TIME – A Scarce Resource

આજ કાલ સમયની બહુ મારામારી છે. ફ્રેંચ શીખવાનું ચાલુ કર્યું છે એટલે ઘણો બધો સમય એમાં ચાલ્યો જાય છે. સાથે સાથે ઓફિસમાં પણ હવે પહેલા જેવો નવરાશનો સમય મળતો નથી. દિવસના અંતે થાકીને અધૂરા રહી ગયેલા કામો અને અરમાનોનો ખરખરો કરીને સૂઇ જવાનું. જે કામો હું છેલ્લા કેટલાય સમયથી નથી કરી શક્યો એની યાદી નીચે છે :

  • પહેલા લગભગ રોજ રાત્રે ઓનલાઇન રેડિયો અથવા પસંદગીના ગીતો સાંભળતો હતો હવે આ પ્રવૃત્તિ સદંતર બંધ થઇ ગઇ છે કારણ કે ફ્રેંચ શીખવાનું અને સંગીત સાંભળવાનું બન્ને કામ સાથે ના થઇ શકે.
  • છેલ્લા એક મહિનાથી આઇ ફોન વાપરું છું પણ હજી સુધી એની બધી સવલતોનો ઉપયોગ નથી કરી શક્યો. હજી પણ ઇયરપીસ ફોનના ખોખામાં જ પડ્યા છે. iTunesમાં હજી પણ ખાંખાખોળા કરવાના બાકી છે. ગયા અઠવાડિયે iPhone OS4.0 વિશેનો લાઇવ પ્રોગ્રામ પણ ના જોઇ શક્યો. (સોરી હો સ્ટીવ ભાઇ, માઠું ના લગાડતા 🙂 )
  • ઘરે ઘણાં બધાં મૂવી અને કાર્યક્રમો સેટ ટોપ બોક્ષમાં રેકોર્ડ કરીને રાખેલા છે પણ એ જોવાનો સમય નથી મળતો. નવા મૂવી ઓનલાઇન જોવાનું તો વિચારી શકાય એમ જ નથી.
  • ફ્રેંચ ક્લાસીસના લીધે હવે RC મિટીંગમાં પણ નથી જઇ શકાતું કારણ કે RC મિટીંગ ગુરૂવારે હોય છે અને ગુરૂવારે ક્લાસ પણ હોય છે. આ ગુરૂવારે પણ Indian resident activity groupની મિટીંગ છે પણ ક્લાસના લીધે નહીં જઇ શકાય. જાહેર જીવનમાં પ્રવેશ કરવાના મારા અરમાનોનું બાળ મરણ થઇ રહ્યું હોય એમ લાગે છે.
  • ટેકનીકલ વાંચવાનું અને નવું શીખવાનું તો 2 મહિનાથી સદંતર બંધ જ થઇ ગયું છે. ઘણી બધી વસ્તુઓ નવી આવતી રહે છે પણ ઘરે શાંતિથી બેસીને એને સમજવાનો કે શીખવાનો સમય નથી કારણ કે ઘરે નિરાંતના સમયમાં હવે ફ્રેંચ શીખવાનું કામ ચાલે છે.
  • ઇત્તર વાંચન એટલે કે સામાયિકો, નોવેલ, ઇતિહાસ, બાયોગ્રાફી જેવું વાંચવાનું સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. લાયબ્રેરીમાંથી ઘણા સમયથી કોઇ પુસ્તક/સામાયિક જ નથી લીધું.
  • બ્લોગ લખવા માટે પણ સમય નથી મળતો. જેના લીધે પ્રબુધ્ધ વાંચકગણ મારી વિચારધારા જાણવાથી વંચિત રહી જાય છે.:) (જો કે Twitter/Facebook થકી microblogging ચાલુ છે.)
  • છેલ્લા કેટલાય વખતથી મીની વેકેશન માટે પ્લાનિંગ કરું છું પણ એ પ્લાનિંગ પૂરું થતું જ નથી. હવે લાગે છે જૂન કે જુલાઇમાં વેકેશનનો મેળ પડશે.

મને કોઇક વખત એવો પણ અહેસાસ થાય છે કે હું સમયને સારી રીતે વાપરતો નથી. Time Managementના મોર્ચે મારે થોડું શીખવાની જરૂર છે એમ લાગે છે પણ Time Management કર્યા બાદ પણ ઉપરની પરિસ્થિતિમાં બહુ ફરક પડે એમ લાગતું નથી.

Advertisements

સમય નથી..

આજે ઘણા વખત પછી કંઇક લખું છું બ્લોગ પર અને એ પણ બકવાસ. આજકાલ ખરેખર સમય ક્યાં જતો રહે છે કંઇ ખબર જ નથી પડતી. કેટલા બધાં કામ અટકી ગયાં છે પણ કોઇ કામ આગળ વધતા નથી. જીંદગીનું તંત્ર બહુ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વ્યવસાયિક અને વ્યક્તિગત બન્ને જીંદગીઓ જાણે રોકાઇ ગઇ હોય એવું લાગે છે. કંઇક નવાજૂની કરવી છે પણ શું કરવી, કેવી રીતે કરવી એ કંઇ ખબર નથી પડતી.

ઘણાં વિચારો/મંતવ્યો મગજમાં અટવાયેલા પડ્યા છે જેમ કે તાજેતરમાં સિંગાપોરના વિવિધ સ્થળોની મૂલાકાત વિશે કે પછી મહા મંદી અને આર્થિક જગતની બેહાલી વિશે કે પછી પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલા હૂમલા વિશે, જીંદગીના વર્તમાન પ્રવાહો વિશે વગેરે વગેરે… પણ આ બધાં વિચારોને બ્લોગ પર ટપકાવવાનો સમય નથી. આવતા અઠવાડિયાથી જીંદગીનું તંત્ર થોડું પાટે લાવવા પ્રયત્ન કરવો પડશે.

%d bloggers like this: