Time to recharge

NRI માણસ માટે Recharge થવા માટે સૌથી ઉત્તમ સ્થાન ક્યુ હોય? મારો જવાબ છે ઇન્ડિયા. વર્ષ દરમ્યાન ગમે તેટલા મનગમતા અને સારા સ્થળોમાં વેકેશન કરો પણ માદરેવતન જેવું કશું ના હોય. ઇન્ડિયામાં સગા સંબંધીઓને અને મિત્રોને મળવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, મોજ મઝા કરવાની અને ડોલરના ત્રાસથી છૂટીને ડોલરમાં કરેલી કમાણીને રૂપિયામાં વાપરવાની મજા અનેરી છે. આ મારા માનવુ છે.

છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે હું દિવાળીમાં અમદાવાદ વેકેશન કરવા ગયો છું પણ આ વખતે પહેલી વાર NRI season એટલે કે ડિસેમ્બરમાં ઇન્ડિયા જઇ રહ્યો છું. દર વખતે લગભગ 3-4 અઠવાડિયા માટે ઇન્ડિયા આવુ છું પણ આ વખતે માત્ર 10 દિવસના સમય માટે ઇન્ડિયા આવવાનું સુખ સાંપડ્યું છે. પણ 10 દિવસ તો 10 દિવસ આ મજાને છોડી શકાય એમ નથી. 17મી ડિસેમ્બરે 8:45 વાગ્યે મુંબઇ પહોંચીશ અને 27મી તારીખે લગભગ આ જ સમયે વિમાનમાં પૂરાઇને ઉડતો ઉડતો સિંગાપોર ચાંગી એરપોર્ટ પર મારા પગ ઘસડતો ઘસડતો પાછો આવી જઇશ. ચાંગી એરપોર્ટ પર જે રીતે પગ ઘસડતો હું પાછો આવુ છું દર વખતે એ જોઇ ખરેખર મને મારી દયા આવતી હોય છે. પણ ડોલર આગળ રૂપિયા કાયમ હારી જાય છે. એ વખતે કાયમ એમ લાગ્યા કરતુ હોય છે કે પાછલી જીંદગી સારી બનાવવાની લ્હાયમાં હું મારા આજને કુરબાન કરતો રહુ છું. જે પણ હોય પણ ધીરે ધીરે આ વિચાર વમળ અને ઇમોશનલ અત્યાચાર ઠંડો પડતો જાય છે અને ફરીથી જીવનની ઘરેડમાં આવી જતો હોઉ છું. કદાચ આનું જ નામ જીંદગી છે. જે છે એની કદર નથી હોતી અને જે નથી એની પાછળ દુ:ખી થતા હોઇએ છીએ.

આ વખતે પાછા આવીને એક નવી ચેલેન્જ લેવાની છે અને એ છે મારા અન્નદાતા બદલવાની 🙂 (એટલે કે નોકરી બદલવાની). યોકોગાવા કે જેણે મને 4.5 વર્ષ સહન કર્યો (જો કે હકીકત જે લખ્યું એનાથી વિરુધ્ધ છે :)) એને બાય બાય કરવાનું ફરમાન આપી દીધું છે અને નવા વર્ષથી નવા અન્નદાતા સાથે શ્રી ગણેશ કરવાના છે. એટલે આ વખતે ઇન્ડિયામાં બરાબર બેટરી ચાર્જ કરવાની છે એટલે આવીને તરત નવી ચેલેન્જને ન્યાય આપી શકાય. નોકરીમાં બદલાવ સાથે જીંદગીમાં પણ થોડો બદલાવ આવશે જે જરૂરી હતો.

તો પછી પાછા આવીને ઇન્ડિયામાં થયેલા અનૂભવો વિશે રોજનીશીમાં “ઇન્ડિયા ડાયરી” વિભાગમાં બીજા પાના ઉમેરીશ.

Advertisements

રજાઓ બાદના વિચારવમળો

ગઇકાલે રાત્રે રજાઓ માણીને રાત્રે લગભગ 9 વાગ્યે સિંગાપોર પાછો આવ્યો. ફોન ચાલુ કરતા જ મેંગ્લોરમાં બનેલી વિમાન દુર્ઘટના વિશે જાણવા મળ્યું. વિમાની દુર્ઘટનામાં 160 જીંદગીઓ નામશેષ થઇ ગઇ. સમાચાર જાણીને રજાના મૂડમાંથી એકદમ ફિલોસોફીકલ મૂડ થઇ ગયો. જીંદગી કેવી અજીબ છે. કોઇના ઘરે દિવાળી તો કોઇના ઘરે હોળી છે. કોઇના ઘરે અંધકાર તો કોઇના ઘરે ઉજાસ છે. કોઇના જીવનમાં ખુશીઓ છે તો કોઇના જીવનમાં માતમ છે. જેના પર વીતે છે એ જ જાણે છે જીંદગી કેટલી ક્રુર છે. જીંદગીનો કોઇ ભરોસો નથી અને મૃત્યુ એ જ જીવનનું અકળ સત્ય છે એ યાદ રાખવું જ રહ્યું. આવા ધણાં બધાં આડાઅવળા વિચારો દિમાગમાં આવવા લાગ્યા. અંતે, મૃતકજનોના પરિવારજનોને સાંત્વના.

રજાઓમાં માણવા માટે અમે અમારા એક મિત્રના પરિવાર સાથે ગયા હતા. મારા મિત્રને પણ રુહી જેટલી ઉંમરની જ બેબી (વેદા) છે. એટલે ત્રણ દિવસ રુહીને એની સાથે બહુ મઝા આવી રમવાની. ત્રણ દિવસ રુહી અને વેદા બન્નેએ બહુ ધમાલ કરી. રાત્રે સૂતી વખતે પણ રુહી વેદાને યાદ કરે અને સવારે ઉઠીને પણ તરત વેદાને યાદ કરે. જતા આવતા બસમાં બન્નેએ ધમાલ મચાવી મૂકી. પણ કાલે જ્યારે ઇમીગ્રેશન કાઉન્ટર પરથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે વેદાને બાય કહેતા રુહીના ચહેરા પર એક ઉદાસી જેવું મને લાગ્યું. જ્યારે એને ખબર પડી કે હવે વેદા એની સાથે નહીં હોય ત્યારે એ એકદમ ઉદાસ થઇ ગઇ. આપ્તજનોથી વિખૂટા પડવાની પીડા એ ફક્ત મોટેરાઓમાં જ નહીં પણ નાના છોકરાઓમાં પણ હોય છે એ વાત મને સમજાઇ. અહીં વિદેશમાં ઇન્ડિયાની જેમ છોકરાઓનું ગ્રુપ બનવું મૂશ્કેલ છે. એટલે જ નાના છોકરાઓ બિચારા કોઇનો સાથ ઝંખતા હોય છે. મને એ વાતનું દુ:ખ થયું કે પૈસા કમાવવાની લ્હાયમાં રુહી પાસેથી હું એનું બાળપણ છિનવી રહ્યો છું, જે દાદા-દાદી કે ઘરના લોકોનો પ્રેમ મળવો જોઇએ એ પ્રેમ એની પાસેથી હું છિનવી રહ્યો છું, પોતાની ઉંમરના બાળકો સાથે ધમાલ કરવાની મઝા હું છિનવી રહ્યો છું. કદાચ હું બહુ લાગણીશીલ થઇને આ વિચારી રહ્યો છું. પણ આ વાત સાવ ખોટી તો નથી જ. ઘણી બધી વસ્તુઓ હું વિચારી શકું છું અને કરવા માંગુ છું પણ કરી શકતો નથી. કોઇક અલગ બંધનોમાં હું જકડાઇ ગયો છું એમ લાગે છે. આ બંધનો ક્યારેક તૂટશે એ આશા છે.

ત્રણ દિવસ રજાઓ દરમ્યાન દરિયા કિનારે સમય વિતાવવાનો સારો એવો સમય મળ્યો. એક દિવસ વહેલી સવારે હું દરિયા કિનારે ફરવા પણ ગયો હતો. સવારે દરિયા કિનારે ફરતા ફરતા મને મારા ગોવામાં વિતાવેલા દિવસોની યાદ તાજા થઇ ગઇ. સવારે જ્યારે તમે દરિયાને જુઓ ત્યારે એ એકદમ શાંત લાગે પણ આ જ દરિયો સાંજે જુઓ તો ઉન્માદમાં લાગે. સવારના સમયે પ્રકૃતિનું સાનિધ્ય માણતા દરિયાને શ્વાસમાં ભરી લેવાની મઝા કંઇક ઓર હોય છે. દરિયા કિનારે એકલા (હા એકલા જ :)) બેસી સમુદ્રના મોજાઓને નિહાળતા મન એકદમ શાંત થઇ જાય અને મનમાં અનેક નવીન વિચારોને આકાર પણ મળે. આવી એકલતા મને લાગે છે દરેકે સમયાંતરે માણવી જોઇએ.

અત્યારે ફકત આટલું જ લખવાનો સમય છે. રોજનીશીમાં વેકેશન વિશેની બીજી વાતોના પાનાં પછી ઉમેરીશ.

વેકેશન

છેલ્લા લગભગ મહિનાથી હું વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યો હતો પણ એક યા બીજા કારણસર એ પાછું ઠેલાતું જતું હતું. પણ છેવટે વેકેશન નક્કી થઇ ગયું છે. આજે હું વેકેશન ટુર માટે ડોલર ભરી આવ્યો અને હવે આવતા અઠવાડિયે શુક્ર, શનિ અને રવિ ત્રણ દિવસ માટે સિંગાપોરને અલવિદા. વેકેશન એક્દમ આરામપ્રદ અને આનંદદાયી રહે એ માટે બધી વ્યવસ્થા કરી લીધી છે. વેકેશન દરમ્યાન બીચ પર પડ્યા રહીને મસ્ત આરામ કરવો છે એટલા માટે sea facing chaletનું બુકીંગ કરાવ્યું છે. થાક ઉતારવા માટે મસ્ત મસાજ કરાવવા છે. સ્નોર્કલીંગ એટલે કે દરિયામાં ડૂબકી મારવાની છે. સાથે સાથે મસ્ત ફોટા પાડવા છે.કૂદરતના સાનિધ્યને પણ માણવું છે. ટૂંક્માં ત્રણ દિવસ માટે Sun, Sand, Beaches n Fun.

નીચે હું જે જગ્યાએ વેકેશન માટે જઇ રહ્યો છું એ સ્થળના અમુક ફોટા છે.

This slideshow requires JavaScript.

જો ઇન્ડિયાની ટ્રીપને વેકેશન ના ગણું તો બરાબર એક વર્ષ પછી હું વેકેશન માટે જઇ રહ્યો છું. આશા રાખું કે વેકેશન આનંદપ્રદ રહેશે.

Back in SG

આજે ઢસડાતા પગે ફરીથી સિંગાપોર આવી ગયો. મસ્ત વેકેશન બાદ પાછા આવવાનો કંટાળો આવે એ સ્વાભાવિક છે પણ શું કરું પાપી પેટનો સવાલ છે. હજી મારી મરજી મુજબ વેકેશન ભોગવી શકું એટલી ઔકાત નથી.

ગઇકાલ રાત્રે ફ્લાઇટમાં લગભગ ઉજાગરો જ રહ્યો. થાકી ગયો અને હવે જલ્દી હા લા કરી જવાની છે. સિંગાપોર એરલાઇન્સની ઇન ફ્લાઇટ સર્વિસમાં કાલે બહુ લોચા હતા. 11:15ની ફ્લાઇટ ઉપડી 11:45 વાગ્યે (જો કે ફ્લાઇટ સવારે સમયસર સિંગાપોર પહોંચી હતી) અને ફ્લાઇટમાં મને ડિનર મળ્યું 2:30 વાગ્યે. શું ખાવાનો મૂડ રહે? ઇન ફ્લાઇટ એન્ટરટેઇન્મેન્ટમાં પણ ધાંધિયા જ હતા. જો કે "લવ આજ કલ" મૂવી થોડું જોયું ફરીથી. "આજ દિન…" ગીત મને કાલે સાંભળ્યા પછી બહુ ગમ્યું. ગીતના શબ્દો અર્થપૂર્ણ છે. રાહત ફત્તેહ અલીખાનના અવાજનો દિવસે દિવસે હું કાયલ થતો જઉં છું. મને નૂસરત ફત્તેહ અલીખાન કરતા પણ રાહત ફત્તેહ અલીખાનનો અવાજ વધૂ દમદાર અને મધુર લાગે છે.

 
થોડા દિવસ પહેલા ઇદના દિવસે રાહત ફત્તેહ અલીખાનને પાકિસ્તાનમાં કરેલા કોઇ લાઇવ પ્રોગ્રામની રેકોર્ડ ઝી પર ઇદ નિમિત્તે બતાવાઇ હતી. બસ મારા માટે 2 કલાકનો જલ્સો થઇ ગયો.
 
હવે સિંગાપોરમાં ત્રણ અઠવાડિયા માટે બેચલર લાઇફ જીવવાની છે.

ત્રણ અઠવાડિયા માટે વિરામ

આજે સપરિવાર દિવાળી ઉજવવા માટે ઇન્ડિયા જઇ રહ્યો છું. આ વખતે ખાલી 3 અઠવાડિયાનો સમય છે મારી પાસે. આ સમય દરમ્યાન કંઇ લખવાનો પ્રશ્ન જ નથી. 3 અઠવાડિયા તો ઇન્ડિયામાં રહીને ખાઓ, પીઓ, હરો, ફરો અને મઝા કરો. 3 અઠવાડિયાના વિરામ બાદ ઇન્ડિયા ડાયરી વિભાગમાં મારા અનૂભવો, સંશોધનો, નિરીક્ષણો સાથે ફરીથી લખવાની શરૂઆત કરીશ.

મામાનું ઘર કેટલે….

ગઇકાલે મમ્મી સિવાયના બધા ઇન્ડિયા જવા નીકળી ગયા. આજે થોડો આરામ કરી બધાં પોત પોતાની રોજીંદી ઘરેડમાં લાગી જશે. છોકરાઓને સ્કૂલ બેગ લઇને સ્કૂલે જવાની ભાગમભાગ અને મમ્મીઓને નોકરી અને ઘરના કામકાજની ભાગમભાગ. છોકરાઓ અને એમની મમ્મીઓ માટે એક મહિનાનો આરામ અને હવાફેર બહુ સારો રહ્યો. વિદેશ યાત્રાનું બધાંનું સપનું પૂરું થઇ ગયું.  શોપીંગ અને હરવા ફરવામાં એક મહિનો ક્યાં પૂરો થઇ ગયો એ ખબર જ ના રહી. ઢગલાબંધ ફોટા પાડ્યા છે. ઇન્ડિયામાં બધાં સિંગાપોર ફોટામાં અને ડીવીડીમાં  જોઇ લેશે. મારે પણ બધાંને અહીં ફરાવવામાં સારી એવી દોડાદોડી થઇ હવે મારે પણ થોડો આરામ કરવો છે.

જ્યાં સુધી મામા છે ત્યાં સુધી છોકરાઓને જલસા છે. " મામાનું ઘર કેટલે દીવો બળે એટલે…" એ ખરેખર સાચું જ છે મારા ભાણિયાઓ માટે. ત્રણ વર્ષ થયા મારા લગ્નને એમાં છોકરાઓનું આ બીજું વેકેશન હતું મામાના ઘરે. આની પહેલા પણ એ લોકો મુંબઇમાં વેકેશન કરવા આવેલા. ત્યારે પણ બધાંને આખું મુંબઇ દર્શન કરાવેલું અને આ વખતે સિંગાપોર- મલેશિયા દર્શન.  આગળના વેકેશનોની ખબર નથી કે મામા ક્યાં હશે અને શું કરતા હશે પણ અત્યાર સુધી ભગવાને બધું ગોઠવી આપ્યું છે એમ આગળ પણ ગોઠવી આપશે. ઘર હોય એમાં બે વાસણ ખખડે પણ ખરા પણ તો ય બધાં મન મોટા રાખીને શાંતિથી જોડે રહી શકીએ છીએ અને કુટુંબમાં પ્રેમભાવ છે એ આજના જમાના પ્રમાણે સારુ જ કહેવાય.

મમ્મી હજી અમારી સાથે જ છે એ લગભગ બીજા બે મહિના હજી સિંગાપોરમાં રોકાશે. પણ હવે સમસ્યા એ છે કે એમને કઇ રીતે વ્યસ્ત રાખવા? ઇન્ડિયાથી વિદેશ જતા દરેક વયસ્કોની આ કોમન સમસ્યા છે કે વિદેશમાં આખો દિવસ શું કરવું? વિદેશોમાં તો કઇ ઓટલા પરિષદો જામતી ના હોય કે પછી પાડોશીના ઘરે આજે શું બનાવ્યું છે એ પૂછવા જવાય નહીં. અહીં તો પાડોશમાં ઇન્ડિયાના લોકો હોય તો પણ પતિ પત્ની બન્ને જોબ કરતા હોય એટલે નકામું. ઇન્ડિયા અને અહીંની જીંદગીમાં બહુ ફરક છે. જુવાન માણસ કામકાજમાં કે ટીવી અને ઇન્ટરનેટની દુનિયામાં ખોવાઇને દિવસ ટૂંકો કરે પરંતુ વયસ્ક લોકો માટે 24 કલાક ખેંચવા ભારે પડે.  જો કે સાંજે અહીં અમુક સમ દુખિયાઓ 🙂 ઘર પાસે ઓટલા પરિષદ જમાવતા હોય છે એટલે સાંજે લગભગ મમ્મીને વાંધો નહીં આવે. એ એમની રીતે ઓટલા પરિષદમાં સભાસદ તરીકે ગોઠવાઇ જશે. આ વખતે એમને થોડું ઇન્ટ્રનેટ વાપરતા કરવા છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર વગેરે વાંચી શકે એટલે બહુ પણ એમને એ પણ શિખવાડવું મારા માટે ભગીરથ કાર્ય છે. વીક એન્ડમાં બહાર જવાનું અને દેવ દર્શનનું ગોઠવી આપવાનું. બાકી તો ટાઉ તો કમ્પની આપવા આખો દિવસ છે જ.  

મમ્મી જશે પછી તરત જ ઓક્ટોબર મહિનામાં દિવાળી કરવા અમારે ઇન્ડિયા જવાનું. મહિનાનું અમારું વેકેશન જેની આખું વર્ષ હું રાહ જોતો હોઉં છું. 

%d bloggers like this: