આજે મૂવી "लगान" જોયું. મેં 2001માં જ્યારે આ મૂવી રિલીઝ થયું હતું એ સમયે જોયું હતું અને એ સમયે મને આ મૂવી નહોતું પસંદ પડ્યું. પહેલી વખત આ મૂવી જોતી વખતે હું લગભગ સૂઇ ગયો હતો. કદાચ એ વખતે મારો ટેસ્ટ અલગ હતો પણ હવે આ જ મૂવી મને ગમે છે. (હવે ઉંમર થઇ ગઇ એટલે પસંદગીઓ પણ બદલાતી જાય છે. ઉંમર ઉંમરનું કામ કરે ને) હવે મને કહેવાતી પિરીયડ મૂવીઝ જોવી ગમે છે જે પહેલા નહોતી ગમતી.
લગાનમાં ગોરા લોકોના અન્યાય સામે લડાઇ લડતા ખુદ્દાર ભૂવનનું પાત્ર આમીર ખાને ખૂબ સુંદર ભજવ્યું છે. એ. આર. રહેમાન દ્વારા અપાયેલું આ મૂવીનું સંગીત પણ ખૂબ કર્ણપ્રિય છે. મને લગાનનું "ओ पालनहारे" પ્રાર્થના ગીત બહુ ગમે છે. આ ગીત સાંભળું છું ત્યારે મને ખૂબ શાંતિ મળે છે. આ પ્રાર્થના ગીતને હું બીજા હિન્દી મૂવીના એવરગ્રીન પ્રાર્થના ગીતો જેમ કે "ऐ मालिक तेरे बंदे हम…", "हम को मन की शक्ति देना..", "इतनी शक्ति हमें देना दाता… " વગેરેની હરોળમાં જ મૂકું છું. નીચે આ ગીતનો યુ ટ્યુબ પરથી મળેલ વિડીયો મૂકેલ છે.
આમીર ખાન જે પંક્તિઓ ગાય છે આ ગીતમાં એ ખરેખર બહુ જ પ્રેરણાદાયક છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણે પણ એટલું જ મધુર રીતે ગાયું છે આ પ્રાર્થના ગીત.
થોડા વખત પહેલા મેં અનુપ જલોટા દ્વારા ગવાયેલું એક ભજન (ખબર નહીં આને ભજન કહેવાય કે શું કહેવાય) સાંભળ્યું અને મને તરત જ ગમી ગયું. આ ભજનમાં દૂહા થકી ખૂબ સરસ ઉપદેશ અપાયો છે. મને તો ખરેખર અમુક દૂહા બહુ ગમ્યા સાંભળવા. નીચે આ અનુપ જલોટા દ્વારા ગવાયેલ આ ભજનનો જ યુ ટ્યુબ પરથી મળેલ વિડીયો મૂકેલ છે.
દિવસની સારી શરૂઆત કરવા માટે હું આ બધું સવારે ઓફિસ જતા કે ઓફિસ ગયા બાદ ઘણી વખત સાંભળું છું. સિંગાપોરમાં આવ્યા બાદ ધર્મથી દૂર થતો જઉં છું પણ સારું સાંભળીને જીવનને નિર્મળ રાખવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો.
Filed under: રોજનીશી, સ્તવન | Tagged: અનુપ જલોટા, આમીર ખાન, ધર્મ, ભજન, લગાન, લતા મંગેશકરમ ઉદિત નારાયણ | Leave a comment »