ધર્મ, સંસ્કૃતિ અને મોજમજાની ભેલપૂરી

શનિવારે અહીં ગરબાના એક કાર્યક્રમમાં જવાનું હતું. કાર્યક્રમનું સ્થળ ઘરથી થોડું દૂર હતું એટલે અમે વહેલા ઘરેથી નીકળ્યા. મેં વિભાને કહ્યું કે આજે ઘરે આરતી નહીં કરી શકાય. તો વિભાએ જવાબ આપ્યો કે જ્યાં ગરબાના કાર્યક્રમમાં જઇએ છીએ ત્યાં આરતી કરી લઇશું. (આને આત્મવિશ્વાસ નહીં પણ over confidence કહેવાય. :)) જો ઇન્ડિયામાં પણ આજ કાલ ગરબા શરૂ કરતા પહેલા માતાજીની આરતી કરવાની પ્રથા આઉટ ઓફ ફેશન થઇ ગઇ હોય તો સિંગાપોરમાં એવી આશા રાખવી વધૂ પડતી ના કહેવાય?

છેવટે હું ઘટના સ્થળે (એટલે કે ગરબાના કાર્યક્રમના સ્થળે :)) પહોંચ્યો અને જોયું તો મારી ધારણા મુજબ જ માતાજીનો ફોટો નહોતો. મને રાહતની લાગણી થઇ. આમ પણ એ કોઇ ભક્તિ સંગીતનો કાર્યક્ર્મ હતો નહીં અને જ્યાં ફક્ત मोजा ही मोजा થવાનું હોય ત્યાં ભગવાનની હાજરી ના હોય એ જ વધૂ સારુ. પણ ગરબાનો કાર્યક્રમ બરાબર જામ્યો હતો ત્યાં જ એક ભાવિક ભક્તિભાવથી પ્રેરિત થઇને એક મોટી છબી માતાજીની લઇ આવ્યા અને સ્પીકરની બાજુમાં ગોઠવી દીધી. મને ખ્યાલ ના આવ્યો કે એમણે આમ કેમ કર્યું? પણ પછી માતાજીને જરૂર તકલીફ થઇ હશે. DJ જોર શોરથી મૂન્નીને બદનામ કરવામાં લાગ્યો હતો અને સ્પીકર એકદમ માતાજીની બાજુમાં. વળી પબ્લિક્ને માતાજીનો ફોટો છે કે નહીં એનાથી કોઇ મતલબ જ નહોતો પણ એ ફોટો મૂકનાર ભાઇને કદાચ ધર્મ અને સંસ્કૃતિ સાચવ્યાનો સંતોષ જરૂર થયો હશે.

મારા મતે આ મોજ મજાનો કાર્યક્ર્મ હતો અને એમાં માતાજીને વચ્ચે રાખ્યા વગર જ જો કાર્યક્ર્મ કર્યો હોત તો સારુ હોત. મોજ મજા કરવા લોકો આવે છે તો ભલે કરે એમાં કંઇ ખોટું નથી. માત્ર ફોટો મૂકી દેવાથી કંઇ ધર્મ અને સંસ્કૃતિ સચવાઇ તો નથી જવાની? મને લાગે છે આપણે દરેક વખતે સંસ્કૃતિ બચાવવાના પાંગળા પ્રયત્નો મૂકી દેવા જોઇએ.

જે જે….

આજે અમે ઇસ્ટ કોસ્ટ રોડ પર આવેલા Senpaga Vinayagar Temple ગયા હતા. આ મંદિર આમ તો દક્ષિણ ભારતીય શૈલીનું છે પણ એમાં મુખ્ય મૂર્તિ ગણપતિ દાદાની છે. ઘણા વખતથી (લગભગ બે મહીનાથી) હું મંદિર નહોતો ગયો એટલે થયું કે ચલો શ્રાવણ મહીનો ચાલે છે તો જરા ભગવાનને મળતા આવીએ. આ મંદિર બહુ જૂનું છે અને મંદિરમાં લખેલા ઇતિહાસ મુજ્બ સૌ પ્રથમ મૂર્તિની સ્થાપના 1875ની સાલમાં કરવામાં આવી હતી. મંદિર સારું છે અને વાતાવરણ પણ ત્યાં એકદમ શાંત છે. ત્યાં મેં અલગ અલગ પ્રકારની ગણેશ ભગવાનની કાચથી માંડીને પથ્થરની બનેલી અદભૂત મૂર્તિઓ જોઇ.

લિંક પરથી મંદિરની વર્ચ્યુઅલ ટુર કરી શકાય છે.

મા બાપ જો મંદિરે જતા હોય તો નાના છોકરાઓમાં પણ ધર્મના સંસ્કાર પડે. આ બાબતમાં મને લાગે છે કે હું રુહીને ધર્મના સંસ્કાર આપવામાં થોડો ઉણો ઉતરું છું. સિંગાપોરમાં આવ્યા બાદ હું ધર્મથી વિમુખ થઇ ગયો છું જેનો મને રંજ છે. હું રુહીને પણ નિયમિત રીતે મંદિર નથી લઇ જતો જે મારે કરવું જ જોઇએ. જો કે અમારા ધરમાં મંદિર છે એમાં રુહી લગભગ નિયમિત રીતે જે જે…. કરે છે. દરરોજ સવારે એ જ્યારે કસરત કરીને પાછું આવે ત્યારે એ ઘરમાં મૂકેલા ગણપતિ દાદાની મૂર્તિ માટે એક જાસૂદનું ફૂલ અચૂક તોડી લાવે છે અને ઘરે આવીને ગણપતિ દાદાને ફૂલ ચડાવે. જો મને અગરબત્તી કરતા જોઇ જાય તો મારા હાથમાંથી અગરબત્તી લઇને ભગવાનને અચૂક અગરબત્તી કરે છે. ટીવીમાં પણ જો ભગવાન આવી જાય તો ટીવીને પન જે જે… કરે છે. આજે મંદિરે ગયા ત્યારે પણ બે હાથ જોડીને રુહી ભગવાન સામે ઉભી રહી ગઇ હતી. 

નીચે રુહી (લાલ જર્સી અને હાફ પેન્ટમાં) ભગવાન સામે જઇને બે હાથ જોડીને જે જે…. કરે છે. હું એને આ રીતે જે જે…. કરતા જોઇને થોડો ભાવુક થઇ ગયો.

Tau 2  Tau 1 

ભગવાન રુહીને તમે તમારા પ્રેમથી આશીર્વાદિત કરજો અને સાચી સમજણ આપજો.

 

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,

ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ.

આ સ્તવન હું પહેલા રુહી નાની હતી ત્યારે એને રોજ સંભળાવતો હતો પણ હવે આ બધું ભૂલાતું જાય છે. દોષ મારો જ છે પણ આ દોષને સુધારવામાં થોડો સમય લાગશે.

ओ पालनहारे….

Lagaan

આજે મૂવી "लगान" જોયું. મેં 2001માં જ્યારે આ મૂવી રિલીઝ થયું હતું એ સમયે જોયું હતું અને એ સમયે મને આ મૂવી નહોતું પસંદ પડ્યું. પહેલી વખત આ મૂવી જોતી વખતે હું લગભગ સૂઇ ગયો હતો. કદાચ એ વખતે મારો ટેસ્ટ અલગ હતો પણ હવે આ જ મૂવી મને ગમે છે. (હવે ઉંમર થઇ ગઇ એટલે પસંદગીઓ પણ બદલાતી જાય છે. ઉંમર ઉંમરનું કામ કરે ને)  હવે મને કહેવાતી પિરીયડ મૂવીઝ જોવી ગમે છે જે પહેલા નહોતી ગમતી.

લગાનમાં ગોરા લોકોના અન્યાય સામે લડાઇ લડતા ખુદ્દાર ભૂવનનું પાત્ર આમીર ખાને ખૂબ સુંદર ભજવ્યું છે. એ. આર. રહેમાન દ્વારા અપાયેલું આ મૂવીનું સંગીત પણ ખૂબ કર્ણપ્રિય છે. મને લગાનનું "ओ पालनहारे" પ્રાર્થના ગીત બહુ ગમે છે. આ ગીત સાંભળું છું ત્યારે મને ખૂબ શાંતિ મળે છે. આ પ્રાર્થના ગીતને હું બીજા હિન્દી મૂવીના એવરગ્રીન પ્રાર્થના ગીતો જેમ કે "ऐ मालिक तेरे बंदे हम…", "हम को मन की शक्ति देना..", "इतनी शक्ति हमें देना दाता… " વગેરેની હરોળમાં જ મૂકું છું. નીચે આ ગીતનો યુ ટ્યુબ પરથી મળેલ વિડીયો મૂકેલ છે.

 

આમીર ખાન જે પંક્તિઓ ગાય છે આ ગીતમાં એ ખરેખર બહુ જ પ્રેરણાદાયક છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણે પણ એટલું જ મધુર રીતે ગાયું છે આ પ્રાર્થના ગીત.

થોડા વખત પહેલા મેં અનુપ જલોટા દ્વારા ગવાયેલું એક ભજન (ખબર નહીં આને ભજન કહેવાય કે શું કહેવાય) સાંભળ્યું અને મને તરત જ ગમી ગયું. આ ભજનમાં દૂહા થકી ખૂબ સરસ ઉપદેશ અપાયો છે. મને તો ખરેખર અમુક દૂહા બહુ ગમ્યા સાંભળવા. નીચે આ અનુપ જલોટા દ્વારા ગવાયેલ આ ભજનનો જ યુ ટ્યુબ પરથી મળેલ વિડીયો મૂકેલ છે.

દિવસની સારી શરૂઆત કરવા માટે હું આ બધું સવારે ઓફિસ જતા કે ઓફિસ ગયા બાદ ઘણી વખત સાંભળું છું. સિંગાપોરમાં આવ્યા બાદ ધર્મથી દૂર થતો જઉં છું પણ સારું સાંભળીને જીવનને નિર્મળ રાખવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો.

%d bloggers like this: