વૈચારિક અસહિષ્ણુતા

ગુજરાતી બ્લોગ વિશ્વ પ્રગતિના પંથે છે અને રોજે રોજ નવા ગુજરાતી બ્લોગરો ઉમેરાતા જાય છે. એ સારી વાત છે કે લોકો ગુજરાતીમાં વિચારોની અભિવ્યક્તિ કરવાનું યોગ્ય માને છે. જો કે આ વિકાસ સાથે લખનારાઓમાં થોડી વિચારોની સહિષ્ણુતા અને પરિપક્વતા આવે એ જરૂરી છે.  આજ કાલ લોકો ચોખ્ખી ને ચટ વાત કરવામાં માને છે અને મારા બ્લોગ પર મનફાવે એમ લખું, વાંચવું હોય તો વાંચો અને વાહ વાહ કરો નહીં તો GTH વાળી મનોવૃત્તિ વધારે જોવા મળે છે. એ વાત સાથે સહમત કે બ્લોગમાં શું લખવું એ બ્લોગના માલિકનો એકાધિકાર છે પણ જાહેર માધ્યમમાં તમે તમારા વિચારો મૂકો છો તો પછી એટલી પરિપક્વતા તો રાખો કે બધાં અભિપ્રાયો તમારા વિચારોને અનુમોદન કરનારા ના પણ આવે.

વળી બુધ્ધિનું દેવાળું ત્યાં ફૂંકાય કે એક પોસ્ટ લખી હોય એના ઉપર આવેલા અભિપ્રાય માટે (કે જે અભિપ્રાયની બાદબાકી કરી દીધી હોય કારણ કે ખાલી વાહ વાહી વાળા અભિપ્રાયોને જ રખાય) વળી નવી પોસ્ટ લખાય અને એમાં અસભ્ય તો નહીં પણ "ઝાડા થઇ જવા કે અપચો થઇ જવા" જેવી અરુચિકર ભાષાનો પ્રયોગ થાય. પોતે જ મહાન અને પોતાનું લખાણ જ મહાન અને બીજા બધાં લલ્લુ પંજુ છે એવા ભ્રમમાં ના રહેવું. વાણી સ્વાતંત્ર્યનો હક્ક જેટલો તમારી પાસે છે એટલો જ બીજા પાસે છે. જો વૈચારિક મતભેદ ના પચતા હોય તો પાચન શક્તિ સુધારવા પર કામ કરવું અથવા તો પોતાના વિચારોની આપ લે પોતાના સિમીત વર્ગ સુધી મર્યાદિત રાખવી.

Advertisements
%d bloggers like this: