Art એટલે શું?

આજે મને ખબર પડી કે આર્ટ (કલા) એટલે શું? આર્ટ એટલે જેમાં મને કશી ગતાગમ નથી પડતી કે મને જેમાં જરા પણ રસ નથી પડતો એવી આવડત. 🙂

સિંગાપોરમાં કલા, સાહિત્ય, ઇતિહાસ અને બીજા વિવિધ વિષયોને લગતા ખૂબ સરસ મ્યુઝિયમ છે. હું આ બધા મ્યુઝિયમની સમયાંતરે મારી અનૂકુળતા મુજબ મૂલાકાત લેતો રહુ છું. આજે એના ભાગરૂપે Singapore Arts Museumનો નંબર લાગ્યો હતો. અહીંના દરેક મ્યુઝિયમની જેમ આ મ્યુઝિયમ પણ સરસ છે. મ્યુઝિયમમાં નામચીન ચિત્રકારો દ્વારા દોરાયેલા ઘણા સરસ અને કદાચ બહુ કિમતી ચિત્રો મૂકાયા છે. પણ ખાટલે મોટી ખોટ એ કે દરેક ચિત્રને સમજી શકાય એવી કલારસિકની નજર કે બુધ્ધિ મારી પાસે નહોતી. ચિત્રોની સાથે સાથે અમુક વિડીયો, પુસ્તકો અને બીજી ઐતિહાસિક વસ્તુઓ પણ હતી. અમુક ચિત્રો મને તરત સમજાઇ ગયા પણ અમુક ચિત્રો એમ સહેલાઇથી સમજાય એવા નહોતા. મેં આ ચિત્રોને બહુ ધ્યાનથી જોયા, ચિત્રની બાજુમાં મૂકેલા લખાણો પણ વાંચ્યા પણ અમુક ચિત્રોના ચિત્રકારની ભાવનાઓને સમજવામાં હું સદંતર નિષ્ફળ રહ્યો. મ્યુઝિયમમાં અમુક કલારસિકોને મેં જોયા જે આ ચિત્રો જોઇને ભાવુક થઇ ગયા હતા અને અંદરોઅંદર ચર્ચા પણ કરતા હતા પણ આ ચિત્રોને સમજવા મારી સમજની બહાર હતા. ઉદાહરણ તરીકે એક દિવાલ પર ગુલાબી કલરના 12 શેડ મૂકેલા હતા. એ ચિત્રને સમજાવતા લખાણમાં લખ્યું હતુ કે આ લાલ અને સફેદ રંગના મિશ્રણથી રંગાયેલા 12 ચોરસ ટૂકડા એ માનવીની જીંદગીના અલગ અલગ મૂડ દર્શાવે છે. ઓ ત્તારી… ખરુ કહેવાય. :)  આખરે હાર માની લીધી અને વસ્તી કરી લીધી કે ભાઇ આમા આપણું કામ નહીં. જેની આંખોમાં કલા વસી છે અને જેમને આમાં રસ છે એમને માટે કદાચ આ અમૂલ્ય હોઇ શકે પણ મારા જેવા અણસમજુ માણસ માટે તો ભેંસ આગળ ભાગવત અને પાડા આગળ પારાયણ જેવું લાગતુ હતું.

થોડા સમય પહેલા હું એક ચિત્રકારની ગેલેરીમાં ગયો હતો જ્યાં એણે એના દોરેલા ચિત્રો વેચવા માટે મૂક્યા હતા. એક એક ચિત્રની કિંમત લાખો રૂપિયામાં થતી હતી. ચિત્રો અને એ ચિત્રોની કિંમત જોઇને હું એ તારણ પર પહોંચ્યો કે ચિત્ર જેટલુ ના સમજાય એવું હોય એટલી એ ચિત્રની કિંમત વધારે હોય. મોનાલીસાનું ચિત્ર જગ વિખ્યાત છે પણ હજી સુધી એ મારી સમજની બહાર છે કે હસતી કે રડતી સ્ત્રીના ચિત્રમાં એવી તો શું અજાયબી છે? કદાચ એ વાત જાણવા માટે મારે પેરિસ જઇને એ ચિત્રને નજરો નજર જોવું પડશે અને અભ્યાસ કરવો પડશે. 🙂

 DSCF2747

 

પાબ્લો પિકાસો

(મહાન ચિત્રકાર જેનો મારી સાથે ભેટો હોંગકોંગના ટ્યુસાડ મ્યુઝિયમમાં થયો હતો.)

 

 

 

 

 

 

લોકો કલા અને સ્થાપત્યોમાં રોકાણ પણ કરે છે અને ઢગલાબંધ કમાય પણ છે. કઇ રીતે એ મારી સમજ બહાર છે. આજે જ મારા પર ફોન આવ્યો હતો કે તમે વાઇનમાં રોકાણ કરો. વાઇનનું એવુ છે કે વાઇન જેટલો જૂનો એટલી એની કિંમત વધારે. જો કે આ બધા ધંધા મારી સમજની બહાર છે. મને તો એ જ ખબર ના પડી કે હું વાઇનના ધંધામાં પડીશ એવો ગંદો વિચાર એમને ક્યાંથી આવ્યો? 🙂 લોકો ભલે કમાતા આવા ધંધાઓમાં પણ સાચુ કહુ તો આવા ધંધાઓમાં મારી ચાંચ ડૂબે એમ નથી.

Advertisements

Outing @ECP & Chill out

આજકાલ ચાઇનીઝ લોકોના નવા વર્ષની (Lunar New Year) રજાઓ છે એટલે રખડપટ્ટી ચાલી રહી છે. ગઇકાલે લીટલ ઇન્ડિયા ગયા હતા. બહુ ઘરની વસ્તુઓની ખરીદી કરી અને નવી ખૂલેલી શુધ્ધ શાકાહારી હોટલમાં જમીને V Dayની ઉજવણી કરી.

આજે East Coast Park જઇ બીચ પર રખડપટ્ટી કરી. સૌ પ્રથમ bowling કરી. બહુ વખત પછી bowlingની મઝા માણી. વિભાએ તો પહેલી વખત આ રમતની મઝા માણી. મેં બે વખત સ્ટ્રાઇક સાથે 10 પ્રયત્નોમાં 114 પોઇંટનો સ્કોર કર્યો. (Well Done man!! 🙂 ) વિભાનો સ્કોર સૌથી ઓછો રહ્યો અને બહુ પ્રેકટિસ કરવાની જરૂર છે. 🙂 Bowling પછી રુહીને ત્યાં આવેલી રાઇડોમાં બેસાડીને મઝા કરાવી. ચૂ ચૂ ટ્રેનમાં બેસવાની એને બહુ મઝા આવે છે. પછી મિત્ર સાથે બોર્ડ ગેમ રમીને પ્રાઇઝ મેળવવાની રમત રમી. એમાં એક રોબોટનું રમકડું અને રમકડાની તલવારોનો સેટ જીત્યા. ત્યાર બાદ દરિયા કિનારે જઇને બેઠા અને થોડા નાસ્તા પાણી કર્યા. થોડી રખડપટ્ટી કરીને પછી Komala’sમાં જમવા ગયા. મને Komala’s ના ફૂડમાં બહુ મઝા નથી આવતી પણ બીજા કોઇ શાકાહારી ભોજનના વિકલ્પના અભાવે Komala’s માં જમીને કામ ચલાવવું પડ્યું. ડીનર પછી Brazilian Salsa ના કાર્યક્રમનો આનંદ માણ્યો. Salsa નૃત્યકારો અને એમણે રજૂ કરેલો પ્રોગ્રામ મને એટલો અદ્દ્ભૂત ન લાગ્યો પણ હું બ્રાઝિલમાં નહીં પણ સિંગાપોરમાં છું એ વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીને મન મનાવી લીધું. પછી ઘરે પાછા. મઝા આવી ગઇ. રીચાર્જ થઇ ગયો થોડો.

આવતી કાલે પણ રજા છે. કાલે મ્યુઝિયમ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે. મુધલ સમયના ઘરેણાઓની થીમ પર ગેલેરી ઉભી કરવામાં આવી છે એટલે મારી અંદર રહેલા historianને થયું કે ચલો એક આંટો મારતા આવીએ. સાથે સાથે સિંગાપોરમાં મને સૌથી વધારે ગમતી જગ્યાની મૂલાકાત પણ થઇ જશે.

Just Chill… Chill…

Visit to Asian Civilization Museum

મને ઇતિહાસ અને જૂના જમાનાની સભ્યતાઓ વિશે જાણવું બહુ ગમે. અહીં સિંગાપોરમાં કેટલાક બહુ જ સારા મ્યુઝિયમ છે અને એમાંનું એક છે Asian Civilization Museum. મેં આ મ્યુઝિયમ અત્યાર સુધી જોયું નહોતું કારણ કે રુહીને લઇને આવી જગ્યાએ જવામાં મઝા ન આવે. Asian Civilization Museum સિંગાપોર રીવરના કિનારે જ આવેલું છે અને આજુબાજુનો એરિયા એકદમ અફલાતૂન છે. અત્યારે સિંગાપોરમાં એકલો છું, નવરો છું એટલે વિચાર્યું કે મ્યુઝિયમ જોતા આવીએ અને આજુબાજુ થોડુ ફરતા આવીશું.

મ્યુઝિયમમાં જવાની ટિકીટનો દર ખાલી 5 સિંગાપોર ડોલર જ છે પણ આજે વળી મારુ નસીબ જોર કરતું હશે તો મ્યુઝિયમમાં મફતમાં એન્ટ્રી હતી. ચલો 5 ડોલર બચ્યા. સાથે સાથે મ્યુઝિયમમાં આજે ફિલીપાઇન્સ દેશના કલ્ચરની ઉજવણી કરી રહ્યા હતા. એટલે આજે ફિલિપાઇન્સ દેશના લોક નૃત્યો, ગીત સંગીત અને ખાવા પીવાના પ્રોગ્રામ હતા. મે પહેલા અંદર જઇને મ્યુઝિયમની જુદી જુદી ગેલેરીઓ જોઇ. વર્ષો જૂની મૂર્તિઓ અને કલા કૃતિઓને ખરેખર બહુ સારી રીતે સાચવણી કરીને મ્યુઝિયમમાં મૂકાઇ છે. જૂના વખતમાં એશિયામાં બુધ્ધ ધર્મનું વધારે ચલણ હતું. ઘણી બધી બુધ્ધ ભગવાનની મૂર્તિ, સ્તૂપ, અનુયાયીઓ વગેરેની મૂર્તિઓ મ્યુઝિયમમાં છે. થોડાક ફોટા લીધા અને ત્યાં કેમેરાની બેટરીએ દગો દીધો. મને એટલો ગુસ્સો આવ્યો કે કેમેરાનો છૂટ્ટો ઘા કરુ બારીમાંથી. (આજ પછી કોઇ દિવસ A4 બેટરી ઓપરેટેડ કેમેરા હવે હું નહીં  લઉં કારણ કે એ ક્યારે દગો આપી દે એ કહેવાય નહીં. લિથિયમ બેટરીની લાઇફ વધારે હોય છે એટલે લિથીયમ બેટરીવાળો જ કેમેરા લેવો.)

કેમેરો બંધ થઇ ગયો એટલે મૂડ થોડો આઉટ થઇ ગયો એટલે થોડું આમતેમ જોઇને હું મેઇન હોલમાં ગયો જ્યાં ફિલીપાઇન્સ દેશના સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા. હું ગયો ત્યારે એક મ્યુઝિક બેન્ડનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. એ પછી ત્યાંના લોકગીતોનો કાર્યક્રમ ચાલુ થયો. આપણને એમની ભાષામાં ખબર ના પડે પણ સંગીત કર્ણપ્રિય હતું એટલે સાંભળવીની મઝા આવી. પછી કાર્યક્રમની વચ્ચે બહાર એક રાઉન્ડ મારી આવ્યો. પાછો અંદર આવ્યો ત્યારે ડાન્સ પ્રોગ્રામ શરૂ થવાના હતા. મને એ ખબર નહોતી કે ફિલિપાઇન્સ પર પહેલા સ્પેનીશ લોકોનું રાજ હતું એટલે ત્યાંની સભ્યતા પર સ્પેનીશ સભ્યતાનો પણ પ્રભાવ છે. ડાન્સ પ્રોગ્રામમાં પહેલો જ સ્પેનીશ ડાન્સ હતો. Dance was just AMAZING. લાંબા ગાઉન પહેરી ત્રણ છોકરીઓએ ખરેખર એક્દમ અદભૂત ડાન્સ કર્યો. ત્યાર બાદ cow boy ના પોષાકમાં આવીને એક છોકરાએ અફલાતૂન ડાન્સ કર્યો. હું તો જ્યાં હતો ત્યાં જામી જ ગયો. ત્યાર બાદ તો એક પછી એક ડાન્સ કાર્યક્રમો ચાલુ થયા. મને એ લોકો ક્યા પ્રકારનો સ્પેનીશ ડાન્સ કરી રહ્યા હતા એ ખબર નહોતી પણ એમના ડાન્સ જોઇને મારી તો લાઇફ બની ગઇ. એ લોકો પોતાના પગના અંગૂઠા પર ઉભા રહીને પોતાને બેલેન્સ કરીને જે ડાન્સ મૂવ કરતા હતા એના વિશે તો શું કહેવું? આજે સ્પેનીશ ડાન્સને નજર સમક્ષ જોયા બાદ હું એનો દિવાનો થઇ ગયો. ખાલી એક જ અફસોસ રહ્યો કે હું એ ડાન્સને કેમેરામાં કેદ ના કરી શક્યો.

%d bloggers like this: