકદમ માની પણ ગયા અને વાતો પણ કરવા લાગ્યા કે સારુ થયું કે આ વાતની ખબર પડી. મને આ બધી વાતો સાંભળીને સત્ય ઉજાગર કરવાનું મન થઇ ગયું પણ મેં મારી જાતને કાબૂમાં રાખી પણ આ વાત સાંભળીને મારી બાજુ વાળા સજ્જન પોતાનો કાબૂ ગુમાવી બેઠા. એમણે તો બધાને નારાયણ મૂર્તિનું બેંગ્લોરનું પાક્કું એડ્રેસ આખે આખું જણાવી દીધું. મને આમ તો આખી ચર્ચા સાંભળવાની મઝા આવી સાથે સાથે આપણા યુવાનોના સામાન્ય જ્ઞાન વિશે દયા પણ આવી. વળી એ છોકરી કે જેણે એમ કહ્યું કે નારાયણ મૂર્તિ ઇન્ડિયામાં નથી રહેતા અને એ જે મેગેઝીનો વાંચે છે એની દયા પણ આવી. આ રીતે અવલોકન કરતા કરતા અને થોડો આરામ કરતા કરતા મુંબઇ આવી ગયું.

હું મુંબઇ લગભગ 9 વાગ્યે પહોંચ્યો અને ઇમીગ્રેશન વિધિ સરળતાપૂર્વક પતી ગઇ. મારી અમદાવાદ માટેની ફ્લાઇટ 3 કલાક પછી હતી છતા પણ હું તરત જ આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પરથી ડોમેસ્ટિક ટર્મિનલ પર પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પરથી ડોમેસ્ટીક ટર્મિનલ પર જવા માટે બસની સુવિધા છે અને આખો રસ્તો બહુ ભયંકર છે. ભગવાન ભલુ કરે ઇન્ડિયાનું એ એક જ વાત કહી શકાય એ આખો રસ્તો જોઇને.

હું મલેશિયાથી મારા મિત્ર માટે બે વોડકાની બોટલ પણ લઇને આવ્યો હતો. આ બન્ને બોટલ કુઆલાલમ્પુરથી આવતી વખતે મેં ફ્લાઇટમાં મારી સાથે જ રાખી હતી પણ એ જ બોટલ સાથે મને મુંબઇથી અમદાવાદની ફ્લાઇટમાં મને ચેક ઇન કરવાની ના પાડી કારણ કે ફ્લાઇટમાં કોઇ પણ પ્રકારનું પ્રવાહી લઇ જવાની મનાઇ હોય છે. મને કહે કે બન્ને બોટલ તમે લગેજ તરીક ચેક ઇન કરો. હવે બન્ને બોટલને હું લગેજ તરીકે ચેક ઇન કરું તો મારી પાસે એ બે બોટલો સહી સલામત અમદાવાદ પહોંચવાની સંભાવના કેટલી? કદાચ 0%. મને કીધું કે તમે સારી રીતે પેક કરીને Fragile સ્ટીકર લગાવીને મોકલો એટલે વાંધો નહીં આવે પણ આપણને ઇન્ડિયાની સિસ્ટમ પર એમ ભરોસો આવે? હું મારી સમસ્યા લઇને પાછો ચેક ઇન કાઉન્ટર પર આવ્યો અને મારી સમસ્યા જણાવી. મને ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી છોકરી કહે કે તમે બરાબર પેક કરી લો વાંધો નહીં આવે પણ સમસ્યા એ હતી કે બે બોટલોને પેક કંઇ રીતે કરવી. એ વખતે ત્યાં કિંગફિશરના (મારી મુંબઇ અમદાવાદની ફ્લાઇટ કિંગફિશર હતી) બે કર્મચારીઓ ઉભા હતા. મારી આ સમસ્યાને જોઇને તરત જ દેવદૂતોની જેમ મારી મદદે આવ્યા. મારી પાસે બેગમાં એક જાડું કપડું હતું એમાં એમણે બન્ને બાટલી બરાબર પેક કરીને કિંગફિશરની કાગળની થેલીમાં લપેટીને એકદમ બરાબર પેક કરી આપી. મને એ બન્ને કર્મચારીઓ પ્રત્યે અહોભાવ જાગી ગયો અને હું વિચારવા લાગ્યો કે નક્કી એ બન્ને ઇશ્વર દ્રારા મોકલાયેલા દેવદૂતો જ છે. 🙂 મારા મનમાં એક આશાવાદ જાગી ગયો કે ઇન્ડિયા સુધરી ગયું લાગે છે. પણ પેકીંગ પતી ગયા પછી બન્ને પોતાની જાત પર આવી ગયા. પેકીંગ કરીને મને કહે કે સાહેબ તમારુ કામ થઇ ગયું હવે કંઇ ચા પાણીનું તો આપતા જાઓ. મારી જોડે ઇન્ડિયાના 50 રૂપિયાથી ઓછાની નોટ નહોતી એટલે કચવાતા મને 50 રૂપિયા આપવા પડ્યા. ઇન્ડિયામાં આવતા જ ઇન્ડિયન સિસ્ટમ એટલે કે લાંચિયા લોકોનો અનૂભવ થઇ ગયો. જો કે 50 રૂપિયા આપ્યા પછી પણ મને એમ થતું હતું કે એ લોકો સાલાઓ એકાદ બોટલ કાઢી તો નહીં લે ને પણ જો કે મારા સદનસીબે અમદાવાદ એરપોર્ટ પર બન્ને બોટલો એકદમ સહીસલામત આવી. જ્યારે અમદાવદમાં કન્વેયર બેલ્ટ પર માત્ર બે બોટલ સાથેના એક નાનકડા મારા પેકને આવતુ જોયું ત્યારે હું એકદમ ખુશ થઇ ગયો. મને રાહત થઇ કે ચલો 50 રૂપિયાનો ખર્ચો લેખે લાગ્યો. એરપોર્ટ પરથી સામાન બહાર લઇને આવ્યો એટલે મારો મિત્ર મારા માટે ઉભો જ હતો. એની સાથે ગાડીમાં બેસીને આખરે રાત્રે 1:30 વાગ્યે ઘરે પહોંચ્યો.

5:30 કલાકની (જો સિંગાપોરથી અમદાવાદ ડાયરેક્ટ જઇએ તો ફક્ત 5:30 કલાક થાય) નાની યાત્રા મેં લગભગ 27 કલાકમાં પૂરી કરી પણ યાત્રા એકંદરે સારી રહી અને કોઇ અનઇચ્છનીય બનાવ ના બન્યો. થોડા ડોલરિયા બચી ગયા અને અમુક અનૂભવો પણ થઇ ગયા.