ભારત એટલે ભ્રષ્ટાચાર…

આજે ઓફિસમાં મારા એક સહકર્મચારી સાથે હું અમસ્તો જ વાત કરી રહ્યો હતો. એ ભાઇ સિંગાપોરના નાગરિક છે. વાત વાતમાં એ ભાઇએ મને પૂછ્યું કે તમે ભારતમાં કઇ જગ્યાએથી છો? મેં કહ્યું કે ગુજરાતથી અને પૂછ્યું કે તમે આ રાજ્ય વિશે સાંભળ્યું છે. એણે મને કહ્યું કે ના એણે ગુજરાત વિશે સાંભળ્યું નથી. મેં એમને કહ્યું કે જો તમે ભારત વિશેના સમાચાર વાંચતા હો તો તમને ગુજરાત વિશે ખબર હોવી જ જોઇએ અને ગુજરાત વિશે ખબર ના પણ હોય તો પણ અમારા ગુજરાતના નેતા (એટલે કે નરેન્દ્ર મોદી) વિશે ખબર હોવી જ જોઇએ. આ સાંભળી એ ભાઇએ મને વળતો પ્રશ્ન પૂછ્યો કે એવું શું છે એ નેતામાં બહુ મોટા ભ્રષ્ટાચારી છે કે બહુ મોટા કૌભાંડો કર્યા છે? આ સવાલ સાંભળીને બે ઘડી હું સ્તબ્ધ થઇ ગયો.

દુ:ખની વાત છે પરંતુ એકદમ સત્ય વાત છે કે હાલની સરકારે ખૂબ મહેનત કરીને  આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની એક કૌભાંડી દેશ તરીકેની છાપ ખૂબ પાકી કરી દીધી છે. આ ખરેખર શરમજનક વાત છે.

આજે સવારે જ વાંચ્યું કે DMKના નેતાના ત્યાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ સમાચાર વાંચીને વિચાર આવે છે કે સરકાર જે કાર્યદક્ષતાથી CBIનો ઉપયોગ પોતાની ખખડેલી સરકાર બચાવવા માટે કરે છે એટલી જ કાર્યદક્ષતાથી CBIનો ઉપયોગ જો ભ્રષ્ટાચારના કેસોમાં પણ કરે તો કેટલુ સારુ……

इस थप्पड की गूंज सुनाई देगी…..

સુપ્રિમ કોર્ટનો એક ઐતિહાસિક ચૂકાદો અને 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ. લોકો ખુશ થયા કે ચાલો રાજાએ જે ચૂનો લગાવ્યો હતો એમાંથી દેશ કદાચ બચી ગયો. મને પણ થોડી ખુશી થઇ આમ તો આ ચૂકાદાથી પણ પછી વિચારતા લાગ્યું કે આ ચૂકાદો એવો છે કે જેના વિશે કહી શકાય કે "इस थप्पड की गुंज तुम्हे सुनाई देगी…" હવે મને એવું કેમ એમ લાગે છે એ માટે નીચેના કારણો છે.

કુલ 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ થયા. આ ટેલીકોમ લાઇસન્સો ધરાવતી કંપનીઓ પાસે આશરે 11.5 કરોડ ગ્રાહકો છે. હવે જો આ ટેલીકોમ ઓપરેટરોની દુકાન બંધ થઇ જાય તો આ બધાં ગ્રાહકોને નવા ઓપરેટર પાસે જવું પડે અને નવા ઓપરેટર પાસેથી સર્વિસ લેવી પડે. આમ જોવા જઇએ તો આ કોઇ મોટી સમસ્યા નથી પણ ગ્રાહકોને થોડી તકલીફ તો વગર જોઇતી પડવાની જ.

જે ટેલીકોમ કંપનીઓના લાઇસન્સ રદ્દ થયા છે એ કંપનીઓ પર નભતા લોકોનું શું? જેમ કે આ ટેલીકોમ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું શું? એમના ડીસ્ટ્રીબ્યુટરો અને એમની સેલ્સ ચેનલમાં કામ કરતા લોકોનું શું? દરેક ટેલીકોમ કંપની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હજારો લોકોને રોજી રોટી આપતી હોય છે એ લોકોની રોજી રોટીનું શું?

સૌથી મહત્ત્વની વાત એ છે કે જે કંપનીઓ એ લાઇસન્સની ખરીદી માટે 1600 કરોડ રૂપિયાથી પણ વધૂ સરકારને આપ્યા હતા એ રૂપિયાનું શું?  સરકાર આ રૂપિયા આ કંપનીઓને પાછા આપશે? આનો જવાબ છે ના વાંચો અહીં. હવે એમ વિચાર આવે કે આ કંપનીઓએ સરકારને પરોક્ષ રીતે ચૂનો લગાવીને જ આ લાઇસન્સો ખરીદ્યા હતા ને તો ભલે પછી એ ભોગવે એમના કુકર્મોની સજા. જો કે આમ વિચારવું ભૂલ ભરેલું છે કારણ કે બધી ભારતીય કંપનીઓએ ઓછી રકમમાં લાઇસન્સો ખરીદ્યા હતા અને ત્યાર બાદ આ બધી ભારતીય કંપનીઓએ વિદેશી કંપનીઓને બાટલામાં ઉતારી. જેમ કે ટાટા એ જાપાનની ડોકોમોને, યુનિટેકે નોર્વેની ટેલીનોરને, શ્યામે રશિયાની સિસ્ટીમાને વગેરે વગેરે. આ બધી વિદેશી કંપનીઓ પાસેથી આપણી ભારતીય કંપનીઓએ પોતાનો હિસ્સો વેચીને તગડી રકમ વસૂલી છે. એટલે આમ જોવા જઇએ તો ભોગવવાનું છેવટે તો આ વિદેશી કંપનીઓને આવ્યું છે. સુપ્રિમ કોર્ટે ટાટા અને બીજી અમુક ભારતીય કંપનીઓને પોતાના કુકર્મો માટે કંઇક પાંચ કરોડનો દંડ કર્યો છે પણ એમણે વિદેશી કંપનીઓ પાસેથી વસૂલેલી રકમ આગળ આ પાંચ કરોડ તો કંઇ નથી.

હવે સવાલ એ છે કે આ આખો કેસ વિદેશી કંપનીઓ સાથે થયેલી છેતરપિંડીનો ના કહેવાય?

આ આખા ગોટાળામાં ભારત દેશની એક Investor Friendly Nationની શાખને કેટલું નુકશાન થયું એનું તો મૂલ્યાંકન કરવું અઘરું છે. સરકાર પોતાના ભ્રષ્ટ મંત્રીઓ થકી એક વખત લાઇસન્સ આપે અને પછી સુપ્રિમ કોર્ટ એને ગેરકાયદે ઠેરવે અને કંપનીઓએ રોકેલા રૂપિયા સરકાર ચાઉં કરી જાય આવા વાતાવરણમાં બહારથી કોઇ ભારતમાં શા માટે પોતાના નાંણાનું રોકાણ કરવા આવે? જો સરકારે આપેલા લાઇસન્સની જ કોઇ વિશ્વસનીયતા ના હોય તો પછી કંપનીઓએ કોના ભરોસે રોકાણ કરવું?  યુનિનોરે તો પોતાના 721 મિલીયન ડોલરના નામનું સત્તાવાર રીતે નાહી નાંખ્યું છે. વાંચો અહીં. આ આખો ધંધો કંઇ 5-25 કરોડનો નથી પણ કરોડો ડોલરનો છે અને જો આવી જ ધોખાધડી ચાલતી હોય તો કોઇ શા માટે ભારતમાં મૂડી રોકાણ કરવા આવે? આ એક બહુ ગંભીર બાબત છે.

સૌથી વધારે બેશરમીની વાત તો સરકાર દ્રારા અપાતા વિવેકહીન નિવેદન છે. કપિલ સિબ્બ્લ જે મન ફાવે બફાટ કરે રાખે છે એ જોતા તો એને જૂતા મારવાનું મન થાય છે. સિબ્બ્લ ગાણાં ગાય છે કે તેઓ ફક્ત આગળની સરકારની નીતિને જ અનુસર્યા છે તો પછી કોર્ટે આગળની સરકારો દ્વારા અપાયેલા લાઇસન્સો શા માટે રદ્દ ના કર્યા? વળી સરકારને જો એમ લાગતું હોય કે આ બધી વિપક્ષની ચાલબાજી છે તો ચઢો કોર્ટે અને મેળવો ન્યાય કોણ ના પાડે છે? વળી કપિલ સિબ્બલ (વાઘરી) તો જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે આમાં ઝીરો લોસની વાત કરી રહ્યો હતો. હવે જોઇએ ફરી વાર લાઇસન્સોની હરાજી થશે ત્યારે એની ઝીરો લોસની વાત કેટલી સાચી રહે છે. હાલની સરકાર એટલી ભ્રષ્ટ છે કે એમના ગજવાં ભરવામાં દેશ વેચાઇ જાય તો પણ એમને કોઇ ફરક નથી પડતો. સરકાર ચિદમ્બરમને બચાવવા મથી છે એની પાછળનું કારણ પણ સાફ છે કારણ કે ચિદમ્બરમ એક એવું હુકમનું પત્તું છે કે જો તે ખરે તો આખો મહેલ ધરાશાયી થઇ જાય. બધાં કોંગ્રેસીઓના કાળા નાણાંને વિદેશોમાં સગે વગે કરી આપવામાં ચિદમ્બરમનો સિંહ ફાળો છે. ટ્રાયલ કોર્ટે તો ચિદમ્બરમને બચાવી લીધા છે જોઇએ હવે સ્વામીજી આગળ શું કરે છે?

2જી નો આ કકળાટ જલ્દી શમે એમ નથી. સુબ્રમ્ણ્યમ સ્વામી અને અન્નાજી જેવા લોકોથી અને સુપ્રિમ કોર્ટ જેવી સંસ્થાઓ થકી દેશ ટકી રહ્યો છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ના કહેવાય નહીં તો આ ઇટાલીઅન મેડમ અને એના ચમચાઓએ દેશને ક્યારનો વેચી ખાધો હોત.

Update :
જેમને હજી ના સમજાયું હોય એમણે આ TOIનો આર્ટિકલ વાંચવા વિનંતી.

UPAનો ‘U’ ટર્ન

16મી ઓગસ્ટના રોજ અન્ના હજારે અને એમના સાથીદારોની પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેઓ અને તેમના સાથીદારો દ્વારા ઉપવાસનો કાર્યક્ર્મ યોજવા માટે પોલીસ દ્રારા મૂકાવામાં આવેલી નીચેની શરતોનો સ્વિકાર નહોતો કર્યો.

  1. ઉપવાસ અને ધરણા કાર્યક્ર્મ માટે ફકત 3 દિવસની જ પરવાનગી રહેશે
  2. ઉપવાસના સ્થળ પર 5000 લોકોથી વધૂ વ્યક્તિ ના ભેગા થવા જોઇએ
  3. ઉપવાસના સ્થળે 50 કાર અને 50 મોટર સાયકલ વાહનોથી વધૂ ભેગા ના થવા જોઇએ
  4. કોઇ પ્રકારના તંબૂ નહીં ઉભા કરવા
  5. રાત્રીના 9 વાગ્યા પછી કોઇ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ ના કરવો
  6. સરકારી તબીબ દ્રારા રોજ અન્નાની તબિયત ચકાસવામાં આવશે

પોલીસે આ શરતો એટલા માટે રાખી હતી કારણ એ તેમને ડર હતો કે જો ઉપરની શરતોનો ભંગ થશે તો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ શકે છે. UPA સરકારે પણ સંસદમાં ઠાવકુ નિવેદન આ બાબતે આપ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસને જે યોગ્ય લાગ્યું એ એમણે કર્યું એમાં સરકારનો કોઇ હાથ નથી.

ત્યાર પછીના બે દિવસમાં જે ખેલ ભજવાયો એ બધાએ જોયો. અન્ના હજારેની જેલની બહાર ના નીકળવાની ગુગલી સામે પોલીસ અને સરકાર બન્ને જાણે કે ક્લીન બોલ્ડ થઇ ગયા. આજે હાલત એ છે કે અન્નાને સરકારે (અરે… સરકાર નહીં સોરી… સોરી… પોલીસે) કોઇ પણ શરત વગર 15 દિવસ સુધી ઉપવાસ કરવા દેવાની પરવાનગી આપી છે અને તે પણ પહેલા કરતા વધૂ મોટી જગ્યામાં અને કોઇ પણ શરતો રાખ્યા સિવાય. હવે જે ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ થશે એમાં

  1. 15 દિવસ સુધી ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ કરી શકાશે
  2. કેટલા લોકો આ ઉપવાસ અને ધરણા કાર્યક્રમમાં ભાગ લઇ શકે એ માટે કોઇ બાધ રખાયો નથી. રામલીલા મેદાન કે જ્યાં આ કાર્યક્ર્મ યોજાવાનો છે ત્યાં 25000 હજાર જેટલા વ્યક્તિઓ સમાઇ શકે છે.
  3. ઉપવાસના સ્થળે વાહનોની સંખ્યા વિશે કોઇ મર્યાદા રખાઇ નથી. જેટલા વાહનો સમાઇ શકે એટલા વાહનો આવી શકે છે.
  4. કોઇ પણ પ્રકારના તંબૂ વગેરે બાંધવા વિશે કોઇ મનાઇ નથી.

હવે સવાલ એ છે કે બે દિવસ પહેલા ખાલી 5000 લોકો અને 50 વાહનો ભેગા થવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ જવાની ભીંતી ધરાવતી પોલીસને હવે એનાથી 5 ગણા વધારે લોકો ભેગા થશે અને અમર્યાદ વાહનો હશે તો પણ એમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે એવું નથી લાગતું અથવા તો એવુ લાગે છે કે જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે તો પણ કાબૂ કરી લઇશું. જોવાની વાત એ પણ છે કે ઉપવાસ કરવાવાળા એ જ માણસો છે, એ જ વિરોધનો મૂદ્દો છે, એ જ પોલીસ છે, કોઇ અદાલતે પણ પોલીસને ઉપવાસ કરવા દેવા માટે આદેશ નથી આપ્યો છતાં બે દિવસમાં એવું તો શું જાદૂ થઇ ગયું કે પરિસ્થિતિ એકદમ બદલાઇ ગઇ છે? મને લાગે છે આપણી પોલીસ અન્નાના દબાવમાં આવી ગઇ છે અને જો એમ જ હોય તો UPA સરકાર જે પોલીસની નિષ્પક્ષતા અને કાયદો કાયદાનું કામ કરે છે એવા ગાણાં ગાતી હતી એમણે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઇએ. જે UPA સરકાર અને પોલીસ બે દિવસ પહેલા કાયદા અને વ્યવસ્થાને લઇને ગંભીર હતી એ (કહેવાતા) બ્લેકમેલર અન્ના હજારેના (કહેવાતા) નાટકો (કે હીરોગીરી) સામે કેમ ઝૂકી ગઇ? મને લાગે છે કે કેન્દ્રની  UPA સરકાર ભ્રષ્ટાચાર સામે લડવામાં તો નિષ્ફળ રહી જ છે સાથે સાથે હવે લોકોની જાન માલની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને પણ ગંભીર નથી રહી.

કદાચ UPA સરકારની બુધ્ધિમતા, નીતિમત્તા અને રાજકીય પરિપક્વતાને સાવ લકવો મારી ગયો છે એટલા માટે જ વારે વારે ‘U’ ટર્ન મારવા પડે છે 🙂

 

(જો આ બાબતે કોઇ પાસે યોગ્ય સ્પષ્ટીકરણ હોય અથવા મારી મૂકેલી માહિતી ખોટી હોય તો જણાવવા વિનંતી.)

અન્ના હજારે હીરોગીરી કરી રહ્યા છે?

અન્નાજીની ધરપકડને લઇને આખા દેશમાં ધમાલ મચી છે. આજના ટ્વીટર અને ફેસબુકના જમાનામાં આ ક્રાંતિ કદાચ નવું સ્વરૂપ લઇ શકે છે અને આ ક્રાંતિ ક્યાં જઇને અટકે છે એ તો સમય જ બતાવશે. ટ્વીટર અને ફેસબુક પર ઘણા સંદેશાઓ આજે ભ્રષ્ટાચાર વિરોધી અને અન્નાજીના સમર્થનમાં વાંચ્યા. જો કે અમુક સંદેશાઓ ખરેખર ભયંકર અને સ્વાર્થની હદ પાર કરે એવા હતા. નીચે અમુક સંદેશાઓ મુક્યા છે. 

@neetakolhatkar

What r housewives doing here. Silly cws take care of ur famiies instead

What an ass UPA govt is..why arrest that man wanting to be hero?? IGNORE..

twilightfairy

WTF. anna’s eaten my entire timeline. what fasting .. bah

deepakshenoy

Anyhow, nothing will happen. Anna is draconian. Govt is doofus. It’s like choosing between two dumb political parties. Again.

આ પ્રકારના સંદેશાઓ વાંચીને ખરેખર મને દુ:ખ થયું. એક 74 વર્ષનો વૃધ્ધ માણસ દેશ માટે, તમારા સારા ભવિષ્ય માટે અને આવનારી પેઢીઓ માટે લડાઇ લડી રહ્યો છે અને અમુક પ્રજાને પોતાની ટ્વીટરની ટાઇમ લાઇનની પડી છે કે પછી એ વૃધ્ધ માણસ કઠોર, નિર્દય કે હીરોગીરી કરી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ભગવાન આ લોકોને સદ્દ્બુધ્ધિ આપે. તમને જો એમ લાગતું હોય કે અન્નાજીનો રસ્તો યોગ્ય નથી તો ભલે તમે એમના રસ્તે ના ચાલો. તમને એમ લાગતુ હોય કે આ બધો ટાઇમપાસ ચાલી રહ્યો છે તો તમે ભલે આ ટાઇમપાસમાં ના જોડાઓ. તમે તમારી વિચારશક્તિના માલિક છો પણ મહેરબાની કરીને જો તમે કશું કરી ના શકતા હો તો જે કરે છે એમના વિશે ઘસાતુ તો ના બોલો. ભલે આ ક્રાંતિનું કોઇ સારુ પરિણામ આવે કે ના આવે પણ એક શરૂઆત થઇ છે એ શું સરાહનીય નથી?

જેલ અને ન્યાયતંત્ર

થોડા દિવસ પહેલા મધુર ભંડારકર દ્વારા નિર્મિત મૂવી "જેલ" જોયું. મધુર ભંડારકર મોટાભાગે વાસ્તવિક અને સાંપ્રત વિષયો પર મૂવી બનાવવા માટે જાણીતા છે અને આ મૂવી પણ વાસ્તવિકતાની ઘણી નજીક છે. આ મૂવી જેલમાં રહેતા કેદીઓની જીંદગી વિશે છે. આ મૂવી જોયા પછી આપણા પાંગળા જેલતંત્ર અને ન્યાયતંત્ર વિશેના મારા વિચારો અહીં મૂકુ છું.

જેલમાં આપણે ગયા ના હોઇએ પણ છાપાઓમાં કાયમ આપણી જેલો, તેમાં પ્રવર્તતી અંધાધૂંધી અને કેદીઓની બિસ્માર હાલત વિશે વાંચતા હોઇએ છીએ. જેલ અને એમાં રહેતા કેદીઓની બિસ્માર હાલત માટે આપણી નબળી ન્યાયિક પ્રક્રિયા જ જવાબદાર છે. કેદીઓના કોર્ટ કેસ વર્ષો સુધી ચાલતા રહે છે અને જેલ કેદીઓથી ઉભરાતી રહે છે. સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો એક દીવા સ્વપ્ન જેવું જ છે. આપણું ન્યાયતંત્ર પણ એવું છે કે માણસ જેલમાં જાય પછી નિર્દોષ હોય તો પણ જેલની બહાર ના નિકળી શકે. આમ આદમી  ન્યાય મેળવવાની લડત આજીવન ચાલુ રાખે તથા આર્થિક અને માનસિક હાલાકી ભોગવે તો પણ જીવતે જીવ તો ન્યાય ના પણ મળે. માણસ એક વાર જેલમાં જાય એટલે ખંધા વકીલો અને ધીમી ન્યાય પ્રક્રિયાનો ભોગ બની જાય. (આ બાબતે અહીં અમીત શાહનું ઉદાહરણ એકદમ બંધબેસતું છે. અમીત શાહ દોષી છે કે નિર્દોષ છે વાત એ નથી પણ એમના જેવા હાઇ પ્રોફાઇલ વ્યક્તિ કે જે પૈસા પાણીની જેમ વાપરી શકે છે, રામ જેઠમલાણી જેવા દેશના ટોચના ધારાશાસ્ત્રીને જામીન માટે લગાવ્યા છે અને પૂરતું રાજકીય પીઠબળ છે છતાં છેલ્લા ત્રણ મહિનાથી જામીન માટે રાહ જોઇ રહ્યા છે. જો હાઇ પ્રોફાઇલ લોકોના પણ આવા હાલ હોય તો આમ આદમીની તો શું હાલત થાય?) જેલમાં જનારા બધાં આરોપી નથી હોતા કે બધાં નિર્દોષ નથી હોતા પણ લીલા જોડે સૂકું પણ બળે એ ન્યાયે નિર્દોષો પણ આ અમાનવીય પ્રક્રિયાનો શિકાર બની જાય છે.

જેલની અમાનવીય પરિસ્થિતિઓ વચ્ચેનું જીવન અને બીજા આરોપીઓની સંગતમાં સારો માણસ પોતાની જાતને સારો રાખી શકે એ વાત લગભગ અશક્ય જેવું છે. માણસની ધીરજ ક્યારેક તો ખૂટી જ જવાની છે ને? આ બાબતે જેલ મૂવીમાં એક સરસ સંવાદ પણ છે કે જેમાં મનોજ બાજપેયી નીલ નીતિન મૂકેશને કહે છે કે "हो सके तो जैसे आये थे वैसे ही बहार जाना" એટલે કે તુ નિર્દોષ છે અને નિર્દોષતાને જાળવી રાખજે.

મને કાયમથી પીળી વર્દીવાળા, કાળા કોટવાળા અને સફેદ કોટવાળાનો ડર રહે છે. પોલીસ સ્ટેશન, કોર્ટ કે હોસ્પિટલના પગથિયા ચઢો એટલે આર્થિક અને માનસિક હાલાકી સિવાય કશું નથી મળવાનું. પાસપોર્ટ માટે પોલીસ ઇન્ક્વાયરીનું કામ પણ પૈસા આપ્યા વગર નથી થતું. આપણું નામ પોલીસ ચોપડે ચઢ્યું હોય કે ના ચઢ્યું હોય 50-100 રૂપિયાનો તોડ કર્યા વગર કામ ના થાય. મેં જ્યારે પહેલી વખત પાસપોર્ટ બનાવેલો અને પોલીસ સ્ટેશન ઇન્કવાયરી માટે ગયો હતો ત્યારે મારા કાગળિયામાં સહી કરીને મને કહી દીધું કે સામે પાનવાળી દુકાનથી 1.5 લિટરની બે કોકની બાટલીઓ લઇ આવો. મારાથી ના કહી શકાય એવી કોઇ સંભાવના જ નહોતી કારણ કે વિનંતી કરવામાં આવે તો હા-ના થાય પણ આ તો હકથી માંગવામાં આવે બધું. ઇન્ડિયામાં આપણને ટ્રાફિક પોલીસ પકડે એટલે આપણું લાઇસન્સ લઇ લે અને પછી કહે કે કોર્ટમાં આવીને દંડ ભરીને લાઇસન્સ પાછું લઇ જજો. આમ કહે એટલે આપણે તરત જ નાણાં કોથળી ઢીલી કરી દઇએ અને જેટલા માંગે એટલા આપણે એ પોલીસને આપી દઇએ. એનું કારણ એ છે કે આપણને કોર્ટ પર ભરોસો નથી અથવા તો ત્યાં વેઠવી પડતી હાલાકીઓનો અને સમયની બરબાદીનો ડર છે. હું ઇન્ડિયામાં કોર્ટમાં સોગંધનામું બનાવવા જેવા નાના કામ માટે પણ જવાનું ટાળું છું. કાયદાની જાણકારીના અભાવે જનતાની લૂંટાલૂંટ કરતી સંસ્થા જેવું મને ત્યાં લાગે છે. જે કામના માત્ર 100 રૂપિયા થવા જોઇએ એ કામના વકીલોની મિલીભગત અને ભરપૂર ભ્રષ્ટાચારના લીધે 500 રૂપિયા થઇ જાય છે. ડોકટરોનું પણ આજ કાલ આવું જ છે. ભગવાન મને કાયમ આ ત્રણ પ્રકારના લોકોથી બચાવીને રાખજે…

ભ્રષ્ટાચારની વાત બાજુએ મૂકીને ખાલી ન્યાયતંત્રની વાતા કરીએ તો મને ઘણી વખત એમ વિચાર આવે કે આપણે શા માટે આપણી ન્યાય પ્રક્રિયાને ઝડપી ના બનાવી શકીએ? અમેરિકાએ ટાઇમ્સ સ્કેવરમાં બોમ્બ મૂકવાના આરોપી ફૈઝલ શહેઝાદને પકડ્યો અને 4-5 મહિનાની અંદર એનો કેસ પતી પણ ગયો અને એને જન્મટીપની સજા પણ થઇ ગઇ. જ્યારે આપણે ત્યાં કસાબભાઇ આટલા લોકોને છડે ચોક મારીને પણ આપણા પૈસે મોજમજા કરી રહ્યા છે. એમને તો ખબર નહીં ભારત સરકાર સજા કરશે કે કેમ? એ જ રીતે અફઝલ ગુરૂનો કેસ પણ ખાલી એક ચૂંટણી મૂદ્દો બની રહી ગયો છે. ભારતની દરેક અદાલત એ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી ચૂકી છે છતાં સરકાર ગંદી રાજનીતિ કરી રહી છે. સજાનો અમલ નથી થતો એટલે જેલમાં એક માણસને જીવાડવા માટે ખોટો ખર્ચો કરવો પડે છે. જેલમાં કેદીઓની સંખ્યા વધતી રહેવાનું કારણ અકાર્યદક્ષ ન્યાય પ્રક્રિયા જ જવાબદાર છે. રામ જન્મભૂમિ, મુંબઇ બ્લાસ્ટ કેસ, ભોપાલ ગેસ કાંડ વગેરે જેવા અનેક કેસોના ચૂકાદા આપવામાં નીચલી અદાલતોએ 20-25 વર્ષ કાઢી નાંખ્યા અને હજી આવા કેસો લટકતા રહ્યા છે. નથી કોઇ ગુનેગારોને નોંધપાત્ર સજા થતી કે નથી બધા પક્ષકારોને મંજૂર હોય એવો ચૂકાદો આવતો. આવી ન્યાય પ્રક્રિયાનો શું મતલબ છે.

છેવટે જેલ મૂવી વિશે વાત કરીએ તો મૂવી મને આમ સારુ લાગ્યું. એક વખત જોઇ શકાય એવું તો ખરું. મધુર ભંડારકરના "ટ્રાફિક સિગ્નલ" સિવાયના બધાં મૂવી મને ગમ્યા છે અને મારા ખ્યાલથી બધા એક વખત જોઇ શકાય એવા મૂવી તો છે જ.

%d bloggers like this: