बूरा मत देखो, बूरा मत कहो, बूरा मत सूनो… આ છે કહેવાતા ગાંધીજીના ત્રણ વાંદરાઓની શીખામણ. આ તસ્વીર મેં અમદાવાદના પ્રાણીસંગ્રહાલયની મૂલાકાત વખતે લીધી હતી.
મેં ઘણા વર્ષો પછી અમદાવાદના પ્રાણીસંગ્રહાલયની મૂલાકાત લીધી. મને આમ તો કંઇ બદલાયેલું ના લાગ્યું. પણ એક વસ્તુ સારી લાગી કે હવે પ્ર્રાણીસંગ્રહાલયની વહીવટી કમીટી કોર્પોરેટ સ્પોંસરશીપ દ્વારા પોતાનો ખર્ચો નિકાળવાની અને સ્વનિર્ભર થવાની મહેનત કરી રહ્યું છે. સિંગાપોરનું ઝુ જોયા પછી તો અમદાવાદના પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓની ખરેખરે દયા આવે. બિચારા પ્રાણીઓ અને પક્ષીઓને એવા જેલ જેવા પાંજરામાં પૂરીને રાખ્યા છે કે એમની જીંદગીનો કોઇ મતલબ જ ના રહે. જંગલનો રાજા સિંહ બિચારો 10 x 10 ના પાંજરામાં બિચારો બિલાડીની જેમ પડ્યો રહ્યો હોય એ જોઇને કોને દયા ના આવે. એક સિંહ માટે મેં જોયું કે ખૂબ વિશાળ પાંજરું હતું જ્યારે બીજા સિંહ માટે 10 x 10 નું નાનું પાંજરું આ વાત મને વિચિત્ર લાગી. વાંદરાઓને તો એવા ના પાંજરામાં પૂરેલા છે કે જો એ જોરથી કૂદકો મારે તો પાંજરાને કે દિવાલોને અથડાઇ જાય. સિંગાપોરના દરેક પ્રાણીને એના અનુરૂપ પ્રાકૃતિક વાતાવરણમાં ખૂલ્લી જગ્યામાં રાખવામાં આવે છે. એનાથી જોનારાને પણ વધારે મઝા આવે અને પ્રાણીઓને પણ કંઇક જીંદગી જેવું લાગે પણ આપણા પ્રાણીસંગ્રહાલયમાં બધાં પ્રાણીઓ બાપડા બિચારાની જેમ નાની જગ્યામાં જાણે કમને પોતાના જીવનના બાકીના દિવસો પૂરા કરી રહ્યા હોય એમ લાગે. આ બાબતે અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના ખાલી રીંછ નસીબદાર છે. બે રીંછને પ્રમાણસર એવી ખૂલ્લી જગ્યામાં પાંજરા વગર રાખવામાં આવ્યા છે. કદાચ બધાં પ્રાણીઓ એ બે રીંછની ઇર્ષા કરતા હશે. પણ જો હું ખોટો ના હોઉ તો રીંછની સારસંભાળ માટે કોઇ કોર્પોરેટ સ્પોંસરશીપ છે જેથી કરીને એમની દશા થોડી સારી છે. મને પણ થયું કે ક્યારેક મારી પાસે પણ થોડા પૈસા આવે અને જંગલના રાજા સિંહને સ્પોંસર કરી એના માટે એના નામ અને રૂતબાને અનૂરૂપ પ્રાકૃતિક વાતવરણમાં પાંજરા વગર રહેવાની વ્યવસ્થા કરી આપું.
આપણા ભારત દેશમાં જેમ દરેક માણસની ઇચ્છા હોય છે કે પરદેશ જવા મળે તો સારુ, જીંદગી બની જાય. એમ મારા ખ્યાલથી આ પ્રાણીઓ પણ વિચારતા હશે કે કાશ મારા પાસપોર્ટ પર પણ એકાદ થપ્પો વાગી જાય તો જીંદગી સુધરી જાય.
Filed under: 2008, અમદાવાદ, ઇન્ડિયા ડાયરી, રોજનીશી | Tagged: અમદાવાદ, ઇન્ડિયા ડાયરી, પ્રાણીસંગ્રહાલય | 1 Comment »