બેટર હાફ – સંગીત

ગઇ કાલે રાગામાં ખાંખા ખોળા કરતા મને હમણાં થોડા વખત પહેલા રજૂ થયેલા ગુજરાતી ચલચિત્ર “બેટર હાફ”નું આલ્બમ જોવા મળ્યું. આ ચલચિત્ર વિશે એક બ્લોગ પર પ્રશંસા વાંચી હતી એટલે ઉત્સુક્તાપૂર્વક એનું સંગીત સાંભળવાનું શરૂ કર્યું. મને સંગીત સાંભળીને ભયંકર નિરાશા થઇ. જેટલા ઉત્સાહથી શરૂ કર્યું હતું સાંભળવાનું એ બધો ઉત્સાહ 1-2 ગીતમાં જ  મરી પરવાર્યો. ગીત ગદ્ય છે કે પદ્ય એ જ સમજવું અઘરું હતું. જાણે શબ્દોને જેમ તેમ જોડીને સંગીત બનાવી દીધું હોય એમ લાગતું હતું. બે ગીતો તો પાછા હિન્દીમાં હતા. મને એમ થયું ગુજરાતી ભાષા અને એનું સંગીત એટલું પાંગળું બની ગયું છે કે ચલચિત્ર બનાવીએ તો એના 3-4 ગીત પણ ગુજરાતી ભાષામાં ના બનાવી શકીએ? ચલચિત્ર તો મેં જોયું નથી પણ સંગીત સાંભળીને જરૂર હું નિરાશ થયો.

જીતેન્દ્રભાઇના બ્લોગ પર એમણે લખ્યું છે કે નવું ગુજરાતી ચલચિત્ર “સૂરજ ઉગ્યો શમણાંને દેશ” એ જરા હટ કે છે. આશા રાખું કે એ ખરેખર સાચી વાત હોય. ભલે ગુજરાતી કસબીઓ હોલીવૂડ કે બોલીવૂડને ટક્કર આપે એવા ચલચિત્ર ના બનાવે પણ કમ સે કમ જોઇ શકાય એવા તો ચલચિત્રો બનાવે એવી આશા રાખી શકાય.

હમણાં થોડા સમયથી અહીં ઝી પર મહિનામાં એક વખત રવિવારે બપોરે ગુજરાતી ચલચિત્ર આવે છે. લાગણીના ઘોડાપૂરમાં તણાઇને આ મૂવી જોવા કોઇ વખત બેસું છું પણ આખું મૂવી હજુ સુધી નથી જોઇ શક્યો. કદાચ આખું મૂવી જોવું અસહ્ય થઇ જાય છે અથવા તો સમય બગડતો હોય એમ લાગે છે.

ગુજરાતી ચલચિત્ર જગતની આ પરિસ્થિતિ ક્યારેય સુધરશે?

Advertisements
%d bloggers like this: