નવરાત્રી

આજથી નવરાત્રી શરૂ થઇ રહી છે. નવરાત્રીના દિવસો દરમ્યાન દરરોજ સાંજે સહ પરિવાર (જો કે સહ પરિવારમાં ઇન મીન તીન સિવાય છે કોણ ? :)) માતાજીની આરતી અને સ્તુતિ કરીશું અને પછી જ રાત્રિ ભોજન કરીશું. આ ક્રમને સિંગાપોર આવ્યા બાદ હજી સુધી તો દરેક નવરાત્રીમાં જાળવી રાખ્યો છે અને ભવિષ્યમાં પણ જાળવી રાખીશું. નવરાત્રી એક અવસર છે ભગવાનની આરાધના કરવાનો અને ભગવાનની સમીપ જવાનો. મને આમ કરવામાં સારુ લાગે છે પણ રુહીને આમ કરવામાં મજા નથી આવતી. આજે  રુહીને સાથે લઇને આરતી કરી રહ્યા હતા તો રુહીને તરત જ કંટાળો આવવા લાગ્યો અને ચહેરો એકદમ ઉદાસ થઇ ગયો એટલે એને દબાણ કરીને બેસાડી ના રાખતા જવા દીધી. હવે આવતી કાલે આ આરતીનો કાર્યક્રમ રુહી માટે રસપ્રદ બને એવું કંઇક વિચારવું પડશે. 🙂

નવરાત્રીના તહેવારની સાથે યાદોનો ખજાનો જોડાયેલો છે. નાના હતા ત્યારે સોસાયટીમાં ચાર બ્લોક વચ્ચે દરેક ઘરમાંથી ફાળો ઉઘરાવીને એક મલ્લામાતાની સ્થાપના કરતા. રાત્રે બધા લોકો સાથે મળી રોજ આરતી અને સ્તુતિ કરતા.  આરતી બાદ પ્રસાદની વહેંચણી, લોકો સાથે વાતચીતો અને ચર્ચાનો દોર. ત્યારબાદ સોસાયટીમાં જ થતા શેરી ગરબામાં અમે બધાં મિત્રો ખેલૈયા બનીને મન મૂકીને સવારના 3-4 વાગ્યા સુધી રાસ ગરબા રમવાનો આનંદ માણતા. નવરાત્રીના એ નવ દિવસો દરમ્યાન મારી આખી જીવન પધ્ધતિ બદલાઇ જતી. એ જમાનામાં દિવાળી કરતા પણ નવરાત્રી મારા માટે મોટો તહેવાર હતો. અમારી સોસાયટીમાં મોટા ભાગની પ્રજા ગરબા પ્રેમી હતી. નવરાત્રી હોય કે ઉત્તરાયણ હોય, સત્યનારાયણની કથા હોય કે પછી કોઇને ત્યાં લગ્ન પ્રસંગ હોય ગરબા અચૂક થતા. વગાડનારા થાકી જતા પણ અમે નાચનારા થાકતા નહીં એવી હાલત હતી. યાદોના આ પાનાઓમાં ઘણી બધી સુવાળી યાદો પણ કોતરાયેલી હોય જ છે. પણ….

પણ સમય બદલાતો રહે છે. ધીરે ધીરે પાર્ટી પ્લોટોના દૂષણના લીધે શેરી ગરબા નષ્ટ થતા ગયા એટલે સોસાયટીમાં થતા ગરબાની ગરિમા થોડી ઓછી થતી ગઇ. જેમ જેમ અમે મિત્રો મોટા થતા ગયા એમ એમ ભણતર કે નોકરીના બહાને અમે સોસાયટીનો માળો છોડીને બહાર નિકળતા ગયા. જે લોકો પાસે રૂપિયા વધી ગયા એ લોકો બીજે સ્થળાંતર કરી ગયા. કળિયુગના પ્રભાવે લોકોના મન પણ નાના થવા લાગ્યા. લોકોની જોડે હવે સામે બારણે રહેતા પાડોસી સાથે પણ વાત કરવાનો સમય નથી. બીજા પણ અમુક કારણો છે કે જેના કારણે જે એક નિર્દોષ આનંદ અને મોજ મજા જીંદગીની હતી એ લુપ્ત થતી ગઇ. હાલમાં અમારી સોસાયટીમાં રાસ ગરબાનું આયોજન થાય છે કે નહીં એ પણ મને નથી ખબર. આજે પહેલાના સોસાયટીના મિત્રોમાં ફક્ત એક જ મિત્ર છે કે જે હજી પણ સોસાયટીમાં રહે છે. આજે પહેલા જેવું કશું બચ્યું જ નથી એમ જ કહી શકાય. એ અદ્દ્ભૂત સમય હવે ફક્ત યાદોમાં જ ફરીથી જીવી શકાય એમ છે. આ લખતા લખતા પણ ઘણી બધી યાદોને યાદ કરીને હું જાણે ફરીથી એ યાદોને જીવી ગયો હોઉ એમ લાગે છે. એમ થાય છે કે ફરીથી એ સમય જીવવા મળે તો કેવી મજા આવે? ઘણી વખત મને એમ લાગે છે કે આપણે પ્રગતિના નામ પર સામાજીક સ્તરે તો અધોગતિ તરફ જ ધકેલાઇ રહ્યા છે.

છેલ્લા 3 વર્ષથી અહીં સિંગાપોરમાં માત્ર એક કે બે દિવસ ગરબા રમીને નવરાત્રીનો આનંદ માણી લઇએ છીએ જો કે એની પણ મજા છે. આવતી કાલે પણ રાસ ગરબાના કાર્યક્રમમાં જવાનું છે. હવે પહેલાની જેમ ખેલૈયા તો નથી રહ્યા  એટલે ગરબા રમીને નહીં પણ એ માહોલને માણવાનો આનંદ લઇએ છીએ.

One Response

  1. ભાઈ શ્રી ,
    આપ સિંગાપોર છો . અને ત્યાં રહીને પણ ખુલ્લી આખે
    અમદાવાદના સ્વપ્ના જુઓ છો. ભૂતકાળની વાતોને
    વાગોળી યાદ કરો છો તે જ બતાવે છેકે આપ માતૃભૂમિને
    ભૂલ્યા નથી. એજ સાચો વતન પ્રેમ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: