આજકાલના છોકરાઓ બહેરા થઇ ગયા છે??

આજકાલ મોટા ભાગના માતા પિતાની આ ફરિયાદ હોય છે કે છોકરાઓ એમનું સાંભળતા નથી. આવું કેમ? શું આજકાલના છોકરાઓની શ્રવણશક્તિ ઓછી હોય છે? શું આજકાલના છોકરાઓના કાન કામ ઓછા કરે છે એટલે તેઓ માબાપનું કહેલું નથી સાંભળી શકતા?

જવાબ છે હા… આજકાલના છોકરાઓના કાન ઓછા કામ કરે છે પણ એમની આંખો સતેજ હોય છે.

આપણે જે વિષયવસ્તુનું પાલન કે અનુકરણ આપણા છોકરાઓ પાસે કરાવવું હોય એ અનુકરણ પહેલા આપણે એમની સામે કરીને બતાવવું જોઇએ. જો મા બાપ આ વાત સમજી જશે તો વહેલા કે મોડા એમની આ છોકરાઓ એમનું ના માનતા હોવાની સમસ્યા આપોઆપ દૂર થઇ જશે. છોકરાઓ સાંભળવા કરતા જે જુએ છે એમાંથી વધૂ શીખે છે.
આજે સંબંધોમાં વિનય વિવેક ભૂલાતો જાય છે. મા બાપ છોકરાઓની હાજરીમાં જ બીજા સાથે અવિનય કરતા હોય તો તેઓ છોકરાઓ પાસેથી તેમના તરફ વિવેકપૂર્વકના વર્તનની આશા કઇ રીતે રાખી શકે? મા બાપ જ જો નવરા પડતા ટીવી સામે ગોઠવાઈ જતા હોય અને પછી છોકરાઓને ટીવી ના જોવાની સલાહ આપતા હોય તો આજકાલના છોકરાઓ મા બાપને રોકડું પરખાવ્યા વગર રહેશે? આવા અનેક ઉદાહરણો આપી શકાય કે જેમાં છોકરાઓની ફરિયાદ કરવા કરતા મા બાપે પોતે સુધરવાની જરૂર છે. પણ પૈસામાં જ સુખ અને સુરક્ષા માનનારા આજના જમાનાના લોકોને આ વાત ગળે ઉતરવી તો દૂર પણ એનો અહેસાસ થવો પણ અશક્ય છે.

(મારે પણ બસ આ વસ્તુને સમજી લેવાની અને અનુકરણ કરવાની જરૂર છે)

Advertisements

જે જે….

આજે અમે ઇસ્ટ કોસ્ટ રોડ પર આવેલા Senpaga Vinayagar Temple ગયા હતા. આ મંદિર આમ તો દક્ષિણ ભારતીય શૈલીનું છે પણ એમાં મુખ્ય મૂર્તિ ગણપતિ દાદાની છે. ઘણા વખતથી (લગભગ બે મહીનાથી) હું મંદિર નહોતો ગયો એટલે થયું કે ચલો શ્રાવણ મહીનો ચાલે છે તો જરા ભગવાનને મળતા આવીએ. આ મંદિર બહુ જૂનું છે અને મંદિરમાં લખેલા ઇતિહાસ મુજ્બ સૌ પ્રથમ મૂર્તિની સ્થાપના 1875ની સાલમાં કરવામાં આવી હતી. મંદિર સારું છે અને વાતાવરણ પણ ત્યાં એકદમ શાંત છે. ત્યાં મેં અલગ અલગ પ્રકારની ગણેશ ભગવાનની કાચથી માંડીને પથ્થરની બનેલી અદભૂત મૂર્તિઓ જોઇ.

લિંક પરથી મંદિરની વર્ચ્યુઅલ ટુર કરી શકાય છે.

મા બાપ જો મંદિરે જતા હોય તો નાના છોકરાઓમાં પણ ધર્મના સંસ્કાર પડે. આ બાબતમાં મને લાગે છે કે હું રુહીને ધર્મના સંસ્કાર આપવામાં થોડો ઉણો ઉતરું છું. સિંગાપોરમાં આવ્યા બાદ હું ધર્મથી વિમુખ થઇ ગયો છું જેનો મને રંજ છે. હું રુહીને પણ નિયમિત રીતે મંદિર નથી લઇ જતો જે મારે કરવું જ જોઇએ. જો કે અમારા ધરમાં મંદિર છે એમાં રુહી લગભગ નિયમિત રીતે જે જે…. કરે છે. દરરોજ સવારે એ જ્યારે કસરત કરીને પાછું આવે ત્યારે એ ઘરમાં મૂકેલા ગણપતિ દાદાની મૂર્તિ માટે એક જાસૂદનું ફૂલ અચૂક તોડી લાવે છે અને ઘરે આવીને ગણપતિ દાદાને ફૂલ ચડાવે. જો મને અગરબત્તી કરતા જોઇ જાય તો મારા હાથમાંથી અગરબત્તી લઇને ભગવાનને અચૂક અગરબત્તી કરે છે. ટીવીમાં પણ જો ભગવાન આવી જાય તો ટીવીને પન જે જે… કરે છે. આજે મંદિરે ગયા ત્યારે પણ બે હાથ જોડીને રુહી ભગવાન સામે ઉભી રહી ગઇ હતી. 

નીચે રુહી (લાલ જર્સી અને હાફ પેન્ટમાં) ભગવાન સામે જઇને બે હાથ જોડીને જે જે…. કરે છે. હું એને આ રીતે જે જે…. કરતા જોઇને થોડો ભાવુક થઇ ગયો.

Tau 2  Tau 1 

ભગવાન રુહીને તમે તમારા પ્રેમથી આશીર્વાદિત કરજો અને સાચી સમજણ આપજો.

 

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,

ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ.

આ સ્તવન હું પહેલા રુહી નાની હતી ત્યારે એને રોજ સંભળાવતો હતો પણ હવે આ બધું ભૂલાતું જાય છે. દોષ મારો જ છે પણ આ દોષને સુધારવામાં થોડો સમય લાગશે.