There is no free meal in the world

વ્યવહારમાં આપણે ઘણી વખત આ અંગ્રેજી વાક્ય "There is no free meal in the world”નો ઉપયોગ કરતા હોઇએ છીએ. એનો મતલબ છે કે દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે અને મફતિયું કશું નથી મળતું. નીચે મૂકેલ વિડીયોને આ વાક્ય એકદમ બરાબર લાગુ પડે છે.

 

Feeding Jaguar in Singapore Zoo

આ વિડીયો મેં સિંગાપોર ઝૂની મૂલાકાત દરમ્યાન લીધો હતો. આપણી માન્યતા મોટા ભાગે એમ જ હોય છે કે ઝૂમાં પ્રાણીઓ ખાઇ પીને બસ પડ્યા રહેતા હોય છે. જો કે સિંગાપોર ઝૂની બાબતે આ વાત અર્ધસત્ય જેવી છે. ઉપરનો વિડીયો જૈગુઆરને સિંગાપોર ઝૂમાં કઇ રીતે ખોરાક અપાય છે એનો છે. જૈગુઆર એક બંધ છતા વિશાળ અને પ્રાકૃતિક વાતાવરણ પૂરુ પાડતી જગ્યામાં અહીં રખાયા છે. એને ખોરાક આપવાનો સમય થાય એટલે ઝૂના કર્મચારીઓ ઉપરથી એક મોટો માંસનો ટૂકડો લટકાવે એટલે એ માંસના ટૂકડાને જોઇને જૈગુઆર આવે. કર્મચારીઓ માંસના ટૂકડાને જૈગુઆરની પહોંચથી થોડે દૂર રાખે અને પછી શરૂ થાય એ માંસના ટૂકડાને પામવા માટેનો જૈગુઆરનો જંગ. જો જૈગુઆર કૂદકો મારીને માંસનો ટૂકડો પકડી પણ લે અને મોંમાં દબાવી પણ લે તો ઉપર બે માણસો કે જેમણે આ માંસનો ટૂકડો લટકાવ્યો છે એને પૂરુ જોર કરીને જૈગુઆરના જડબામાંથી છોડાવી લેવાનો પ્રયત્ન કરે. એ વખતે ભૂખ્યો જૈગુઆર બમણા જોરથી એ માંસના ટૂકડાને પકડી રાખવાનો પ્રયત્ન કરે. આ જંગ ઝૂના કર્મચારીઓ થોડો સમય ચલાવે. આ સમય દરમ્યાન જૈગુઆરની બરાબર કસરત થઇ જાય અને જોનારા (મારા જેવા) લોકોને જૈગુઆરનો ગુસ્સો અને એની તાકાતને કેમેરામાં કેદ કરવાની તક મળે.

બહુ વર્ષો પહેલા મેં વાંચ્યુ હતું કે અમદાવાદ ઝૂના અમુક સાવજોને લકવાની અસર થઇ હતી અને એના લીધે એમની ચાલવાની શક્તિ ઓછી થઇ ગઇ હતી. આ બિમારીનું કારણ એ અપાયું હતું કે સાવજ પાંજરામાં હોય એટલે એનું હલનચલન એકદમ મર્યાદિત થઇ જતું હોય છે અને આ કારણે સમય જતા લકવાની અસર સાવજોને થઇ જતી હોય છે. જો આ કારણ સાચુ હોય તો આપણા અમદાવાદના ઝૂમાં પણ સાવજો (જો બચ્યા હોય તો ખબર નહીં બચ્યા છે કે નહીં) પાસે ખોરાક આપતી વખતે આવી કસરત કરાવવી જોઇએ. (What an idea sir jee!!)

ખાલી એક વાતનું ધ્યાન રાખવું રહ્યું કે ભૂલે ચૂકેય કર્મચારી પાંજરામાં ભમ ના થઇ જાય 🙂

Racism & Singapore

સિંગાપોર Multicultural & Multilingual દેશ છે. અહીં ચાઇનીઝ પ્રજાતિ મુખ્ય છે અને ત્યાર બાદ મલય (એટલે કે મલેશિયન) અને ભારતીય લોકોની વસ્તી મુખ્ય છે. સિંગાપોરમાં આમ તો Racism બીજા પશ્ચિમી દેશો કરતા ઘણું ઓછું છે (જેના માટે અહીંના કડક કાયદા અને સરકારની નીતિઓને શ્રેય આપવો રહ્યો) પણ તેમ છતાં પણ અમુક લોકો પોતાની માનસિકતા નથી બદલી શકતા અને પોતાની ધોળી (આમ જોવા જઇએ તો પીળી) ચામડીને બદામી અથવા કાળી ચામડી કરતા ચઢિયાતી માનતા હોય છે. આવી પીડિત માનસિકતાના લીધે સમયાંતરે આ બાબતના નાના મોટા સમાચારો છાપા અને સોશિયલ નેટવર્કમાં દેખાતા હોય છે. આજે પણ આવો જ એક કિસ્સો બન્યો છે.

19 વર્ષની Shimun Lai નામની એક ચાઇનીઝ વિદ્યાર્થીનીએ આજે એક Twit મેસેજ કર્યો હતો જે નીચે મુજબ છે :

image

 

આ મેસેજ હાલમાં સિંગાપોરની સોશિયલ નેટવર્કની દુનિયામાં છવાઇ ગયો છે. આ વિદ્યાર્થીની પર તરત જ પોલીસ કેસ થઇ ચૂક્યો છે અને ટ્વીટર એકાઉન્ટ (@shimunxz) પણ સ્થગિત થઇ ગયું છે. થોડાક સમયમાં કદાચ એને 5-10 હજાર ડોલરનો દંડ થઇ જશે અને કદાચ કોમ્યુનિટી સર્વિસનો ઓર્ડર પણ મળશે. હવે ફરી જ્યારે આ shimunબેન કોઇ ઇન્ડિયનને મળશે તો આંખો અને માથું ઝૂકાવીને વાત કરતા જોવા મળશે. ટ્વીટર હેન્ડલ પર સર્ચ કરશો તો આ વિષય પર લોકોના અભિપ્રાયો અને મેસેજ વાંચવાની મઝા આવશે 🙂

જરૂર છે Racism સામે કડક હાથે કામ લેવાની. હવે થોડા સમય સુધી Racismના કોઇ મેસેજ જોવા નહીં મળે 🙂

સિંગાપોર અંદાજપત્ર 2012

વર્ષની શરૂઆત અંદાજપત્રની સિઝન હોય છે. ગઇ કાલે સિંગાપોરનું વાર્ષિક અંદાજપત્ર અહીંની સંસદમાં અહીંના નાણામંત્રીએ રજૂ કર્યું. નીચે અંદાજપત્રની અમુક મુખ્યુ રજૂઆતો નીચે મૂકી છે :

 • સિંગાપોરમાં man power ની કમી છે અને સિંગાપોરના અર્થતંત્રને ચલાવવા માટે (અથવા દોડાવવા માટે) વધૂ ને વધૂ માણસોની જરૂર છે. દરેક નાની મોટી નોકરી માટે સરકાર બહારથી માણસોને બોલાવી ના શકાય એટલે અહીંની સરકાર વધૂ ને વધૂ ઘરડા લોકોને કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ વખતના અંદાજપત્રમાં સરકારે એવી દરખાસ્તો મૂકી છે કે જેથી ઘરડા લોકો 60 વર્ષની ઉંમર પછી પણ કામ કરવા પ્રેરાય. જેમ કે 50 વર્ષંથી વધૂ ઉંમરવાળા કર્મચારીઓને 2-3 % વધૂ રકમ CPF (Central Provident Fund)માં મળશે. જો કે આ 2% નો ભાવવધારો કંપનીના માથે નાંખવામાં આવ્યો છે. (આ ભાવવધારાને સરભર કરવા માટે સરકાર કંપનીઓને અમુક રોકડ સહાયતા આપશે. આમ કરવાથી વધૂ ને વધૂ કંપનીઓ ઘરડા લોકોને કંપનીઓ નોકરી આપવા માટે પ્રેરાય). આ ઉપરાંત 55 વર્ષથી વધૂ ઉંમરના કર્મચારીઓ માટે કરમર્યાદા રાહતને 3000 ડોલરથી વધારીને 6000 ડોલર કરી છે. આ રજૂઆતો થકી સરકારે પ્રયત્ન કર્યો છે કે ઘરડા લોકો પાસે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રહે અને એમની પાસે હાથમાં થોડા પૈસા પણ રહે આથી તેઓ સ્વસ્થ અને સ્વાવલંબી જીવન જીવી શકે.
 • જે લોકો ઘરડા છે, જેઓ કામ કરી શકે એમ નથી અથવા જેમને elderly careની જરૂર છે એમના માટે પણ અંદાજપત્રમાં દરખાસ્તો રજૂ કરાઇ છે. અહીંના સરકારી મકાનોમાં ઘરડા લોકો માટે વધૂ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે લોકો ઘરમાં elderly care માટે સુવિધાઓ મૂકાવશે એમને સરકાર સહાયતા કરશે. આ ઉપરાંત સરકાર લોકોના Medisave ખાતામાં પણ અમુક રકમ જમા કરાવશે. જો કે આ રકમ વાર્ષિક 50 – 400 ડોલર જેવી નાની છે પણ સરકાર તરફથી જે પણ મળે એ આવકાર્ય છે. જે લોકો ઘરડા લોકોની સારવાર માટે maid રાખવા માંગે છે એમને સરકાર તરફથી દર મહીને 120 ડોલરની સહાયતા મળશે. (અહીંના maid craze અને culture વિશે ફરી કોઇ વખત વાત કરીશ).
 • આ ઉપરાંત જે કંપની અમુક શારીરિક ખોડખાંપણવાળા વ્યક્તિઓને રોજગારી આપશે એમને સરકાર પ્રોત્સાહન આપશે અને તે વ્યક્તિના પગારના 16% સરકાર તરફથી કંપનીને આપવામાં આવશે. આ ઉપરાંત આયકરમાં પણ આવી વ્યક્તિઓ માટે છૂટછાટો આપવામાં આવી છે.  આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે તકલીફવાળા બાળકો માટે પણ અમુક રાહતો જાહેર કરવામાં આવી છે.
 • અહીં ભણતા છોકરાઓ માટે સરકાર તરફથી ઘણી રાહતો પહેલેથી જ છે. અહીં ભણતા છોકરાઓ જે ખરેખર આગળ વધવા માંગે છે અને યોગ્યતા છે પણ પૈસાના અભાવે એમનો વિકાસ રૂંધાતો હોય એમના માટે સરકાર તરફથી પૂરતી સહાયતાઓ છે. Pre School Subsidies, Edusave fund, Scholarships, Bursaries, આ બધી યોજનાઓ થકી વાલીઓને પૂરતી આર્થિક સહાયતા મળી રહે છે. આ ઉપરાંત પણ અહીંની શાળાઓ અને કોલેજોમાં exchange program થકી યોગ્ય વિધ્યાર્થીઓને બહારના દેશોમાં જવાની તક પણ આપવામાં આવે છે (જો કે અહીં “conditions apply” :)) આ વખતના અંદાજપત્રમાં આ સહાયતાઓને વધારવામાં આવી છે. આમ જોવા જઇએ તો આ સારી વાત છે કારણ કે સરકાર દેશના ભવિષ્યમાં રોકાણ કરી રહી છે. (વધૂ જાણવા માટે વેબકાસ્ટ લિંક પર 1:35 મિનીટના માર્કથી આગળ જુઓ)
 • આ વખતના અંદાજપત્રની સૌથી મુખ્ય જાહેરાત છે “GST Voucher”. સિંગાપોરમાં તમે કોઇ પણ સેવાનો ઉપયોગ કરો કે કોઇ પણ વસ્તુ ખરીદો દરેક પર 7% GST(Goods and Service Tax) તમારે સરકારને આપવો પડે. તમે એક સફરજન ખરીદો કે મોટી કાર ખરીદો સરકારને 7% મળવાના જ છે અને આ 7%થી ક્યારેય બચી ના શકો તમે. સિંગાપોર સરકારની એક નીતિ છે કે કર પ્રણાલી હંમેશા progressive હોવી જોઇએ એટલે કે જે લોકો ગરીબ છે એમની પાસેથી ઓછો કર લેવો જોઇએ અને જે લોકો અમીર છે એમની પાસેથી વધારે કર લેવો જોઇએ. અહીંની આયકર પ્રણાલીમાં આ progressive પ્રણાલી છે પણ GST અમીર કે ગરીબ બધાં પાસેથી 7% લેવામાં આવે છે. આ વાતને સુધારવા માટે સરકારે આ વર્ષે "GST Voucher"ની યોજના જાહેર કરી છે. આ યોજના મુજબ સરકાર ત્રણ રીતે નાગરિકોને સહાયતા આપશે. રોકડ સહાયતા આપશે, Medisave ખાતામાં સરકાર અમુક રકમ જમા કરશે અને લોકોના યુટીલીટી બિલની રકમમાં સરકાર રાહત આપશે. કોને કેટલી સહાયતા મળશે એ વાત કોણ કેટલું કમાય છે, કોને કેટલી સહાયની જરૂર છે, કોણ કેટલા મોટા કે નાના ઘરમાં રહે છે આ બધી વાતો પરથી નક્કી થશે. જો કે આ યોજના થકી લગભગ દરેક સિંગાપોરને નાગરિકને એટલી રકમ તો મળશે જ કે જેથી તેઓ GST થકી સરકારને આપેલા કરને પાછો મેળવી શકે.
 • સિંગાપોરના ઉદ્યોગ જગતને પ્રોત્સાહન માટે પણ સરકારે અમુક દરખાસ્તો રજૂ કરી છે. જેમ કે નાની કંપનીઓ જે આજના મંદીના જમાનામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહી છે એમને સરકાર તરફથી તેમના છેલ્લા વર્ષના ટર્ન ઓવરના 5% રકમ (મહત્તમ 5000 ડોલર) ની રોકડ સહાયતા મળશે. આ ઉપરાંત અહીંની કંપનીઓ Productivity વધારવા માટે જે ખર્ચો કરતી હોય છે એમાં સરકાર સહાય કરતી હોય છે અને આ સહાયતાઓમાં અપાતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ પોતાના કાર્યકરોની training પાછળ જે ખર્ચો કરે છે એમાં પણ ઘણી રાહતો સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત જો ઓફિસ કે કામકાજની જગ્યાને renovate કે refurbishment કરો તો 3 લાખ ડોલર સુધીની રકમ પર આયકરમાં રાહત મળશે. આ મર્યાદા પહેલા કદાચ 1.5 લાખ ડોલર હતી. 
 • અહીંની કંપનીઓ કેટલા foreign worker કંપનીમાં રાખી શકે એ માટે સરકારે અમુક મર્યાદાઓ રાખી છે જેમ કે ઉદાહરણ તરીકે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાંથી ફક્ત 60% જ foreign worker હોઇ શકે. હવે આ મર્યાદા દરેક પ્રકારના કર્મચારી વર્ગ માટે 5% ઘટાડી નાંખવામાં આવી છે. એટલે હવે અહીંની કંપનીઓને સ્થાનિક લોકોને વધૂ કામ પર રાખવા પડશે.
 • અહીંના public transportને સુધારવા માટે હવે સરકાર રહી રહીને જાગી હોય એવું લાગે છે. આ વખતે સરકારે 1 બિલીયન ડોલરથી પણ વધૂ રકમની જોગવાઇ નવી 550 બસ ખરીદવા માટે કરી છે. આ ઉપરાંત 250 બસ અહીંની જે ખાનગી transport કંપનીઓ છે તે સેવામાં ઉમેરશે. જોઇએ આ જોગવાઇઓ પરિસ્થિતિ કેટલી સુધારી શકે છે.
 • આયકરના માળખામાં આ વખતે કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો (મારા માટે નિરાશાજનક વાત). આ ઉપરાંત દર વર્ષે અમને આયકર પર 20%ની છૂટ મળતી હતી એ છૂટ પણ હવે નહીં મળે (મારા માટે વધૂ નિરાશા :)) ટૂંકમાં મારે 20% આયકર વધી જશે આ વખતે.
 • છેવટે આ વર્ષના અંદાજપત્રમાં 2.3 બિલીયન સિંગાપોર ડોલરની પૂરાંત બોલે છે. ટૂંકમાં સરકાર નફામાં ચાલી રહી છે.

આ છે આ વખતના અંદાજપત્રની મુખ્ય રજૂઆતો. વાંચનાર ભારતીયોને નવાઇ લાગતી હશે ને કે સાલુ આ કેવું અંદાજપત્ર છે એમાં ખાલી ફાયદો જ ફાયદો છે અને કોઇ ભાવવધારો નથી અને સરકાર બસ લોકોના ગજવા ભરવાની જ વાતો કરે છે. જો કે અહીં આવુ જ છે કારણ કે અહીંની સરકારને 50 લાખની જનતા પાસેથી કર ઉઘરાવવાનો હોય છે અને એ કરની રકમને ફક્ત 30 લાખ સિંગાપોરના નાગરિકોમાં વહેંચવાના છે. વળી આ 30 લાખ નાગરિકોમાં પણ કોને કેટલા મળે એ કોને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે રકમ નક્કી થાય. સરકારની કોઇ પણ સહાયતા અહીં માત્ર અને માત્ર સિંગાપોરના નાગરિકો (અહીંના રહેવાસીઓ માટે પણ નહીં)  માટે છે નાગરિકો સિવાય બીજા બધાં કદાચ માણસોમાં નથી ગણાતા અહીં. જો કે અહીંની સરકારે માનવીય ચહેરો રાખ્યો છે, જરૂરિયાતોને આપવાની વાત કરે છે એ ખરેખર સરાહનીય વાત છે. આપણા દેશમાં જેમ ચાલે છે કે માણસ મરતો હોય તો મરે એમાં સરકારને કંઇ લેવા દેવા નહીં એવી વાત અહીં નથી. ખાલી સરકાર તરફથી સહાયની એક જ શરત છે કે તમે સિંગાપોરના નાગરિક હોવા જોઇએ બસ 🙂

જે લોકોને સિંગાપોરના અંદાજપત્ર વિશે વધૂ માહિતી જોઇતી હોય તેઓ અહીં વેબકાસ્ટ જોઇ શકે છે. સિંગાપોરના સંસદમાં કેટલી શાંતિ છે અને લોકો કેવા ધ્યાનથી સાંભળે છે બજેટને એ જોવા જેવું છે. અહીં નાણામંત્રીએ કોઇ નવી દરખાસ્ત મૂકી એટલે લોકો બૂમાબૂમ કરવા નથી મંડી પડતા આપણા સાંસદોની જેમ. અહીંના સંસદમાં જે રીતે ઓડિયો/વિડીયો presentation સાથે અંદાજપત્ર રજૂ થાય છે એમાંથી ખરેખર આપણા નાણામંત્રીએ કંઇક શીખવા જેવું છે. (સાલુ ખાલી લખેલું વાંચી જવું એમાં કંઇ મજા ના આવે)

આ વખતના સિંગાપોર અંદાજપત્રની થીમ હતી "An Inclusive Society, A Strong Singapore". હવે આ શું વાત છે એ જેને જાણવું હોય એ ઉપર જે વેબકાસ્ટની લિંક છે એમાં છેલ્લી 5 મિનીટનો વિડીયો જોઇ લે  (જેને લિંક જોવાની તસ્દી ના લેવી હોય એ આ વિડીયો નીચે જોઇ શકે છે )

 

આ વિડીયો જોઇને તમને અહેસાસ થઇ જશે કે Inclusive Society કોને કહેવાય. સમાજના દરેક વ્યક્તિનું મહત્ત્વ છે અને જો આ વાત સમજાય તો જ એક મજબૂત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે.

છેલ્લે અહીંના નાણાંમંત્રી વિશે થોડું. અહીંના નાણામંત્રી છે (જે અહીંના નાયબ પ્રધાનમંત્રી પણ છે) Tharman Shanmugaratnam જે તમિલ છે પણ એમના પૂર્વજો શ્રીલંકાના છે. મને એમનું વ્યક્તિત્વ ખરેખર ગમે છે. એ એકદમ મૃદુભાષી છે અને લગભગ 10 વર્ષમાં જ તેઓ સિંગાપોરના રાજકારણમાં ઘણા આગળ વધી ગયા છે. હું જે વિસ્તારમાં રહું છું સિંગાપોરમાં એ GRCમાંથી જ તેઓ ચૂંટાઇને સંસદમાં છે. તેઓ અહીંના ભારતીય જાતિના લોકોના કાર્યક્રમો અને એમના વિકાસમાં આગવો રસ લે છે. છેલ્લે એમને અહીંના આર્ય સમાજના કાર્યક્રમમાં સાંભળવાનો અવસર મળ્યો હતો.

Ang Pow

સોમવારે ચાઇનીઝ લોકોનું નવું વર્ષ છે. સિંગાપોરમાં ચાઇનીઝ જાતિના લોકો બહુમતીમાં છે (લગભગ 75%) એટલે સિંગાપોરનો આ સૌથી મોટો તહેવાર છે. સિંગાપોર આમ તો આખું વર્ષ ધબકતું રહેતું હોય છે પણ નવા વર્ષના તહેવારના આ બે દિવસો દરમ્યાન સિંગાપોર જડબેસલાક બંધ રહે છે. દરેક નવા ચાઇનીઝ વર્ષ સાથે એક પ્રાણીની સંજ્ઞા જોડાયેલી હોય છે. આ વર્ષે ડ્રેગનની સંજ્ઞા નવા વર્ષ સાથે જોડાયેલી છે એટલે આ  નવું વર્ષ “Year of Dragon” તરીકે ઓળખાશે. આના પછીનું નવું વર્ષ "Year of Snake” તરીકે ઓળખાશે.

જેમ આપણે ત્યાં નવા વર્ષે વડીલોને પગે લાગો એટલે તમને નગદ નારાયણ મળે એ જ રીતે ચાઇનીઝ લોકોમાં પણ છોકરાઓ જ્યારે એમના વડીલોને ત્યાં નવા વર્ષમાં જાય ત્યારે વડીલો નાના છોકરાઓને લાલ કવરમાં ડોલર બીડીને આપતા હોય છે. આ કવરને ચાઇનીઝ ભાષામાં "Ang Pow" કહેવાય છે. આજથી 5-7 વર્ષ પહેલા Ang Powમાં 2-5 ડોલર અપાતા હતા પણ હવે ડોલર પણ ઘસાતો જાય છે એટલે Ang Powની રકમ વધીને 5-10 ડોલર થઇ ગઇ છે. ચાઇનીઝ લોકોના નવા વર્ષની ઉજવણી આવતી કાલે રુહીની સ્કુલમાં પણ થવાની છે. રુહીને કાલે લાલ રંગના કપડા પહેરીને જવાનું છે.રુહી કાલે સ્કૂલમાં પાર્ટી કરશે અને મજા કરશે. મને આ વખતે એક નવો તુક્કો મગજમાં આવ્યો કે જો રુહીની સ્કુલમાં નવા વર્ષની ઉજવણી થવાની જ છે તો શા માટે છોકરાઓને ખુશ કરવા માટે "Ang Pow"નું કવર ના આપવું? એટલે આજે 10 Ang Powના કવર બનાવ્યા અને દરેક કવરમાં 2 ડોલર મૂક્યા. રુહીના વર્ગના બધા છોકરાઓને ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીના ભાગરૂપે મારા તરફથી એક ખૂબ જ નાનકડી ભેટ.

Ang Pow

અંતે, સર્વેને "Gong Xi Fa Cai” i.e. “Happy Lunar New Year”. કાલથી ચાર દિવસનું મિની વેકેશન અને આરામ.

Silly, Stupid Fellow…

આજકાલ અમારી કંપનીના ચેરમેન સાહેબ અમેરિકાથી સિંગાપોર ઓફિસની મૂલાકાતે આવેલા છે. 6 બિલીયન યુએસ ડોલરનું ટર્ન ઓવર કરનારી કંપનીના ચેરમેનનો ઠાઠ તો હોય જ સાથે સાથે ઘણા ગોરાઓની ફોજ પણ આવેલી છે. આજે ચેરમેન સાહેબ સાથે કંપનીના બધા કર્મચારીઓની મિટીંગ રાખવામાં આવી હતી. સાથે સાથે કોન્ફરન્સ કોલ દ્રારા મલેશિયા, તાઇવાન, થાઇલેન્ડ, વિયેટનામ, હોંગકોંગ અને બીજા દક્ષિણ એશિયાના દેશોના કર્મચારીઓએ પણ આ મિટીંગમાં ભાગ લીધો હતો. મિટીંગ શરૂ થતા પહેલા હું બીજી હરોળમાં કોર્નરમાં બેઠો હતો અને મારી બાજુની સીટ પર એક કાળી બેગ પડી હતી. એ કોર્નરમાં જ અમુક ગોરાઓ એક સમૂહમાં વાતો કરી રહ્યા હતા. એવામાં મારો એક મિત્ર આવ્યો અને મારી બાજુની સીટ પર મૂકેલી બેગને પહેલી હરોળમાં મૂકી અને મારી બાજુમાં બેસવા જતો હતો. એટલામાં બાજુમાં ઉભેલા એક ગોરાએ મારા મિત્રના ખભા પર ટપલી મારીને કહ્યું Excuse me gentleman, would you mind keeping this bag to it’s original place? બસ આ વાક્યમાં સમજી જવાનું હતું કે એ બેગ એ ગોરાની હતી અને એને પોતાની બેગ કોઇએ બીજી જગ્યાએ મૂકી એ ગોરાને ના ગમ્યું. મારો મિત્ર જ્યારે બેગ પાછી જગ્યા પર મૂકીને બીજે બેસવા જઇ રહ્યો હતો ત્યારે પેલો ગોરો સહેજ દબાતા અવાજે બોલ્યો "Silly, Stupid Fellow….”. હવે જોવા જેવી વાત એ થઇ કે જ્યારે મિટીંગ ચાલુ થઇ ત્યારે એ ગોરા ભાઇ પોતાની બેગ લઇને આગળી હરોળમાં ગોઠવાઇ ગયો. આ આખા ઘટનાક્રમ મારા વિચારો :

 • મારો મિત્ર કે જેણે બેગ ઉઠાવીને કોઇને પૂછ્યા વગર આગળ મૂકી દીધી એનો વાંક તો હતો જ પણ જ્યારે બેગ પાછી મૂકી દીધી અને સોરી કહી દીધું પછી વાત ત્યાં પતી જવી જોઇએ પણ ગોરાને જરા વધારે પડતું મન દુ:ખ થઇ ગયું. આનું કારણ એ છે કે ગોરાઓની પોતાની જાતને બદામી ચામડીવાળા માણસો કરતા ચઢિયાતા માનવાની માનસિકતા. બહુ ઓછા ગોરા લોકો આ માનસિકતાથી પર હોય છે.
 • ઇન્ડિયાની બહાર તમે  કોઇ પણ જગ્યાએ જશો તો તમને જાતિવાદનો (Racism) અનૂભવ વહેલા મોડા થવાનો જ છે. આ અફર સત્ય છે. (આમ જોવા જઇએ તો ભારતમાં પણ જાતિવાદનો અનૂભવ થતો જ હોય છે છે – Our Great North Indian, South Indian Divide Smile)
 • જ્યારે પણ તમે બીજા કોઇ દેશમાં જાઓ (ખાસ કરીને ગોરાઓના દેશમાં) અને જો તમે ત્યાના કલ્ચર વિરૂધ્ધ કંઇક કરશો તો લોકો બહુ છંછેડાઇ જશે. જો આ જ વસ્તુ મારા મિત્રએ કદાચ ઇન્ડિયામાં કરી હોત અથવા એ બેગ કોઇ ઇન્ડિયનની હોત તો કોઇ સમસ્યા ના થઇ હોત કારણ કે આપણા ભારતીયો માટે આ બધી વાતો નગણ્ય કે સામાન્ય છે. (થોડા સમય પહેલા અહીંના પુસ્તકાલયમાં એક ચોપડી જોઇ હતી જે ખાસ ગોરા લોકોના વાંચવા માટે હતી. આ ચોપડી ગોરાઓને ઇન્ડિયામાં કેવા પ્રકારના કલ્ચર શોક લાગી શકે છે એ વિષય પર હતીSmile )
 • તમે જે જગ્યાએ નોકરી કરતા હો ત્યાંના કલ્ચરના હિસાબે ત્યાંના પ્રસંગો અનુરૂપ વેશભૂષા કરવી જ રહી. જો મારો મિત્ર ઇસ્ત્રી ટાઇટ સફેદ શર્ટ અને ફીટેડ ટ્રાઉઝર અને પોલીશ કરેલા બૂટ્માં હોત તો કદાચ પેલો ગોરો "Silly, Stupid Fellow….” ના બોલ્યો હોત. એટલા માટે જ હું ઓફિસ માટેના ફોર્મલ કપડા બહુ વ્યવસ્થિત રીતે પસંદ કરુ છું અને પૈસા કરતા એના લુક અને ફિટીંગને વધૂ મહત્ત્વ આપુ છું.

અમુક વસ્તુઓ જીંદગી આપણને અઘરી રીતે શિખવાડે છે. Smile

Elephant Parade

દુનિયામાં અલગ અલગ પ્રજાતિઓના પ્રાણીઓ લુપ્તતાના આરે છે એટલે જ જેને પર્યાવરણની પડી છે તેઓ વિવિધ પ્રાણીઓને બચાવવા માટે દુનિયામાં વિવિધ પ્રાણી બચાવોના અભિયાન કરી રહી છે. હાથીઓની સંખ્યા પણ દુનિયામાં ચિંતાજનક રીતે ઘટી રહી છે અને એટલા માટે જ હવે "હાથી બચાવો" અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે દુનિયાના અલગ અલગ શહેરોમાં "Elephant Parade" નું આયોજન કરવામાં આવે છે. આ Elephant Paradeમાં દુનિયાના નામાંકિત કલાકારો દ્રારા તૈયાર કરવામાં આવેલી હાથીની કલાત્મક રીતે શણગારેલી મૂર્તિઓને શહેરમાં વિવિધ જગ્યાએ મૂકવામાં આવે છે. લોકોમાં આ કલાત્મક હાથીઓની મૂર્તિઓને જોઇને હાથી વિશે થોડો પ્રેમ જાગે એ આ પરેડ પાછળનો ઉદ્દેશ છે. આ વખતે આ Elephant Paradeનું આયોજન સિંગાપોરમાં 11 નવેમ્બર 2011 થી 12 જાન્યુઆરી 2012 દરમ્યાન રાખવામાં આવ્યું છે. આ પરેડના ભાગરૂપે ઓર્ચડ રોડ પર કલાત્મક રીતે શણગારેલા હાથીઓની અનેક મૂર્તિઓ મૂકવામાં આવી છે અને આ મૂર્તિઓ ખરેખર અદ્દ્ભૂત છે. આ મૂર્તિઓ અહીં ગેલેરીમાં જોઇ શકાય છે. નીચે મારા દ્રારા લેવાયેલા અમુક ફોટો મૂકેલા છે.

IMG_0274IMG_0275IMG_0276IMG_0278IMG_0279IMG_0285IMG_0286IMG_0289

 

 

 

 

 

 

હાલમાં ઓર્ચડ રોડ નાતાલના લીધે સરસ રીતે શણગારાયો છે અને એમાં વિવિધ જગ્યાઓએ મૂકેલી હાથીની કલાત્મક મૂર્તિઓના લીધે ઓર્ચડ રોડની રોનક ઓર વધી ગઇ છે. જુદી જુદી સાઇઝની આ મૂર્તિઓના વેચાણ માટે સ્ટોર પણ છે ઓર્ચડ રોડ પર. મૂર્તિઓ ખરેખર અદ્દ્ભૂત છે પણ એને ખરીદી શકાય એટલી સસ્તી નથી મારા માટે.

મારી ફૂકેટની ટ્રીપ દરમ્યાન હાથીઓની નજીક જવાનો અવસર મળ્યો હતો. થાઇલેન્ડના લોકો માટે હાથી કદાચ પૂજનીય પ્રાણી છે અને હાથીનું વિશેષ સ્થાન છે એમના જીવનમાં. ફૂકેટની ટ્રીપ દરમ્યાન હાથીના શો પણ જોયા હતા અને હાથી પર સવારી કરવાનો પણ અવસર મળ્યો હતો.

DSCF3639DSCF3646

 

 

 

 

 

 

આશા રાખીએ કે Elephant Parade થકી લુપ્ત થઇ રહેલી હાથીઓની પ્રજાતિને બચાવી શકાશે.

મૂર્તિઓની કલાત્મકતા

ઘણી વખત હરતા ફરતા તમારી નજરો અમુક વસ્તુઓને જોતા જ એના તરફ આકર્ષાઇ જાય છે અને આ પોસ્ટ આ બાબત વિશે જ છે. આ પોસ્ટ છે બે મૂર્તિઓ વિશે છે જે મેં તાજેતરમાં જોઇ અને મને એ મૂર્તિ પાછળના વિચાર અને એ વિચારોની અભિવ્યક્તિ મને ખરેખર ગમી ગઇ.

GB1

પહેલી મૂર્તિ છે ગણપતિ બાપ્પાની. ફોટામાં દેખાય છે એમ મૂર્તિકારે ગણપતિબાપ્પાને એકદમ સરકારી બાબુ જેવા ગેટ અપમાં બનાવ્યા છે. માથે સરસ ટોપી, હાથમાં બેગ, એકદમ સરસ પહેરવેશ અને વરસાદથી બચવા માટે છત્રી પણ છે. બનાવનાર કલાકારના દિમાગમાં આ પ્રકારની મૂર્તિ બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો એ તો એ જ જાણે પણ મને આ વિચાર અને એનો અમલ ખરેખર સરસ લાગ્યો. આ મૂર્તિ દિવાળી બજારમાં વેચાણ માટે રાખેલ હતી. દિવાળી બજારમાં બીજી પણ ઘણી કલાત્મક મૂર્તિઓ હતી પણ આ મૂર્તિ મને એના પાછળ રહેલા વિચારના લીધે વધૂ ગમી ગઇ.

 

 

babe

સિંગાપોર સુંદર શહેર છે અને શહેરની સુંદરતા તમે અમુક વિસ્તારોમાં ફરતા હો તો ઉડીને આંખે વળગ્યા વગર રહે નહીં. સિંગાપોરને સુંદર બનાવવા માટે ઘણા સ્થળોએ સરસ સ્થાપત્યો મૂકાયા છે અને આજે આવા જ એક સ્થાપત્યને જોવાનો મોકો મળ્યો. જેમ ફોટામાં જોઇ શકાય છે એમ  સ્ત્રીને આ પ્રકારના પોઝમાં કંડારવાનો વિચાર અદ્દ્ભૂત છે અને વિચારનો અમલ પણ સરસ કર્યો છે. સ્ત્રીને આ પ્રકારની મૂદ્રામાં કંડારવાનો શું ઉદ્દેશ્ય હશે એ તો ખબર નહીં પણ મને આ સ્થાપત્ય કામ ખરેખર સરસ લાગ્યું.

 

હમણાં ઘણા વખતથી કેમેરાને હાથમાં લીધો જ નથી અને સિંગાપોર શહેરની સુંદરતાને ચિત્રોમાં કેદ નથી કરી. ફરીથી ફોટોગ્રાફિક વોક માટે જવાનો વિચાર મગજમાં આકાર લઇ રહ્યો છે.

%d bloggers like this: