સુખ તમારાથી કેટલુ છેટું છે?

23 એપ્રિલના ચિત્રલેખાના અકમાં "સુખ તમારાથી કેટલુ છેટું છે?" આ વિષય પર એક લેખ છે. મને એ લેખ થોડો રસપ્રદ લાગ્યો. આ લેખમાંની અમુક રજૂઆતો જે મને ગમી એ લગભગ શબ્દશ: અહીં મૂકી છે.

માનવીને ખરી આંતરિક શાંતિ અને સુખ માત્ર પ્રેમાળ બનવાથી અને બીજા પ્રત્યે કરુણા રાખવાથી જ મળે છે.

આપણું સુખ બીડીના ઠૂંઠામાં, બે કશ લગાવ્યા કે બસ આપણે ખુશ…. આપણું સુખ એક ચાના પ્યાલામાં. બે ઘૂંટ ભર્યા કે બસ આપણે ખુશ….

Celf Centered થવું એ પોતાને દુ:ખી કરવાનો અને બીજાને પણ દુ:ખી કરવાનો સૌથી સહેલો રસ્તો છે.

પહેલુ સુખ તે જાતે નર્યા… બીજુ સુખ તે છૈયા છોકરા…. ત્રીજુ સુખ કોઠીએ જાર… ચોથું સુખ તે સદ્દ્ગુણી નાર…. (સાજું શરીર, આજ્ઞાકારી છોકરા, ખાવા પીવાનું સુખ અને નિરૂપદ્રવી પત્ની…. બોલો બીજુ શું જોઇએ??)

સુખ એ સ્થિર ભાવ નથી. એની અનુભૂતિ અમુક વાર ક્ષણભરના આનંદમાં છે તો કોઇક વાર ઉંડા સંતોષમાં છે. અમુક વાર તો સુખ એ માત્ર દુ:ખની અનુપસ્થિતિ છે.

તમારા ચહેરા પર જેના થકી હાસ્ય આવે એ સુખ.

સુખ તો એક મનની અનુભૂતિ અથવા મનની સ્થિતિ છે. આ અનુભૂતિ દરેકની જુદી જુદી હોઇ શકે. દરેક વ્યક્તિની સુખની પોતાની વ્યાખ્યા હોય છે. ધારો કે મુંબઇનું એક ફેમિલી લઇએ તો પપ્પા માટે શેરબજારનો ઇન્ડેક્સ ઉંચે જાય એ સુખ છે, મમ્મી વિચારે છે કે આજે ટીવી પર રસોઇ શોમાં મેક્સિકન વાનગી શીખવા મળે તો શનિવારની કિટી પાર્ટીમાં બનાવીને વટ પાડી દઉં, ઘરના બડા બેટા ઇશાન માટે સામેના બિલ્ડિંગવાળી ખુશાલીએ આજે સામે જોઇને સ્માઇલ કર્યું એ સુખની વાત છે ને નાની બહેન રૈના માટે ફેસબુક પર એના સ્ટેટસને 86 જણે લાઇક કર્યું એ સુખની અનુભૂતિ છે.

હવે મારી અનુભૂતિ :

"સુખ એ માત્ર દુ:ખની અનુપસ્થિતિ છે" આ વાક્ય મને સ્પર્શી ગયું અને આજકાલના સમયમાં એકદમ ઉચિત છે. આપણે દુ:ખી થવાના હજાર રસ્તા શોધી લેતા હોઇએ છીએ અને જો આવી માનસિકતા પછી પણ જો દુ:ખી ના હોઇએ એટલે કે દુ:ખ અનુપસ્થિત હોય તો આપણે પરમ સુખી જીવ કહેવાઇએ. આપણા ધર્મો જે શાશ્વત સુખની વાત કરે છે એ શાશ્વત સુખ અને એની ખેવના હવે ભૂલાઇ જ ગઇ છે.

Advertisements

વિચારવાયુ

ઇન્ડિયામાં વેકેશન પછી જ્યારે સિંગાપોર પાછો આવું એના પછીના 2-3 અઠવાડિયા બહુ ભારે રહેતા હોય છે. સિંગાપોરની જીંદગીને મગજમાં સેટ કરતા કરતા આ 2-3 અઠવાડિયા એકદમ ફિલોસોફીકલ થઇ જવાય છે :)  તો આ ફીલસૂફીને રોજનીશીના પાનામાં આજે ઉમેરી રહ્યો છું.

  • સુખ શાશ્વત નથી. દરેક સુખ કે સફળતા એની સાથે વેલિડીટી લઇને આવે છે અને વેલિડીટી પૂરી થતા એ સુખ કે સફળતાનો નશો આપોઆપ ઉતરી જાય છે.
  • મંઝીલ પર પહોંચવાની મજા ત્યારે જ છે જ્યારે મંઝીલ સુધી પહોંચવા માટેની ભૂખ જીવીત હોય. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે મંઝીલ ના મળે ત્યારે એ નિરાશા એ ભૂખને ખાઇ જતી હોય છે. 1998માં મેં એક સપનું જોયું હતું અને એ વખતે એને પૂરું કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા પણ એ પ્રયત્નોમાં સફળતા ના મળી અને પછી એ સપના પાછળ ભાગવાનું બંધ કરી દીધું હતું. અનાયાસે જ એ સપનું 2011ની શરૂઆતમાં જ્યારે પૂરુ થયું ત્યારે ખુશી જરૂર થઇ પણ એ ખુશીમાં દુનિયા જીતી લીધી હોય એવો રોમાંચ જરા પણ નહોતો. માટે જ્યાં સુધી તમારી ભૂખ છે ત્યાં સુધી તમારા સપનાને જીવી લેવાનો પ્રયત્ન જરૂર કરતા રહેવું. (પ્રભુદેવાએ ગીત उर्वशी…उर्वशी…ગીતમાં એકદમ સાચુ કહ્યું છે કે 20 की उमर का है जो खेल, 60 में खेल के होगा क्या??? 🙂 )
  • ગુજરાતીમાં કહેવત છે કે અતિની ગતિ નથી હોતી. કોઇ પણ વસ્તુ મર્યાદામાં સારી. જે વસ્તુ વધૂ થવા લાગશે એનો મોહ આપોઆપ ઓછો થતો જશે. મારો પોતાનો અનૂભવ પણ આમ જ કહે છે.  આ વખતે ઇન્ડિયા ટ્રીપ દરમ્યાન એક મિત્ર સાથે વાત થઇ હતી. એ ભાઇ હજી 20-22 વર્ષના જ છે. એમણે અત્યાર સુધી જીવનમાં ખૂબ જલસા કર્યા છે,  બધી રીતે બધા પ્રકારના જલ્સા કર્યા છે અને કોઇની રોક ટોક વગર જલ્સા કર્યા છે જીંદગીમાં. આ વખતે એ મને કહે કે હવે એને જીંદગીથી કંટાળો આવે છે. મને કહે કે ક્યાં સુધી જીવનમાં હું જલ્સા કરે રાખીશ? એ મને કહે કે મારે જીંદગીમાં હવે દુ:ખ જોવું છે. જીંદગીનો અસલી ચહેરો જોવો છે. મહેનત મજૂરી કરીને હવે એને પોતાની રીતે જીંદગી બનાવવાની તાલાવેલી લાગી છે. મને ખરેખર ખુશી થઇ આવા વિચારો જાણીને.
  • Life is all about choices we make. આજ કાલ મને મારા એન્જીનિયર બનવાની અને સિંગાપોર આવવાની કરેલી પસંદગી યોગ્ય હતી કે નહીં એ વિશે શંકા થવા લાગી છે. આરામ અને શાંતિની જીંદગીની જે આદત અત્યારે પડતી જાય છે એ મારા ભવિષ્ય માટે ખતરનાક છે.
  • બહુ ઓછા લોકો એવા છે આ દુનિયામાં કે જે પોતાની મરજીના માલિક હોય છે અને જીંદગી પોતાની મરજી મુજબ જીવે છે. 2002-2003ના સમય ગાળાને બાદ કરતા આજ સુધી મને ક્યારેય એવું જીંદગીમાં નથી લાગ્યું કે હું મારી મરજી મુજબ જીંદગી જીવી રહ્યો છું. મારા નજીકના લોકો આ અફસોસ માટે મારી અમર્યાદ ઇચ્છાઓને દોષ દે છે પણ મને એમ નથી લાગતું. અમુક નિર્ણયો લેવા છે જીંદગીમાં પણ લઇ નથી શકાતા. અત્યારે તો ખાલી એટલો આશાવાદ રાખી શકું કે ક્યારેક જીંદગીમાં એ નિર્ણયો લઇ શકીશ અને એના સારા કે ખોટા પરિણામો ભોગવવા માટે મારી જાતને તૈયાર કરી શકીશ.
  • આજે યુટ્યુબ પર અમુક ગુજરાતી ગીતો સાંભળી રહ્યો હતો. जो सुख पायो नाम भजनमें, सो सुख ना है अमीरीमें…. સાંભળીને થોડો વધૂ વિચારવાયુ થઇ ગયો કે પહેલા જીવનમાં કેટલી નિર્મળતા હતી? આજે કેમ હું Rat Race માં મારી જીંદગી વેડફી નાંખવા માટે મજબૂર થઇ રહ્યો છું? બીજું પણ એક ગીત સાંભળ્યું : पिंजरे के पंछी रे….. तेरा दर्द ना जाने कोइ…. तेरा दर्द ना जाने कोइ… અત્યારે તો આ ગીત મારા માટે જ લખાયું હોય એમ લાગે છે. 🙂 અત્યારે સિંગાપોર નામના સોનાના પિંજરાએ મને કેદ કરી રાખ્યો છે પણ હવે આ કેદમાંથી આઝાદ થવાનો સમય પાકી ગયો છે.

અત્યારે આટલી ફિલોસોફી ઝાડીને અટકું છું. બીજું ફરી ક્યારેક 🙂

%d bloggers like this: