3 Mistakes of my life

પરમ દિવસે રાત્રે 1:30 વાગ્યે મેં 3 Mistakes of my life બુક વાંચવાનું પૂરું કર્યું. 15 દિવસથી રોજ બસમાં અને ટ્રેનમાં આવતા જતા આ બુક વાંચતો હતો અને છેલ્લે જ્યારે 100 જેટલા પાના બાકી હતા એટલે રાત્રે બેસીને પતાવી દીધા. ચેતન ભગતની બુકની આ જ ખાસિયત છે કે સળંગ 2-3 કલાક વાંચી નાંખો તો પણ કંટાળો ના આવે.

3 Mistakes of my Life

બુક અમદાવાદ શહેરમાં રહેતા એક મહત્ત્વકાંક્ષી યુવાન  ગોવિંદ અને એના બે મિત્રો ઇશાન અને ઓમ વિશે છે. ગોવિંદ નાની ઉંમરમાં પોતાનો ધંધો સ્થાપીને ખૂબ પૈસા કમાવવાના સપના જોવે છે અને પોતાના બે મિત્રો સાથે નાનો ધંધો પણ ચાલુ કરે છે. વાસ્તવમાં બનેલ અમુક ઘટનાઓને આ બુકમાં વાર્તાના પ્રવાહ સાથે વણી લેવામાં આવ્યા છે જેમ કે 26 જાન્યુઆરીનો ધરતીકંપ, ગોધરાકાંડ અને ત્યાર પછીની કોમી હિંસા, ઓસ્ટ્રેલિયા સાથેની ક્રિકેટ સિરીઝ, વગેરે. મુગ્ધાવસ્થાનો પ્રેમ, ક્રિકેટ, રાજકારણ, ધર્માંધતા, કોમી ઝનૂનના વિષયોને ધ્યાનમાં રાખીને એક પરફેક્ટ ભેલપૂરી ટાઇપની ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ચેતન ભગતે પણ આ વખતે ભેળપૂરી એટલી ચટાકેદાર નથી બની શકી. મને આ બુક “One night @Call Centre” કે “Five Point Someone” જેવી જોરદાર ના લાગી. જો કે બુક એટલી બકવાસ પણ નથી. જો સમયની અનૂકુળતા હોય તો વાંચી શકાય. ચેતન ભગતની લેખની અને હાસ્યના લીધે બુક વાંચવાનું કામ એકદમ કંટાળાજનક તો નહીં જ લાગે.

આ બુકનો એક સંવાદ મને ગમ્યો. આ સંવાદ બુકમાં Mathsથી અકળાયેલ વિધ્યાર્થીનીનો છે. “Why one has to do something so uniteresting in life to do something interesting in life.” મને Mathsથી પ્રોબ્લેમ નથી પણ આમ જોવા જઇએ તો સાચી જ વાત છે. Maths થી આખી દુનિયામાં લાખો લોકોને કેટલી અકળામણ હોય છે એના વિશે લખવાની જરૂર નથી પણ આગળ અભ્યાસ માટે Maths જરૂરી જ છે.

અત્યાર સુધીમાં 3 બુક ચેતન ભગતની વાંચી ચૂક્યો છું અને દરેક બુકમાં અમુક સામ્યતા છે જેમ કે દરેક બુકમાં દોસ્તી ખૂબ મજબૂત બતાવવામાં આવી છે. પ્રેમ અને શારીરિક નજદીકીઓ ઉલ્લેખ જરૂર હોય છે. F અને S શબ્દનો છૂટથી ઉપયોગ થાય છે. હવે ચેતનભાઇની ચોથી બુક વાંચવાની શરૂઆત કરી છે “2 States”. મેં પ્રથમ 40 પાના વાંચ્યા બુકના અને એ રસપ્રદ લાગે છે. હવે નાતાલ અને નવા વર્ષની ઘણી રજાઓ આવે છે એ દરમ્યાન આ બુક પૂરે પૂરી વંચાઇ જવી જોઇએ.

છેલ્લે મારું રેટીંગ “3 mistakes of my life” માટે : 3/5

The white tiger

ગઇકાલે બુક The White Tiger વાંચવાનું પૂરું કર્યું. આ બુકને વર્ષ 2008 માટે બુકર પ્રાઇઝ મળ્યું હતું. ભારતીય લેખક અરવિંદા અડીગા એ આ બુક લખી છે. ભારતીય લેખક અને બુકર પ્રાઇઝના લીધે પ્રભાવિત થઇને મેં આ બુક વાંચવાનું શરૂ કર્યું હતું.

The_White_Tiger

મને આ બુક એટલી જોરદાર ના લાગી. બુકની વાર્તા એકદમ સામાન્ય છે. એક બિહારી બાબુની બિહારના એક નાનકડા ગામથી બેંગ્લોરમાં એક સફળ વેપારી બનવાની વાર્તા પર બુક છે. જો કે આ કોઇ success story નથી. બિહારી બાબુ ડ્રાઇવર તરીકે શરૂઆત કરે છે અને પોતાના માલિકનું ખૂન કરીને એમના પૈસાથી પોતાનું સામ્રાજ્ય ઉભું કરે છે. હવે પ્રશ્ન એ છે કે બુક આટલી સામાન્ય વાર્તા પર આધારિત હોય તો પછી એને બુકર પ્રાઇઝ શા માટે મળે? મને લાગે છે કે આ બુકને બુકર પ્રાઇઝ એટલા માટે મળ્યું કારણ કે લેખકે બહુ સારી રીતે ભારતને ખરાબ ચિતર્યું છે. ભારતની લોક્શાહીની મજાક ઉડાવાઇ છે. ભારતીય દેવી દેવતાઓ વિશે પણ અયોગ્ય ભાષા લખાઇ છે. ભારતના ગરીબ ગામડાઓ અને ગરીબોની મઝાક ઉડાવાઇ છે. ગોરા લોકોને આમ પણ ભૂખ્યા, ગંદા અને ભ્રષ્ટ ભારત વિશે કંઇ પણ હોય એ ગમે જ એટલે આ બુક પણ કદાચ ગોરા લોકોને ગમી હશે અને બુકર પ્રાઇઝ આપી દીધું. બુકમાં બિહારી બાબુ ચીનના રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાની કથા સંભળાવે છે. હવે લેખકે ચીનના રાષ્ટપતિને જ કેમ પસંદ કર્યા વાર્તા સંભળવવા માટે એ મારા દિમાગમાં ના બેઠું. ચીનના રાષ્ટ્રપતિ સામે ભારતને ગંદા ચિતરવાનો કોન્સેપ્ટ જ મને તો ના ખબર પડી. જાણે ચીન દૂધે ધોયેલું હોય અને લેખક ભાઇ ફરિયાદો કરતા હોય તો વાત બરાબર છે. મને લાગે છે કે લેખકભાઇને બસ પોતાની ચોપડી વેચવી હશે એટલે આવા ગતકડાં કરવા જ રહ્યા. ભલે બુકમાં ભારતને ગંદા ચિતરવાની જે પણ વાતો લખી છે એ બધી જ સાચી જ હશે તો પણ શું આ બધું લખીને ગાવાની જરૂર છે ખરી? હશે જે પણ હોય પણ બુક મને પ્રભાવિત ના કરી શકી. મારું રેટીંગ આ બુક માટે છે 2.5/5. 

હવે ફરીથી ચેતન ભગતની બાકીની બે બુક વાંચવાની છે.

[ઇમેજ : વિકી પરથી]

Chetan bhagat rocks….

chetan_bhagat_01 

ચેતન ભગત… કદાચ નામ સાંભળેલું છે એવું લાગે નહીં? જે લોકો વાંચનનો શોખ ધરાવે છે એમના માટે આ નામ નવું નહીં જ હોય. ચેતન ભગત એક ભારતીય લેખક છે અને અત્યાર સુધી એમણે ચાર બુક લખી છે અને ચારે ચાર બુક ચાર્ટ ટોપર્સ છે. હમણાં હું સિંગાપોરમાં એકલો જ હતો એટલે મને મારા વાંચનના પ્રેમને ઉજાગર કરવાની ઇચ્છા થઇ. મારું નસીબ સારુ છે કે વૈવિધ્ય સભર વાંચન માટે સિંગાપોરમાં નેશનલ લાયબ્રેરી ઘરની પાસે જ છે. શું વાંચવું એ એક પ્રશ્ન હતો? પછી નક્કી કર્યું કે કોઇ ભારતીય લેખકની નોવેલ કે ફિક્શન બુક વાંચવી. લાયબ્રેરીમાં શોધતા શોધતા મારી નજર ચેતન ભગતની “One night @call centre” બુક પર પડી. આ બુક વિશે મેં પહેલા વખાણ સાંભળ્યા હતા એટલે થયું ચલો આ બુક વાંચીએ.

 

img_book_2_cover

ઘરે આવી રાત્રે બુક હાથમાં લીધી. પ્રસ્તાવના વાંચી અને લાગ્યું કે બુકમાં દમ છે. રાત્રે 10 વાગ્યે મેં આ બુક વાંચવાની શરૂઆત કરી અને 12:30 ક્યાં વાગી ગયા ખબર જ ના પડી. બીજા દિવસે ઓફિસ જવાનું હતું તો પણ બુક મૂકવાનું મન ના થયું. બીજા દિવસે ઓફિસેથી પાછા આવીને બીજા બધાં કામ બાજુએ મૂકીને બુક હાથમાં લીધી અને રાતના એક વાગ્યા સુધી (ખાધા વગર) વાંચીને આખી બુક પૂરી કરી દીધી. પહેલી વખત મારી જીંદગીમાં મેં કોઇ બુકને આ રીતે passionate થઇને વાંચી. કદાચ આ જાદૂ હતો ચેતન ભગતની લેખનીનો. “One night @call centre” વાર્તા છે કોલ સેન્ટરમાં કામ કરતા પાંચ પાત્રો વિશે (જેમાં બે યુવાન અને ત્રણ યુવતીઓ છે). દરેક પાત્રના જીવનમાં પોતાના પ્રોબ્લેમ છે. Life sucks આ કોમન ફિલીંગ દરેક પાત્રમાં છે. એક જ રાત્રિમાં વણાયેલી આ કથામાં આ પાંચે પાત્રો જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે તેમના પર ભગવાનનો ફોન આવે છે અને જીવન જીવવાની સાચી રાહ બતાવે છે. જો કે આ બુક કોઇ સલાહ આપતી (આમ કરો, તેમ કરો) બુક નથી. શહેરી જીવન જીવતા આજની આધૂનિક પેઢીના યુવાનો કેવી અટવાયેલી મનોદશામાં જીવે છે અને એમની જીંદગીને કઇ રીતે માર્ગદર્શન આપી શકાય એ આ બુકની USP છે. ટૂંકમાં કહીએ તો લેખકે આ બુક થકી એક જ સંદેશો યુવાનોને આપવાનો પ્રયત્ન કર્યો છે કે

Be confident and don’t ever let the losers feeling sink into you.

ચેતન ભગતની લેખન શૈલી અદ્દ્ભૂત છે. ચેતન ભગતનું અંગ્રેજી લખાણ એકદમ સરળ છે અને કટાક્ષ કરવાની શૈલી અદ્દ્ભૂત છે. જ્યારે બુક હું વાંચતો હતો ત્યારે હું બુકના પાંચે પાચ પાત્રોને visualize કરી શકતો હતો જે લેખકની  ઉપલબ્ધિ જ કહેવાય. મને વાંચતી વખતે એમ જ લાગતું હતું કે આ પાત્રોને મારી જીંદગીમાં મેં ક્યારે જોયા છે, અનૂભવ્યા છે. પાત્રોની જીંદગીની સમસ્યાઓમાં મેં મારા જીવનમાં ક્યારેક અનૂભવેલી સમસ્યાઓ દેખાતી હતી. એકંદરે એકદમ પૈસા વસૂલ બુક અને must must must વાંચવા જેવી બુક. One night @call centre” વાંચી લીધી હવે શું? હું એટલો પ્રભાવિત થઇ ગયો કે નક્કી કરી નાંખ્યું કે બસ હવે ચેતન ભગતે જેટલી પણ બુક લખી છે એ બધી વાંચી લેવી. કર્યા વેબ પર ખાંખાખોળા અને શોધી કાઢ્યું કે ભગતભાઇએ ચાર બુક લખી છે. સિંગાપોર લાયબ્રેરીમાં જોયું કે આમાંથી કેટલી બુક છે મળે એમ છે લાયબ્રેરીમાં. ઘર પાસેની લાયબ્રેરીમાં કોઇ બુક હતી નહીં એટલે સિટીમાં ગયો અને સિટી લાયબ્રેરીમાંથી બીજી બુક હું લેતો આવ્યો “Five point someone”.

 

img_book_1_cover

આ બુક ચેતન ભગત દ્વારા લખાયેલી પહેલી બુક છે. ઘરે આવીને એક બ્રેક સાથે ખાલી 8 કલાકમાં હું આખી બુક વાંચી ગયો. કોઇ બુક કે લેખક માટે આટલી દિવાનગી મેં આજ સુધી નથી અનૂભવી. "Five point someone” એ વાર્તા છે IIT માં અભ્યાસ કરવા આવેલ ત્રણ મિત્રોની, IIT ની જીંદગી વિશે, યુવાન દિલોના અરમાનો વિશે, ભણી ભણીને કંટાળેલા યુવાનો વિશેની. પ્રથમ બુક લખતા કોઇ પણ લેખક આવું અદ્દ્ભૂત લખી શકે એ મારા માટે માનવું મૂશ્કેલ છે. મને મારી કોલેજ લાઇફ અને મિત્રો યાદ આવી ગઇ. રાયન, હરી અને આલોકના પાત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક હું મારી જાતને જોઇ શકતો હતો.

(ડિસેમ્બરમાં આમીરખાનની આવી રહેલી મૂવી "3 Idiots” આ બુક પર આધારિત છે. )

 

બુક વાંચીને મારા મગજમાં દોસ્તી અને મહોબ્બત વિશેનું આ ગીત મગજમાં રમતું થઇ ગયું. કે કે દ્વારા ગવાયેલું આ ગીત અદ્દ્ભૂત છે.

હજી બે બુક ચેતન ભગતની વાંચવાની બાકી છે કારણ કે આ બન્ને બુક સિંગાપોર લાયબ્રેરીમાં હાજર નથી. મારો એક મિત્ર અત્યારે સિંગાપોરથી ઇન્ડિયા ગયો છે એના જોડે આ બન્ને બુકો મેં મંગાવી લીધી છે. હવે આવતા અઠવાડિયા સુધી રાહ જોવાની રહી. ચેતન ભગતનો મારે એક વાત માટે આભાર માનવો રહ્યો કે એમની બુકોના લીધે હું ફરીથી વાંચતો થઇ ગયો અને એ પણ ગાંડાની જેમ 🙂

જ્યાં સુધી ચેતન ભગતની બુક ના આવે ત્યાં સુધી હું અત્યારે વાંચી રહ્યો છું "The white tiger” by Arvind Adiga. આ બુક ને બુકર પ્રાઇઝ મળ્યું છે. પૂરી બુક વાંચ્યા પછી કેવી લાગી બુક એ વિશે નોંધ કરીશ. 

(ઇમેજ : ચેતન ભગતની વેબ સાઇટ પરથી)

%d bloggers like this: