શિવસેના વિ. શાહરૂખ

છેલ્લા કેટલાય વખતથી ભારતીય સમાચાર માધ્યમોમાં એક જ વાત છવાયેલી છે અને એ છે શાહરૂખ ખાન અને શિવ સેના વચ્ચેની ચડસા ચડસીની. આમ જોવા જઇએ તો આ વાત એકદમ શુલ્લક છે અને થોડા લાગણીશીલ થઇને વિચારીએ તો ખૂબ સંવેદનશીલ પણ છે. આખા વિવાદમાં બે મૂદ્દા મને મુખ્ય લાગ્યા : રાષ્ટ્રપ્રેમ અને વાણી સ્વાતંત્ર્યનો બંધારણીય હક્ક.

રાષ્ટ્રપ્રેમ :

વિવાદ શરૂ થયો શાહરૂખે બતાવેલા પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યેના પ્રેમના લીધે. શાહરૂખને પાકિસ્તાનના ખેલાડીઓને IPLમાં ના સમાવવામાં આવ્યા એનું ભરપૂર દુ:ખ થયું પણ એમ તો ઓસ્ટ્રેલિયાના પણ કોઇ ખેલાડીઓને નથી લેવામાં આવ્યા તો એનું દુ:ખ કેમ ના થયું? ખાન ભાઇને પાકિસ્તાનના ખેલાડીઓ વિશ્વ વિજેતા લાગે છે તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શું નકામા છે? IPLની 6 ટીમોના માલિકોને પાકિસ્તાનના ખેલાડીઓ હોય કે ના હોય એનાથી ફરક ના પડ્યો ખાલી શાહરૂખને જ એમ લાગ્યું કે પાકિસ્તાનના ખેલાડીઓ રહી ગયા. શાહરૂખ ભલે એમ કહે કે હું પહેલા ભારતીય છું અને મારી દેશદાઝ પર કોઇએ શંકા કરવાની જરૂર નથી પણ શાહરૂખની આવી બયાનબાજી સાંભળીને કોને શાહરૂખના રાષ્ટ્રપ્રેમ વિશે શંકા ના જાગે? શાહરૂખ ભારતીય સંસ્કૃતિનો હવાલો આપીને શાંતિ, ભાઇચારા અને મહેમાનગતિની વાત કરે છે. તો આ શાંતિ, ભાઇચારા અને મહેમાનગતિની વાતો ખાલી પાકિસ્તાનના ખેલાડીઓને જ કેમ લાગુ પડે? પાકિસ્તાન જે રીતે ભારતને ભાઇચારો બતાવે છે છાશવારે એ જોઇને ક્યા રાષ્ટ્રપ્રેમીને પાકિસ્તાન સાથે ભાઇચારો કરવાની ઇચ્છા થાય એમ છે?

શાહરૂખના બયાનથી મને તો એમજ લાગે છે કે એ પાકિસ્તાની દલાલ છે. આ સંદર્ભમાં મને લાગે છે કે શિવસેનાએ ઉગામેલો દંડો યોગ્ય જ હતો. એમ કરવાથી થોડા ઘણા અંશે પાકિસ્તાની દલાલો પાકિસ્તાનની દલાલી ખૂલે આમ કરતા પહેલા બે વખત વિચાર તો કરશે?

વાણી સ્વાતંત્ર્યનો બંધારણીય હક્ક :

ભારતીય બંધારણ દરેક નાગરિકને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપે છે. શિવસેના કાયમથી આ બંધારણીય હક્ક પર તરાપ મારવા માટે પ્રખ્યાત(કુખ્યાત) છે. શિવસેના દ્વારા વેલેંટાઇન ડે ની ઉજવણી ના કરવા દેવી એ વર્ષો જૂનું ઉદાહરણ છે. શિવસેના દર વખતે લોકોને બંધારણ થકી મળેલા વાણી સ્વાતંત્ર્યના હક્કની ઠેકડી ઉડાવે છે અને તો પણ સરકારી તંત્ર ઠાકરે અને કંપનીનું કંઇ બગાડી શકતું નથી. ઠાકરેના ત્રાસવાદને લીધે સરકારની પૂરી સુરક્ષાની ખાતરી હોવા છતાં પણ કોઇ થિયેટરના માલિકો શાહરૂખની ફિલ્મ દર્શાવવાનું જોખમ લેવા તૈયાર નહોતા. શરદ પવાર પણ ઠાકરેને સમજાવવા ઘરે જાય આ કેટલી હદે નિર્માલ્યતા કહેવાય? શું મહારાષ્ટ્રમાં કોઇ સરકારી તંત્ર છે જ નહીં? બાલ ઠાકરે નામનો ઘરડો સિંહ લવારી કરે રાખે ને બધાંએ એના ઇશારે નાચે રાખવાનું એ કેટલી હદે વ્યાજબી છે? અમુક બાબતમાં લવારી યથાર્થ હોઇ શકે પણ મુંબઇ-બોમ્બે નામનો વિવાદ કે પછી વેલેંટાઇન ડે નહીં ઉજવવા દેવાના ફતવા, મરાઠી માણૂસના ડાકલા વગાડે રાખવા કે મુંબઇ મારા બાપનું છે એવો દંભ આ બધું શા માટે? આજે જ મેં સમાચાર વાંચ્યા કે બેંગ્લોરના ઠાકરે મુતાલિકનું લોકોએ મોં કાળું કર્યું. વાંચીને મને મઝા આવી અને સારુ લાગ્યું કે ચલો દેશમાં થોડી ઘણી જાગૃતિ તો છે. આવી જ રીતે ઠાકરે બંધુઓનું મોં પણ કાળું થવું જોઇએ. આ વિવાદમાં રાજ ઠાકરેએ એક સરસ વાત કહી. શિવસેના પાકિસ્તાન અને પાકિસ્તાનીઓનો વિરોધ કરે છે તો પછી દરેક બાબતમાં વિરોધ થવો જોઇએ. શાહરૂખને પાકિસ્તાની ઠેરવીને શિવસેના જે રોકકળ કરી એવી જ રોકકળ શિવસેના શા માટે અમિતાભ બચ્ચન બાંદ્રા ફોર્ટ પર પાકિસ્તાની કલાકાર સાથે કવિ સંમેલનના કાર્યક્રમો કરે છે ત્યારે નથી કરતું? સવાલ એકદમ વ્યાજબી છે પણ મહારાષ્ટ્રના ગંદા રાજકારણમાં બધાં પોતપોતાની રોટલી શેકવામાં વ્યસ્ત છે. કાગડા અહીં બધાં કાળા જ છે.

આજે જો કે ડંકે કી ચોટ પર “માય નેમ ઇઝ ખાન” મૂવી મુંબઇમા રિલીઝ થઇ અને શો બધાં હાઉસફૂલ રહ્યા. જે બતાવે છે કે ઠાકરેઓની ગુંડાગીરી પ્રજાને હવે નથી ખપતી. આશા રાખીએ કે પ્રજાના આવા પ્રતિભાવથી ઠાકરે બંધુઓની શાન ઠેકાણે આવશે નહીં તો શું ખબર એક દિવસ એવો પણ આવે કે કરુણાનિધિની જેમ બાલ ઠાકરેને પણ માતોશ્રીમાંથી ટીંગાટોળી કરીને બહાર લઇ જવાશે અને ઉદ્ધવભાઇ જોતા રહી જશે. (જો કે મહારાષ્ટ્ર સરકારની નિર્માલ્યતા જોઇને આવું કોઇ દિવસ થશે એવું લાગતું નથી)

મહારાષ્ટ્ર સરકારની નિર્માલ્યતા જોઇને પણ મને દુ:ખ થાય છે. દર વખતે કેટલી રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન થાય છે, લોકોના રોજીંદા કામકાજ રઝળી પડે છે પણ સરકારના પેટનું પાણી પણ ક્યાં હલે છે? આટલો હલ્લો શિવસેના મચાવે તો પણ કોઇ જાતની કાનૂની કાર્યવાહી નહીં શિવસેના કે મનસે સામે? નાના કાર્યકર્તાઓને પકડીને શું બહાદુરી બતાવે છે મહારાષ્ટ્ર સરકાર? જેમ નરેન્દ્ર મોદીએ કર્યુ એમ એક વખત ખાલી લાલ આંખ કરીને સીધા કરી નાંખવાની જરૂર છે ઠાકરે બ્રધર્સને. પછી જુઓ કોણ છાશવારે ફતવાઓ બહાર પાડે છે?

-:અસ્તુ:-

Advertisements
%d bloggers like this: