Boy smoking like pro

થોડા વખત પહેલા દિવ્ય ભાસ્કરમાં એક સમાચાર વાંચ્યા હતા જેમાં લખ્યું હતું કે ઇન્ડોનેશિયામાં કોઇ 2 વર્ષનો બાળક દિવસમાં 40 સિગારેટ ફૂંકે છે. દિવ્ય ભાસ્કરના સમાચાર પર તરત ભરોસો કરવો એ મારા માટે મૂશ્કેલ છે એટલે મને એમ લાગ્યું કે દિવ્ય ભાસ્કરે ફરી કોઇ ચલાવી લાગે છે. આ વિશે મેં ટ્વીટર પર એક મેસેજ પણ મૂક્યો હતો : " Isn’t this difficult to believe? http://bit.ly/cDsrnt"

ત્યારબાદ હમણાં STOMP પર આ વિશેનો વિડીયો પણ જોયો. વિડીયોમાં આ નાનકડો છોકરો એકદમ પુખ્તવયની વ્યક્તિની જેમ સિગારેટ ફૂંકે છે અને ધૂમાડાની રિંગો બનાવે છે. વિડીયો જોયા બાદ પણ સાચા ખોટા વિશે ટિપ્પણી કરવી મૂશ્કેલ છે. પણ જો આ સાચું હોય તો ભગવાન આ છોકરાને અને એના મા બાપ અથવા વાલીઓને સદ્દ્બુધ્ધિ આપે.

Advertisements

મલેશિયાના વિઝાની માથાકૂટ

ગઇકાલે હું બધાંના મલેશિયાના વિઝીટર વિઝા કરાવવા માટે ગયો હતો પણ એમાં બહુ માથાકૂટ છે. વિઝા માટે મલેશિયાની સરકાર 23 સિંગાપોર ડોલર લે છે અને એમાં 7 ડોલર એજન્ટ ફી ઉમેરો એટલે દરેક વિઝા 30 ડોલરનો પડે. ચલો 30 ડોલરનો વાંધો નહીં પણ સમસ્યા એ છે કે  મલેશિયાની સરકાર સિંગાપોરની જેમ મલ્ટીપલ એન્ટ્રી વિઝીટર વિઝા નથી આપતી. એટલે કે ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા મળે. એનો મતલબ એ કે વિઝીટરને જેટલી વખત સિંગાપોરથી મલેશિયા જવું હોય દર વખતે 30 ડોલર ખર્ચીને નવો વિઝા લેવો પડે. મલેશિયામાં જોહર બારુ જેવા સ્થળો છે કે જ્યાં સિંગાપોરથી  લોકો જેમ ગુજરાતમાં લોકો અમદાવાદ – ગાંધીનગરની મુસાફરી કરતા હોય છે એ રીતે મુસાફરી કરતા હોય છે તો આવી એક દિવસની મુસાફરી માટે ક્યા વિઝીટરને દર વખતે 30 ડોલર આપવા પોષાય? વળી વિઝીટર વિઝામાં પણ મલેશિયન એમ્બેસી ઘણી વખત રીજેક્ટ કરતી હોય છે. ગઇ કાલે હું જ્યારે મારા વિઝા કરાવવા માટે ગયો ત્યારે મેં જોયું કે રિપ્બલિક ઓફ ઘાના (આફ્રિકામાં ઘાના નામથી એક દેશ છે)ના નાગરિકનો વિઝા મલેશિયાની એમ્બેસીએ રીજેક્ટ કર્યો હતો. કારણ તો એમ્બેસી વાળા જ જાણે. જો વિઝા રીજેક્ટ થાય તો 23 ડોલર જ પાછા મળે અને એજન્ટ પોતાની પ્રોસેસિંગ ફીના 7 ડોલર પાછા ના આપે. વળી વિઝીટર વિઝા જોઇએ તો રીટર્ન ટિકીટ પણ મૂકવી જ પડે વિઝા એપ્લિકેશન સાથે. આ કેવું કહેવાય રિટર્ન ટિકીટ કાયમ કરાવેલી જ હોય એ જરૂરી થોડું છે. મારા ખ્યાલથી થોડા વધારે ડોલર લઇને પણ જો મલેશિયા સરકાર વિઝીટરોને પણ મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપે તો એ આવકાર્ય છે. આખા સિંગાપોરમાં ખાલી 2-3 એજન્ટ છે કે જે મલેશિયાની એમ્બેસીમાં વિઝા માટે એપ્લાય કરી શકે. એટલે મોનોપોલી પણ રહે એજન્ટોની અને દરેક એજન્ટ પાસેથી દિવસમાં 200-300 પાસ્પોર્ટ જ લેવાના  વિઝા પ્રોસેસ કરવા એટલે લગભગ 7 – 10 દિવસનો સમય લાગે વિઝા મળતા. આ ટાઇમને પણ જો ઘટાડી શકાય તો બહુ સારુ કહેવાય.

આજે વિશ્વમાં દરેક દેશ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે દરેક દેશ વિઝીટરોને આવકારે છે જેથી બહારના લોકો તેમના દેશમાં આવે અને દેશને થોડી કમાણી કરાવે. ઉદાહરણ તરીકે સિંગાપોરમાં દરેક વિઝીટરને સરકાર 1 મહીના માટે મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપે છે. વિઝા પણ ઓનલાઇન મળી જાય છે. સવારે ફોટાની સ્કેન કરેલી કોપી સાથે વિઝા માટે એપ્લાય કરો અને સાંજ સુધીમાં તો વિઝા પણ મળી જાય. કોઇ એજન્ટ પાસે જવાની જરૂર નહીં, પાસપોર્ટ આપવાની જરૂર નહીં, રાહ જોવાની જરૂર નહીં. તમે તમારી જાતે જ બધું કરી શકો અને ઇ વિઝા પણ જાતે જ પ્રિન્ટ કરી શકો. ઇન્ડોનેશિયામાં તો રામ રાજ્ય પ્રજા સુખી જેવું છે. ઇન્ડોનેશિયા ભારતીય પાસપોર્ટ ઘારકોને ઓન અરાઇવલ વિઝાની સુવિધા આપે છે એટલે પહેલેથી વિઝા કરાવવાની જરૂર જ નહીં. વિઝાનો ભાવ પણ એકદમ વ્યાજબી એટલે કે 10 યુએસડી (16 સિંગાપોર ડોલર).

લાગે છે કે મલેશિયાની સરકાર મલેશિયાને અમેરિકા કરતા પણ મહાન ગણે છે. એમને એમ લાગે છે કે બધાં લોકો મલેશિયા આવવા માટે પડા પડી કરી રહ્યા છે અને એટલે જ  વિઝીટરોને પણ વિઝા આપવામાં આટલા નાટક કરે છે. મને આ બધું બહુ માથાકૂટવાળું લાગ્યું જો કે સત્તા આગળ શાણપણ નકામું છે એટલે મારે ખાલી આ પોસ્ટ લખીને હૈયાવરાળ કાઢવા સિવાય કોઇ રસ્તો નથી.

%d bloggers like this: