હોંગકોંગ ડાયરી – પ્રસ્થાન

ગયા અઠવાડિયે 21 ઓક્ટોબરથી – 25 ઓક્ટોબર દરમ્યાન અમે ચાર દિવસ હોંગકોંગ અને મકાઉ ફરવા ગયા હતા. હોંગકોંગ અને મકાઉ બન્ને સ્થળો બરાબર ફરવા માટે ચાર દિવસ પૂરતા નહોતા પણ  મારી પાસે વધૂ રજાઓ ના હોવાના લીધે ચાર દિવસમાં જેટલું જોવાયું એટલું જોઇને પતાવવા સિવાય કોઇ છૂટકો નહોતો. 21મી તારીખે બપોરના 1:30 વાગ્યે ફ્લાઇટ હતી. ટિકીટ બુક કરાવી હતી Tiger Airwaysની કે જે સિંગાપોર અને એશિયા પેસિફિકની જાણીતે બજેટ એરલાઇન્સ છે. મને બજેટ એરલાઇન્સમાં ફરવું નથી ગમતું પણ શું થાય હજી સુધી એટલું જ કમાઇ શક્યો છું કે બજેટ એરલાઇન્સમાં મુસાફરી કરી શકું. Beggars can’t be choosers એના જેવો ઘાટ છે.

જ્યારે પણ મેં બજેટ એરલાઇન્સમાં ટિકીટ બુક કરાવી છે ત્યારે કાયમ મારી સાથે કોઇક તો લોચા થયા જ છે. આ વખતે તો હજી વિમાન સુધી પહોંચુ એ પહેલા જ ડખા ચાલુ થઇ ગયા. મેં જ્યારે ટિકીટ બુક કરાવી હતી ત્યારે 4:30 વાગ્યાની બપોરની ફ્લાઇટની ટિકીટ બુક કરાવી હતી. પણ ફ્લાઇટના ત્રણ દિવસ પહેલા મેઇલ આવ્યો એમાં ચૂપચાપ ફ્લાઇટનો સમય 4:30 થી 1 વાગ્યાનો થઇ ગયો. મેં reminder મેઇલ સમજીને જો એ મેઇલ ના જોયો હોત તો ખબર નહીં શું થાત? હવે 3 કલાક ફ્લાઇટ વહેલી થઇ ગઇ એટલે મારી જોડે 0.5 દિવસની રજા વધારે લેવા સિવાય કોઇ બીજો રસ્તો નહોતો.  જો 4:30 વાગ્યાની ફ્લાઇટ હોત તો હું કદાચ ટાઇમ ઓફ લઇને ચલાવી શક્યો હોત પણ બજેટ એરલાઇન્સમાં આપણે જઇએ એટલે આવા નાના નાના ભોગ આપવા પડે. કદાચ આવા સરપ્રાઇઝોના લીધે જ બજેટ એરલાઇન્સમાં મુસાફરી કરવાની મજા છે. 🙂

 DSCF2201

અમે લોકો એરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા. ચાંગી એરપોર્ટના બજેટ ટર્મિનલ પર પણ સારી સુવિધાઓ છે. છોકરાઓને રમવા માટેની પણ સુવિધા છે. રુહી ત્યાં રમવા લાગી અને બીજા અમુક નાના છોકરાઓ પણ ત્યાં રમતા હતા એટલે એને તો ત્યાં એમની સાથે રમવાની બહુ મઝા આવી. વળી આગલા દિવસે એના માટે ડોરાના લાઇટીંગવાળા શુઝ પણ લાવ્યા હતા એટલે બહુ ફોર્મમાં હતી. એરપોર્ટ પર થોડા ફોટા પણ લીધા બધાંના.

 

 

DSCF2203

 

 

 

 

એક બંદર એરપોર્ટ કે અંદરDSCF2196 

 

 

 

 

 

 

 

ડોરાના લાઇટવાળા જૂતા

 

થોડા સમય બાદ અમે લોકો ઇમીગ્રેશન પતાવી બોર્ડિંગ ગેટ તરફ રવાના થયા. ત્યાં થોડી મગજમારી થઇ ગઇ. જ્યારે હેન્ડબેગ ચેક કરાવી તો એમાં ફ્રુટ જ્યુસ, રુહી માટે દૂધ, પાણી વગેરે હતું. અમને કહેવામાં આવ્યું કે કોઇ પણ પ્રકારનું પ્રવાહી હેન્ડબેગમાં લઇ નહીં જવા દેવામાં આવે અને એમાં પાણીનો પણ સમાવેશ થતો હતો. અમને કહે જે પણ લાવ્યા છો એ ક્યાં તો બધું પતાવી દો અથવા કચરાપેટીમાં ફેંકી દો. હવે એક સાથે આટલું બધું અને જાતજાતનું કંઇ રીતે પિવાય? પણ પછી થોડી રકઝક કરી અને રુહીના નામે અમે જ્યુસ અને દૂધની બોટલ અંદર લઇ જવામાં સફળ રહ્યા. પાણી કેમ ના લઇ જવાય એ મને ખબર ના પડી. દૂધની બોટલમાં પણ મારી પાસે બોટલનું સીલ તોડાવીને કહે કે રુહીને થોડું પીવડાવો પછી જ અંદર લઇ જઇ શકશો. પછી સત્તા આગળ શાણપણ નકામું અને ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે એમ માની જે રહ્યું એ રહ્યું ગણીને અંદર પહોંચ્યા. છે ને આતંકવાદીઓનો ત્રાસ…..

જ્યારે બોર્ડિંગ ગેટ પર આવ્યા ત્યારે બીજી નાની માથાકૂટ થઇ. જ્યારે મેં બોર્ડિંગ પાસ ચેક કરનાર લેડીને ખાલી મારો બોર્ડિંગ પાસ જ આપ્યો ત્યારે મારા પર એણે ઘૂરકિયા કરવા માંડયા. થોડા Hi decibleમાં એણે મારો પાસપોર્ટ માંગ્યો. એણે મારો પાસપોર્ટ લઇને પછી એણે વિધિ તો પતાવી પણ પછી પાસપોર્ટ અને મારો બોર્ડિંગ પાસ બરાબર મારા ચહેરાની સામે રાખીને બરાડી કે "from next time give both passport n boarding pass together". હું તો આવું વર્તન જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. મારા ખ્યાલથી એ ચેક કરનાર લેડી માટે અમે બજેટ એરલાઇન્સમાં ટ્રાવેલ કરવાવાળા એકદમ હલકા લોકો હોઇશું.  એમાં ય વળી મારો ચામડીનો કલર પણ સફેદ નહીં એટલે એના મતે તો હું કારીગર વર્ગના લોકોમાં આવતો હોઇશ. ખબર નહીં એ લેડીની એના બોયફ્રેંડ સાથે મારામારી થઇ હશે કે એને ભૂખ લાગી હશે કે ગમે એ હોય પણ એનું વર્તન જરા પણ વ્યાજબી નહોતું. જો કે મેં એ વખતે કોઇ મગજમારી ના કરી પણ પાછા આવીને અહીંથી કરેલી Tiger Airways પરની ચાર્જશીટમાં પણ આ મૂદ્દાને સરસ રીતે વણી લીધો છે. જોઇએ હવે શું થાય છે? એરલાઇન્સવાળા મને ખબર છે કે કોઇ પગલા નહીં ભરે પણ મારી સાથે થયેલા ખરાબ વર્તનની મારે ફરિયાદ તો કરવી જ રહી.

છેવટે ફ્લાઇટમાં અમે ગોઠવાયા. સદ્દ્ભાગ્યે ફ્લાઇટમાં કોઇ ઘટના ના ઘટી અને અમે લોકો નિયત સમય મુજબ હોંગકોંગ પહોંચી ગયા. હોંગકોંગ અમે લોકો લગભગ 5:30 વાગ્યાની આસપાસ પહોંચ્યા. મને એમ હતું કે આટલા જલ્દી પહોંચીશું તો જલ્દી જલ્દી હોટલ પહોંચીને ક્યાંક ફરવા જઇશું. પણ અમને એરપોર્ટમાંથી ઈમીગ્રેશન વિધિ પતાવીને બહાર આવતા જ લગભગ 6:15 જેવું થઇ ગયું. હોંગકોંગ એરપોર્ટ મને એમ હતું કે ભલે ચાંગી એરપોર્ટ જેવું અફલાતૂન નહીં હોય પણ એકંદરે સારુ હશે. પણ મને એરપોર્ટમાં કશું ખાસ સારુ ના લાગ્યું. મારા ખ્યાલથી કદાચ અમદાવાદ અને હોંગકોંગના એરપોર્ટ વચ્ચે બહુ ફરક નહીં હોય. મેં અમદાવાદનું નવું બનેલું એરપોર્ટ જોયું નથી પણ કદાચ એવું પણ બને કે અમદાવાદનું નવું એરપોર્ટ હોંગકોંગના એરપોર્ટ કરતા પણ વધારે સારુ હોય. હોંગકોંગમાં ઇમીગ્રેશન કાઉન્ટર પર બરાબર ભીડ હતી અને માત્ર 4-5 કાઉન્ટર ચાલુ હતા. અમારે પણ લગભગ 20-25 મિનીટ ઉભા રહેવું પડ્યું. (આની સરખામણી સિંગાપોર એરપોર્ટ સાથે કરીએ તો સિંગાપોર પાછા આવ્યા ત્યારે ઇમીગ્રેશનમાં 5 મિનીટ પણ ના લાગી.) એરપોર્ટ પરથી નિકળ્યા બાદ સિટી બસ સુધી પહોંચવામાં અમને બહુ સમય ના લાગ્યો. અમે બહાર નિકળ્યા ત્યારે અંધારા જેવું થઇ ગયું હતું. હોંગકોંગમાં પણ ઇન્ડિયાની જેમ ચાર ઋતુઓ છે અને અત્યારે હાલમાં કદાચ શિયાળાની ઋતુ ચાલી રહી છે. એટલે જ લગભગ 6:30 વાગ્યાની આસપાસ અંધારુ થઇ ગયુ હતું. અમે સિટી બસ દ્વારા હોટલમાં જવાના હતા. એરપોર્ટથી અમારી હોટેલ થોડે દૂર હતી. બસમાં મને સુખદ આંચકો ત્યારે લાગ્યો જ્યારે મેં જોયું કે બસમાં મફત wi-fiની સુવિધા છે. મેં આ પ્રકારની સુવિધા પબ્લિક ટ્રાંસપોર્ટમાં પ્રથમ વખત જોઇ. બસમાં wi-fiની સુવિધા એકદમ સરસ ચાલતી હતી. સ્પીડનો કે કનેક્શન વારેવારે બ્રેક થવાનો પણ કોઇ પ્રોબ્લેમ નહોતો. હોંગકોગમાં મે એ જોયું કે ઘણી બધી જગ્યાએ મફતમાં wi-fiની સુવિધા પ્રાપ્ય છે. અમે જ્યાં રોકાયા હતા એ મોટી હોટલ ના હોવા છતાં પણ ત્યાં એકદમ સરસ wi-fiની સુવિધા પ્રાપ્ય હતી.

જ્યારે અમારી બસ એરપોર્ટથી નીકળી ત્યારે થોડા સમય સુધી તો હાઇવે પર જ ચાલતી રહી. મને થોડી નવાઇ લાગી  કે હોંગકોંગમાં આવું જહાઇવે જેવું જ છે કે પછી કોઇ residential / business district જેવું પણ છે. જો કે થોડા સમય પછી અમે જ્યારે શહેરમાં પ્રવેશ્યા ત્યારે તો દ્રશ્ય એકદમ બદલાઇ ગયું હતું. રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડભાડ હતી. રસ્તાની બન્ને બાજુએ દુકાનો હતી. ફૂટપાથ પર પણ ગલ્લા જેવું અને નાના સ્ટોલ દેખાતા હતા. મને રસ્તા પર લોકોની આટલી ભીડ જોઇને એકદમ સુખદ આશ્ચર્ય થયું. સિંગાપોરમાં સામાન્યત: આટલી ભીડ રોડ પર ક્યારેય મેં જોઇ નહોતી. વળી સિંગાપોરમાં રસ્તાની આજુબાજુ દુકાનો નથી હોતી. અહીં કોઇ પણ નાની વસ્તુ ખરીદવી હોય તો પણ બજારમાં કે મોલમાં જવું પડે છે. હોંગકોંગને પહેલી નજરે જોઇને એમ જ લાગ્યું કે હું મુંબઇ પહોંચી ગયો છું અને કોઇ ટ્રેન સ્ટેશનની બહાર જોઇ રહ્યો છું. મને ખરેખર હોંગકોંગની આ વાત બહુ ગમી. જેમ મુંબઇમાં દરેક વસ્તુ રોડ પર મળી રહે એવું જ કદાચ હોંગકોંગનું પણ છે. જેમ જેમ અમે લોકો સિટીની અંદર જતા ગયા એમ માનવ મહેરામણ વધતો ગયો. મને મુંબઇની બધી યાદગીરીઓ તાજી થવા લાગી.

છેવટે હોટલ પર પહોંચ્યા. હોટલ પર પહોંચતા અમને 8 વાગી ગયા હતા. બહાર અંધારુ થઇ ગયું હતુ એટલે ક્યાંય જવાનું માંડી વાળ્યું અને ઘરેથી લાવેલો નાસ્તો થોડો કરીને અમે લોકો સૂઇ ગયા. વહેલું સૂઇ જવું પણ જરૂરી હતું કારણ કે બીજા દિવસે ડિઝનીલેન્ડ જવાનું હતું. હોંગકોંગમાં પહેલો દિવસ આમ જ પૂરો થઇ ગયો.

હોંગકોંગના બીજા દિવસોની યાદગીરીઓ હવે પછીના હોંગકોંગ ડાયરીના પાનાઓમાં….

Locals v/s foreigners

“Son of the soil” નો મૂદ્દો ભારત હોય કે પછી બીજો કોઇ દેશ હોય દરેક જગ્યાએ સરખો જ રહેવાનો. મંદીના જમાનામાં અત્યારે દુનિયાના દરેક ખૂણામાંથી બૂમો આવી રહી છે કે બહારથી (ટૂંકમાં ઇન્ડિયાથી) આવેલા લોકો જે તે દેશના નાગરિકોની રોજી રોટી છીનવી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા બધે જ આ મારામારી ચાલી રહી છે. અમેરિકામાં ઓબામા સાહેબે H1 વિઝાના ઉપયોગ કરવાવાળી કંપનીઓ પર અંકુશો લાવી દીધા એટલે કંપનીઓ હવે H1 વિઝાવાળી વ્યક્તિ કરતા લોક્લ લોકોને પ્રાધાન્ય આપવા લાગ્યા. બ્રિટને ઇમીગ્રેશન માટે નિયમો એકદમ કડક બનાવી દીધા એટલે બહારના લોકો સહેલાઇથી ઘૂસ ના મારી શકે. ઓસ્ટ્રેલિયામાં તો લોકલ લોકોએ હવે મારવા લીધા છે ઇન્ડિયનોને એટલે હવે ઇન્ડિયન વિધ્યાર્થીઓ અને પ્રોફેશનલો ત્યાં જવાનું ટાળે છે. આજ વાયરો હવે સિંગાપોરમાં પણ વાયો છે. ગઇકાલે અહીંના પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું કે આર્થિક મંદી અને ભવિષ્યના આર્થિક વિકાસ દરને ધ્યાનમાં રાખીને બહારના દેશોમાંથી મર્યાદિત લોકોને જ સિંગાપોરમાં બોલાવવામાં આવશે. આનો ગર્ભિત અર્થ એ થયો કે અત્યાર સુધી લોકોને જે આરામથી permanent residency કે પછી employment visa / work permit મળી જતી હતી એ હવે નહીં મળે. વળી સરકાર હવે અહીંના નાગરિકો (citizen)અને રહેવાસીઓ (resident) ને અપાતી સવલતોમાં પણ ભારે ફેરફાર કરવાનું વિચારે છે. સરકાર અહીંના નાગરિકોને વધારે અને રહેવાસીઓને ઓછા ફાયદા આપવા માંગે છે. (જો કે મને એ ખબર ના પડી કે રહેવાસીઓને એવા તો શું ફાયદા કરી આપે છે અહીંની સરકાર હાલમાં કે એ ફાયદા ઓછા કરી શકે?)

અહીંના પ્રધાનમંત્રીના નિવેદનના સમાચાર નીચેની લિંક પર છે.

Slower intake of foreigners

સિંગાપોરના લોકલ લોકોમાં પણ બહારથી આવેલા લોકો પ્રત્યે ભારોભાર રોષ છે. પ્રધાનમંત્રીના નિવેદન પર અહીંના લોકોએ જે પ્રતિભાવો આપ્યા છે એ અહીં વાંચવા જેવા છે. અમુક લોકો લખે છે કે પ્રધાનમંત્રી આવું કહે છે કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે (આઇલા અહીં પણ ચૂંટણીના સમયે લોકો આગળ ગાજર લટકાવવામાં આવે છે :)) અમુક કહે છે સિંગાપોરમાં જે પણ સારા અને ટેલેન્ટેડ લોકો છે એ બીજા પશ્ચિમી દેશોમાં જતા રહે છે એટલે સિંગાપોરમાં બહારથી લોકોને બોલાવવા પડે છે. અમુક કહે છે સિંગાપોર સમાવી શકે એના કરતા વધારે લોકો સિંગાપોરમાં બહારથી આવી ગયા છે. (સરકારી આંકડાઓ મુજબ સિંગાપોરમાં ગયા વર્ષે 20000 નવા citizen અને 67000 જેટલા નવા resident લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે ખોબા જેવડા દેશમાં જો દર વર્ષે લાખ લોકો નવા ઉમેરાય તો સમસ્યાઓ તો થવાની જ ને?) આમ દરેકે જુદા જુદા મૂદ્દાઓ સાથે રસપ્રદ પ્રતિભાવો આપ્યા છે.

અમુક હદ સુધી મને લાગે છે કે અહીંના લોકોનો રોષ વ્યાજબી પણ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીંની સરકારે સિંગાપોરના દરવાજા બહારના લોકો માટે સાવ ખોલી દીધા હતા અને એના લીધે મારા જેવા લોકો પણ સિંગાપોરમાં ઘૂસીને resident બની ગયા. વધૂ પડતા લોકો આવવાને લીધે અનેક તકલીફો વધી છે. અહીંની ટ્રેનો હવે કાયમ ભરેલી દોડે છે. રોડ પર ટ્રાફિક વધતો જાય છે. મકાનોના ભાડા વિશે તો કઇ કહેવા જેવું જ નથી. મકાન ખરીદવાનું સપનું પણ લોકોનું મોંઘું થતું જાય છે. મારુ અંગત મંતવ્ય છે કે અહીંની સરકારે હવે ખરેખર થોડી બ્રેક મારવાની જરૂર છે નહીં તો ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ સર્જાઇ જશે અમુક વર્ષોમાં.

P.S. :

હું હાલમાં સિંગાપોરમાં રેન્ટ પર નવું ઘર શોધી રહ્યો છું. વર્તમાનપત્રમાંથી જાહેરખબર જોઇને હું 5 વ્યક્તિઓને હું એપ્રોચ કરું છું SMS  દ્વારા તો સામેથી 2-3 નો જવાબ આવે છે “Sorry, no Indians”. કેવું અપમાનજનક લાગે આ પણ સત્ય તો સ્વીકારવું જ રહ્યું કે આપણે આપણા દેશમાં નથી એટલે આવું તો ચાલતું રહેવાનું. (જો કે હવે આપણા પોતાના દેશમાં પણ રાજ ઠાકરે જેવા નેતાઓના લીધે આપણી આવીજ હાલત થવાની છે.)

%d bloggers like this: