पूरब और पश्चिम

આજથી ચાર દિવસના લાંબા વીકએન્ડની શરૂઆત થઇ છે. લાંબા વીક એન્ડની શરૂઆત "पूरब और पश्चिम" મૂવી જોઇને કરી. 15મી ઓગસ્ટના વીક દરમ્યાન સોની પર રોજ દેશ ભક્તિના મૂવી આવતા હતા એ વખતે આ મૂવી રેકોર્ડ કર્યું હતું તો આજે જોવાનો મેળ પડ્યો. આમ તો આ મૂવી પહેલા જોયેલુ છે પણ ઘણા વખત પહેલા જોયું હતું એટલે ફરી જોવાની મઝા આવી. અહીં સિંગાપોરમાં બેઠા બેઠા આવા (અથવા ભારત કુમારના કોઇ પણ) મૂવી  જોઇએ એટલે થોડા સેન્ટી થઇ જવાય.

purab aur paschimuntitled

મૂવીના અમુક સંવાદો સરસ છે જેમ કે જ્યારે ભારત કુમાર ભણવા માટે લંડન જતા હોય છે ત્યારે અશોક કુમાર એમને કહે છે કે પહેલા દુનિયાભરમાંથી લોકો જ્ઞાન મેળવવા ભારત આવતા હતા જ્યારે હવે લોકોને જ્ઞાન મેળવવા માટે પરદેશ જવું પડે છે. ત્યારે ભારત કુમારે સરસ જવાબ આપ્યો કે જ્ઞાન નહીં પણ વિજ્ઞાન મેળવવા માટે લોકો પરદેશ જાય છે. કદાચ આજથી 25-30 વર્ષ પહેલા આ દલીલ યોગ્ય હતી પણ આજના જમાનામાં એવું નથી રહ્યું. આજ કાલ લોકો ફક્ત GreenBack માટે અને રૂપિયાનો ગુણાકાર કરવા જ જાય છે. બાકી આજકાલ જ્ઞાન વિજ્ઞાન માટે જનારા લોકો બહુ ઓછા રહી ગયા છે.

બીજો સંવાદ મને અશોક કુમારનો ગમ્યો જેમાં એ કહે છે કે “हरनाम पछ्छ्म पछ्छ्म करता रहा, क्या मिला उसे पछ्छ्म से…” આજના સમયમાં જોવા જઇએ તો આ વાત સાચી પણ છે અને ખોટી પણ છે. પશ્ચિમ પાસેથી માણસને રૂપિયા અને ભૌતિકવાદ મળી શકે છે. પણ ભારત પાસે જે અખૂટ માનવીય સંવેદનાઓ, સંબંધોના તાણાવાણા અને પ્રેમભાવ છે એ પશ્ચિમ ક્યારેય નહીં આપી શકે. જો કે હું એમ નથી કહેતો કે માણસે ક્યારેય પરદેશ ના જવું જોઇએ અને પરદેશ ખરાબ જ છે. દરેક વ્યક્તિએ ભારતની બહાર નીકળીને એકવાર અનૂભવ તો લેવો જ જોઇએ. જો તમે ખરાબ અને સારુ બન્ને નહીં જુઓ તો તમે નક્કી નહીં કરી શકો કે શું સારુ છે અને શું ખોટુ છે? દરેક માણસની જીવન પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય છે એટલે જેને જે સારુ લાગે એ પ્રમાણે નિર્ણય કરે.

મૂવીના અમુક ગીતો પણ સારા છે. આવા મૂવી સમયાંતરે જોતા રહેવા જોઇએ જેથી થોડા emotionally charge થઇ જવાય. મને મૂવી જોતા જોતા વિચાર આવ્યો કે હું પરદેશમાં તો છું પણ પશ્ચિમમાં નહીં પૂર્વમાં છું તો શું મારે આ મૂવી જોઇને બહુ સેન્ટી થવું જોઇએ? 🙂

ઇમેજ : ગુગલ ઇમેજીસમાંથી

Advertisements

this weekend

ત્રણ મૂવી જોયા બે દિવસમાં.

1) રોકેટસિંઘ – સેલ્સમેન ઓફ ધ યર

2) પા

3) વેક અપ સીડ (બીજી વાર)

મૂવી જોયા અને ઘરે આરામ.

अजब प्रेम की गजब कहानी

આજે મૂવી अजब प्रेम की गजब कहानी જોયું. આ વખતે ડીવીડી/વીસીડી/ઓનલાઇન કે ડાઉનલોડ કરીને નહીં પરંતુ બાકાયદા ડોલર ખર્ચીને જોયું. હમણાં 2-3 દિવસથી સારા મૂડે મારો સાથ છોડી દીધો છે એટલે મને થયું કે ચલો મૂડને સારો કરવા કોઇ મૂવી જોઇએ. વળી ઘરની નજીક જ ટેમ્પીનીસ મોલમાં મૂવી લાગેલું હતું એટલે સિનેમાઘર સુધી જવાની પણ અનૂકુળતા હતી. હવે થોડી મૂવી વિશે વાત.

temp

મને આ મૂવી સારુ લાગ્યું (આમ પણ વર્ષ બાદ કોઇ પણ મૂવી જુઓ સિનેમાઘરમાં એટલે સારુ જ લાગે :)) . મૂવીની વાર્તામાં કંઇ નવીનતા નથી પણ કોમેડીમાં દમ છે. મધ્યાંતર પહેલાનો ભાગ કોમેડી સાથે સાથે રસપ્રદ છે પણ મધ્યાંતર પછીના ભાગમાં એ જ બધી ચિલાચાલુ 50 વખત જોવાઇ ગયેલી, ચવાઇ ગયેલી સ્ટોરી છે. સંગીત અને ગીતો પણ સારા છે મૂવીના. "प्रेम की नैया… " ગીતનું પિક્ચરાઇઝેશન મને ગમ્યું. રણબીર કપૂરનો અભિનય અને કોમેડી એ મૂવીના સૌથી મજબૂત પાસા મને લાગ્યા. રણબીર કપૂર આજ કાલ બોક્સ ઓફિસ પર રાજ કરે છે. મને પણ આ chho sweet ચોકલેટી બોય ગમે છે (ખાલી થોડું નાક વ્યવસ્થિત કરાવવાની જરૂર છે) . ફિલ્મમાં સૌથી નબળું પાસુ છે ઉપેન પટેલ અને એનો અભિનય. ખબર નહીં એ અંગ્રેજને કેમ લીધો આ મૂવીમાં? દુ:ખ સાથે લખવું પડે છે કે કેટરીના કૈફ એકદમ સામાન્ય લાગે છે મૂવીમાં. જે ગ્લેમર કેટ સાથે જોડાયેલું છે એ ખબર નહીં આ મૂવીમાં ક્યાંક ગાયબ હોય એવું મને લાગ્યું. કેટલાક દ્રશ્યોમાં તો મને એકદમ બકવાસ લાગી (Sorry Kat, but trying to be honest with myself.). કદાચ આ વાંચીને કેટલાક કેટના ચાહકો રાજ ઠાકરેના ગુંડા જેમ અબુ આઝમી પર વરસી પડયા હતા એમ વરસી પડે પણ વાત સાચી છે.

છેલ્લે, મારા મતે આ મૂવી પૈસા વસૂલ મૂવી છે. જો જોવાઇ જાય તો આનંદ થાય અને ના જોવાય તો અફસોસ ના કરવો.

(Image : from wiki)

Paa

છેલ્લા કેટલાક સમયથી હું બીગ બી બચ્ચન સાહેબનો બ્લોગ વાંચુ છું. વાંચવાની મઝા આવે છે અને બીગ બી પણ બ્લોગના વાચકો તરફ સારો એવો સમય અને પ્રેમ દાખવે છે. એટલા માટે જ બીગ બી એ Paa ફિલ્મનો પ્રિવ્યુ પોતાના બ્લોગ પર મિડીયાની સાથે જ પોતાના FmXt માટે મૂક્યો હતો. પ્રિવ્યુ જોયા પછી થોડા સમય માટે તો મને ખબર જ ના પડી કે મેં આ શું જોયું. બીગ બી મારી સામે હોત તો હું ચરણોમાં જ પડી ગયો હોત. Auro ના પાત્રમાં બીગ બી છે એ પહેલા ખબર જ ના પડી.

મિડીયા તો Paa નો પ્રિવ્યુ જોઇને એકદમ અભિભૂત થઇ ગઇ છે. બીગ બી એ મિડીયાના અમુક પ્રતિભાવો મૂક્યા છે બ્લોગ પર જે ખરેખર વાંચવા જેવા છે. સિંગાપોરમાં આ મૂવીને થિયેટરમાં જઇને જોવાનું અત્યારે તો નક્કી કરી લીધું છે.

A Wednesday

આ વીકએન્ડમાં બે ખૂબ જ સરસ મૂવી જોયાં. ઘણાં વખત પછી મૂવી જોવાની મઝા આવી. મને પ્રેમલા પ્રેમલી અને કોલેજના મૂવી જોવા હવે બહુ નથી ગમતા પણ ‘Page 3’ જેવાં હાર્ડ હિટીંગ કે હંગામા જેવા કોમેડી જોવા વધારે ગમે છે. આ વીકએન્ડમાં “A Wednesday” અને “મુંબઇ મેરી જાન” એ બે મૂવી જોયા.

“A Wednesday” એ આમ આદમીની ત્રાસવાદ વિરુધ્ધની લડાઇને દર્શાવતી મૂવી છે. આજકાલ આમ આદમી બિચારો કીડા મકોડાની જેમ જીવી રહ્યો છે અને મોંઘવારી, ત્રાસવાદ, બેકારી અને સામાન્ય જીવન જીવવા માટેનો સંઘર્ષ કરતો રહે છે. સરકાર નિર્માલ્ય થઇને આતંકવાદીઓને શરણે થઇ ગઇ છે. અવારનવાર ભારતના જુદા જુદા શહેરોમાં બોમ્બ ફૂટતા રહે છે અને સરકાર નિર્માલ્ય થઇને લોકોને શાંત રહેવાનો અપીલો કર્યા કરે છે અને નિવેદનો આપે છે કે અમે આતંકવાદીઓના મનસૂબાઓને કામયાબ નહીં થવા દઇએ. હજી આ પોસ્ટ લખું છું ત્યારે પણ દિલ્હીમાં અત્યારે 4 બોમ્બ વિસ્ફોટની ખબર આવી છે. આતંકવાદીઓ મન ફાવે એમ આમ આદમીની જીંદગી સાથે રમત રમી રહ્યા છે. આમ આદમી સવારે ઘરેથી બહાર નીકળે છે અને સાંજે જો ઘરે સલામત પાછો પહોંચે તો ભગવાનનો આભાર માને છે. સરદારજી બુશ સાહેબને ખુશ કરવામાં વ્યસ્ત છે અને આપણા માનનીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલથી શેક્યો પાપડ પણ ભંગાતો નથી. મારા મતે તો શિવરાજ પાટીલની જગ્યાએ કોઇ વ્યંઢળને પણ ગૃહપ્રધાન તરીકે નિયુક્ત કર્યો હોય તો પણ એ વધુ સારી રીતે કામ કરી શકે.

“A Wednesday” મૂવી છે એક આમ આદમીની જે સરકારની નિષ્ફળતાથી નિરાશ થઇને પોતેજ પોતાની રીતે આતંકવાદીઓને સજા આપે છે. આમ આદમી પોલીસને ફોન કરીને કહે છે કે એણે શહેરમાં જુદી જુદી જગ્યાએ બોમ્બ મૂક્યા છે અને જો અમુક આતંકવાદીને નહીં છોડવામાં આવે તો આ બોમ્બ ફોડવામાં આવશે. જ્યારે આ ચાર આતંકવાદીઓને છોડવામાં આવે છે ત્યારે આ ચાર આતંકવાદીઓને આ આમ આદમી જ યુક્તિથી ઉડાવી નાંખે છે.  આ મૂવીનો એક સંવાદ મને ખૂબ ગમ્યો જે આમ આદમી વિશે કહેવાયો છે… we are resilient not by choice but by force. જ્યારે પણ મુંબઇમાં બોમ્બ ધડાકા થાય છે ત્યારે આપણી સરકાર મુંબઇગરાઓની હિંમતની દાદ દેતા નિવેદનો કરે છે અને અભિનંદન આપે છે કે બોમ્બ વિસ્ફોટો થયા પછી પણ જીવન ફરી તરત સામાન્ય થઇ જાય છે અને શહેર ફરી દોડતું થઇ જાય છે. પણ શું સરકાર એટલું નથી સમજી શકતી કે આમ આદમીની પાસે પેટનો ખાડો પૂરવા માટે જીવ જોખમે મૂકીને પણ બહાર નીકળવા સિવાય કોઇ રસ્તો છે જ નહીં. નસીરૂદ્દીનનો આમ આદમી તરીકેનો અભિનય કાબિલે દાદ છે. આ મૂવીનો વિશેષ શો આપણા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ રાખવામાં આવ્યો હતો અને એમણે પણ આ મૂવીને વખાણી હતી.

“મુંબઇ મેરી જાન” એ મુંબઇની લોકલ ટ્રેનોમાં 7/11ના દિવસે થયેલા બોમ્બધડાકા પર છે. બોમ્બવિસ્ફોટો બાદ આમ આદમીની જીંદગી પર કેવી વિપરીત અસરો થાય છે આ આ મૂવીમાં ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અને રાજકારણને પણ દર્શાવવામાં આવ્યું છે. પરેશ રાવલ, કે કે મેનન, માધવન, સોહા અલી ખાન, ઇરફાન ખાનનો અભિનય સારો છે મૂવીમાં.

%d bloggers like this: