માફીનું રાજકારણ

લગભગ બે અઠવાડિયા પહેલા મુંબઇના 1993માં થયેલા બોમ્બધડાકાને સંબંધિત સર્વોચ્ચ ન્યાયાલયનો આખરી ચૂકાદો આવ્યો. સાથે સાથે સર્વોચ્ચ ન્યાયાલયે ગેરકાયદેસર રીતે ઘાતક શસ્ત્રો રાખવાના આરોપી સંજય દત્તના મામલાનો પણ ચૂકાદો આપ્યો. ન્યાયાલયે સંજય દત્તને 5 વર્ષની સજા ફરમાવી છે અને ત્યારથી જ આપણા મિડીયા, કહેવાતા બુધ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષતાની દુકાન ખોલીને બેઠેલા આપણા રાજકારણીઓ સંજય દત્તને માફી અપાવવાનો અને એને બાપડો બિચારો ચીતરવાનો શરૂ કરી દીધું છે. નિવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ તો આ બાબતે બૌધ્ધિક નાદારી જ નોંધાવી દીધી છે. સંજય દત્તને માફી આપવા માટે અમુક દલીલો કરવામાં આવી રહી છે જેમ કે

1. સંજય દત્ત બચરવાળ માણસ છે.

આ હિસાબે તો કોઇ પણ પરણીત પુરૂષને સજા કરી જ ન શકાય.

2. સંજય દત્તે સિનેમાના પડદે રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચારોને ચરિત્રીત કર્યા છે.

જો આ જ તર્ક હોય તો "વાસ્તવ"માં રધુને "ખલનાયક"માં બલ્લુને અને "અગ્નિપથ"માં કાંચા ચીનાને ચરિત્રીત પણ આ જ સંજય દત્તે કર્યા છે.  

3. સંજય દત્ત પર 20 વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને આ દરમ્યાન માનસિક રીતે સંજય દત્તે ઘણું સહન કર્યું છે અને એટલે એને માફી આપવી જોઇએ.

આપણા દેશની ઢીલી ન્યાયિક પ્રક્રિયાની બધાને ખબર છે. આખી જીંદગીની કમાણી હોમી દે ન્યાય મેળવવા માટે તો પણ જીવતે જીવ લોકો ન્યાય નથી મેળવી શકતા. ફાંસીના માંચડે ચઢવાની રાહ જોતા અથવા તો તેમના કેસનો ચૂકાદો આવવાની રાહ જોતા કેટલાય લોકો વર્ષો વર્ષથી જેલમાં સબડી રહ્યા છે. રાજીવ ગાંધીના હત્યારાઓ સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી પણ 20 વર્ષથી જેલમાં ફાંસીની રાહ જોઇ રહ્યા છે. આ જોતા સંજય દત્તે તો ખાલી 1.5 વર્ષ જ આ 20 વર્ષમાંથી જેલમાં વિતાવ્યા છે અને બાકીના વર્ષો તો એની ઉચ્ચ જીવન શૈલીમાં જ વિતાવ્યા છે.

4. સંજય દત્તના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે.

પરિવારે દેશ માટે શું કર્યું એ મને તો ખબર નથી પણ મારી અજ્ઞાનતાથી પર પણ જો દત્ત પરિવારે દેશ માટે કંઇ કર્યું હોય તો એની કિંમત દેશે માફીનામા થકી ના ચૂકવવાની હોય.

5. સંજય દત્તે માસૂમિયતમાં આ ભૂલ કરી લીધી હતી અને હવે એ એકદમ બદલાઇ ગયો છે.

મોટા ભાગના લોકો ભૂલો માસૂમિયતમાં અથવા તો ગુસ્સામાં આવીને કરતા હોય છે. કસાબ જેવા લબરમૂછિયાએ પણ નાદાનિયતમાં જ બંદૂક ઉઠાવીને હેવાનિયત આચરી હતી તો શું એને પણ માફ કરી દેવો? જે ભૂલ કરી હોય એ ભોગવ્યા વગર છૂટકો જ નથી.

આવા બધાં કારણો આપી સંજય દત્તને માફી અપાવવાના કારસા ઘડાઇ રહ્યા છે પણ મારા મતે કોઇ પણ કારણ ગળે ઉતરે એવા નથી. મને તો એમ થાય છે કે કાત્જુથી માંડી અમરસિંહ, જયાપ્રદા, (ડોગી) દિગ્વિજય સિંહ જે લોકો સંજય દત્તના માફીનામા માટે ધમપછાડા કરી રહ્યા છે  એ બધા પર સર્વોચ્ચ ન્યાયાલયની માનહાનિનો દાવો માંડી દેવો જોઇએ.

આપણા દેશના લોકો બહુ લાગણીશીલ છે. બુધ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષતાની હાટડીઓ ખોલીને બેઠેલા આપણા રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે લોકોની લાગણીઓ સાથે રમત રમીને કસાબ, અફઝલ ગુરૂ જેવા ખૂંખાર ગુનેગારો માટે પણ લોકોના મનમાં સહાનુભૂતિ  પેદા કરી દેતા હોય છે. સર્વોચ્ચ ન્યાયાલય પોતાનો ચૂકાદો આપી દે તો પણ આપણા રાજકારણીઓ વર્ષો સુધી આ ચૂકાદાનો અમલ ના કરી એના પર ગંદી રમતો રમતા હોય છે.

સંજય દત્ત નિર્દોષ તો નથી જ એ ન્યાયાલય દ્રારા પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. સંજય દત્ત પોતે પણ પોતાના ગુનાને સ્વિકારી ચૂક્યો છે. 20 વર્ષમાં એણે પસ્તાવો કર્યો કે ના કર્યો એ બદલાઇ ગયો છે કે નહીં એ તો દત્ત અને એને ઓળખનારા માણસોને જ ખબર હોય પણ કાયદાની નજરમાં એ ગુનેગાર છે અને એ ગુનાની સજા એણે ભોગવવી જ રહી.

આજે સવારે સંજય દત્તે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એ ન્યાયાલના ચૂકાદાનું સમ્માન કરશે અને થયેલી સજા ભોગવવા તૈયાર છે અને એ કોઇ માફી માટે અરજી કરવા નથી માંગતો. સંજય દત્તના આ નિવેદન પછી પણ કાત્જુભાઇને હજી જપ નથી વળતો અને કહે છે કે ભલે સંજય દત્તને માફી ના જોઇએ તો પણ હું તો એને માફી આપવા માટે અરજી કરવાનો છું. કાત્જુભાઇને ખાલી એટલું જ કહેવાનું કે "છોગાળા હવે તો છોડો….. " 🙂

સંજય દત્ત બાકીની સજા ભોગવીને સમાજ અને દેશ માટે એક સરસ ઉદાહરણ પૂરું પાડે એ બદલ શુભેચ્છાઓ….

Advertisements

ન્યાય મેળવવો અઘરો છે….

અમુક વખતે આપણને એમ લાગે કે વગર વાંકે આપણે દંડાઇ રહ્યા છીએ અને આપણી મજબૂરી એવી હોય કે આપણે સાચા હોઇએ તો પણ દંડાતા રહેવું પડે. કાયદા કાનૂન અને ન્યાયની વાતો એ ખાલી સારી વાતો જ લાગે. આવા જ બધાં વિચારોથી મારુ મગજ અત્યારે ઘેરાયેલું છે.

17 દિવસ પહેલા, હું જે પહેલા ભાડાના ઘરમાં રહેતો હતો એ ખાલી કરીને નવા ઘરમાં આવ્યો. હવે જૂના ઘરની મકાન માલિક સાથે વાત થયેલી હતી કે એ મને ડિપોઝીટ પેટે બાકીના નીકળતા પૈસા આપશે પણ હવે આજે ઘર ખાલી કરે 17 દિવસ થઇ ગયા તો પણ હજી સુધી પૈસા પાછા નથી આવ્યા. છેલ્લા 17 દિવસમાં મેં અનેક વખત ફોન કર્યા અને મેસેજ કર્યા પણ એ મકાન માલિક હવે મને avoid કરે છે. મેં contract માં લખેલ મૂદ્દ્ત કરતા 15 દિવસ પહેલા ઘર ખાલી કર્યું હતું અને આ માટે contract ની શરત મુજબ 1 મહિના પહેલા notice પણ આપી હતી. પણ એ બધું મકાન માલિકને નથી જોવું. ઘરની મારી ચાવી હજી મારી જોડે જ છે (અને બીજી ચાવી મકાનમાલિક જોડે પણ છે). હવે એ મકાન માલિકના પતિદેવ (જે કાલ સુધી ક્યારેય pictureમાં નહોતા) કાલે મને ફોન કરીને ધમકાવે છે કે હું આ મકાનનો માલિક છું અને જો બે કલાકમાં ચાવી નહીં આપો તો પોલીસમાં ફરિયાદ કરીશ. આજથી મહિના પહેલા મકાનમાલિકે (પત્નીએ) જ મને કહ્યું હતું કે પતિદેવ સાથે એનો છૂટાછેડાનો કેસ ચાલે છે અને મને સ્પષ્ટ સૂચના આપી હતી કે મારા પતિદેવને ક્યારેય ઘરમાં આવવા ના દેવો અને કોઇ ડીલ ના કરવું. હવે આવા મધુર સંબંધો ધરાવતા પતિ પત્ની આજે ભેગા થઇને મને ધમકાવી રહ્યા છે. આ પતિદેવને મેં ક્યારેય જોયો નથી,  મેં ક્યારેય વાત નથી કરી કે કોઇ contract એની સાથે નથી કર્યો તો પણ મને ધમકાવે છે. એ સમજવું મારા માટે અઘરું નથી કે આ આખો પ્લોટ મારા ડિપોઝીટના પૈસા ચાઉ કરી જવા માટેનો જ છે. આ બધી વિગતની જાણ કાલે મેં પોલીસ સ્ટેશને જઇને કરી. પોલીસે ખાલી મારા statementની નોંધ લીધી અને મને કહ્યું કે તમે Small claim tribunal માં કેસ કરો. આમ જોવા જઇએ તો આ દેખીતો જ cheating અને fraud નો કેસ છે છતાં પોલીસ આમાં કંઇ નહીં કરે.

હવે મારી સામે અમુક ભગીરથ કાર્યો છે :

1. પહેલા તો મારે કોઇ પણ પ્રકારના law suit થી બચવાનું છે. ચાવી અત્યારે મારી જોડે છે એમ મકાન માલિક પાસે પણ છે અને લોકો ઘર ખોલીને મકાનમાં ઘૂસીને મકાનને નુકશાન કરીને મારા પર નુકશાનીનો દાવો પણ કરી શકે છે. એટલે આ બધી હરકતો પર એ લોકો ઉતરી આવે એ પહેલા મારે disclaimer આપીને મારે મારી જાતને બચાવવાની છે.

2. મારી પાસે જે પણ પૂરાવા છે એ થકી મારે મારા ડિપોઝીટની બાકીની રકમ પાછી મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે.

આ બન્ને કામ સહેલા નથી. પહેલા તો મારી જોડે દરેક વાતચીત જે મારી મકાનમાલિક સાથે થઇ હતી એના લેખિત પૂરાવા નથી કારણ કે એને જ્યારે જરૂર હોય ત્યારે જ એ ઘરે આવતી હતી બાકી તો ભગવાન જાણે કે ક્યાં રહેતી હતી અને શું કરતી હતી. અમુક વસ્તુઓ SMS થકી નક્કી થઇ હતી પણ એ કાયદાની નજરમાં સબૂત તરીકે જોઇ શકાય કે નહીં એ મને ખબર નથી. મેં જે contract કર્યો છે એ કાયદાની નજરમાં કેટલો માન્ય છે એ પણ મને ચોક્કસ ખબર નથી. મારે હવે મારો કેસ Small case tribunalમાં લઇ જવો પડશે અને એ લોકો દરેક કાગળો જોઇને અને મારી વિતક કથા સાંભળીને મને આગળ શું કરવું એ વિશે કહેશે. આ બધાંમાં મને વધારે ખર્ચો થશે અને ભરપૂર સમય જોઇશે. હવે શું કરવું એ વિચારું છું.

આ દરમ્યાન પતિ પત્ની (મકાન માલિકો) તાળાની ડૂપ્લીકેટ ચાવીથી ઘરનો કબ્જો લઇ લેશે. મારા ફોનનો કોઇ જવાબ નહીં આપે અને મારા ડિપોઝીટના રૂપિયા હડપ કરીને પણ આરામથી ફરતા ફરશે અને મારે tribunal ના ચક્કરો ખાવાના અને પૈસા હોમે રાખવાના મારી જાતને નિર્દોષ સાબિત કરવા. સિંગાપોર પોલીસની આ બાબતમાં નિષ્ક્રિયતા પણ મને યોગ્ય નથી લાગતી. કેટલાય લોકો સાથે આવું બનતું રહ્યું છે સિંગાપોરમાં અને મકાનમાલિકો પાંગળા કાયદાઓના લીધે છટકી જાય છે. મારી સાથે કામ કરતા 3 વધૂ લોકોનો પણ આવો જ અનૂભવ છે અને એ લોકોએ પણ પૈસા ગુમાવ્યા છે અને એમના મકાન માલિકો આજે પણ મજાથી ફરી રહ્યા છે.

સિંગાપોર હોય કે ઇન્ડિયા,  ન્યાય કાયમ એવા લોકો માટે જ છે જેમના ગજવા મોટા હોય અથવા તો અમુક નિરાંતવાળા માણસો જેમને શાંતિથી લડત આપવા સિવાય બીજો કોઇ ધંધો નથી.

વર્ષ 2010ની શરૂઆત ઉત્તમ નથી થઇ ખબર નહીં ભાવિના ગર્ભમાં શું લખાયેલું છે આ વર્ષ માટે.

%d bloggers like this: