સિંગાપોર- શાંઘાઇ – ડાલીઆન

જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે ઘણી બિઝનેસ ટ્રીપો કરી કરીને લગભગ આખુ ભારત ફરી વળ્યો હતો. સિંગાપોર આવ્યા બાદ બેગો ભરી ભરીને દોડવાનું બંધ થઇ ગયુ છે અને 8:30થી 5:30ની નોકરીમાં જીંદગી સેટ થઇ ગઇ છે. લગભગ 6 વર્ષ પછી ગયા અઠવાડિયે બિઝનેસ ટ્રીપ પર જવાનું થયું અને આ વખતે સ્થળ હતું ચાઇના. ચાઇના હું પહેલા ક્યારેય ગયો નહોતો એટલે આ ટ્રીપ દરમ્યાન નવા દેશને જોવાની અને ત્યાંના લોકોને સમજવાની મારા માટે એક તક હતી. આ પોસ્ટમાં સિંગાપોરથી ડાલીઆન સુધીની યાત્રા દરમ્યાનના વિચારવાયુને અને અવલોકનોને મૂક્યા છે.

20120727_061135રવિવારે સવારે 10-10 વાગ્યે સિંગાપોરથી શાંઘાઇની ફ્લાઇટનો સમય હતો એટલે સવારે લગભગ 8-15 વાગ્યાની આસપાસ ચાંગી એરપોર્ટ પર પહોંચી ગયો. હોંગકોંગના ખતરનાક અનૂભવ પછી હવે એરપોર્ટ દર વખતે જલ્દી પહોંચી જઉં છું (અંગ્રેજીમાં આના માટે કહેવત છે “once bitten, twice shy” અને ગુજરાતીમાં કહેવત છે કે “દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી કૂંકીને પીએ”) ઇન્ડિયાના એરપોર્ટો પર સમય કંઇ રીતે કાઢવો એ સમસ્યા છે પણ ચાંગી એરપોર્ટ પર એવી કોઇ સમસ્યા નથી. વહેલા પહોંચી કોફી-નાસ્તા પાણી કરો કે પછી window shopping કરો (કારણ કે મને એરપોર્ટ પર શોપીંગ પોષાય એમ નથી :)) અથવા કંઇ ના કરવું હોય તો

Some Sculpture @Changi Airport

હાથમાં રાખેલા ફોનને રમાડો. એરપોર્ટ પર wi-fi connectivity મફતમાં છે એટલે આરામથી સમય પસાર કરી શકો. ઇન્ડિયાના એરપોર્ટો પર આવી સુવિધાઓ ક્યારે આવશે એમ વિચારતા દુખી થઇ જવાય છે. (ડીસેમ્બર 2011 સુધી તો અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ પર વ્યવસ્થિત wi-fi connectivity ઉપલબ્ધ નહોતી હવે કદાચ પરિસ્થિતિ બદલાઇ હોય તો ખબર નહીં.) ચાંગી એરપોર્ટને જોઇને કાયમ એજ પ્રશ્ન મને થતો હોય છે કે આપણે ઇન્ડિયામાં ક્યારેય આવા એરપોર્ટો જોઇ શકીશું ખરા? એરપોર્ટ પર સ્વચ્છતા, બધી સામાન્ય સુવિધાઓનો ઉત્તમ રખરખાવ અને યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અપાતી સેવાઓ વગેરે ક્યારેય ઇન્ડિયામાં શક્ય બનશે ખરું? ચાંગી એરપોર્ટ પર જો યાત્રીઓને 0.5 કિમી પણ જો ચાલવાનું હોય કે થોડા દૂરના બોર્ડીંગ ગેટ પર જવાનું હોય તો એના માટે મોનો રેલની  અથવા ટ્રાવેલેટરની વ્યવસ્થા હોય છે જ્યારે આપણે મોનોરેલની દોડાવવાની વાત દૂર રહી એક મોનોરેલનો બ્રીજ પણ બરાબર નથી બનાવી શકતા. બીજી સુવિધાઓની વાત તો જવા દો બાથરૂમના નળમાં વ્યવસ્થિત પાણી આવે એટલું પણ નથી કરી શકતા (બાથરૂમમાં હાથ ધોવા સાબુ હોવો કે સ્વચ્છતા હોવી એ તો બહુ દૂરની વાત છે).  મુંબઇના Interntational Terminalથી Domestic Terminal પર યાત્રીઓને લઇ જવા માટે એક પ્રોફેશનલ બસ સર્વિસ પણ પૂરી નથી પાડી શકતા. આ બધું ઉભું કરવામાં કોઇ Rocket Science સમજવાની જરૂર નથી આ બધી માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં ખાલી સામાન્ય બુધ્ધિ વાપરવાની જરૂર છે અને ભ્રષ્ટાચારને બાજુએ રાખીને ઇચ્છાશક્તિથી કામ કરવાની જરૂર છે પણ કમનસીબે ઇંન્ડિયામાં આ જ વાતનો અભાવ છે. બે વર્ષ પહેલા સુધી અમદાવાદ એરપોર્ટ પર જો બે ફ્લાઇટ એક સાથે આવી ગઇ હોય તો આવેલા પ્રવાસીઓને એક જ છત નીચે ઉભા રાખી શકે એવું બિલ્ડીંગ પણ નહોતું. મુસાફરો ડિસેમ્બરની રાતની કડકડતી ઠંડીમાં ખુલ્લી ગટરોના સંસર્ગમાં લાઇન લગાવીને બહાર ઉભા રહેતા અને જ્યારે વારો આવે ત્યારે અંદર બિલ્ડીંગમાં જઇને ઇમીગ્રેશનની વિધિ પૂરી કરતા. મોદી સાહેબ જાપાની મૂડી રોકાણ વધારવા માટે જાપાન આંટાફેરા મારે છે પણ બે વર્ષ પહેલા મેં મારી સાથે ફ્લાઇટમાં આવેલા જાપાની રોકાણકારોને  ગટરની ખુલ્લી લાઇનો જોઇને મોં બગાડતા જોયા છે. જો એરપોર્ટ પર ઉતર્યા બાદ પહેલી જ impression આવી પડે તો કોઇ રોકાણકારને રોકાણ કરવાનું મન થાય ખરું? હવે નવું એરપોર્ટ બનવાથી અમદાવાદની પરિસ્થિતિ થોડી સુધરી છે પણ મુંબઇ એરપોર્ટનો તો ભગવાન માલિક છે…

20120722_164648સિંગાપોરથી અમારી China Eastern Airlinesની ફ્લાઇટ હતી. ફ્લાઇટ સમયસર ઉપડી ખરી પણ સમયસર પહોંચી નહીં. અમને લગભગ 40 મિનીટ મોડા શાંઘાઇ પહોંચાડ્યા. China Eastern Airlinesની એર હોસ્ટેસો જોઇને પારાવર દુખ થયું. ચાઇનમાં જોઇએ એટલી નમણી નારો મળી રહે તેમ છતાં પણ અમારી ફ્લાઇટની બધી એર હોસ્ટેસો આપણી Air Indiaની એર હોસ્ટેસોને પણ સારી કહેવડાવે એવી હતી. (હશે નસીબ નસીબની વાત:)) જો કે In Flight service સારી હતી. ફ્લાઇટમાં in flight entertainmentની સુવિધા નહોતી. (સિંગાપોર એરલાઇન્સમાં તમે

China Eastern Airlines’ Flight

મુસાફરી કરતા રહેતા હો તો એનો આ ગેરફાયદો… તમારી આદતો બગડી જાય :)) મારી આશાથી વિપરીત વિમાનમાં મને અપાયેલું શાકાહારી ભોજન ઠીક ઠાક હતું. (આપણે આપણી આશાઓ ઓછી કરી નાંખીએ તો જીવનમાં કેટલો સંતોષ વધી જાય નહીં? :)) ફ્લાઇટમાં અમુક ચાઇનીઝોએ એમની coutesyless વર્તણૂંકનો પરચો આપી દીધો પણ એ મારા માટે expected હતું એટલે વધુ નવાઇ ના લાગી. છેવટે લગભગ 4 વાગ્યાની આસપાસ અમે શાંઘાઇ પહોંચ્યા.

20120722_165525શાંઘાઇ એરપોર્ટ પર જેવો એરોબ્રીજમાંથી હું બહાર નીકળ્યો ત્યાં એક માણસને હાથમાં કાગળ લઇને ઉભેલો જોયો એમાં લખ્યું હતું કે યાત્રીઓએ પોતાનો સામાન ક્યા બેલ્ટ પરથી લેવાનો. સિંગાપોરમાં ફ્લાઇટ જ્યારે લેંડ થવાની હોય ત્યારે ફ્લાઇટમાં જ જાહેરાત થઇ જાય કે સામાન ક્યા બેલ્ટ પર આવશે જ્યારે અહીં આવી વિચિત્ર પ્રથા. કદાચ Labor sensitive દેશોમાં આવું જ હશે એમ લાગ્યું. શાંઘાઇ એરપોર્ટ મને બહુ સામાન્ય લાગ્યું. મોટું છે પણ એમાં એક પણ વાત ઉડીને આંખે વળગે એવી ના લાગી. માળખાગત સુવિધાઓના ફરકને નજરઅંદાજ કરીએ તો મુંબઇ અને શાંઘાઇ એરપોર્ટ બન્ને સરખા લાગ્યા. સામાન આગળની યાત્રા માટે સીધો જ ટ્રાન્સફર થવાનો હોવાથી અમે Domestic Terminal તરફ રવાના થયા કારણ કે ત્યાંથી અમારે ડાલીઆન માટે ફ્લાઇટ લેવાની હતી. મેં થોડા એરર્પોર્ટ પર આંટા ફેરા માર્યા પણ

Shanghai Airport at glance

કંઇ ધ્યાનાકર્ષક લાગ્યુ નહીં. જો કે એરપોર્ટ પર આંટાફેરા મારતા એક વાતની મને ખબર પડી ગઇ કે Apple શા માટે આજની તારીખમાં દુનિયાની Most Valued કંપની છે? એરપોર્ટ પર લગભગ દરેક વ્યક્તિના હાથમાં iPhone/iPad હતા.(આ વાતની એરપોર્ટથી બહાર આવ્યા બાદ પણ પુષ્ટિ થઇ) હવે જ્યારે દુનિયાના સૌથી વધૂ વસ્તી ધરાવતા દેશમાં કોઇ કંપનીનો આટલો મોટો market share હોય તો એ કંપની બિલીયન ડોલર્સમાં કમાવાની જ છે ને. શાંઘાઇથી ડાલીઆન માટેની અમારી ફ્લાઇટ સાંજના 6-10 વાગ્યે હતી. બરાબર 6-10 વાગ્યા સુધીમાં બધા યાત્રીઓ વિમાનમાં ગોઠવાઇ ગયા હતા અને 6-15ની આસપાસ વિમાને ટેક ઓફ માટે રન વે પર આગળ વધવાનું શરૂ પણ કર્યું. ટેક ઓફ પહેલા વિમાન અચાનક જ સ્થિર થઇ ગયું અને થોડી વાર પછી વિમાનમાં જાહેરાત થઇ કે વિમાન ખોટા રનવે પર ચઢી ગયું છે એટલે ટેક ઓફ કરતા ટાઇમ લાગશે. બધાં પેસેંજરો બિચારા વિમાનમાં ભરાઇ ગયા. હવે બીજા રનવેથી ટેક ઓફ કરવા માટે જ્યાં સુધી એ રન વે પર લેન્ડ થનારી બીજી ફ્લાઇટો લેન્ડ ના થાય ત્યાં સુધી રાહ જોવી રહી. છેવટે 7-15 વાગ્યે એટલે નિયત સમય કરતા 1 કલાક અને 5 મિનીટ મોડા અમારા વિમાને ઉર્ધવગમન કર્યું. એરપોર્ટના રનવે પર અટવાયેલો હતો ત્યારે મેં બીજી એક વાત નોંધી કે ત્યાં રન વે પર બાકાયદા ટ્રાફિક સિગન્લની સિસ્ટમ હતી. એટલે કે જો કોઇ વિમાન રનવે પર જતું હોય તો બીજા વાહનો માટે લાલ લાઇટ હોય એટલે એ વાહનો ઉભા રહે જ્યાં સુધી વિમાન ના જાય ત્યાં સુધી. આ મને થોડી ખતરાજનક વાત લાગી. ના કરે નારાયણને સાલું કોઇ વાહનચાકલનું મગજ ફટક્યું અને વિમાનમાં વાહન ઘૂસાડી દે તો મારામારી થઇ જાય ને? (ડેનવરમાં “The Dark Knight Raiser”ના સ્ક્રિનીંગ દરમ્યાન ગોળીબારનો કિસ્સો હજુ તાજો જ હતો એટલે આવા વિચારો આવે એ સ્વાભાવિક છે). લગભગ 8:45ની આસપાસ અમે ડાલીઆન પહોંચ્યા. એરપોર્ટ મને શાંઘાઇ કરતા થોડું સારુ લાગ્યું પણ ત્યાની લગેજ માટેના converyor beltની સિસ્ટમ થોડી વિચિત્ર લાગી. સૌ પ્રથમ મેઇન બેલ્ટ પર લગેજ આવતો હતો અને ત્યાંથી એક ઢાળ પરથી સામાન નીચે લગેજ બેલ્ટ પર લપસીને આવતો હતો જેને કેચ કરવા માટે 🙂 એક લેડી ત્યાં ઉભી હતી એટલે સામાન આંચકા સાથે દિવાલ પર અથડાય નહીં અને એ લેડી લગેજને કેચ કરીને લગેજ બેલ્ટ પર બરાબર ગોઠવતી હતી. આવી ગોઠવણ કેમ મને ના સમજાયું.  હવે આ ગોઠવણમાં Fragileના સ્ટીકર લગાવેલા સામાનો પણ આવતા હતા. અમુક ખોખામાં આવેલા સામાનો ફાટેલા પણ મેં જોયા. ટૂંકમાં Fragileનું સ્ટીકર તમે તમારા મનના સંતોષ માટે જ લગાવ્યું હોય એવી વ્યવસ્થા હતી.

એરપોર્ટ પર બહાર નીકળતા જ ચાઇનીઝ તહેઝીબનો અનૂભવ થઇ ગયો. લોકો ટેક્ષીની લાઇનમાં ઉભા ઉભા બીજા લોકોની પરવા કર્યા વિના બિંદાસપણે ધૂમ્રપાનનો આનંદ લઇ રહ્યા હતા. વળી એક બે નહીં પણ 3-4 જણા આ ભગીરથા કાર્યમાં લાગ્યા હતા. આ જોઇને મને મલેશિયાનું એરપોર્ટ યાદ આવી ગયું. ત્યાં પણ આ જ હાલત છે. આ એક બાબતે કદાચ આપણે ભારતીયો કદાચ સારા છીએ. રાત્રે લગભગ 9:30 વાગ્યે અમે હોટેલ પર પહોંચ્યા. એરપોર્ટથી ટેક્ષીમાં હોટલ જવામાં લગભગ 20-25 મિનીટ જેવો સમય લાગ્યો. રસ્તા થોડા ભીના હતા એટલે લાગ્યુ કે થોડા સમય પહેલા વરસાદ પડ્યો હશે. વાતાવરણ એકદમ ઠંડુ હતુ અને ટેક્ષીમાં બેઠા બેઠા ઠંડા પવનના સપાટા ખાવાની મઝા આવી કારણ કે સિંગાપોરમાં આવી હવા ભાગ્યે જ ખાવા મળે. ટૂંકમાં દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું અને એમ થયું કે હોટેલ થોડી દૂર હોય તો સારુ તો થોડી વધૂ ઠંડી હવા ખાવા મળે :).

અમારી હોટેલ હતી “Howard Johnson Parkland Hotel”. હોટલ પર પહોંચ્યા બાદ ચેક ઇન કરી લીધું. ચેક ઇન કાઉંટર પર પણ લોકોને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હતી. મારી સાથે ઓફિસના બીજા બે સિંગાપોરના ચાઇનીઝો હતા એટલે એમણે બધી વિધિ મારા વતી પતાવી દીધી. હોટેલ પંચતારક હોવાથી બધી જોઇતી સુવિધાઓ રૂમમાં ઉપલબ્ધ હતી. સૌથી સારી વાત એ કે મફતમાં wi-fi સુવિધા પણ હતી પણ સ્પીડ ધીમી હતી. જો કે સ્પીડ કરતા પણ મોટી સમસ્યા એ હતી કે ફેસબુક, ટ્વીટર, વર્ડપ્રેસ, ગુગલ+ બધું blocked હતું (first test of censorship) એટલે ખાલી મેઇલ ચેક કરી શકો અથવા કોઇ ટાઇમ્સ ઓફ ઇંડિયા જેવા સમાચારપત્રો વાંચી શકો. ટીવીમાં અમુક મૂવી ચેનલો અને બીજી ચાઇનીઝ ચેનલો આવતી હતી પણ મને એમાં બહુ રસ ના પડ્યો. આખા દિવસનો મુસાફરીનો થાક હતો એટલે તરત પથારીમાં લંબાવ્યું અને સમાધી લગાવી.

ચાઇના મુસાફરી દરમ્યાન કરેલા બીજા અવલોકનો, વધૂ માહિતી અને ફોટા માટે બીજી પોસ્ટ લખવાનો વિચાર છે. (Time Permitting Smile) …..

To the land of great wall

આવતા રવિવારે 5 દિવસની ટૂંકી બિઝનેસ ટ્રીપ પર ચાઇના જવાનું છે. ચાઇનામાં Dalian શહેરમાં જવાનું છે. Dalian શહેરમાં અમારી કંપનીની ઓફિસ છે. Dalianમાં ઘણી બધી વિદેશી કંપનીઓની ઓફિસો છે અને ત્યાં સોફ્ટવેરપાર્ક પણ ખૂલેલા છે. આ કારણે Dalianમાં Expat એટલે કે પચરંગી પ્રજા ઘણી છે.

પહેલી વખત ચાઇના જઇ રહ્યો છું પણ મારા જેવા સિંગાપોરના રહેવાસીને ચાઇના બહુ અલગ નહીં લાગે એવું લાગે છે. મારા જેવા શુધ્ધ શાકાહારી માણસને ખાવા પીવાની ભરપૂર તકલીફ પડવાની સંભાવના છે પણ હોટલમાં સવારના વેસ્ટર્ન નાસ્તા થકી કામ ચાલી જશે એવું લાગે છે. જ્યાં રોકાવાનું છે એ હોટલમાં દર સોમવારે Indian Buffet Meal ઓફર કરાય છે એવું વેબસાઇટો પર રિવ્યુમાં લોકોએ લખ્યું છે. જો આ વાત સત્ય હોય તો સારુ. બાકી ગુજ્જુભાઇઓના કાયમી સંગાથી એવા થેપલા તો લઇ જ જવાના છે. 🙂

જ્યાં રહેવાનું છે એ હોટલ સારી છે અને એની આજુબાજુનો વિસ્તાર સારો છે.  હોટલની પાસે જ બીચ છે એટલે સાંજે ઓફિસેથી આવ્યા પછી ઠંડી હવા ખાવા બીચ પર જઇ શકાય. સૌથી સારી વાત એ છે કે વર્ષના આ સમય દરમ્યાન Dalianમાં તાપમાન 20 – 30 ડિગ્રી સે. જેટલું જ રહે છે એટલે મારા જેવા ગરમીથી અકળાયેલા માણસો માટે થોડી રાહત રહેશે. બીજે ક્યાં ક્યાં ફરવા જવું એ હજી નક્કી નથી કર્યું. કદાચ ત્યાં પહોંચ્યા પછી હોટલમાંથી વધૂ માહિતી લઇને ક્યાં જવું એ નક્કી કરીશું.

Itineraryમાં Singapore – Shanghai – Dalianનો રૂટ છે. સવારના 10 વાગ્યે સિંગાપોરથી ફ્લાઇટ છે જે મને Dalian રાત્રે 8 વાગ્યે પહોંચાડશે. 7 કલાક હવામાં કાઢવાના છે અને મને એનો સૌથી વધૂ કંટાળો છે. હવાઇ મુસાફરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તમે વારે ઘડીએ પગ છૂટો કરવા ના જઇ શકો. પગ છૂટો કરવા જવું હોય તો પણ બીજા બે જણાને હેરાન કરવા પડે એટલે એ મોઢા બગાડે અને વિમાનની નાની જગ્યામાં આંટા ફેરા મારો તો વિમાન પરિચારીકા મોઢા બગાડે. 🙂 શાંઘાઇમાં વચ્ચે ત્રણ જ કલાકનું રોકાણ છે એટલે બહાર ક્યાંય જઇ નહીં શકાય પણ ત્યાં એરપોર્ટ પર હરી ફરીને થોડું duty free શોપિંગ કરવાનો વિચાર છે. પાછા ફરતી વખતે પણ આજ રૂટ છે.

20120717_201821

આમ તો મોટા ભાગના ખર્ચા ક્રેડિટ કાર્ડથી જ પતાવવાના છે તો પણ આજે યાત્રા માટે જરૂરી એવું વિદેશી હૂંડિયામણ લઇ લીધું. એક સિંગાપોર ડોલરના હાલમાં 5 યુઆન મળે છે. 1 યુઆન એટલે લગભગ 9 ભારતીય રૂપિયા થાય.

 

 

 

 

 

 

 

ચાઇનાથી પાછા આવ્યા બાદ નવા દેશના નવા અનૂભવો વિશે લખીશ. ચાઇનાની આ યાત્રા સાથે એશિયાના માંધાતા ગણાતા બધા દેશોમાં (કોરિયા અને જાપાન સિવાય) મારો થપ્પો પૂરો થઇ જશે.

માનસિક વિકલાંગતા – સત્યમેવ જયતે

આપણી માનસિક  વિકલાંગતાને ઉજાગર કરતો આજનો "સત્યમેવ જયતે"નો હપ્તો જોઇને સારુ લાગ્યુ. અત્યાર સુધીના "સત્યમેવ જયતે"ના દરેક હપ્તામાં આમીરે એવા મૂદ્દા/સમસ્યાઓ પ્રસ્તુત કરી હતી કે જેની બધાને ખબર જ છે અને એ બદીઓની જાગરૂકતા ઓછા વત્તા અંશે આપણા સમાજમાં છે જ. જો કે આજના હપ્તામાં જે સમસ્યાની વાત થઇ એ સમસ્યા માત્ર અને માત્ર વિકલાંગોને જ કે જે દિવસ રાત આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે એમને ખબર છે. જે માણસના બધા અંગ ઉપાંગો યોગ્ય છે એ ક્યારેય વિકલાંગોના જીવનના સંઘર્ષને સમજી નથી શકવાનો. બહુ બહુ તો આપણે અંધ માણસને રસ્તો પાર કરાવી કે વિકલાંગો પર દયા ઉપજાવીને આપણે આપણી સામાજીક જવાબદારી પૂરી કરી લીધાનો સંતોષ લઇ લેતા હોઇએ છીએ.

આ બાબતે મને સૌ પ્રથમ સભાનતા આવી 2006ની સાલમાં જ્યારે હું સિંગાપોર આવ્યો. સિંગાપોરમાં મારા અનૂભવ પ્રમાણે મોટા ભાગની જગ્યાઓ handicapped friendly છે (જો કે આ વાત વિશે કોઇ વિકલાંગ જ વધૂ સારી રીતે જણાવી શકે) Public transport(બસ અને ટ્રેન બન્ને) હોય કે ઓફિસો હોય કે મોલ હોય કે amusement park હોય દરેક જગ્યાએ મેં વિકલાંગો માટે સુવિધાઓ જોઇ છે. અહીં સિંગાપોરમાં એવી પ્રણાલી છે કે જો કોઇ વિકલાંગ કે disabled માણસ બસ ડ્રાઇવરને બસ સ્ટોપ પર ઉભેલ દેખાય એટલે એ બસ ડ્રાઇવર બસમાંથી નીચે ઉતરે, રેમ્પ તૈયાર કરે અને એ વિકલાંગ વ્યક્તિની wheel chairને પોતે જાતે બસની અંદર લઇ જાય અને એ વિકલાંગ વ્યક્તિને બરાબર બસમાં લીધા બાદ જ ડ્રાઇવર બસ આગળ વધારે. જ્યારે એ વિકલાંગ વ્યકતિને બસમાંથી ઉતરવું હોય ત્યારે પણ બસ ડ્રાઇવર એને મદદ કરે. (જો કે હવે બસોમાં વધતી જતી ભીડના લીધે આ બાબતે થોડી સમસ્યાઓ ઉભી થઇ રહી છે.)  દરેક જગ્યાએ અહીં વિકલાંગો માટે અલગ બાથરૂમો હોય છે (એવા મોટા બાથરૂમો કે જેમાં વિકલાંગ વ્યક્તિ wheel chair સાથે જઇ શકે). Ramp અહીં દરેક જગ્યાઓએ વિકલાંગો અને ઘરડા વ્યક્તિઓ માટે હોય જ છે. અંધ વ્યક્તિઓ માટે પણ અમુક અગત્યના રસ્તાઓ પર floor guides હોય છે. ભારત બહાર વિકલાંગ વ્યક્તિઓ માટે આવી અને બીજી સુવિધાઓ પ્રાપ્ય હોય છે એટલા માટે જ અહીં વિકલાંગ વ્યક્તિ પણ અંશત: એક સામાન્ય માણસની જેમ જીવી શકતો હોય છે, પોતાની રોજી રોટી રળવા માટે સક્ષમ બની શકવા હિંમત પામે છે. આ બધું જોતા મને ખરેખર ભારતના વિકલાંગો પર વધૂ દયા અને આપણી માનસિકતા તથા સરકારી નિષ્ક્રિયતા પર ગુસ્સો આવે છે. આ બધી સુવિધાઓ ઉભી કરવી એ કોઇ મોટી વાત નથી પણ આપણી એવી કોઇ દૂરંદેશીતા નથી કે કોઇ ઇચ્છાશક્તિ નથી જે ખરેખર દયનીય છે. આપણા સમાજમાં "inclusive growth” જેવી વાત જ નથી. વિકાસ કે સમાજના ઉત્થાનની તો કોઇ રાજકારણી વાત કરતા જ નથી ફક્ત લઘુમતીઓના તુષ્ટિકરણ અથવા તો આજકાલ જેમ ચાલે છે એમ કડુઆ પટેલ, લેઉઆ પટેલ, પાટીદાર પ્રજા વગેરેની રાજનીતિમાં કબરમાં પગ લટકાવીને બેઠેલા રાજનેતાઓ લાગ્યા છે.

આજના કાર્યક્રમ બાદ આપણી માનસિક વિકલાંગતાની સ્થિતિમાં થોડો સુધારો આવે તો સારુ છે. આજના કાર્યક્રમની શરૂઆતમાં જે નાની અપંગ છોકરીનો વિડીયો બતાવાયો હતો એ ખૂબ જ લાગણીસભર હતો. સાથે સાથે બેંગ્લોરના લોબો દંપત્તિ કે જેમણે નિશા જેવી બાળકીને અપનાવી એમને પણ સલામ. આવા ઉદાહરણો હજી પણ ભગવાનની કરૂણામાં આપણો વિશ્વાસ જાળવી રાખે છે.

Japan–The land of rising sun, seeing sunset??

લોકોને જાપાની સભ્યતા અને જાપાની લોકો માટે ઘણું માન હોય છે. જાપાનીઝ વસ્તુઓ બહુ જ ટકાઉ હોય, સારી ગુણવત્તાવાળી હોય, જાપાની લોકો બહુ મહેનતુ પ્રજા, વગેરે… વગેરે…. વાત અમુક અંશે સાચી પણ આજની તારીખમાં આ કહેવાતા ઉગતા સૂર્યના દેશની દશા અને દિશા બહુ સારી નથી. ભલે દશા સારી ના હોય તો વાંધો નહીં પણ દિશા તો સારી હોવી જોઇએ કે જેથી દશાને સુધારી શકાય.

આજે આ બાબતે એક સરસ લેખ સિંગાપોરના ટેબ્લોઇડમાં વાંચ્યો જે બ્લોગના વાચકો સાથે વ્હેંચી રહ્યો છું.

Three reason’s Japan’s pain is getting worst

જે ત્રણ કારણો આ લેખમાં દર્શાવવામાં આવ્યા છે એ નીચે મુજબ છે :

1. ખૂબ જ નીચો જન્મદર

2. વધતી જતી ઘરડી પ્રજા

3. પોતાની સભ્યતા પ્રત્યે વધૂ પડતુ અભિમાન અને બહારની પ્રજા પ્રત્યેનો અણગમો

હું જાપાન કદી ગયો નથી (અને જો મજબૂરી નહીં હોય કે ભૂખે નહીં મરતો હોઉ તો જઇશ પણ નહીં ક્યારેય… ફરવા માટે પણ જઇશ તો કદાચ દુનિયાના બધા સ્થળો પતી ગયા હશે ફરવાના તો જ જઇશ) પણ બે વખત મારે જાપાનીઝ કંપનીઓમાં અથવા તો જાપાનીઝ માણસો સાથે કામ કરવાનો પનારો પડ્યો છે. એટલે જાપાનીઝ સભ્યતા અને જાપાનીઝ લોકો વિશે હું થોડું ઘણું જાણું છું. ઉપર જે કારણો જાપાનની ખરાબ થતી જતી સ્થિતિ વિશે આપ્યા છે એ એકદમ યથાર્થ છે. આજકાલની જાપાનીઝ પ્રજા જલ્દી લગ્ન કરવામાં અને જીંદગીમાં સેટલ થઇ જવામાં નથી માનતી આનું મુખ્ય કારણ એ છે કે જીવન જીવવાનો અને કારકિર્દી બનાવવાનો જ સંઘર્ષ એમના માટે એટલો વધી ગયો છે કે આ બધાંમાં પડવાનો એમના માટે કોઇ સમય જ નથી. જાપાનમાં cost of living ઘણી ઉંચી છે. ટોકિયો જેવા મોટા શહેરમાં જો તમે શહેરી વિસ્તારમાં ઘર લેવા માંગતા હો તો તમારી બે પેઢીઓ તો આરામથી લોનના માસિક હપ્તાઓ(EMI))ની ચંગુલમાં ફસાઇ જાય. બાપ ઘર ખરીદે અને છોકરો પણ ખરીદેલા ઘર માટે EMI ભરતો હોય એવી હાલત છે. લોકો ટોકિયો જેવા શહેરથી 100 કિમી દૂર (downton) રહેતા હોય છે અને ટોકિયો રોજ અપડાઉન કરતા હોય છે. એટલા માટે સુપર ફાસ્ટ બુલેટ ટ્રેનો દોડાવવી પડે છે. બાર કલાકની કામમાં મજૂરી અને 100 કિમી અપડાઉન કરીને આવેલો થાકેલો પાકેલો માણસ ઘરે આવે ત્યારે એની પાસેથી શું આશા રાખી શકાય? આવી આકરી દિનચર્યાના કારણે સામાજીક જીવન ભાંગતુ જાય છે. જાપાનીઝ લોકોમાં રાત્રે ડીનર કરતા પહેલા ડ્રીંક્સ લેવું એ આજકાલ નિયમ જેવું થઇ ગયું છે. થાકને ભૂલવા માટે અને બીજા દિવસે પીલાવા માટે પોતાની જાતને તૈયાર કરવા માટે ડ્રીંક્સ જરૂરી છે એવું થઇ ગયું છે એમને. મોટા શહેરોમાં મોંઘવારી એટલી છે કે ત્યાં સામાન્ય આવકવાળા માણસને ટેક્ષી કરતા પહેલા દસ વખત વિચારવું પડે. ખાવા પીવા અને તબીબી સેવાઓ પણ મોંઘી છે. ટૂંકમાં સામાન્ય જીવન જીવવા માટેનો એટલો સંઘર્ષ છે કે આજકાલની નવી પ્રજા લગ્ન કરવાનું ટાળે છે અને જો લગ્ન ના થાય તો છોકરા કરવાની વાત તો ક્યાં થાય? બસ આ જ કારણ છે નીચા જન્મદરનું. મારા એક  જાપાનીઝ બોસની ઉંમર લગભગ 57 વર્ષની હતી એમણે લગ્ન કર્યા હતા પણ એક પણ સંતાન નહોતું. ખબર નહીં છોકરા કરવાનું કદાચ યાદ જ નહીં આવ્યું હોય. 🙂

તબીબી વિજ્ઞાનની પ્રગતિના લીધે આજે દુનિયાભરમાં લોકોની સરેરાશ આયુમાં વધારો થયો છે. જાપાનને પણ આ વાત લાગુ પડે છે. લેખમાં જેમ લખ્યું છે એમ અહીંના લોકોની સરેરાશ આયુ 84 વર્ષની થઇ છે. જેમ ઘરડી પ્રજા વધૂ એમ સરકાર પર એના નિભાવ માટેનો ખર્ચ પણ વધતો જાય. ઘરડી પ્રજા માટે તબીબી સેવાઓ, પેન્શન, સોશિયલ સિક્યુરીટી વગેરે માટે સરકાર પર કમ્મરતોડ બોજો પડે અને આ ખર્ચો એવો છે કે ના પણ ના પાડી શકાય. એટલે આ ખર્ચાઓને પહોંચી વળવા માટે બીજા જરૂરી ખર્ચાઓ પર સરકારને કાપ મૂકવો પડે અથવા દેવું કરવું પડે. વળી ઓછા જન્મદર અને વધૂ પડતી ઘરડી પ્રજાના લીધે કામ કરી શકનારા માણસોની સંખ્યા જે સરભર થવી જોઇએ એ ના થઇ શકે.

આ ઉપરાંત workforce regenerationની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર બહારના દેશોમાંથી કોઇ નાગરિકોને પણ બોલાવાતા નથી. આમ કરવા પાછળનું કારણ આ લેખમાં લખવામાં આવ્યું છે એ જ છે કે અહીંના લોકોનું પોતાની સભ્યતા પ્રત્યેનું અભિમાન. જાપાની લોકો પોતાની જાતને દુનિયાની સૌથી હોશિયાર પ્રજા માને છે. બીજા કોઇ પર ભરોસો ના કરવો એ જાપાની પ્રજાની મુખ્ય લાક્ષણિકતા છે. દુનિયાના કોઇ પણ ખૂણામાં જાપાની કંપની પોતાની ઓફિસ ખોલશે પણ એના મુખ્ય પદાધિકારી તરીકે જાપાનીઝ માણસ જ હશે કારણ કે સ્થાનિક લોકો જાપાનીઝ જેટલા હોશિયાર અને સુજ્ઞ થોડી હોય? કામ કરવાની પોતાની પધ્ધતિઓને એટલી જડતાથી એ લોકો વળગી રહે કે બીજા કોઇની સારી વાતોને પણ નજરઅંદાજ કરતા રહે. વારે વારે કોઇ કાર્ય પ્રણાલી નિષ્ફળ જતી હોય તેમ છતાં પણ એ જાપાની કાર્ય પ્રણાલીને વળગી રહેવું અને ગધેડાની જેમ ઢસરડા કરતા રહેવું એ જાપાની પ્રજાના લોહીમાં છે. Smart Work કોને કહેવાય એ જાપાનીઓ સમજી નથી શક્યા અને સમજવાની કોઇ ઇચ્છાશક્તિ પણ નથી હોતી. વળી એક વિચિત્ર (કે સારી જે ગણો એ) લાક્ષણિકતા એ છે કે જાપાની સ્નાતક થયા બાદ જે કંપનીમાં જોડાયો હોય એ જ કંપનીમાંથી મોટા ભાગે નિવૃત્ત થતો હોય છે. Bossism બતાવવી જાપાની લોકોને બહુ ગમે છે. જાપાનીઝ લોકો ફરજિયાત પણે પોતાની નામ પાછળ san લગાવીને તમે એમને બોલાવો એવો દુરાગ્રહ રાખે છે. (આપણે જેમ માનાર્થે કૃણાલભાઇ કહીએ એમ અહીં "ઓસાકા સાન" એવું ફરજિયાત કહેવાનું) ભારતમાં તો આજ કાલ બોસને પણ લોકો નામથી જ બોલાવતા હોય છે અને એવી સભ્યતામાંથી આવ્યા હો તો તમને આવા જાપાનીઝ સભ્યતાના દુરાગ્રહ પચાવવા અઘરા પડે. એક નેટવર્ક એન્જીનિયર તમારા માથે સોફ્ટવેર પ્રોજેક્ટ હેડ થઇને બેઠો હોય એવી શક્યતા તમે જાપાનીઝ કંપનીમાં નકારી ના શકો અને તમે એમ માનતા હો કે એ નેટવર્ક એન્જીનિયર એવો હોશિયાર કે દમદાર હશે તો એવું નથી. એ નેટવર્ક એન્જીનિયરની એક જ એવી ખૂબી છે કે જે એને તમારો સાહેબ બનાવી દે અને એ ખૂબી છે કે એ જાપાનીઝ છે. જાપાનીઝ લોકોને પોતાની ભાષાનું પણ એટલું જ અભિમાન હોય છે. મને એક પ્રસંગ યાદ આવે છે. અમારી કંપનીમાં 5 દિવસની સળંગ રજા હતી પણ પ્રોજેક્ટના અમુક કામોને લીધે અમારા જાપાનીઝ સાહેબે બધાંને રજાઓ દરમ્યાન ઓફિસ આવવા માટે કહ્યું હતું. જોવા જેવી વાત એ થઇ કે મારા જાપાનીઝ બોસ એ પાંચે પાચ દિવસ આવ્યા અને ધ્યાન રાખ્યું કે કોણ કોણ ક્યારે ક્યારે આવ્યું. છઠ્ઠા દિવસે જ્યારે ઓફિસ ખૂલી ત્યારે સવારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે મારા મેઇલબોક્ષમાં મારા બોસનો મેઇલ હ્તો જેમાં એમણે વિગતે કોણ કોણ કેટલા દિવસ માટે આવ્યું હતું એની માહિતી લખી હતી. જેમ હું 2.5 દિવસ ગયો હતો તો ગણીને 2.5 દિવસનું એ મેઇલમાં acknowledgement હતું. વળી મેઇલમાં એવું પણ લખ્યું હતું કે અમારી ટીમ પાસેથી બીજા લોકોએ પ્રેરણા લેવી જોઇએ (એટલે કે લોકોએ રજાઓમાં પણ ઓફિસ આવતા શીખવું જોઇએ). આવી ચોકીદારોની માનસિકતા સહન કરવી એ થોડી અસહ્ય છે. રિવ્યુ મિટીંગ જ્યારે થતી હોય ત્યારે હક્કથી તમને એમ કહેવામાં આવે કે તમે જે 8 કલાક તમારી નોકરીમાં મૂકો છે એ પૂરતા નથી… કંપની તમારી પાસેથી વધારેની આશા રાખે છે. વળી આપણે કંપની પાસેથી શું આશા રાખીએ છીએ એ નહીં જોવાનું. 

જાપાની સભ્યતાના વળતા પાણી છે છતાં તેઓ કોઇ સુધારો કરવા નથી માંગતા. સમસ્યાની સ્વિકૃતિ જ જો ના હોય તો એનો હલ શોધવાની ક્યાં વાત રહી? આ મૂદ્દે હું સિંગાપોરની સ્થિતિ જોઉ છું તો મને ઘણું સારુ લાગે છે. સિંગાપોરમાં પણ નીચો જન્મદર, ઘરડી થતી જતી પ્રજા એવી સમસ્યાઓ છે. અહીંની સરકાર આ સમસ્યાઓને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહી છે. લોકોને જલ્દી લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. નવા યુગલો પ્રજોત્પત્તિ માટે પ્રયત્ન કરે એ માટે સાનૂકુળ વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરી રહી છે. (પ્રયાસો છે પણ પ્રયાસો કેટલા અસરકારક છે એ ચર્ચા અહીં નથી કરવી) સાથે સાથે પુષ્કળ માત્રામાં મારા જેવા લોકોને પણ સિંગાપોરમાં આયત કર્યા છે. આ પ્રયત્નોના લીધે મને લાગે છે કે સિંગાપોરમાં સ્થિતિ જાપાનની જેમ નહીં થાય. જાપાને સિંગાપોર પાસેથી આ બાબતે બોધપાઠ લેવો રહ્યો.

Disclaimer :

above write up is based on the article (the link for which already given) from tabloid and my own encounters with japanese people and culture. People may differ on their opinions on the subject and may find my expression here bit extreme but it is just my viewpoints and I’m entitled to my viewpoints. All feedbacks welcome.

સિંગાપોર અંદાજપત્ર 2012

વર્ષની શરૂઆત અંદાજપત્રની સિઝન હોય છે. ગઇ કાલે સિંગાપોરનું વાર્ષિક અંદાજપત્ર અહીંની સંસદમાં અહીંના નાણામંત્રીએ રજૂ કર્યું. નીચે અંદાજપત્રની અમુક મુખ્યુ રજૂઆતો નીચે મૂકી છે :

  • સિંગાપોરમાં man power ની કમી છે અને સિંગાપોરના અર્થતંત્રને ચલાવવા માટે (અથવા દોડાવવા માટે) વધૂ ને વધૂ માણસોની જરૂર છે. દરેક નાની મોટી નોકરી માટે સરકાર બહારથી માણસોને બોલાવી ના શકાય એટલે અહીંની સરકાર વધૂ ને વધૂ ઘરડા લોકોને કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ વખતના અંદાજપત્રમાં સરકારે એવી દરખાસ્તો મૂકી છે કે જેથી ઘરડા લોકો 60 વર્ષની ઉંમર પછી પણ કામ કરવા પ્રેરાય. જેમ કે 50 વર્ષંથી વધૂ ઉંમરવાળા કર્મચારીઓને 2-3 % વધૂ રકમ CPF (Central Provident Fund)માં મળશે. જો કે આ 2% નો ભાવવધારો કંપનીના માથે નાંખવામાં આવ્યો છે. (આ ભાવવધારાને સરભર કરવા માટે સરકાર કંપનીઓને અમુક રોકડ સહાયતા આપશે. આમ કરવાથી વધૂ ને વધૂ કંપનીઓ ઘરડા લોકોને કંપનીઓ નોકરી આપવા માટે પ્રેરાય). આ ઉપરાંત 55 વર્ષથી વધૂ ઉંમરના કર્મચારીઓ માટે કરમર્યાદા રાહતને 3000 ડોલરથી વધારીને 6000 ડોલર કરી છે. આ રજૂઆતો થકી સરકારે પ્રયત્ન કર્યો છે કે ઘરડા લોકો પાસે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રહે અને એમની પાસે હાથમાં થોડા પૈસા પણ રહે આથી તેઓ સ્વસ્થ અને સ્વાવલંબી જીવન જીવી શકે.
  • જે લોકો ઘરડા છે, જેઓ કામ કરી શકે એમ નથી અથવા જેમને elderly careની જરૂર છે એમના માટે પણ અંદાજપત્રમાં દરખાસ્તો રજૂ કરાઇ છે. અહીંના સરકારી મકાનોમાં ઘરડા લોકો માટે વધૂ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે લોકો ઘરમાં elderly care માટે સુવિધાઓ મૂકાવશે એમને સરકાર સહાયતા કરશે. આ ઉપરાંત સરકાર લોકોના Medisave ખાતામાં પણ અમુક રકમ જમા કરાવશે. જો કે આ રકમ વાર્ષિક 50 – 400 ડોલર જેવી નાની છે પણ સરકાર તરફથી જે પણ મળે એ આવકાર્ય છે. જે લોકો ઘરડા લોકોની સારવાર માટે maid રાખવા માંગે છે એમને સરકાર તરફથી દર મહીને 120 ડોલરની સહાયતા મળશે. (અહીંના maid craze અને culture વિશે ફરી કોઇ વખત વાત કરીશ).
  • આ ઉપરાંત જે કંપની અમુક શારીરિક ખોડખાંપણવાળા વ્યક્તિઓને રોજગારી આપશે એમને સરકાર પ્રોત્સાહન આપશે અને તે વ્યક્તિના પગારના 16% સરકાર તરફથી કંપનીને આપવામાં આવશે. આ ઉપરાંત આયકરમાં પણ આવી વ્યક્તિઓ માટે છૂટછાટો આપવામાં આવી છે.  આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે તકલીફવાળા બાળકો માટે પણ અમુક રાહતો જાહેર કરવામાં આવી છે.
  • અહીં ભણતા છોકરાઓ માટે સરકાર તરફથી ઘણી રાહતો પહેલેથી જ છે. અહીં ભણતા છોકરાઓ જે ખરેખર આગળ વધવા માંગે છે અને યોગ્યતા છે પણ પૈસાના અભાવે એમનો વિકાસ રૂંધાતો હોય એમના માટે સરકાર તરફથી પૂરતી સહાયતાઓ છે. Pre School Subsidies, Edusave fund, Scholarships, Bursaries, આ બધી યોજનાઓ થકી વાલીઓને પૂરતી આર્થિક સહાયતા મળી રહે છે. આ ઉપરાંત પણ અહીંની શાળાઓ અને કોલેજોમાં exchange program થકી યોગ્ય વિધ્યાર્થીઓને બહારના દેશોમાં જવાની તક પણ આપવામાં આવે છે (જો કે અહીં “conditions apply” :)) આ વખતના અંદાજપત્રમાં આ સહાયતાઓને વધારવામાં આવી છે. આમ જોવા જઇએ તો આ સારી વાત છે કારણ કે સરકાર દેશના ભવિષ્યમાં રોકાણ કરી રહી છે. (વધૂ જાણવા માટે વેબકાસ્ટ લિંક પર 1:35 મિનીટના માર્કથી આગળ જુઓ)
  • આ વખતના અંદાજપત્રની સૌથી મુખ્ય જાહેરાત છે “GST Voucher”. સિંગાપોરમાં તમે કોઇ પણ સેવાનો ઉપયોગ કરો કે કોઇ પણ વસ્તુ ખરીદો દરેક પર 7% GST(Goods and Service Tax) તમારે સરકારને આપવો પડે. તમે એક સફરજન ખરીદો કે મોટી કાર ખરીદો સરકારને 7% મળવાના જ છે અને આ 7%થી ક્યારેય બચી ના શકો તમે. સિંગાપોર સરકારની એક નીતિ છે કે કર પ્રણાલી હંમેશા progressive હોવી જોઇએ એટલે કે જે લોકો ગરીબ છે એમની પાસેથી ઓછો કર લેવો જોઇએ અને જે લોકો અમીર છે એમની પાસેથી વધારે કર લેવો જોઇએ. અહીંની આયકર પ્રણાલીમાં આ progressive પ્રણાલી છે પણ GST અમીર કે ગરીબ બધાં પાસેથી 7% લેવામાં આવે છે. આ વાતને સુધારવા માટે સરકારે આ વર્ષે "GST Voucher"ની યોજના જાહેર કરી છે. આ યોજના મુજબ સરકાર ત્રણ રીતે નાગરિકોને સહાયતા આપશે. રોકડ સહાયતા આપશે, Medisave ખાતામાં સરકાર અમુક રકમ જમા કરશે અને લોકોના યુટીલીટી બિલની રકમમાં સરકાર રાહત આપશે. કોને કેટલી સહાયતા મળશે એ વાત કોણ કેટલું કમાય છે, કોને કેટલી સહાયની જરૂર છે, કોણ કેટલા મોટા કે નાના ઘરમાં રહે છે આ બધી વાતો પરથી નક્કી થશે. જો કે આ યોજના થકી લગભગ દરેક સિંગાપોરને નાગરિકને એટલી રકમ તો મળશે જ કે જેથી તેઓ GST થકી સરકારને આપેલા કરને પાછો મેળવી શકે.
  • સિંગાપોરના ઉદ્યોગ જગતને પ્રોત્સાહન માટે પણ સરકારે અમુક દરખાસ્તો રજૂ કરી છે. જેમ કે નાની કંપનીઓ જે આજના મંદીના જમાનામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહી છે એમને સરકાર તરફથી તેમના છેલ્લા વર્ષના ટર્ન ઓવરના 5% રકમ (મહત્તમ 5000 ડોલર) ની રોકડ સહાયતા મળશે. આ ઉપરાંત અહીંની કંપનીઓ Productivity વધારવા માટે જે ખર્ચો કરતી હોય છે એમાં સરકાર સહાય કરતી હોય છે અને આ સહાયતાઓમાં અપાતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ પોતાના કાર્યકરોની training પાછળ જે ખર્ચો કરે છે એમાં પણ ઘણી રાહતો સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત જો ઓફિસ કે કામકાજની જગ્યાને renovate કે refurbishment કરો તો 3 લાખ ડોલર સુધીની રકમ પર આયકરમાં રાહત મળશે. આ મર્યાદા પહેલા કદાચ 1.5 લાખ ડોલર હતી. 
  • અહીંની કંપનીઓ કેટલા foreign worker કંપનીમાં રાખી શકે એ માટે સરકારે અમુક મર્યાદાઓ રાખી છે જેમ કે ઉદાહરણ તરીકે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાંથી ફક્ત 60% જ foreign worker હોઇ શકે. હવે આ મર્યાદા દરેક પ્રકારના કર્મચારી વર્ગ માટે 5% ઘટાડી નાંખવામાં આવી છે. એટલે હવે અહીંની કંપનીઓને સ્થાનિક લોકોને વધૂ કામ પર રાખવા પડશે.
  • અહીંના public transportને સુધારવા માટે હવે સરકાર રહી રહીને જાગી હોય એવું લાગે છે. આ વખતે સરકારે 1 બિલીયન ડોલરથી પણ વધૂ રકમની જોગવાઇ નવી 550 બસ ખરીદવા માટે કરી છે. આ ઉપરાંત 250 બસ અહીંની જે ખાનગી transport કંપનીઓ છે તે સેવામાં ઉમેરશે. જોઇએ આ જોગવાઇઓ પરિસ્થિતિ કેટલી સુધારી શકે છે.
  • આયકરના માળખામાં આ વખતે કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો (મારા માટે નિરાશાજનક વાત). આ ઉપરાંત દર વર્ષે અમને આયકર પર 20%ની છૂટ મળતી હતી એ છૂટ પણ હવે નહીં મળે (મારા માટે વધૂ નિરાશા :)) ટૂંકમાં મારે 20% આયકર વધી જશે આ વખતે.
  • છેવટે આ વર્ષના અંદાજપત્રમાં 2.3 બિલીયન સિંગાપોર ડોલરની પૂરાંત બોલે છે. ટૂંકમાં સરકાર નફામાં ચાલી રહી છે.

આ છે આ વખતના અંદાજપત્રની મુખ્ય રજૂઆતો. વાંચનાર ભારતીયોને નવાઇ લાગતી હશે ને કે સાલુ આ કેવું અંદાજપત્ર છે એમાં ખાલી ફાયદો જ ફાયદો છે અને કોઇ ભાવવધારો નથી અને સરકાર બસ લોકોના ગજવા ભરવાની જ વાતો કરે છે. જો કે અહીં આવુ જ છે કારણ કે અહીંની સરકારને 50 લાખની જનતા પાસેથી કર ઉઘરાવવાનો હોય છે અને એ કરની રકમને ફક્ત 30 લાખ સિંગાપોરના નાગરિકોમાં વહેંચવાના છે. વળી આ 30 લાખ નાગરિકોમાં પણ કોને કેટલા મળે એ કોને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે રકમ નક્કી થાય. સરકારની કોઇ પણ સહાયતા અહીં માત્ર અને માત્ર સિંગાપોરના નાગરિકો (અહીંના રહેવાસીઓ માટે પણ નહીં)  માટે છે નાગરિકો સિવાય બીજા બધાં કદાચ માણસોમાં નથી ગણાતા અહીં. જો કે અહીંની સરકારે માનવીય ચહેરો રાખ્યો છે, જરૂરિયાતોને આપવાની વાત કરે છે એ ખરેખર સરાહનીય વાત છે. આપણા દેશમાં જેમ ચાલે છે કે માણસ મરતો હોય તો મરે એમાં સરકારને કંઇ લેવા દેવા નહીં એવી વાત અહીં નથી. ખાલી સરકાર તરફથી સહાયની એક જ શરત છે કે તમે સિંગાપોરના નાગરિક હોવા જોઇએ બસ 🙂

જે લોકોને સિંગાપોરના અંદાજપત્ર વિશે વધૂ માહિતી જોઇતી હોય તેઓ અહીં વેબકાસ્ટ જોઇ શકે છે. સિંગાપોરના સંસદમાં કેટલી શાંતિ છે અને લોકો કેવા ધ્યાનથી સાંભળે છે બજેટને એ જોવા જેવું છે. અહીં નાણામંત્રીએ કોઇ નવી દરખાસ્ત મૂકી એટલે લોકો બૂમાબૂમ કરવા નથી મંડી પડતા આપણા સાંસદોની જેમ. અહીંના સંસદમાં જે રીતે ઓડિયો/વિડીયો presentation સાથે અંદાજપત્ર રજૂ થાય છે એમાંથી ખરેખર આપણા નાણામંત્રીએ કંઇક શીખવા જેવું છે. (સાલુ ખાલી લખેલું વાંચી જવું એમાં કંઇ મજા ના આવે)

આ વખતના સિંગાપોર અંદાજપત્રની થીમ હતી "An Inclusive Society, A Strong Singapore". હવે આ શું વાત છે એ જેને જાણવું હોય એ ઉપર જે વેબકાસ્ટની લિંક છે એમાં છેલ્લી 5 મિનીટનો વિડીયો જોઇ લે  (જેને લિંક જોવાની તસ્દી ના લેવી હોય એ આ વિડીયો નીચે જોઇ શકે છે )

 

આ વિડીયો જોઇને તમને અહેસાસ થઇ જશે કે Inclusive Society કોને કહેવાય. સમાજના દરેક વ્યક્તિનું મહત્ત્વ છે અને જો આ વાત સમજાય તો જ એક મજબૂત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે.

છેલ્લે અહીંના નાણાંમંત્રી વિશે થોડું. અહીંના નાણામંત્રી છે (જે અહીંના નાયબ પ્રધાનમંત્રી પણ છે) Tharman Shanmugaratnam જે તમિલ છે પણ એમના પૂર્વજો શ્રીલંકાના છે. મને એમનું વ્યક્તિત્વ ખરેખર ગમે છે. એ એકદમ મૃદુભાષી છે અને લગભગ 10 વર્ષમાં જ તેઓ સિંગાપોરના રાજકારણમાં ઘણા આગળ વધી ગયા છે. હું જે વિસ્તારમાં રહું છું સિંગાપોરમાં એ GRCમાંથી જ તેઓ ચૂંટાઇને સંસદમાં છે. તેઓ અહીંના ભારતીય જાતિના લોકોના કાર્યક્રમો અને એમના વિકાસમાં આગવો રસ લે છે. છેલ્લે એમને અહીંના આર્ય સમાજના કાર્યક્રમમાં સાંભળવાનો અવસર મળ્યો હતો.

London Dreams

આજકાલ ચાઇનીઝ ન્યુ યરના લીધે મીની વેકશન ચાલી રહ્યું છે અને ઘરે આરામ તથા થોડું હરવા ફરવાનું ચાલી રહ્યું છે. આ બાબતે મારો અને રુહીનો એક સંવાદ :

હું (રુહીને) : આજે સાંજે ક્યાં બહાર જવું છે?

રુહી           : લંડન 🙂

ખબર નહીં કંઇ રીતે પણ આજ કાલ રુહીને લંડનનો ચસ્કો બહુ લાગ્યો છે. એણે મને અત્યારથી જ કહી રાખ્યું છે કે એ 15 વર્ષની થશે એટલે લંડન જતી રહેશે અને અત્યારથી મને ટિકીટ અને વિઝા માટે કહી રાખ્યું છે. 🙂 હું વિચારતો હતો કે બાપ 30 વર્ષે અથડાતો કૂટાતો માંડ માંડ સિંગાપોર પહોંચ્યો અને ત્યાં જ અટકી ગયો જ્યારે આજકાલની પેઢીના 5 વર્ષના દેઢ ફૂટિયાઓ પણ લંડના સપના જોવા લાગ્યા છે અને ફોરવર્ડ પ્લાનિંગ કરવા લાગ્યા છે. હશે બેટા આશા રાખું કે તું 2022માં 15 વર્ષની થાય ત્યાં સુધીમાં લંડનના હાલ સુધરી જાય 🙂

Ang Pow

સોમવારે ચાઇનીઝ લોકોનું નવું વર્ષ છે. સિંગાપોરમાં ચાઇનીઝ જાતિના લોકો બહુમતીમાં છે (લગભગ 75%) એટલે સિંગાપોરનો આ સૌથી મોટો તહેવાર છે. સિંગાપોર આમ તો આખું વર્ષ ધબકતું રહેતું હોય છે પણ નવા વર્ષના તહેવારના આ બે દિવસો દરમ્યાન સિંગાપોર જડબેસલાક બંધ રહે છે. દરેક નવા ચાઇનીઝ વર્ષ સાથે એક પ્રાણીની સંજ્ઞા જોડાયેલી હોય છે. આ વર્ષે ડ્રેગનની સંજ્ઞા નવા વર્ષ સાથે જોડાયેલી છે એટલે આ  નવું વર્ષ “Year of Dragon” તરીકે ઓળખાશે. આના પછીનું નવું વર્ષ "Year of Snake” તરીકે ઓળખાશે.

જેમ આપણે ત્યાં નવા વર્ષે વડીલોને પગે લાગો એટલે તમને નગદ નારાયણ મળે એ જ રીતે ચાઇનીઝ લોકોમાં પણ છોકરાઓ જ્યારે એમના વડીલોને ત્યાં નવા વર્ષમાં જાય ત્યારે વડીલો નાના છોકરાઓને લાલ કવરમાં ડોલર બીડીને આપતા હોય છે. આ કવરને ચાઇનીઝ ભાષામાં "Ang Pow" કહેવાય છે. આજથી 5-7 વર્ષ પહેલા Ang Powમાં 2-5 ડોલર અપાતા હતા પણ હવે ડોલર પણ ઘસાતો જાય છે એટલે Ang Powની રકમ વધીને 5-10 ડોલર થઇ ગઇ છે. ચાઇનીઝ લોકોના નવા વર્ષની ઉજવણી આવતી કાલે રુહીની સ્કુલમાં પણ થવાની છે. રુહીને કાલે લાલ રંગના કપડા પહેરીને જવાનું છે.રુહી કાલે સ્કૂલમાં પાર્ટી કરશે અને મજા કરશે. મને આ વખતે એક નવો તુક્કો મગજમાં આવ્યો કે જો રુહીની સ્કુલમાં નવા વર્ષની ઉજવણી થવાની જ છે તો શા માટે છોકરાઓને ખુશ કરવા માટે "Ang Pow"નું કવર ના આપવું? એટલે આજે 10 Ang Powના કવર બનાવ્યા અને દરેક કવરમાં 2 ડોલર મૂક્યા. રુહીના વર્ગના બધા છોકરાઓને ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીના ભાગરૂપે મારા તરફથી એક ખૂબ જ નાનકડી ભેટ.

Ang Pow

અંતે, સર્વેને "Gong Xi Fa Cai” i.e. “Happy Lunar New Year”. કાલથી ચાર દિવસનું મિની વેકેશન અને આરામ.

%d bloggers like this: