થોડી સમાજસેવા

RC(Resident Committee)માં હું લગભગ 4-5 મહિનાથી સભ્ય છું પણ હવે RCની મિટીંગમાં અને એના કાર્યક્ર્મોમાં નિયમિત રીતે જવાનુ શરૂ કર્યું છે. RC મિટીંગમાં હાજરી આપવા ઉપરાંત  છેલ્લા 10 દિવસમાં RCના બે કાર્યક્રમોમાં હાજરી મેં હાજરી આપી. ગયા રવિવારે RC દ્વારા “Clean n Green Day” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો કે લોકોમાં સ્વચ્છતા પ્રતિ જાગરૂકતા લાવવી અને સ્વચ્છતા જાળવવા માટે શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ એ સમજાવવાનો. (આમા પણ સિંગાપોરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હોય છે. અહીં મોલ વગેરેના બાથરૂમો આપણા ઘરના બાથરૂમો કરતા પણ વધારે સાફ લાગે એવા હોય છે :)) સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ શું કરી શકાય એ માટે માહિતી અપાઇ હતી. RC એ આ કાર્યક્રમમાં દ્વારા “Anti littering Ambassador” પણ નિયુક્ત કર્યા જે નિયમિત રીતે રહેવાસી એરિયામાં ચક્કર લગાવીને જે તે એરિયા સ્વચ્છ રહે છે કે નહીં એ જોશે અને જો કોઇ ગંદકી જણાય તો Town councilને જાણ કરીને ગંદકીનો નિકાલ કરાવડાવશે. વળી જો કોઇના નસીબે ગંદો ગોબરો પાડોશી ભટકાયો હોય તો એ પાડોશી વિશે ફરિયાદ પણ કરી શકાય અને આ Ambassador ભાઇ માંડવલી કરવાનો પ્રયત્ન કરશે. (જો કે આ પ્રતિનિધિ પાસે કોઇ enforcement power નહીં હોય અને ખાલી લોકોને સમજાવવા સિવાય એ કશું નહીં કરી શકે. કાગળ પર આ આયોજન આમ તો ઉત્તમ લાગે પણ વાસ્તવિકતામાં મને નથી લાગતું કે આ પગલું બહુ અસરકારક નીવડે.) સાથે સાથે દરેક ઝોન પ્રમાણે અમુક સફાઇ કામદારો જેમણે સારુ કામ કર્યું હતુ એમને મંચ પર બોલાવી વાઉચર વગેરે આપીને સમ્માન પણ કરવામાં આવ્યુ હતું. (ઇન્ડિયામાં આવુ કદાચ ક્યારેય નહીં બને કે સંસદ સભ્ય એક સફાઇ કામદારને પોતાની સાથે મંચ પર બોલાવીને એનું પોતાના હસ્તે સમ્માન કરે પણ સિંગાપોરમાં એવો ભેદભાવ નથી. જો કે એક અંદરની વાત એ પણ છે કે સફાઇ કામદારોને આપેલા વાઉચરોનો ખર્ચો એમના જે તે કોંન્ટ્રાક્ટરો પર નાંખવામાં આવ્યો હતો :)).

પહેલા યોજના એવી હતી કે અમારા એરિયામાં એક કાયમી Butterfly Parkનું નિર્માણ કરવું અને આ કાર્યક્ર્મ દરમ્યાન આ પાર્કનું લોકાર્પણ કરવુ. પણ આયોજકો બધાં મોડેથી જાગ્યા અને થોડા સમયમાં Butterfly Park ઉભું કરવું શક્ય નહોતું. વળી એક વખત Butterfly Park બની ગયા બાદ એના નિભાવની જવાબદારી કોની અને એ નિભાવ માટે ખર્ચો કોણ કરે બાબત પર સમજૂતી ના થઇ શકી એટલે આ યોજના હાલ પૂરતી ખોરંભે ચઢી ગઇ. જો કે આ Butterfly Park નો વિચાર હજી પણ જીવંત છે એટલે ક્દાચ હજી પણ આ વિચાર પર પાછળથી અમલ થઇ શકે છે.

કાર્યક્રમમાં આમ તો બીજુ કંઇ ખાસ નહોતું પણ પબ્લિક ઘણી બધી હતી. કાર્યક્રમની 3 ડોલર ટિકીટ રાખવામાં આવી હતી છતાં પણ પબ્લિક આવી હતી. નવાઇ ના લાગે કે પબ્લિક 3 ડોલર આપીને પણ આવા કાર્યક્રમોમાં આવે? પણ નવાઇ પામવા જેવું કશું નથી કારણ કે અહીં તમે કોઇ પણ કાર્યક્ર્મમાં જાઓ એટલે તમે ખર્ચો એના કરતા વધારે જ તમને મળે. આ વખતે 3 ડોલરની ટિકીટમાં McDonaldsનો નાસ્તો અને એક ડ્રીંક આપવામાં આવ્યું હતું. McDonaldsનો નાસ્તો અહીં 5 ડોલરમાં પડે એટલે જો તમે ટિકીટ લો તો 2 ડોલર તમારા બચી જાય. વળી ટિકીટ લો એટલે કાર્યક્રમના અંતે Goodie Bag પણ મળે જેમાં પેન, ડાયરી, કેલેન્ડર, કીચેન, ડિસ્કાઉન્ટ કૂપનો અને બીજી પરચૂરણ આઇટમો હોય. (જેવો પ્રોગ્રામ એવી Goodie Bag.) વળી કાર્યક્રમના અંતે લકી ડ્રો તો હોય જ. એટલે અહીંની પબ્લિકને 3 ડોલરમાં ટિકીટ ખરીદીને પણ ફાયદો જ છે. (જે લોકોને એવી ગલતફહેમી હોય કે આપણે ભારતીયો જ ખાલી મફતિયું શોધીએ છીએ તો તમે ભૂલો છો. કાગડા બધે કાળ જ છે. :))

મેં આ કાર્યક્રમાં લોકોને Goodie Bag વહેંચવામાં અને Welcome Gift આપવામાં મદદ કરી. મારાથી તો McDonaldsનો નાસ્તો ખાઇ શકાય એવું નહોતું (કારણ કે હું રહ્યો શુધ્ધ શાકાહારી માણસ) પણ છેલ્લે કાર્યક્રમ પત્યા બાદ એપલ જ્યુસનું એક આખું ક્રેટ ઉઠાવતો આવ્યો અને મિનરલ વોટરની અમુક બોટલો પણ લેતો આવ્યો. કાર્યકર્મના અંતે જે પણ વધ્યું હોય એ બધું કાર્યકરોને વહેંચી દેતા હોય છે પણ માણસ લઇ લઇને પણ કેટલું લે એ સવાલ છે. મારા ઘરે હવે પેન, કી ચેન અને ડાયરીઓના ઢગલા થઇ ગયા છે. 🙂

ગઇ કાલે બીજો એક મહત્ત્વનો કાર્યક્રમ હતો અને એમાં પણ મેં હાજરી આપી. અહીં સંસદ સભ્યો નિયમિત રીતે બ્લોક પ્રમાણે રહેવાસીઓની મૂલાકાત લેતા હોય છે. મૂલાકાત એટલે ખાલી બધાને ભેગા કરીને મળી લેવાનું નહીં પરંતુ દરવાજે દરવાજે જઇને દરેકને મળવાનું. (ભારતીયોને આ વાંચીને નવાઇ લાગે કારણ કે આપણે ત્યાં નેતાઓ દરવાજે દરવાજે ખાલી ચૂંટણી સમયે મતની ભીખ માંગવા જ આવતા હોય છે.) Meet n Greetના અહીં અનેક પ્રોગ્રામો થતા હોય છે. આપણા ઇન્ડિયામાં સંસદ સભ્યને મળવામાં તો પરસેવો છૂટી જાય પણ અહીં સંસદ સભ્યો એટલા મોંઘા નથી. એ લોકો દર વખતે અલગ અલગ કાર્યક્રમો દ્રારા પ્રજાની વચ્ચે જ રહેતા હોય છે. આ મારા ખ્યાલથી આવકારવાદાયક વાત છે અહીંની રાજનીતિની.

ગઇ કાલે આ door to door visit દરમ્યાન મારી અને અમુક બીજા સભ્યોની જવાબદારી એ હતી કે સંસદ સભ્ય જે માળ પર લોકોની મૂલાકાત લઇ રહ્યા હોય એનાથી નીચેની માળ પર આવેલા રહેવાસીઓને જણાવવાનું કે સંસદ સભ્ય આવી રહ્યા છે અને એમને કોઇ સમસ્યા હોય તો તેઓ સંસદ સભ્યને જણાવી શકે છે. આમ કરવાનું કારણ એ કે સંસદ સભ્યના અને કાર્યકરોના સમયનો સદ્દઉપયોગ કરી શકાય. વળી બીજી એક અગત્યની વાત મારા ધ્યાનમાં એ પણ આવી કે આમ કરવા પાછળનું બીજુ કારણ એ પણ હતું કે લોકોની privacyનું માન રાખવું. Privacy એટલા માટે કે અમુક રહેવાસીઓ એવા હોય કે જેઓ સંસદ સભ્યને ના મળવા માંગતા હોય તો એમના પર કોઇ જોર જબરદસ્તી નથી કે એમણે સંસદસભ્યને મળવું જ પડે. અમુક રહેવાસીઓ એવા પણ મને જોવા મળ્યા જેમણે મને કહ્યું કે એ લોકોને કોઇ સમસ્યા નથી અને તેઓ સંસદ સભ્યને નથી મળવા માંગતા. જ્યારે બે રહેવાસીઓ એવા પણ હતા કે એમને ક્દાચ સંસદ સભ્ય સાથે વાંધો હશે કે શું ખબર પણ દરવાજો મોં પર મારીને અમને ભગાવી દીધા. (ગઇ કાલે આવા બે રહેવાસીઓનો અનૂભવ મારા સહ કાર્યકરોને થયો.) જે લોકોને ના મળવું હોય કે જે લોકોના ઘર બંધ હોય એમના ઘર પર ટેગ છોડવામાં આવે જેમાં લખેલું હોય કે તમારા સંસદસભ્ય તમને મળવા આવ્યા હતા પણ કોઇ કારણો સર રૂબરૂ ના મળી શકાયું. વળી રહેવાસીને સંસદ સભ્યનો પાછળથી સંપર્ક કરવો હોય તો સંપર્ક કરવા માટેની બધી માહિતી ટેગમાં લખેલી હોય. એકદમ perfect નહીં?

આ સંપર્ક યાત્રા દરમ્યાન મને લોકોની તકલીફો વિશે તો બહુ જાણવા ના મળ્યું કારણ કે હું સંસદ સભ્ય સાથે તો હતો નહીં. હજી આ ક્ષ્રેત્રમાં પા.. પા.. પગલી જેવું છે એટલે થોડો સમય લાગશે નક્કર કામોને કરવામાં. 140 ઘરોમાંથી અમે 55 ઘરોમાં લોકો સાથે મૂલાકાત કરી શક્યા. ટકાવારી જોવા જઇએ 39.28% જેટલી રહી પણ ઓછી ટકાવારીનું કારણ એ પણ હતું કે ઘણાં બધા ઘરો બંધ હતા. છેવટે બધાએ સાથે બેસીને સંસદ સભ્ય સાથે અમુક સમસ્યાઓની ચર્ચા કરી અને ત્યારા બાદ લોકો અને સંસદ સભ્ય થોડો નાસ્તો કરીને રવાના થયા. (ફરીથી મારા માટે નાસ્તો કરવાનો કોઇ પ્રશ્ન નહોતો કારણ કે હું રહ્યો શુધ્ધ શાકાહારી માણસ.) સંસદ સભ્યે છેલ્લે મને પણ પૂછ્યું કે તમે પહેલી વાર આ રીતના કાર્યક્રમમાં ભાગ લીધો છે તો તમને કેવું લાગ્યું? દરેક નાના મોટા કાર્યકરની નોંધ લેવાય એ પણ આવકારવાદાયક જ કહેવાયને?

એકંદરે Door to Door મૂલાકાત લેવાનો આ પ્રયાસ મને સારો લાગ્યો. સિંગાપોર નાની જગ્યા છે એટલે આ પ્રકારની વ્યવસ્થા સફળ પણ થઇ શકે. જો કે આ કાર્યક્રમ વિશે અમુક વસ્તુઓ મેં નોંધી છે જે આવતી મિંટીંગમાં feedback તરીકે જણાવીશ. વળી આવતી મિટીંગમાં ઇન્ડિયન કોમ્યુનિટીનો એક પ્રશ્ન પણ ધ્યાનમાં લાવવાનો છે. હવે હું અધિકૃત રીતે Grassroot Member થઇ ગયો છું(આવતા અઠવાડિયા આ માટેની trainingમાં પણ જવાનું છે) એટલે મારે પણ સક્રિય રીતે જે પણ બને એ યોગદાન કરવું જોઇએ લોકોના પ્રશ્નો ઉજાગર કરવામાં.

છેવટે થોડી સમાજ સેવા કરવાનું શરૂ તો કર્યું છે. અહીંનું તંત્ર ભારત કરતા સુવ્યવસ્થિત છે એટલે બહુ અગવડ પડે એવું નથી. (ખાલી એક જ તકલીફ છે અને એ છે ભાષાની. અહીંની ઘણી બધી ચાઇનીઝ અને મલય પ્રજા એમની ભાષા જ સમજી શકે છે અને મને અંગ્રેજી સિવાય કશું નથી આવડતું. એટલે અમુક વખતે એમની સાથે વાતચીત કરવામાં તકલીફ પડે.) સેવા કરતા મેવા મળશે કે નહીં એ તો ખબર નહીં પણ આત્મ સંતોષ તો જરૂર મળશે. બસ ખાલી આ સમાજ સેવાનો તાવ ઉતરી ના જાય એ જોવાનું છે 🙂

Advertisements

3 Responses

 1. સરસ. સિંગાપોર અને ભારતમાં મોટો ફરક એ છે કે સિંગાપોર ખાડિયા જેટલું છે. સંસદસભ્યો મળવા માંગે તો ય કેટલા ઘરની મુલાકાત લે? હા, મુદ્દાની વાત છે એવો વિચાર પણ કોઈ સંસદસભ્ય કરતા નથી.

  ૨જી, ૩જી કે બીજી કોઈ પળોજણમાંથી નવરા આવે તો સમય મળે ને?

  • કાર્તિક,
   સિંગાપોરનો વિસ્તાર બહુ ઓછો છે એ વાતનો સિંગાપોરને ફાયદો છે પણ વિસ્તાર નાનો હોવાની સાથે સાથે કાર્ય કરવા માટેની ઇચ્છા શક્તિ પણ જરૂરી છે અને એ અહીંના રાજકારણીઓમાં છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ભારતના રાજકારણીઓ માત્ર પોતાના ગજવા ભરવામાં જ લાગ્યા છે પછી ભલે ને દેશ વેચાઇ જાય.

   અહીં પણ બધુ દૂધે ધોયેલું નથી પણ ભારત કરતા તો 100% સારુ જ છે.

 2. તમારા અનુભવોની વાતો રસ પડે એવી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: