ઇન્ડિયા ડાયરી – 9 : સમાપન

લગભગ અઠવાડિયું થઇ ગયું છે બ્લોગ પર કંઇક લખ્યાને. મારા અને બ્લોગ વચ્ચે અત્યારે "તમને સમય નથી અને મારો સમય નથી…." એમ જ ચાલ્યા કરે છે. છેલ્લા બે મહીનાથી આમ તો મારાથી નિયમિત રીતે નથી લખી શકાતું. પહેલા ઇન્ડિયા હતો એટલે ત્યાં અનૂકુળતા ના હોય લખવાની, પછી સિંગાપોર પાછો આવ્યો અને એકલો હતો એટલે લખવા પાછળ સમય બગાડવો ના પોષાય 🙂 અને હવે બધાં સિંગાપોર પાછા આવી ગયા એટલે હવે બ્લોગ કરતા પહેલા એમને સમય ફાળવવો પડે.

રુહી અને વિભા પાછા આવી ગયા એટલે વર્ષ 2009ની અમારી ઇન્ડિયા યાત્રાનો સુખદ અંત આવી ગયો. આ વખતની યાત્રા ભૂતકાળમાં અત્યાર સુધીની ઇન્ડિયાની યાત્રાઓમાંથી સૌથી વધૂ ફળદાયી અને આનંદપ્રદ રહી. નીચે અમુક કારણો છે જેના લીધે મને આ વખતે સૌથી વધારે મઝા આવી.

  1. ઘર લેવાનું અને વાસ્તુ પૂજા કરવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થયું. સારા કામમાં સો વિધ્ન હોય એમ ઘણી હા… ના.. અને સમસ્યાઓ વચ્ચે બધું એક્દમ સરસ રીતે કામ થઇ ગયું. મેં વિચારી રાખેલા કામો અને કરેલા આયોજનો સમયસર પૂરા થતા જોઇને મને આનંદ અને ગર્વની મિશ્રિત લાગણી થઇ રહી હતી. હવે આગળ શું એ માટે Mission 2011 અત્યારે મગજમાં આકાર લઇ રહ્યું છે પણ હજી આયોજનની રૂપરેખા તૈયાર થઇ નથી. Mission 2009 સફળતાપૂર્વક પાર પાડ્યું છે એટલે Mission 2011 માટે આત્મવિશ્વાસ છે કે એ પણ થઇ જશે.
  2. આ વખતે ઘણાં બધાં જૂના સંબંધો ફરી તાજા થઇ ગયા. જેમ કે સ્કૂલ છોડ્યા બાદ પહેલી વખત ઘણા બધાં સ્કૂલના મિત્રોને મળ્યો અને સ્કૂલની યાદો તાજા કરી. અમુક જૂના મિત્રોને કે જેમને જીવનમાં ફરી ક્યારેય મળી શકાશે કે કેમ એમ લાગતું હતું એમને પણ મળવાનું થયું. અમુક પ્રોફેશનલ મિત્રોને પણ મળવાનું થયું. રાત્રે લોંગ ડ્રાઇવ પર જવાની મઝા પણ માણી લીધી.
  3. બધા સાથે આ વખતે બહુ રખડપટ્ટી કરી અને ખાવા પીવામાં બહુ જલસા કર્યા. દાબેલી, પાણી પૂરી, માટલા કૂલ્ફી, પિઝઝા, વગેરે હજી પણ યાદ આવે છે.
  4. મારા માટે આ વખતે બહુ શોપિંગ કર્યું. કપડા, જૂતા અને બીજી નાની મોટી વસ્તુઓનું exclusive મારા માટે જ શોપિંગ કર્યું. શોર્ટ શર્ટ સારા ના મળ્યા પણ એના સિવાય બધી વસ્તુઓ જે મારે જોઇતી હતી એ મળી ગઇ.
  5. શરૂઆતના દિવસોમાં કામકાજની બહુ દોડાદોડી નહોતી એટલે સારો આરામ પણ કરવા મળ્યો.

આ વખતે ફક્ત 21 દિવસની જ રજા હતી (મોટા ભાગે હું 4 અઠવાડિયાની રજા લઇને ઇન્ડિયા જાઉ છું)  એટલે મને કમને પાછા આવવું પડ્યું 4થી નવેમ્બરે. સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સવારે સમાનની સાથે સાથે મારા ટાંટિયા પણ ઘસડતો ઘસડતો હું પાછો આવ્યો. પહેલો દિવસ તો કંઇ કરવાનું મન જ ના થાય. પણ પછી બીજા દિવસથી રોજીંદી ઘરેડમાં સેટ થઇ જવું પડ્યું.

આ વખતે ઇન્ડિયાથી આવ્યો ત્યારે જ નક્કી કરી રાખ્યું હતું કે જેટ્લા સમય એકલા રહીએ એનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને મારા પ્રયત્નમાં હું સફળ પણ થયો. શરૂઆતના દિવસોમાં ઓફિસનું બધું કામ જે ચઢેલું હતું એ પતાવી દીધું. પછી થોડી રખડપટ્ટી ચાલુ કરી. અમુક સ્થળો જે મેં નહોતા જોયા અને જોવામાં રસ હતો જેમ કે art exhibition, museum વગેરે સ્થળોએ જવાનું શરૂ કર્યું. આવા સ્થળોએ સપરિવાર જવાની મઝા ના આવે કારણ કે રુહીને પૂતળા, ઇતિહાસ અને ચિત્રો જોવાની મઝા ના આવે :).  મને તો આ બધાં સ્થળોએ જવાની મઝા પડી ગઇ. ત્યાર બાદ થયું કે ઘરે આવીને સમય બગડે છે એટલે વાંચનના શોખ કે જે અભરાઇ પર ચડી ગયો હતો એને ઉજાગર કરવાની મહેનત કરી. એ મહેનત તો એકદમ ફળી કારણ કે ચેતન ભગતને વાંચીને દિલ બાગ બાગ થઇ ગયું. હવે વાંચવાનો પ્રયત્ન સતત ચાલુ જ રહેશે. ત્યાર બાદ અમુક મૂવી જોયા જે દરેકે દરેકે સારા હતા એટલે ડોલર અને ટાઇમ બન્ને વસૂલ. આ દરમ્યાન મગજમાં ફોટોગ્રાફી કરવાનો કીડો સળવળ્યો (આ કીડો મને “Wake up Sid” જોઇને સળવળ્યો). બીજા દિવસે સિંગાપોરના રસ્તાઓ પર મારા કેમેરા સાથે નીકળી પડ્યો અને લગભગ જે દેખાયું એ બધાના ફોટા પાડી લીધા. મઝા આવી ફોટોગ્રાફી કરવાની. ત્યાર બાદ મને અહેસાસ થયો કે આમ તો હજી પણ હું જુવાન જ કહેવાઉ એટલે અમુક bachelor’s night out ના અખતરા પણ કરી જોયા. એ અખતરાઓમાં પણ મઝા આવી. ખાવા પીવામાં પણ અમુક જગ્યાએ મઝા આવી. એકંદરે 25 દિવસની મળેલી આઝાદીનો મેં મારાથી બનતો પૂરો પ્રયત્ન કરીને પૂરતો આનંદ લીધો. મને લાગે છે લગ્ન થઇ જાય તો પણ અમુક space પતિ અને પત્નીને બન્નેને મળી રહેવી જોઇએ. વર્ષે 15-20 દિવસ માટે એકલા રહેવું એ ખરેખર સારું જ છે. એમાં ક્યાંય પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઇ જવાની વાત જ નથી. ઉલ્ટાનું આમ કરવાથી પતિ પત્ની બન્નેને પોતાની રોજીંદી ઘરેડમાંથી બહાર આવી શકે અને ફરીથી રી ચાર્જ થઇને સાથે રહી શકે.

હવે ફરીથી 9-6ની રોજીંદી જીંદગીમાં ગોઠવાઇ ગયો છું. નીચે રુહીના ચાંગી એરપોર્ટ પર લીધેલા ફોટો છે. રુહી ઇન્ડિયાથી નવી હેર સ્ટાઇલ લઇને સિંગાપોર આવી છે.

DSCF1029

DSCF1028

ઇન્ડિયા ડાયરી – 8 : લૂંટાલૂંટ (मेरे पापा का सपना सब का पैसा अपना)

ઇન્ડિયાની વિઝીટ દરમ્યાન મેં એક ચીજ નોંધી કે લોકોમાંથી પ્રમાણિકતા ગાયબ થઇ રહી છે. મોટા ભાગના લોકો (એમાં આપણી સરકાર પણ આવી ગઇ) બસ પૈસા અંદર કરવામાં પડ્યા છે પછી ભલે એનાથી બીજાને નુકશાન થાય કે ખોટુ કામ કરવું પડે. હજી પણ અમુક હીરાઓ છે જે આજના જમાનામાં પણ dignity અને honesty સાથે જીવી રહ્યા છે પણ એવા લોકો બહુ ઓછા છે. મને આ વખતે ઘણા એવા અનુભવો થયા.

1. સૌ પ્રથમ મને કડવો અનૂભવ થયો અમદાવાદની ટ્રાફિક પોલીસ તરફથી. હું મિરઝાપુરની GPO પોસ્ટ ઓફિસ પાસે મારુ સ્કુટર મૂકીને અંદર મારા કામ માટે ગયો હતો. બહાર આવીને જોયું તો સ્કુટર ગાયબ. ખ્યાલ આવી ગયો કે અમદાવાદ પોલીસને મારું સ્કુટર જોઇને ખુજલી ઉપડી. જોવા જેવી વાત એ હતી કે મેં જ્યાં મૂક્યું હતુ સ્કુટર ત્યાં બીજા 10 વાહનો પડ્યા હતા. ત્યાં કે આજુ બાજુમાં કોઇ No Parkingનું પાટિયું નહોતું. આ સંજોગોમાં એવો વિચાર મને કઇ રીતે આવે કે અહીં પાર્કિંગ ના કરાય? મારું નસીબ પણ બહુ જોર કરતું હતું કારણ કે એ વખતે ઘણાં વાહનો આજુબાજુ હતા પણ ટોઇંગવાળાને ખાલી મારા સ્કુટર પર જ પ્રેમ આવ્યો. હવે સવાલ એ છે કે જો પાર્કિંગની કોઇ સુવિધા ના હોય અને No Parkingનું પાટિયું ના હોય તો મારે ક્યાં વાહન પાર્ક કરવું? દુ:ખ એ વાતનું પણ હતું કે સ્કુટર ઉઠાવીને લઇ ગયા તો ભલે મારા નસીબ પણ કોઇ માહિતી તો પાછળ મૂકતા જાઓ જેથી ખબર પડે કે સ્કુટર લઇ જવામાં આવ્યું છે અને આ જગ્યાએ આવીન છોડી જાઓ. કોઇક વ્યવસ્થા તો હોવી જ જોઇએ ને. પહેલેથી આમ ચાલતું આવ્યું છે અને ચાલતું આવશે એવું જરૂરી થોડું છે? સામાન્યા માણસનઈ અનૂકુળતા માટે સિસ્ટમમાં કોઇ ફરક કરવાનો જ નહીં? સામાન્ય માણસ ભલે ને હેરાન થાય who cares? મેં ત્યાર બાદ ત્યાં ઉભેલા લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી કે GPOથી ટોંઇગ કરેલા વાહનો રૂપાલી સિનેમા ગયો. હું ભર બપોરે GPOથી ચાલતો રૂપાલી ગયો અને ત્યાં 100 રૂપિયા આપીને મારું સ્કુટર છોડાવ્યું. મેં ચાહ્યું હોત તો કદાચ હથેળી ગરમ કરીને 50 રૂપિયા આપીને કામ પતાવી શક્યો હોત પણ મારે કોઇને લાંચ આપીને આદતો ખરાબ નહોતી કરવી. ત્યાં અમુક લોકોને ઝઘડો કરતા પણ જોયા. એક વ્યક્તિ તો વળી કહેતો હતો કે એણે ટ્રાફિક પોલીસને પૂછીને જ પાર્કિંગ કર્યું હતું તો પણ એનું વાહન ઉઠાવી લાવ્યા. બસ સરકારને ટોઇંગના પૈસા ગમે તેમ પડાવવામાં લોકો પાસેથી રસ છે. જો પાર્કિંગની સુવિધા હોય અને માણસ ગમે ત્યાં પાર્ક કરે તો બરાબર છે પણ આ તો કોઇ સુવિધા નહીં આપવાની અને લોકોના ગજવા ખાલી કરવાના. કેવો સરસ attitude?

2. બીજો ખરાબ અનૂભવ થયો મને C G રોડ પરની પાર્કિંગ સિસ્ટમનો. C. G. રોડ પર થોડા વર્ષોથી પે પાર્કિંગ થઇ ગયું છે. હું દર વખતે 2 રૂપિયા આપીને પાર્ક કરું છે. પણ હું એક જગ્યાએ 2 રૂપિયા આપી પાર્ક કરું પછી થોડે દૂર બીજી દુકાન પાસે પાર્ક કરું એટલે ફરીથી 2 રૂપિયાની ચિઠ્ઠી ફાડવા આવી જાય. હું કલાકની અંદર 10 દુકાન ફરું મારે એમ તો 20 રૂપિયા આપવા પડે એમ થાય. આ વ્યાજબી તો નથી જ ને? એક વખત તમે પાર્કિંગ માટે રૂપિયા આપે તો કમ સે કમ એક કલાકની વેલિડીટી તો મળવી જોઇએ  કે નહીં? દર 10-10 મીટરના અંતરે શા માટે પાર્કિંગના રૂપિયા આપવાના? એટલે જ પછી એક વખત મારી બબાલ થઇ ગઇ. મેં ફરીવાર 2 રૂપિયા આપવાની ના પાડી અને થોડા ઉંચા અવાજે વાત કરી એટલે ભઇ ઠંદા પડી ગયા. મને કહે વાંધો નહીં ચલો 1 રૂપિયો આપો. મેં કીધું મારે કંઇ આપવું નથી તું મને તારા સાહેબ જોડે લઇ જા. હું ગયો પણ ખરો પણ એમ કોઇ સરકારી સાહેબો થોડી પોતાની જગ્યા પર મળે. અંતે હું કોઇ પણ વધૂ રકમ આપ્યા વગર ત્યાંથી નીકળ્યો પણ મને નિયમોની કોઇ clarity ના મળી. મારા ખ્યાલથી લૂંટો ભઇ લૂંટો ના બદલે એક વખત પાર્કિંગ ટિકીટ ખરીદો એટલે થોડા સમય માટે(1-2 કલાક માટે) C. G. રોડ પર પાર્કિંગ વેલિડીટી મળવી જોઇએ. 

3. સૌથી વધારે મહાનાલાયક પ્રજા જેની જોડે મારો આ વખતે પનારો પડ્યો એ તો બિલ્ડર પ્રજાનો. બિલ્ડરોને ખાલી રૂપિયા ગણવા ગમે કામ થાય કે ના થાય એ એમને નહીં જોવાનું. મારા મકાન માટે મેં 1 લાખ રૂપિયા બાકી રાખીને બધાં રૂપિયા આપી દીધા હતા. દસ્તાવેજ કરી લીધો તો પણ મકાનની ચાવી આપવાની અને બાકીના કામ પૂરા કરી આપવની કોઇ પરવા નહીં. દર વખતે નાના ના કામ માટે મારે પાછળ પડીને કરાવવાનું. અમુક કામ તો મેં મારા રૂપિયા ખર્ચીને પૂરું કરાવ્યું ત્યારે મારું ઘર વાસ્તુ કરવા લાયક તૈયાર થયું. હું નિકળ્યો સિંગાપોર આવવા ત્યારે પણ થોડું કામ બાકી હતું છતાં પણ ચાવી લેવા માટે બધાં રૂપિયા આપવા પડ્યા. અમે કીધું કે 25000 રૂપિયા બાકી રાખો અને ચાવી આપી દો. બાકીના 25000 રૂપિયા કામ પતશે એટલે મળી જશે. પણ એમ માને તો બિલ્ડર જાત શેની? બિલ્ડરભાઇ કહે મારો વિશ્વાસ રાખો તમારું કામ પતી જશે તમે રૂપિયા આપી દો. બોલો મારે એમનો વિશ્વાસ કરવાનો પણ એ મારો વિશ્વાસ ના કરે. કમ સે કમ મારા 1000 રૂપિયાના ફોન થઇ ગયા હશે એ બિલ્ડરના માણસો પાછળ તો પણ આપણને બ્લેમ કરે કે તમારે ફોન કરવાની શું જરૂર હતી અમે કામ પતાવી દઇશું. આટલો follow up કરવા છતાં કામ ના થાય તો પણ પૈસા પૂરેપૂરા આપી દઇને મારે એમનો વિશ્વાસ કરવાનો. કદાચ આ રીતે જ ઇન્ડિયામાં કામ થાય છે એ મને આ અનૂભવ શીખવાડી ગયો. આપણે આપણી ચિંતા કરવાની અને રૂપિયા ઘર ભેગા કરી દેવાના પછી બીજાનું જે થવું હોય એ થાય.

4. ઘરે વાસ્તુની વિધિ ચાલી રહ્યી હતી. ત્યારે એન્ટ્રી મારી હિજડાઓની જમાત આવી. એમનો ધંધો પણ દાદાગીરીનો છે. 501 રૂપિયા આપવાની વાત કરી તો પણ ના. નાલાયકી અને મોટો સીન કરીને 1501/- રૂપિયા ગણીને મારી પાસેથી લીધા. મને એટલો ગુસ્સો આવ્યો કે એમને જે નાટક કરવું હોય એ કરે મારે 1500 આપવા જ નથી. મારે શા માટે આપવા મારી કમાણીના પૈસા એ મફતિયાઓને? એમના આશીર્વાદ નથી જોઇતા અને જેટલી ગાળા ગાળી અને નાગાઇ કરવી હોય એ કરે એ હિજડાઓ. બહુ મોટો સીન થયો પછી મમ્મીએ વિધિ ના બગડે એટલે 1500 આપ્યા. હિજડાઓ સાલા લૂંટારા થઇ ગયા છે. મને એટલો ગુસ્સો આવ્યો કે પોલીસને ફોન કરીને બોલાવું અને બધાંને જેલની હવા ખવડાવું.

5. બીજા પણ આવા અનેક અનુભવો થયા. જેમ કે ખબર પડે કે NRI છે એટલે ભાવ બદલાઇ જાય કોઇ વસ્તુનો. 100ની વસ્તુનો ભાવ થઇ જાય 200 રૂપિયા. પાછું મીઠું બોલીને કહેવાનું પણ ખરું કે તમે તો NRI  છો હવે શું ચિંતા કરવાની રૂપિયાની? બોલો જાણે દરેક NRI ના ઘરની બહાર ભગવાને ડોલરનું ઝાડ મૂક્યું હશે?

અત્યારે આટલા અનૂભવો જ આવે છે મગજમાં. આ બધાં અનૂભવોએ શીખવાડ્યું કે આપણે આપણી કાળજી જાતે જ રાખવી કારણ કે મહેનતથી કમાયેલા રૂપિયા આપણા છે અને એને લૂંટવાની ઇચ્છા રાખનારાઓ ચારે બાજુ છે.

ઇન્ડિયા ડાયરી – 7 : Positive about Narendra Modi in English Media

રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો. મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા. આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી. સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી. 🙂

આમ જોવા જઇએ તો સાચી જ વાત છે ને?

ઇન્ડિયા ડાયરી – 6 : Ahmedabad’s Science City ઉઘાડી લૂંટ

મેં ગુજરાતી છાપાઓમાં વાંચ્યં હતું કે અમદાવાદમાં Science City બન્યું છે એટલે મેં નક્કી કર્યું હતું કે ઇન્ડિયા જઇશું ત્યારે જોઇશું. અહીં સિંગાપોરનું Science Centre બહુ સરસ છે. હું 2-3 વખત ત્યાં ગયો છું અને મને મઝા પણ આવે આવી જગ્યાઓએ જવાની એટલે મને અમદાવાદમાં Science City કેવું બન્યું છે એ જોવાની તાલાવેલી હતી.

DSC02072

અમદાવાદમાં Science City એ શહેરથી દૂર છે. મારા ઘરથી તો લગભગ 15-20 કિમી જેટલું થાય તોય અરમાનો લઇને અમે ઉપડ્યા જોવા. જોયા પછી મને બહુ જ નિરાશા થઇ. ચોખ્ખા શબ્દોમાં કહું તો હજી ત્યાં ધૂળ અને પથરા સિવાય ખાસ કશું નથી. જો કે મને સૌથી વધૂ મનદુ:ખ એ જોઇને થયું કે કંઇ ના હોવા છતાં ત્યાં લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો અત્યારથી જ ચાલુ થઇ ગયો છે.

દરવાજેથી અંદર જવા માટે પહેલા પ્રવેશ ફી 10 રૂપિયા. પાર્કિંગ ફી 5-10 રૂપિયા.  અંદર ગયા પછી દરેકના પૈસા અલગથી અને ભાવ પણ સામાન્ય માણસને ના પરવડી શકે એવા.

DSC02073 

ઉપર ભાવપત્રકનો ફોટો છે. આમાંથી જે પણ ફ્રી છે એ જેવી તેવી હાલતમાં છે અથવા બની રહ્યું છે. IMax મૂવી શો ના 125 રૂપિયા અને 12 વર્ષથી નીચેના બચ્ચાઓ માટે 100 રૂપિયા. બોલો હવે સામાન્ય લોકોને પરવડી શકે. ખાલી મૂવી શો જોઇને આવે તો પણ 150 રૂપિયા ઘૂસી જાય એક વ્યક્તિ દીઠ. એનર્જી પાર્કના કોઇ ઠેકાણા નહોતા. Science City બનાવવાનો મતલબ એ હોવો જોઇએ કે વધૂમાં વધૂ લોકો આવે અને વિજ્ઞાનમાં લોકોની રૂચિ કેળવાય. એ માટે લોકોને પોષાય એ રીતના ભાવ રાખવા જોઇએ. સિંગાપોરમાં એકદમ સરસ Science Centre છે છતા એના ભાવ એકદમ ઓછા છે. 6 ડોલર પ્રવેશ ફી છે. 6 ડોલર એટલે કશું ના કહેવાય આમ જોવા જઇએ તો અને અંદર પછી બધું મફત જોવાનું. અલગથી કોઇ ટિકીટ નહીં લેવાની. ખાલી 10ડોલરમાં જ IMax મૂવી. સ્કૂલના બાળકો માટે તો લગભગ ફ્રી જેવું જ છે.

નીચે મૂકેલા ફોટા Science City ના ટોઇલેટના છે. હજી નવું નવું બન્યું છે તેમ છતાંય હાલત જુઓ બારી બારણાંની. આ જોઇને તો એમ જ લાગે કે આ પૈસા ખાવા માટે જ પ્રોજેકટ ચાલે છે.

DSC02081        DSC02080

ફરી ફરીને અમને કંઇ મળ્યું નહીં એટલે કંટાળીને મ્યુઝીક ફાઉન્ટેનમાં અમે ગયા તો એમાં પણ કંઇ બહુ મઝા ના આવી. ગીતો વાગતા હોય અને ફૂવારા છૂટયા કરે એનો શું મતલબ? ગીત જે વાગતું હોય એની સાથે ફૂવારાની કોઇ રીધમ જ નહીં. ગીત વાગે અને લાઇટો સાથે ફૂવારા ઉછળ્યા કરે જેમ તેમ એમાં અમારા જેવા NRI માણસોને તો ના જ મઝા આવે. 

જોઇએ હું આવતા વર્ષે ઇન્ડિયા જઇશ ત્યાં સુધીમાં કંઇ સુધારો થાય છે કે નહીં? સૌથી પહેલા તો Science City ની મૂલાકાતને સામાન્ય માણસ માટે affordable બનાવવાની જરૂર છે. વિધ્યાર્થીઓ માટે તો મારા મતે મફત જ હોવું જોઇએ જેથી એ લોકોનો વિજ્ઞાનમાં રસ જાગૃત થાય.

ઇન્ડિયા ડાયરી – 5 : સરકારી બેંકોથી ભગવાન બચાવે

આપણા દેશમાં કદાચ બધું સૂધરશે પણ સરકારી કામકાજ તો નહીં જ સુધરે. આ વખતે મકાનના કામકાજના લીધે અને પૈસાના મોટા વહીવટના લીધે આ સરકારી બેંકોમાં બેઠેલા સરકારી જમાઇઓ સાથે મારો પનારો પડ્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી બેંક છે પણ કામકાજના મામલામાં એટલી જ ખોટી છે. મને ખબર નથી પડતી કે કંઇ રીતે એ દેશની સૌથી વધૂ નફો રળતી બેંક છે.

આ વખતે ઘર પાસેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચના કેટલાક અનૂભવો જોરદાર રહ્યા. એક તો બેંક અંદરથી એક્દમ ગંદી ગોબરી હતી (આટલા હલકા શબ્દો પણ બહુ સારા છે બેંકના અંદરની સ્વચ્છતા વિશે). મારા ઘર પાસેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં પણ હવે ICICI બેંકની જેમ પૈસા ઉપાડવા/મૂકવા માટે ટોકન આપવાની પ્રથા હવે ચાલુ કરી છે. કોઇને લાગે કે સારુ છે ને ટોકન આપવાથી કોઇ વચ્ચે ઘૂસ ના મારે. પણ ટોકન લેવા માટે કોઇ મશીન નહોતું પણ એક ભાંગ્યા ટૂટ્યા ટેબલ પર એક ચોથી કક્ષાના બેંકના કર્મચારીને બેસાડ્યો હતો. હવે ખબર નહીં એ ટોકન આપવાવાળા ભાઇના મગજમાં શું હશે પણ એ તો પોતાની જાતને બેંકના મેનેજરથી પણ ઉપર ગણતા હતા. લોકો પર પરમ ઉપકાર કરતા હોય અને પોતાના ગજવામાંથી દાનરૂપે બધાંને પૈસા અપાવતા હોય એ રીતે બધા સાથે વર્તન કરતા હતા. આપણા જેવા ભણેલા લોકો સામે તો ટે ટુ શું કરે એ પણ જો કોઇ ચાલી વાળો, કારીગર કે નાનો માણસ હાથ આવી ગયો તો થયું એને ખખડાવી જ નાંખે. સરખી માહિતી પણ નહીં આપવની કે શું કરવાનું? કોઇ યાર તમને કંઇ પૂછે તો ખબર હોય એ પ્રમાણે શાંતિથી જવાબ આપવામાં ખબર નહીં શું જતું હશે લોકોને? ટોકન નંબરના announcement અને display માટે સુવિધા હતી તો પછી ટોકન આપવા માટે પણ એક મશીન મૂકવાનો ખર્ચો કરી દીધો હોત બેંકે તો કેટલું સારુ હોત? કમ સે કમ ટોકન આપવાવાળા પેલા હલકટ માણસના ગોદા ખાવામાંથી અભણ, મજૂર પ્રજા તો બચી જાત.

બેંકમાં કેશ કાઉન્ટર ત્રણ હતા પણ માણસ તો કાયમ કોઇ પણ બે કાઉન્ટર પર જ હોય કારણ કે કોઇ ને કોઇ કાઉન્ટરવાળા ભાઇ તો ચા પાણી કરવા ગયા જ હોય. માણસોને પૈસા આપવામાં પણ યાર કેટલી વાર કરવાની? બધાને કામ કરવાના બદલે બસ આંટાફેરા કરવા જ ગમે. એક કામ કરવા માટે પાછા ત્રણ જણ ભેગા થાય અને પાછા ત્રણ જણા ભેગા થઇને કામ તો ના જ પતાવે. એક ગોખલામાં “Customer Relationship Officer”નું સુવાળું નામ આપીને એક ભાઇને બેસાડવામાં આવ્યા હતા. એ ભાઇ જાણે ઘરમાં બેઠા હોય એમ મસ્ત શર્ટના ઉપરના બે બટન ખોલીને મોંના ગલોફામાં ગુટકા ચબાવતા હોય. કોઇ કસ્ટમર આવે તો પણ મોંમાં ભરેલા ગુટકાને લીધે વાત પણ ના થઇ શકે. હું વાત કરવા ગયો તો મારી સામે જ એમણે એમની બાજુમાં મૂકેલી પિકદાનીમાં થૂંકીને મારી સાથે વાત કરી. મને એવો ગુસ્સો આવ્યો કે સાલાને બેંકની બહાર ઢસડીને લઇ જઉ અને બે લગાવું. એક વખત એક ભાઇએ વાંધો લીધો કે કેશ આપવામાં વાર કેમ થાય છે તો કેશ કાઉન્ટરવાળા ભાઇએ કહી દીધું કે સિસ્ટમ સ્લો છે. કાઉન્ટરવાળા ભાઇએ બૂમ પાડીને મેનેજરને કીધું કે સિસ્ટમ સ્લો ચાલે છે. પત્તમ. મેનેજર સાહેબ દોડયા સર્વર restart કરવા. અડધા કલાકે સર્વર ફરી પાછું કામ કરતું થયું અને અડધા કલાક સુધી સરકારી જમાઇઓને મઝા પડી ગઇ પણ એમાં પૈસા માટે રાહ જોતી પબ્લિકની તો લેવાઇ ગઇને.

હવે સવાલ એમ થાય કે આજકાલ એટીએમની સુવિધા છે તો પછી શું કરવા બેંકમા જવાનું પૈસા ઉપાડવા. જવાબ છે મારા ઘરની આસપાસના 5 કિમીના વિસ્તારમાં બે એટીએમ છે સ્ટેટ બેંકના પણ એમાંથી એક એટીએમ તો ધનતેરસ પરથી જ રજા પર ઉતરી ગયું હતું. ત્યાં ધનતેરસથી લઇને મેં એક જ પાટિયું લટકતું જોયું હતું કે "એટીએમ બંધ છે માત્ર સ્ટેટમેન્ટ નીકળશે". (મને એમ થાય કે આ સ્ટેટમેન્ટો કાઢવા માટે એટીએમ મૂક્યા છે? પબ્લિકે ખાલી પોતાના પૈસા કાગળિયામાં લખેલા જોઇને ખુશ થવાનું?) દિવાળીના સમયે જ્યારે પબ્લિકને પૈસાની જરૂર હોય ત્યારે જ જો એટીએમ ના ચાલે તો શું કરવાનું? દિવાળી સમયે બધાંને સમયની મારામારી અને કામની દોડાદોડી રહેતી હોય ત્યારે બેકંમાંથી પોતાના પૈસા લેવા જેવા કામ માટે પણ કલાક બગાડવો પડે એ કેટલી હદે યોગ્ય છે? બીજા એટીએમમાં તો વારે ઘડીએ પૈસા જ ખાલી થઇ જાય અને હદ તો ત્યાં થાય કે બ્રાંચની બાજુનું જ એટીએમ ખટારાની જેમ બંધ પડ્યું હોય.

મને સૌથી વધૂ ગુસ્સો એ વાતનો આવે કે કોઇના મનમાં કામ કરવાની ભાવના જ ના હોય. એમ નહીં કે કોઇનું કામ હાથમાં લીધું તો ખતમ કરીએ અને એ માણસને છૂટો કરીએ. કોઇ કંઇ પૂછે તો કંઇ જવાબ સરખો નહીં આપવાનો અને પૂછનારને બેસવા માટે કહેવાનું. એ બિચારો 15-20 મિનીટ બેસે પછી એને બોલાવીને 1 મિનીટમાં રવાના કરી દેવાનો. એના કરતા પૂછે એ વખતે જ નાના કામો માટે સાચુ માર્ગદર્શન આપો તો શું વાંધો? એની 15-20 મિનીટ ના બચે? મારા PPF માં પડેલા પૈસા આપવામાં પણ એટલા જ નાટક થયા. હું પહેલા પૂછવા ગયો તો મને એક ફોર્મ આપ્યું અને કહે કે ભરીને આપો. મેં ભરીને આપ્યું તો કહે કે પાન કાર્ડની કોપી જોઇશે. એટલે મારે ઘરે ભાગવું પડ્યું પાન કાર્ડ માટે. પછી કોપી કરીને આપી તો મને કહે કે રેવન્યુ સ્ટેમ્પ જોઇશે અને એના પર સહી કરીને આપવી પડશે. એટલે મારે ભાગવું પડ્યું પોસ્ટ ઓફિસ રેવન્યુ સ્ટેમ્પ લેવા. હવે જોવા જેવી વાત એ હતી કે પોસ્ટ ઓફિસમાં પણ એક પણ રેવન્યુ સ્ટેમ્પ નહીં. બોલો કેટલી લાચારી મારી? હવે મારે ક્યાં જવાનું? મેં પછી ત્યાં પોસ્ટ ઓફિસમાં કાઉન્ટર પર બેસેલા બેનને વિનંતીના સૂરમાં કીધું કે એક જ જોઇએ છે તો જરા જુઓ હોય તો. અને પછી મારા પર ભગવાનની કૃપા થઇ અને એ બેનના હ્રદયમાં રામ વસ્યા અને મને એમણે ક્યાંકથી રેવન્યુ સ્ટેમ્પ લાવી આપી. બોલો હવે આને શું કહેવાય બેનની પરગજુતા કે એમણે મને એક રેવન્યુ સ્ટેમ્પ આપી કે પછી એ બેનનું આળસુ પણું કહેવું કે જોયા વગર જ નથી કહીને બધાંને રવાના કરી દેવાના કે પછી નાલાયકી કહેવી કે લોકોને ખાલી ખાલી હેરાન કરવાના અને પછી તમારા આગળ રોવે એટલે કામ કરવાનુ? મને મારા પૈસા ઉપાડવા માટે લોકો 2 કલાક સુધી આમ તેમ ફંગોળે રાખે એ કેટલી હદ સુધી યોગ્ય છે? જો બેંકવાળા મને ફોર્મ આપતી વખતે જ કહી દે કે ફોર્મ ભરીને પાન કાર્ડની કોપી સાથે રેવન્યુ સ્ટેમ્પ પર સહી જોઇશે તો કેટલો ટાઇમ બચે મારો? આ તો પહેલા ફોર્મ લેવા અને ત્યારબાદ ફોર્મ ભરીને આપવા માટે સાહેબના ટેબલ આગળ 15-20 મિનીટ રાહ જોવાની પછી પાન કાર્ડ લઇ આવો એટલે ફરીથી રાહ જોવાની અને પછી રેવન્યુ સ્ટેમ્પ લઇને આવું એટલે ફરી પાછી 15-20 મિનીટ રાહ જોવાની. જાણે મારે દિવસમાં એ એક જ કામ હોય.

મારે હોમ લોન લેવાની હતી ત્યારે સ્ટેટ બેંકમાંથી લેવાનો પણ વિકલ્પ હતો કારણ કે સૌથી ઓછો વ્યાજનો દર 8% સ્ટેટ બે6કનો જ છે. મમ્મીએ ફોન કરીને માણસને આવવા કહ્યું પણ એમ કંઇ માણસ આવે મળવા. છેવટે મમ્મી પોતે બેંકમાં જઇને માહિતી લાવ્યા. પણ પછી એમાં માથાકૂટ વધારે લાગી એટલે માંડી વાળ્યું. છેવટે 8.75% લેખે ICICI બેંકમાંથી લોન લીધી. ભલે 0.75% વ્યાજ વધારે જાય પણ માથાકૂટ તો નહીં. હાશ બચી ગયા.

કદાચ બધી સ્ટેટ બેંકની બ્રાંચમાં આ રીતે કામ ના પણ થતું હોય. ક્દાચ મારા નસીબમાં આવા લોકો જોડે માથા ફોડવાના લખાયા હશે. જે પણ હોય પણ એક વાત છે કે સરકારી કર્મચારી ક્યારેય કામ નહીં કરે.  દેશ ચાલે છે એ તો ઉપરવાળાની કૃપાથી :). મને એમ થાય કે ઇન્ડિયામાં સરકારી કર્મચારીઓના રેઢિયાળપણાના લીધે રોજ કેટલા Manhour ફાલતુ જતા હશે. જો આ સમયનો લોકો યોગ્ય ઉપયોગ કરે તો ઇન્ડિયા વિકાસશીલ દેશ ના રહે. ખાલી 5 વર્ષમાં વિકસીત દેશ થઇ જાય.

ઇન્ડિયા ડાયરી – 4 : ધનતેરસ અને દિવાળીની પૂજા

દિવાળીમાં ઘરના બધાં ભેગા થઇએ એટલે દેખીતુ છે કે સારુ તો લાગે જ. (મમ્મી તો કાયમ એમ જ કહે છે કે દિવાળી હોય કે ના હોય પણ મારો છોકરો મારી સાથે હોય એટલે મારે દિવાળી :)). દિવાળી દરમ્યાન મને સૌથી વધારે ઇંતેઝાર હોય છે ધનતેરસ અને દિવાળીની પૂજાનો. ધર્મના નામે વર્ષ દરમ્યાન રોજ સવારે ઘરેથી નીકળતા પહેલા ખાલી ભગવાનને નમન કરીને અગરબત્તી કરુ છું એટલું જ.  આખા વર્ષ દરમ્યાન હું આનાથી વિશેષ ભગવાન માટે સમય નથી નિકાળતો. એટલે મને બધા સાથે મળીને authentic અને શાસ્ત્રોક્ત વિધિ મુજબની પૂજા કરવાની મઝા આવે છે. મઝા એટલે અંદરથી સારુ લાગે છે. ભગવાનની સાથે હ્રદયપૂર્વક વાત કરવાની તક મળે છે. જે પણ ભગવાને સમૃધ્ધિ અને સુખ બક્ષ્યા છે એના માટે દિલથી આભાર માનવાની તક મળે છે. સાથે સાથે ભગવાનને થોડા મસ્કા પણ મારી લેવાય કે બસ થોડું વધારે :).

આ વખતે ધનતેરસના દિવસે મારા અમદાવાદના બીજા ઘરનો દસ્તાવેજ કર્યો. આમ તો જે પ્રમાણે પ્લાનિંગ કર્યુ હતુ એ પ્રમાણે તો દસ્તાવેજ ધનતેરસ પહેલા જ થઇ જવો જોઇતો હતો પણ નસીબમાં સપરમા દિવસે જ આ શુભ કામ થવાનું લખ્યું હશે. શરૂઆતની હા… ના… લેવુ… ના લેવુ…ના વિચારો, લોન કરવાના અને બીજી નાની મોટી સમસ્યાઓ બાદ છેવટે કામ પાર પડી ગયું. દસ્તાવેજનું કામ પતાવીને બિલ્ડરને બાકીના પૈસા આપીને જેવો ઘરે આવ્યો તરત સ્નાન કરીને તૈયાર થઇને બધા સાથે હું પૂજા કરવા બેઠો. પૂજામાં ઘરમાં રહેલ ધનને પ્રતિકરૂપે મૂકવાનો શિરસ્તો છે પણ મેં મારી પાસે રહેલી લક્ષ્મીથી બિલ્ડરની તિજોરી ભરી આપી હતી આ વખતે (બિલ્ડરને ધનતેરસના દિવસે રૂપિયા મળ્યા એ વખતે એના ચહેરા પર ખુશી જોવા જેવી હતી) એટલે એના બદલામાં મળેલ દસ્તાવેજને મૂકીને પૂજા કરી.  આમ પણ દર વખતે મને કંઇક નવીનતા સાથે પૂજા કરવામાં મઝા આવે (ગયા વર્ષે મારા NRE ખાતાના ડેબિટ કાર્ડની પૂજા કરી હતી) એટલે આ વખતે દસ્તાવેજ મૂકીને લક્ષ્મીમાતાને પ્રાર્થના કરી કે કરેલા રોકાણમાં સમૃધ્ધિ બક્ષજો.

DSC02092

છેવટે પૂજા બાદ નાના છોકરાઓને ફટાકડા ફોડાવ્યા. હું તો ફટાકડા ફોડતો નથી પણ રુહી નાની છે ત્યાં સુધી એ ફટાકડા ફોડે એનો વાંધો નથી મને. ત્યારબાદ સમૂહ ભોજન અને બધાએ સાથે બેસીને ગપસપ કરી. રાત્રે પથારીમાં હુ જ્યારે સૂતો હતો ત્યારે કંઇક achieve કર્યાનો સંતોષ હું અનૂભવી રહ્યો હતો. સાથે સાથે એમ પણ થતું હતું કે હજી ઘણું બધું બાકી છે અને એને મેળવવા માટે સમય ઓછો છે. હજી એ દિવસ જોવો છે મારે કે જે દિવસે મારા વોલેટમાંથી હજારની નોટ પણ વિચાર્યા વગર વાપરી શકીશ. સાથે અત્યારે આ ઘર માટે જે દેવું (લોન એટલે દેવું જ કહેવાય મારા માટે) કર્યુ છે એમાંથી કઇ રીતે જલ્દી બહાર આવી શકાય એ વિચારતો હતો. જો કે સૌથી વધારે સંતોષ મને એ વાતનો હતો કે બધા સાથે હતા અને દરેકના ચહેરા પર આનંદ હતો.

દિવાળીના દિવસે પણ ચોપડા પૂજન કર્યું હતું. આમ તો મારે કોઇ ચોપડા નથી રાખવાના હોતા તો પણ પ્રતિકરૂપે હિસાબની બુકનું ચોપડા પૂજન કર્યું. રુહીએ પણ બન્ને પૂજામાં ભાગ લીધો અને આરતી પણ ઉતારી.

રુહી પણ અત્યારથી લક્ષ્મીમાતાને અત્યારથી જ રિઝવવા લાગી છે. કદાચ એ પ્રાર્થના કરતી હશે કે ભગવાન હું મોટી થઉ એટલે મારી પોકેટ મનીનું બરાબર સેટિંગ કરી આપજે :).  સાથે સાથે હવે દરરોજ રુહી સવારે સ્નાન કરીને બા જોડે મંદિરે જાય છે. મંદિરમાં ભોળેનાથ પર કાયમ પાણીથી અભિષેક કરીને ભોળેનાથને રિઝવવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. ભોળેનાથને પ્રાર્થના કે નાની રુહીની પ્રાર્થનાનો સ્વિકાર કરજો અને એના સારા જીવનના આશીર્વાદ આપજો. નીચે રુહીના સૂર્યનારાયણ અને પીપળાને પાણી ચઢાવતા ફોટા છે.

DSC02391     DSC02392

 

આ વખતે ધરમાં સિંગાપોરથી લઇ ગયેલા લાલટેન (ફાનસ) પણ લગાવ્યા હતા રોશની માટે. નીચે એનો ફોટો છે. એનાથી સરસ રોશની થઇ હતી. લોકોને ગમ્યો આ નવો પ્રયોગ.

DSC02021

ઇન્ડિયા ડાયરી – 3 : Ahmedabad has changed

ગયા વર્ષે જ્યારે હું ઇન્ડિયા આવેલો ત્યારે આખું અમદાવાદ ખોદાયેલું અને ધૂળિયું હતું. એ વખતે ખરેખર ખૂબ તકલીફ જેવું લાગતુ હતું. મને એમ થતું હતુ કે આ લોકો શું કરે છે? મુંબઇની જેમ અમદાવાદની પણ ખોદમખોદ કરીને વાટ તો નથી લગાવી રહ્યા ને? પણ આ વખતે આવ્યો ત્યારે મોટા ભાગના ખોદાયેલા રસ્તા પર ફ્લાય ઓવર બની ગયા છે અથવા વ્યવસ્થિત રોડ બની ગયા છે. રોડની વચ્ચે BRTS માટેનો રસ્તો અને એના સ્ટેશનો પણ તૈયાર થઇ ગયા છે. રોડ હવે પહેલા કરતા મોટા થઇ ગયા છે અને રોડની ગુણવત્તા પણ સારી છે (મુંબઇની જેમ ખાડાઓમાં રોડ નથી). ફ્લાય ઓવરના લીધે હવે ટ્રાફિકમાં અટવાયા વગર જ્યાં જવુ હોય ત્યા ફટાફટ જઇ શકાય છે. મને સર્વિસ રોડ, બે સિંગલ લેન ફ્લાય ઓવર અને વચ્ચે BRTS નો રોડ આ પ્રકારનું પ્લાનિંગ પણ ગમ્યું. આનાથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઇ જશે અને BRTS દ્વારા લોકોને એક ફાસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા પણ આપી શકાશે. (જો કે ભાડું વધારે પડતું હોવાથી BRTS હજુ એટલી લોકપ્રિય નથી થઇ) આમ થવાથી સર્વિસ રોડની આજુબાજુ રહેતા લોકોને થોડી સમસ્યા થશે કારણ કે એમને દર વખતે ફ્લાય ઓવર આગળ કે પાછળથી મેઇન રોડ પર આવવુ પડશે પણ એ કોઇ મોટી સમસ્યા ના કહેવાય મારા ખ્યાલથી.

અહીં આવીને ત્રીજા દિવસે (લગભગ ધનતેરસના દિવસે) હું સુભાષબ્રિજ થી જીવરાજ પાર્ક ગયો હતો. પહેલા તો ટ્રાફિકના લીધે આટલી મુસાફરી કરવામાં એક કલાકથી વધૂ જેટલો સમય થઇ જતો હતો પણ હવે નવા બનેલા ફ્લાય ઓવરોના લીધે હું લગભગ અડધા સમયમાં જ પહોંચી ગયો. વળી ટ્રાફિક અને પ્રદૂષણ જેવું પણ ક્યાંય લાગ્યું નહીં. એકંદરે સારો અનૂભવ રહ્યો. હજી પણ દરેક જગ્યાએ રોડ એટલા સરખા નથી થયા પણ મને લાગે છે દરેક મુખ્ય રસ્તાઓ બરાબર છે.

I think job well done, though it took much longer than my expectation.

હજી પણ મારા ઘરની સામેના ફ્લાયઓવરનું કામ કાજ 2 વર્ષ થઇ ગયા તો પણ પત્યું નથી. પૂલ આમ જોઇએ તો અમારી બાજુથી રેડી જેવો લાગે છે પણ રેલ્વે ટ્રેક પરથી હજી પૂલને ક્યારે જોડાશે એ ખબર નહીં. થોડી કામની ઝડપ વધે તો સારુ. મોદી સાહેબ કહે છે કે ખાતો નથી અને ખાવા દેતો નથી પણ જે રીતે કામ થઇ રહ્યું છે એ જોતા મોદી સાહેબ જે કહે છે એ માનવુ અઘરુ છે.

મારી નજર રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ અને ગીફ્ટેક સિટીની યોજના પર પણ છે. રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટના ભાગ રૂપે સાબરમતી નદીના પટમાં અમુક જગ્યાએ અમુક કામ થયેલું દેખાય છે પણ આ લોકો શું કરવા માંગે છે એ હજી મને સમજાતુ નથી. મને લાગે છે આ મોદી સાહેબની પંચવર્ષીય યોજનાઓ છે:). એ જ રીતે ગીફ્ટેક સિટીના પણ શું હાલ છે ખબર નહીં? મેં થોડા સમય પહેલા ઇકોનોમિક ટાઇમ્સમાં વાંચ્યું હતુ કે આ યોજના પર હજી સુધી નક્કર કામ ચાલુ થયું નથી. લાગે છે મોદી સાહેબની માયા છે બધી……

બીજું મેં એ પણ જોયું કે હવે અમદાવાદમાં મોલ કલ્ચર વધતું જાય છે. ઘણાં બધા મોલ બની ગયા છે. એમાંથી કેટલા મોલમાં લોકો કમાય છે એ તો મને ખબર નહીં પણ પબ્લિકને ફરવાની મઝા આવે છે આ બધાં મોલમાં. હું એક દિવસ ઇસ્કોન મોલ ગયો હતો ત્યારે મોટા ભાગની પબ્લિક ખાલી ફરવા માટે જ આવેલી હતી. લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે ઇસ્કોન મોલ એવું લાગે. મારી નજર સામે જ અમુક 40-50 છોકરીઓ કોઇ ગામડેથી ફરવા આવેલી હતી. escalator પર ઉભેલા એ લોકોના ચહેરા પર એક દિવ્ય આનંદ જોઇ શકાતો હતો. કંઇક એક્દમ જ નવું કરી નાંખ્યું હોય એમ એમને લાગતું હતું. ગામડાના લોકોની વાત તો જવા શહેરના લોકોને પણ હજી escalator પર જવામાં થ્રીલ લાગે છે. જે પણ હોય પબ્લિકને સારો અનૂભવ થાય છે એ વધૂ અગત્યનું છે. મને પણ ઇસ્કોન મોલ ગમ્યો. હજી પણ લોકોનું જીવનધોરણ ઉંચું આવે એવા પ્રયત્નો કરવાની જરૂર છે.

અમદાવાદની સાથે સાથે હું જ્યાં રહું છું એ સોસાયટીમાં પણ જબરદસ્ત સુધારો થઇ ગયો છે. આખી સોસાયટી જ્યાં પહેલા ધૂળ દેખાતી હતી ત્યાં હવે દરેક જગ્યાએ પથ્થર નંખાઇ ગયા છે. એટલે ચોમાસામાં કાદવકીચડ અને ગંદકીનો કોઇ પ્રશ્ન જ ના રહે. સોસાયટીની અંદર લોકોએ જેમ તેમ બાંધકામ કરીને રસ્તાઓને ગોખલા જેવા બનાવી દીધા હતા એ હવે દબાણો હટાવીને સોસાયટીની અંદર રસ્તાઓ મોટા થઇ ગયા હતા. જે રસ્તેથી પહેલા બે સ્કુટર પણ માંડ નીકળી શકે એમ હતા ત્યાંથી હવે રીક્ષા પણ જઇ શકે એટલી જગ્યા છે. સોસાયટી પહેલા કરતા બહુ ચોખ્ખી દેખાય છે. પાર્કિંગ પણ હવે એક્દમ વ્યવસ્થિત રીતે કરાય એવી જગ્યા છે. હવે દરેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ નંખાવાની છે. લાગે છે સોસાયટીની નવી વર્કિંગ કમિટી સારી અને જાગરૂક છે. મમ્મી પણ હવે સોસાયટીની કમિટીમાં કારોબારી સભ્ય છે. મને આ વાત ખૂબ જ ગમી. ખાલી વાતો કરવામાં અને બીજાની ખોદણી કરવાના બદલે આપણે જ કામ હાથમાં લઇને કરવું રહ્યું. હું અહીં RCમાં અને મમ્મી ત્યાં સોસાયટીમાં કારોબારી સભ્ય તરીકે કંઇક સારુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.  વખત જતા આ દિશામાં વધારે કામ કરવું  છે.

ટૂંકમાં મને આ વખતે અમદાવાદમાં ગઇ વખત કરતા ખરેખર બહુ સારુ લાગ્યું. આશા રાખું કે આવતા વર્ષે હું જઇશ ત્યારે આનાથી પણ વધારે અમદાવાદ સારુ થઇ જશે.

%d bloggers like this: