શું આ ન્યાય છે?

ગઇ કાલે કસાબના કેસનો ચૂકાદો આવ્યો. મને એ વાતની રાહત થઇ કે આ કેસનો ચૂકાદો બે વર્ષની અંદર આવ્યો (જો કે હજી કસાબને સજા થતા વર્ષો નીકળી જશે, કેટલુંય ખંધું રાજકારણ રમાશે અને કસાબને જીવતો રાખવા લખલૂટ ખર્ચો થશે એ અલગ વાત છે). સાથે સાથે 26/11 કેસના બીજા બે ભારતીય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. આ બે ભારતીય આરોપીઓ પર આરોપ હતો કે એમણે હુમલા પહેલા પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી, નક્શા બનાવી આપ્યા હતા અને આતંકવાદી હૂમલા માટે અમુક વ્યવસ્થા કરી આપી હતી. આપણી પોલીસ આ લોકો સામે જડબેસલાક પૂરાવા ના મેળવી શકી. જજ સાહેબે એમ કહીને એ બે આરોપીઓને છોડી મૂક્યા કે તેમણે જે નક્શા બનાવ્યા હતા એના કરતા વધારે સારા નક્શા Google Map પરથી મળી શકે છે. એટલે હવે માત્ર કસાબને જ સજા થશે અને એ પણ થશે ત્યારે થશે. કસાબને મૃત્યુદંદની સજા થતા લોકો ખુશ થયા કે ચલો ન્યાય થઇ ગયો. આતંકવાદીઓને સબક શીખવાડી દીધો. કસાબને સજા મળી (અને એ પણ 2 વર્ષમાં જ) એ આવકાર્ય છે પણ એ સત્ય ના ભૂલવું જોઇએ કે કસાબ તો આખા ધટનાક્રમમાં નાનું રમકડું માત્ર છે જ્યારે મોટા માથા કે જેઓને ખરેખર સજા થવી જોઇએ એ તો પાકિસ્તાનમાં બેસીને મજા કરી રહ્યા છે અને એ લખવાની જરૂર નથી કે એ લોકોનો પાકિસ્તાનમાં વાળ પણ વાંકો નથી થવાનો. ડેવીડ હેડલી કે જેણે ખુદ 26/11ના આતંકવાદી હુમલામાં પોતાની સંડોવણી હોવાનું સ્વિકાર્યું છે એની પૂછપરછ કરવા માટેની પરવાનગી મેળવવા માટે આપણી સરકાર અમેરિકા આગળ ભાઇ બાપા કરી રહ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે હેડલીની પૂછપરછ થઇ શકશે પણ એ ભાઇને ભારત સરકારને હવાલે નહીં કરાય. એટલે આપણે ફક્ત કસાબને સજા કરીને ખુશ થઇને મન મનાવી લેવાનું અને બીજા આવા મોટા આતંકવાદી હુમલા ના થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરતા રહેવાની. 26/11ના આતંકવાદી હૂમલાના લીધે 166 લોકોના મોત થયા, લગભગ 300 લોકો ઘાયલ થયા, કરોડો રૂપિયાનું નુકશાન થયું અને 66 કલાક સુધી આખા દેશવાસીઓ અધ્ધર શ્વાસે આ ખૂની ખેલ જોતા રહ્યા અને છેવટે એક વ્યક્તિને સજા આપીને આપણે ન્યાય થઇ ગયો એમ કહીએ તો શું આ ખરેખર ન્યાય છે?

1993ના બોમ્બ વિસ્ફોટોનો ચૂકાદો હમણાં થોડા સમય પહેલા આવ્યો. 1993ના બોમ્બ વિસ્ફોટોના ચૂકાદામાં પણ જે મુખ્ય ગુનેગારો છે એ નાસતા ફરે છે (અથવા સાચું લખીએ તો પાકિસ્તાનમાં બેસીને મજા કરે છે) અને નાના નાના રમકડાઓને પકડીને સરકાર સજા આપવાનું ગૌરવ લઇ રહી છે. 1993ના બોમ્બ વિસ્ફોટ કેસનો ચૂકાદો આવ્યો ત્યારે અમુક અપરાધીઓ તો ચૂકાદાની રાહ જોતા જોતા ટપકી ગયા હતા.લગભગ 15વર્ષના સમય પછી અમુક નાના લોકોને પકડીને સજા આપો તો શું એ ન્યાય થયો કહેવાય?

વર્ષોથી પાકિસ્તાન આપણી સાથે મેલી રમત રમી રહ્યું છે છતાં પણ મનમોહન સિંઘને પાકિસ્તાન સાથે મંત્રણાઓ કરવાની ગલી ગલી થાય એ યોગ્ય છે? પાકિસ્તાનને ભારત સાથે મંત્રણાની રમતો રમતી જોઇને જે લોકોએ આતંકવાદી હૂમલામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની આંતરડી નહીં કકળતી હોય? ન્યાય ત્યારે જ થયો કહેવાય કે જ્યારે પાકિસ્તાન સાથે કડક હાથે આતંકવાદના મૂદ્દે કામ લેવાય અને જે પણ મુખ્ય ગુનેગારો છે એને ખરા અર્થમાં સજા થાય. આતંકવાદના મૂદ્દે આપણી સરકાર વામણી પૂરવાર થઇ રહી છે અને એના પરિણામ સમગ્ર દેશની જનતા ભોગવી રહી છે. હમણાં ન્યુયોર્કમાં આતંકવાદી હૂમલાનો નિષ્ફળ પ્રયાસ થયો અને 2 દિવસની અંદર જ અમેરિકા સરકારે મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો. પાકિસ્તાન સરકારે પણ બીજા અમુક લોકોની આ સંદર્ભે પાકિસ્તાનમાંથી ધરપકડ કરી. 26/11 કેસમાં બધું દિવા જેવું સાફ છે છતાં ભારત સરકાર આગળ પૂરાવા માંગી માંગીને નખરા કરતી પાકિસ્તાનની સરકારે અમેરિકા આગળ તો કોઇ પૂરાવાની માંગણી નથી કરી? જો અમેરિકા પાકિસ્તાનના કાન આમળીને ધરપકડ કરાવી શકતું હોય તો ભારત શા માટે નથી કરાવી શકતું? મને લાગે છે કે પાકિસ્તાન આપણી મજાક ઉડાવે રાખે એ આપણી સરકારને કોઠે પડી ગયું છે.

જ્યારે જ્યારે મનમોહન સિંધને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે હરખ ઘેલા થઇને હસ્તધૂનન કરતા જોઉ છું ત્યારે મને અસહ્ય દુ:ખ થાય છે. આપણા દેશના લોકોએ દેશનું શાસન એવા લોકોના હાથમાં સોંપ્યું છે કે જે દેશના દુશ્મનો સાથે હરખઘેલા થઇને હાથ મીલાવે રાખે છે એ વિચારે મને દેશવાસીઓની દયા આવે છે.આપણા દેશના દુર્ભાગ્ય પર દયા આવે છે કે કેવા વામણા નેતાઓ દેશને મળ્યા છે. અંગ્રેજોને ભગાડ્યા તો હવે ઇટાલીથી આવેલા મેડમ આવીને રાજ કરે છે કે જેનો એક અને માત્ર એક જ ઉદ્દેશ સરકાર ટકાવી રાખવાનો છે અને ભારત પર રાજ કરવાનો છે. ગુલામી હજી પણ આપણી માનસિકતામાં અને રગ રગમાં વ્યાપેલી છે એ

દેખાઇ આવે છે. આપણા નેતાઓએ આપણને આત્મસમ્માન વગર હલકું જીવન જીવતા બરાબર શીખવાડી દીધું છે. આતંકવાદ અને મોંઘવારી કરતા ધર્મનિરપેક્ષતા એ વધૂ જરૂરી છે એ આપણા દેશના લોકોના મગજ પર હથોડા મારી મારીને નેતાઓએ ઠસાવી દીધું છે. આપણા નેતાઓએ આતંકવાદને ખતમ કરવા કરતા એને પચાવી જવાનું લોકોને શિખવાડી દીધું છે. લોકોની પેટનો ખાડો પૂરવાની મજબૂરીને આપણા નેતાઓએ સિફતથી resillienceમાં ખપાવી દીધી છે.

મને બસ આ પંક્તિ યાદ આવે છે “हर तरफ जूर्म है बेबसी है, सहेमा सहेमा सा हर आदमी है” આનાથી વધારે હવે શું લખું?

રાજ ઠાકરે માટે એક પ્રશ્ન

આજે મેં સમાચારમાં જોયું કે મુંબઇ શહેરનું આતંકવાદી હૂમલાઓ સામે રક્ષણ કરવા માટે એક ઇલાઇટ કમાન્ડો ફોર્સની રચના કરવામાં આવી છે અને ફોર્સને ટ્રેનિંગ આપ્યા બાદ હવે એ ભવિષ્યમાં થનાર કોઇ પણ આતંકવાદી હૂમલા સામે મુંબઇનું રક્ષણ કરવા તૈયાર છે.

Raj

મારે રાજ ભાઇને પૂછવું છે કે એમણે ચેક કરી જોયું છે કે આ ફોર્સમાં મરાઠી કમાન્ડો જ છે અને બહારના કોઇ (એટલે કે યુપી બિહારના કોઇ ભૈયાઓ) નથી? જો બહારના કોઇ હોય તો રાજ ભાઇએ કેમ મરાઠીઓના મુંબઇની રક્ષા કરવા માટે મરાઠી માણસો લેવાનો જ આગ્રહ નથી કર્યો? રાજ ભાઇને પૂછવાનું મન થાય છે કે એવું કેવું કે શાંતિવાળી બેંકની કે રેલ્વેની નોકરીઓ માટે જ મરાઠી માણસો લેવાનો આગ્રહ રાખવાનો અને ગોળી ખાવાનો વારો આવે તો કોઇ પણ ચાલે?

Terror in Mumbai

મુંબઇ પર 26/11 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં મેં નીચેની ડોક્યુમેન્ટરી ગઇકાલે જોઇ.

Terror in Mumbai

જો હું ખોટો ના હોઉ તો આ ડોક્યુમેન્ટરી થોડા દિવસ પહેલા બીબીસી પર બતાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં ઘણું બધું ના જોવાયેલું છે અને કેવા ઠંડા કલેજે આતંકવાદીઓ લોકોને મારી રહ્યા હતા એ બતાવાયું છે. સાથે સાથે પાકિસ્તાનમાં આતંકવાદીઓની એમના આકાઓ સાથે થયેલી વાતચીત પણ બતાવાઇ  છે. ખરેખર મોતના ખેલનો તમાશો જોઇને હ્રદય દ્ર્વી ઉઠે એમ છે. કાચા પોચા માણસો એ કદાચ આ ડોક્યુમેન્ટરી ના જોવી જોઇએ.

કસાબનું હોસ્પિટલના બિછાને લેવાયેલું સ્ટેટમેન્ટ જોઇ ખરેખર હું દંગ થઇ ગયો. યુવાનોને કેવી રીતે ગુમરાહ કરાય છે અને ગરીબી માણસ લાખ રૂપિયા માટે પોતાની જીંદગીનો સોદો પણ કરી દે છે એ જાણીને હું સ્તબ્ધ થઇ ગયો.

Modi loosing grip over Gujarat

આજ કાલ લાગે છે મોદી સાહેબની ગ્રહ દશા સારી નથી ચાલી રહી. પહેલા તો લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબના ગાંજ્યા મેહ વરસ્યા નહીં અને હવે ગુજરાતમાં જે ઘટનાઓ રોજબરોજ બની રહી છે એના પરથી લાગે છે કે કાયદો અને સલામતીની ખૂબ ગંભીર સમસ્યાઓ આકાર લઇ રહી છે. મોદી સાહેબના દાવા (15 પૈસાનું પોસ્ટકાર્ડ લખી મોકલાવવાની વાતો)  હજી ખાલી વાતોમાં જ છે અને ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ છે.

ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. પહેલા આશારામ બાપુના આશ્રમમાં બાળકોની હત્યા ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં બળાત્કારની ઘટના ત્યાર બાદ સુરતમાં પોલીસના નબીરાઓ દ્વારા બળાત્કારની ઘટના અને હવે અમદાવાદનો લઠ્ઠા કાંડ. આમ નજીકના ભવિષ્યમાં જ ગુજરાતમાં એવી ઘટનાઓ બની છે કે જે ગુજરાતની નબળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો અસલી ચિતાર આપે છે. ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી ખરાબ નથી પરંતુ યુપી કે બિહાર જેવા રાજ્યોને બેન્ચમાર્ક બનાવીને ખુશ ના થવાનું હોય.

મને લાગે છે કે મોદી સાહેબે હવે સમજવું રહ્યું કે હવે બીજા 3-4 વર્ષ મૌન રહીને જે સ્વર્ણિમ ગુજરાતની વાતો તેઓ કરે છે એના પર અમલ કરવો પડશે. અત્યારે લાગે છે કે મોદી સાહેબની પ્રાથમિકતા ફક્ત ઉદ્યોગ જગત પૂરતી જ સીમિત છે. જો કે વિકાસનો માપદંડ માત્ર કેટલું મૂડી રોકાણ આવ્યું કે ઉદ્યોગ જગતની સફળતા માત્ર ના હોઇ શકે. સામાજીક ક્ષેત્રે પણ દરેક લોકોનું જીવન સ્તર ઉંચું આવે એ ખૂબ જરૂરી છે. લોકો કોઇ પણ જાતના ભય વગર સલામતીની ભાવના સાથે રહી શકવા જોઇએ. મને લાગે છે કે મુખ્યમંત્રી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને ગંભીરતાથી નથી લઇ રહ્યા. અમીત શાહ એક નબળા ગૃહ મંત્રી સાબિત થઇ રહ્યા છે. આતંકવાદની સાથે સાથે આંતરિક સુરક્ષા મજબૂત હોવી જોઇએ અને ગુન્હાખોરી સામે પણ પ્રજાનું રક્ષણ થવું જોઇએ.

મારાથી મોદી સાહેબને સલાહ તો ના અપાય પણ મંતવ્ય જરૂર રજૂ કરી શકાય કે ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની સાથે સાથે સોશિયલ સેક્ટર પર પણ થોડું ધ્યાન અપાવું જોઇએ.

અંતે સિંગાપોરના ક્રાઇમ રેટની વાત કરું તો અહીંના સરકારી આંકડા મુજબ પાછલા આખા વર્ષ દરમ્યાન ફક્ત 25 હત્યાના કેસ પોલીસના ચોપડે નોંધાયા છે. અહીં નથી આતંકવાદનો ભય કે નથી સુરક્ષાની સમસ્યા. અહીંની સરકાર આતંકવાદ સામે લડવા માટે ખૂબ જ તૈયાર છે અને નીચેની લિંક વાંચશો એટલે તૈયારી વિશે ખ્યાલ આવી જશે.

Gearing up for Mumbai-style attack (લિંકમાં ફોટા પણ છે)

દરેક કાર્ય શક્ય છે, માત્ર ઇચ્છાશક્તિનો સવાલ છે.

માત્ર 41.24%

દેશની આર્થિક રાજધાની મુંબઇ નગરીમાં કાલે 6 લોકસભાની સીટો માટે મતદાન થયું. સત્તાવાર સૂત્રો મુજબ માત્ર 41.24% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 1977 બાદ પહેલીવાર આટલું ઓછું મતદાન થયું છે. ચૂંટણી પહેલા ઘણાં લોકોએ મતદાન માટે જાગૃતિ લાવવા માટે અભિયાનો ચલાવ્યા પણ એની કોઇ અસર મુંબઇગરાઓ પર થઇ હોય એવું લાગતું નથી. લાગે છે દબાઇને, કચડાઇને, નિરાશામાં અને ભય વચ્ચે મુંબઇગરાઓએ જીવવાનું સ્વિકારી લીધું છે. મને લાગે છે હવે મુંબઇગરાઓએ જ્યારે ફરી વખત આતંકવાદી હુમલાઓ થાય ત્યારે વધારે હો હા ના કરવી જોઇએ. ગેટ વે ઓફ ઇન્ડિયા પર તાજ પરના આતંકવાદી હુમલા બાદ મુંબઇની પ્રજાએ જે ટોળાશાહી કરી હતી એવી જ ટોળાશાહી જો મતદાન મથકો પર કરી હોત તો કદાચ મુંબઇનું ભાગ્ય બદલાયું હોત.

ગુજરાતમાં પણ ફક્ત 46 – 47% મતદાન જ થયું છે. મને જરૂર આ આંકડા જોઇને નિરાશા થઇ છે.

હલ્લા બોલ…

ગઇકાલનો દિવસ ભારત જેવા લોકશાહી દેશ માટે ખૂબ જ અભૂતપૂર્વ હતો. ગઇકાલે હજારો ને લાખોની સંખ્યામાં ભારતના મોટા શહેરોમાં લોકો ઘરની બહાર આવીને શાંતિમય રીતે ખંધા રાજકારણીઓને બતાવી દીધું કે લોકશાહી શું ચીજ છે અને પોતાની જાતને રાજા માની બેઠેલા નિર્લજ્જ રાજકારણીઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે તેઓ રાજા નહીં પરંતુ પ્રજાના નોકર માત્ર છે. મુંબઇ પર થયેલા આતંકવાદી હૂમલાના વિરોધમાં ગઇ કાલે મુંબઇમાં જ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે લાખોની સંખ્યામાં લોકોએ શાંતિપૂર્વક એકત્ર થઇને માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલી અર્પી અને રાજકારણીઓને બરાબર સમજાવી દીધું કે પ્રજાને શું જોઇએ છે. જોવા જેવી વાત એ હતી કે આ ભીડનું કોઇ રાજકીય પક્ષ કે કોઇ નેતાએ આયોજન નહોતું કર્યું. ખાલી SMS, orkut, facebook, અને બીજા ઇલેક્ટ્રોનીક માધ્યમ દ્રારા લોકોએ જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ અને એટલું જ નહીં ભારતા મોટા શહેરો જેવા કે બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, કોલકત્તામાં પણ લોકોએ બહાર આવી મુંબઇમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં પૂરતો સાથ આપ્યો. ઘણાં લોકો એમ વિચારતા હશે કે લો ભેગા થઇને શું ઉકાળી લીધું? પણ મને એ વાતનો સંતોષ છે કે ચલો દરેક નાના મોટા માણસે પોતાની ફરજ સમજી ચાલુ દિવસે પણ દેશ માટે થોડો સમય તો કાઢયો. રાજકારણીઓ જે સબ ચલતા હૈ એવા ફાંકામાં રાચતા હતા એમને એક સંદેશો તો મળ્યો. દરેક મોટા કાર્યની શરૂઆત એક નાની શરૂઆતથી જ થતી હોય છે. અને god willing આ શરૂઆત ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવામાં સહાયરૂપ થશે.

પણ ફક્ત રાજકારણીઓ સામે બળાપો કાઢવાથી આતંકવાદની સમસ્યા દૂર નહીં થાય. સરકાર તો કસૂરવાર છે જ કારણ કે જેમની પાસે સત્તા હતી એ માણસો એનો યોગ્ય ઉપયોગ કરીને પ્રજા માટે ભલું નથી કરી શક્યા. પણ આપણે પણ સમજવું જોઇએ કે આપણી શું ફરજો છે. દરેક ભારતવાસી એ નીચેની વસ્તુઓ સમજવા જેવી છે.

1> Be Alert, Be vigilant

આતંકવાદની સમસ્યાનો કોઇ સરળ ઉપાય તો છે જ નહીં. આ એક લાંબી લડત છે જેમાં પ્રજાના સહકાર વગર સફળ થવું અશક્ય છે. દરેક ભારતવાસીએ પોતાની આજુબાજુ થતી હિલચાલ પર નજર રાખવી જોઇએ અને જો કોઇ શંકાસ્પદ જણાય તો તરત યોગ્ય સરકારી એજન્સી કે અધિકારીને જાણ કરવી જોઇએ. કોઇ પણ સંદિગ્ધ વસ્તુ કે સરસામાન દેખાય તો એની જાણ પોલિસને કરો. Prevention is better than cure.

2> Be honest to nation, be honest to yourself

દરેક ભારતવાસી પોતાની ફરજ શું છે એ સમજવું જોઇએ. ભ્રષ્ટાચાર એ કેન્સર જેવો રોગ છે જે આપણા દેશને ભરખી ગયો છે. પોતાની જાતને રૂપિયા માટે વેચતા પહેલા વિચારો કે તમે ભારતમાતા સાથે અને તમારા દેશવાસીઓ સાથે અન્યાય તો નથી કરતા ને? બહારથી આવેલા માણસો અંદરના માણસોની મદદથી જ દર વખતે ભારત પર હૂમલા કરી જતા હોય છે. કોસ્ટ ગાર્ડ, કસ્ટમ કે સરહદ નજીક રહેતા માણસો પોતાની જાતને પૈસા માટે વેચતા પહેલા વિચારો કે એ પૈસાથી તમારા ત્યાં તો દિવાળી થઇ જશે પણ કેટલા લોકોના ઘરે માતમ મનાશે અને જે ભ્રષ્ટાચારના પૈસાથી આજે તમારા ઘરે દીવા સળગે છે એ જ દીવા કાલે તમાર ઘરને જ આગ લગાવશે. આ વિશે મને “સરફરોશ” મૂવીના ટાઇટલ સોંગની બે કડી યાદ આવી ગઇ…

चन्न सिक्को के लिये तुम ना करो काम बुरा,

हर बुराइ का सदा होता है अंजाम बुरा…..

માટે ખાલી એક જ વિનંતી કે પોતાની જાતને વેચતા પહેલા વિચારો.

3> Understand your civic duty

ભારત દેશના નાગરિક તરીકે દેશ પ્રત્યેની ફરજો શું છે એ સમજવું જોઇએ. દરેક ભારતવાસીએ પોતાને મળેલા મતદાનના અધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. મારા એક મતથી શું ફરક પડશે એ ના વિચારો પણ તમે તમારા તરફથી તમારી ફરજ બરાબર બજાવો છો કે નહી એ જુઓ. રસ્તા પર કચરો ફેંકતા પહેલા કે સિગ્નલ તોડીને ભાગતા પહેલા વિચારો કે શું આ યોગ્ય છે? દરેક ભારતવાસી ઇચ્છે છે કે ભારત પણ સિંગાપોર કે અમેરિકા જેવું બની જાય પણ એના માટે પોતાની શું ફરજ બને છે એ પણ વિચારવું જોઇએ.

આમ જો આપણે ઉપરની નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો ભારત સિંગાપોર કે અમેરિકા તો શું એનાથી પણ વધૂ મજબૂત રાષ્ટ્ર બની શકે છે.

આ પોસ્ટ જો કોઇ વાંચશે તો એ વિચારશે કે આ પણ નવરો બેઠો સલાહો આપવા બેઠો છે. મને જે તે વ્યક્તિના એવા વ્યક્તિગત વિચારો સામે વાંધો નથી પણ આ વાંચીને જો કોઇ એક વ્યક્તિ પણ ઉપરની બાબતો વિશે વિચારશીલ થશે તો મને એ ભારતવાસી પર ગર્વ થશે.

Moshe Holtzberg

Moshe 

ઉપરની તસ્વીર માસૂમ મોશે નામના બાળકની છે. મુંબઇના આતંકવાદી હૂમલાના ચિત્રોમાં જો સૌથી હ્રદયદ્રાવક કોઇ ચિત્ર હોય તો મને આ લાગે છે. મોશે મૃતક ઇઝરાયેલી દંપતિનું માત્ર બે વર્ષનું કૂમળું ફૂલ છે. નરીમાન હાઉસ પર આતંકવાદીઓએ કરેલા હૂમલામાં આ માસૂમ બાળકના માતા અને પિતા બન્ને ત્રાસવાદીઓના આતંકના શિકાર બની ગયા છે. ઇઝરાયેલી દંપતિ મોશે સાથે નરીમાન હાઉસમાં રહીને જ્યુઇશ લોકો માટે સમાજસેવા કરતા હતા. આ માસૂમ બાળક તેના પપ્પા મમ્મી સાથે આતંકવાદીઓના હૂમલાના સમયે નરીમાન હાઉસમાં જ હતું. હૂમલાના સમયે મોશેના મમ્મી પપ્પાને મોશેની સામે મારી નાંખવામાં આવ્યા અને માસૂમ બાળક લોહીના ખાબોચિયામાં પોતાના મમ્મી પપ્પાને ઉઠાડવાની કોશિશ કરતું એમની બાજુમાં રડતું રહી ગયું. નરીમાન હાઉસમાં કામ કરતી નેની મોશેને લઇને બહાર ભાગી આવવામાં સફળ થઇ પરંતુ મોશેના મમ્મી પપ્પા જીવતા બહાર ના આવી શક્યા. આ માસૂમ ફૂલને તો એ પણ ખબર નથી પડતી હજી કે એના મમ્મી પપ્પા એને હવે ક્યારેય નહીં મળી શકે. એની માસૂમ આંખો અને એમાંથી નિકળતા આંસુ કદાચ એના પપ્પા મમ્મીને શોધી રહ્યા છે. એના પપ્પા મમ્મીના દફનવિધિના અમુક વિડીયો ફૂટેજ જોઇને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દાદા દાદી બિચારા એને બોલ કે કોઇ રમકડું આપી શાંત રાખવા પ્રયત્ન કરતા એ વિડીયોમાં બતાવાયા છે પણ છતાં પણ મોશે ક્યારેક રમે છે તો ક્યારેક ભીડમાં પોતાના મમ્મી પપ્પાને શોધતું રડવા લાગે છે. ભગવાનને પૂછવાનું મન થાય છે કે આ માસૂમ સાથે આવું કેમ કર્યું તે?

રુહીથી જો હું દૂર હોઉ તો તરત એ મને કે એની મમ્મીને શોધવા લાગે છે. રુહીને તો એવી આદત છે કે જ્યાં પણ જવાનું ત્યાં પપ્પા અને મમ્મી બન્ને એ સાથે જ જવાનું કોઇએ એકલા નહીં જવાનું. જો હું એને ક્યાંય લઇ જવા માટે શૂઝ પહેરાઉ તો એ એની મમ્મીને રસોડામાંથી બહાર લાવીને પોતાની સાથે આવવા માટે મૂંગા મૂંગા પણ સમજાવે છે. બોલી ના શકતા હોય તો પણ પોતાનાથી જે શક્ય બને એ રીતે આ નાના બાળકો પોતાના મમ્મી પપ્પાની હૂંફ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. મને બહુ દુ:ખ થાય છે કે મોશેના નસીબમાંથી આ હૂંફ ભગવાને બહુ કૂમળી વયમાં છીનવી લીધી.

મોશે અત્યારે પોતાના નાના-નાની સાથે ઇઝરાયેલ જતો રહ્યો છે. ભગવાને એને ખૂબ નાની ઉંમરમાં જીંદગીની કડવી વાસ્તવિકતાનો સામનો કરાવી દીધો છે. મારી ખરા દિલથી શુભેચ્છાઓ છે મોશે માટે. એ જીવનમાં ખૂબ સારી રીતે જીવે અને હ્રદયમાં કડવાહટ અને દુશ્મનાવટનું ઝેર ભર્યા વગર એક ઉમદા જીંદગી જીવે એવી અંતરની શુભેચ્છાઓ.

holtz1

ઉપરની તસ્વીર મોશેના માતા પિતાની છે. ખબર નહીં આતંકીઓને આ હસતા ખેલતા પરિવારને બરબાદ કરીને શું મળ્યું?

%d bloggers like this: