इधर उधर

નવી નોકરી શરૂ કર્યા પછી સમયની મારામારી થોડી વધી ગઇ છે. પહેલા જે સમય મળતો હતો એ બધો સમય હવે નવી નોકરીની જગ્યાએ આવવા જવામાં ખર્ચાઇ જાય છે. જો કે આજુ બાજુની ઘટનાઓ વિશે મગજમાં વિચારો તો ચાલતા જ રહેતા હોય છે. તો આજે એ વિચારોની નોંધ કરું છું રોજનીશીમાં.

1. 2011
વર્ષ 2011ની શરૂઆત બહુ સારી નથી થઇ. વર્ષની શરૂઆતમાં જ મારી તબિયત લથડી ગઇ. સરદી, કફ, તાવ, ગળાના દુખાવાએ મને હેરાન કરી મૂક્યો. વળી બીજા બે નાના ઝાટકા પણ વાગ્યા જે મને વધારે દુ:ખી કરી ગયા. જે વર્ષ પાસેથી મને સૌથી વધારે આશા છે એની આવી ખરાબ શરૂઆત? ખબર નહીં કેમ પણ આ વખતે ઇંડિયાથી સિંગાપોર પરત આવ્યા બાદ હજી સુધી એમ જ લાગે છે કે બરાબર સેટ નથી થયા સિંગાપોરમાં. 🙂

2. વિષમ હવામાન
આજ કાલ દુનિયાના દરેક ખૂણામાં વિષમ હવામાન જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં ઋતુચક્રો કંઇક અજબ રીતે બદલાઇ ગયા છે. પૂર, ચક્રાવાત અને બરફના તોફાનો એ હવે કોઇ નવી વાત નથી રહી. દરેક જગ્યાએ જે ઋતુ ચાલતી હોય તે હવે એકદમ આકરી થતી જાય છે. જેમ કે નાતાલ પૂર્વે પશ્ચિમી દેશો બરફની ચાદરમાં ફેરવાઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ વરસાદના પૂરના લીધે જાન માલની ખાસ્સી નુકસાની થઇ. સિંગાપોરમાં હવે રોજ વરસાદ પડે એ વાતની હવે કોઇ નવાઇ નથી રહી. ભારતમાં શિમલા કરતા દિલ્લીનું તાપમાન નીચે જતું રહ્યું. થોડા સમય પહેલા કચ્છના અમુક ગામડાઓમાં બરફ પણ પડ્યો. (જો પરિસ્થિતિ આમ જ રહી તો 2030માં શિયાળુ ઓલોમ્પિક રમતોનું આયોજન મોદી સાહેબ કચ્છના રણમાં કરાવી દેશે. :)) હવામાનના આ આકરા ચમકારા સમજવા આપણા માટે મૂશ્કેલ છે. આપણે ખાલી ગ્લોબલ વોર્મિંગ કે કળિયુગને દોષ આપવો રહ્યો.

3. ક્રિકેટ
આજ કાલ ક્રિકેટનો શોખ ફરી પાછો જાગ્યો છે. એનું કારણ છે ભારતીય ટીમનું છેલ્લા કેટલાક સમયથી રહેલું સારુ પ્રદર્શન. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણી ખૂબ રોચક રહી. કાલીસની શાનદાર બેટીંગના લીધે છેલ્લી ટેસ્ટ ભારત જીતીને ઇતિહાસ ના રચી શક્યું. લક્ષ્મણ અને તેંડુલકર સિવાયના બધાં બેટ્સમેનો લગભગ નિષ્ફળ રહ્યા છતાં બોલરોના લીધે શ્રેણીમાં ભારતે સારી લડત આપી. ડેલ સ્ટેઇનનું નિવેદન કે “તેંડુલકરની વિકેટ મેળવવા મહેનત કરવી નકામી છે” એ એક ભારતીય તરીક આપણને ગૌરવ થાય એવી વાત છે. દુ:ખ સાથે લખવું પડે છે કે રાહુલ દ્રવિડનો હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે એવું લાગે છે.

બીજી તરફ ઇંગ્લેંન્ડે પણ ઓસ્ટ્રેલિયાને એશીઝ શ્રેણીમાં ઘરઆંગણે 3-1થી જબરદસ્ત પછાડ આપી. પોંન્ટીંગના નેતૃત્વમાં જ્યારે પણ ઓસ્ટ્રેલિયા હારે છે ત્યારે મને બહુ મઝા આવે છે. મને એ માણસ જરા પણ ગમતો નથી. એના જેવો ઘંમડી અને બદમિજાજ સુકાની હાલમાં કોઇ નથી. મિંયા પડે પણ તંગડી ઉંચી રાખે એ રીતે ઓસ્ટ્રેલિયનો હજી પણ નથી સ્વિકારી શકતા કે તેઓની ઇજારાશાહી હવે ખતમ થઇ ગઇ છે. મારા મતે પોંન્ટીંગ એકદમ સાધારણ ખેલાડી છે છતાં પણ એ માને છે કે એના લીધે ઓસ્ટ્રેલિયાની ટીમ સર્વોચ્ચ સ્થાને હતી.પોંન્ટીંગ મહાન એટલા માટે બન્યો કારણ કે એની ટીમમાં મહાન ખેલાડીઓ હતા. જ્યારે પોંન્ટીંગ પાસે શેન વોર્ન, ગ્લેન મેકગ્રાથ, ગીલક્રીસ્ટ, હેડન જેવા ખેલાડીઓ હતા ત્યાં સુધી વાંધો ના આવ્યો પણ હવે જ્યારે આ ધૂરંધરો નિવૃત્ત થયા એટલે અસલિયત બધાની સામે આવી ગઇ. પોંન્ટીંગ મહાન સુકાની બન્યો માત્ર અને માત્ર એની સાથે રમી રહેલા ધૂરંધરોના લીધે.(મને આપણા ધોનીનું પણ એવું જ લાગે છે. સુકાની તરીક ધોની આમ જોવા જઇએ તો ખરાબ નથી પણ એનો અત્યાર સુધીનો સુકાની તરીકેનો મહાન રેકોર્ડ જળવાઇ રહ્યો છે માત્ર અને માત્ર લક્ષ્મણ, તેંડુલકર, ઝહીર, ગંભીર જેવા ખેલાડીઓના લીધે. જો ધોની સુકાની ના હોત તો એના પોતાના બેટીંગ ફોર્મને જોતા હાલની ટીમમાં સ્થાન પણ ના મળે.)

ભારતે આ વર્ષે પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. હવે આવતા વર્ષે ભારતે ઇંગ્લેંન્ડ સાથે ઇંગ્લેંન્ડમાં રમવાનું છે અને હાલમાં ઇંગ્લેંન્ડની ટીમનું ફોર્મ જોતા એ શ્રેણી ખૂબ રસપ્રદ રહેશે એવું લાગે છે. આ ઉપરાંત વેસ્ટ ઇંડીઝ અને ઓસ્ટ્રેલિયામાં પણ રમવાનું છે. સાથે સાથે વિશ્વકપ તો ખરો જ. એટલે આગામી વર્ષમાં ફૂલ ક્રિકેટ ચાલુ રહેશે.

4. Go GOA
નાતાલ અને નવા વર્ષનો સમય હોય એ દરમ્યાન લોકો ગોવા જવાનું પસંદ કરત આ હોય છે. આ વર્ષે અમિતાભ બચ્ચન અને આપણા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની ગોવાની મૂલાકાત સમાચાર પત્રોમાં છવાયેલી રહી. આપણા માનનીય ડોસી મા એટલે કે રાષ્ટ્રપતિથી સરખુ ચલાતુ પણ નથી તો પણ ગોવાના બીચ પર બે સુરક્ષા કર્મચારીઓના ટેકા સાથે પાણીમાં પગ ઝબોળી આવ્યા. વળી આ એમની સરકારી નહીં પણ ખાનગી ટ્રીપ હતી. ડોસી મા ને ખબર નહીં રહી રહીને શું ગોવા વેકેશન કરવાના અભરખા ઉપડ્યા હશે? અમિતાભ બચ્ચન પણ પોતાના પૌત્ર પૌત્રીઓ અને પરિવાર સાથે ગોવાની મઝા માણી આવ્યા. ફોટા જોઇને એવું લાગ્યું કે બચ્ચન સાહેબે ખાલી જાંગિયાને બદલે ચડ્ડી પહેરી હોત તો વધારે સારુ થાત. બધાને મજા કરતા જોઇ મને પણ એમ થઇ ગયું સાલુ કે દુનિયા જાય ભાડમાં ચલો વેકેશન કરવા ગોવા પણ પણ પણ દુનિયા એટલી સહેલાઇથી ભાડમાં જતી નથી મિત્રો.

(જે પણ લોકો આ વાંચી રહ્યા છે એમને વણમાંગી સલાહ આપુ છું કે જેમ લોકો ઘડપણમાં જાત્રા કરવા જાય છે એમ જો કોઇએ યુવાનીમાં જાત્રા કરવી હોય તો ગોવાની જાત્રા અચૂક કરવી. જો યુવાનીમાં આ જાત્રા ના થઇ શકી તો પણ કંઇ વાંધો નહીં જ્યાં સુધી દિલ જવાન છે ત્યાં સુધી આ જાત્રા કરી લેવી નહીં તો મર્યા પછી જીવ સદ્દગતિએ નહીં જાય.:))

5. ભગવાન નેતાજીની આત્માને શાંતિ આપે
વચ્ચે ટાઇમ્સ ઓફ ઇંડિયામાં વાંચ્યું કે એક મહિલાએ બિહારના ધારાસભ્યનું ખૂન કરી નાંખ્યું. ખૂન કરનાર મહિલા કહે છે કે એણે ખૂન એટલા માટે કર્યું કે એ ધારાસભ્ય અને એના માણસો છેલ્લા કેટલાક સમયથી એનું શોષણ કરી રહ્યા હતા. જ્યારે બીજેપી એવું નિવેદન આપે છે કે મહિલા માનસિક રીતે અસ્થિર છે. હવે કોની વાત માનવી એ પ્રશ્ન છે? જો કે આપણા રાજકારણીઓની ફિતરત જોતા મને મહિલાના નિવેદન પર વિશ્વાસ વધૂ આવે છે. ખરુ કહુ તો આ સમાચાર વાંચીને હું થોડો ખુશ થયો હતો કે સારુ થયું કે એક તો ઓછો થયો. બાકી આપણા ન્યાયતંત્ર પાસેથી ન્યાનની આશા રાખવી નકામી છે. આમ જોવા જઇએ તો આ “રંગ દે બસંતી” મૂવીના પ્લોટ જેવું લાગે છે ને? હું ઘણી વખત વિચારતો હતો કે સાલુ “રંગ દે બસંતી” જોયા બાદ કોઇને પ્રેરણા કેમ નથી મળતી? છેવટે આ મહિલાએ મારા દિલની વાત સાંભળી. આવા બીજા વિરલાઓ/વિરાંગનાઓ ભારત દેશને મળી રહે એવી આશા રાખીએ.

બસ બાકી જીવન ચાલે રાખે છે એની ગતિએ.

Advertisements

રજાઓ બાદના વિચારવમળો

ગઇકાલે રાત્રે રજાઓ માણીને રાત્રે લગભગ 9 વાગ્યે સિંગાપોર પાછો આવ્યો. ફોન ચાલુ કરતા જ મેંગ્લોરમાં બનેલી વિમાન દુર્ઘટના વિશે જાણવા મળ્યું. વિમાની દુર્ઘટનામાં 160 જીંદગીઓ નામશેષ થઇ ગઇ. સમાચાર જાણીને રજાના મૂડમાંથી એકદમ ફિલોસોફીકલ મૂડ થઇ ગયો. જીંદગી કેવી અજીબ છે. કોઇના ઘરે દિવાળી તો કોઇના ઘરે હોળી છે. કોઇના ઘરે અંધકાર તો કોઇના ઘરે ઉજાસ છે. કોઇના જીવનમાં ખુશીઓ છે તો કોઇના જીવનમાં માતમ છે. જેના પર વીતે છે એ જ જાણે છે જીંદગી કેટલી ક્રુર છે. જીંદગીનો કોઇ ભરોસો નથી અને મૃત્યુ એ જ જીવનનું અકળ સત્ય છે એ યાદ રાખવું જ રહ્યું. આવા ધણાં બધાં આડાઅવળા વિચારો દિમાગમાં આવવા લાગ્યા. અંતે, મૃતકજનોના પરિવારજનોને સાંત્વના.

રજાઓમાં માણવા માટે અમે અમારા એક મિત્રના પરિવાર સાથે ગયા હતા. મારા મિત્રને પણ રુહી જેટલી ઉંમરની જ બેબી (વેદા) છે. એટલે ત્રણ દિવસ રુહીને એની સાથે બહુ મઝા આવી રમવાની. ત્રણ દિવસ રુહી અને વેદા બન્નેએ બહુ ધમાલ કરી. રાત્રે સૂતી વખતે પણ રુહી વેદાને યાદ કરે અને સવારે ઉઠીને પણ તરત વેદાને યાદ કરે. જતા આવતા બસમાં બન્નેએ ધમાલ મચાવી મૂકી. પણ કાલે જ્યારે ઇમીગ્રેશન કાઉન્ટર પરથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે વેદાને બાય કહેતા રુહીના ચહેરા પર એક ઉદાસી જેવું મને લાગ્યું. જ્યારે એને ખબર પડી કે હવે વેદા એની સાથે નહીં હોય ત્યારે એ એકદમ ઉદાસ થઇ ગઇ. આપ્તજનોથી વિખૂટા પડવાની પીડા એ ફક્ત મોટેરાઓમાં જ નહીં પણ નાના છોકરાઓમાં પણ હોય છે એ વાત મને સમજાઇ. અહીં વિદેશમાં ઇન્ડિયાની જેમ છોકરાઓનું ગ્રુપ બનવું મૂશ્કેલ છે. એટલે જ નાના છોકરાઓ બિચારા કોઇનો સાથ ઝંખતા હોય છે. મને એ વાતનું દુ:ખ થયું કે પૈસા કમાવવાની લ્હાયમાં રુહી પાસેથી હું એનું બાળપણ છિનવી રહ્યો છું, જે દાદા-દાદી કે ઘરના લોકોનો પ્રેમ મળવો જોઇએ એ પ્રેમ એની પાસેથી હું છિનવી રહ્યો છું, પોતાની ઉંમરના બાળકો સાથે ધમાલ કરવાની મઝા હું છિનવી રહ્યો છું. કદાચ હું બહુ લાગણીશીલ થઇને આ વિચારી રહ્યો છું. પણ આ વાત સાવ ખોટી તો નથી જ. ઘણી બધી વસ્તુઓ હું વિચારી શકું છું અને કરવા માંગુ છું પણ કરી શકતો નથી. કોઇક અલગ બંધનોમાં હું જકડાઇ ગયો છું એમ લાગે છે. આ બંધનો ક્યારેક તૂટશે એ આશા છે.

ત્રણ દિવસ રજાઓ દરમ્યાન દરિયા કિનારે સમય વિતાવવાનો સારો એવો સમય મળ્યો. એક દિવસ વહેલી સવારે હું દરિયા કિનારે ફરવા પણ ગયો હતો. સવારે દરિયા કિનારે ફરતા ફરતા મને મારા ગોવામાં વિતાવેલા દિવસોની યાદ તાજા થઇ ગઇ. સવારે જ્યારે તમે દરિયાને જુઓ ત્યારે એ એકદમ શાંત લાગે પણ આ જ દરિયો સાંજે જુઓ તો ઉન્માદમાં લાગે. સવારના સમયે પ્રકૃતિનું સાનિધ્ય માણતા દરિયાને શ્વાસમાં ભરી લેવાની મઝા કંઇક ઓર હોય છે. દરિયા કિનારે એકલા (હા એકલા જ :)) બેસી સમુદ્રના મોજાઓને નિહાળતા મન એકદમ શાંત થઇ જાય અને મનમાં અનેક નવીન વિચારોને આકાર પણ મળે. આવી એકલતા મને લાગે છે દરેકે સમયાંતરે માણવી જોઇએ.

અત્યારે ફકત આટલું જ લખવાનો સમય છે. રોજનીશીમાં વેકેશન વિશેની બીજી વાતોના પાનાં પછી ઉમેરીશ.

%d bloggers like this: