ઇન્ડિયા ડાયરી – 1 : ચાંગીથી SVP A’Port

આ વખતે પણ દિવાળી દરમ્યાન ઇન્ડિયા જઇ રહ્યો છું. ગઇ વખતે ઇન્ડિયામાં વિતાવેલા દિવસો વિશે, સારા નરસા અનૂભવો વિશે, નિરીક્ષણો, વગેરેની ઇન્ડિયા ડાયરીમાં નોંધ કરી હતી અને આ વખતે પણ એજ સિરસ્તો આગળ વધારુ છું. દરેક વખતે ઇન્ડિયા ડાયરીમાં શરૂઆત તો પ્રસ્થાનથી જ થાય. આ વખતે પણ શરૂઆત ચાંગીથી સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધીની યાત્રાની વાત જ છે.

મારા જૂના અમુક પોસ્ટમાં ચાંગી એરપોર્ટના ખૂબ વખાણ કર્યા છે અને ચાંગી એરપોર્ટ એ વખાણોને ખરેખર લાયક જ છે. મેં ચાંગીમાં departure lounge હજી પણ વ્યવસ્થિત રીતે નહોતી જોઇ એટલે આ વખતે વહેલા એરપોર્ટ પર પહોંચીને departure lounge ફરવાનુ નક્કી કર્યું અમે. અમારી ફ્લાઇટનો ટાઇમ હતો 7 વાગ્યાનો તો પણ અમે 4:30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા. મારે ફટાફટ check in કરીને departure lounge માં જવું હતુ પણ એર ઇન્ડિયાની ટિકીટ હોય અને કહાનીમાં ટવીસ્ટ ના આવે એ વિચારવુ જ મૂર્ખામીભર્યું કહેવાય. રુહીની ઇન્ફન્ટમાંથી ચાઇલ્ડ કેટેગરીમાં અપડેટ કરાવેલી ટિકીટની માહિતી સિંગાપોર એરલાઇન્સની સિસ્ટમમાં અપડેટ નહોતી થઇ. એટલે ચેક ઇન કરવામાં (જે પ્રક્રિયામાં સામાન્યત: 5-10 મિનીટ થાય) 30-40 મિનીટ થઇ ગઇ. વળી દુકાળમાં અધિક માસની જેમ ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી ચાઇનીઝ એક્ઝીક્યુટીવ પણ વધારે પડતી efficient હતી :). આખો મામલો માંડ થાળે પડ્યો ત્યાં પાછો કહાનીમાં નવો ટવીસ્ટ કે ફ્લાઇટ આખી ફૂલ થઇ ગઇ છે અને અમને ત્રણને જોડે સીટ મળી શકે એમ નથી. મે સમજાવ્યું કે રુહી અમારા વગર એકલા ના બેસી શકે માટે અમને જોડે જ સીટ મળવી જોઇએ. ત્યારબાદ આશ્વાસન મળ્યું કે અમે પ્રયત્ન કરીશું કે તમારી સીટ જોડે થઇ જાય. ત્રણેની સીટ અલગ હોય તો મુસાફરી કરવી શક્ય જ કઇ રીતે બને? આ બાબતમાં તો ચેક ઇન કાઉન્ટર પર બેઠેલી કામગરી (કાર્યદક્ષ) ચાઇનીઝ એક્ઝીક્યુટીવે ખરેખર મારી ધીરજની પરીક્ષા લઇ નાંખી. મારા બીજા અડધા કલાકનો ભોગ લેવાઇ ગયો. કાઉન્ટર પરથી એ એક્ઝીક્યુટીવ ચેક કરીને આવુ છું એમ કહીને ગઇ પછી અડધા કલાક સુધી દેખાઇ જ નહીં. મારે છેવટે સિંગાપોર એરલાઇન્સના ચેક ઇન વિભાગના ઉપરી અધિકારીનું આ વિશે ધ્યાન દોરવું પડયું પણ એના હાથમાં પણ કઇ હતુ નહીં. છેવટે અમને ત્રણેને જોડે સીટ કરી આપી અને લગભગ 6 વાગ્યે ઇમીગ્રેશન પતાવીને હું departure lounge માં દાખલ થયો.

departure lounge એ એક અલગ જ દુનિયા લાગે. એકદમ વિશાળ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત દુનિયા. આ વખતે loungeમાં લોકોના ટાઇમપાસ માટે એક મોટા ટેબલ પર અમુક ડાઇ ગોઠવેલી હતી જેના પર કાગળ મૂકીને ચાક કલર ઘસો એટલે એ ડાઇની છાપ કાગળ પર બની જાય. પોતાની ફ્લાઇટની રાહ જોતા લોકો માટે ટાઇમપાસ કરવાનો આ સારો રસ્તો હતો. નીચે મેં બનાવેલા એક ડાઇની પ્રતિકૃતિ છે ખબર નહીં શેની પ્રતિકૃતિ છે.

IMAG0201

 

 

 

 

 

 

 

જો કે એ વાત નોંધવી રહી કે આ ટાઇમપાસ કરવામાં (નીચે ફોટામાં દેખાય છે એમ) માત્ર અને માત્ર ભારતીયો જ લાગેલા હતા. 🙂

                                                                        IMAG0199

ત્યારબાદ મેં ત્યાંના ડ્યુટ્રી ફ્રી શોપની મૂલાકાત લીધી. ત્યાં liquor ની બાટલીઓ એટલી સરસ અને ધ્યાનાકર્ષક રીતે મૂકવામાં આવી હતી કે એમ જ થાય કે 4-5 બાટલી નાંખીને લઇ જઇએ ટેસડો થઇ જાય પણ આપણાથી અમદાવાદમાં આવુ લઇને ના અવાય? (જવાબ : ના અવાય. કારણ : બા ખીજાય 🙂 બુધવારની બપોરવાળા અશોકભાઇની ભાષા :)) જો કે મોટા ભાગના લોકોએ 2 લિટરની (જેની છૂટ છે) બાટલીઓ લઇ જ લીધી હતી. આટલા સસ્તા ભાવમાં મસ્ત અને ઓરિજીનલ માલ મળતો હોય તો પીવાવાળા શું કરવા ના લે? હું મારી પસંદગીનો માલ અહીંથી જ્યારે સિંગાપોર પાછો ફરીશ ત્યારે લઇશ. 🙂

ત્યારબાદ અમુક ચોકલેટ શોપમાં ફરવા ગયા. સરસ મજાની ચોકલેટો હતી પણ મેં ચોકલેટો પહેલેથી જ ખરીદી લીધી હતી એટલે બીજી ચોકલેટો ખરીદવાની નહોતી. ત્યારબાદ બીજી અમુક શોપની પણ મૂલાકાત લીધી પણ ખાલી window shopping. એરપોર્ટ પરની દુકાનોમાં બધી વસ્તુઓ મોંઘી હોય એટલે આપણને ના પોષાય.

IMAG0202

ત્યારબાદ અમારા departure gate પાસે પહોંચ્યા. હેન્ડ બેગ ચેક કરાવીને અંદર વિમાનની એકદમ નજીક પહોંચી ગયા. રુહીએ પહેલી વખત વાસ્તવિક્તામાં વિમાનને આટલી નજીકથી જોયું. એને બહુ મજા આવી. નીચે એનો બેકગ્રાઉન્ડમાં વિમાન સાથે લીધેલો ફોટો છે.

ત્યાં ઇન્ટરનેટ કીઓસ્કની પણ સુવિધા હતી જે મને ખૂબ ગમી. તમને વિમાનના દરવાજા સુધી જો બધી સવલતો મળતી હોય તો પછી શું કહેવુ? આમ એકંદરે ચાંગી એરપોર્ટ પર જે પણ થોડી  રખડપટ્ટી કરી એમાં મઝા આવી.

IMAG0205                       IMAG0204  

ત્યારબાદ અમે વિમાનમાં ગોઠવાયા. આખી ફ્લાઇટમાં એક પણ સીટ ખાલી નહોતી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર અને અમેરિકાના NRI લોકોથી આખી ફ્લાઇટ ફૂલ હતી. બિચારી એર હોસ્ટેસોનો લોકોની સેવા કરી કરીને દમ નીકળી ગયો. મને પહેલી વાર એવો અહેસાસ થયો કે એર હોસ્ટેસની જોબ કેટલી thankless job છે. NRI લોકો પરદેશમાં જઇને વસે તો પણ અમુક manners તો નથી જ શીખી શકતા. એર હોસ્ટેસની ગ્લેમરસ લાગતી ઇમેજની ફ્લાઇટમાં લોકોની સેવા કરતા કેવી લેવાઇ જાય છે એ હું બરાબર સમજી ગયો.

રુહીન ફ્લાઇટમાં 5:30 કલાક શાંતિમય રીતે એક સીટ પર બેસાડી રાખવી એ ભગીરથ પ્રયત્ન હતો. જેવી In flight entertainment service ચાલુ થઇ તરત જ એના ટીવી સેટ પર કાર્ટૂન ચેનલ ચાલુ કરી આપી એટલે થોડો સમય નીકળી ગયો. ત્યારબાદ જ્યુસ પીવડાવ્યો અને થોડો નાસ્તો કરાવ્યો. થોડી એની સાથે ધમાલ કરી અને જમાડી. પછી એને શાલ ઓઢાડીને હા…લા… કરાવી. એને પણ એકંદરે મઝા આવી.

મેં ફ્લાઇટમાં "કમ્બખ્ત ઇશ્ક"મૂવી જોયું. 2 કલાકનો વ્લગર અત્યાચાર. કોઇ પણ સેન્સ વગરનું મૂવી. બોલીવૂડમાં 90% મૂવી અત્યાચાર જેવા જ બને છે. (જતી વખતે "વેક અપ સીડ" જો જોવા મળે તો કામ થઇ જાય :)) છેવટે નિયત સમય કરતા 15 મિનીટ પહેલા અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આખી ફ્લાઇટ ફૂલ હતી એટલે માનસિક રીતે તૈયારી તો હતી જ કે બહાર નિકળવામાં ટાઇમ તો લાગશે જ. રન વે પરથી બસ અમને ઇમીગ્રેશન કાઉન્ટર સુધી તો મૂકી ગઇ પણ વધૂ લોકોની સંખ્યાને લીધે મોટા ભાગના લોકોને ઓફિસ બહાર રોડ પર ચાંદનીમાં ઉભું રહેવુ પડ્યું. નાના છોકરાઓ હોય કે ઘરડા માણસો દરેકને રોડ પર લાઇનમાં ઉભા રહેવાનું (થોડું વધારે પડતુ ના કહેવાય?). વળી રોડ પર જે લોકોની લાઇન થઇ હતી એની બાજુમાંથી જ ખુલ્લી ગટર લાઇનો પોતાની દિવ્ય સુગંધ પ્રસરાવતા હતા. સ્વાભાવિક છે અમારા ચોખ્ખા NRI નાકોને આવી ગંદી સુગંધોની સૂગ ચઢે અને એટલે NRI લોકોએ ટાઇમપાસ કરવા “India Bashing” ચાલુ કરી દીધું. જો કે મને લાગે છે કે આ બાબતમાં “India Bashing” યોગ્ય હતું. મોદી સાહેબ જાપાન, કોરિયા અને સિંગાપોરથી ઇન્વેસ્ટરોને બોલાવે અને પછી એમને રોડ પર ઉભા રખાવી ખુલ્લી ગટર લાઇનોનો અનૂભવ કરાવે એ યોગ્ય તો નથી જ. યાદ રાખવું રહ્યું કે first impression is last impression. રોડ પરથી અંદર ગયા બાદ અમારા શરીરનું તાપમાન લેવાયુ. કમ્પાઉન્ડર કમ ડોક્ટર જેવા 2-3 લોકો સામાન્ય સવાલ કરીને લોકોને જવા દેતા હતા. આ રીતે થયેલું સ્વાઇન ફ્લૂનું ચેકીંગ કેટલી હદે કાર્યદક્ષ છે એ કહેવું મૂશ્કેલ છે પણ સાવધાની વર્તાય છે એ પણ ઘણું છે. 4-5 ઇમીગ્રેશન કાઉન્ટર પરથી આખી ફ્લાઇટના પેસેન્જરોને કલીઅર કરવાના હતા. ઇમીગ્રેશન કાઉન્ટરો પર કામ થાય એકદમ બાપૂશાહીથી અને તુમાખી સાથે. સ્માઇલ સાથે ખાલી ગ્રીટ કરી પોતાનું કામ કરવામાં ખબર નહીં એ ઇમીગ્રેશન કાઉન્ટર પર બેઠેલા લોકોનું શું લૂટાઇ જતુ હશે? પણ આ બધું ક્લિયર કરીને જ્યારે સામાન લેવા પહોંચ્યા ત્યારે ખરી ધમાલ મચી હતી. એક તો કન્વેયર બેલ્ટ એકદમ નાનો અને એકનો એક સામાન જ ફરતો રહેતો હતો. લોકો હેરાન પરેશાન અને બૂમાબૂમ. મારે તો ખાલી 5.5 કલાકની જર્ની હતી એટલે હું બહુ થાક્યો નહોતો પણ જે લોકો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકાથી આવતા હોય એમની થાકના લીધે કેવી હાલત થાય? મને સામાન મેળવતા મેળવતા લગભગ અડધો કલાક જેટલો સમય થઇ ગયો. બહારથી આવનારા કોઇ પણ માણસ એરપોર્ટ પરથી એક ઇમ્પ્રેશન લઇને જાય છે એટલે મોદી સાહેબે ખરેખર હવે એરપોર્ટને આધુનિક કરવા વિશે વિચારવું જ રહ્યું.

એરપોર્ટની બહાર તો વળી વધારે બૂમરાણ. એટલી પબ્લિક હતી કે બિચારી સિક્યુરીટી અને પોલીસના માણસોની પણ વાટ લાગેલી હતી. એક એક માણસને લેવા માટે મારા ખ્યાલથી ઓછામાં ઓછા 4-5 માણસો આવ્યા હશે (મને લેવા 6 જણ આવેલા :)) અંદર સામાન લેવામાં અને ઇમીગ્રેશન ક્લિયર કરવામાં એટલી વાર થઇ ગઇ કે બહાર ઉભેલી પબ્લિકની ધીરજ પણ ના રહે. મારી સામાનની ટ્રોલી લઇને આગળ વધવાની પણ બહાર જગ્યા નહોતી. એમાં જો પોતાનું કોઇ દેખાઇ ગયું તો બૂમાબૂમ "એ ભઇલા અહીંયા… અહીંયા…" કે પછી "એ મામા આયા…….." વગેરે વગેરે. હું માંડ માંડ બહાર નીકળતો હતો તો પણ વચ્ચે 2-3 જણા હાથ પકડીને મને રોકી લીધો પૂછવા કે સિંગાપોરની ફ્લાઇટમાં જ હું આવ્યો કે કેમ? હવે એ લોકોને શું કહેવું કે ભાઇ અમદાવદના કહેવાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગણીને 4-5 ફ્લાઇટ ડાયરેક્ટ ઇન્ડિયા બહારથી આવે છે અને એ ટાઇમે બીજી કોઇ ફ્લાઇટ નથી હોતી.

જો કે આ બધી અગવડો એક તરફ પણ સ્વજનોને મળવાનું સુખ અને ઇન્ડિયામાં આવવાનું સુખ એક તરફ. લાઇનમાં ઉભેલા દરેક NRIની વાતોમાં એક પ્રકારનો આનંદ હતો ઇન્ડિયા આવવાનો. દરેકના પ્લાનિંગ હતા. કોઇના નાના છોકરાઓ કે ટાબરિયાઓ પહેલી વાર ઇન્ડિયા આવી રહ્યા હતા એટલે માતા પિતા બધુ સમજાવી રહ્યા હતા કે બધુ બતાવી રહ્યા હતા.  દરેકના ખાવા-પીવાના, હરવા ફરવાના અને શોપિંગના પ્લાનિંગ હતા. NRI થઇ ગયા પછી ઇન્ડિયામાં આવીને રૂપિયા વાપરવા થોડા ઓછા આકરા લાગે. વળી અમુક વસ્તુઓની ખરીદીનું પ્લાનિંગ કે ખાવા પીવાના કાર્યક્રમો ઇન્ડિયા બહાર થઇ જ ના શકે. એટલે બધાને મજા કરવી હતી.

બસ આ બધા નિરીક્ષણો કરીને એરપોર્ટ પરથી બધા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું.

Back in SG

આજે ઢસડાતા પગે ફરીથી સિંગાપોર આવી ગયો. મસ્ત વેકેશન બાદ પાછા આવવાનો કંટાળો આવે એ સ્વાભાવિક છે પણ શું કરું પાપી પેટનો સવાલ છે. હજી મારી મરજી મુજબ વેકેશન ભોગવી શકું એટલી ઔકાત નથી.

ગઇકાલ રાત્રે ફ્લાઇટમાં લગભગ ઉજાગરો જ રહ્યો. થાકી ગયો અને હવે જલ્દી હા લા કરી જવાની છે. સિંગાપોર એરલાઇન્સની ઇન ફ્લાઇટ સર્વિસમાં કાલે બહુ લોચા હતા. 11:15ની ફ્લાઇટ ઉપડી 11:45 વાગ્યે (જો કે ફ્લાઇટ સવારે સમયસર સિંગાપોર પહોંચી હતી) અને ફ્લાઇટમાં મને ડિનર મળ્યું 2:30 વાગ્યે. શું ખાવાનો મૂડ રહે? ઇન ફ્લાઇટ એન્ટરટેઇન્મેન્ટમાં પણ ધાંધિયા જ હતા. જો કે "લવ આજ કલ" મૂવી થોડું જોયું ફરીથી. "આજ દિન…" ગીત મને કાલે સાંભળ્યા પછી બહુ ગમ્યું. ગીતના શબ્દો અર્થપૂર્ણ છે. રાહત ફત્તેહ અલીખાનના અવાજનો દિવસે દિવસે હું કાયલ થતો જઉં છું. મને નૂસરત ફત્તેહ અલીખાન કરતા પણ રાહત ફત્તેહ અલીખાનનો અવાજ વધૂ દમદાર અને મધુર લાગે છે.

 
થોડા દિવસ પહેલા ઇદના દિવસે રાહત ફત્તેહ અલીખાનને પાકિસ્તાનમાં કરેલા કોઇ લાઇવ પ્રોગ્રામની રેકોર્ડ ઝી પર ઇદ નિમિત્તે બતાવાઇ હતી. બસ મારા માટે 2 કલાકનો જલ્સો થઇ ગયો.
 
હવે સિંગાપોરમાં ત્રણ અઠવાડિયા માટે બેચલર લાઇફ જીવવાની છે.

છોગાળા હવે તો છોડો

નાનપણમાં જ્યારે ભણતા હતા ત્યારે હાથીની એક વાર્તા હતી જેમાં કહેવાયું હતું કે "છોગાળા હવે તો છોડો". એવું જ કંઇ અત્યારે એર ઇન્ડિયાના મહારાજાને હું કહી રહ્યો છું પણ એર ઇન્ડિયાના મહારાજા મને સહેલાઇથી છોડવાના મૂડમાં નથી.

મારી જોડે અત્યારે મારી ઇન્ડિયાની ટિકીટોના ઇ ટિકીટ નંબર છે પણ હવે એની પેપર પ્રિન્ટ કાઢવાની છે. સિંગાપોર એરલાઇન્સમાં ફોન કરીને ઇ ટિકીટ નંબર આપો એટલે ટિકીટ તમને મેઇલ કરી આપે અને તે પ્રિન્ટ કરી શકાય એટલે આવા સામાન્ય કામ કરવા માટે સિંગાપોર એરલાઇન્સની ઓફિસે જવાની જરૂર નથી પણ એર ઇન્ડિયા પાસેથી આવી આશા રાખવી અતિશયોક્તિ જ કહેવાય. જો કે હવે હું મન મોટું રાખું છું કે ચલો વાંધો નહીં આવા કામ માટે પણ અનુકૂળતા મુજબ એર ઇન્ડિયાની ઓફિસ જઇને કામ પતાવી આવીશ. આવા જ ઉદ્દાત વિચારો સાથે હું આજે એર ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યો આજે સવારે પણ હાય રે કિસ્મત…. મને જોવા મળ્યું “Closed” નું ઝૂલતું પાટિયું કારણ કે આજે સ્વતંત્રતા દિવસની રજા હતી. મને આ વાતનો ખ્યાલ જ ના રહ્યો. તો ય મારી ભૂલ માનીને મનમાં કડવાશ લાવ્યા વગર સ્વિકારી લીધું કે હવે ફરી આવવું પડશે. પછી મેં ત્યાં લાગેલા રજાઓના લિસ્ટ પર નજર નાંખી. લિસ્ટ મુજબ એર ઇન્ડિયામાં અહીં કામ કરતા સરકારી જમાઇઓ સિંગાપોર અને ઇન્ડિયા બન્ને દેશોની જાહેર રજાઓ ભોગવે છે. વાંધો નહીં ચલો આ જમાઇઓ નસીબના બળિયા હશે એમ વિચાર્યું. પણ જ્યારે ઇન્ડિયાની રજાઓનું લિસ્ટ વાંચ્યું તો એમાં જન્માષ્ટમી, દશેરા જેવી રજાઓ પણ હતી. દશેરાની અને જન્માષ્ટમીની રજાઓ મને હું જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે પણ મને નહોતી મળતી અને આ સરકારી જમાઇઓ ઇન્ડિયાની બહાર રહીને પણ આ બધી રજાઓ ભોગવે છે. આમ તો મહારાજા તમારું કંઇ ના થઇ શકે.

મારે તો મહારાજા સાથે પડ્યા પાના નિભાવવા સિવાય અત્યારે તો છૂટકો નથી.

Maharaja deserves to die indeed

થોડા દિવસો પહેલા મેં એક પોસ્ટ લખી હતી Maharaja on death bed.  મહારાજા મરવા પડ્યા છે પણ હજી કોઇ સુધારો નથી સેવાઓમાં. એર ઇન્ડિયા સાથે પનારો પડ્યો હોય અને હેરાન થયા વગર તમે મુસાફરી કરી શકો એ તો શક્ય જ નથી. મેં પણ કમનસીબે આ વખતે એર ઇન્ડિયા પાસેથી મારી ટિકીટ લીધેલી છે. ફ્લાઇટ તો મારી સિંગાપોર એરલાઇન્સની જ છે પણ ટિકીટ મેં ખાલી એર ઇન્ડિયા પાસેથી લીધી છે. પણ આ ભૂલ પણ ભોગવ્યા વિના છૂટકો નથી. હવે મારી વિતક કથા જણાવું.

મેં રુહીની રીટર્ન ટિકીટ ગયા વર્ષે લીધી હતી એર ઇન્ડિયા પાસેથી. ગયા વર્ષે જ્યારે ટિકીટ મેં લીધી હતી એ વખતે રુહી infant હતી એટલે કે એની ઉંમર 2 વર્ષથી ઓછી હતી પણ હવે એની ઉંમર 2.5 વર્ષ છે એટલે હવે ઇન્ફન્ટ કેટેગરીની ટિકીટ ના ચાલે. આ વાત સાથે હું પણ સહમત છું કે ઉંમર પ્રમાણે ટિકીટ લેવી પડે પણ આ બધી વસ્તુ મારે જોવાની કે એરલાઇને. મેં આ બાબતની ચર્ચા ટિકીટ લેતી વખતે જ એર ઇન્ડિયાના એજન્ટ સાથે કરી હતી પણ એણે તો બેદરકારીથી કહી દીધું કે એનો વાંધો નહીં એ તો બધુ સિંગાપોરમાંથી હેન્ડલ થઇ જાય. મેં વળી માની પણ લીધું અને હવે હું ભોગવું છું. મેં 2-3 મહિના પહેલા સિંગાપોરની એર ઇન્ડિયાની ઓફિસમાં ફોન કરીને પૂછ્યું આ વિશે પણ ફોન પર સરખો જવાબ મળે તો મહારાજા કંઇ રીતે કહેવાય? હું જાતે એર ઇન્ડિયાની ઓફિસે ગયો અને ટિકીટ બતાવી તો કહે કે આ ટિકીટ ના ચાલે. મને એમ કહ્યું કે મારે રુહીની રિટર્ન ટિકીટ છે એને કેન્સલ કરાવવાની અને નવી સિંગલ જર્ની ટિકીટ લેવાની. વળી મારી ટિકીટ જો કેન્સલ કરાવું તો એનું રીફંડ (જો આપવાના હોય તો) મારે ઇન્ડિયાથી લેવાનું. કેવી સુવિધા નહીં? રીફંડમાં મને ખાલી ટેક્ષના જ રૂપિયા પાછા મળે (લગભગ 3 – 4 હજાર રૂપિયા) જ્યારે નવી ટિકીટ લેવામાં લગભગ 300-400 સિંગાપોર ડોલર એટલે 10 -12 હજાર રૂપિયા ઘૂસી જાય. મને થયું કે હવે આ ખોટનો ધંધો રહેવા દઇએ અને ઇન્ડિયા પૂછાવ્યું તો એજન્ટ કહે કે 4000 – 5000 રૂપિયા વધારે આપવા પડશે. પછી મેં કેસ મમ્મી ઇન્ડિયા ગયા એટલે એમને સોંપ્યો કે એ જાતે એર ઇન્ડિયાની ઓફિસ જઇને તપાસ કરી જુએ કે શું કરવાનું અને કેટલા આપવાના રૂપિયા. હવે જ ખરી મારામારી ચાલુ થાય છે. એર ઇન્ડિયાના જાડી ચામડીના કર્મચારીઓ સાથે કામ લેવું એ માથાનો દુ:ખાવો છે. પહેલા તો એર ઇન્ડિયાએ ગલ્લા તલ્લા કર્યા કે થાય ના થાય. છેવટે એમ કીધું કે 4500 રૂપિયા થશે. મમ્મી બીજા દિવસે 5000 રૂપિયા લઇને ગયા તો કહે કે 5500 રૂપિયા થશે કારણ કે 4500 રૂપિયા ટિકીટના  + ટેક્ષ થાય. હવે શું કહેવું આ લોકોને. તમને કેટલા રૂપિયા થશે એમ પૂછે તો ટોટલ રૂપિયા કહો ને બ્રેક અપ કોણ પૂછે છે કેટલા ટિકીટના અને કેટલા ટેક્ષના. પણ બધાં સરકારી જમાઇઓને પબ્લિક ધક્કા ખાય એમાં શું ફરક પડે છે? ત્રીજા દિવસે મમ્મી પૈસા લઇને ગયા 12 વાગ્યાની આસપાસ. પણ 12 વાગ્યે તો લંચ ટાઇમ થઇ જાય. 2 વાગ્યા સુધી કોઇ ફરક્યું નહીં ઓફિસમાં.  2 વાગ્યા પછી એમની સિસ્ટમમાં લોચા થયા. અમદાવાદમાં જ કરાવેલી ટિકીટની માહિતી અમદાવાદની સિસ્ટમમાંથી જ જનરેટ નહોતી થતી. મેડમ જે હતા એ પાછા હતા મિજાજ વાળા. મમ્મી મને કહે કે સરખી રીતે વાત પણ ના કરે કે શું પ્રોબ્લેમ થાય છે. મમ્મી એ કંટાળીને 4 વાગ્યે મને સિંગાપોર ફોન કર્યો કે જેથી હું મેડમને પૂછી જોઉં કે શું પ્રોબ્લેમ છે અને કોઇ માહિતી જોઇતી હોય તો આપી શકું. પણ મેડમ પાછા ચરબીના ભરેલા. મમ્મીએ મેડમને ફોન આપ્યો અને મેં પૂછ્યું કે શું પ્રોબ્લેમ તો મેડમ વળી કહે કે તમે disturb  ના કરો હું કરવાનો ટ્રાય કરું છું. આ શું વાત થઇ? બરાબર છે કે તમે ટ્રાય કરો છો પણ એનો મતલબ એ નથી કે મારા પર ઉપકાર કરી રહ્યા છો. બીજાના સમયની કોઇ કિંમત જ નહીં? ફોન કંઇ 1 રૂપિયાનો સિક્કો નાંખીને નહોતો થયો એ વાત મેડમે ના સમજવી જોઇએ? તમે 2 કલાક લંચમાં જાઓ, તમારી સિસ્ટમો લોચાવાળી હોય એના માટે મારે શા માટે ભોગવવાનું? એ ટિકીટ પ્રિન્ટ કરવાવાળીની ઔકાત શું કે મને કહી જાય કે મને હેરાન ના કરો. વાંક એનો તો પણ મારે સંયમ રાખવાનો. જો એ સમયે હું સામે હોત તો એ ટિકીટ પ્રિન્ટ કરવાવાળીને એની અસલી ઔકાત બતાવત. છેવટે ટિકીટ પ્રિન્ટ તો થઇ પણ એનો મતલબ એ નથી કે એર ઇન્ડિયાએ મારા પર ઉપકાર કર્યો છે. પૈસા આપ્યા છે અને સર્વિસ આપે એમાં કોઇ નવાઇ નથી.

આ થયા પછી મને નીચેના વિચારો આવે છે :

  • મહારાજા કાલે મરતા હોય તો આજે મરે. જેવું કરો એવું ભોગવવું પડે.
  • પૈસા ખર્ચીને પણ મારે શા માટે બે બદામની ઔકાતવાળી મેડમોનું સાંભળવાનું. આને કોઇ પૈસાનું અભિમાન ગણે તો ભલે ગણે. પૈસા લો છો તો સર્વિસ મળવી જ જોઇએ.
  • દેશ દાઝ અને ઇમોશન બધાં બરાબર છે પણ એના લીધે કંઇ હેરાનગતિ ના વેઠાય. સિંગાપોર એરલાઇન્સમાં જ આવવું અને જવું.
  • ટિકીટ જાતે જ કરાવવી બને ત્યાં સુધી અને એજન્ટોથી બચવું.
  • એર ઇન્ડિયાના કર્મચારીઓને પગાર મોડો તો શું પગાર મળવો જ ના જોઇએ.

Maharaja on death bed

એર ઇન્ડિયાનો મૃત્યુઘંટ વાગવાની તૈયારી છે અને મહારાજા મરવા પડ્યા છે. ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે તો એર ઇન્ડિયાને 20 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. હવે સવાલ એ છે કે એર ઇન્ડિયાના માસ્કોટ "મહારાજા"નો મૃત્યુઘંટ કોણે વગાડ્યો?

air-india-maharajah-255x300

મારા મતે સરકારી રેઢિયાળપણું જ એર ઇન્ડિયાની બરબાદીનું મૂળ કારણ છે. દુનિયાભરમાં વસતી અડધી NRI પ્રજા પણ જો એર ઇન્ડિયા થકી પોતાની સફર કરે તો પણ એર ઇન્ડિયા તરી જાય. પણ સવાલ એ છે કે રૂપિયાથી માલામાલ NRI પ્રજા શુ કરવા હાલાકી ભોગવે?

એર ઇન્ડિયાની ફ્લાઇટોના કોઇ ઠેકાણા હોતા નથી, છેક છેલ્લી મિનીટ સુધી સસ્પેન્સ હોય કે ફ્લાઇટ તમને લઇને ઉડશે કે નહીં. મારા મિત્રો તો એરપોર્ટ પરથી સામાન સાથે પાછા આવ્યા છે કારણ કે ફ્લાઇટ તો રદ થઇ જ હોય અને એર ઇન્ડિયા એવી દરકાર પણ ના કરે કે રદ થયેલી ફ્લાઇટની માહિતી મુસાફરોને આપીએ જેથી એમને પરેશાની ના થાય.

એર ઇન્ડિયાની ટિકીટનું તમે કંઇ પણ કામ ફોન કરીને ના કરાવી શકો. ટિકીટની તારીખ બદલવી હોય કે ટિકીટ પ્રિન્ટ કરવી હોય ઇ ટિકીટ નંબર પરથી દરેક કામ માટે એર ઇન્ડિયાની ઓફિસે જવું પડે. અત્યારે મારે સિંગાપોર એરલાઇન્સની એર ઇન્ડિયા દ્વારા બુક કરેલી કોડ શેરીંગ બેઝ ટિકીટ છે એમાં પણ ડખા છે. હવે એર ઇન્ડિયા રુહીની ટિકીટ માટે 5,500/- રૂપિયા વધારે માંગે છે. હજી પણ આ વિખવાદ ચાલે છે જોઇએ શું નિવેડો આવે છે.

In flight service પણ એર ઇન્ડિયાની બીજી એરલાઇન્સો કરતા ઘણી ઉતરતી કક્ષાની છે. હું અને મારા કટુંબીઓ મોટા ભાગે સિંગાપોર એરલાઇન્સમાં મુસાફરી કરીએ છીએ. સિંગાપોર એરલાઇન્સની ચેક ઇન કાઉન્ટથી માંડીને In flight service ખૂબ ઉમદા હોય છે. વિમાનની મુસાફરી મારા માટે તો કાયમ કંટાળાજનક હોય છે પણ સિંગાપોર એરલાઇન્સની અમુક સુવિધાઓ, In flight service, સારુ ખાવાનું અને બીયરની સંગતે સમય પસાર થઇ જાય છે. વળી એર ઇન્ડિયાની પરિચારીકાઓ પણ તેઓ hospitality industry માં કામ કરે છે એ મૂળભૂત વસ્તુ ભૂલી જાય છે. સિંગાપોર એરલાઇન્સની પરિચારીકા અને એર ઇન્ડિયાની પરિચારીકાઓના વર્તનમાં ખૂબ ફરક હોય છે. સિંગાપોર એરલાઇન્સની પરિચારીકામાં પેસેન્જરની દરકાર કરવાની પરવા હોય છે જ્યારે એર ઇન્ડિયાની પરિચારીકાઓમાં પેસેન્જર પર ઉપકાર કરવાની અહોભાવના હોય છે.

હવે એર ઇન્ડિયાને ઉગારવી કંઇ રીતે એ સવાલ છે તો એનો જવાબ છે જરૂર છે કાર્યદક્ષતા બતાવવાની અને કમર કસવાની. પણ પ્રફૂલ્લભાઇથી આ બાબતમાં શેક્યો પાપડ પણ ભંગાય એમ નથી. એર ઇન્ડિયાને પાટે લાવવા જરૂર છે થોડા આકરા નિર્ણયોની. સરકારે જેમ નંદન નિલકેનીને આઇડી પ્રોજેક્ટ માટે રોક્યા એમ કોર્પોરેટ જગતના બીજા કોઇ કુશળ વ્યક્તિને રોકવાની જરૂર છે. છેલ્લે સરકાર કોઇને બહારથી ના રોકી શકે તો લાલુપ્રસાદ યાદવને Aviation minister બનાવી દેવા જોઇએ. લાલુ જંગી ખોટ કરતા આ સરકારી મહારાજાને ઓન પેપર તો નફામાં લાવી જ દેશે. 🙂

————————–

Added on 29th July, 2009, 10:55 pm

મમ્મીની 1લી ઓગસ્ટની સિંગાપોર એરલાઇન્સની સિંગાપોર-અમદાવાદની રીટર્ન જર્નીની ટિકીટ છે. સામાન્યત: સિંગાપોર-અમદાવાદની ફલાઇટનો ટાઇમ અહીંના સમય મુજબ સાંજના 6:55નો હોય છે પણ કોઇ કારણસર ટિકીટ બુક કરાવ્યા બાદ 1લી તારીખની ફ્લાઇટનો સમય બદલીને સાંજના 6:15 નો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મને તરત જ મોબાઇલ પર એસએમસએસ દ્વારા અને ઇ મેઇલ મોકલીને સિંગાપોર એરલાઇન્સે આજથી લગભગ 2-3 મહીના પહેલા કરી હતી. કાલે આ જ વાતને યાદ અપાવવા સિંગાપોર એરલાઇન્સમાંથી ફોન પણ આવ્યો હતો. આને કહેવાય સર્વિસ. એર ઇન્ડિયાના કેસમાં તો ફ્લાઇટ કેન્સલ થઇ જાય તો પણ કોઇ પેસેન્જરને મેસેજ નથી અપાતો. હવે કહો કે કોઇ સિંગાપોર એરલાઇન્સ છોડીને શા માટે એર ઇન્ડિયામાં જાય. દેશદાઝમાં કંઇ લેવાઇ થોડી જવાય….

%d bloggers like this: