આજે ફરી ભારે થઇ

થોડા વખત પહેલા રુહીના એક પરાક્રમની વાત લખી હતી આજે સવારે રુહીએ ફરીથી પરાક્રમ કર્યું. જો કે આ વખતે પરાક્રમ થોડું હળવું હતું પહેલાની સરખામણીએ.

આજે સવારે રુહી ઉઠી એ પહેલા જ હું ઉઠી ગયો હતો. (સામાન્યત: શનિવાર – રવિવારના દિવસે હું લગભગ 11 વાગ્યા સુધી નિંદ્રાધીન જ હોઉ છું.) એટલે રૂમમાં રુહી એકલી જ સૂતી હતી. રુહી સૂતી હોય ત્યારે દરવાજો રૂમનો કાયમ અમે બંધ રાખીએ અને જ્યારે રુહી ઉઠે એટલે એ દરવાજો ખટખટાવે અને અમે એ જઇને ખોલીએ. આજે પણ સવારે રુહીએ ઉઠીને દરવાજો ખટખટાવ્યો પણ એ વખતે રુહીથી રૂમના લોકની કી દબાઇ ગઇ. રૂમનું લોક એવું છે કે જો એ કી દબાઇ જાય તો એને બહારથી ચાવીથી ખોલવું પડે અથવા અંદર રહેલો માણસ એને ખોલે. હવે રુહીને તો અંદરથી ખોલવાની ખબર કઇ રીતે પડે અને દરવાજાની ચાવી એક પાકીટમાં એ રૂમમાં જ પડેલી હતી. થઇને ભારે આ તો.

પહેલા તો રુહીને બારીમાંથી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એને લોક ખોલવા માટે સમજાવ્યું પણ રુહી એ સમજવા માટે બહુ નાની છે. પછી એની મમ્મીને એક ટ્રીક સૂજી. બધા દરવાજાની ચાવીઓ એક પાકીટમાં જ મૂકેલી છે અમે અને રુહી એ પાકીટ સાથે ઘણી વાર રમતી હોય છે. એટલે એની મમ્મીએ એને બીજી ચાવી બારીમાંથી હાથમાં આપી અને સમજાવ્યું કે બીજી ચાવી લાવો આવી. એને ચાવીવાળું પાકીટ કબાટમાં ક્યાં મૂકીએ છીએ ખબર હતી એટલે રુહી પાકીટ કબાટમાંથી કાઢીને એની મમ્મીના હાથમાં આપ્યું. પછી એ પાકીટમાંથી ચાવી કાઢીને દરવાજો ખોલ્યો. છે ને કમાલની ટ્રીક.

અમે પહેલા રુહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એને ખબર ના પડી એટલે પછી હું ચાવી બનાવવાવાળાને ત્યાં પહોંચી ગયો. એણે ચાવી બનાવી આપવાના 40 ડોલર કીધા. મારી પાસે 40 ડોલર આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો પણ પછી રુહીની સમજણથી મારે 40 ડોલર ખર્ચવાની જરૂર ના પડી.

સવારમાં મારે આ ઘટનાક્રમના લીધે થોડી દોડાદોડી થઇ ગઇ પણ રુહીની સમજ શક્તિ જોઇને ખૂશ થઇ ગયો. વળી આ આખા બનાવ દરમ્યાન રુહી રૂમમાં એકલી હતી તો પણ રડતી નહોતી અને શાંતિથી અમે જે કહીએ એ સાંભળતી હતી.  Keeping cool during tense moments is a key and I think Ruhi knows that.

Advertisements
%d bloggers like this: