વૈચારિક અસહિષ્ણુતા

ગુજરાતી બ્લોગ વિશ્વ પ્રગતિના પંથે છે અને રોજે રોજ નવા ગુજરાતી બ્લોગરો ઉમેરાતા જાય છે. એ સારી વાત છે કે લોકો ગુજરાતીમાં વિચારોની અભિવ્યક્તિ કરવાનું યોગ્ય માને છે. જો કે આ વિકાસ સાથે લખનારાઓમાં થોડી વિચારોની સહિષ્ણુતા અને પરિપક્વતા આવે એ જરૂરી છે.  આજ કાલ લોકો ચોખ્ખી ને ચટ વાત કરવામાં માને છે અને મારા બ્લોગ પર મનફાવે એમ લખું, વાંચવું હોય તો વાંચો અને વાહ વાહ કરો નહીં તો GTH વાળી મનોવૃત્તિ વધારે જોવા મળે છે. એ વાત સાથે સહમત કે બ્લોગમાં શું લખવું એ બ્લોગના માલિકનો એકાધિકાર છે પણ જાહેર માધ્યમમાં તમે તમારા વિચારો મૂકો છો તો પછી એટલી પરિપક્વતા તો રાખો કે બધાં અભિપ્રાયો તમારા વિચારોને અનુમોદન કરનારા ના પણ આવે.

વળી બુધ્ધિનું દેવાળું ત્યાં ફૂંકાય કે એક પોસ્ટ લખી હોય એના ઉપર આવેલા અભિપ્રાય માટે (કે જે અભિપ્રાયની બાદબાકી કરી દીધી હોય કારણ કે ખાલી વાહ વાહી વાળા અભિપ્રાયોને જ રખાય) વળી નવી પોસ્ટ લખાય અને એમાં અસભ્ય તો નહીં પણ "ઝાડા થઇ જવા કે અપચો થઇ જવા" જેવી અરુચિકર ભાષાનો પ્રયોગ થાય. પોતે જ મહાન અને પોતાનું લખાણ જ મહાન અને બીજા બધાં લલ્લુ પંજુ છે એવા ભ્રમમાં ના રહેવું. વાણી સ્વાતંત્ર્યનો હક્ક જેટલો તમારી પાસે છે એટલો જ બીજા પાસે છે. જો વૈચારિક મતભેદ ના પચતા હોય તો પાચન શક્તિ સુધારવા પર કામ કરવું અથવા તો પોતાના વિચારોની આપ લે પોતાના સિમીત વર્ગ સુધી મર્યાદિત રાખવી.

વિરામ ચિહ્નો

નીચેનું ચિત્ર બોલતો પૂરાવો છે કે ભાષામાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી છે.

temp

(આ ચિત્ર મને ફેસબુક પર મિત્રની પ્રોફાઇલ પર જોવા મળ્યું હતું).

Men v/s Women

અમારી ઓફિસમાં લંચ ટાઇમ દરમ્યાન ઘણી વખત સેમિનાર કે જ્ઞાનવર્ધક કાર્યક્રમો ગોઠવાતા રહેતા હોય છે. ગયા અઠવાડિયે આ અંતર્ગત એક સરસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું શીર્ષક હતુ “Resolving Conflicts – Working out Disagreements”. Conflicts જીવનમાં થતા જ રહેતા હોય છે પછી એ ઘર હોય કે ઓફિસ હોય. જો કે આ કાર્યક્રમમાં માત્ર ગૃહસ્થ જીવનમાં થતા વૈચારિક મતભેદ વિશે વાત કરવામાં આવી હતી (કારણ કે કંપની Work – Life balanceમાં માને છે :)) કાર્યક્રમ માટે વક્તા Touch Communit Services માંથી બોલાવવામાં આવ્યા હતા. વક્તા એકદમ શાંત ચિત્ત અને પીઢ લાગી રહ્યા હતા. (આમ પણ આવા વિષય માટે Cool speaker જ જોઇએ). વક્તાએ બહુ સરસ રીતે પોતાના અને બીજાના અનૂભવો સાથે આ વિષય પર રજૂઆત કરી અને એકંદરે મને કાર્યક્રમ રસપ્રદ લાગ્યો.

સ્ત્રી અને પુરૂષ વચ્ચે જો મતભેદો નિવારવા હોય તો પહેલા સ્ત્રી અને પુરૂષ વચ્ચેનો તફાવત સમજવો રહ્યો એટલે વક્તા એ શરૂઆત કરી સ્ત્રી અને પુરૂષ વિશેના મૂળભૂત તફાવતથી. એમનો સૌથી પહેલો મૂદ્દો હતો :

A Woman is an Emotional Feeler

A Man is a Logical Thinker

Language spoken by women is an expression of what she Feels.

Language spoken by men is an expression of what she Thinks.

એક્દમ સાચી વાત એમણે કરી. સ્ત્રી અને પુરૂષ વચ્ચે મુખ્ય વૈચારિક તફાવત છે કે સ્ત્રી હંમેશા દિલથી વિચારે છે જ્યારે પુરૂષ હંમેશા દિમાગથી વિચારે છે (Courtshipના સમયગાળાને બાદ કરતા 🙂 ) ધારો કે કોઇ કામ હશે તો સ્ત્રી એમ કહેશે કે ચાલો આ કરીએ જ્યારે પુરૂષ પહેલા એમ કહેશે કે શું કામ કરવું છે એ કામ? સ્ત્રી લાગણીઓના બંધનમાં બંધાયેલી હોય છે જ્યારે પુરૂષ હંમેશા તર્કસંગતતા શોધતો રહેતો હોય છે.

બીજી વાત વક્તાએ કરી કે

Women are interested in Details, the nitty-gritty.

Men are interested in the Principles, abstract, philosophy, the gist.

આ વાત સાથે પણ હું મહદ્દઅંશે સહમત થાઉ છું. સ્ત્રી અને પુરૂષની ખરીદી કરવાની પધ્ધતિ એ આ વાત સમજવા માટેનું સૌથી સહેલુ ઉદાહરણ છે. સ્ત્રી ખરીદી કરતી વખતે જરૂરિયાત કરતા જાણકારીને વધારે પ્રાધાન્યતા આપશે અને દસ દુકાન ફર્યા પછી પણ કદાચ ખાલી હાથે ઘરે આવે જ્યારે પુરૂષ જરૂરિયાત મુજબ ખરીદી કરીને તરત ઘર ભેગા થઇ જાય.

ત્રીજી વાત વક્તાએ સ્ત્રી અને પુરૂષના વ્યક્તિત્વ વિશે કરી

For her, Her Home is an extension of her perosnality.

For him, His Job is an extension of his perosnality.

આ વાત આજના જમાનામાં કદાચ સ્ત્રી માટે એકદમ સુસંગત ના પણ કહેવાય. આજ કાલ સ્ત્રી માટે ઘર કરતા પોતાની કારકિર્દી વધારે મહત્ત્વ ધરાવે છે. આમ જોવા જઇએ તો અંગત રીતે મને એ યોગ્ય નથી લાગતુ પણ હવે જમાનો બદલાયો છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા વધતી ચાલી છે અને કદાચ આ એક મુખ્ય કારણ છે સ્ત્રી અને પુરૂષ વચ્ચે વિખવાદો થવાનું. પણ ઉપરની વાત ખોટી નથી. સ્ત્રી અને પુરૂષ બન્ને પ્રમાણિકપણે પોતાની જવાબદારીઓ નિભાવતા રહે તો કોઇ વિખવાદ નથી રહેવાનો.

ચોથી વાત વક્તાએ બહુ મજાની કરી અને આ વાત સાંભળીને લગભગ રૂમમાં બેઠેલા બધાં હસી પડ્યા

Women never forget, they can forgive but never forget.

Men tent to be told Again n Again.

ભાગ્યે જ ઉપરની વાત સાથે કોઇ સ્ત્રી કે પુરૂષ અસહમત થશે. પત્ની અવારનવાર પતિને એમણે વર્ષો પહેલા કરેલા ગુનાઓની યાદ તાજી કરાવતી રહે છે. જ્યારે પતિને તો એ ગુના યાદ પણ ના હોય અને જો યાદ હોય તો પણ પહેલી વાત મોંમાંથી નીકળશે “તો….. એનું અત્યારે શું છે.. જે થઇ ગયું એ થઇ ગયું… ”. અને પછી જામે બન્ને… 🙂 સ્ત્રીઓ પુરૂષોએ કરેલી નાનામાં નાની હરકતો (એટલે કે ગુનાઓ) વર્ષો વર્ષ સુધી યાદ રાખશે અને હપ્તે હપ્તે એ ગુનાઓની સજા આપતી રહે છે. આ એક સનાતન સત્ય છે.

પાંચમી વાત વક્તાએ ખૂબ મૂદ્દાની કરી અને એ હતી કે શું જોઇએ છે સ્ત્રી અને પુરૂષ બન્નેને

Women need to be Loved and need Security.

Men need to be Admired and Respect.

કેટલી સાચી વાત છે આ નહીં? સ્ત્રીની દરેક મૂશ્કેલીઓમાં ક્યાંક ને ક્યાંક કોઇ ભય છૂપાયેલો હોય છે. પ્રેમ ના પામવાનો, પરિવારની સ્વીકૃતિ ના પામવાનો, નોકરી કે પરિવારમાં માન સમ્માન ના પામવાનો ડર,  વગેરે વગેરે… જો તમે સ્ત્રી સાથે પ્રેમથી વાત કરશો તો કામ થઇ જશે પણ જો બૂમાબૂમ કરશો તો કદાચ મેળ નહીં પડે. જ્યારે પુરૂષ માટે પ્રેમ શું છે એ અહીં લખવાની જરૂર નથી. પુરૂષ માટે પ્રેમ કરતા પણ વધૂ અગત્યની વાત છે પોતાનું માન સમ્માન. જો કે સ્ત્રીઓની દુનિયા પુરૂષોની આ જરૂરિયાતને અહમ નામ અપાય છે. આ વાત ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને કદાચ ઘણા બધાં ઝઘડાઓના મૂળમાં આ જ વાત રહેલી હોય છે. મને આ વાત એકદમ યોગ્ય લાગી.

છઠ્ઠી વાત વક્તાએ કરી સ્ત્રી અને પુરૂષોની વિચાર શક્તિ વિશે

Women keep changing their minds

Men are stable and level headed.

આ વાત પહેલા મૂદ્દા જેવી જ છે. હજી પણ સ્ત્રીઓ મોટા નિર્ણયો લેવા માટે પુરૂષો પર આધારિત હોય છે. એના બે કારણો છે એક તો પ્રથમ સ્ત્રી જાણે છે કે તે દિલથી વિચારશે અને એમ કરતા કદાચ આગળ જતા સમસ્યા થઇ શકે અને બીજું કે જો પુરૂષ એના નિર્ણયમાં સહભાગી થશે તો એને એક પ્રકારની સુરક્ષા મહેસુસ થશે અને પોતાના નિર્ણયને વધૂ આત્મવિશ્વાસ સાથે લઇ શકશે. આ વાત ઇંડિયામાં જ નહીં પણ સિંગાપોરમાં પણ હું જોઉં છું.

ઉપરની અમુક વાતો વકતાએ સ્ત્રી પુરૂષની સરખામણી કરતા કહી. આ વાતો સમજવી જરૂરી છે કારણ કે સામેની વ્યક્તિની વિચારસરણીને સમજવાથી ઘણી સમસ્યાઓ હળવી થઇ શકે છે.

જો કે ઉપરની બધી હકીકતો જાણ્યા અને સમજ્યા બાદ પણ તૂ.. તૂ.. મેં.. મેં.. થઇ શકે છે. તો આવી તૂ.. તૂ.. મેં.. મેં.. વખતે શું ના કરવું જોઇએ એ વિશે વક્તાએ વાત કરી.

  • અવાજ નીચો રાખવો : એમણે આ વિશે બહુ સારી વાત કરી કે તમે અવાજ ઉંચો ના કરો પણ તમારા મૂદ્દાને વધારે સારી રીતે મૂકો. જો અવાજ ઉંચો થશે તો લોકોને સંભળાવીને બદનામ થયા સિવાય કોઇ ફાયદો નહીં થાય
  • વધારે પડતી કૂથલી ના કરવી : શુધ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો ચોળીને ચીકણું ના કરવું. જે હતુ એ હતુ અને થઇ ગયું એ થઇ ગયું. થયેલું કોઇ બદલી નથી શકવાનું. વાતને વાળતા શીખો અથવા તો સમસ્યાનો અમુક દાયરો રાખીને ચર્ચા કરતા શીખો
  • મુખ્ય સમસ્યા પર ધ્યાન આપો : ઘણી વખત એવું બને કે ચર્ચા શરૂ થઇ હોય કોઇ વાતે અને અટકે કોઇ અલગ જ વાત પર. (આનુ એકદમ બંધ બેસતું ઉદાહરણ છે અણ્ણા હજારે અને બાબા રામદેવની ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઇ. અત્યારે ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઇ કોરાણે મૂકાઇ ગઇ છે અને પોલીસે રામલીલા મેદાનમાં ભજવેલી રાવણ લીલા અને સુષ્મા સ્વરાજનો ડાન્સ વધારે ચર્ચામાં છે) આ બાબતે વક્તાએ પણ એક બહુ સરસ ઉદાહરણ આપ્યું. એમણે એક કપલનું ઉદાહરણ આપ્યું કે જેમાં પત્ની માંદી પડી હતી અને પત્નીએ પતિને કહ્યું હતું કે સાંજે આવતી વખતે મારા માટે ડોકટરની એપોઇન્ટમેન્ટ લેતા આવજો. પતિ ઓફિસમાં આખો દિવસ બહુ વ્યસ્ત રહ્યો અને ઘરે જતી વખતે ડોકટરની એપોઇન્ટમેન્ટ લેતા જવાનું ભૂલી ગયો. બસ પછી શું થાય એ કહેવાની જરૂર છે?  બસ આટલી વાત કરીને વક્તાએ સવાલ કર્યો કે હવે આ ઉદાહરણમાં સમસ્યા શું છે? એટલે અમારા રૂમમાં બેઠેલી બધી સ્ત્રીઓએ એક અવાજે પતિને બેજવાબદાર ગણાવી દીધો અને પત્નિને પ્રેમ નથી કરતો એમ જણાવી દીધું. (રૂમમાં બેઠેલા બધાં પુરૂષોની બોલતી બંધ :)) વક્તાએ તરત જ કીધું કે મુખ્ય સમસ્યા પતિ નથી પણ મુખ્ય સમસ્યા છે પત્નિની માંદગી. પહેલા એ સમસ્યાને દૂર કરવા પર ધ્યાન આપવુ જરૂરી છે નહીં કે પતિ ભૂલી જ શેનો જાય એનો ખરખરો કરવાનો. પતિ કેમ ભૂલી ગયો એ ચર્ચા પછી પણ થઇ શકે છે જ્યારે પત્નિ એક્દમ સ્વસ્થ થઇ જાય અને બન્નેના ચિત્ત શાંત હોય. એવું પણ બની શકે કે પતિ ખરેખર ફસાયેલો હોય અને એના લીધે કદાચ એ એપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલી ગયો હોય.
  • તરત ચર્ચા કરવાનું ટાળો : તપેલા મગજે ચર્ચા કરવાનો કોઇ સાર નથી.એવું પણ બને કે જે હકીકત અત્યારે દેખાતી હોય હકીકત એનાથી વિપરીત હોય. સમય એક મલમનું પણ કામ કરે છે અને ગમે તેવા ઘાવ હોય તો પણ રૂઝવી નાંખે છે.
  • લાગણીઓને કાબૂમાં રાખો : માણસ એક લાગણીશીલ પ્રાણી છે એટલે અમુક વખત લાગણીઓ એના પર હાવી થઇને જ રહે છે. ગુસ્સો એ પણ લાગણી જ છે એક પ્રકારની. આને કાબૂમાં કરવાનો પ્રયત્ન જરૂરી છે.

ઉપરના મૂદ્દાઓ સહિત બીજી ચર્ચાઓ અને ઉદાહરણોની આપ લે થઇ પણ કરેલા બધાં વિચાર વિનિમયની વાત અહીં કરવી અશકય છે. એટલે અહીં વિરામ આપુ છું.

ઉપરનું બ્રહ્મજ્ઞાન મને તો માણવાની મજા આવી. આ વાત સમજવી અને પોતાનામાં ઉતારવી સહેલી તો નથી પણ પ્રયત્ન તો જરૂરથી કરી જ શકાય. જો કે સાથે સાથે એ પણ કહી દઉ કે દુનિયામાં રહેલી અમુક જડતાઓનો કોઇ ઉપાય નથી. આપણે મોટા ભાગે આપણા કરતા બીજાના ભોગે વધારે હેરાન થતા હોઇએ છીએ.

Credits : TOUCH Community Services, Singapore

Speaker : Mr. Edmund Wong, Family Life Ambassador

હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા

ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”. જેને આ કહેવત પર વિશ્વાસ ના હોય એ નીચેનો ફોટો જોઇ લે અને કહેવતને માની લે.

આ ફોટો ફૂકેટમાં Elephant Safari માટે ગયા હતા ત્યારે લીધો છે.

બેટર હાફ – સંગીત

ગઇ કાલે રાગામાં ખાંખા ખોળા કરતા મને હમણાં થોડા વખત પહેલા રજૂ થયેલા ગુજરાતી ચલચિત્ર “બેટર હાફ”નું આલ્બમ જોવા મળ્યું. આ ચલચિત્ર વિશે એક બ્લોગ પર પ્રશંસા વાંચી હતી એટલે ઉત્સુક્તાપૂર્વક એનું સંગીત સાંભળવાનું શરૂ કર્યું. મને સંગીત સાંભળીને ભયંકર નિરાશા થઇ. જેટલા ઉત્સાહથી શરૂ કર્યું હતું સાંભળવાનું એ બધો ઉત્સાહ 1-2 ગીતમાં જ  મરી પરવાર્યો. ગીત ગદ્ય છે કે પદ્ય એ જ સમજવું અઘરું હતું. જાણે શબ્દોને જેમ તેમ જોડીને સંગીત બનાવી દીધું હોય એમ લાગતું હતું. બે ગીતો તો પાછા હિન્દીમાં હતા. મને એમ થયું ગુજરાતી ભાષા અને એનું સંગીત એટલું પાંગળું બની ગયું છે કે ચલચિત્ર બનાવીએ તો એના 3-4 ગીત પણ ગુજરાતી ભાષામાં ના બનાવી શકીએ? ચલચિત્ર તો મેં જોયું નથી પણ સંગીત સાંભળીને જરૂર હું નિરાશ થયો.

જીતેન્દ્રભાઇના બ્લોગ પર એમણે લખ્યું છે કે નવું ગુજરાતી ચલચિત્ર “સૂરજ ઉગ્યો શમણાંને દેશ” એ જરા હટ કે છે. આશા રાખું કે એ ખરેખર સાચી વાત હોય. ભલે ગુજરાતી કસબીઓ હોલીવૂડ કે બોલીવૂડને ટક્કર આપે એવા ચલચિત્ર ના બનાવે પણ કમ સે કમ જોઇ શકાય એવા તો ચલચિત્રો બનાવે એવી આશા રાખી શકાય.

હમણાં થોડા સમયથી અહીં ઝી પર મહિનામાં એક વખત રવિવારે બપોરે ગુજરાતી ચલચિત્ર આવે છે. લાગણીના ઘોડાપૂરમાં તણાઇને આ મૂવી જોવા કોઇ વખત બેસું છું પણ આખું મૂવી હજુ સુધી નથી જોઇ શક્યો. કદાચ આખું મૂવી જોવું અસહ્ય થઇ જાય છે અથવા તો સમય બગડતો હોય એમ લાગે છે.

ગુજરાતી ચલચિત્ર જગતની આ પરિસ્થિતિ ક્યારેય સુધરશે?

%d bloggers like this: