પાર્થે ચઢાવ્યું બાણ :)

ગઇ કાલે “Shrek” મૂવી જોવા ગયા હતા. મૂવીમાં બહુ મજા ના આવી. મૂવીના animationમાં કંઇ નવીનતા નથી અને વાર્તા પણ કંઇ જામે એવી નહોતી. રુહીને પણ મૂવીમાં કંટાળો આવી ગયો પણ કંટાળો આવવા છતાં થિયેટર હોલમાં બહુ ધમાલ કે બૂમાબૂમ ના કરી એ સારુ થયું.

IMG_0152

હવે એમ થાય છે કે રુહીને લઇને મૂવી જોવા જઇ શકાય પણ પછી એમ થાય કે કદાચ સારી animation મૂવીમાં એ ધમાલ કર્યા વગર એ બેસી રહે પણ 2-2.5 કલાકના બોલીવૂડ મૂવીમાં શાંતિથી ના બેસી રહે. ફરી ક્યારેક હવે બોલીવુડ મૂવી માટે સાથે જવાનો પ્રયત્ન કરી જોઇશું.

મૂવી જોવા માટે Suntecમાં ગયા હતા. થિયેટર પર થોડા વહેલા જ પહોંચી ગયા હતા એટલે આજુ બાજુ થોડી રખડપટી થઇ શકે. આજુ બાજુ ફરતા જોયું તો થિયેટરની સામે એક દુકાનમાં તીરંદાજી (archery) કરવા માટેની વ્યવસ્થા હતી. દુકાનમાં જઇને જોયું તો એક જ હરોળમાં લગભગ 6-7 નિશાન લગાવવા માટેના બોર્ડ હતા. લોકો પોતાના તરકશમાંથી એક પછી એક બાણ નિકાળી નિશાન લઇને તીર ચલાવી રહ્યા હતા. 5 ડોલરમાં તમે 12 વખત નિશાન લઇને તીર ચલાવી શકો. બહુ મોંઘું ના કહેવાય એટલે મેં અને મારા મિત્રે હાથ અજમાવવાનું નક્કી કર્યું. મારા મોટા ભાગના તીર બોર્ડ પર તો લાગ્યા પણ એક્દમ વચ્ચે નિશાન ના સાંધી શક્યો. પહેલા નાના હતા ત્યારે ફાટેલા પતંગની સળીઓમાંથી તીર અને કમાન બનાવતા અને રમતા પણ આજ કાલના આધુનિકા તીરા કામઠા બહુ અલગ હોય છે. કમાન કે ધનુષ્ય જેને કહેવાય એ હવે ધાતુના આવી ગયા છે અને બહુ ભારે હોય છે. ખાલી 12 વખત તીર ચલાવ્યા તો પણ મારો હાથ ખાલી ધનુષ્ય પકડીને દુખી ગયો. તીર પણ મજબુત અને અલગ પ્રકારના હોય છે.

એકંદરે મઝા આવી. લગભગ ત્રણ વર્ષ પછી તીરંદાજી કરી. આ પહેલા મલેશિયા ગયા હતા ત્યારે ત્યાંના થીમ પાર્કમાં તીરંદાજી કરી હતી. સિંગાપોરમાં તીરંદાજી માટેની સગવડ ક્યાં છે એ ખબર નહોતી પણ હવે જ્યારે મન થશે ત્યારે આ જગ્યાએ જઇને મારા દુશ્મનનો ફોટો લગાવીને તીર ચલાવી સંતોષ મનાવી લઇશ 🙂 નીચે તીર ચલાવતો મારો ફોટો છે. મને ખાલી મારો દુશ્મન જ દેખાઇ રહ્યો છે 🙂

IMG_0147

 

   અમુક વાક્યો યાદ આવે છે તીરંદાજીને લગતા :

   1. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુધ્ધ એ જ ઉધ્ધાર.

   2. નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન.

Advertisements
%d bloggers like this: