Modi loosing grip over Gujarat

આજ કાલ લાગે છે મોદી સાહેબની ગ્રહ દશા સારી નથી ચાલી રહી. પહેલા તો લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબના ગાંજ્યા મેહ વરસ્યા નહીં અને હવે ગુજરાતમાં જે ઘટનાઓ રોજબરોજ બની રહી છે એના પરથી લાગે છે કે કાયદો અને સલામતીની ખૂબ ગંભીર સમસ્યાઓ આકાર લઇ રહી છે. મોદી સાહેબના દાવા (15 પૈસાનું પોસ્ટકાર્ડ લખી મોકલાવવાની વાતો)  હજી ખાલી વાતોમાં જ છે અને ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ છે.

ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. પહેલા આશારામ બાપુના આશ્રમમાં બાળકોની હત્યા ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં બળાત્કારની ઘટના ત્યાર બાદ સુરતમાં પોલીસના નબીરાઓ દ્વારા બળાત્કારની ઘટના અને હવે અમદાવાદનો લઠ્ઠા કાંડ. આમ નજીકના ભવિષ્યમાં જ ગુજરાતમાં એવી ઘટનાઓ બની છે કે જે ગુજરાતની નબળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો અસલી ચિતાર આપે છે. ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી ખરાબ નથી પરંતુ યુપી કે બિહાર જેવા રાજ્યોને બેન્ચમાર્ક બનાવીને ખુશ ના થવાનું હોય.

મને લાગે છે કે મોદી સાહેબે હવે સમજવું રહ્યું કે હવે બીજા 3-4 વર્ષ મૌન રહીને જે સ્વર્ણિમ ગુજરાતની વાતો તેઓ કરે છે એના પર અમલ કરવો પડશે. અત્યારે લાગે છે કે મોદી સાહેબની પ્રાથમિકતા ફક્ત ઉદ્યોગ જગત પૂરતી જ સીમિત છે. જો કે વિકાસનો માપદંડ માત્ર કેટલું મૂડી રોકાણ આવ્યું કે ઉદ્યોગ જગતની સફળતા માત્ર ના હોઇ શકે. સામાજીક ક્ષેત્રે પણ દરેક લોકોનું જીવન સ્તર ઉંચું આવે એ ખૂબ જરૂરી છે. લોકો કોઇ પણ જાતના ભય વગર સલામતીની ભાવના સાથે રહી શકવા જોઇએ. મને લાગે છે કે મુખ્યમંત્રી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને ગંભીરતાથી નથી લઇ રહ્યા. અમીત શાહ એક નબળા ગૃહ મંત્રી સાબિત થઇ રહ્યા છે. આતંકવાદની સાથે સાથે આંતરિક સુરક્ષા મજબૂત હોવી જોઇએ અને ગુન્હાખોરી સામે પણ પ્રજાનું રક્ષણ થવું જોઇએ.

મારાથી મોદી સાહેબને સલાહ તો ના અપાય પણ મંતવ્ય જરૂર રજૂ કરી શકાય કે ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની સાથે સાથે સોશિયલ સેક્ટર પર પણ થોડું ધ્યાન અપાવું જોઇએ.

અંતે સિંગાપોરના ક્રાઇમ રેટની વાત કરું તો અહીંના સરકારી આંકડા મુજબ પાછલા આખા વર્ષ દરમ્યાન ફક્ત 25 હત્યાના કેસ પોલીસના ચોપડે નોંધાયા છે. અહીં નથી આતંકવાદનો ભય કે નથી સુરક્ષાની સમસ્યા. અહીંની સરકાર આતંકવાદ સામે લડવા માટે ખૂબ જ તૈયાર છે અને નીચેની લિંક વાંચશો એટલે તૈયારી વિશે ખ્યાલ આવી જશે.

Gearing up for Mumbai-style attack (લિંકમાં ફોટા પણ છે)

દરેક કાર્ય શક્ય છે, માત્ર ઇચ્છાશક્તિનો સવાલ છે.

Verdict ’09 – Singh is king

લોકસભાની ચૂંટણીનું મહાપર્વ શનિવારે આવેલા પરિણામો સાથે સંપન્ન થયું. પ્રજાએ આપેલા ચૂકાદાએ ભારતના રાજકારણીઓમાં ખળભળાટ મચાવી દીધો એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ ના કહેવાય. દર વખતે ચૂંટણીના પરિણામો મને (દુ:ખદ કે સુખદ ખબર નહીં) આંચકો આપે છે. હું જે રીતે વિચારતો હોઉં છું (મોટા ભાગે) એનાથી વિપરીત રીતે ભારતની જનતા વિચારતી હોય છે. આ વખતે દરેકને એમ લાગતું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબર રસાકસી થશે અને ક્ષેત્રીય પક્ષો સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિલા નિભાવશે. દરેક એક્ઝીટ પોલ પણ એમ જ દર્શાવતા હતા પણ જ્યારે મતદાન મશીનોના સીલ તૂટ્યા ત્યારે કંઇક અલગ જ ચિત્ર સામે આવ્યું. ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ મારા મુજબ

1> Battle of personalities :

આ વખતે દિલ્હીની ગાદી કબ્જે કરવા માટેની લડાઇ હતી. સમગ્ર દેશને કોણ સારી રીતે ચલાવી શકે અને કોણ દેશને પ્રગતિના પંથે સારી રીતે આગળ વધારી શકે એ પ્રજાએ નક્કી કરી આપવાનું હતું પ્રજાએ એક સારો સુકાની શોધવાનો હતો અને એટલે જ ચૂંટણી પ્રચાર વખતે બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ પોત પોતાના નેતાઓ અને પ્રધાનમંત્રી પદના ઉમેદવારો મજબૂત હોવાના ડાકલા વગાડવા માંડ્યા હતા. ડો. મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન તરીકે ચિતરવામાં ભાજપે કોઇ કસર નહોતી છોડી તો  સામે પક્ષે કોંગ્રેસે પણ કંધહારનો મામલો ઉછાળીને અડવાણીને નબળા ગણાવ્યા. બન્નેના વ્યક્તિત્વ પર પ્રહારો થયા (જે સભ્યતા તો નથી જ). પણ છેવટે  જનતાના મનમાં તો સોનિયા માતા અને મનમોહન સિંઘ વસેલા છે એ જનતાએ ચૂકાદા દ્વારા જણાવી દીધું.  મારો વ્યક્તિગત મત એ છે કે અડવાણી કદાચ 100% સક્ષમ ના પણ હોય પરંતુ મનમોહન સિંઘની જેમ કોઇના (સોનિયા માતાના) હાથનું પ્યાદું બનીને તો રાજ ના જ કરે. જનતાએ ફરીથી ચૂકાદો આપ્યો છે કે સરકાર નોર્થ બ્લોક, સાઉથ બ્લોક કે 7, રેસ કોર્સથી  નહીં પરંતુ 10, જનપથથી ચાલવી જોઇએ.

2> Development  & Internal security doesn’t matter : 

આમ જોવા જઇએ તો કોંગ્રેસ પાસે આ ચૂંટણી લડવા માટે કોઇ દેખીતો મૂદ્દો નહોતો. જ્યારે ભાજપે વિકાસના મૂદ્દે મોદી સાહેબને આગળ ધરીને લોકો પાસે મત માંગ્યા હતા. પણ જનતાના મનામાં તો ગાંઘી પરિવાર પ્રત્યે જે અહોભાવ છે એ આ બધાંથી પર છે. મુંબઇમાં લગભગ 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે અને દર વખતે મુંબઇને શાંઘાઇ બનાવવાના સપના જનતાને દેખાડવામાં આવે છે. પણ હકીકત એ છે કે મુંબઇમાં 10 વર્ષથી રાજ કરતી આ કોંગ્રેસી સરકાર  એક સારો રોડ પણ નથી બનાવી આપી શકતી. વરસાદની સિઝન દરમ્યાન મુંબઇગરા જે કીડી મકોડાની જેમ જીવે છે એ જોઇને મને એમ લાગે છે કે કોઇ દિવસ ભારતમાં આવી રીતે કીડી મકોડાની જેમ જીવવા માટે  પાછું ના આવવું જોઇએ. મુંબઇ પરના આતંકવાદી હુમલા બાદ બહુ હો હા થઇ પણ શું પરિણામ આવ્યું? એના એ જ લોકો (પ્રિયા દત્ત, સંજય નિરૂપમ, મિલીંદ દેવરા વગેરે)  મુંબઇમાં ફરીથી ચૂંટાઇને સંસદમાં ગયા. જો આ જ લોકોને ફરીથી ચૂંટીને મોકલવાના હતા તો ગેટ વે ઓફ ઇન્ડિયા પર તમાશો કરવાની શી જરૂર હતી? એવું તો છે જ નહીં કે મુંબઇ હુમલા પછી આ લોકોએ બધું એક્દમ બદલી નાંખ્યું છે. જનતાની યાદશક્તિઅ બહુ ઓછી છે. બહુ જલ્દી બધું ભૂલી જતી હોય છે. મારા મતે એક વખત તો જનતાએ બીજા કોઇને અપનાવી પરખ કરવાની જરૂર હતી જ.

3> India still lives in villages :

કદાચ ગાંધીજી એ કહ્યું હતું કે ભારત ગામડાંઓમાં વસે છે અને ચૂંટણીના પરિણામો જોઇને મને એ વાત સાચી લાગે છે. શહેરીજનોની માનસિકતા કદાચ વિકાસલક્ષી હોય  અને શહેરની પ્રજા વિકાસ માટે વિચારીને મત આપતી હશે પણ ગામડાની પ્રજાને કદાચ વિકાસ કે આંતરિક સલામતી વગેરે સાથે કોઇ લેવાદેવા નથી. ગ્રામ્યજનો માટે હજી પણ હાથ અને મોંનો સંઘર્ષ એ જ મુખ્ય મૂદ્દો છે. કોંગ્રેસનો આદિવાસીઓ, પછાત અને અભણ ગ્રામ્યજનો સાથે ખૂબ સારો સૂમેળ છે. ગ્રામ્યજનોને પછાત જ રાખવાના એટલે આપણી ગાદી સલામત રહે એવી કોંગ્રેસની માનસિકતા છે અને દર વખતે તેઓ આમાં સફળ પણ થતા આવ્યા છે.

ભારત ગામડાઓમાં વસે છે એ માનવા માટે મારી પાસે બે ચૂંટણીના પરિણામો છે. 2004 ની ચૂંટણી દરમ્યાન "India Shining" અભિયાન ભાજપે ચલાવ્યું હતું. શહેરી માણસો એ અભિયાન સાથે સહમત હતા અને ખરેખર વાજપેયીજીના સમયમાં શહેરોનો વિકાસ થયો જ હતો પણ આ વિકાસ ગામડાઓ સુધી નહોતો પહોંચી શક્યો અને એના જ પરિણામ સ્વરૂપે ભાજપે 2004 માં ગાદી ગુમાવવી પડી. ચંદ્રબાબુ નાયડુએ પોતાના શાસનકાળ દરમ્યાન  હૈદરાબાદને એકદમ સરસ બનાવી દીધું હતું અને બધાં લોકો મોદી સાહેબની જેમ એમની વાહ વાહ કરતા હતા. પણ એમની પ્રગતિ હૈદરાબાદથી આગળ કોઇને ના દેખાઇ અને એટલે જ તેઓએ આંધ્રપ્રદેશની ગાદી ગુમાવવી પડી (જો કે એ વાત અલગ છે કે ચંદ્રબાબુને એમ લાગે છે ભાજપ જોડે જવાથી મુસલમાનો નારાજ થઇ ગયા અને એમને ગાદી ગુમાવવી પડી). મમતા બેનર્જી પણ બંગાળમાં નેનો પ્રોજેક્ટ સામે પડીને ગરીબો અને ગ્રામજનોની હમદર્દી લઇને  આ વખતે મેદાન મારી ગયા. આ બધું જોતા મને લાગે છે કે ભાજપ કે બીજા કોઇ પણ પક્ષે જેને દિલ્હીની ગાદી કબ્જે કરવી હોય એણે આ અદના માણસો સાથે એક વિશ્વાસ સંપાદન કરવાની જરૂર છે.

4> Narendra Modi Grounded on home turf n Still Delhi a distant dream :

ભાજપે આ વખતે નરેન્દ્ર મોદીને વિકાસ પુરૂષ તરીકે પ્રોજેક્ટ કરીને બહુ સભાઓ અને દોડાદોડી કરાવી. પણ લાગે છે કે હજી પણ વાજપેયીજીની જેમ જ સર્વ સ્વીકૃત નેતા બનતા એમને સમય લાગશે. નરેન્દ્ર મોદી પાસેથી અડવાણીજીને બહુ આશાઓ હતી. એમને ખાતરી હતી કે મોદી સાહેબ ગુજરાતમાંથી કમ સે કમ 20 સીટો તો એમની ઝોળીમાં નાંખી જ આપશે પરંતુ થયું એનાથી વિપરીત. મોદી સાહેબના ગુજરાતમાં જ ભાજપનો વોટ શેર 1% જેટલો ઓછો થઇ ગયો આ વખતે. એ તો સારુ થયું કે 2004 કરતા 1 બેઠક સમ ખાવા પૂરતી પણ ભાજપને ગુજરાતમાં વધારે મળી. જો એમ ના થયું હોત તો તલવાર લઇને બધાં મોદી સાહેબને ઉડાવવા તૈયાર જ બેઠા હતા. મોદીના વિરોધીઓ માટે હવે મજાનો માહોલ જામશે. મોદી સાહેબે પણ થોડું ચિંતન કરવાની જરૂર છે. ગુજરાતના નાથ હોવા છતાં પણ કેમ તેઓ ગુજરાતની જનતાને પોતાની ના કરી શક્યા?  દિલ્હીનો ગઢ જીતવાની ખ્વાહીશ કરતા પહેલા ગુજરાતના ગઢને તેમણે વધૂ મજબૂત બનાવવાની જરૂર છે.

5> All the Nuisance of regional players left behind :

એક સારી વસ્તુ આ ચૂટણીમાં એ જોવા મળી કે મોટા ભાગની (સિવાય કે ડી એમ કે, તૃણામૂલ કોંગ્રેસ, વગેરે વગેરે) ક્ષેત્રીય પક્ષોનો સફાયો થઇ ગયો. પરિણામો અગાઉ કોંગ્રેસ અને ભાજપ બન્ને નાની નાની ક્ષેત્રીય પાર્ટીઓને મનાવવામાં લાગ્યા હતા ચૂંટણીના પરિણામો પહેલા ક્ષેત્રીય પાર્ટીઓના નેતા કોઇને ભાવ પણ નહોતા આપતા પણ હવે પ્રજાએ એમનો ખરો ભાવ શું છે એનો અહેસાસ કરાવી દીધો.

વાત કરીએ પહેલા લાલુ અને પાસવાનની. આ બન્ને મહાનૂભાવોનું એવું હતું કે લાડવો ખાવો પણ છે અને રાખવો પણ છે. કોંગ્રેસ સામે ચૂંટણી લડવાની અને સાથે સાથે હમ સાથ સાથ હૈ ગાવાનું પણ. યેન કેન પ્રકારેણ મુસલમાન અને લઘુમતી કોમના તુષ્ટીકરણ થકી ગાદી ટકાવી રાખવાની એ જ આ બન્ને નેતાઓની રાજ રમત હતી પણ પ્રજાએ આ વખતે બરાબર પાઠ ભણાવ્યો આ બન્ને તક સાધુઓને. પાસવાન સાહેબની પાર્ટી તો એકપણ સીટ ના જીતી શકી અને પાસવાન ખૂદ હારી ગયા. આ એ જ પાસવાન છે કે જે વોટ બેંક પોલિટીક્સ માટે બાંગ્લાદેશીઓને પણ રેશન કાર્ડ આપીને ભારતના નાગરિક બનાવવાની વાત કરતા હતા. હજી પણ આ જાડી ચામડીના માણસો નહીં જ સુધરે એની ખાત્રી છે મને. લાલુ સાહેબ પહેલા ચારો ખાઇ  ગયા અને પછી સોનિયામાતાની શરણમાં જઇને બેસી ગયા. પછી જ્યારે એમ લાગ્યુ કે હવે રેલ મંત્રીથી આગળ વધવું છે તો કોંગ્રેસને દગો આપી દીધો.મને તો હવે ડર લાગે છે કે રેલ્વેની કાયાપલટ કરી નાંખવાની વાતો કરનાર આ માણસ કેટલો સાચો હશે?  શું ખબર કાલે કોઇ રેલ્વેનું પણ મોટું કૌભાંડ બહાર નહીં આવે? હવે વાત કરીએ ઉત્તર(મ) પ્રદેશની. જ્યાં સૌથી ગંદામાં ગંદા રાજકારણીઓ ભેગા થયા છે. અમર સિંહ એમાં શિરોમણી છે તો માયાવતી પણ ખૂબ મહેનત કરે છે કે અમરસિંહ પાસેથી આ સૌથી ગંદા રાજકારણીનો તાજ છિનવી લેવા. દુનિયા ભરના લોકોની સાથે અમર સિંહ પહેલા બાથંબાથી કરે અને પછી એમને ભાઇ બનાવી દે પછી એ શાહરૂખ ખાન હોય કે દિગ્વિજય સિંઘ હોય કે આઝમ ખાન હોય. દલિતોની મસીહા કમ રાણી અથવા બહનજી માયાવતીથી તો ભગવાન બચાવે દેશને. બહનજીને પણ બહુ અભરખા હતા કે હું કેમ ના બની શકું પ્રધાનમંત્રી. એમને પૂછો કે એમની લાયકાત શું તો કહેશે હું એક દલિતની બેટી છું. એકદમ યોગ્ય લાયકાત કહેવાય આ તો પ્રધાનમંત્રી બનવા માટેની નહીં. સારુ છે જનતા એટલી મૂર્ખ ના બની. વાત કરીએ ગાંડાઓની જમાત એટલે કે ડાબેરીઓ અને એ જમાતના સરદાર એટલે કે પ્રકાશ કરાતની. આ ભાઇના વિચારો તો ભગતસિંહના વિચારો કરતા પણ વધૂ ક્રાંતિકારી હતા. એમને ભૂત વળગ્યું હતું કે બીજેપી અને કોંગ્રેસ સિવાયની હું સરકાર બનાવું અને જો સરકાર ના બને તો કોઇને   સરકાર બનાવવા ટેકો પણ ના આપું. કરાત સાહેબ તો પછી એ તો સમજાવો કે જો આવું જ વલણ રાખવું હોય તો કોઇ તમને મત શું કરવા આપે? દરેક વસ્તુમાં ડાબેરીઓ નાના છોકરાની જેમ જીદ્દ અને ના ના કરે રાખે. 4 વર્ષ સુધી રાજ કર્યું પણ એવું એક પણ કામ ના કર્યું કે જે પ્રજા ઉપયોગી હોય તો પછી પ્રજા તમેન શું કરવા યાદ રાખે? એટલે જ કદાચ આ વખતે ડાબેરીઓના ગઢ બંગાળ અને કેરાલામાં પણ એમના કાંગરા ખરી પડ્યા છે. છેલ્લે વાત કરીએ "Son of soil" अमचे मराठी माणूस રાજ ઠાકરેની. બહુ ગતકડા કર્યા આ ભાઇએ મરાઠી માણસના દિલ જીતવાના પણ ભારતીયતા સામે મરાઠી શબ્દ બહુ નાનો પડ્યો. લોકોએ સમ ખાવા પૂરતી પણ એક સીટ ના આપી ઉલ્ટાનું બે જણની લડાઇઅમાં ત્રીજો ફાવે એમ શિવસેના અને એમ એન એસ વચ્ચે મરાઠી વોટોની લડાઇમાં કોંગ્રેસ ફાવી ગઇ. પવાર સાહેબની પણ પ્રધાન મંત્રી બનવાની લાલસા મનની મનમાં જ રહી ગઇ. એમને પાસે પણ પ્રધાનમંત્રી થવા માટેની બહુ મોટી લાયકાત હતી અને એ લાયકાત હતી કે તેઓ મરાઠી માણૂસ હતા.

 

અંતે આ ચૂંટણીના પરિણામોમાં મને કેટલીક સારી વાતો પણ લાગે છે જેમ કે

કોંગ્રેસ પાસે આ વખતે લગભગ બહુમત છે એટલે આ વખતે તેઓ સ્વતંત્ર રીતે પોતાની નીતિઓનો અમલ કરી દેશના વિકાસ માટે કામ કરી શકે છે. આ વખતે તેઓ કોઇ પણ ક્ષેત્રીય પાર્ટીઓના દબાવમાં આવીને કામ કરવાનું બહાનું ધરી શકે તેમ નથી. આશા રાખું કે સોનિયા માતા  અને પ્રિન્સ (યુવરાજ) રાહુલ બાબા પ્રજાએ તેમનામાં મૂકેલા વિશ્વાસની સાથે આવતી જવાબદારીને સમજે.

આ વખતે થોડી ઓછી ઘરડી લોકસભા છે કારણ કે લગભગ 200 થી વધારે ચૂંટાયેલા સભ્યો 50 વર્ષ કે એથી ઓછી ઉંમરના છે. યુવાનો થોડી દેશ માટે કમર કસે એવી આશા રાખીએ.

finally, Manmohan singh is no where to be seen still he is the king. It’s time to sing "Singh is king, Singh is king, singh is king…………." congratulations  and Good luck Dr. Singh. (For him I always feel like he is a good man in bad company :))

એપ્રિલ ફૂલ

દર વર્ષે 1લી એપ્રિલે આપણા ગુજરાતી દૈનિકો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ વગેરે કોઇ સનસનીખેજ ખબર છાપીને પબ્લિકને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે. જો કે આ વખતે મને લાગે છે કે બહુ કારગત રીતે ઉલ્લુ બનાવી શકાય એવી કોઇ ખબર નથી લાવી શક્યા.

ગુજરાત સમાચારમાં ખબર છે અડવાણીની જગ્યાએ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડશે અને નરેન્દ્ર મોદી બીજેપી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર રહેશે. કોઇના માન્યામાં આવે આ ખબર? રાજકારણીઓ મરી જાય પણ એમનાથી ખૂરશીનો મોહ ના છૂટે.

http://www.gujaratsamachar.com/beta/Amdavad-News/gam010409-18.html

સંદેશવાળાઓ એ તો હદ કરી દીધી. એમણે તો નરેન્દ્ર મોદીના કોઇ અમેરીકન ગોરી સાથે પ્રભૂતામાં પગલા પડાવી દીધા. આ વાત પણ કોઇના માન્યામાં આવે? કોઇ માણસ પોતાની એક આગવી ઇમેજ ઉભી કરીને ચૂંટણી સમયે જ છિન્ન ભિન્ન કરે ખરો ? આપણા દેશની પ્રજા કંઇ ફ્રાન્સ જેવી થોડી છે કે નિકોલસ સાર્કોઝી અને કાર્લા બ્રૂની ની જેમ નરેન્દ્ર મોદીને પણ સ્વિકારી લે.

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=63647

નોંધ: આ પોસ્ટ મારા બ્લોગ પરની 100મી પોસ્ટ છે. 2જી ઓક્ટોબરના દિવસે જ્યારે પહેલી પોસ્ટ મૂકીને બ્લોગ શરૂ કર્યો હતો ત્યારે મને આશા નહોતી કે હું આટલું ખેંચી શકીશ પણ આખરે મનમાં આવ્યું એ લખતા લખતા સેન્ટ્યુરી મારી જ દીધી. 100 પોસ્ટની વાત ખરેખર જ સાચી છે કોઇ એપ્રિલ ફૂલના દિવસનું ગપ્પુ નથી. 🙂

%d bloggers like this: